অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે દેશી નુસખાઓ

વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે દેશી નુસખાઓ

vaayu1

શારીરિક તંદુરસ્તીનો આધાર શરીરની પાચનક્રિયામાં વાયુની સ્થિતિ મુજબ નક્કી થાય છે અને એ પ્રમાણે જ એની સારવાર થાય છે. તંદુરસ્ત જણાતા લોકોની વાયુની સ્થિતિ બરાબર હોય છે. જો એમાં ફેરફાર થાય તો શરીરમાં નબળાઈ કે માંદગી આવે છે અને અનેક રોગો શરીરમાં ધીરે-ધીરે પ્રવેશે છે. પાચનક્રિયામાં વાયુની ઊર્ધ્વ, મધ્યમ અને અધોવાયુની સ્થિતિ જાણવી જરૂરી છે. એનાં કારણો, લક્ષણો, નિદાન જાણ્યા પછી રોગની સારવાર થઈ શકે છે.

વિવિધ આહાર શાસ્ત્રીઓએ અને આયુર્વેદે ચાવવા ઉપર ભાર મૂક્યો છે. જેટલું વધારે ચાવો તેટલું અનાજ સરળતાથી પચે. એની સાથે સિંધવ, મરી, આદું, સૂંઠ, ભોજનની શરૂઆતમાં લેવાય. સહેજ લીંબુનો ઉપયોગ થાય તો મોંમાં લાળ છૂટે અને પાચનક્રિયાનો ખરો આરંભ તો મુખથી જ થાય છે. જમતી વખતે ન અત્યંત ગરમ કે નહીં ઠંડું મન દઈને જમવું. ભોજનવિધિના નિયમોનું બરાબર પાલન કરવાથી વાયુ પ્રકોપથી બચી શકાય છે. જેથી આજે અમે તમને વાયુ વિકારોથી થતાં રોગો અને તેના માટેના ખાસ નુસખાઓ વિશે જણાવીશું.

વાયુ વિકારથી થતાં રોગો

વાયુવિકાર પક્ષાઘાત, કંપવાત, બાળલકવો, રાંઝણ, કમરનો દુખાવો, સાંધા દુઃખવા કે જકડાઈ જવા, આમવાત, વંધ્યત્વ, કસુવાવડ, શીઘ્રસ્ખલન, અડદીયો વા, સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ, વીશ્વાચી(હાથમાં થતો રાંઝણ જેવો દુખાવો), અવબાહુક(ફ્રોઝન શોલ્ડર), શરીરમાં સોય ભોંકાતી હોય તેવી વેદના થવી, વાત કંટક(પગની એડીમાં કાંટો ભોંકાતો હોય તેવી વેદના થવી), અટકી અટકીને પેશાબ થવો, વાયુ ઉપર ચડવો, વધુ પડતા ઓડકાર આવવા, પેટમાં આફરો થવો, અનિદ્રા, શરીરના કોઈપણ ભાગમાં ઝણઝણાટી થવી, કાનમાં બહેરાશ, દુખાવો કે અવાજ આવ્યા કરવો, ચામડી લુખી અને બરછટ થઈ જવી આ બધા રોગોમાં વાયુની પ્રબળતા હોય છે.

મળમૂત્ર વગેરે કુદરતી વેગો રોકવાથી, જમ્યા પછી તરત (ખાધેલું પુરેપૂરું પચ્યા પહેલાં) ફરીથી નાસ્તો વગેરે ખાવાથી, ઉજાગરા કરવાથી, મોટેથી બોલવાથી, વધુ પડતો શ્રમ કરવાથી, પ્રવાસથી, તીખા, કડવા અને તુરા પદાર્થોના વધુ પડતા સેવનથી, લુખા પદાર્થોથી, વાદળો થવાથી, ચિંતા, ભય અને શોકથી વાયુ પ્રકોપ તીવ્ર થાય છે.

  • ૫૦૦ ગ્રામ મેથી ઝીણી દળી, તેમાં ૧ કિલોગ્રામ ઘી અને ૬ કિલોગ્રામ દૂધ મેળવી ધીમા તાપે ઉકાળી મધ જેવું ઘટ્ટ બનાવવવું. પછી તેમાં ૧.૫ કિલો સાકર નાખી મેથીપાક બનાવવો. આ પાક સવારે ૨૫ થી ૪૦ ગ્રામ જેટલો ખાવાથી સર્વ પ્રકારના વાયુ રોગોનો નાશ થાય છે.
  • મેથીને ઘીમાં શેકી દળીને લોટ બનાવવો. પછી ઘી-ગોળનો પાયો લાવી સુખડીની માફક હલાવી નાના નાના લાડુ બનાવવા. રોજ સવારે એક એક લાડુ ખાવાથી સપ્તાહમાં વાથી જકડાઈ ગયેલાં અંગો છુટાં પડે છે. હાથ-પગે થતી વાની કળતર મટે છે.
  • ૧૫-૨૦ ગ્રામ મેથી રોજ ફાકી જવાથી વા મટે છે.
  • અજમો તવી પર ગરમ કરી, સમભાગે સીંધવ સાથે પીસી ૩ ગ્રામ જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ દૂર થાય છે.
  • અડદની દાળ પાણીમાં પલાળી રાખી, વાટી, તેમાં મીઠું, મરી, હીંગ, જીરૂં, લસણ અને આદુ નાખી વડાં કરવાં. તેને ઘીમાં અથવા તેલમાં તળીને ખાવાથી વાયુ મટે છે.
  • આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવી સવાર-સાંજ પીવાથી વાયુ મટે છે.
  • આદુનો રસ, લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરૂઆતમાં લેવાથી વાયુ મટે છે.
  • ૧૦-૧૦ ગ્રામ આદુના અને લીંબુના રસમાં ૧.૫ ગ્રામ સીંધવ મેળવી સવારે પીવાથી વાયુ મટે છે.
  • ખજૂર ૫૦ ગ્રામ, જીરૂં, સીંધવ, મરી અને સૂંઠ દરેક ૧૦-૧૦ ગ્રામ, પીપરી મૂળ ૫ ગ્રામ અને લીંબુનો રસ ૦.૭૫ ગ્રામને બારીક વાટી ચાટણ બનાવી ખાવાથી વાયુ બેસી જાય છે.
  • એરંડ મગજને દૂધમાં મેળવી ગરમ કરી, માવો બનાવી ખાવાથી વાયુ અને પેટ, ખભા, પગ વગેરેમાં થતો દુ:ખાવો મટે છે.
  • ગોળ નાખેલું દહીં વાયુ મટાડે છે. તે પુષ્ટી આપનાર, તૃપ્તિ કરનાર અને પચવામાં ભારે છે.
  • ઘીમાં શેકેલી હીંગ, સૂંઠ, મરી, પીપર, સીંધવ, અજમો, જીરૂં અને શાહજીરૂં એ આઠ ચીજો સરખે ભાગે લઈ, ચૂર્ણ બનાવી મજબુત બુચવાળી શીશીમાં ભરી રાખવું. આ ચૂર્ણને હીંગાષ્ટક ચૂર્ણ કહે છે. એ વાયુ દૂર કરે છે. એ અનેક રોગોની એક રામબાણ દવા છે. જેમ કે ૧ ગ્રામ જેટલું આ ચૂર્ણ છાશમાં કે ભોજન પહેલાં ઘી અને ભાતમાં લેવાથી આફરો, અજીર્ણ, પેટની પીડા, વાયુ, ગોળો, કૉલેરા, અજીર્ણ કે વાયુથી થતી ઉલટી, કફ-વાતજન્ય વિકારો વગેરે મટે છે.
  • ચીકણી સોપારીનો ભુકો ૧.૫ ગ્રામ સવારે મઠામાં કે કાંજીમાં લેવાથી હોજરીમાં ભરાઈ રહેલો વાયુ (ગૅસ) મટે છે.
  • તાજો ફુદીનો, ખારેક, મરી, સીંધવ, હીંગ, કાળી દ્રાક્ષ અને જીરૂંની ચટણી બનાવી તેમાં લીંબુનો રસ નીચોવી ખાવાથી વાયુ દૂર થાય છે, મોંની ફીકાશ મટે છે, સ્વાદ પેદા થાય છે અને પાચનશક્તિ સતેજ થાય છે.
  • નારંગી ખાવાથી પેટમાંનો વાયુ દૂર થાય છે.
  • પાકા આદુનો ૪૦૦ ગ્રામ રસ ૧.૬ કિલો સાકરની ચાસણીમાં નાખી તાર બંધાય તેવી ચાસણી ફરીથી બનાવી શરબત બનાવવું. એમાંથી ૧૦ ગ્રામ જેટલું શરબત પાણી સાથે લેવાથી પેટનો વાયુ, પેટમાં આમદોષથી આવતી ચૂંક મટે છે. ગંધાતો અને પચ્યા વગરનો ઝાડો બંધાય છે અને પેટમાં થતો ગડગડાટ મટે છે.
  • મરી ઠંડા પાણીમાં બારીક વાટી લેપ કરવાથી વાયુથી અંગ જકડાઈ ગયું હોય તો ફાયદો કરે છે.
  • ફુદીનો, તુલસી, મરી, આદુ વગેરેનો ઉકાળો કરી પીવાથી વાયુ દૂર થાય છે, અને સારી ભુખ લાગે છે.
  • મૂળાનાં બીનું ચૂર્ણ લેવાથી પીઠ પર થતી વાયુની પીડા મટે છે.
  • લવિંગના તેલનાં બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી પેટનો વાયુ મટે છે.
  • રીંગણાંનું શાક, ભડથું કે સૂપ બનાવી, હીંગ અને લસણ સાથે લેવાથી પેટમાંનો વાયુ અને ગોળો મટે છે.
  • સૂંઠ, મરી, પીપર અને સીંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ચૂર્ણમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહે છે. એ પાંચથી ૨૦ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી વાયુ મટે છે.
  • સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુંક ઘી નાખી ૩૦-૪૦ ગ્રામની લાડુડી બનાવી સવારે ખાવાથી વાયુ અને ચોમાસાની શરદી મટે છે.
  • સૂંઠની ભુકી પાણી સાથે ચટણી માફક પીસી, ઘીમાં તળી, તેને ઘી સાથે ખાવાથી વાયુ નાશ પામે છે અને સંગ્રહણી મટે છે.
  • મરી અને લસણને પીસી ભોજનના પહેલા કોળીયામાં ઘી સાથે ખાવાથી વાયુ મટે છે.
  • એરંડાનાં પાન વાયુનો પ્રકોપ શાંત કરે છે. એરંડીયું પણ વાયુના રોગો દૂર કરે છે.
  • વાયુ અને કફદોષ- ૧ લીટર પાણીમાં ૧ ચમચી(૮.૫ ગ્રામ) તાજો નવો અજમો નાખી અડધું બળી જાય ત્યાં સુધી ઉકાળી, ઠારી, ગાળી લો. આ પાણી વાયુ અને કફથી થતાં તમામ દર્દોમાં ખાસ લાભપ્રદ છે. એનાથી કફજન્ય હૃદયનું શૂળ, પેટમાં વાયુપીડા, આફરો, પેટનો ગોળો, હેડકી, અરુચિ, મંદાગ્નિ, બરલનું દર્દ, પેટનાં કરમીયાં, અજીર્ણના ઝાડા, કૉલેરા, શરદી, સળેખમ, બહુમૂત્ર, ડાયાબીટીસ, જેવાં અનેક દર્દોમાં ખાસ લાભપ્રદ છે. આ પાણી ગરમ ગુણો ધરાવે છે.
  • વાયુથી જકડાઈ ગયેલા અંગ પર ઉમરાનું દૂધ ચોપડી રૂ ચોંટાડવાથી ફાયદો થાય છે. બળતરા થતી હોય તો ઉમરાનું દુધ સાકર મેળવી લગાડવું.
  • સરગવાનાં કુમળાં પાન, ફુલ કે શીંગનું શાક ખાવાથી વાયુ મટે છે.
  • ૪૦૦ મી.લી. ઉકળતા પાણીમાં ૨૫ ગ્રામ સૂંઠનું ચૂર્ણ નાખી ૨૦-૨૫ મિનિટ ઢાંકી રાખવું. ઠંડુ થયા બાદ વસ્ત્રથી ગાળી ૨૫થી ૫૦ ગ્રામ જેટલું પીવાથી વાયુ, પેટનો આફરો, ઉદરશૂળ મટે છે.
  • હીંગાષ્ટક ચૂર્ણ સવાર, બપોર, સાંજ એક એક ચમચી પાણી સાથે લેવાથી વાયુ મટે છે. જેઓ દરરોજ હીંગાષ્ટક ચૂર્ણ લે છે તેમને કદી ગેસની તકલીફ થતી નથી.

સાભાર: દિવ્ય ભાસ્કર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate