অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મમ્મી બન્યા પછીની વધેલું વજન હવે કેમનું ઘટશે

મમ્મી બન્યા પછીની વધેલું વજન હવે કેમનું ઘટશે

આજકાલ પ્રસૂતિ નોર્મલ હોય કે સિઝેરિયન સેક્શનથી થઈ હોય, પણ પ્રસૂતિ બાદ મોટા ભાગની સ્ત્રીઓ મેદસ્વી થતી જતી હોય છે. ફિગર કોન્શિયસ એવી આધુનિક નારીને માટે હાલત ઘણી પડકારરૂપ છે. આ રીતે એકવાર વધી ગયેલું વજન પછી બહુ પરસેવો પાડવા છતાં પણ ઘટતું નથી. આ વજન વધવાનાં ઘણાં કારણો છે.
સ્તનપાન: દૂધ ઓછું આવવું, અથવા બાળકને સ્તનપાન ઓછું કરાવવું અથવા વહેલું બંધ કરાવવું. ૧૨ થી ૧૫ મહિના સુધી બાળકને સ્તનપાન કરાવવાથી માતાના શરીરમાં ઓક્સિટોન હોર્મોન (જેને cuddle hormone પણ ગણવામાં આવે છે) અને પ્રોલેક્ટિન હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે, જેનાથી માતાના ગર્ભાશયનાં સ્નાયુઓ સંકોચાય છે અને પૂર્વવત સ્થિતિમાં પાછા ફરે છે. એટલે પેટ-પેઢુના ભાગમાં ચરબી જમા થવાની સમસ્યા પેદા થતી નથી.
જ્યાં સુધી બાળકને દાંત ના આવે ત્યાં સુધી કોઈ પણ અનાજ આપવું એ કુદરત અને આયુર્વેદના નિયમ વિરુદ્ધ છે.
એરકન્ડિશન: આજકાલ એક નવો ચીલો ચાલુ થયો છે. પ્રસૂતા અને બાળકને ઇન્ફેક્શન ન લાગે એ માટે એરકન્ડિશન રૂમમાં રાખવામાં આવે છે, જે માતાના આરોગ્ય માટે હાનિકારક હોય છે. આજે મને બાલીબેન યાદ આવે છે. એ વખતે મે મહિનાનો આકરો તાપ હતો. બપોરના સમયે ફુરસદ લઈને હું બાલીબેનને મળવા ગઈ. એમને દીકરો જન્મ્યાના ૧૦-૧૨ દિવસ થયા હતાં. જેવું બારણું ખોલ્યું તો સખત ગરમાવાથી મારો પગ રૂમમાં પ્રવેશતાં અટકી ગયો. પૂછ્યું તો જાણવા મળ્યું કે બાલીબેન એ રૂમમાં જ છે. આપણી પરંપરા મુજબ છાણાં, ઘી, લીમડો, ગૂગળ વગેરેનો શેક ચાલી રહ્યો છે. કારણ, શરીર ફૂલી ના જાય, કમર અને સાંધામાં દુખાવો ના રહે. શરીર સુડોળ અને તંદુરસ્ત રહે. આ થોડા વર્ષો પહેલાંની વાત છે. આજે પણ બાલીબેનને જોઈ કોઈ એમની સાચી ઉંમરનો અંદાજો ના કરી શકે, એટલાં સુડોળ, સુંદર અને રમતીલા-જીવંત (Live) છે.
શેક: પ્રસૂતિ પછી આ પ્રકારના શેક લેવાથી આખો ઓરડો જીવાણુઓ અને વિષાણુરહિત બની જવાથી કોઈ પણ ઇન્ફેક્શન થવાનો ભય ઊભો જ નથી થતો.
માલીશ: પ્રસૂતિ પછી માલીશ કરાવવું કે નહીં એના વિષે દરેક માતા કે સાસુ મને પ્રશ્ન કરે છે. નોર્મલ ડીલિવરીમાં અઠવાડિયા પછી (પેઢુનો ભાગ છોડીને) આખા શરીરે તલના તેલમાં ઘોડાવ્રજનો પાઉડર કકડાવીને એનાથી માલીશ કરવું. ૪૦થી ૬૦ મિનિટ માલીશ કરાવવું. થોડીવાર રહીને ગરમ પાણીથી નાહી લેવું. એનાથી ગર્ભાવસ્થા દરમિયાન જે વાયુ અવરોધાયો હોય તે મુક્ત થતા શરીરનું સૌષ્ઠવ વધે છે.

ચરબી વધવાનાં અન્ય કારણો

આ ઉપરાંત પ્રસૂતિના સવા મહિના પછી કસરત, શ્રમનો અભાવ, વારંવાર ખા-ખા કરવાની ટેવ, જમવાની અનિયમિતતા વગેરે કારણોથી પણ ચરબી વધે છે.

ઉપચારાત્મક:

ચંદ્રપ્રભા વટી: નાગરમોથ, ચિત્રક,પીપરીમૂળ, શિલાજિત, ગૂગળ, ઘોડાવ્રજ વગેરે ઔષધિઓ આ શાસ્ત્રીય યોગ ચંદ્રપ્રભાવટીમાં છે. સામાન્ય રીતે તે મૂત્રમાર્ગની સમસ્યા તથા ડાયાબિટીસ માટે વપરાય છે. આયુર્વેદની દૃષ્ટિએ ચરબી વધવાનું એક કારણ કિડની છે. ચંદ્રપ્રભા વટીથી કિડનીની કાર્યક્ષમતા વધે છે. ચરબી ઓગળીને મૂત્રમાર્ગે બહાર ધકેલાય છે. 

દશમૂલારિષ્ટ: દસ વનસ્પતિઓના મૂળથી બનેલું દશમૂલારિષ્ટ શરીરના વાયુને નાથવામાં અકસીર છે તથા બળ આપનાર છે. આધુનિકોનાં પ્રોબાયોટિક અંતર્ગત એનો સમાવેશ થઈ શકે તેવું છે. પ્રસૂતિ પછી પેદા થયેલા શરીરના અવકાશ-વાયુને સંતુલિત કરે છે. એનાથી ગર્ભાશય ક્રમશઃ સંકોચાઈને મૂળ આકાર પ્રાપ્ત કરે છે. 

એરંડભ્રષ્ટ હરિતકી: રોજ રાત્રે એક ચમચી એરંડભ્રષ્ટ હરિતકી ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી જમા થયેલા દોષો-વિજાતીય તત્ત્વો અને ટોક્સિન્સ શરીરની બહાર ધકેલાય છે. જેથી ચરબીને વધતી અટકાવી શકાય છે. 

આહાર:

પ્રસૂતિના ૩૫ દિવસ સુધી તેલ, તળેલી વસ્તુઓ સંપૂર્ણ બંધ રાખવી. દાળ-શાકને ગાયના ઘીનો વઘાર કરવો. પ્રમાણસર મસાલા કરી શકાય. ગાયનું દૂધ, મેથી, બાજરી, લસણ, રીંગણ, ગુંદર, સૂંઠ, ગોળ, કોપરું, ચોખા વગેરેમાંથી બનાવેલી વસ્તુઓ ખોરાકમાં લેવી.

 

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate