વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

નિદર્શન યોજના-રેફડા

તાલુકો બરવાળા, જિલ્લો અમદાવાદ અમલીકરણઃ ભાલ મહિલા બચત ધિરાણ સહકારી મંડળી લિમિટેડ, ધોલેરા માર્ગદર્શક માહિતી ગ્રામ વિકાસ સંસ્થા, ધોલેરા રેફડા ગામ

સ્વૈચ્છિક સંસ્થા તથા ગામ/તાલુકાનો પરિચય

માહિતી ગ્રામ વિકાસ સંસ્થા

ગુજરાતી ભાષામાં, ભાલ એટલે કપાળ, જ્યાં કશું જ ઉગતું નથી. આવા, ગુજરાતનાં અતિ પછાત અને સંસાધનવિહોણા એવા દરિયા કાંઠાનાં ભાલ પ્રદેશ નામે ઓળખાતા વિસ્તારમાં કાર્યરત માહિતી - ગ્રામ વિકાસ સંસ્થા એક સ્થાનિક સ્તરની બિનસરકારી, બિન રાજકીય વિકાસ સંસ્થા છે. વર્ષ ૧૯૯૪માં માહિતી સંસ્થાની એક સ્વચ્છિક સંસ્થા તરીકે ઔપચારિક રીતે નોંધણી કરવામાં આવી ત્યારથી આ સંસ્થા સામાજિક અને આર્થિક રીતે શોષિત અને વંચિત સમુદાયો માટે માનવીય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કામ કરે છે. પ્રારંભથી જ માહિતી સંસ્થા માટે મહિલા અને જેન્ડરનાં મુદાઓ અગ્રીમ મુદ્દા રહ્યા છે અને તે તેની દરેક પ્રવૃત્તિઓ અને માળખાઓમાં સ્ત્રી પુરૂષ સમાનતાને લક્ષમાં રાખીને ગ્રામ્ય સંગઠનોનાં માધ્યમથી કામ કરે છે. તેથી જ આ વિસ્તારનાં લોકો માટે માહિતી સંસ્થા તેમનાં પોતાનાં માટે અને પોતે જ વિકસાવેલી સંસ્થા બની રહી છે. વર્ષ ૨૦૦૫-૦૬ સુધીમાં ગ્રામ્ય સ્તરે સુદૃઢ સંગઠનો ઊભાં થયાં છે, જેમ કે મહિલા મંડળો (૨૩૧), મહિલા બચત ધિરાણ સહકારી મંડળી (૨), સામાજિક કર્મશીલો (પO), યુવા જૂથો (૧૦), મહિલા આરોગ્ય કાર્યકરો (પાપ), દાયણો (૩૨), પાણી વ્યવસ્થાપન સમિતિ (૩૫), અને જળસ્ત્રાવ વિકાસ સમિતિ (૨૪). માહિતી સંસ્થાનું મુખ્ય ધ્યાન ૧. લઘુ ધિરાણ (મહિલા બચત ધિરાણ સહકારી મંડળીનું ક્ષમતાવર્ધન), ૨. સ્થાનિક વિવિધ સંગઠનો ઊભાં કરવાં, તેમનું ક્ષમતા વર્ધન કરવું. 3. સામાજિક ન્યાય, ૪. કુદરતી સંસાધન વિકાસ અને વ્યવસ્થાપન, પ. આરોગ્ય અને સ્વચ્છતા, ૬. નીતિ વિષયક હિમાયત અને ૭. આફત વ્યવસ્થાપનને લગતા મુદ્દાઓ પર છે. આ વિસ્તારમાં સામાન્ય લોકો પર શક્તિશાળી જમીનદારો અને શાહુકારોની પકડ, ક્ષારીય - આલ્કલીયુકત જમીન, પાણીની અછત, સંસાધનોની કમી, આજીવિકાની સમસ્યાઓમાં સતત ઉમેરો કરતી રહેતી કુદરતી આફતોથી સર્જાતી સમસ્યાઓ વગેરેની યાદી લાંબી છે. આ વિસ્તાર પરત્વે સરકારનું વલણ પણ ઓરમાયું રહ્યું છે. આ સ્થિતિમાં પરિવર્તન માટે પ્રયત્નશીલ માહિતી સંસ્થા, ભાલ વિસ્તારમાં અન્યાયપૂર્ણ સામાજિક માળખાને કારણે સર્જાયેલ સામાજિક ભેદભાવો દૂર કરવા અને અહીંનાં શોષિત / વંચિત અને હાસીયામાં મુકાઇ ગયેલા વર્ગોને આત્મનિર્ભર બનાવવા સાથે તેમનું જીવનધોરણ બહેતર બનાવવાના ધ્યેય સાથે અમદાવાદ અને ભાવનગર જિલ્લાના કુલ પાંચ તાલુકા (ધંધુકા, બરવાળા, ધોળકા, ભાવનગર અને શિહોર)નાં કુલ ૭૮ ગામમાં સક્રિય છે.

ભાલ મહિલા બચત ધિરાણ સહકારી મંડળી લિમિટેડ, ધોલેરા

વર્ષ ૧૯૯૪માં માહિતી પ્રોજેકટ ટીમની શકિતઓ અને ક્ષમતાઓને સમજી સ્વીકારીને અમદાવાદ સ્થિત ઉત્થાન સંસ્થાએ માહિતી સંસ્થાને આ વિસ્તારનાં વિકાસનું કાર્ય સોપ્યું અને તે બીજા વિસ્તારમાં ખસી ગઈ. આ જ વિસ્તારનાં ભાણગઢ ગામનાં શ્રીમતિ દેવુબહેને કે પંડયાએ સંસ્થાની આગેવાની સંભાળી. તેઓ ટીમનાં વરિષ્ઠ સભ્ય અને ભાણગઢ ગામનાં મહિલા મંડળનાં સભ્ય પણ હતાં, તેમણે માહિતીને હાંસિયામાં રાખી દેવાયેલા વર્ગો અને ખાસ કરીને સ્ત્રીઓનાં પ્રશ્નનો માટે લડતી એક સ્વતંત્ર અને પ્રતિબધ્ધ સંસ્થા તરીકે તૈયાર કરવાનું કામ ઉપાડી લીધું. શરૂઆતનાં તબકકાઓમાં દ્વારા ધંધુકા તાલુકાનાં ભાણગઢ અને મીંગલપુર ગામોમાં મહિલા બચત અને ધિરાણ જૂથો શરૂ કરવામાં આવ્યા. ત્યાર બાદ માહિતી સંસ્થાએ સમુદાયો / જૂથોને સંગઠિત કરવા સહકારનો અભિગમ અપનાવ્યો, જેથી જૂથો ઔપચારિક સ્થાન મેળવી શકે. દરેક ગામોમાં મહિલા બચત ધિરાણ મંડળો આ બે ગામનાં બચત મંડળો બનવાથી થયેલ અસરો બીજા ગામો સુધી પંહોચી અને ધીમે ધીમે બચત ધિરાણ પ્રવૃત્તિનો વ્યાપ વધ્યો અને બીજા ગામોમાં પણ મંડળો બનાવ્યા. આ દરેક ગામોમાં મંડળ દ્વારા તેમની જરૂરિયાતના આધાર પર આંતરિક ધિરાણ કરવામાં આવતું હતું. જ્યારે વધારે નાણાંની જરૂરિયાત ઊભી પડતી ત્યારે બહારથી જેમ કે મહિલા વિશ્વ બેંક, અમદાવાદ પાસેથી ધિરાણ લાવવામાં આવતું. સમય જતાં ભાલની બહેનોએ જ વિચાર કર્યો કે ધિરાણ બહારથી લાવીને વ્યાજ શા માટે ચૂકવવું? સૌએ સાથે વિચાર્યું કે બધા જ મંડળોની બચત એક જ જગ્યાએ ભેગી કરીએ તો આપણે આ બચત માંથી આપણી જરૂરીયાત મુજબ ધિરાણની માંગને પંહોચી વળીશું અને વ્યાજ પેટેની રકમ બહાર ન જતાં આપણી જ પાસે રહેશે. આ વિચારને લક્ષમાં લઇને વર્ષ ૨૦૦૧માં વિસ્તાર કક્ષાની ભાલ મહિલા બચત ધિરાણ સહકારી મંડળી લિમિટેડની સ્થાપના કરવામાં આવી. આ મંડળી ગુજરાતનાં સહકારી મંડળીનાં કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થા છે (નોંધણી નંબર: 33૧૯૦, નોંધણીની તારીખઃ ૧૧.૯.૨૦૦૧) અને તેનું કાર્યક્ષેત્ર ધંધુકા, ધોળકા અને બરવાળા તાલુકો છે. અત્યાર સુધીમાં કુલ ૪પOO બહેનો આ મંડળીઓમાં સભ્ય તરીકે જોડાઇ છે, ૨૦૦ જેટલાં સ્વસહાય જૂથો સક્રિય છે અને હાલમાં વર્ષે રૂપીયા પO લાખની નાણાંકીય લેવડદેવડ આ મંડળી કરે છે. અત્યાર સુધીમાં આ મંડળીમાં કુલ બચત રૂપીયા 30 લાખ, કુલ ધિરાણ રૂપીયા ૭૫ લાખ છે. મંડળીનાં કારણે અત્યાર સુધીમાં 3૮૦૦થી વધુ બહેનોની ધિરાણની માંગને પંહોચી શકાઇ છે. ૬૦થી વધુ બહેનો તેમની શાહુકારો પાસે ગીરવે મુકાયેલ જમીનો પરત મેળવી શકી છે. આ ઉપરાંત બહેનો આ મંડળીઓ પાસેથી ધિરાણ લઇને આર્થિક પ્રવૃત્તિઓ (જેવી કે સીવવાનાં સંચા, શાકભાજીની લારી, ઇંટોના ભઠ્ઠા, કરિયાણાની દુકાન વગેરે) શરૂ કરી તેમનું રોજગારીનું સાધન ઊભું કરી ગુજરાન ચલાવતી થઈ છે. મંડળી ફકત બહેનોને જ ધિરાણ આપતી હોવાથી જમીન અને મિલકતોમાં તેમની માલિકી પણ વધી છે.

રેફડા ગામ

ઉપર જણાવ્યા પ્રમાણે ભાલ મહિલા બચત ધિરાણ સહકારી મંડળી લિમિટેડ, ધોલેરા બરવાળા તાલુકામાં પણ કામગીરી કરે છે. આ તાલુકાના રેફડા ગામની સભાસદ બહેનો દ્વારા મંડળી સમક્ષ વારંવાર એક રજૂઆત આવતી કે તેમના ગામમાં પીવાના પાણી બાબતે બહેનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ગામ મુખ્ય રોડથી અંતરીયાળ હોવાથી પૂરતી પ્રાથમિક સુવિધાઓ નથી. ગામની કુલ વસ્તી ૧પ૮૨ અને ૧ર૦૦ જેટલું પશુધન છે. ગામમાં કોળી પટેલ, દરબાર, ભરવાડ અને દલિત જ્ઞાતિનાં લોકો રહે છે. રોજગારી મુખ્યત્વે ખેતી તથા પશુપાલન સાથે સંકળાયેલી છે. પીયતની સુવિધા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી તેથી ખેતપેદાશોમાં ઉપજ ઓછી આવે છે. આ ઉપરાંત ગામમાં જાગતિનો અભાવ છે, ગામમાં ચારે બાજુ ગંદકી ફેલાએલી છે. શેરીઓમાં ગંદું પાણી જ જોવા મળે છે. ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા પણ આ ગામમાં ન હતી. પાણીની વાત જોઈએ તો, ગામમાં પાઇપલાઇન બિસ્માર છે. ૧૦ હેન્ડપંપ છે, પણ પાણીનાં તળ ખૂબ જ ઊડાં ગયાં છે તેથી હેન્ડપંપમાં પાણી નથી. કૂવો સૂકાઇ ગયો છે. ગામના તળાવમાં આજુબાજુનાં ખેતરોનો કાંપ ભેગો થતાં તળાવ એકદમ છીછરું થઈ ગયું છે. તેથી તળાવ એકાદ બે મહિનાં જ સૂકાઇ જાય છે. ગામની બહેનો ગામથી દૂર આવેલી વાડીઓના બોરમાંથી પીવાનું પાણી ભરવા જવું પડે છે. જોકે ગામનાં ૧૦૦થી વધુ મહિલાઓનું બચત-ધિરાણ પ્રવૃતિ સાથે સંકળાયેલુ સંગઠન કાર્યરત છે. પાણીના મુદ્દે જ્યારે તાલુકા કક્ષાએ રજૂઆતો થાય ત્યારે પાણીનાં ટેન્કર મોકલી દેવામાં આવે, પણ કાયમી ઉકેલનાં પગલાં લેવાય નહીં. આ પરિસ્થિતિની જાણ માહિતી સંસ્થા અને મંડળીની બહેનોને થતાં રેફડા ગામના મહિલા મંડળને આ બાબતે કેવી રીતે મદદ કરી શકાય તેના વિચારમાં સૌ હતાં.

નિદર્શનનો હેતુ અને સમજ

ભાલ મહિલા બચત ધિરાણ સહકારી મંડળી લિમિટેડ, ધોલેરાએ પ્રવાહ સંસ્થાનો સંપર્ક કર્યો અને રજૂઆત કરી કે રેફડા ગામની પીવાનાં પાણીની ખુબ જ મુશ્કેલી છે તેથી અહીં જો પાણી યોજનાનું નિદર્શન યોજી શકાય તો સરકાર જે કેન્દ્રીત યોજનાઓ પર ભાર આપી રહી છે તેની સામે દૃષ્ટાંત પૂરું પાડી શકાય કે વિકેન્દ્રીત યોજનાઓ કે સ્થાનીક વિકલ્પો દ્વારા પણ લોકોને પીવાનાં પાણી સંદર્ભે સ્વાવલંબી બનાવી શકાય છે. આ જ હેતુને ધ્યાનમાં રાખીને રેફડા ગામે પાણી અને સ્વચ્છતાના મુદ્દે નિદર્શન કાર્યક્રમ હાથ પર લેવામાં આવ્યો. આ સંદર્ભ ભા.મ.બ.ધિ.સ.મંડળી દ્વારા પ્રવાહ સંસ્થા તરફથી ચાલતા વોટર અને સેનીટેશન કાર્યક્રમ હેઠળ દરખાસ્ત મુકવામાં આવી. માહિતી સંસ્થા અને ભાલ મહિલા બચત ધિરાણ સહકારી મંડળી લિમિટેડ, ધોલેરાની આ નિદર્શનના હેતુ અંગેની સમજ નીચે પ્રમાણેની હતી.

 • રેફડા ગામ પીવાના પાણી અને સ્વચ્છતા બાબતે સ્વાવલંબી બને.
 • ગામમાં પીવાનાં પાણી અને સ્વચ્છતા સંદર્ભમાં નિદર્શનનાં ભાગરૂપે સ્વાવલંબી બનાવી આજુબાજુના વિસ્તારોમાં એક ઉદાહરણ પૂરું પાડવું.
 • આ કામગીરી દ્વારા સ્થાનિક સોતોના વિકાસ તરફ સરકારનું ધ્યાન દોરી, સરકાર તેની નીતિમાં સુધારો કરે અને બીજાં ગામોમાં પણ આવી કામગીરીઓ થાય તેવો પ્રયત્ન કરવો.
 • લોકસહકાર અને લોક ભાગીદારીની સમજ આ વિસ્તારમાં વિસ્તરે.
 • બહેનોની આયોજન અને અમલીકરણમાં ભાગીદારી વધે અને તેના દ્વારા એક દાખલો બેસે.
 • ગામમાં જોવા મળતા ભેદભાવો દૂર થાય.
 • ભાલ મહિલા બચત ધિરાણ સહકારી મંડળી લિમિટેડ, ધોલેરા પોતે એક મહિલા સંગઠન છે અને તે પણ આવી ગ્રામ વિકાસની કામગીરીમાં આગળ વધે અને ભવિષ્યમાં પોતે એક ગ્રામ વિકાસ ક્ષેત્રે કાર્યરત બને.

નિદર્શનની પ્રક્રિયા

પાણી સમિતિની રચના

સૌ પ્રથમ રેફડા ગામમાં ગ્રામસભા બોલાવવામાં આવી. આ ગ્રામસભામાં ગ્રામજનો, માહિતી સંસ્થાના સભ્યો, ભા.મ.બ.ધિ.સ. મંડળીનાં આગેવાન બહેનો, બાજુના ગામનાં આગેવાનો તથા પ્રવાહ સંસ્થાના સભ્યો પણ હાજર હતા. તેમાં માહિતી સંસ્થાના શ્રી દેવુબેન પંડયાએ ગામનો પાણીનો પ્રશ્ન સૌ સમક્ષ મુકીને, તેના ઉકેલ માટે શું પ્રયાસો કરી શકાય તેની ચર્ચા આરંભી. પ્રથમ તો ભાઇઓને તો એવું જ લાગ્યું કે દર વખતની જેમ સરકારની ગ્રામસભા છે. તેમણે બધી વાતને હસી નાખી, પણ બહેનોએ જ્યારે સમજાવ્યું કે આ તો તેમની મંડળીના સભ્યો છે ત્યારે સૌએ ગંભીરતાપૂર્વક રસ લીધો. સૌએ સાથે મળીને વિચાર્યું કે ગામની પાણીની પાઇપલાઇન કાર્યરત કરવા વારંવાર રજુઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ આવતો નથી, તેથી તેના પર આધાર રાખવાને બદલે સ્થાનિક સ્તરે શું થઈ શકે તેનો વિચાર કરવો જોઈએ. પહેલાં તો આ પ્રશ્ન માટે જ્ઞાતિ અને ફળિયા મુજબ સભ્યો નક્કી કરી ગામની પાણી સમિતિની રચના કરવાનું નક્કી કરવામાં આવ્યું. પાણી સમિતિની રચના માટે નીચે મુજબના માપદંડો નક્કી કરવામાં આવ્યા

 • સમિતિમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી ૧૦ થી ૧૨ની હોવી જોઈએ.
 • સમિતિમાં ઓછામાં ઓછી ૨/૩ મહિલા સભ્યો હોવા જોઈએ.
 • અનુસુચિત જાતિ/ અનુસુચિત જન જાતિનાં સભ્યો વસ્તી મુજબ પ્રમાણમાં, પરંતુ ઓછામાં ઓછી ૧-૧ બેઠક (સભ્ય) ફરજિયાત હોવો જોઈએ. દરેક જ્ઞાતિનું પ્રતિનિધિત્વ જળવાવું જોઈએ.
 • સ્ત્રોત નજીક રહેતા, સ્વચ્છિક રસ ધરાવતા તથા પૂરતો સહકાર આપે તેવા સભ્યો બનવા જોઈએ.
 • ગામના કે ઘરના વિવાદો આ સમિતિની રચનામાં ન હોવા જોઈએ.
 • પીવાનાં પાણી સંદર્ભે જે અસ્કયામતો ઊભી થશે તેની જાળવણી અને નિભાવણી રાખવાની જવાબદારી માટે સજજ હોય તેવા લોકો સભ્ય બનવા જોઈએ.
 • ન્યાયિક, પ્રામાણિક અને પારદર્શક અમલીકરણ કરી શકે તેવા લોકો સભ્ય બનવા જોઈએ.

આ બધા માપદંડોને ધ્યાને રાખી તે જ દિવસે પાણી સમિતિની રચના થઈ. આ પાણી સમિતિમાં કુલ ૮ બહેનો સભ્ય બન્યાં, જે ૨/૩ કરતાં વધારે ભાગીદારી છે. બીજું ખાસ નોંધવાલાયક બાવત એ છે કે આ સમિતિના મંત્રી તરીકે દલિતવર્ગના શ્રી મુકેશભાઇને નિમવામાં આવ્યા.

પાણી સમિતિનું ક્ષમતાવર્ધન

પાણી સમિતિ યોગ્ય વિકલ્પો વિચારી શકે, ચોક્સાઈપૂર્વક કામગીરી કરી શકે, લાંબા ગાળા માટે ઉપયોગી થાય એવાં કામોનું આયોજન કરી શકે તથા લોકભાગીદારીના સિદ્ધાંતને પૂરેપૂરી સમજે તે હેતુથી તેમને રાજકોટ નજીક આવેલ રાજસમઢીયાળા ગામે પ્રવાસમાં લઇ જવામાં આવ્યા. આ પ્રેરણા પ્રવાસથી સમિતિનાં સભ્યોનો ઉત્સાહ વધ્યો, વિકાસલક્ષી પ્રક્રિયાઓની સમજ વધી અને તેમને પ્રેરણા મળી કે કેવી રીતે ગામ લોકો દ્વારા પોતાનાં ગામનાં પ્રશ્નનો ઉકેલાય છે. પ્રેરણા પ્રવાસ ઉપરાંત, પાણી સમિતિને પ્રવાહ સૌરાષ્ટ્ર ઝોન-૨ અને માહિતી સંસ્થા દ્વારા પાણી સમિતિની ફરજો, જવાબદારી અને નેતૃત્વને લગતી ખાસ તાલીમો આપવામાં આવી.

દરખાસ્ત મંજૂરીની પ્રક્રિયા

ગામમાં પાણી પ્રશ્નના ઉકેલ માટે સમિતિના સભ્યો તરફથી, તેમને ફળિયાના લોકો તરફથી મળેલાં સૂચનો અનુસાર અવનવી રજુઆતો આવી.જેમ કે ચેકડેમ બનાવવો, કૂવાનું સમારકામ કરીને ગાળ કઢાવવો, ગામતળાવ ઊંડું કરવું, શૌચાલય-બાથરૂમ બનાવવાં, શોષખાડા બનાવવા, બોર બનાવવો, બંધ હેન્ડપંપ રીપેર કરાવવા, આવક સુધારણા કરવી, ગામમાં પાઇપ લાઇન નાખવી, ભૂગર્ભ ટાંકા બનાવવા વગેરે... સૌની વિચારણાને અંતે, માહિતી સંસ્થા, મંડળીના સભ્યો તથા રેફડા ગામના પ્રતિનિધીઓની રજૂઆત પ્રવાહ સંસ્થામાં લેખિત દરખાસ્ત સ્વરૂપે મુવામાં આવી.

માહિતી સંસ્થા તથા ભાલ મહિલા બચત ધિરાણ સહકારી મંડળી લિમિટેડ, ધોલેરાના સભ્યોએ આ ગામની મુશ્કેલી અને પરિસ્થિતિ પ્રવાહ સંસ્થાના સભ્યોને વિસ્તારથી સમજાવી. ત્યાર બાદ પ્રવાહ તરફથી આ ગામની મુલાકાત માટે એક ટીમને મોકલી જેમાં સામાજિક, ટેકનિકલ વગેરે વિષયના નિષ્ણાત હતા. એક પાણી પુરવઠા બોર્ડના ઇજનેરશ્રી પણ હતા. આ ટીમની બે વખતની ગામની મુલાકાતમાં, ગામની મુશ્કેલી નિવારવા માટે બહેનોની તૈયારી સૌને સ્પર્શી ગઈ. ટીમના સભ્યોએ પીવાના પાણી તથા સ્વચ્છતાની મુશ્કેલીને નિવારવા માટે વિવિધ કામગીરીઓની સલાહ પ્રવાહ સંસ્થાને કરી.

જે મુજબ, સ્થાનિક સોતને પુન:જીવિત કરી વિકસાવવા માટે ગામ તળાવ સુધારણા, કૂવાનું સમારકામ, હેન્ડ પંપનું સમારકામ, નવો બોર બનાવવો અને પંપસેટ મૂકવો, ગામમાં શૌચાલય તથા શોષખાડા કરવા વગેરે કામગીરીની રજૂઆત પ્રવાહ સમક્ષ કરવામાં આવી. આ રજૂઆતના પગલે આ તમામ કામોની સૈધ્ધાંતિક મંજૂરી મળી. જેમાં ભા.મ.બ.ધિ.સ.મંડળી અમલીકરણ એજન્સી બની.

નિદર્શન દરમ્યાન ઊભી થયેલી ભાગીદારી

 • મહિલા મંડળ તથા સમિતિની બહેનોએ કામગીરી ચાલુ હતી તે દરમ્યાન માલસામનની દેખરેખ, લાભાર્થી પાસેથી લોકફાળો એકત્ર કરવો, ગુણવત્તાવાળી કામગીરી થાય તે માટે સતત કડિયા કારીગરોની કામગીરી પર ધ્યાન આપવું વગેરે જવાબદારી સંભાળી.
 • દર માસે પાણી સમિતિની બેઠકમાં સભ્યોએ નિયમિત હાજરી આપી કામની પરિસ્થિતીની ચર્ચા કરી અને કામગીરીમાં સુધારા પણ કરવામાં આવ્યા.
 • જે લાભાર્થી લોકફાળો નહોતા આપતા તેમના ધરે સમિતિના સભ્યો સાથે જઇ પરિસ્થિતિની તપાસ કરી યોગ્ય નિર્ણયો પણ લાવતા. માલસામાનનો સ્ટોક જાળવવો, શૌચાલય અને શોષખાડાની કામગીરી તપાસવી વગેરે કામ બહેનોએ વહેંચી લીધાં.
 • ગામમાં ગંદકી તથા બજારોની સાફ સફાઇ માટે શ્રમશિબિરનું આયોજન થયું, જેમાં ગામનાં પO બહેનોએ ભાગ લીધો.
 • કામગીરીમાં યુવા વર્ગનો પૂરતો સહયોગ નથી તેવું લાગતાં, યુવાનોને પરસ્પરની નજીક લાવવા એક ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. તેની સાથે એક નાની જાગતિ શિબિર પણ યોજાઈ. તેના પરિણામ સ્વરૂપે યુવા વર્ગે ગામના વડીલો અને પરિવારના સભ્યોને સ્વચ્છતા, શૌચાલય, તથા શોષખાડાનું મહત્વ સમજાવવાની જવાબદારી ઉપાડી લીધી. ગામ સફાઈ તથા શાળામાં સફાઈ તથા તેની પ્રચાર ઝુંબેશ માટે પણ યુવાનો આગળ આવ્યા.

લોકફાળો

નિદર્શનની દરેક પ્રવૃતિમાં સહકાર તથા લોકફાળો સારા એવા પ્રમાણમાં મળ્યો. જેમ કે શૌચાલય,ગામ તળાવ, કૂવા રીપેરિગ, શોષખાડા અને પંપસેટ માટે દરેક લાભાર્થીએ રોકડ તથા શ્રમદાન સ્વરૂપે લોફફાળો આપેલ છે. જેમાં કુલ 3.પ૬ લાખ રૂપિયા જેટલો લોકફાળો એકઠો થયો.

સ્થાનિક સોતો જેમ કે ગામતળાવ, કૂવો, હેન્ડપંપ અને બોર પુન:જીવિત થવાથી અને લોકોને તે સોતોની અગત્યતા સમજતાં તેમણે આ સોતોની જાળવણી અને મરામતના ભંડોળ માટે વર્ષમાં એકવાર ઘરદીઠ ફાળો ઉધરાવવાનું નક્કી કર્યું છે.

નિદર્શન કામગીરી

નિદર્શન કામગીરી અંતર્ગત ગામમાં ગામતળાવ ઊંડું કરવું, હેન્ડપંપ રિચાર્જ. પંપસેટ, ૧૦૦ શૌચાલય, ૧૫૦ શોષખાડા, નવો બોર બનાવવો તથા બે કૂવાના સમારકામ જેવી ભૌતિક કામગીરી કરવામાં આવી. એ સાથે, અન્ય યોજનાનો લાભ લઈને, ગામના ૬ હેન્ડ પંપનું સમારકામ તથા એક ભૂગર્ભટાંકાનું બાંધકામ પણ કરવામાં આવ્યું.

એ સાથે, લોકો અને પાણી સમિતિના ક્ષમતાવર્ધનના ભાગરૂપે, ૬ ગ્રામસભા, પાણી સમિતિની ૯ મિટિંગ, પાણી સમિતિની ૪ તાલીમ અને એક પ્રેરણા પ્રવાસનું પણ આયોજન કરવામાં આવ્યું.

નિદર્શનનો ભૌતિક અને યાંત્રિક દૃષ્ટિકોણ

તળાવથી લાભ

સમિતિનાં સભ્યો ખાસ કરીને બહેનોએ તળાવ ખોદતા પહેલાં જણાવ્યું કે તળાવને મોટા વિસ્તારને ઉોડું કરવા કરતાં થોડા ઓછા વિસ્તારને વધારે ઊડો કરવાથી પાણી વધારે સંગ્રહ થશે અને વધારે રિચાર્જ થઈ ગામનાં બોરોમાં ઉપયોગી થશે. જો તળાવનો વધારે વિસ્તાર ઊડો કરવાનું નકકી કર્યું હોત તો ખોદાણનો ખર્ચ વધુ આવત અને ધાર્યું પરિણામ પણ મેળવી ન શકાત. આ બાબતે ટેકનિકલ નિષ્ણાતોની પણ સલાહ લેવામાં આવી હતી અને તેઓ પણ સહમત થયા હતા.આ ચોમાસાનાં વરસાદથી તળાવ ભરાતા તળાવથી દૂર પ00 મીટરનો કૂવો રિચાર્જ થયો છે. સામાન્ય રીતે જેમાં પાંચેક ફૂટ પાણી રહેતું તે કૂવામાં હવે ૩૫ ફૂટ પાણી છે. આ કારણે બહેનોએ હવે દૂર સુધી જઈ પાણી લાવવામાં સમય બગાડવો પડતો નથી.

પાણીનું યોગ્ય વિતરણ

આ કાર્યક્રમની શરૂઆત પહેલાં ગામના એક કૂવામાં થોડું પાણી હતું પરંતુ ગામના એક રહેવાસી તેના પર પોતાની ખાનગી ઇલેક્ટ્રિક મોટરથી પાણી ખેંચી, પોતાના ખેતરમાં પીયત કરતા હતા. કોઈ તેમને અટકાવી શકતું નહોતું, પરંતુ પાણી સમિતિ રચાયા પછી, એ રહેવાસીને મિટિંગમાં બોલાવી ગામના હિતમાં ખાનગી મોટર હટાવી લેવા જણાવવામાં આવ્યું. સમિતિ સામે તેઓ કોઇ વિરોધ ન કરી શકયા અને તેમણે પોતાની મોટર ઉઠાવી લીધી. પાણી સમિતિએ નિદર્શન અંતર્ગત તે કૂવા ઉપર પંપસેટ મૂક્યો અને ગામને પીવાના પાણી બાબતે શાંતિ થઈ.

સ્વચ્છતાની જાગૃતિ

નિદર્શનની કામગીરી દરમ્યાન મહિલા મંડળનાં બહેનો પોતાના ઘરમાં બની રહેલા શૌચાલયની સાથે સાથે ન્હાવાની ઓરડી બનાવવાનો પણ આગ્રહ રાખ્યો. આ કારણે, બાથરૂમ પ્રોજેક્ટના ભાગરૂપે બજેટમાં ન હોવાથી, ૬૦ પરિવારોએ પોતાના ખર્ચ બાથરૂમ બનાવ્યાં અને મહિલાઓને ખુલ્લામાં ન્હાવા જવાની સમસ્યામાંથી છુટકારો મળ્યો. ગામમાં ૧૦૦ શૌચાલય અને ૧૫૦ જેટલા શોષખાડા બનતાં ગામની શેરીઓ પણ સ્વચ્છ રહેવા લાગી છે.

અન્ય ગામો પર અસર

આ નિદર્શનને જોવા આજુબાજુનાં ગામના સરપંચો તથા આગેવાનો આ ગામની મુલાકાત લે છે. આ કાર્યક્રમ માટે ગામના લોકો કઇ રીતે તેયાર થયા, આખી કામગીરીનું આયોજન તથા અમલીકરણ કરતી વેળા કઇ બાબતો પર ભાર આપ્યો, કયા પ્રકારનાં નીતિ નિયમો બનાવ્યા અને કાયમી સુવિધા મળી રહે તે માટે કયા વ્યહો ઘડયા વગેરે બાબતો લોકોને જાણવા મળે છે. આ વિસ્તારમાં પહેલી જ વાર ગામની પાણી સમિતિએ સરકારની યોજના હેઠળ શાળામાં ભૂગર્ભટાંકો બનાવ્યો હોવાથી, તે જોવા માટે પણ લોકો આવે છે.

નિદર્શનનો આર્થિક અને નાણાકીય દૃષ્ટિકોણ

બચત માટેના પ્રયાસો

આ કાર્યક્રમનાં અમલીકરણ દરમ્યાન મુખ્યત્વે લોકોની કોઠાસૂઝનો ઉપયોગ કરીને પ્રોજેકટનો ખર્ચ ઘટાડવામાં આવી. જેમ કે તળાવમાં એકઠા થયેલા કાંપને ખેડૂતો પોતાના ખર્ચ કાઢીને લઈ ગયા. તેથી ખોદાણમાં મદદ મળી અને ખેતરોમાં કાંપ મળ્યો. સ્થાનિક રીતે કાચો માલ મળતો હોવાથી અથવા નજીકનાં સ્થળેથી મળી રહેવાથી પણ ખર્ચમાં ઘટાડો થઈ શકયો. સમિતિના પ્રયાસોથી રેતી, સીમેન્ટ, સીમેન્ટ બ્લોક, પથ્થર વગરે નજીકમાંથી વાજબી ભાવે મળી જતાં ખર્ચ ઘટયો. કૂવા ઊડા ઉતારવાની કામગીરીમાં કૂવાનો ગાળ બહાર કાઢવા માટે દોરડું, વાંસ, તગારાં વગેરે જરૂરી સાધનો લોકોએ વિના મૂલ્ય પૂરાં પાડયાં. કામકાજ દરમિયાન મજૂરો, કડિયાઓ, ડ્રાઇવર વગરેને રહેવાજમવાની તેમ જ ચા-પાણીની સુવિધાઓ લોકોએ સ્વચ્છાએ આપી તેથી પણ ખર્ચ ઘટયો.

બીજા નાણાંકીય સોતોનો સહયોગ

નિદર્શન કારણે ગામમાં આવેલી જાગૃતિનો લાભ લઈને, પાણી સમિતિએ સરપંચના સાથમાં, ગામના બંધ પડેલા ૮ હેન્ડપંપ ચાલુ કરાવવા માટે પાણી પુરવઠા બોર્ડને ભારપૂર્વક રજૂઆત કરી. પાણી પુરવઠા બોર્ડના યાંત્રીક વિભાગે ૮માંથી ૭ હેન્ડપંપ રીપેર કરી આપ્યા, તેથી પાણી વિતરણ વ્યવસ્થામાં ધણી સરળતા ઊભી થઈ. સાથોસાથ, પાણી સમિતિએ શિક્ષણ વિભાગ દ્વારા ચાલતી ડીપીઇપી યોજના અંતર્ગત પ્રાથમિક શાળામાં વરસાદના પાણી સંગ્રહ માટે ૩૦૦૦૦ લીટરનો ભૂગર્ભ ટાંકો બનાવવા માટે રજૂઆત કરી, મંજૂરી મેળવીને એ કામ પણ પૂરું કર્યું. આ ટાંકાથી શાળાના બાળકોને પીવાના પાણીની સવલત મળી.

નિદર્શનનો સામાજિક દૃષ્ટિકોણ

ભેદભાવો દૂર કરવા અપનાવેલ

રણનિતિ આ ગામમાં શરૂઆતમાં દલિતવર્ગના લોકો સાથે ભેદભાવો જોવા મળેલ પરંતુ આ નિદર્શનમાં સ્વયંસેવક તરીકે દલિત વર્ગના મુકેશભાઇની વરણી કરવામાં આવી અને તેમના જ ઘરે પાણી સમિતિની માસિક બેઠકો યોજવાનું નક્કી કરવામાં આવ્યું. શરૂઆતમાં તમામ સભ્યો સહમત ન થયા, પરંતુ ધીમે ધીમે બધા તેમના ઘરે મીટિંગમાં આવતા થયા. માલસામાની નોંધ, સ્ટોક પત્રક, નાણાકીય હિસાબોની જાળવણી વગેરે કારણસર મુકેશભાઈ તથા ગામના અન્ય વર્ગના લોકોને વારંવાર સંપર્કમાં આવવાનું થયું, તેથી તેમના પ્રત્યે લોકોનું વલણ બદલાતું ગયું. આમ ધીમે ધીમે એ ભેદભાવ ઓછો થયો હોય તેમ જણાય છે.

શૌચાલયની વહેચણીમાં પણ દલિત અને વંચિત સમુદાયને વધારે પ્રાધાન્ય આપવાનું પાણી સમિતિ દ્વારા સર્વાનુમતે નકકી કરવામાં આવ્યું હતું. જેમ કે ૧૦૦ શૌચાલયો બનાવવાનાં હતા તેમાં સૌથી વધારે શૌચાલયો દલિત અને કોળી સમાજનાં લોકોને ફાળવવામાં આવ્યાં. એમાંય વિધવા, ત્યકતા કે ગરીબ બહેનોને વધારે સાંકળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.

બહેનોના જીવનમાં પરિવર્તન

ગામમાં બહેનોનું મંડળ કાર્યરત હતું, પરંતુ બહેનોમાં જોઈતી સઠગનશકિત નહોતી. તેઓ મીટિંગોમાં પોતાની રજૂઆત કરતાં સંકોચ અનુભવતાં. ગામ વિકાસની પ્રક્રિયાઓમાં તેમની સામેલગીરી અને નિર્ણય પ્રક્રિયામાં ભાગીદારી નહોતી. પ્રોજેકટનાં સમયગાળા દરમ્યાન જુદી જુદી બેઠકો અને તાલીમો દ્વારા તેમનામાં આત્મવિશ્વાસ ઊભો થયો છે. તેમની સમજ કેળવાઇ છે અને બહેનો બેઠકોમાં બોલતાં થયાં છે. હવે બહેનો ગામમાં પોતાના પીવાનાં પાણીનાં સંસાધનોની સંભાળ અને વિકાસ પ્રત્યે સંવેદનશીલ બન્યાં છે. તેઓમાં બચત ધિરાણનું મહત્વ વધ્યયું છે. મંડળમાં કોઇ પણ પ્રશ્ન આવે ત્યારે તેનું નિરાકરણ કરતી થઈ છે.

બીજી મોટી અસર, પાણી માટેની હાલાકી ઘટતાં, જે સમય બચ્યો તેના કારણે જોવા મળે છે. આ કારણે તેઓ એટલો સમય પોતાનાં બાળકોનાં ઉછેર અને રોજગારીની પ્રવૃત્તિમાં આપી શકે છે.

ગામમાં લાજપ્રથાની પકડ વધુ હોવાથી આ ગામમાં જાહેર કે પંચાયતની સભામાં કયારેય બહેનો હાજર રહેતાં નહીં, પરંતુ નિદર્શનની કામગીરી દરમ્યાન વારંવાર મીટિંગો, પ્રેરણા પ્રવાસ તથા જાગૃતિ કાર્યક્રમમાં બહેનોની હાજરીનું મહત્વ લોકોને સમજાતાં ભાઇઓએ કોઈ પણ સંકોચ રાખ્યા વિના પ્રથમ વાર પાણી સમિતિ અને ગ્રામસભાની બેઠકોમાં બહેનોને આગળ કરી. ધીમે ધીમે આ કાર્યક્રમ દરમિયાન સામાજિક વિકાસ બાબતે સ્ત્રી પુરૂષની સમાનતાનું મહત્વ વધારે સમજાવવામાં આવ્યું.

અસ્કયામતોની નિભાવણ અને જાળવણી

નિદર્શનના અંતે ઊભી થયેલી ગામની અસ્કયામતોની નિભાવણી અને જાળવણી માટે પાણી સમિતિને મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે અને સાથે સાથે મહિલા સંગઠન તેમને સહયોગ આપશે. કામગીરી ચાલુ હતી તે દરમિયાન જ રૂ. ૭૭૪૦૦નો લોકફાળો એકઠી કરીને બેંકમાં મૂકવામાં આવ્યો છે. જેમાંથી સામુહિક કામોની જાળવણી અને મરામત ખર્ચ કરવામાં આવશે, જ્યારે શૌચાલય અને શોષખાડા વ્યક્તિગત રીતે થયા હોવાથી તેની જાળવણી પોતે કરવાની લાભાર્થીઓએ ખાતરી આપી છે.

પાણી સમિતિએ અસ્કયામતોની નિભાવણી અને જાળવણી માટે નીચે મુજબ અમુક નીતિ નિયમો બનાવ્યા છે:

 • ઘરનું ગંદુ પાણી શોષખાડામા જ જવા દેવું, જો બહાર જતું હોય તો પાણી સમિતિ શિક્ષાત્મક પગલાં લેશે.
 • તળાવનાં પાણીને સાચવવા માટે તળાવની પાળ પર કપડા ધોવાં નહીં અને તળાવમાં ઢોર ન પડે તેનું ધ્યાન રાખવું. તળાવની પાળ તોડીને કોઇ પણ વ્યકિતએ માટી લઇ જવી નહીં.
 • ગામમાં બનાવેલ કૂવામાં સર્વ જ્ઞાતિને સરખા ભાગે પાણી લેવાનો હક્ક છે. કોઇને પણ અન્યાય ન થાય તેની તકેદારી રાખવી.

નિદર્શનની સૌથી નોંધપાત્ર વાત:

આ ગામ નિદર્શનના મૂળ હેતુઓને ઘણે અંશે પાર પાડયા. અહીં બહેનોએ નોંધપાત્ર વાત આગેવાની લીધી, દલિત આગેવાનને વધુ જવાબદારીઓ સોંપવામાં આવી, સ્થાનિક મતભેદો ઉકેલવામાં આવ્યા, યુવાનોને કામમાં સાંકળવામાં આવ્યા, સ્થાનિક સ્ત્રોતને સમજપૂર્વક વિકસાવવામાં આવ્યા, પાણી સાથે સ્વચ્છતા તરફ ખાસ ધ્યાન આપવામાં આવ્યું, શૌચાલય અને શોષખાડા ઉપરાંત સ્નાનઘર પણ બનાવ્યાં અને કોઠાસૂઝ -સ્થાનિક સંસાધનોથી ખર્ચ પણ ઘટાડવામાં આવ્યો !

પ્રશાસન અને સંસ્થાકીય માળખું

ગામમાં લોકભાગીદારીનું મહત્વ સૌને સમજાય તે રીતે તબક્કાવાર કામગીરી દ્વારા યોગ્ય પ્રશાનસ અને સંસ્થાકીય માળખું ગોઠવવામાં આવ્યું છે. સૌપ્રથમ ગામ લોકોને આ પ્રોજેકટના ઉદેશ અને લોકભાગીદારી માટે સમજાવવામાં આવ્યા. તે માટે બે વાર ગ્રામ સભા યોજી લોકોનાં મંતવ્યો જાણવામાં આવ્યાં અને સમજણ આપવામાં આવી. ગ્રાભ સભામાં બહેનોની સંખ્યા વધારે જોવા મળી હતી.

ત્યારબાદ આ કાર્યક્રમનું અમલીકરણ કરવા ગ્રામ સભામાં પાણી સમિતિ બનાવવા માટેના વિચારો રજૂ કરવામાં આવ્યા. લોકોમાં દરેકનું પ્રતિનિધિત્વ જળવાય તે રીતે પાણી સમિતિની રચના કરવામાં આવી. ફળિયા પ્રમાણે પ્રતિનિધિ નકકી કરવામાં આવ્યા, જેમાં સંરપચ તથા પંચાયતના સભ્યને પણ જોડવામાં આવ્યા. આ ઉપરાંત ચાર બહેનો પણ સભ્ય તરીકે નિમવામાં આવ્યાં. પાણી સમિતિનું બંધારણ નીચે પ્રમાણે છે.

 • દલિત સમાજનાં સભ્ય ૪ (તેમાંથી બે પંચાયતનાં સભ્ય)
 • કોળી સમાજના 3 સભ્ય
 • દરબાર સમાજના ૩ સભ્ય
 • ભરવાડ સમાજના 3 સભ્ય (સરપંચ અને પંચાયત સભ્ય)
 • કુલ ૧૧ સભ્યો

પ્રોજેકટનાં અમલીકરણની મુખ્ય જવાબદારીઓ બે સભ્યોએ ઉપાડી. જેમાં કામની દેખરેખ, સાઇટ ઉપરની માપણી, ખર્ચ પ્રમાણેનું ચૂકવણું, હિસાબો તથા માલસામાન વહેંચણી વગેરે જવાબદારીઓ સામેલ હતી. બહેનો પણ દેખરેખ અને વ્યવસ્થાપનમાં મદદ કરતી હતી. લાભાર્થીની પંસંદગી, અમલીકરણ જે તે ફળિયા પ્રમાણે સંગઠનની જવાબદારી બહેનોએ નિભાવી હતી. પાણી સમિતિની બેઠક મહિનામાં બે વખત બોલાવવામાં આવતી, જેમાં કામની સમીક્ષા, કામનું આયોજન તથા અમલીકરણનાં પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવતી હતી. જેમાં પણ બહેનોની સંખ્યા વધારે જોવા મળતી હતી. દર અઠવાડિએ મંડળીનાં આગેવાન બહેનો તથા માહિતી સંસ્થાનાં સભ્ય દ્વારા ચાલુ કામની ચકાસણી અને અમલીકરણનું આયોજન પાણી સમિતિ સાથે રહીને કરવામાં આવતું હતું. આમ, યોગ્ય પ્રક્રિયાઓને કારણે ગામમાં ભવિષ્યમાં પણ લોકભાગીદારીથી કામ થઈ શકે તેવું સંસ્થાકીય માળખું ગોઠવાયું છે.

નીતિ વિષયક હિમાયત

આ નિદર્શનમાં જે રીતે સ્થાનિક સોતોના વિકાસને મહત્વ આપી આ ગામે સ્વાવલંબી બનવા તરફ પ્રયાણ કર્યું છે તેની આજુબાજુનાં ગામના આગેવાનોએ નોંધ લીધી છે અને તેમણે તાલુકા પંચાયત અને અન્ય સરકારી કચેરીમાં બીજાં કામોની સાથે સ્થાનિક સોતોનો પણ વિકાસ થવો જોઈએ તેવી પ્રબળ માગણી કરી છે. જેમ કે ચાંચરીયા અને સેથળી ગામે પણ આવા જ પ્રકારની પાણી અને સ્વચ્છતાલક્ષી કાર્યક્રમ માટે જે તે સરકારી કચેરીએ રજૂઆત કરી છે.

વધુ માહિતી માટે સંપર્ક : પ્રવાહ મધ્યસ્થ કાર્યાલય   Website: WWW.pravah-gujarat.org

3.1
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top