অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શતાવરી

શતાવરીના છોડ ભારતમાં બધે જ થાય છે. તેના છોડ ત્રણથી ચાર ફુટ ઉંચા, પાન શરુ જેવાં બારીક અને ડાળીના મુળ પાસેથી છેડા સુધી બંને બાજુએ સરખાં હોય છે. શતાવરીને નાનાં સફેદ સુગંધી ફુલોનાં ઝુમખાં આવે છે. છોડને કાંટા હોય છે. ડાળીની એક બાજુએ એક એક કાંટો હોવાથી એને એકલકંટી પણ કહે છે. તેને ચણી બોર જેવાં ફળો આવે છે. પાક્યા પછી તે લાલ રંગનાં થાય છે. શતાવરીનાં મુળ સુતરના તાંતણા એકઠા કરીને બાંધી રાખ્યા હોય એવાં ઝુમખા રુપે હોય છે. તેનાં મુળને ફીક્કાશ પડતી લાલ-પીળા રંગની છાલ હોય છે. એ છાલ કાઢતાં અંદર ધોળા રંગનો ગાભો અને વચ્ચે દોરા જેવું દેખાય છે. શતાવરીનાં મુળ લીલાં હોય ત્યારે સુકવવામાં આવે છે. આ મુળને જ શતાવરી કહે છે.

શતાવરીની બે જાતો થાય છે :

(૧) મહા શતાવરી

(૨) નાની શતાવરી.

મહા શતાવરી ભીલાડથી મુંબઈ સુધીના દરીયાકીનારે વધુ થાય છે. તેનાં મુળ અંગુઠા જેટલાં જાડાં, રસદાર અને આઠથી દસ ફુટ લાંબાં થાય છે. દવામાં જાડાં અને રસદાર મુળીયાં જ વાપરવાં જોઈએ. બજારમાં જે વેચાય છે તે નાની શતાવરીનાં જ મુળીયાં હોય છે. નાની શતાવરી સર્વત્ર થાય છે. રેતાળ જમીનમાં ખુબ થાય છે. નાની શતાવરીનાં મુળ આઠથી બાર ઈંચ લાંબાં અને પાતળાં હોય છે. દવામાં ચુર્ણ કરવું હોય તો નાની શતાવરીનાં મુળનું કરવું અને રસ કાઢવો હોય તો મોટી શતાવરીના મુળનો કાઢવો. જો મોટી શતાવરી મળે તો તેનું ચુર્ણ વાપરવું વધુ સારું.

શતાવરી ઔષધમાં વપરાય છે. શતાવરી એક ઉત્તમ ઔષધ છે. શતાવરીના છોડને સો કરતાં પણ વધારે મુળ હોય છે આથી એને શતાવરી કહે છ. તેનાં પાન વાળ જેવાં ઝીણાં અને પુશ્કળ હોય છે. એના છોડને જમીન તરફ વળેલા અવળા કાંટા હોય છે. શતાવરી ઠંડી, વાજીકર, મધુર-કડવી, રસાયન, સ્વાદીષ્ટ, પચવામાં ભારે, ચીકણી, ધાવણ વધારનાર, બળ આપનાર, બુદ્ધીવર્ધક, જઠરાગ્ની પ્રદીપક, આંખો માટે સારી અને પૌષ્ટીક છે.

શતાવરી ત્રીદોષનાશક, ક્ષય, રક્તદોષ, સોજા, ગોળો અને અતીસારનો નાશ કરે છે. શતાવરી પરમ પીત્તશામક છે. એક એક ચમચી શતાવરીનું ચુર્ણ અને સાકર દુધમાં મીશ્ર કરી પીવાથી તરત જ અમ્લપીત્ત-એસીડીટી શાંત થાય છે. શતાવરી મધુર અને કડવી છે. તે બળ વધારનાર, ધાવણ વધારનાર, શુક્રવર્ધક, રસાયન, મૈથુનશક્તી વધારનાર-વાજીકરણ છે. આ ઉપરાંત રક્તવીકાર, વાયુ, અને પીત્તને હરનાર, રક્તમુત્રતા, મુત્રકૃચ્છ્ર, મુત્રકષ્ટ મટાડનાર છે. જ્યારે મહાશતાવરી હૃદય માટે હીતકારી, બુદ્ધીવર્ધક, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, પૌષ્ટીક, ગ્રહણી અને હરસને મટાડનાર છે.

  1. દુઝતા હરસમાં રોજ શતાવરી અને સાકર નાખી ઉકાળીને ઠંડુ કરેલું દુધ પીવું.
  2. જો મુત્રમાર્ગે લોહી પડતું હોય તો ૧ ચમચી શતાવરી, ૧ ચમચી ગોખરું અને ૧ ચમચી સાકરને ૧ ગ્લાસ પાણીમાં નાખી, ઉકાળો બનાવી રોજ સવારે અને સાંજે પીવાથી મટે છે, કેમ કે મુત્રાશયની શુદ્ધી કરવામાં શતાવરી અને ગોખરું બન્ને ઉત્તમ છે.
  3. કીડનીના સોજામાં પણ શતાવરી અને ગોખરું લેવાં.
  4. મહા શતાવરીનો તાજો રસ બે ચમચી સવાર-સાંજ પીવાથી અથવા મહા શતાવરીનું તાજું ચુર્ણ સાકરવાળા દુધમાં પીવાથી ધાવણ સાવ ઓછું આવતું હોય તો તેમાં લાભ થાય છે. શતાવરીનો તાજો દુધપાક બનાવીને પણ લઈ શકાય.
  5. રક્તાતીસારમાં મળમાર્ગે પડતા લોહીમાં ૧ ગ્લાસ બકરીના તાજા દુધમાં ૧ ચમચી શતાવરીનું ચુર્ણ, ૧ ચમચી સાકર અને ૧ ચમચી ઘી નાખી ઉકાળી ઠંડુ પાડી સવાર-સાંજ પીવાથી રક્તસ્રાવ બંધ થાય છે.
  6. ફેફસાની નાની મોટી તકલીફોમાં શતાવરીનું ચુર્ણ અને સાકર દુધમાં ઉકાળી લાંબો સમય લેવાથી સારો ફાયદો થાય છે.
  7. રતાંધળાપણામાં શતાવરીનાં કુમળાં પાન ગાયના ઘીમાં વઘારીને ખાવાથી રતાંધળાપણુ દુર થાય છે.
  8. મોઢામાં, હોજરીમાં, હોજરીના છેડે, આંતરડામાં જો ચાંદાં પડ્યાં હોય તો શતાવરીઘૃત અત્યંત હીતાવહ છે. મળી શકે તો લીલી શતાવરીનો તાજો રસ કાઢી બે ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવો. જો લીલી શતાવરી ન મળે તો જ્યારે મળે ત્યારે શતાવરી ઘૃત પકાવી લેવું. ૫૦૦ ગ્રામ ગાયનું ઘી, ૨ કીલોગ્રામ શતાવરીનો રસ અને શતાવરીના મુળીયાનું ૨૦૦ ગ્રામ ચુર્ણ મીશ્ર કરી ઉકાળવું. પાણીનો ભાગ ઉડી જાય ત્યારે ઉતારીને ગાળી લેવું. એક ચમચી આ શતાવરી ઘૃત દીવસમાં ત્રણ વખત લેવાથી જીર્ણ જ્વર, મીરગી-વાયુ, આંતરીક ચાંદાં, ગાઉટ, ફેફસાના રોગો વગેરે મટે છે. શતાવરી મહીલાઓ માટેની પરમ પૌષ્ટીક ઔષધી છે.
  9. શતાવરીના બે ચમચી રસમાં એક ચમચી મધ મેળવી સવાર-સાંજ પીવાથી સ્ત્રીઓને થતું પીત્તનું શ્વેત પ્રદર મટે છે.
  10. એક ગ્લાસ દુધમાં એક ચમચી શતાવરીનું ચુર્ણ અને બે ચમચી સાકર નાખી ઉકાળીને ઠંડુ પાડી પીવાથી સ્ત્રીઓને થતું રક્તપ્રદર અને લોહીવા મટે છે.
  11. શતાવરી, જીરુ અને ગળો દરેકનું અડધી અડધી ચમચી ચુર્ણ પાણીમાં નાખી સવાર-સાંજ પીવાથી ટાઢીયો તાવ મટે છે.
  12. શતાવરી, સાકર, ગોળ અને કોપરું ખાવાથી પ્રસુતાનું ધાવણ વધે છે.
  13. એક ગ્લાસ ગાયના દુધમાં એક ચમચી શતાવરીનું ચુર્ણ નાખી પીવાથી પથરી મટે છે.
  14. એક ચમચી શતાવરી અને બોદા ગોખરુનું ચુર્ણ દુધમાં ઉકાળી સવાર-સાંજ પીવાથી પથરી મટે છે અને પેશાબમાં પડતું લોહી બંધ થાય છે.
  15. શતાવરી રસાયન છે, આથી એના સેવનથી આયુષ્ય વધે છે, સ્વાસ્થ્ય સારું રહે છે, વજન વધી શરીર હૃષ્ટપૃષ્ટ થાય છે. એક ગ્લાસ દુધમાં એક ચમચી શતાવરી અને એક ચમચી સાકર નાખી ઉકાળવું. ઠંડુ પડે ત્યારે ધીમે ધીમે પી જવું. એનાથી શરીરમાં સારી શક્તી આવે છે. સ્ત્રીઓનો પ્રદર રોગ મટે છે.
  16. શતાવરીમાંથી બનાવેલા તેલને નારાયણ તેલ કહે છે. બધી ફાર્મસી બનાવે છે. વાથી જકડાયેલા સ્થાન પર તેનું માલીશ કરવું. આ તેલની લઘુ એનીમા લેવાથી વાયુના રોગો, કટીશુળ, સાંધાનો દુખાવો, સાંધા જકડાઈ જવા વગેરે મટે છે.
  17. શતાવરી ચાંદાં માટેનું અકસીર ઔષધ છે. ૨૦૦ ગ્રામ દુધમાં એટલું જ પાણી નાખી ૧૦ ગ્રામ શતાવરીનું ચુર્ણ અને ૫ ગ્રામ જેઠીમધનું ચુર્ણ બે ચમચી ખડી સાકર નાખી ધીમા તાપે પાણી બળી જાય ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પાડી પીવાથી મોંનાં, ગળાનાં, હોજરીનાં, યોનીમાં, આંતરડાંમાં, ગર્ભાશયમાં પડેલાં ચાંદાં મટે છે. આહારમાં દુધનું પ્રમાણ વધારવું. ગોળ, લસણ, ડુંગળી, કાળાં મરી, અથાણાં, પાપડ, મરચાં, બાજરી, રીંગણાં, મુળા, મોગરી, રાઈ, હીંગ વગેરે છોડી દેવાં. મોળાં શાકભાજી, રોટલી જેવો સાદો આહાર લેવો. એનાથી કસુવાવડ થતી હોય કે પુરા માસે જન્મેલું બાળક જીવી શકતું ન હોય તેમાં પણ ફેર પડે છે.
  18. જો કોઈ પુરુષને ગરમી હોય અને તેને લીધે શુક્ર ક્ષીણ થઈ જાય, પાતળું પડી જાય, કામશક્તી ઘટી જાય, ઉત્સાહનો અભાવ હોય શુક્રજંતુની ગતી ઘટી જતી હોય તો શતાવરી, આમળાં, સાકર, ઘી અને અશ્વગંધાનું એક એક ચમચી ચુર્ણ સવાર-સાંજ લેવું.
  19. શતાવરી, જેઠીમધ અને સાકર આ ત્રણેનું સરખા વજને બનાવેલું એક ચમચી જેટલું બારીક ચુર્ણ સવાર-સાંજ દુધ સાથે લેવાથી શરીરની આંતરીક ગરમી મટે છે. હાથની હથેળીની અને પગના તળીયાની બળતરા મટે છે.

શતાવરી પાક

૫૦૦ ગ્રામ શતાવરીનાં મુળ ખુબ ખાંડી પાણી નાખી પેસ્ટ જેવું બનાવી તેમાં ચારગણું ગાયનું દુધ અને ચારગણું ગાયનું ઘી નાખી પાણીનો ભાગ ઉડી જાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળવું. હવે બાકી રહેલા કલ્ક જેટલી સાકર નાખી પાક બનાવવો. એને શતાવરી પાક કહે છે. બે ચમચી જેટલો શતાવરી પાક સવાર-સાંજ ખાવાથી રક્તપીત્ત, એસીડીટી, ક્ષય, પીત્તના અને વાયુના રોગો મટે છે.

શતાવરી ક્ષીરપાક

એક કપ દુધમાં એટલું જ પાણી મેળવી તેમાં એક ચમચી શતાવરીનું ચુર્ણ, એક ચમચી જેઠીમધનું ચુર્ણ અને એક ચમચી સાકર મેળવીને ખુબ હલાવી ધીમે તાપે ઉકાળવું. ઉકળવાથી જ્યારે પાણીનો ભાગ ઉડી જાય અને એક કપ જેટલું દુધ બાકી રહે ત્યારે ઉતારી લેવું. ઠંડું પડે ત્યારે પી જવું, આ રીતે સવાર-સાંજ તાજું બનાવેલું શતાવરીયુક્ત દુધ-શતાવરી ક્ષીરપાક પીવામાં આવે તો શરીરની આંતરીક ગરમી, યોનીમાર્ગની આળાશ, બળતરા, ચાંદી, ગર્ભ ન રહેવો, વારંવાર કસુસાવડ થવી વગેરે મટે છે.

સ્ત્રોત: વૈદ્ય નિકુલ પટેલ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/5/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate