অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આજની નારી માટે હઠીલી મૂંઝવણ મારો હેરફોલ

આજની નારી માટે હઠીલી મૂંઝવણ મારો હેરફોલ

આજના દિવસે વિચારીએ કે સ્ત્રીને કોઈ પણ ઉંમરે મૂંઝવતી સમસ્યા કઈ?
વાળ : વાળથી સ્ત્રીનું સૌંદર્ય નિખરી ઊઠે એ હકીકતથી કોણ અજાણ છે ? એક તબક્કો એવો હતો કે જ્યારે શિયાળામાં ખોડાની ફરિયાદ હોય, ઉનાળામાં જૂ-લીખની અને ચોમાસામાં ખરતા વાળની ફરિયાદ કરતા દર્દીઓ આવે. પહેલાં ૧૦માંથી ૧ કે ૨ દર્દીઓને વાળને લગતી સમસ્યા હોય. પરંતુ છેલ્લાં ૮-૧૦ વર્ષની અલગ ચિત્ર ઉપસી રહ્યું છે. અઢાર વર્ષની યુવતિ હોય કે ૬પ વર્ષ વૃદ્ધા હોય બધાને વાળ ખરવાની સમસ્યા છે. અને એને કારણે જથ્થો ઓછો થઈ જાય છે.

નાની ઉંમરમાં વાળ સફેદ

બીજી એક વધુ વકરતી સમસ્યા નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જવાની છે.

સાન ફ્રાન્સિસકોના એક ડર્મેટોલોજિસ્ટ કહે છે કે રોજ અમુક માત્રામાં વાળ ખરતા જ હોય છે અને તે કુદરતી છે. પરંતુ જો તેની માત્રા ૬૦-૭૦થી વધી જાય ત્યારે તેની વિશિષ્ટ સંભાળ અને સારવાર લેવી જોઈએ.

વાળની સંભાળ

વાળની સંભાળ જે રીતે અને જે સમયે લેવી જોઈએ એ નથી લેવાતી અને વાળ જ્યારે તકલીફ આપવા લાગે છે ત્યારે ડોક્ટર કે વૈદ્ય પાસે નારી દોડે છે.

આ રહી વાળની સંભાળની ટીપ્સ

દૂધ : રોજ સવારે સાકર અને ઈલાયચીવાળું ગાયનું દૂધ પીવું. ગાયના દૂધમાં વાળને પોષણ આપનાર કેલ્શિયમ, પ્રોટીન અને વિટામીન- ડી સારી માત્રામાં છે.

ફ્રુટ્સ : સવારે ખાલી પેટે ફ્રુટ્સ જ્યુસ ક્યારેય ન પીવો. દિવસ દરમિયાન ઋતુ અનુસાર જ તાજાં ફળો કાપીને ખાવાં. જેમ કે ચોમાસામાં તડબૂચ ન ખવાય અને શિયાળામાં કેરીનો રસના પીવાય.

માથામાં તેલ નાખવું : નિયમિત રીતે વાળમાં તેલ નાખવું. હળવે હાથે વાળના મૂળ પાસે મસાજ કરવું અને લાંબા વાળ હોય તો ૧૦ મિનિટ પછી વાળ ઓળવા, ગળીના છોડનાં પાન, ભાંગરો, આમળાં, બહેડાં, બ્રાહ્મી વગેરે ઔષધિઓને કોપરેલમાં પ્રોસેસ કરીને બનાવેલું તેલ શ્રેષ્ઠ છે.

હેરવોશ : કોરા વાળ ક્યારે ન ધોવા અરીઠા, આમળાં અને શિકાકાઈના ઉકાળાથી વાળ ધોવા.

અરીઠા - ૧ ભાગ, આમળા-૧ ભાગ અને શિકાકાઈ-૨ ભાગ ને રાત્રે પલાળીને સવારે ઉકાળીને ગાળીને આ ઉકાળાથી વાળ ધોવાથી વાળ લચકીલા બને છે. ચમક-લસ્ટર ખૂબ વધે છે.

શેમ્પુ : જો તમારે શેમ્પુ વાપરવું હોય તો માઈલ્ડ અને સારી બ્રાન્ડનું વાપરવું વારંવાર બ્રાન્ડ બદલવાથી એમાંનાં કેમિકલ્સ બદલાય છે અને વાળને નુકસાન પહોંચાડી શકે છે.

હેર પેક : જટામાંસી, આમળા, ભૃંગરાજના પાવડરને સરખા ભાગે લઈ દૂધમાં પલાળવું. એ પેસ્ટને પાંથીએ પાંથી લગાડીને ૨૦-3૦ મિનિટ રાખીને વાળને સારી રીતે ધોઈ નાખવા. આ પ્રયોગ અઠવાડિયે એકવાર કરવો.

હેરસ્ટાઈલ અને કેમિકલ્સ : યુવતીઓમાં હેર સ્ટ્રેટનિંગ - વાળને સીધા કરવા કે હેર પર્મિંગ - વાળ વાંકડિયા કરવા ખૂબ પ્રચલિત છે. સ્ટાઈલીશ દેખાવા માટે હેરજેલનો પણ ઉપયોગ ખૂબ વધી રહ્યો છે. આના વારંવાર ઉપયોગથી વાળમાં બહારના આવરણ-ક્યુટિક્સની સ્થિતિસ્થાપકતા ઓછી જઈ જાય છે. પરિણામે રફ વાળ, ખરતા વાળ, ખોડો જેવી સમસ્યાઓ ઉદભવે છે.

પગના તળિયે ઘી ઘસવું : રાત્રે સૂતી વખતે પગના તળિયે કાંસાની વાડકીથી ગાયનું ઘી ઘસવું. પાંચ-પાંચ મિનિટ ઘસવું. જેનાથી સ્ટ્રેસ ઘટે છે, મન શાંત થાય છે. શરીરનું પિત્ત શાંત થાય છે. નવા વાળ ઊગે છે અને ઊગેલા વાળ ટકી રહે છે.

ખોરાક : તાજો રાંધેલો ખોરાક ખાવો. વારંવાર ગરમ કરેલો કે ડીપફ્રિઝમાંથી કાઢીને ઓવનમાં ગરમ કરેલા ખોરાકનું પોષણ મૂલ્ય નહીંવત થઈ જાય છે.

પેન્ટોટોનિક એસિડ : એક રીસર્ચ પ્રમાણે છડયા વગરના ચોખામાંથી પેન્ટોટોનિક એસિડ મળે છે. આયુર્વેદમાં શાસ્ત્રમાં તો હજારો વર્ષ પૂર્વે લાલ ચોખા ખાવાનું કહ્યું છે. આ પેન્ટોટોનિક એસિડવાળના બાહ્ય આવરણને મજબૂત બનાવે છે. અને Splept end -દ્વિમુખી વાળ થતાં અટકાવે છે.

વિટામીન H - બાયોટીન : વિટામીન B કોમ્પલેક્ષનું એક ઘટક છે. દૂધમાંથી બાયોટીન મળી રહે છે. આથો લાવીને તૈયાર કરેલી વસ્તુઓમાંથી પણ બાયોટીન મળી રહે છે. આ બાયોટીનની ઉણપથી વાળ ખરવા, વાળ સફેદ થવા, ટાલ પડવી અને વગેરે સમસ્યાઓ ઉદભવી શકે છે. સફરજન અને તાજા શાકભાજીમાંથી પણ બાયોટીન મળે છે.

ઝિન્ક : ઝિન્ક વાળને મજબૂત અને મુલાયમ બનાવે છે. વેસ્ટર્ન સાયન્સમાં ઝિન્કને વાળ અને ત્વચાનું ટોનિક કહે છે. સંતરાં, મોસંબી, લીંબુ, દ્રાક્ષ, મકાઈમાંથી કુદરતી રીતે ઝિન્ક મળે છે. સુવર્ણ વસંત માલતી કે લઘુવસંત માલતી આયુર્વેદ નિષ્ણાતની સલાહથી લઈ શકાય.'

આયર્ન લોહતત્ત્વ : શરીરમાં લોહતત્વની ઉણપ હોય તો એનિમિયા કહેવાય. જેને કારણે વાળને પૂરતું પોષણ ન મળતાં વાળની સમસ્યા થઈ શકે છે. હાફુસ કેરી, પાલકની ભાજી, બીટમાં આર્યન છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં આયર્ન છે. જરૂર પ્રમાણે સપ્તામૃત લોહી પુનર્નવા,મંડૂર વગેરેમાંથી કાંઈ પણ નિષ્ણાતની સાલહ પ્રમાણે લઈ શકાય.

Take Care : જેમને વાળ ખરવાની સમસ્યા ઊભી થાય તેમણે બજારમાં મળતાં અને દાવાઓ કરતાં તેલ-શેમ્પુ કે લોશન વગેરે પાછળ સમય અને પૈસા બરબાદ કરવાને બદલે વાળ ઉતરવાનું મૂળ કારણ શોધી નિષ્ણાત ચિકિત્સક પાસે સારવાર કરાવવી જોઈએ.

લેખક : વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્,  aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/15/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate