অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શીર્ષાસન

શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે. માથાના બળે કરવામાં આવતુ હોવાથી આ આસનને શીર્ષાસન કહેવામાં આવે છે. આપણા શરીરના બધા જ તંત્રોની તંદુરસ્તી જાળવવા જો એક આસનનું નામ લેવાનું હોય તો શીર્ષાસનનું લઈ શકાય. ખાસ કરીને નાડીતંત્રને ચેતનવંતી બનાવવા તથા શારીરિક અને માનસિક તનાવમાંથી મુક્તિ મેળવવા માટે શીર્ષાસન અજોડ છે. શીર્ષાસન માનવો માટે અમૃત સમાન છે. જરા અને વ્યાધિને પણ દૂર કરે અને શરીરને સર્વાંગે નિરોગી બનાવે તેવું સર્વશ્રેષ્ઠ રસાયણ છે
શીર્ષ એટલે મસ્તક, માથું અને આ આસનમાં માથા પર ઉભા રહેવાનું હોય છે, એટલે એને શીર્ષાસન કહેવામાં આવે છે. આ ઉપરાંત શીર્ષનો બીજો એક અર્થ પણ છે-શ્રેષ્ઠ, ઉત્તમ. આસનોમાં આ આસન શ્રેષ્ઠ છે, આથી પણ એને શીર્ષાસન કહેવામાં આવે છે. એ સૌથી મહત્ત્વનું અને લાભકારી આસન હોવા સાથે જો એને ભુલભરેલી પદ્ધતીથી કરવામાં આવે તો નુકસાન પણ એટલું જ થાય છે. આથી એને યોગ્ય રીતે કરવું ખુબ મહત્ત્વનું છે.

શીર્ષાસન એક એવું આસન છે જેનો અભ્યાસ કરવાથી અનેક નાની બીમારીઓ દુર થઈ શકે છે. મનુષ્ય શરીરનાં બધાં જ તંત્રોની તંદુરસ્તી જાળવવા જો એક આસનનું નામ લેવાનું હોય તો શીર્ષાસનનું લઈ શકાય. શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે. ખાસ કરીને નાડીતંત્ર (જ્ઞાનતંત્ર)ને ચેતનવંતું બનાવવા તથા શારીરીક અને માનસીક તનાવમાંથી મુક્તી મેળવવા માટે શીર્ષાસન અજોડ છે. શીર્ષાસનથી આપણું પાચનતંત્ર સારું રહે છે, રક્ત સંચાર યોગ્ય રીતે થાય છે. શરીરને બળ પ્રાપ્ત થાય છે. તેનાથી મસ્તીષ્કમાં રક્ત સંચાર વધે છે, જેનાથી સ્મરણશક્તી વધી શકે છે. હીસ્ટીરીયા તથા અંડકોષ વૃદ્ધી, હર્નીયા, કબજીયાત વગેરે રોગો નથી થતા. તેનાથી વાળ કસમયે ખરતા નથી તથા સફેદ થતા અટકે છે. આ આસનથી આપણા આખા શરીરની માંસપેશીઓ સક્રીય થઈ જાય છે. આથી શારીરીક બળ મળે છે.જો કે આ આસન કંઈક મુશ્કેલ છે. તે સીદ્ધ કરવું બધાં માટે સહજ નથી.

આસનો કરતી વખતે શીર્ષાસન ક્યારે કરવું? શરુઆતમાં, મધ્યમાં કે અંતે? કેટલાક લોકો શરુઆતમાં, લોહી ગરમ ન થયેલું હોય ત્યારે કરવામાં માને છે, કેટલાક બધી કસરતના અંતે કરવાનું કહે છે. હું થોડી વૉર્મીંગ અપની કસરત કર્યા પછી શીર્ષાસન કરું છું. એમાં તાડાસન, કમરઝુક, તીર્યક તાડાસન અને કોણાસનનો સમાવેશ થાયછે. આથી મેં શરુઆત આ આસનો અને કસરતથી કરી છે.

શીર્ષાસનની વીધીઃ

સૌથી પહેલાં સમતળ જમીન ઉપર કામળો વગેરે પાથરી નરમ આસન બનાવો. અહીં પરદેશમાં મોટા ભાગનાં ઘરોમાં લાકડાના ફ્લોર (ભોંયતળીયા) પર કારપેટ હોય છે. એની નીચે નરમ રબર જેવા પદાર્થનું પડ (અન્ડરલે) પાથરેલું હોય છે. તેના પર બીજો કારપેટનો ટુકડો હોય છે. આથી એના પર બીજું કશું જ પાથરવાની જરુર વીના શીર્ષાસન કરી શકાય. હું વર્ષોથી એ રીતે કરું છું. જમીન પર કે સખત આસન પર શીર્ષાસન કરવું યોગ્ય નથી, કારણ કે એમાં માથાનો ભાગ આસન પર મુકી આખા શરીરનું વજન એના પર મુકવામાં આવે છે. એ જ રીતે પોચા ગાદલાં જેવું આસન પણ સારું ન કહી શકાય. પ્રમાણસર નરમ આસન શીર્ષાસન કરવા માટે ઉત્તમ છે. લાંબી આસનપાટ હોય તો તેની ગડી વાળી જોઈતી નરમાશવાળું આસન બનાવી શકાય.

પદ્ધતિ :

શીર્ષાસન કરવા માટે વજ્રાસનમાં બેસો. હવે આગળ તરફ ઝુકી બંને હાથની કોણીઓને જમીન ઉપર ટેકવો. બંને હાથની આંગળીઓને એકબીજા સાથે જોડીને માથાને બંને હથેળીની વચ્ચે રાખો. શ્વાસ સામાન્ય રાખો. હાથના પંજાઓની વચ્ચેની જગ્યામાં માથાનો પાછલો ભાગ બરાબર આવે અને આસન દરમ્યાન કરોડ સીધી રહે એ રીતે માથાનો ભાગ આસન પર મુકવો જોઈએ. આ સ્થીતીમાં માથાનો ટોચનો ભાગ આસન પર હશે અને પાછળનો ભાગ બે પંજા વચ્ચે હશે. બીજી રીતે જોઈએ તો આ સમયે બે હાથની કોણીથી ત્રીકોણની બે બાજુઓ જેવો આકાર થશે અને બંને બાજુઓ જ્યાં મળે ત્યાં માથાનો ભાગ હશે. ત્રીકોણની ત્રીજી ખુલ્લી બાજુએ શરીર ઘુંટણના આધારે હશે. માથાને જમીન ઉપર ટેકવ્યા પછી ધીરે-ધીરે શરીરનું પુરું વજન માથા ઉપર છોડીને શરીરને ઉપર ઉઠાવો. શરીરનો ભાર માથા ઉપર લઈ લો. આ વખતે હજુ પગ ઘુંટણમાંથી વળેલા હશે. એને ધીમે ધીમે સીધા કરવુ

શરીર સીધું કરી લો એટલે શીર્ષાસન.

શીર્ષાસનમાં ધ્યાનમાં રાખવાની બાબતો :

:

  • જો તમે પુરેપુરા સ્વસ્થ ન હો તો આ આસનનો અભ્યાસ કરતાં પહેલાં એના નીષ્ણાતની સલાહ અવશ્ય લો. જેમને હાઈ કે લો બ્લડ પ્રેશર હોય કે હૃદય અથવા આંખોની કોઈ બીમારી હોય તેમણે આ આસન ન કરવું. ગરદનની કોઈ સમસ્યા હોય તો પણ આ આસન ન કરવું. ધડથી ઉપરના ભાગમાં દર્દ કે દુખાવો હોય તેવાઓએ શીર્ષાસન કરવું નહીં.
  • શીર્ષાસન કરતાં પહેલાં પેટ સાફ થયેલું હોવું ખુબ જ જરુરી છે. ઉંમરમાં વૃદ્ધ હોય તેવાઓએ આ આસન શરુ કરવું નહીં. આંખના ચશ્માના નંબર બેથી વધુ હોય તેણે પણ શીર્ષાસન કરવું નહીં.
  • જો માથુ, મેરુદંડ, પેટ વગેરેમાં કોઈ ફરીયાદ હોય તો આ આસન બીલકુલ ન કરવું.
  • આંખોને હળવીથી બંધ કરવી.
  • શરીરને ઢીલું છોડી દેવું.
  • શ્વાસોશ્વાસ સામાન્ય રાખવા.
  • ઉતાવળ કે ઝડપ કરવી નહીં.
  • શરૂઆતમાં વધારે સમય આ આસનમાં ન રહેવું.
  • જેટલી ચોકસાઈથી આ આસનમાં ગયા હતા તેટલી જ ચોકસાઈથી પાછા ફરવું.
  • ધીરે ધીરે સંતુલન જાળવવાનો પ્રયત્ન કરવો.
  • શરૂઆતમાં દીવાલને ટેકે આ આસન કરવું હિતાવહ છે.

 

સાવધાની

શરુઆતમાં આ આસન દીવાલનો ટેકો લઈને જ કરવું જોઈએ અને એ પણ એના નીષ્ણાતની દેખરેખમાં. માથાને જમીન પર ટેકવતી વખતે ધ્યાન રાખો કે સારી રીતે માથાનો આ ભાગ જ ટેકવ્યો છે, જેથી ગરદન અને કરોડરજ્જુ સીધાં રહે. પગને એકદમ ઝટકાથી ઉપર ન ઉઠાવવા. અભ્યાસ કરવાથી તે એમની જાતે જ ઉપર ઉઠવા માંડે છે.

 

શીર્ષાસન હંમેશાં શૌચક્રીયા બાદ માત્ર સવારે દીવસમાં એક જ વખત કરવું જોઈએ. જો કબજીયાત રહેતી હોય તો બીજા ઉપાયો બાદ પેટ સાફ થાય પછી જ આ આસન કરવું, નહીંતર લાભને બદલે નુકસાન થવાનો સંભવ છે.

ફરી સામાન્ય સ્થીતીમાં આવવા માટે ઝટકાથી પગને જમીન પર ન મુકવા, અને માથાને એકદમ ઉપર ન ઉઠાવવું. પગને વારાફરતી જમીન પર મુકવા પછી માથાને હાથના પંજાની વચ્ચે થોડીવાર સુધી મુકી રાખ્યા બાદ જ વજ્રાસનમાં આવવું.

ઉપર શીર્ષાસનના લાભો વાંચી ઉત્સાહમાં આવી જઈ એને લાંબા સમય સુધી કરવા મંડી ન પડવું. પ્રથમ વખત શીર્ષાસન કરતાં હોય તો પંદરથી ત્રીસ સેકંડ સુધી આ સ્થીતીમાં રહો. (અનુભવ થતાં ક્રમશઃ સમય વધારી વધુમાં વધુ દસેક મીનીટ સુધી એને કરી શકાય. જો કે કેટલાક નીષ્ણાતો એને બેત્રણ મીનીટથી વધુ ન કરવું જોઈએ એવો મત ધરાવે છે. વધુ સમય શીર્ષાસન કરવાથી મગજની નાજુક નસોને નુકસાન પહોંચી શકે, જેને આપણે જ્ઞાનતંતુ કહીએ છીએ. એ ખુબ બારીક તાંતણા જેવા હોય છે.) પછી જે ક્રમમાં આસન કર્યું તેથી ઉલટા ક્રમમાં આસનથી મુળ સ્થીતીમાં આવો. આ સમગ્ર પ્રક્રીયા દરમ્યાન આંચકા આવે તેવી રીતે કે ઉતાવળ કરવી પડે તેવું કરવાનું નથી.

એકાદ મીનીટ જેટલો સમય માથાને બે પંજા વચ્ચે રાખીને આસનની શરુઆતમાં જે સ્થીતી હતી તેમાં રહો. પછી શવાસન કરી શરીરને આરામ આપો. સામાન્ય રીતે જેટલો સમય શીર્ષાસન કર્યું હોય તેનાથી અડધો સમય શવાસન કરવું જ જોઈએ. આ બાબત બહુ મહત્ત્વની છે. શવાસનની વીધી આ આસન પછી બતાવી છે.

શીર્ષાસનના ફાયદા

શીર્ષાસન દરમ્યાન શરીરમાં લોહીની ગતી ગુરુત્વાકર્ષણથી પગથી માથા તરફ થાય છે. એથી માથાના ભાગમાં લોહીના વધારાના વહન માટે રક્તવાહીનીઓ સહેજ ફુલે છે. લોહીનું દબાણ એથી સહેજ ઘટે છે. પરીણામે પગ અને ઉદરપ્રદેશમાંનું લોહી હૃદયના જમણા ભાગમાં એકઠું થાય છે. એથી રુધીરાભીસરણ ઝડપી બને છે. આથી સામાન્યતઃ મગજ અને ધડના ભાગમાં જ્યાં સામાન્ય સ્થીતીમાં લોહીનો પુરવઠો ઓછો મળતો હોય ત્યાં વધુ લોહી મળવાથી એને પોષણ મળે છે. એથી શીર્ષાસન કરનારનું મુખ તેજસ્વી અને પુષ્ટ બને છે.

રક્તાભીસરણની ક્રીયા સરળ બનવાથી લોહીના વીકારોથી થતા રોગો મટે છે. મનુષ્યનું હૃદય જન્મથી જ અવીરત કાર્ય કરતું રહે છે. હૃદયની ગતીના સમતોલનથી દીર્ઘ આયુષ્ય અને નીરોગી શરીર પ્રાપ્ત થાય છે. હૃદયને સૌથી વધુ આરામ આપનાર કોઈ આસન હોય તો તે શીર્ષાસન છે.

શરીરના અવયવોમાંથી અશુદ્ધ લોહી ભેગું કરનાર શીરાઓ ગુરુત્વાકર્ષણથી વીરુધ્ધ દીશામાં લોહીને ધકેલતી હોય છે. જે શીથીલ થતાં વેરીકોઝ વેઈન નામે શીથીલ શીરાનો રોગ થાય છે, જેમાં શીરા વાંકીચુકી થઈ જાય છે. નીયમીત શીર્ષાસન કરવાથી આ રોગ દુર થાય છે.

મગજના ભાગમાં આવેલ પીટ્યુટરી અને પીનીયલ ગ્રંથીઓને પોષણ મળવાથી આરોગ્યની વૃદ્ધી થાય છે. ધોળા વાળ કાળા થાય છે. વૃદ્ધાવસ્થાને લીધે મોં પર પડતી કરચલીઓ ઘટે છે. સ્મરણ શક્તી વધે છે. બુદ્ધી તીક્ષ્ણ થાય છે. જ્ઞાનતંતુની નબળાઈને કારણે લાગતી અશક્તી, અનીદ્રા, સુસ્તી (ન્યુરેસ્થેનીયા) વગેરે મટે છે. આંખ, કાન, નાક, ગળા વગેરેના સામાન્ય દોષો દુર થાય છે.

શીર્ષાસન આંખની દૃષ્ટીશક્તી વધારે છે. શરુઆતના ચશ્માના નંબર પણ એનાથી ઉતરી જાય છે. પરંતુ જો બે કે ત્રણથી વધુ ચશ્માના નંબર હોય તો તેણે શીર્ષાસન ન કરવું, કારણ કે તેનાથી નંબર વધવાનો ભય રહે છે.

શીર્ષાસન જ્ઞાનતંતુઓ માટે અકસીર ટોનીક સાબીત થાય છે. એથી માનવીની ચપળતા, કાર્યદક્ષતા અને ઉત્સાહમાં વધારો થાય છે. તે ઉપરાંત શરીરના અગત્યના અવયવો જેવા કે બરોળ, કીડની, યકૃત, જઠર અને આંતરડાની કાર્યક્ષમતા વધવાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, અજીર્ણ, મંદાગ્ની કે કબજીયાત દુર થાય છે. દમ તથા હર્નીયામાં રાહત મળે છે.

શીર્ષાસન કરવાથી બ્રહ્મચર્યના પાલનમાં મદદ મળે છે. વીર્યનું રક્ષણ અને ઉર્ધ્વગમન થતાં ઓજસમાં રુપાંતર થાય છે. સ્વપ્નદોષ દુર થાય છે. ટુંકમાં કહીએ તો શીર્ષાસન માનવો માટે અમૃત સમાન છે. ઘડપણ અને રોગોને પણ દુર કરે તેવું સર્વશ્રેષ્ઠ રસાયણ છે.

જેટલો સમય શીર્ષાસન કર્યું હોય તેનાથી અડધા સમય સુધી તરત શવાસન કરવું.

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/9/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate