অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

છાશ કહો કે યોગર્ટ, કોલેસ્ટેરોલના છે મારક

છાશ કહો કે યોગર્ટ, કોલેસ્ટેરોલના છે મારક

છાશનું નિત્ય સેવન કરતી વ્યક્તિઓને ક્યારેય કોઈ વ્યથા (વ્યાધિ) નથી હોતી. તેઓને થયેલા રોગો છાશથી દગ્ધ(નિર્મૂળ) થઈ જતા હોવાથી ફરી પાછા થતાં નથી. જેવી રીતે દેવોને માટે અમૃત સુખરૂપ છે તેવી રીતે પૃથ્વી પર રહેતાં મનુષ્યોને છાશ સુખ આપનારી છે. --- આ વાત દેવોના વૈદ્ય અશ્વિનીકુમારોને બ્રહ્માજીએ કહી હતી

ભારતીય ઉપખંડમાં રહેતા લોકોને જ છાશ અનુકૂળ છે. તેવું નથી પરંતુ વિશ્વના કોઇ પણ ખૂણે રહેતા માણસને હંમેશા છાશ અનુકૂળ આવે છે.

શરીરના દરેક કોષોને પોષણ પુરું પાડનાર પોષક રસનું વહન કરતી વાહિનીઓમાં કોઇપણ પ્રકારનો અવરોધ ઊભો થાય ત્યારે પોષણના અભાવે જે ને અવયવ કે તંત્રની કાર્યક્ષમતા ધીમી પડવા માંડે છે, ત્યારે આવા અવરોધક પરિબળને દૂર કરવું ખૂબ જરૂરી છે.

પોષકરસનું વહન કરતી વાહિનીઓને આયુર્વેદમાં ‘સ્ત્રોતસ’ કહે છે. આચાર્ય ચરક કહે છે કે આવા સ્ત્રોતસમાં સર્જાયેલા અવરોધને દૂર કરવાનું કામ ‘તક્ર’ કરે છે. સ્ત્રોતસને પરિશુદ્ધ કરે છે. જેથી પોષકરસનું સમ્યક ચયન એટલે એ વહન થઈ શકે. શારીરિક કોષોને પર્યાપ્ત માત્રામાં પોષણ મળી રહેતાં જે તે તંત્ર પૂરા જોશથી કામ કરવાનું ચાલુ કરી દે છે.

 

વૃદ્ધાવસ્થામાં પોષણ પૂરું પાડતા સ્ત્રોતસમાં પરિપક્વતા આવી જતાં જેને તંત્રને પૂરતા પ્રમાણમાં પોષણ મળતું નથી. જેને કારણે સ્મૃતિમાંદ્ય, દૃષ્ટિમાંદ્ય, કરચલીઓ પડવી, વાળ સફેદ થવા વગેરે ઘડપણનાં ચિહ્નો પેદા થાય છે.

પરંતુ જે લોકો નિત્ય છાશનું સેવન કરતાં હોય તેમના સ્ત્રોતસ ઝડપથી પરિપક્વ થતા નથી. બરડ થતાં નથી. ઘણાં લાંબા સમય સુધી વાહિનીઓની સ્થિતિસ્થાપકતા જળવાય રહે છે. આમ, છાશ જરા (ઘડપણ) અને વ્યાધિ (રોગો)ને દૂર કરતું પરમ રસાયન જ નહીં, પરંતુ અમૃત છે.

પાતળી કમર માટે પણ છાશ: સુખ-સગવડવાળી જીવનશૈલી અને સમૃદ્ધ ખોરાકને પરિણામે સ્થૂળતાની સમસ્યા દિવસે-દિવસે વધતી જાય છે. એમાં પણ પેટ, નિતંબ અને કમરના ભાગે વિશેષ ચરબી વધતી થાય છે. ભોજન પૂર્વે ગંઠોડા (પીપરામૂળ)ના પાવડરને છાશ સાથે ફાકવામાં આવે તો વૈદ્ય લોલિંબરાજ એની અલંકારિક શૈલીમાં કહે છે કે સ્થૂળ કમર પણ સિંહની કમર જેવી પાતળી થઈ જાય છે.

માત્ર - ગંઠોડા - બેથી પાંચ ગ્રામ છાશ-250.m.l

વધતા કોલેસ્ટેરોલ સામે ઢાલ:તૈલી અને ચિકાશયુક્ત ખાદ્યચીજોના વધુ પડતા વપરાશથી સ્નેહ વ્યાપદ (કોલેસ્ટરોલ )ની સમસ્યા ઊભી થાય છે. સ્નેહ એટલે તેલ - ઘી - ચરબી વગેરે વ્યાપક એટલે વિકૃતિ જેને આધુનિક કોલેસ્ટેરોલ કહે છે. કોલેસ્ટેરોલ તેના નિયત પ્રમાણ કરતાં વધી જાય તો હૃદય સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે. ઈટલી અને ચીનમાં થયેલા સંશોધન અનુસાર કોલેસ્ટેરોલના વધુ પ્રમાણને લીધે ટાલ પણ પડી શકે છે.

ઈટલીની એક ફેક્ટરીના પુરુષ કામદારોના કરાયેલા એક અભ્યાસ પરથી એવું જાણવા મળ્યું છે કે પુરુષોને પડતી ટાલનું કારણ લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધી જવાનું કે બ્લડપ્રેશર વધી જવાનું છે. સ્નેહવ્યાપદની સમસ્યાના નિવારણ માટે છાશને ઉત્તમ માને છે.

યોગર્ટ : યોગર્ટના સેવનથી લોહીમાંના કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટી જાય છે. બિલ ગોટબિલ નામના એક અમેરિકી નિષ્ણાત તબીબના મત અનુસાર આ શોધ આકસ્મિક થઈ હતી.

આફ્રિકાની પછાતજાતિ મસાઈનો મુખ્ય વ્યવસાય ઢોર ઉછેરનો છે. તેમના જીવનની વૈજ્ઞાનિક તપાસમાં જણાયું છે કે તેઓ રોજ બે ગેલન યોગર્ટ પી જાય છે. જ્યારે તેમના કોલેસ્ટેરોલનું પ્રમાણ માપવામાં આવ્યું ત્યારે તબીબી વિજ્ઞાનીઓને આશ્ચર્ય થયું કે કોલેસ્ટેરોલ તો ઘણું નીચું છે.

બલ્ગેરિયન પ્રજા દીર્ઘાયુ છે. તેનું એક કારણ તેમનાં હૃદય નિરોગી અને બળવાન હોય છે. બલ્ગેરિયન લોકો પણ યોગર્ટનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરે છે.

યોગર્ટ તુર્કીશબ્દ છે. તેની વ્યાખ્યા એ છે કે દૂધમાં આથો લાવી જમાવી દેવું તે - યોગર્ટ

આપણે દૂધમાં દહીં કે છાશનું મેળવણ નાખીએ છીએ અને ચાર-પાંચ કલાકમાં એ દૂધનું દહીંમાં રૂપાંતર થઈ જાય છે. આમ દહીં અને યોગર્ટમાં કોઈ ખાસ ફરક નથી. આથો લાવનાર ચીજો જુદી-જુદી હોય છે. ઘણીવાર દૂધમાં યિસ્ટ નાખીને પણ યોગર્ટ બનાવાય છે. અંગ્રેજીમાં દહીં માટે કર્ડ - Caed  શબ્દ છે.

યુરોપ- અમેરિકામાં યોગર્ટ બનાવવા માટે ગાયનું દૂધ વપરાય છે. તુર્કી અને અગ્નિયુરોપમાં ઘેટી-બકરીનું દૂધ પસંદ કરવામાં આવે છે.

મધ્ય એશિયામાં ઘોડીના દૂધમાં આથો લાવી બનાવવામાં આવતું યોગર્ટ ખૂબ વખણાય છે. ઇજિપ્તમાં ભેંસનું દૂધ વપરાય છે.આયુર્વેદમાં દહીં બન્યા પછી મંથન સંસ્કાર અનુસાર એમાંથી પાંચ ચીજો બનાવી શકય છે.

ઘોળ : પાણી નાખ્યા વગર, ચીકાશવાળા ઘાટા ભાગ સહિત વલોવેલ દહીં ઘોળવું.

મથિત : દહીંમાંથી ઉપરનો ચિકાશવાળો ભાગ કાઢી લીધા પછી વલોવેલું દહીં 

તક્ર : દહીંના પ્રમાણથી ચોથા ભાગનું પાણી ઉમેરીએ તો તક્ર કહેવાય.

ઉદશ્ચિત : દહીંથી અડધા ભાગે પાણી મેળવી બનાવેલ ઉદશ્ચિત કહેવાય છે.

ઉચ્છિકા : જેમાંથી માખણ કાઢી લીધું હોય અને ઘણું પાણી ઉમેરેલું હોય તેને ઈચ્છિકા-છાશ કહેવાય.

મોટા ભાગે આપણે છેલ્લા પ્રકારની ઉપયોગમાં લઈએ છીએ. છાશ ગુણમાં ઠંડી, પચવામાં સરળ, હલકી, તરસને મટાડનારી, પિત્તને ઘટાડનારી, પરિશ્રમને અંતે થાકી થયેલાઓનો થાક ઉતારનારી છે. સિંઘાલૂણ મેળવેલી છાશ વાયુનાશક અને ભૂખવધારનાર, એપિટાઈઝરનું કામ કરે છે. આધુનિકો તો હજુ યોગર્ટ ઉપર સંશોધનો કરે છે.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate