অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

યોગાભ્યાસથી મનને સ્વચ્છ કરવાની પ્રક્રિયા

યોગાભ્યાસથી મનને સ્વચ્છ કરવાની પ્રક્રિયા

પ્રાચીન તત્ત્વજ્ઞાનનાં ગ્રંથોમાં આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે અહંભાવનો ત્યાગ કરવો જોઇએ. પરંતુ ત્યાં સૌથી મોટો પ્રશ્ન એ આવે કે અહંનો ત્યાગ કરવો કેવી રીતે/ કેમકે, મારા જેવા સામાન્ય માણસનાં મનમાં તો એવું જ લાગે કે આ તો માત્ર બોલવાની વાત છે. વ્યવહારમાં તો અહંનો ત્યાગ સંભવ જ નથી. હું શું સ્વયંને ભૂલી શકું છું/ ‘મને’ ભૂખ લાગે છે. ‘મારું’ માથું દુ:ખે છે, ‘મારે’ ગોળી લેવી પડશે. આ સ્થિતિમાં આવી ભાષાને શું ફાયદો કે હું ‘સ્વયં’ને ભૂલી જાઉં/ બધા જ શારીરિક દુ:ખ ‘મારા’ હોય છે અને તે સત્ય છે. માટે જ વેદાન્તમાં લખવામાં આવ્યું છે કે વિચાર સાંભળી તો શકું છું પરંતુ તેને આચરણમાં મૂકવા અઘરા છે.

જેવી રીતે શરીરનાં દુ:ખ હોય છે, તેવી જ રીતે કેટલાંક મનનાં પણ દુ:ખ હોય છે. એ સત્ય છે કે માનવ, મનનાં સ્તર સાથે જીવતું પ્રાણી છે. તેનાં મોટાભાગનાં દુ:ખ મનનાં હોય છે, શરીરનાં નહીં. ‘મારે’ પત્ની સાથે બનતું નથી, બાળકો ‘મારું’ કહ્યું માનતા નથી, કચેરીમાં ‘મારું’ અપમાન થાય છે, આ માનસિક દુ:ખ શું ખોટા છે/ તે વ્યક્તિગત છે. એટલે કે ગમે તે હોય પણ ‘કામ અને ક્રોધનું સ્થાન’ મારા જીવનમાં મહત્ત્વ ધરાવે છે. આ સ્થિતિમાં મારી અહંતા ખંડિત કેવી રીતે થાય/ આ સ્થિતિમાં આપણી સહાયે આવે છે, ‘ભારતીય યોગશાસ્ત્ર’. ભારતીય યોગશાસ્ત્ર આ દૃષ્ટિએ તો ખરેખર માનસશાસ્ત્ર જ છે. આપણે યોગશાસ્ત્રનો મૂળ વિચાર કરીએ તો યોગશાસ્ત્રની દૃષ્ટિએ વિકાર ત્રણ પ્રકારનાં હોય છે, શારીરિક, માનસિક અને આત્મિક(અહંકાર)નાં. આ તો ઠીક છે કે માથું દુ:ખે તો ગોળી ખાવી પડે. કાનમાં દર્દ થાય અથવા ઠોકર લાગે તો આપણું ધ્યાન સહજરૂપે વેદના તરફ લાગે. આ સ્થિતિમાં શરીરને ભૂલવું અશક્ય છે. માટે જ યોગશાસ્ત્ર કહે છે કે જો તમે ઇચ્છો છો કે મન શરીરથી ‘મુક્ત’ રહે, તો તમારું શરીર સ્વસ્થ રહે તે ખૂબ જ આવશ્યક છે. શરીર સ્વસ્થ હશે તો તેની તરફ તમારું ધ્યાન નહીં જાય. માથું દુ:ખશે તો માથું હોવાની ભાવના જાગૃત થાય છે, અન્યથા નહીં. માટે જ મનની દૃષ્ટિથી શરીરશૂન્યતાની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે શરીરનું સ્વસ્થ હોવું આવશ્યક છે. શરીરનાં સ્વાસ્થ્ય માટે યોગાસન જ એક સાચો ઉપાય છે.

યોગાસન માત્ર વ્યાયામ નથી અને અન્ય વ્યાયામ યોગાસનનું સ્થાન લઇ પણ ન શકે. યોગાસનનો કોઇ વિકલ્પ નથી. પછી તમે ક્રિકેટ રમો કે ટેબલ-ટેનિસ અથવા અન્ય કોઇ રમત પરંતુ તે કોઇપણ રમત યોગાસનનું સ્થાન ન લઇ શકે. તેનું કારણ એ છે કે યોગાસનમાં શરીર અને મન – એમ બંને માટે વિચાર થયો છે. આપણું સ્વાસ્થ્ય ‘અંત:સ્રાવી ગ્રંથી’ઓ ઉપર નિર્ભર હોય છે. આ ગ્રંથીઓ કાર્યક્ષમ બનાવવા માટે યોજના તૈયાર કરાઇ છે. આ જ કારણ છે કે યોગી શરીરથી સુદૃઢ ન દેખાતો હોય છતાં તેનું જીવન નિરામય હોય છે.

બીજો વિકાર છે, કામ-ક્રોધનો. આમ જોઇએ તો વિકારનાં પ્રકાર ૬ છે, પરંતુ તેમાં પણ કામ અને ક્રોધ વધુ તીવ્ર છે. તેમાં પણ ક્રોધ તો કામનું જ બીજું રૂપ છે. શંકરાચાર્ય કહે છે કે કામ હારી જાય ત્યારે ક્રોધનો જન્મ થાય છે. તેનો અર્થ એ છે કે મારી ઇચ્છાપૂર્તિમાં કોઇ બાધક બને તો કામ, ક્રોધમાં રૂપાંતરિત થઇ જાય છે. ઉપભોગની તીવ્ર ઇચ્છા જ કામ કહેવાય છે. સામાન્ય રીતે સાધારણ ઇચ્છાઓને ‘કામ’ નથી કહેતા. પ્રાણાયામનો અર્થ છે, શ્વાસની નિયમબદ્ધતા અને પ્રમાણબદ્ધતા. તમારી સામે એ પ્રશ્ન આવશે કે તેનો કામ-ક્રોધ જેવા વિચારો સાથે શું સંબંધ છે/ આપણા શાસ્ત્રકારોએ આ સંદર્ભમાં ખૂબ વિચાર કર્યો છે. કામ અને ક્રોધ – આ બંને વિકારોમાં શ્વાસોચ્છશ્વાસ તીવ્ર થાય છે અને વિખરાઇ જાય છે. શ્વાસોચ્છશ્વાસ ધીમા, નિયમિત અને પ્રમાણબદ્ધ હોય તો તે વિકાર સરળતાથી કાબૂમાં આવી જાય છે. માટે નિયમિત રીતે પ્રાણાયામ કરવાથી કામ-ક્રોધ ઉપર અધિકાર પ્રાપ્ત કરી શકાય છે.

મન ઉપર સંસ્કાર કરવામાં આવે છે અને તેનું જ મહત્ત્વ છે. અગાઉ પડેલાં સંસ્કારોને દૂર કરવા પણ એટલા જ જરૂરી છે. ચાંગદેવે જ્ઞાનેશ્વરને પત્રના નામે એક કોરો કાગળ મોકલ્યો. તેનાં ઉપર સહી પણ ન કરી. ચાંગદેવ યોગી હતા, માટે તેમણે કોરો પણ અર્થપૂર્ણ પત્ર મોકલ્યો. કોરો એટલે ખાલી, સ્વચ્છ, જ્ઞાનગ્રહણક્ષમ. કોરો હોય તો જ તેના ઉપર કંઇક લખી શકાય. પહેલાથી ભરાયેલી ગાગરમાં શું ભરી શકાય/ ચાંગદેવે કોરો પત્ર મોકલીને એ દર્શાવ્યું કે તેમણે પોતાનાં મનનાં જૂનાં સંસ્કારો સ્વચ્છ કર્યા છે. હવે નવું જ્ઞાન પ્રાપ્ત કરવા તે લાયક બન્યું છે.

યોગાભ્યાસનો આ જ ઉદ્દેશ્ય છે. કોરું એટલે સ્વચ્છ બનવું. મન ઉપર પડેલાં અગાઉનાં સંસ્કારોને દૂર કરવા. તે સરળ નથી. યાદ કરવું અથવા સ્મૃતિનું જેટલું મહત્ત્વ છે, એટલું જ મહત્ત્વ ભૂલવાનું છે.

સ્ત્રતો: નવગુજરાત સમય

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate