હોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / રોગો અને ઔષધો / પિત્તશામક, પૌષ્ટિક આમળા
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પિત્તશામક, પૌષ્ટિક આમળા

પિત્તશામક, પૌષ્ટિક આમળા

પરિચય :

ગુજરાતમાં ખેડા, પાવાગઢ, ડાંગ, સાપુતારા તથા ગીર પ્રદેશમાં અને ઉત્તર ભારતમાં આમળા (આમલકી, આંવલા) પથરાળ જમીનમાં ખાસ થાય છે. તેના ઝાડ ૧૫ થી ૩૦ ફૂટ ઊંચા થાય છે. તેમાં જંગલી અને બાગી (વાવેલ) એવી બે જાતો થાય છે. તેના પાન આંબલીના પાન જેવા, એક ડાળી પર ૧૦૦ જેટલા નાનાં, પાસેપાસે અંતરે આવેલ હોય છે. તેના પર લીંબુ જેવડાં કદના, આછા લીલા સુંદર રંગના, ખટમીઠા અને ઓછા રેસાનાં ફળ થાય છે. અંદર વચ્ચે ઠળિયો હોય છે. તેની ઉપર જાડો દળદાર ગર્ભ હોય છે. આયુર્વેદનું આ ખૂબ જાણીતું ઔષધ અનેક દવાઓમાં વપરાય છે. ખૂબ જાણીતું ‘ચ્યવનપ્રાસ અવલેહ‘ નામનું ટોનિક આમળામાંથી જ બને છે. દવામાં લીલા-તાજા અને સૂકા બંને આમળાં ખાસ વપરાય છે. તેનાથી અસંખ્ય દવા બને છે.

ગુણધર્મો :

આમળા સ્વાદે ખટ-મધુરા, તૂરા-કડછા; ગુણમાં ઠંડા, મળ-મૂત્ર સાફ લાવનાર, રસાયન (રોગ અને વૃદ્ધાવસ્થાનાશક), વીર્યવર્ધક, રૂચિકર્તા, આયુષ્‍ય તથા આંખ અને કેશ માટે હિતકર, વાળ કાળા કરનાર, પચવામાં હળવા, ત્રિદોષનાશક છતાં કફવર્ધક અને પિત્ત-વાયુનાશક, પુષ્ટિવર્ધક, અસ્થિભંગને સાંધનાર, દેહ કાંતિવર્ધક અને રક્તપિત્ત, પ્રમેહ, વિષ, ઝેર, તાવ, ઊલટી, સોજો, બંધકોશ, શોષ, તૃષા, રક્તવિકાર, દાહ, મોળ, ભ્રમ, અમ્લપિત્ત, ખાંસી, શ્રમ-થાક, ગરમીનાં દર્દો, રતવા તથા વાતરક્ત (ગાઉટ) મટાડે છે.

ઔષધિ પ્રયોગ :

 1. બહુમૂત્ર (વારંવાર ઘણો પેશાબ) : આમળાના તાજા ૨૫ ગ્રામ રસમાં ૧ ગ્રામ દારૂ-હળદરનું ચૂર્ણ નાંખી, તેમાં થોડી સાકર ઉમેરી સવાર-સાંજ-રાતે પીવું.
 2. રક્તપિત્ત (મોઢેથી, નાકેથી કે ગુદાથી લોહી પડવું) : આમળાનો ૨૫ થી ૫૦ ગ્રામ રસ કાઢી, તેમાં સાકર તથા ઘી ૧ ચમચી ઉમેરી, સવાર-સાંજ પીવું. આ પ્રયોગથી શરીરની ખોટી તજા ગરમી તથા ગરમીનાં અન્ય દર્દો પણ મટે છે.
 3. તાવમાં શોષ પડવો : આમળા ચૂર્ણ, સાકર અને ઘી એકત્ર કરી, ગોળી કરી મોંમાં રાખવી.
 4. મૂત્રદાહ તથા મૂત્ર અલ્પતા : આમળાનો રસ, શેરડીના રસમાં ઉમેરી વારંવાર પાવો.
 5. વીર્ય વધારવા : આમળાનો રસ, સાકર અને ઘી ૧-૧ ચમચી લઈ, રોજ બે વાર લો. અથવા આમળાથી બનતો ‘ચ્યવનપ્રાસ‘ અવલેહ રોજ લેવો.
 6. અમ્લપિત્ત : આમળા, સૂંઠ અને જીરાનું ચૂર્ણ કરી, તેમાં સાકર મેળવી, વાટીને વટાણા જેવડી ગોળી કરી લેવી. સવાર-સાંજ દૂધ સાથે ૨-૪ ગોળી લેવી.
 7. દીર્ધાયુષ્‍ય માટે આમળા, ગળો અને ગોખરૂ ત્રણે સરખે ભાગે લઈ બનાવેલું ‘રસાયણ ચૂર્ણ‘ રોજ ૧ ચમચી જેટલું દૂધ અથવા ઘી અને સાકરમાં કાયમ લેવાથી આયુષ્‍ય અને આરોગ્ય વધે છે.
 8. લોહી પડતા હરસ : આમળાનું ચૂર્ણ ૫ ગ્રામ, દહીંની મલાઈ સાથે રોજ સવાર-સાંજ લેવું.
 9. કમળો : પાંડુ – લોહીની અછત શેરડીના રસમાં આમળાનો રસ તથા મધ મેળવી, સવાર-સાંજ પીવાનો નિયમો રાખવો.
 10. ગરમીની મૂર્ચ્છા (બેભાની) : આમળાનો રસ, ચોખ્ખું ઘી નાંખી પાવો.
 11. સૌંદર્યવર્ધક લેપ :આમળા, જેઠીમધ, હળદર, સુખડ અને સફેદ તલનો પાવડર બનાવી તે વડે રોજ સ્નાન કરવું.

ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશન

2.89285714286
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top