હોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / રોગો અને ઔષધો / શારીરિક કળતર મટાડે તેવા ઉપચાર
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શારીરિક કળતર મટાડે તેવા ઉપચાર

શારીરિક કળતર મટાડે તેવા ઉપચાર વિશેની માહિતી

સ્ત્રી હોય કે પુરુષ શારીરિક ક્ષમતા, ઉત્સાહ અને જરૂરી બળથી જ રોજબરોજના સામાન્ય કામ અને ઘરકામ, અભ્યાસ, રસોઈ, સફાઈ, ઓફિસ-વ્યવસાય સબંધિત ફરજ નિભાવી શકાય છે. પ્રોઢાવસ્થા દરમ્યાન કે વૃદ્ધાવસ્થામાં હાડકાનાં ઘસારા, સ્નાયુની નબળાઈ, સાંધાના રોગ અને અશક્તિ પૈકી એક અથવા એકથી વિશેષ કારણને લીધે વ્યક્તિની ઉઠવા-બેસવાની રીત, ગતિમાં ફરક દેખાય છે. ઉઠવા-બેસવા કે ચાલવા દરમ્યાન સંતુલન જાળવવા માટે હાડકા, સાંધાઓ, સ્નાયુઓમાં બળ અને ક્ષમતા હોવી જરૂરી છે. જેના અભાવમાં ઝડપ ઓછી થઇ જવી કે ટેકો લેવાની જરૂર પડવી એ વૃદ્ધાવસ્થામાં સામાન્ય કહેવાય. પરંતુ યુવાનીમાં કે પ્રોઢાવસ્થા પહેલા જ્યારે શરીરના નાના-મોટા સાંધાઓ, સ્નાયુમાં કળતર રહેવી, આળસ અને ઉત્સાહનો અભાવ શારીરિક વિકૃતિ સૂચક છે.

શારીરિક કળતર થવાનાં કારણો

પરિસ્થિતિજન્ય કારણો

સ્ટ્રેસ-સતત સ્ટ્રેસ અનુભવતી વ્યક્તિની ભૂખ, પાચન, મેટાબોલિઝમ, હોર્મોન્સનાં સંતુલન, ઈમ્યુનીટી જેવી વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ અને જૈવરસાયણોમાં વિકૃતિની અસરને પરિણામે અપૂરતું પોષણ, સ્નાયુઓમાં શિથિલતા-સોજા, માથાનો દુખાવો, શ્વાસ ચઢવો, ઊંઘ ન આવવી, હ્રદયની ગતિમાં અનિયમિતતા, બ્લડપ્રેશર વધુ રહેવું પૈકી લક્ષણો-વિકૃતીને પરિણામે અશક્તિ, કાર્યશક્તિમાં ઘટાડો, આળસ, શરીરમાં દુઃખાવો થતો હોય છે.

ભેજવાળા વાતાવરણ, વાદળછાયા વાતાવરણમાં વાયુ પ્રકૃતિનાં વ્યક્તિઓને વાયુકારક ભોજન વગેરેથી પણ કળતર થતું હોય છે.

રોગજનક કારણો

 • શરીરમાં જરૂરી ક્ષારોનું અસંતુલન થવાથી સ્નાયુઓ અકડાઈ જવા, ચક્કર-ઉબકા, થાક જણાય છે. વધુ પ્રમાણમાં પરસેવો વળવા જેવી સ્થિતિમાં પાણી ઓછું પીવું, ઝાડા થઇ જવા જેવા રોગમાં ખાંડ-મીઠાનું પ્રમાણ ઘટી જવું જેવી પરિસ્થતિમાં ડિહાઈડ્રેશનને પરિણામે પણ કળતર રહે છે. આવી પરિસ્થિતિમાં ખાંડ, મીઠું, ક્ષારોનું પ્રમાણ જળવાય તો ફાયદો થતો હોય છે.
 • તાવ, શરદી-ફ્લુ જેવો રોગનાં હુમલા દરમ્યાન શરીરની ઈમ્યુન સિસ્ટમનાં સક્રિય થવા દરમ્યાન ગળા, નાક, ફેફસાં વગેરેમાં થતાં સ્ત્રાવ, સોજા અને સંક્રમણને પરિણામે વિષાક્ત અસરથી શરીરમાં કળતર થાય છે. જે રોગ મટવાથી મટી જતું હોય છે.
 • લોહીમાં રક્તકણો, હિમોગ્લોબીન, વિટામીન ડી, વિટામીન બી-૧૨ જેવા તત્વોની કમીથી શરીરની શક્તિ અને સ્નાયુની કાર્યશક્તિ પર આડઅસર થાય છે. રક્ત પરીક્ષણ અને યોગ્ય ઉપચારથી ફાયદો થાય છે.
 • આમવાત, સંધિવાત, ગાઉટ જેવા રોગમાં પણ એક અથવા એકથી વધુ સાંધા-સ્નાયુઓમાં દુખાવો થતો હોય છે.
 • ફાઈબ્રોમમાયેલ્જી આ રોગ કે જે થવાનાં કારણો શારીરિક-માનસિક આઘાત, મોટી બિમારી કે ઓપરેશન, સંક્રમણથી અશક્ત શરીરના વિવિધ સ્નાયુ, સાંધાઓમાં સતત દુખાવો, ઊંઘ ન આવવી, યાદશક્તિ ઘટી જવી, હાથ-પગનાં ઝણઝણાટી થવી જેવા લક્ષણો થતાં હોય છે. આ રોગ માટે કોઈ ચોક્કસ કારણ જાણી શકાતું નથી. લોહી-મૂત્રનાં પરીક્ષણમાં પણ કોઈ પૌષ્ટિક તત્વ કે વિટામીન્સ, આર્યન ડેફિશ્યન્સી પણ જોવા મળતી નથી. તેમ છતાં સતત શારીરિક કળતર અનુભવાય છે. અમુક ટ્રીગરીંગ પોઈન્ટ જેવા કે માથાનાં પાછળનો ભાગ, હાથમાં કોણીનો સાંધો, કમર, પગમાં ઘૂંટી, ખભ્ભામાં ઉપરનો ભાગ જેવા સ્થાને અસહિષ્ણુતા – થોડા દબાણથી પણ ખૂબ દુખાવો થતો હોય છે.

વિવિધ કારણો જેવા કે પોષણની કમી, સંક્રમણ કે અન્ય રોગને કારણે શારીરિક કળતર અનુભવાતી હોય છે પરંતુ સતત ૩-૪ અઠવાડિયાથી વધુ કળતર અનુભવાય, કોઈ દેખીતું કારણ અને ઉપચાર ન કરાવતાં હોવ તો, દાક્તરી સલાહ, પરીક્ષણ કરાવી કારણ વિશે જાણી અને ઉપચાર કરવો જોઈએ. દેખીતા કોઈ જ કારણ-નિદાન ન જણાય તેવા કિસ્સામાં આયુર્વેદની ‘આમની વિષાક્ત અસરથી થતાં સાંધા – સ્નાયુઓમાં દુખાવો, સોજો અને નબળાઇ' ની થિયરીમાં બતાવેલ ઉપાયો ધીરજપૂર્વક કરવાથી સાંધા, સ્નાયુની નબળાઈ, સોજા અને હલન-ચલનમાં ફાયદો થાય છે.

આમવાત, સંધિવાત, ગાઉટ કે પછી ચિકનગુનિયા તાવ બાદ દુખતા સાંધાઓ માટે પણ આ કુદરતી ઉપચાર અપનાવી શકાય.

આહાર એ જ ઉપચાર

 • ‘આમ' પાચન માટે શારીરિક ક્ષમતા હોય તેઓએ ૧ કે ૩ દિવસ સૂંઠ નાંખી ઉકાળીને ઠંડુ કરેલું પાણી દિવસમાં ૧૨-૧૪ ગ્લાસ પીવું. આ સાથે ખોરાકમાં સાકર નાખેલું ગાયનું દૂધ, કેળા ૧ કે ૨, ખજૂર ૪-૫ નંગ, નારિયેળનું પાણી, દૂધી-પાલક-ગાજર-લસણ-તજ બાફીને ક્રશ કરી બનાવેલા સૂપમાં સિંધવ-મરી ઉમેરી દિવસમાં ૧ થી ૨ વાટકી તાજો બનાવીને પીવો. આ મુજબ ખોરાક હલકો ખાવાથી પાચકાગ્નિ નિયમિત થાય છે. ભૂખ, પાચન, ધાતુપચનની ક્રિયામાં સુધારો થશે.
 • કબજીયાત હોય તેઓએ સ્વાદિષ્ટ વિરેચનચૂર્ણ, એરંડભૃષ્ટ હરડે ચૂર્ણ અથવા દિવેલથી મળશુદ્ધિ કરવી જરૂરી છે.
 • ત્રણ દિવસ બાદ પણ શરીરમાં ભારેપણું દૂર ન થાય, દહીં, ખટાશ ચાલુ ન કરવી. મગનું પાણી અજમો-હિંગથી વઘારી ૧-૨ વાટકી પીવું. ઘઉંની રાબ ઘી-ગોળ-સૂંઠ-ગંઠોડાવાળી પીવી. નવશેકા પાણીમાં શેકેલા જીરૂનો પાવડર. સિંધવ-સંચળ, ફુદીનાનો રસ નાંખી પીવું. જેમ-જેમ ભૂખ-પાચન નિયમિત થાય તેમ સામાન્ય હલકો ખોરાક ખાવો.

ઔષધ

 • અંગમર્દ પ્રશમક ક્વાથ – વિદારીકંદ, પૃશ્નપર્ણી, નાની-મોટી કટેરી, એરંડ, કાકોલી, ચંદન, ખસ, એલચી અને જેઠીમધ આટલા ઔષધોથી બનાવેલો કવાથ વૈદની સલાહ મૂજબ પીવાથી સ્નાયુ, સાંધામાં થતું કળતર મટે છે.
 • કરિયાતું, લોહાસવ, દશમૂળ કવાથ જેવા સાદા ઔષધો પણ યોગ્ય માર્ગદર્શનથી લેવાથી સારુ પરિણામ મળે છે.

આમવાત, સંધિવાત, ગાઉટ જેવા રોગમાં એક અથવા એકથી વધુ સાંધા-સ્નાયુઓમાં દુખાવો થતો હોય છે.

સ્ત્રોત: યુવા ઐયર, નવગુજરાત હેલ્થ

3.15384615385
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top