অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ અળવી

અળવીનાં લીલા, મોટા-પહોળા ત્રિકોણાકાર પાનને ચણાનો લોટ અને વિશિષ્ટ મસાલા ચોપડી, વાળી અને વરાળથી બાફી પાત્રા બનાવવામાં આવે છે. ફરસાણમાં પાત્રા એકલાં પણ ચટણી સાથે ખવાય છે તો વળી પાત્રા સાથે તુવેરનાં દાણા, તુરિયા જેવા શાક ઉમેરી અને રસાવાળું શાક પણ બનાવવામાં આવે છે. સામાન્ય સમજથી તો અળવીનાં પાન માત્ર સ્વાદ અને વિશિષ્ટ વાનગી બનાવવા માટે ઉપયોગી માનવામાં આવે છે. પરંતુ શું આપ જાણો છો આયુર્વેદમાં અળવી વિશે વિગતે વર્ણન છે. અળવીનાં માત્ર પાન જ નહી; અળવીનાં કંદ, અળવીનાં પાનનાં ડાળખા વગેરેનાં આરોગ્ય માટે વિશિષ્ટ ઉપયોગો વિશે જણાવાયું છે.

અળવીનાં આરોગ્યપ્રદ ગુણો

અંગ્રેજીમાં સામાન્ય રીતે તેના દેખાવને ધ્યાનમાં રાખી એલીફન્ટ ઈઅરના નામથી અળવીને સંબોધવામાં આવે છે. લેટીન ભાષામાં કોલોકેસિઆ, એલોકેસિયાથી ઓળખવામાં આવે છે. અળવીની બીજી ઉપજાતિઓ પણ છે. જે એલોકેસિઆ ઇન્ડીક્મથી ઓળખાય છે. હિંદીમાં જેને માનકંદ કહે છે. ગુણની દ્રષ્ટીએ આ બધા કંદો તથા પાન સરખાં જ છે. અળવીનાં પાન મોટા અને એક ડાળખા પર એક જ ઉગે છે. કેટલીક અળવીનાં કંદ નાના હોય છે, તો કેટલીક અળવીની ગાંઠો મોટી હોય છે.

સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ અળવી

આયુર્વેદીય પંચભૌતિકત્વ આધારે તેમાં રહેલી ચીકાશ તથા મીઠો રસ અને પાચનમાં લાગતા સમય અને શક્તિ વગેરેને ધ્યાનમાં રાખી કફ વધારનાર, વધુ પ્રમાણમાં ખવાય તો વાયુ વધારનાર અને પિત્તને શાંત કરવાના ગુણ ધરાવતી કહેવામાં આવી છે.

અળવીનાં આરોગ્યપ્રદ ઉપયોગો

અળવીની ગાંઠો બહારથી આછા કથ્થાઈ રંગની છાલવાળી હોય છે. ગુજરાતમાં અળવીનાં પાનમાંથી પાત્રા કે વિશિષ્ટ શાક બનાવવા માટે જ અળવીનો ઉપયોગ થાય છે. પરંતુ બંગાળ, આસામ, દક્ષિણનાં રાજ્યોમાં અળવીની ગાંઠોને બાફી તેમાંથી શાક બનાવવામાં વપરાય છે. રાજસ્થાનમાં અળવીની ગાંઠોને બાફી છુંદી અને તેનો માવો છાશ સાથે ભેળવી સ્વાદિષ્ટ કઢી બનાવવામાં ઉપયોગમાં લેવાય છે.

અળવીની ગાંઠને બાફી તેની છાલ દૂર કરતાં ચીકણી ગાંઠોને કાપી શાક અથવા અન્ય વાનગીમાં વાપરવામાં આવે છે. અળવીની ગાંઠો રેસાથી ભરપૂર હોય છે તથા ચીકાશયુક્ત હોવાથી અળવીની ગાંઠનો ખાવામાં ઉપયોગ કરવાથી મળશુદ્ધિ ખૂબ સહેલાઈથી થાય છે. આથી જ કબજીયાતનાં દર્દીઓ ખાસ કરીને જેઓને આંતરડામાં નિષ્ક્રિય થઇ મળ પડ્યો રહી સૂકાઈ જવાથી, મળપ્રવૃત્તિમાં તકલીફ થતી હોય તેઓ અળવીની ગાંઠનું શાક થોડા સમયાંતરાલે ખાવાનું રાખે તો તેઓને અળવીનાં પૌષ્ટિક ગુણોનો તો ફાયદો મળે છે, તે સાથે આંતરડાની પેરિસ્ટાલટિક મૂવમેન્ટમાં બળ મળે છે. કબજીયાત દૂર થાય છે.

પિત્તશમન માટે : અળવીનાં પાનને ધોઈ તેનો રસ કાઢી તેમાં શેકેલા જીરાની ભૂક્કી અને સ્વાદ માટે થોડી સાકર ઉમેરી પીવાથી છાતીમાં બળતરા મટે છે. ખાટા ઓડકાર, ઉબકા જેવી હાયપર એસિડીટીથી થતી તકલીફમાં બગડેલા પિત્તને સુધારી પાચન સુધારે છે.

ગરમીનાં દિવસોમાં ઉનવાને કારણે મૂત્રપ્રવૃત્તિ દરમ્યાન બળતરા થતી હોય તેઓને અળવીનાં પાનનાં રસમાં ધાણાજીરૂ અને સાકરનું ચૂર્ણ ઉમેરી પીવાથી રાહત મળે છે.

અળવીનાં પાનમાં ડાયેટરી ફાઈબર ઘણું છે. કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન સરખા પ્રમાણમાં છે. ફેટ નહિવત છે. કેલ્શ્યમ અને પોટેશ્યમ જેવા ક્ષાર વધુ માત્રામાં છે. થોડા પ્રમાણમાં આર્યન છે. મેગ્નેશશિયમ અને ફોસ્ફરસ જેવા પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોવાથી અન્ય લીલાં શાકભાજીની માફક અળવીનાં પાન આરોગ્ય માટે ગુણકારી છે, પૌષ્ટિક છે.

વાયુથી પાચનમાં થતી તકલીફ માટે : અળવીનાં પાનને ડાળખાની સાથે જ બાફી, બાફવા માટે વપરાયેલા પાણીને ગાળી તેમાં ઘી ઉમેરી નવશેકું ગરમ ૧ ચ્હાનાં કપ જેટલું પીવાથી, વાયુથી પેટ ફુલી જઈ થતાં અપચામાં ઓડકાર સાફ આવી પાચન સુધરે છે. ભૂખ લાગે છે. આ પ્રયોગ દરમ્યાન ઓડકાર આવી, પેટ હલકું અનુભવાય ત્યારબાદ જ સરળતાથી પચી જાય તેવો ખોરાક ખાવો.

સ્તન્ય વધારવા માટે : બાળકને સ્તનપાન કરાવતી માતાઓએ અળવીનાં પાનનું શાક અથવા અળવીની ગાંઠનાં શાકનો ખોરાકમાં ઉપયોગ કરવો. થોડા દિવસોનાં અંતરાલે અન્ય શાકભાજીમાં અળવીનો પણ ઉપયોગ કરવાથી સ્તન્યમાં વધારો થાય છે. જેઓને સ્તન્ય ખૂબ ઓછું આવતું હોય તેઓ અન્ય ઉપચાર સાથે અળવીનાં પાન કે ગાંઠનો ખાવામાં ઉપયોગ કરે તો જલ્દી ફાયદો થાય છે.

કસરત કરનારાં રમતવીરો માટે: અળવીમાં પોટેશ્યમનું પ્રમાણ ઘણું વધારે છે. આથી ગરમીનાં દિવસોમાં કસરત દરમ્યાન કે અન્ય રમતો દરમ્યાન ખૂબ પરસેવો નીકળી જતો હોય ત્યારે શરીરમાં ક્ષારનાં પ્રમાણનું સંતુલન જળવાય તેવા ખોરાક-પીણા લેવાનું સૂચવવામાં આવે છે. અળવીનો શાકમાં ઉપયોગ કરવાથી કે અળવીની ગાંઠને બાફી તેનો માવો દહીં સાથે રાયતાની માફક મીઠું-જીરૂ ઉમેરી ખાવાથી સ્નાયુઓ સક્ષમ રહે છે.

અનુભવસિદ્ધ :

બટેકાને બાફી તેના માવામાંથી અનેક વાનગીઓ બનાવવમાં આવે છે. તેવી જરીતે સ્ટાર્ચ હોવાની સાથે બટેકા કરતાં વિશેષ પૌષ્ટિકતા ધરાવતી હોવાથી અળવીની ગાંઠોને બાફી તેનાં માવાનો ઉપયોગ શાક, પેટીસ, પકોડા વગેરે બનાવવામાં કરવાથી સ્વાદ સાથે સ્વાસ્થ્યપ્રદ ગુણોનો પણ લાભ મળે છે.

સ્ત્રોત: ર્ડો.યુવા અય્યર(આયુર્વેદ ફિઝિશિયન)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate