অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નિદર્શન યોજના-ફાંગલી ગામ

નિદર્શન યોજના-ફાંગલી ગામ

સ્વૈચ્છિક સંસ્થા અને સ્થાનિક સ્થિતિ

કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદ ગુજરાતમાં ૧૯૯૬થી કાર્યરત છે. સંસ્થાએ તેની કામગીરીની શરૂઆત કચ્છ જિલ્લાના રાપર અને ભચાઉ તાલુકાથી કરી હતી અને આજે સંસ્થા કચ્છ ઉપરાંત, પાટણ, રાજકોટ, બનાસકાંઠા અને નવસારી જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને મહિલા સશક્તિકરણ અને જાગતિની સાથે પાણીના અલગ અલગ મુદ્દાઓ પર કાર્યરત છે.
કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ જવાબદારી અને પારદર્શકતાનાં મૂલ્યો સાથે સેવાઓથી વંચિત વિસ્તારોમાં વસતા નબળા વર્ગના લોકો એમાંય ખાસ કરીને બહેનોના લાંબા ગાળા સુધી જળવાઈ રહે એવા આર્થિક સામાજિક વિકાસ માટે કટિબધ્યધ છે.

ફાંગલી ગામ

પાટણ જિલ્લાના સાંતલપૂર તાલુકામાં વારાહી મથકથી પશ્ચિમ દિશામાં ૩૫ કિ.મી. ના અંતરે ફાંગલી ગામ આવેલું છે. આ ગામમાં કુલ ૨૦૮ ઘરો છે અને ૭૩૦ની વસ્તી વસવાટ કરે છે. જેમાં આહિર ૧૨૦, કોળી 39, દરબાર ૨૮, દલિત ૬ અને મહારાજ તથા અન્ય જ્ઞાતિનાં ૧૮ ઘરો આવેલાં છે. ભારતની સરહદ પર આવેલું રણકાંઠાનું આ અંતરિયાળ ગામ છે. અહીં વાહન વ્યવહારની સુવિધા પણ ઉપલબ્ધ નથી. બે-ત્રણ ખાનગી ટ્રેકટર, બે જીપ અને મોટર સાઈકલ સિવાય આ ગામમાં સાધન સુવિધા ઉપલબ્ધ નથી. લોકો જામવાડા સુધી ૬ કિ.મી. સુધી ચાલીને આવે ત્યારે સાધન મળે છે. ગામમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે. લોકોમાં જાગતિ, માહિતીનો પણ અભાવ છે. ગામલોકોની આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે. લોકો સૂકી ખેતીમાં સંકળાયેલા છે. મોટા ભાગે લોકો પશુપાલન અને છુટક મજૂરી કરે છે અને ઘણા લોકો કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ સ્થળાંતર કરી જાય છે. ઘણા લોકો બાવળ કાપી, કોલસા પાડી, લાકડાં કાપી, ગુંદર વીણી પોતાનું પેટીયું રળે છે.

પાણીના પ્રશ્નો

 

આ ગામમાં ગામતળાવ ખરું પણ છીછરું. તેમાં બે કૂવા પણ છે પરંતુ તેમાં એક કૂવાનું પાણી સાવ પીળું હતું અને બીજા કૂવામાં ડહોળું અને આ તળાવનું પાણી પણ જાન્યુઆરી, ફેબ્રુઆરી માસમાં ખારું થઈ જાય છે. ઉનાળાના સમયમાં આ બે કૂવાના પાણીથી જ લોકોએ ચલાવવું પડે છે. જામવાડા ગામથી ફાંગલી સુધી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની પાઇપલાઇન છે, પરંતુ ઉનાળાના કપરા દિવસોમાં ઢોર ધરાવતા લોકો પશુઓને પાણી પીવડાવવા માટે લાઈનને તોડી નાખે છે તેથી તેમાં પણ કયારેક તો ૧૦-૧૦ દિવસ સુધી પાણી આવતું નથી. તેથી પાણીનો મોટામાં મોટો પ્રશ્ન આ ગામને સહન કરવો પડે છે.
પાણીની આવી તંગીમાં પણ સામાજિક વાડાબંધી તીવ્ર જોવા મળે છે. ગામમાં આહિર જ્ઞાતિના લોકો વધારે છે તેથી ગામમાં ચલણ આહિર લોકોનું છે અને બીજા નંબરે દરબાર જ્ઞાતિનું, અને પછી બીજાનો વારો આવે અને દલિત વાલ્મિકીને તો કોઈ ન ભરતું હોય તેવા સમયે પાણી ભરવું પડે અથવા તો તેમના બેડાં છેટાં મૂકી બીજી જ્ઞાતિવાળા પાણી ભરી આવે ત્યાર પછી તેઓ પાણી ભરી શકે. દરબાર જ્ઞાતિમાં ભાઈઓ જ પાણી ભરે છે.

નિદર્શનનો હેતુ અને સમજ

ગામ અંતરિયાળ અને રણકાંઠાનું સરહદ વિસ્તારનું હોવાથી પીવાના પાણીનો મોટામાં મોટો પ્રશ્ન હતો અને આજુબાજુનાં ગામોનું અંતર પણ વધારે હોવાથી પાણી ભરવા માટે જવાય તેમ ન હતું. ગામ વારાહીથી ૩૫ કી.મી.ના અંતરે આવેલું હોવાથી પાણી પુરવઠાનું પાણી સમયસર પૂરતા પ્રમાણમાં મળતું ન હતું. તેના કારણે ગામની પાણીની વ્યવસ્થા જો ગામમાંથી જ થાય તો જ આ ગામમાં પાણીનો પ્રશ્ન હલ થઈ શકે, તેમ જ આવી મુશ્કેલીવાળું ગામ જો પાણીની રીતે સ્વાવલંબી બની શકે તો આજુબાજુનાં ગામો માટે એક નોંધપાત્ર દાખલો બેસે તેમ હોવાથી નિદર્શન માટે આ ગામ પસંદ કરવામાં આવ્યું.
આ ગામમાં નિદર્શન યોજના પાછળ સંસ્થાનું ધ્યેય અહીં પીવાના પાણી અને સ્વચ્છતા માટે લાંબી ચળવળ દ્વારા માનવ અધિકાર પ્રસ્થાપિત કરવાનું છે, અને ઉદ્દેશ ગામલોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે, સ્થાનિક સોતોનો વિકાસ થાય, વિકેન્દ્રીકરણ દ્વારા લોકોમાં સમાનતા આવે, મહિલાઓની ભાગીદારી થાય તેમ જ નીતિ વિષયક હિમાયતનું ઉદાહરણ મળે તે છે.

નિદર્શનની પ્રક્રિયા

વર્ષ ૨૦૦૧ના ભૂકંપ પછી, વર્ષ ૨૦૦૨માં, કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા સ્વશક્તિ યોજનામાં મહિલા સ્વસહાય જૂથો બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. જેમાં ફાંગલી ગામમાં ૪ સ્વસહાય જૂથો બનાવવામાં આવ્યાં હતાં. ૨ આહિર જ્ઞાતિનાં અને ૨ મિશ્ર જ્ઞાતિનાં (કોળી, દલિત, દરબાર, મહારાજ) હતાં. આ જૂથો બચત-ધિરાણની પ્રવૃત્તિ કરી રહ્યાં હતાં. આ જૂથોની મીટિંગમાં વારંવાર ગામના પાણી પ્રશ્નની ચર્ચા થતી હતી. આ પ્રશ્નનો ઉકેલ શું હોઈ શકે તે જાણવા માટે બહેનો સાથે એક પી.આર.એ. પ્રક્રિયા કરવામાં આવી. ગામલોકોનો, ખાસ કરીને બહેનોનો મત એવો હતો કે ગામના કૂવામાંથી ગાર કાઢવામાં આવે અને તેનું સમારકામ કરવામાં આવે તો ગામને પાણી મળી શકે છે. તેમ જ, શાળામાં વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા કરવામાં આવે તો બાળકોને પણ પાણીની સુવિધા મળે. આ તારણો સંસ્થા દ્વારા પ્રવાહ સમક્ષ મૂકવામાં આવ્યાં અને પ્રવાહે નિદર્શન પ્રક્રિયા દ્વારા પાણી સમિતિના માધ્યમથી, લોકભાગીદારીથી આ તારણો પર અમલ કરવાનું સૂચન કર્યું. ગામમાં નિદર્શન પ્રક્રિયાનો પ્રારંભ કરવા માટે સૌથી પહેલાં, ગામમાં ગ્રામસભા યોજવામાં આવી. તેમાં સૌને નિદર્શનની વિગતવાર સમજ આપવામાં આવી. આ વાત કર્યા બાદ પાણી સમિતિની રચના કરવાનું નક્કી કરવામાં આવ્યું અને પાણીનો પ્રશ્ન હોવાથી સ્વ-સમિતિમાં બહેનો હોય તેવું ગામલોકોએ જ સૂચવ્યું. અલગ અલગ જ્ઞાતિનાં ફળિયાં પ્રમાણે બહેનોની સમિતિ બનાવવામાં આવી.
આ પાણી સમિતિ ગામમાં પાણીની વ્યવસ્થા કરવાની જવાબદારી ઉપાડી શકે તેટલી તેને સક્ષમ બનાવવા માટે તાલીમ, મીટિંગ, ગ્રામસભાઓ, વીડિયો ફિલ્મ, માહિતીપ્રદ પોસ્ટરો, વગેરે દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવ્યા. ૨૦ ટકા લોકભાગીદારીથી આ કામ શરૂ કરવામાં આવ્યું. પાણી સમિતિ માટે એક પ્રેરણા પ્રવાસ પણ યોજવામાં આવ્યો.

લોકફાળો

એક જ ગામમાં જુદી જુદી સંસ્થાઓ કે એજન્સીઓ કામ કરતી હોય ત્યારે સીધો, વ્યક્તિગત લાભ મેળવવા માટે ગામલોકોને પોતાનો ફાળો આપવા સામે વાંધો હોતો નથી, પણ ગામમાં સામુહિક લાભ માટે લોકોને લોકભાગીદારી માટે સમજાવવા એ ઘણું કપરું કામ છે.
આ નિદર્શનમાં ગામમાં લોકફાળો લઈ કામ કરાવવાનું હોવાથી અને ગામ ૨૦ ટકા લોકફાળો ભરી શકે તેમ ન હોવાથી લોકફાળો જતો કરવા અંગેના ઘણા બધા પ્રશ્નો આવ્યા હતા.
શરૂઆતમાં લોકફાળો ન ભરવાનાં કારણો નીચે મુજબનાં હતાં. લોકોને યોજના ઉપર વિશ્વાસ ન હતો અને ગામના આગેવાનોનો પણ નકારાત્મક અભિગમ હતો. ગામમાં સેવા તેમ જ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં કામ લોકફાળા વિના થયાં હતાં. ગામમાં પાણી પુરવઠાવાળા પાણી પૂરું પાડી શકતા નથી તો આવી યોજનાથી શું થવાનું છે તેવો સામાન્ય લોકમત હતો.
ગામમાં અંદરો અંદર રાજકીય પક્ષવાદ અને ખટપટ હતી. એક કૂવામાં ટેન્કરથી પાણી નાખવામાં આવે છે. પરંતુ તે રીતે પણ પૂરતું પાણી મળતું નથી. આ પૂર્વભૂમિકામાં, ગામલોકોને લોકફાળા માટે સમજાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું. સૌથી પહેલાં, નિદર્શનમાં કરવાનાં દરેક કામની ગ્રામસભામાં જાણકારી આપવામાં આવી. કામ મુજબ ગામની સહભાગીતા કેટલી રહેશે તે પણ જણાવવામાં આવ્યું. લોકો રોકડમાં, માલસામાન રૂપે કે શ્રમદાન દ્વારા પોતાનો ફાળો આપી શકે છે તેની સમજ આપવામાં આવી અને સ્પષ્ટ કરવામાં આવ્યું કે ગામના દરેક ઘરનો લોકફાળો હશે તો જ આ સામુહિક કામો થશે.
ગામલોકોમાં મુખ્ય સવાલ, મજૂરી કરતા લોકોનો હતો. તેમને હતું કે તેઓ આ કામમાં ફાળારૂપે મજૂરી કરે પણ તેના તેમને રૂપિયા ન મળે તો તેમનું ઘર કેવી રીતે ચાલે? આ દલીલ સામે સંસ્થાના સભ્યોએ ઉનાળામાં પાણી મેળવવા માટે ગામના તમામ વર્ગના લોકોએ કેટલો ખર્ચ કરવો પડે છે તેની ગણતરી કરાવી. ત્યારે સ્પષ્ટ થયું કે ઉનાળાના ચાર માસમાંથી ફક્ત ૩૦ દિવસ પાણી મેળવવા માટે ટ્રેક્ટર દ્વારા લગભગ રૂ. ૪,૫૦૦નો ખર્ચ અને બળદગાડા દ્વારા રૂ. ૩૦૦૦નો ખર્ચ થાય છે. મજૂરી કરતા લોકો મજૂરી પાડીને પાણી લેવા જાય તો તેમને રૂ. ૧૫૦૦ જેટલું નુકસાન જાય છે. આ ગણતરી પછી ગામલોકોને સમજાયું કે દર વર્ષે આટલો ખર્ચ કરવા કરતાં, નિદર્શનમાં રૂ. ૨૦૦ કે ૨૫૦ લોકફાળો આપવો વધુ યોગ્ય છે.

નિદર્શનનો ભૌતિક અને યાંત્રિક દૃષ્ટિકોણ

 

ગામલોકોનો સહકાર મળ્યા પછી પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી અને ગામના બે કૂવામાંથી ગાર કાઢીને બંને કૂવામાં સમારકામ કરવામાં આવ્યું, બાજુમાં આવેડો બનાવવામાં આવ્યો તેમ જ વરસાદી પાણીના સંગ્રહનો એક ટાંકો બાંધવામાં આવ્યો. નિદર્શનની દેખીતી અસરો નીચે મુજબ થઈ.

  • ગાર કાઢવાથી પાણીની આવક થઈ હોવાથી પાણી ઉપર આવ્યા છે તેથી પાણી અખટ બન્યું છે.
  • ગામમાં લોકો પીવાનું પાણી કોઈ પણ સમયે ભરી શકે છે.
  • કૂવાઓ તળાવમાં જ હોવાથી તેમાં ચૂવા દ્વારા પાણી ભરાતું જ રહે છે, ખૂટતું નથી. ઉનાળાના દિવસોમાં પણ પાણી ખૂટતું નથી. તે માણસોને-પશુઓને પીવાના નાહવા ધોવાના ઉપયોગમાં કોઈ પણ સમયે વાપરી શકાય છે.
  • પાણી પુરવઠાના પાણીમાં કોઈ પણ સમયે મોટર બગડવાથી કે લાઈન તૂટવાથી પાણી આવતું બંધ થઈ જાય છે જ્યારે આ પાણી ૨૪ કલાક માટે ભરી શકાય છે.
  • પીવા માટે કૂવાનું પાણી સારું છે. એક લોકમાન્યતા અનુસાર, આ પાણીથી ઉધરસ ઉટાંટીયો બાળકોને મટી જાય છે. લોકો તેને દવાના ઉપયોગમાં લઈ શકે છે.
  • કૂવાની બાજુમાં અવાડી બનાવ્યો હોવાથી પશુઓને પાણી પાવાની સગવડ રહે છે.
  • શાળામાં વરસાદનું પાણી સંગ્રહ કરી શુદ્ધ પીવાલાયક પાણી મેળવી શકાય છે.

કામની નવીનતા

  • કૂવા નં. ૧માં કાંઠલો ને પગપાળ બનાવવાથી પાણી ભરી પગ મૂકવામાં અનુકૂળતા રહે છે.
  • પગથિયાં બાંધવાથી પાણી ભરી ચડવા ઉતરવામાં સરળતા રહે છે.
  • કૂવાની બાજુમાં જ ત્રણ ખાનાવાળો આવાડી બનાવવાથી કૂવામાંથી પાણી સિંચી નીકમાં પાણીનાખવામાં આવે તો એક સાથે 3 પશુઓને પાણી પીવડાવી શકાય છે.
  • અવાડો નીચે બનાવ્યો હોવાથી નાના પશુઓને પાણી પીવામાં સરળતા રહે છે.
  • કૂવા નં. ૨માં કાંઠલો બાંધી ગરગડી મૂકવાથી પાણી ભરવામાં સરળતા રહે છે.
  • કૂવાના કાંઠલા બાંધવાથી વધારે વરસાદમાં તળાવના પાણીનો કચરો કૂવામાં ભરાતો નથી.

સ્થાનિક સંશોધનોનો વપરાશ

નિદર્શન દરમિયાન ગામમાં થયેલાં કામકાજ માટે જરૂરી પથ્થર, રેતી ગામમાંથી મેળવવામાં આવ્યાં અને ગામના જ કડિયાઓ દ્વારા કામ કરવામાં આવ્યું છે.

પાણીની ઉપલબ્ધતા અને ગુણવત્તા પર અસર

  • કૂવાનું પાણી સાવ પીળું હતું તે હવે ચોખમું પારદર્શક થઈ ગયું.
  • પાણી પાતાળે હતું તે આવક વધવાથી હવે ડોલ ભરીને લઈ શકાય છે.
  • ઉનાળામાં પણ તે પાણી ખૂટતું નથી.
  • તળાવનો બહારનો કચરો અંદર પડી પાણી દૂષિત થતું નથી.
  • વધારાનું વપરાયેલું પાણી અંદર ન જતું હોવાથી સાબુવાળું કે અન્ય પાણી ભળતું નથી.
  • ઉનાળામાં પાણી ખારૂં થતું નથી, બારેમાસ મીઠું પાણી પી શકાય છે.

પર્યાવરણ સ્વચ્છતા અને આરોગ્ય પર અસર

નિદર્શનમાં પાણીની વ્યવસ્થા સાથે ગામની સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ગામમાં સ્વચ્છતા માટે ગ્રામ સફાઈ કરવામાં આવે છે. ગંદા પાણીના નિકાલ માટે શોષખાડા બનાવવામાં આવ્યા છે. ગામમાં ૧૧૦ ઘરો સેવા સંસ્થાની યોજનામાં બનાવેલ છે જેમાં સંડાસની સુવિધાઓ છે. તેનો પૂરેપૂરો ઉપયોગ થાય તે માટે જે તે પરિવારોને વારંવાર સમજાવવામાં આવતાં લોકો ઉપયોગ કરતા થયા છે. શાળામાં વ્યક્તિગત સ્વચ્છતા હરીફાઈ, તંદુરસ્ત બાળ હરીફાઈ, ઘર સ્વચ્છતા હરીફાઈ જેવા કાર્યક્રમો કર્યા હોવાથી બાળકોમાં સ્વચ્છતાના ગુણ કેળવાઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં પાણી ગાળવાની ગરણી, ડીયો, ઝલાસ જેવાં ઈનામો આપવામાં આવ્યાં હોવાથી ગામલોકો તેનો ઉપયોગ કરતા થયા છે. લોકો પાણીમાં ક્લોરીન નાખીને અને બે ગરણે ગાળીને પીતા થયા છે. સ્વચ્છતા અંગે વીડિયો ફિલ્મના અસરકારક માધ્યમથી સમજણ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાથી ગામલોકોને ગંદકી ન થવા દેવી તેવો ખ્યાલ આવ્યો છે. કચરાનો પણ હવે વ્યવસ્થિત નિકાલ થવા લાગ્યો છે. ગંદકી ઓછી થવાથી મચ્છર ઓછાં થયાં છે. ગામલોકો મચ્છરદાનીનો ઉપયોગ કરતા થયા છે. લોકો શાળામાં વૃક્ષારોપણ કરતા થયા છે તેમ જ કૂવા પર કપડાં ધોવા કે વાંસણ માંજતા ન હોવાથી ગંદકી ઓછી થાય છે.

નિભાવણી માટે સ્થાનિક ક્ષમતા

  • નિદર્શનમાં થયેલા કામની સારસંભાળની જવાબદારી પાણી સમિતિ અને પંચાયતે લીધી છે.
  • જરૂર પડયે સમારકામ પણ પાણી સમિતિ અને પંચાયત જાતે જ કરાવશે.
  • બેન્કમાં ખાતું ખોલાવવામાં આવ્યું છે જેનો યોગ્ય હિસાબ રાખવામાં આવે છે.
  • આ માટે તાલીમ, મીટિંગ, પ્રેરણા પ્રવાસ વગેરે દ્વારા પાણી સમિતિની ક્ષમતા વધારવામાં આવી છે.

નિદર્શનનો આર્થિક અને નાણાકીય દૃષ્ટિકોણ

ગામમાં નિદર્શન દરમિયાન કરવામાં આવેલી કામગીરીમાં કુલ નીચે મુજબનો ખર્ચ થયો છે

કામ

પ્રવાહનો ફાળો

લોક ફાળો

કૂવા નં. ૧ નું સમારકામ તથા આવેડો

૨૭૩૨૪

૫૪૫૫

કૂવા નં. રનું સમારકામ

૧૬૫૬૩

૩૩૬૦

શાળામાં વરસાદી પાણીની સંગ્રહ વ્યવસ્થા

૨૫૦૦૦

૫૦૦૦

આ ખર્ચ પછી, ગામલોકો માટે જે સંતોષજનક સુવિધાઓ ઊભી થઈ છે, તેની લાંબા સમય સુધી યોગ્ય જાળવણી કઈ રીતે કરી શકાય તે માટે ગ્રામસભામાં અને પાણી સમિતિની બેઠકોમાં ચર્ચાઓ થઈ છે. ગામલોકો અને પાણી સમિતિના સભ્યો ગામની વસ્તી અનુસાર માથાદીઠ ખર્ચ તેમ જ નિભાવણીમાં થનારા ખર્ચના અંદાજ મૂકીને તે અનુસાર માથાદીઠ પ કે ૧૦ રૂપિયા મુજબનો વાર્ષિક કે છ માસિક પાણીવેરો દાખલ કરવાનું વિચારી રહ્યા છે. તેનો નિર્ણય પાણી સમિતિ દ્વારા કરવામાં આવશે.

લોકફાળાની વિકસેલી સમજ ગામમાં સફળ નિદર્શન પછી લોકોમાં લોકફાળાના મહત્વ વિશેની સમજ વિકસી છે કે આપણું આપણે

સહિયારી રીતે, વધુ સારી રીતે કરી શકીએ છીએ. તેમને સમજાયું છે કે ગામની વિકાસ યોજનાનું બધું સંસ્થા કે એજન્સી કરી આપી શકે નહીં અને તે યોગ્ય પણ નથી. હવે ગામલોકો જાણે છે કે પંચાયતનાં કોઈ પણ કામ માટે ઓછામાં ઓછો ૧૦ ટકા લોકફાળો આપવો જરૂરી છે.

નિદર્શનનો સામાજિક દૃષ્ટિકોણ અગાઉની સ્થિતિ જોવામાં આવે તો આ ગામમાં પીવાના પાણીના પ્રશ્નો માટે ટેન્કર દ્વારા પાણી ઠલવાતું અને પછી તે પાણી કૂવામાંથી સિંચીને ભરવામાં આવતું. ટેન્કર કયારે આવે તે નક્કી ન હોવાથી પાણીની રાહ જોવામાં અને પછી પાણી ભરવામાં ઘરના સભ્યોનો આખો દિવસ જતો. દરબાર જ્ઞાતિના ભાઈઓને સમય બગડતો હતો. તેના કારણે લોકો ઘરનું બાળસંભાળનું કે મજૂરીનું કામ વ્યવસ્થિત કરી શકતા નહીં. નાનાં નાનાં બાળકોને પણ પાણી ભરવા સાથે લઈ જવામાં આવતાં હોવાથી તેમનું શિક્ષણ બગડતું. બહેનો વધારે વજન ઊંચકતાં હોવાથી તેમને કમરના, પગના, શરીરના, પેટના દુખાવા પણ થતા હતા. હાલની પરિસ્થિતિમાં પાણી ૨૪ કલાક તેઓ કોઈપણ સમયે જઈ ભરી શકે છે. કાયમી સુવિધા હોવાથી તેમણે વધુ વજન ઊંચકવું પડતું નથી કે બાળકોને સાથે લઈ જવાં પડતાં નથી. તેના કારણે બાળકોનું ભણતર કે બહેનોના પ્રશ્ન પણ ઓછા થઈ ગયા છે. પરિવારમાં એક વ્યક્તિને પણ પાણી ભરવાનો સમય બગાડવો પડતો ન હોવાથી તેઓ બીજાં કામોમાં સમય ફાળવી શકે છે.

સમાનતા જાતિ અને સામાજિક સમાવેશ

  • નિદર્શનમાં પ્રક્રિયાઓના વિવિધ તબક્કાઓ દરમિયાન મીટિંગ, તાલીમ, પ્રેરણા પ્રવાસ વગેરેમાં ભાઈઓ સાથે બહેનોને પણ સાંકળવામાં આવ્યાં હોવાથી બહેનો પણ પ્રશ્નો રજૂ કરતાં થયા છે અને સાચા ઉકેલો આપતાં થયાં છે.
  • પાણી સમિતિમાં ગામના દલિત પરિવારોનાં બહેનોને પણ સભ્ય બનાવવામાં આવ્યાં છે, તેથી ગ્રામસભા કે સમિતિની મીટિંગમાં સૌ સાથે બેસીને ચર્ચા કરતાં થયાં છે.
  • ગ્રામસભામાં પણે તેઓ પ્રશ્નો રજૂ કરી તેના ઉકેલો આપતા થયા છે. ખોટો નિર્ણય હોય તો તેનો વિરોધ કરતા થયા છે.
  • ગ્રામ વિકાસનાં કામો કેવી રીતે કરાવી શકાય તેવી આવડત તેમનામાં આવી છે.
  • ગામમાં આ કામ દરમિયાન પૈસા હતા તેવા લોકોએ રોકડમાં ફાળો આપ્યો છે અને ગરીબ માણસો શ્રમદાનમાં પાણી ઉપાડી, કડીયા કામ કરી, પથ્થર રેતી ઉપાડીને આ કામમાં સહભાગી બન્યા છે.
  • ગામની દરેક જ્ઞાતિના લોકો સાથે પાણી ભરતા થયા છે તેમ જ એકબીજાના ઘરે જઈ ચર્ચાઓ કરતા થયા છે.
  • આ રીતે સાથે મળીને કામ કરવાથી જ્ઞાતિ, જ્ઞાતિ વચ્ચેનું અંતર ઘટયું છે.

નીતિવિષયક હિમાયત

  • આ રીતે જો બિલકુલ અંતરિયાળ અને રણકાંઠાના ગામને પણ પાણી બાબતે સ્વાવલંબી બનાવી શકાતું હોય તો અન્ય ગામોમાં આવું કામ ચોક્કસ થઈ શકે.
  • ગામમાં વાડાબંધી હોવા છતાં, સમાજના દરેક વર્ગના લોકોને સાથે લઈને કામ કરવામાં આવે તો ધીમે ધીમે એકતા કેળવી શકાય છે.
  • આ પ્રકારે વિકેન્દ્રિત વ્યવસ્થાઓ ઊભી થાય અને લોકો તેને લાંબા સમય સુધી જાળવી શકાય તે માટે લોકફાળો અનિવાર્ય છે. તેનું મહત્વ ગામલોકોને સ્પષ્ટ રીતે સમજાવવું ખૂબ અગત્યનું છે.
  • અન્ય સંસ્થાઓ લોકફાળા વિના કામ કરતી હોય છે, તે પહેલી નજરે ભલે લોકોને સારી લાગે, પણ તેનાથી લોકોમાં એ કામ માટે માલિકીની ભાવના ઊભી થતી નથી અને લોકોમાં તેમાં પૂરેપૂરા સંકળાતા પણ નથી. આ બાબત ગામલોકોને સમજાવવાથી પરિણામ મેળવી શકાય છે.
  • પાણીની સાથે આરોગ્ય અને સ્વચ્છતાને સાંકળી લેવામાં આવે અને ગામલોકો તેનાં દેખીતાં સારાં પરિણામો નજર સામે જુએ તો સ્વચ્છતાનું મહત્વ સમજતા થાય છે.
  • વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને પાણી સમિતિનું યોગ્ય ક્ષમતાવર્ધન કરીને તેમને પૂરા વિશ્વાસ સાથે જવાબદારી સોંપવામાં આવે તો તેની અસર ગામલોકો સુધી પણ પહોંચે છે.

વધુ માહિતી માટે સંપર્ક : પ્રવાહ મધ્યસ્થ કાર્યાલય, સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓલ્ટરનેટિન્સ દ્વારા સહાયિત અને પ્રવાહ દ્વારા સંકલિત ,તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ,અમલીકરણઃ પાણી સમિતિ, ફાંગલી,માર્ગદર્શક કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate