অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્વાસ્થ્યપ્રદ ગુણોથી ભરપૂર – સૂવાદાણા

સૂવા દાણાને આપણે મુખવાસ માટે ઉપયોગમાં લઈએ છીએ. નાના અર્ધગોળાકાર વિશિષ્ટ સુગંધ ધરાવતા સૂવા દાણા, સૂવાના છોડ પર છત્રાકાર ઉગતા ફુલના બીજ છે. સૂવાના દાણામાં રહેલાં ઉડશશીલ તેલને કારણે લાક્ષણિક સુગંધ ધરાવે છે. સૂવાની લીલીછમ, રેસા આકારના પાન ધરાવતી ભાજી પણ તેવી જ વિશિષ્ટ સુગંધ ધરાવે છે. શિયાળામાં પાલક, મેથી, તાંદળજા, બથવા, સરસવ, ચીલની ભાજીની માફક સૂવાની ભાજી વધુ પ્રમાણમાં વહેંચાતી હોય છે. તીવ્ર સુગંધને કારણે સૂવાની ભાજીને પાલક જેવી અન્ય ભાજી અથવા ચણાનો લોટ ભેળવીને બનાવવામાં આવે છે. સ્વાદની વિશિષ્ટતા ઉપરાંત સૂવાની ભાજી અને દાણામાં રહેલાં ગુણો ખૂબ આરોગ્યપ્રદ છે.

આયુર્વેદ શું જણાવે છે ?

આયુર્વેદમાં સૂવાનું વર્ણન વાયુ અને કફથી થતાં રોગ માટે ઉપયોગી દ્રવ્ય તરીકે જોવા મળે છે. સૂવાના સ્વાદમાં થોડી કડવાશ અને તીખાશ છે. આયુર્વેદિય પંચભુતાત્મક સિદ્ધાંત આધારિત, દ્રવ્યગુણ વિજ્ઞાન સૂવામાં રહેલ લઘુ (easy to digest) અને તીક્ષ્ણ (Piercing can enters deep tissues) ગુણો અને પાચકરસોથી પચ્યા પછી તેનો વિપાક (Conversion of taste after digestion) કટુ (તીખો) થતો હોવાથી તેને તાસીરે ગરમ, આયુર્વેદિય પરિભાષામાં ઉષ્ણ વીર્ય (hot in Potency) જણાવે છે. આટલી માહિતીને ધ્યાનમાં રાખી પાચન, શ્વસનતંત્ર, સાંધા-સ્નાયુઓના દુ:ખાવા, ધાતુપાક પ્રક્રિયામાં સક્રિયતાની કમી જેવી શારીરિક અક્ષમતા માટે જવાબદાર વાયુ અને કફ દોષ માટે ઔષધની માફક ઉપયોગમાં લઇ શકાય છે. પરંતુ ‘ઉષ્ણવીર્ય' અને વિપાકે ‘કટુ' હોવાથી પિત્તનું સ્ત્રવણ કરાવવાની અસર કરતું હોવાથી પિત્ત વિકૃત થવાથી થયેલા રોગોમાં, ખાસ કરીને ડાયજેસ્ટીવ સિસ્ટમનાં રોગો જેવાકે હાયપર એસિડિટી, ગેસ્ટ્રાઈટીસ, પેપ્ટિક અલ્સર આ ઉપરાંત માસિક વધુ આવવું, બ્લીડિંગ પાઈલ્સનાં દર્દીઓને સૂવાનો ઉપયોગ વિશેષ કાળજી સાથે કરવો જોઈએ. આથી જ ખોરાક અથવા મુખવાસ તરીકે સામાન્ય ઉપયોગ કરી શકાય, પરંતુ વિશિષ્ટ બનાવટ અને યોગ્ય પ્રમાણનો નિશ્ચય આયુર્વેદ નિષ્ણાત જ યુક્તિપૂર્વક કરી શકે છે.

  • વાયુથી થતી પાચન સબંધિત તકલીફ-જમ્યા પછી પેટ ફુલી જવું, ખૂબ ઓડકાર આવવા, પેટમાં દુઃખાવો થવો, મળ ખૂબ જ સૂકાઈ જવાને પરિણામે કબજીયાત થવી, વારંવાર વાછૂટ થવી જેવી તકલીફમાં સૂવાના દાણાને હલકા શેકી પાવડર કરી ૧ ચમચી આશરે ૩ ગ્રામ જેટલાં પ્રમાણમાં લઇ થોડું સંચળ અને ઘી ઉમેરી જમ્યા પછી ચાટી જવું. ત્યારબાદ ઠંડુ પાણી, ઠંડી છાશ પીવાનું ટાળવું. શક્ય હોય તો સ્હેજ હુંફાળુ પાણી પીવું..

 

  • હેડકી અથવા ખૂબ ઓડકાર આવતા હોય તેઓ વાતનાડીઓ શાંત થઇ અને ખોરાક-પાણી યોગ્ય રીતે ગળી શકાય તે માટે જમવાના અડધો કલાક પહેલાં ૧ ચમચી સૂવા દાણાનો પાવડર એક કપ પાણીમાં ઉકાળી નવશેકું ઠંડુ થયે તેમાં અડધા લીંબુનો રસ અને સંચળ ઉમેરી ઘુંટડે-ઘુંટડે પીવું. હેડકીનો વેગ શમી ગયા બાદ જમવું. આ મૂજબ સૂવાનું પાણી પીધા બાદ ભોજન કરવાથી વારંવાર ઓડકાર બંધ થઇ અને જમ્યાબાદ જઠરમાં પાચન માટે જરૂરી ક્રિયા માટે વાતનાડીઓનું નિયમન શક્ય બને છે..
  • શરદી, એલર્જી - છીંકો – ઉકળતા પાણીમાં સૂવાનો અધકચરો તાજો જ કરેલો ભૂક્કો ઉમેરી વરાળનો નાક, સાયનસ પર શેક કરવો. વરાળ શ્વાસમાં જઈ અને નાક, કાન, ગળાની ચામડીની અસહિષ્ણુતાથી થતી એલર્જીમાં ફાયદો કરે છે. સૂવાના દાણાનો નાસ લેવાની પ્રવૃત્તિ થોડો લાંબો સમય દિવસમાં બે વખત સવારે અને રાત્રે સૂતા સમયે નિયમિત કરવાથી એલર્જી, વારંવાર ખૂબ જ છીંકો, જૂની શરદી, સાયનસાયટિસમાં ફાયદો થાય છે. આ સાથે વૈદની સલાહનુસાર આહાર-ઔષધ ઉમેરવાથી સંપૂર્ણ ઉપચાર શક્ય બને છે..
  • ઝાડા, મરડો, કબજીયાત – આંતરડાની નબળાઈ, આંતરડામાં માઈક્રોબાયલ ઇન્ફેક્શન લાગવાથી, આંતરડા સાથે જોડાયેલી વાતનાડીયોની અનિયમિત સક્રિયતા, આંતરડાની આંતરત્વચામાં સોજો, મળની પરત જામવી જેવા કારણોથી થતાં ઝાડા, મરડો, કબજીયાતમાં સૂવાદાણાનો પાવડર અને સૂંઠનો પાવડર સરખાભાગે ૧-૧ ચમચી લઇ, ગોળ ભેળવી જમ્યા બાદ ચાવું જવું..
  • માસિક સબંધિત અનિયમિતતા અને માસિક સમયે પેઢુમાં થતાં દુ:ખાવા માટે પેલ્વીક એરિયા સ્થિત સ્નાયુઓ, નાડીઓનું સંચાલન કરતાં અપાન વાયુને નિયમિત કરવામાં સૂવા અસરકારક છે.

માસિકના સંભવિત સમયથી ૭ દિ પહેલાં નિયમિત દરરોજ રાત્રે ૧ ચમચી સૂવાનું ચૂર્ણ પાણી સાથે લેવાથી ફાયદો થાય છે. આ સાથે ખોરાકમાં લીલા શાકભાજી, સલાડ, રેસાયુક્ત ખોરાક, ગરમ પ્રવાહી ખોરાક જેવાકે સૂપ, રાબનો ઉમેરો કરવો. પચવામાં ભારે, વાયુકારક કઠોળ વગેરે ન ખાવા. .

સૂવાના દાણાનો નાસ લેવાની પ્રવૃત્તિ થોડો લાંબો સમય દિવસમાં બે વખત સવારે અને રાત્રે સૂતા સમયે નિયમિત કરવાથી એલર્જી, વારંવાર ખૂબ જ છીંકો, જૂની શરદી, સાયનસાયટિસમાં ફાયદો થાય છે.

સ્ત્રી સ્વાસ્થ્ય માટે ઉપયોગી

પૌષ્ટિકતાની દ્રષ્ટિએ 100gm સૂવા દાણામાં 142% વિટામીન C, 21% કેલ્શ્યમ, 63% મેંગેનિઝ, 37% આયર્ન, 21% પોટેશ્યમ, 154% વિટામીન A, 38% ફોલેટ, 17% રીબોફલેવીન જેવા દરરોજની જરૂરિયાત પૂરી પાડે તેવા વિટામીન્સ અને ક્ષારો છે. આથી જ સ્વાસ્થ જાળવવા માટે મુખવાસ તરીકે ૧ ચમચી આશરે ૩-૫ ગ્રામ સૂવાદાણા દિવસમાં બે વખત ઉપયોગ કરવાથી પૌષ્ટિકતાની સાથે સૂવાદાણાનાં સ્ટીમ્યુલેટીગ અને એમેનાગોગિક નેચરને પરિણામે સ્ત્રીસહજ વિશિષ્ટ હોર્મોન્સનાં બેલેન્સમાં પણ મદદરૂપ થાય છે. આથી જ માસિકના રોગો, વજન વધુ-ઓછું હોવું, મિનરલ્સની કમીને કારણે ત્વચા-વાળની રૂક્ષતા જેવી તકલીફ થતી અટકાવે છે. .

અનુભવ સિદ્ધ :

પ્રસૂતાને ડિલીવરી બાદ સૂવાના દાણા નાંખીને ઉકાળેલું પાણી સવા મહિના સુધી આપવાની પ્રથા આયુર્વેદાનુરૂપ છે. જેથી પ્રસ્તુતાનાં સ્તનને પુષ્ટતા મળી સ્તન્ય યોગ્ય પ્રમાણમાં પ્રવૃત્ત થાય છે. તે સાથે વાતનાડીયો નિયમન કરી ગર્ભાશયનો આકાર પૂર્વવત કરી, પેઢુનો ફુલાવો દૂર કરી માતાનું સ્વાસ્થ-સૌંદર્ય જાળવવામાં મદદ કરે છે.

લેખક : ડો યુવા ઐયર , ફેમિના

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate