অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આયુર્વેદની મહત્તા

આયુર્વેદની મહત્તા

  1. આયુર્વેદ - મૂળભૂત વિભાવના
    1. દોષ
    2. ધાતુ
    3. મળ
    4. અગ્નિ
  2. શરીરરચના
  3. પંચમહાભૂત
  4. આરોગ્ય અને માંદગી
  5. નિદાન
  6. સારવાર
  7. સારવારના પ્રકાર - રોગની સારવાર માટે નીચે મુજબના પ્રકારો છે
    1. શોધન થેરપી (શુદ્ધિકરણ સારવાર)
    2. શમન થેરપી(દર્દ ઓછું કરતી સારવાર)
    3. પથ્ય વ્યવસ્થા(આહાર અને પ્રવૃત્તિના ઔષધનિર્દેશ)
    4. નિદાન પરિવ્રજન (રોગકારક અને રોગ વધારતા પરિબળોથી દૂર રહેવું)
    5. સત્વવાજય(સાઈકોથેરપી)
    6. રસાયણ થેરપી(રોગપ્રતિકારક અને કાયાકલ્પ કરતી દવાઓ)
  8. આહાર અને આયુર્વેદિક સારવાર
  9. આયુર્વેદ અંગે ભારતમાં રાષ્ટ્રીય સ્તરના સંસ્થાન (ઈન્સ્ટિટ્યૂટ્સ)
    1. રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ, નવી દિલ્હી
    2. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ(NIA), જયપુર
    3. ઈન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજયુએટ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ, જામનગર (ગુજરાત)
  10. સંબધિત સ્ત્રોત:

આયુર્વેદ - મૂળભૂત વિભાવના

આયુર્વેદએ ભારતીય ઉપખંડની પ્રાચીન ચિકિત્સા પ્રણાલી છે. ભારતમાં તે 5000 વર્ષ પહેલાં શરૂ થઈ હોવાનું મનાય છે. આયુર્વેદ શબ્દ સંસ્કૃત ભાષાના બે શબ્દો આયુસ અને વેદને જોડીને બન્યો છે. આયુસનો અર્થ જીવન અને વેદનો અર્થ વિજ્ઞાન થાય છે. આ રીતે આયુર્વેદ શબ્દનો અર્થ જીવનનું વિજ્ઞાન એવો થાય છે. ચિકિત્સાપ્રણાલીમાં રોગોની સારવાર પર ધ્યાન અપાય છે, જ્યારે આયુર્વેદ એ તંદુરસ્ત જીવન પર કેન્દ્રિત પ્રણાલી છે. આયુર્વેદનો મૂળ વિચાર એ છે કે તે સારવારની પ્રક્રિયાને વ્યક્તિગત બનાવે છે.

આયુર્વેદ અનુસાર માનવશરીર ચાર મૂળ તત્વોનું બનેલું છે - દોષ, ધાતુ, મળ અને અગ્નિ. આયુર્વેદમાં શરીરના આ ચારેય મૂળભૂત તત્વોનું ખૂબ જ મહત્વ છે. તે આયુર્વેદીક સારવારના મૂળ સિદ્ધાંત અથવા મૂળભૂત આધાર પણ કહેવાય છે.

દોષ

દોષના ત્રણ મહત્વપૂર્ણ સિદ્ધાંતો છે વાત, પિત્ત અને કફ. આ ત્રણેય મળીને શરીરની ચયાપચય સહિતની ક્રિયાઓનું નિયમન અને નિયંત્રણ કરે છે. આ ત્રણેય દોષનું મુખ્ય કાર્ય પાચન થયેલા ખોરાકની બાયપ્રોડક્ટ(આડપેદાશ)ને શરીરના દરેક ભાગમાં લઈ જવાનું છે, જે શરીરની માંસપેશીઓનું નિર્માણ કરવામાં મદદરૂપ બને છે. આ દોષોનું કાર્ય ખોરવાય એટલે શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે.

ધાતુ

શરીરને જે આધાર-ટેકો આપે છે તેને ધાતુ કહેવાય છે. શરીરમાં સાત કોશમંડળ હોય છે : રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર- જે અનુક્રમે પ્રાણરસ, રક્ત(લોહી), સ્નાયુ, ચરબી, હાડકા, અસ્થિમજ્જા અને વીર્યનું પ્રતીક છે. ધાતુઓ શરીરને માત્ર મૂળભૂત પોષણ પૂરું પાડે છે. અને તે મગજની વૃદ્ધિ અને તેની રચનામાં મદદરૂપ બને છે.

મળ

મળનો અર્થ થાય છે નકામી વસ્તુ અથવા મેલુ, ગંદુ, અસ્વચ્છ. શરીરના ત્રણ તત્વોમાં તે ત્રીજું છે. મળ ત્રણ પ્રકારના હોય છે: વિષ્ટા(અર્થાત જાજરૂ-ઝાડો-દસ્ત), મૂત્ર(પેશાબ) અને પરસેવો. મળ મુખ્યત્વે નકામી વસ્તુ છે આથી શરીરને તંદુરસ્ત રાખવા માટે મળનો શરીરમાંથી યોગ્ય નિકાલ અનિવાર્ય છે. મળના બે રૂપ છે : મળ અને કિટ્ટ. મળ એ શરીરમાં રહેલી નકામી વસ્તુ છે અને કિટ્ટએ નકામી ધાતુ છે.

અગ્નિ

શરીરની તમામ ચયાપચયની અને પાચન સંબંધિત અન્ય પ્રક્રિયાઓ શરીરમાં જૈવિક રીતે ઉત્પન્ન થતી અગ્નિની મદદથી થાય છે જેને અગ્નિ કહે છે. અગ્નિ એ અન્નનળી, યકૃત(લીવર-પિત્તાશય) અને માંસપેશી કોષોમાં રહેલો ઉત્પ્રેરક(અર્થાત પાચકરસ) છે.

શરીરરચના

આયુર્વેદ એ શરીર, ઈન્દ્રીયો, મગજ અને આત્માનો યોગ છે. જીવંત માનવી ત્રણ દોષ(વાત, પિત્ત, કફ), સાત મૂળભૂત પેશીઓ(રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર) તથા શરીરના નકામા દ્રવ્યો(જેવા કે મળ, મૂત્ર, પરસેવો)નું બનેલું છે. આમ, સમગ્ર શરીર દોષો, માંસપેશીઓ અને નકામા દ્રવ્યોનું બનેલું છે. શરીરની રચના અને તેના ઘટકોનો આધાર ખોરાક પર રહેલો છે કારણ કે ખોરાક આ દોષ, માંસપેશીઓ અને નકામા દ્રવ્યોમાં પ્રોસેસ થાય છે. ખોરાક લેવો, ખોરાકનું પાચન થવું, ખોરાક સ્વીકૃત બનવો, ચયાપચયની ક્રિયા થવી વગેરે તંદુરસ્તી અને રોગનો આધાર બને છે. આ તમામ પર મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા અને જઠરાગ્નિ(અગ્નિ)ની મહત્વપૂર્ણ અસર થાય છે.

પંચમહાભૂત

આયુર્વેદ અનુસાર માનવશરીર સહિત બ્રહ્માંડમાં રહેલા તમામ પદાર્થો પાંચ મૂળભૂત તત્વો(પંચમહાભૂત)ના બનેલા હોય છે. આ પંચમહાભૂત એટલે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. માનવશરીરની રચના અને તેના દરેક અંગોની જરૂરિયાતોને અનુરૂપ આ તત્વો સંતુલિત હોય છે. શરીરના વિવિધ અંગોની વૃદ્ધિ અને વિકાસનો આધાર માનવી દ્વારા લેવાતા આહાર-ખોરાક પર રહેલો છે. પાંચ તત્વોની મદદથી ખોરાક શરીરમાં દાખલ થાય છે અને અગ્નિ-જઠરાગ્નિથી તે શરીરના તત્વોને પોષે છે. શરીરની માંસપેશીઓ માળખું બનાવે છે જ્યારે રસ અને ધાતુઓ માનસિક બંધારણ ઘડે છે, જે પંચમહાભૂતના તત્વોના જુદા-જુદા સંયોજન અને સંચયથી તૈયાર થાય છે.

આરોગ્ય અને માંદગી

આરોગ્ય કે માંદગીનો આધાર શરીરના વિવિધ તત્વો વચ્ચેના સંતુલનના અભાવે અથવા તેની ઉણપ પર રહેલો છે. બાહ્ય અને આંતરિક બન્ને પ્રકારના પરિબળો શારીરિક સંતુલન ખોરવી શકે છે, જેને કારણે રોગમાં વધારો થાય છે. ખોરાકમાં ફેરફાર, અનિચ્છનિય ટેવ અને તંદુરસ્ત જીવનના નિયમોનું પાલન ન કરવાને કારણે શારીરિક સંતુલન જળવાતું નથી. ઋતુગત અસર, અયોગ્ય રીતે કરાતી કસરત કે ઈન્દ્રીયોની ચંચળતા તથા શરીર અને મગજ વચ્ચેની અસંગતતાથી શરીરના સામાન્ય સંતુલનમાં ગરબડ સર્જાય છે. તેનું નિરાકરણ લાવવા માટે યોગ્ય નિયમિત આહાર મારફતે શરીર અને મન વચ્ચેનું સંતુલન સ્થાપવું જોઈએ, જીવનશૈલી અને વર્તન સુધારવું જોઈએ, યોગ્ય દવા લેવી જોઈએ અને રોગને દૂર રાખે તેવી પંચકર્મ અને રસાયણ થેરપીની મદદ લેવી જોઈએ.

નિદાન

આયુર્વેદમાં નિદાન હંમેશા દર્દીના સમગ્ર શરીરને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. ફિઝિશિયન દર્દીઓની શારીરિક આંતરિક લાક્ષણિકતાઓ અને માનસિક અવસ્થાની કાળજીપૂર્વક નોંધ લે છે. આ ઉપરાંત તે શરીરની જે માંસપેશી, દોષોને અસર કરતા પરિબળો, શરીરના જે ચોક્કસ સ્થાન પર રોગ થયો હોય તે, પાચનની સ્થિતિ, વગેરે તથા દર્દીની વ્યક્તિગત, સામાજિક, આર્થિક સ્થિતિ અને તેની આસપાસનાં વાતાવરણ જેવી બાબતોનો પણ અભ્યાસકરે છે. આ ઉપરાંત નીચે મુજબના પરીક્ષણોનો પણ નિદાનમાં સમાવેશ થાય છેઃ
  • સામાન્ય શારીરિક પરીક્ષણ
  • નાડી પરીક્ષણ
  • પેશાબ પરીક્ષણ
  • વિષ્ટા(મળ) પરીક્ષણ
  • જીભ અને આંખનું પરીક્ષણ
  • ત્વચા અને કાનનું(સ્પર્શશક્તિ તથા શ્રવણશક્તિ)નું પરીક્ષણ

સારવાર

આયુર્વેદ સારવારપદ્ધતિનો મૂળભૂત અભિગમ એ છે કે આ એક અનન્ય સારવાર છે જે શરીરને આરોગ્યમય બનાવે છે અને તે શ્રેષ્ઠ તબીબ છે, જે રોગથી મુક્તિ અપાવે છે. આમ તે આરોગ્યની જાળવણી અને વૃદ્ધિ, રોગને દૂર રાખવો અને માંદગીની યોગ્ય સારવાર જેવા આયુર્વેદના મૂળભૂત હેતુને સાકાર કરે છે. રોગની સારવાર દરમિયાન શરીરરચનામાં અસંતુલન ઊભુ કરે તેવા તમામ પરિબળોથી બચવું જોઈએ અને પંચકર્મ પ્રક્રિયા, દવાઓ, યોગ્ય આહાર, પ્રવૃત્તિ અને આંતરિક સંતુલન ફરીથી સ્થાપિત થાય તે માટેની યોગ્ય સારવાર લેવી જોઈએ જેથી ભવિષ્યમાં રોગને દૂર રાખી શકાય અથવા તેની ઓછામાં ઓછી અસર થાય. સામાન્ય રીતે સારવારના પગલાંરૂપે દવા, ચોક્કસ આહાર અને વૈદ્યએ કહ્યા મુજબની ચોક્કસ નિયમિત પ્રવૃત્તિ હોય છે. આ ત્રણેય બે રીતે થઈ શકે. એક તરફ આ ત્રણેય રોગનો પ્રતિકાર કરે છે. બીજા માર્ગે સારવારથી દવા, આહાર અને પ્રવૃત્તિના આ ત્રણેય પગલાંથી રોગની પ્રક્રિયાના કારણરૂપ મૂળને અસર કરે છે. આ બન્ને પ્રકારના સારવારના અભિગમને અનુક્રમે વિપરીત અને વિપરીત અર્થકારી સારવાર કહેવાય છે.

સફળતાપૂર્વક આ સારવાર પાર પાડવા માટે નીચે મુજબની ચાર બાબતો જરૂરી છેઃ

  1. વૈદ
  2. દવા
  3. સારવાર કરનારો સ્ટાફ
  4. દર્દી

ચારેયનું ક્રમ મુજબ જ મહત્વ છે. મતલબ કે વૈદનું સૌથી વધુ મહત્વ છે. તેની પાસે ટેકનિકલ કુશળતા, વૈજ્ઞાનિક જ્ઞાન, નિર્દોષતા-પવિત્રતા અને માનવીય સમજણ હોવી જરૂરી છે. વૈદે તેમના જ્ઞાનનો વિનમ્રતાપૂર્વક, કુશાગ્રતાથી અને માનવની સેવા કાજે ઉપયોગ કરવો જોઈએ. ત્યારપછીના ક્રમે ખોરાક અને દવાનું મહત્વ આવે છે જે ઉચ્ચ ગુણવત્તા, વ્યાપક ઉપયોગિતા ધરાવતા હોવા જોઈએ અને માન્યતાપ્રાપ્ત પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલા હોવા જોઈએ અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવા જોઈએ. કોઈપણ સારવારમાં ત્રીજી સૌથી મહત્વની બાબત સારવાર કરતો સ્ટાફ છે જેને સારવાર અંગેનું સારું એવું જ્ઞાન હોવું જોઈએ. આ સ્ટાફ પ્રેમાળ, દયાળુ, કુશાગ્ર, સ્વચ્છ અને સૂઝવાળો હોવો જોઈએ. ચોથો ઘટક દર્દી પોતે છે. દર્દીએ પણ સારવાર દરમિયાન સહકાર આપવો જરૂરી છે. દર્દીએ વૈદે કહ્યા મુજબની સૂચનાનું પાલન કરવું જોઈએ, બીમારી યોગ્ય રીતે સમજાવવી જોઈએ અને વૈદ જે કંઈ સારવાર કહે તે માટેની તૈયારી રાખવી જોઈએ.

આયુર્વેદમાં દર્દીના રોગનાં ચોક્કસ લક્ષણ પેદા થાય ત્યારથી લઈને રોગ સ્પષ્ટ થાય ત્યાં સુધીના દરેક તબક્કા અને ઘટનાક્રમનું ખૂબ જ વ્યાપક અને સુક્ષ્મ વિશ્લેષણ કરવામાં આવે છે. તેને કારણે તેમાં રોગ વધુ ફેલાય તેના ખાસ્સા સમય પહેલા જ તેને જાણી શકાય છે અને તેને મૂળમાંથી દૂર કરી શકાય છે. પહેલેથી જ યોગ્ય અને અસરકારક પગલાં લઈને રોગને ઊગતો જ ડામી દેવાની આ પ્રણાલીને કારણે જ રોગ થતો અટકાવી શકાય છે અને તેને વધુ ફેલાતો અટકાવી શકાય છે કે રોગ થયો હોય તો તેને શરૂઆતના તબક્કામાં જ યોગ્ય સારવાર દ્વારા કાબૂમાં લઈ શકાય છે.

સારવારના પ્રકાર - રોગની સારવાર માટે નીચે મુજબના પ્રકારો છે

શોધન થેરપી (શુદ્ધિકરણ સારવાર)

શોધન સારવારનો ઉદ્દેશ દર્દીને થયેલા શારીરિક કે શારીરિક-માનસિક રોગોના મૂળકારક પરિબળો દૂર કરવાનો છે. તેમાં શરીરની આંતરિક અને બાહ્ય શુદ્ધિની પ્રક્રિયા કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમાં પંચક્રમ, પૂર્વપંચકર્મ પ્રક્રિયાનો સમાવેશ થાય છે. પંચકર્મ સારવાર ચયાપચયની ક્રિયાનું સંચાલન કરવા પર કેન્દ્રિત છે. તે શુદ્ધિકરણની જરૂરી અસર પૂરી પાડે છે અને અન્ય રીતે પણ ફાયદાકારક છે. આ સારવાર ખાસ કરીને કુદરતી રીતે થતા વિકારો, સ્નાયુ-હાડકાના રોગ, રક્તવાહિની સંબંધિત, શ્વાસોચ્છવાસ સંબંધિત રોગ, ચયાપચય, ડિજનરેટિવ વિકારો થવા, વગેરેમાં મદદરૂપ બને છે.

શમન થેરપી(દર્દ ઓછું કરતી સારવાર)

શમન થેરપી નબળા દોષોનું શમન કરે છે. અસંતુલિત થયેલો દોષ અન્ય દોષને અસંતુલિત કર્યા વિના જ સામાન્ય-સંતુલિત બની જાય તે પ્રક્રિયા શમન થેરપી કહેવાય છે. ભૂખ ઉઘાડનારા ક્ષુધાપ્રદિપક, પાચક પદાર્થોનો ઉપયોગ કરીને, કસરત દ્વારા અને સૂર્યનો તાપ તથા શુદ્ધ હવા લઈને આ સારવાર મેળવી શકાય છે. આ પ્રકારની સારવારમાં દર્દ ઓછું કે શાંત કરતી દવાનો પણ ઉપયોગ થાય છે.

પથ્ય વ્યવસ્થા(આહાર અને પ્રવૃત્તિના ઔષધનિર્દેશ)

પથ્ય વ્યવસ્થા મુખ્યત્વે આહાર, પ્રવૃત્તિ, આદત અને ભાવનાત્મક સ્થિતિ સંબંધિત ચોક્કસ સંકેત કે વિપરીત સંકેતની બનેલી છે. સારવારને વધુ અસરકારક બનાવવા અને રોગ ફેલાવતી પ્રક્રિયાને અટકાવવા માટે આ વ્યવસ્થા છે. શરીરમાં જઠરાગ્નિ ઉત્તેજિત કરવા અને ખોરાકની પાચનક્રિયા વધારવા માટે કેવો આહાર લેવો અને કેવો આહાર ન લેવો તેના પર ખાસ ભાર મૂકવામાં આવે છે, જેથી શરીરની માંસપેશીઓ મજબૂત બની શકે.

નિદાન પરિવ્રજન (રોગકારક અને રોગ વધારતા પરિબળોથી દૂર રહેવું)

નિદાન પરિવ્રજન એ દર્દીના આહાર અને જીવનશૈલીમાં રોગકારક અને રોગ વધારતા પરિબળોથી દૂર રહેવા માટે છે. રોગ વકરે તેવા પરિબળોથી દૂર રહેવા શું કરવું તે આ નિદાન સમજાવે છે.

સત્વવાજય(સાઈકોથેરપી)

સત્વવાજય મુખ્યત્વે માનસિક અસ્વસ્થતા સાથે સંકળાયેલી બાબત છે. તેમાં મગજને કેટલીક રોગી (કે રોગકારક)પદાર્થો માટેની ઈચ્છાથી દૂર રાખવા અને બીજી તરફ હિંમત, યાદશક્તિ અને એકાગ્રતા કેળવવા જેવી બાબતનો સમાવેશ થાય છે. આયુર્વેદમાં મનોવિજ્ઞાન અને મનોચિકિત્સાનો અભ્યાસ ખૂબ જ ગહન રીતે વણી લેવાયો છે અને માનસિક વિકારોની સારવાર દરમિયાન તેનો વ્યાપક ઉપયોગ થાય છે.

રસાયણ થેરપી(રોગપ્રતિકારક અને કાયાકલ્પ કરતી દવાઓ)

રસાયણ થેરપી શક્તિનો સંચય કરતી અને શક્તિવર્ધક સારવારપ્રક્રિયા છે. રસાયણ થેરપીની મદદથી અનેક સકારાત્મક લાભ થાય છે. જેમ કે શારીરિક આંતરિક સંતુલન જળવાય છે, યાદશક્તિ વધે છે, બુદ્ધિ કુશાગ્ર બને છે, રોગ સામે પ્રતિકાર કરવાની ક્ષમતા વધે છે, યુવાવસ્થા જળવાઈ રહે છે, શક્તિનો સંચાર થાય છે. અકાળે માંસપેશીઓ પેદા અને નાશ થતી અટકાવે છે અને સંપૂર્ણ સ્વાસ્થ્યને પ્રોત્સાહિત કરે છે.

આહાર અને આયુર્વેદિક સારવાર

આયુર્વેદમાં રોગના ઉપચાર તરીકે આહાર-ખોરાકનું નિયમન ખૂબ જ મહત્વનું છે. કારણ કે આયુર્વેદ માનવશરીરને ખોરાકના ઉત્પાદન તરીકે માને છે. કોઈપણ માનવીના માનસિક અને અધ્યાત્મિક વિકાસ તથા તેના સ્વભાવનો આધાર તે કેવી ગુણવત્તાનો ખોરાક આરોગે છે તેના પર રહેલો છે. માનવશરીરમાં ખોરાક સૌપ્રથમ રસમાં પરિવર્તિત થાય છે અને પછી તેમાંથી ક્રમશઃ લોહી, સ્નાયુ, ચરબી, હાડકાં, અસ્થિમજ્જા, ફરી ઉત્પાદન કરતા તત્વોમાં પરિવર્તિત થાય છે. આ રીતે ખોરાક તમામ ચયાપચય ક્રિયા અને જીવન પ્રવૃત્તિનો આધાર છે. ખોરાકમાં પોષકતત્વોનો અભાવ કે ખોરાકનું જે પ્રકારે રૂપાંતર થવું જોઈએ તે પ્રકારે ન થાય તો વિવિધ રોગોને આમંત્રણ મળે છે.

આયુર્વેદ અંગે ભારતમાં રાષ્ટ્રીય સ્તરના સંસ્થાન (ઈન્સ્ટિટ્યૂટ્સ)

રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ, નવી દિલ્હી

  • આરએવી એ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત આવતા આયુષ વિભાગ હેઠળ કામ કરતી અને સોસાયટીઝ એક્ટ, 1860 હેઠળ 1988માં નોંધાયેલી સ્વાયત્ત સંસ્થા છે. આરએવી 28 વર્ષથી નીચેની ઉંમરના આયુર્વેદિક સ્નાતકોને અને 33 વર્ષથી ઓછી વયના અનુસ્નાતકોને ગુરુ-શિષ્ય પરંપરા(જ્ઞાન આપવાની પ્રાચીન પદ્ધતિ) મારફતે આધુનિક પ્રેક્ટિલ તાલીમ આપે છે.
  • મેમ્બર ઓફ રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ(એમઆરએવી)ના બે વર્ષના કોર્સ દરમિયાન આયુર્વેદિક સંહિતાઓનું જ્ઞાન મેળવવા માટે સંશોધન કરવાનું રહે છે અને ત્યારપછી વૃત્તાંત રહે છે અને આ રીતે સંહિતાના સારા શિક્ષક, સંશોધક વિદ્વાન અને નિષ્ણાત તૈયાર થાય છે.આયુર્વેદમાં પોસ્ટ ગ્રેજ્યુએટનો કોર્સ પૂરો કરનારા વિદ્યાર્થીઓએ જે સંહિતામાં અભ્યાસ કર્યો હોય તેમાં ટિકાત્મક-ગહન અભ્યાસ માટે પ્રવેશ અપાય છે. જે-તે વિષય પર વૈચારિક આપ-લે અને ચર્ચા માટે શિષ્યોને પૂરતો સમય મળે છે.
  • રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠના એક વર્ષના સર્ટિફિટેક કોર્સ(સીઆરએવી) અંતર્ગત આયુર્વેદાચાર્ય(બીએએમએસ)ની ડિગ્રી મેળવનારા અથવા તેને સમકક્ષ અભ્યાસ કરનારા ઉમેદવારોને જાણીતા વૈદ્ય(કે વૈદ) અને પરંપરાગત પ્રેક્ટિસનરની નીચે આયુર્વેદિક ક્લિનિકલ પ્રેક્ટિસમાં તાલીમ આપવામાં આવે છે જેથી તેઓ આયુર્વેદના સારા તબીબ બની શકે.
  • તેમાં પ્રવેશ માટે અખિલ ભારતીય સ્તર પર પ્રસિદ્ધ થતી એડવર્ટાઈઝમેન્ટ મારફતે કોર્સમાં પ્રવેશ મળે છે, જેના માટે લેખિત ટેસ્ટ અને ઈન્ટરવ્યૂ લેવાય છે. આ બન્ને કોર્સમાં અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને માસિક રૂ. 15820 માસિક સ્ટાઈપેન્ડ વત્તા સમય-સમય પર લાગુ મોંઘવારી ભથ્થું મળવાપાત્ર રહેશે. એમઆરએવીના વિદ્યાર્થીઓને દર મહિને વધારાના રૂ. 2500 મળશે

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ(NIA), જયપુર

  • ભારત સરકાર દ્વારા દેશમાં આયુર્વેદીક ચિકિત્સા પદ્ધતિનું વૈજ્ઞાનિક અભિગમ સાથે ઉચ્ચ શિક્ષણ અને તાલીમ તથા સંશોધન માટે સર્વોચ્ચ આયુર્વેદ સંસ્થા તરીકે 1976માં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, જયપુરની સ્થાપના કરવામાં આવી હતી.
  • આ ઈન્સ્ટિટ્યૂટમાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી. સ્તર પર શિક્ષણ, ક્લિનિકલ અને રિસર્ચ કામગીરી થાય છે. આ ઈન્સ્ટિટ્યૂટ રાજસ્થાન આયુર્વેદ યુનિવર્સિટી, જોધપુર સંલગ્ન છે. બીએએમએસના કોર્સમાં પ્રવેશ યુનિવર્સિટી દ્વારા લેવાતી ઓલ ઈન્ડિયા એન્ટ્રન્સ ટેસ્ટ મારફતે મળે છે. પોસ્ટ ગ્રેજ્યુએટ(અનુસ્નાતક) કોર્સમાં પ્રવેશ મેળવવા માટે એનઆઈએ અને આઈપીજીટીઆરએ દ્વારા લેવાતી ઓલ ઈન્ડિયા જોઈન્ટ પીજી એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની રહેશે

ઈન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજયુએટ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ, જામનગર (ગુજરાત)

  • ઈન્સ્ટિટ્યૂટ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ એ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની બંધારણીય સંસ્થા પૈકી એક છે અને આયુર્વેદનું સૌથી જૂનું પીજી ટીચિંગ અને રિસર્ચ સેન્ટર છે.
  • ઈન્સ્ટિટ્યૂટની હોસ્પિટલો દર્દીઓને ઈનડોર અને આઉટડોર સવલતો પૂરી પાડે છે. વિવિધ રોગોના ઉપચાર માટે જરૂરી પંચકર્મ, ક્ષારસુત્ર અને ક્રિયાકલ્પ, વગેરે જેવી વિશેષ સારવાર પ્રક્રિયા પણ હોસ્પિટલ દ્વારા ઉપલબ્ધ કરાવાય છે.

સંબધિત સ્ત્રોત:

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate