অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નિદર્શન યોજના-પીપરડી

સ્વૈચ્છિક સંસ્થા તથા સ્થાનિક સ્થિતિ

લોકસેવક સંઘ

અનેક પ્રયત્નો અને બહુમૂલ્ય બલિદાનોના અંતે ભારતને આઝાદી મળી ખરી પરંતુ દેશે તેની બહુ આકરી કિંમત ચૂકવવી પડી. આઝાદી સાથે દેશના ભાગલા થયા. આઝાદીની ચળવળના કેન્દ્ર સમી કોંગ્રેસના નેતાઓમાં હિન્દુસ્તાન-પાકિસ્તાનની ખેંચતાણ ચાલી. હિન્દુ-મુસ્લિમના વિખવાદ ઊભા થયા. હજારોની સંખ્યામાં જાનહાની થઈ. આ બધાથી વ્યથિત ગાંધીજીએ કોંગ્રેસને વિખેરી નાખીને લોકસેવક સંઘની સ્થાપના કરવાની હિમાયત કરી હતી, એવો સંઘ જે બિલકુલ બિનપક્ષીય અને પ્રજાની સેવા કરનારાઓનો સંઘ હોય.

ગાંધીજીના એ સૂચનને જ અનુસરતો, પ્રજાના પ્રશ્નોને વાચા આપતો અને તેના સાચા ઉપાય સમી પ્રવૃત્તિઓ કરી, સાચા સર્વોદય સમાજના નિર્માણને વરેલો ગઢડાનો લોકસેવક સંઘ, ગ્રામ વિસ્તારના પ્રશ્નો સાથે પ્રજાના મૂળભૂત અધિકારો માટે કાર્યરત સંઘ છે. તે રીતે વર્ષોના ગ્રામ વિસ્તારના પ્રશ્નોનો અનુભવી, કોઠાસૂઝ ધરાવો કાર્યકરગણ ધરાવતો આ સંઘ છે.

સ્થાનિક સ્થિતિ

આઝાદીના પ૭ વરસે પણ આપણે સૌને પીવાનું શુદ્ધ પાણી પુરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી શકયા નથી. ત્યારે ઘેર ઘેર શૌચાલય કે ગામડે ગામડે દવાખાના કે માધ્યમિક શાળાની તો વાત જ કયાં કરવી? વિશ્વ બેંકની કે અન્ય સુખી દેશની સહાયથી ઉપરની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સરકાર કે.એન.જી.ઓ.પુરૂષાર્થ કરે છે, પરંતુ જરૂરિયાત એટલી બધી મોટી છે કે સમય લાગશે. સામે તેના પ્રમાણમાં લોકોમાં સમજણ પણ ઊભી થઈ શકી નથી કે પ્રાધ્યાન્ય કોને આપવું. જેના કારણે સામુહિક પ્રશ્નો ઘણા ઊભા થયા છે.

આપણા ગુજરાતમાં, ભાવનગર જિલ્લાનો ગઢડા તાલુકો સ્પેશિયલ ડી.પી.એ.પી. વિસ્તાર (ઓછો વિકાસ પામેલા) તરીકે જાહેર થયેલ વિસ્તાર છે. અહીં સામાન્યતઃ કયારેક જ ર૦-રપ ઇંચ વરસાદ થાય છે. દર ત્રણ વર્ષે એક વરસ દુકાળ હોય છે. તેથી વિકાસની અન્ય કોઈ સુવિધા નહીં હોવાથી આર્થિક રીતે આ વિસ્તાર ઘણો પછાત રહી ગયેલો વિસ્તાર છે. તાલુકામાં ઔધોગિક કે ખેતી પશુપાલનનો વિકાસ બહુ જ મર્યાદિત રહ્યો છે. તાલુકાનાં ગામડાઓમાંથી યુવાનો ગુજરાતમાં અન્યત્ર વિકસેલા હિરા ઉદ્યોગમાં જોડાયા છે. તેથી તાલુકાનાં ગામડાઓમાં હાલમાં જે કાંઇ થોડીક ચમક દેખાય છે તે બહારના ઔધોગિક ધંધાના કારણે છે.

બાકી વર્ષોથી ખેતી પશુપાલન ઉપર નભતા આ તાલુકાના પીવાના પાણીના મોટા પ્રશ્નો હતા. ગઢડાને નિગાળાથી આવતી ટ્રેનમાં પીવાના પાણીની ટાંકીમાંથી પાણી મળે ત્યારે કે કાળુભાર યોજનાનું પાણી આપવામાં આવે ત્યારે પાણી મળતું. હાલમાં ટ્રેઇન બંધ છે. પરંતું મહી પરીએજની મુખ્ય પાઇપ લાઇન ગઢડા નીકળતાં અને વરસાદી પાણી રોકવાના અભિયાનમાં નાની મોટી નદીઓ ઉપર ચેકડેમ, તળાવ, વગેરે થતા પાણીની સુવિધા ઊભી થઈ છે. છતાં ઘણા ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલી છે કેમ કે જે પાણી છે તે પીવાલાયક નથી.

પીપરડી ગામ

ગઢડા તાલુકાના ગઢડા-ઢસા રોડની પશ્ચિમે અંદરના ભાગે સીતાપરી નદીના કાંઠે વસેલું આ સોહામણું ગામ છે. આ ગામને સાંકળતો કોઈ ધોરી માર્ગ નથી. ગામથી બધા જ રસ્તા ૬થી ૮ કિ.મી દૂર છે.

ર૮ર કુટુંબની, ૯૬૬ની જનસંખ્યા ધરાવતા આ ગામને પ૭ વરસની આઝાદી મળ્યા પછી પણ એસ.ટી.ની બસ સુવિધા મળી નથી. ગામમાં ધોરણ પ સુધીની પ્રાથમિક શિક્ષણની સુવિધા હતી, 3-૪ વર્ષથી ધોરણ ૬ અને ૭ની સગવડતા મળી છે. પરંતુ શિક્ષકોની સંખ્યાં અને શાળાના ઓરડાની સંખ્યા તો તેની તે જ. શાળા બિલકુલ જર્જરિત અવસ્થામાં છે. આરોગ્યની કોઈ સુવિધા નથી. ગામમાં રહેતા બુજર્ગ અનુભવી દાદા દેશી ઔષધીઓથી સારવાર કરે છે. ગ્રામજનોએ તેનાથી જ સંતોષ માનવો રહયો. ત્વરિત સારવાર માટે ૭-૮ કિ.મી. દૂર ઢસા ગામે ટેમપામાં કે ટ્રેકટરમાં જવું પડે છે. મોટા ભાગની વસ્તી ખેતી અને પશુપાલનના આધારે જીવન ગુજારે છે. અન્ય મુશ્કેલીઓની જેમ, આ ગામ પાણીની પણ તીવ્ર મુશ્કેલીનો સામનો કરી રહ્યું હતું.

નિદર્શનની પ્રક્રિયા

પીરડી ગામે પીવાના પાણીની હાલાકીની વાત લોકસેવક સંઘ, ગઢડાના ધ્યાને આવતાં તે ગામની રૂબરૂ મુલાકાત લઇ સ્થિતિ-સ્થળનું આગેવાનોને સાથે રાખી નિરીક્ષણ કરવામાં આવ્યું. તે પછી ગામના યુવાનો સાથે પાણીના સ્થાનિક સોત ઊભા કરવા અંગે ચર્ચા કરી ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતમાં પીવાના પાણીના મુદ્દે કાર્યરત મંચ પ્રવાહના સૌરાષ્ટ્ર રીજિયન-રના કાર્યકરોની ઉપસ્થિતિમાં નિયત કરેલ સમયે ગ્રામસભા કરવામાં આવી. તેમાં પ્રવાહની પ્રવૃત્તિઓ અંગે જાણકારી આપવામાં આવી. તેમ જ પાણીના સ્થાનિક સોત ઊભા કરી પાણીના પ્રશ્ન સ્વાવલંબન મેળવવા અંગે વિગતે ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી. એ સાથે ગામને પીવાના પાણીના પ્રશ્ન પડતી મુશ્કેલીઓ કાયમી રીતે નિવારી શકાય તેનું આયોજન કરવામાં આવ્યું. આ ગ્રામસભામાં ગામના ભાઇઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કારણ કે સૌ પીવાના પાણીના પ્રશ્નનું કાયમી ધોરણે નિરાકરણ લાવવા માગતા હતા. સ્થાનિક સોત ઊભા કરવા અનુભવી કોઠાસૂઝવાળા ગ્રામજનોનાં સૂચન અને ચર્ચાને ધ્યાને લઇ ગામનું જૂનું બૂરાઇ ગયેલું તળાવ ઊંડું ઉતારવાનું તેમ જ સીતાપરી નદી ઉપરના તૂટી ગયેલા ડેમમાં જરૂરી ટેકનિકલ ફેરફાર કરી, ડેમનું ફરી નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું. આ માટે ગ્રામસભામાં સર્વ સંમતિથી સર્વ વર્ગને સરખું પ્રતિનિધિત્વ મળી રહે તે રીતે ફળીયા વિસ્તારવાર સભ્યો લઇ બહેનોનું પ્રભુત્વ ધરાવતી પાણી સમિતિની રચના કરવામાં આવી. આપણી સામાજિક વ્યવસ્થામાં સર્વ કક્ષાએ પુરૂષ પ્રધાન રહે છે પરંતુ પાણી, સ્વચ્છતા અને આરોગ્યને ધ્યાને લઇ આ ત્રણેય બાબત બહેનોને વધારે સ્પર્શતી હોઈ સમિતિમાં બહેનોની ભાગીદારી વધુ રાખવામાં આવી. આ રીતે ગ્રામજનોને સાથે રાખી, લોક સેવક સંઘ ગઢડાએ પ્રવાહ સી.એફ.ડી.એ. નિદર્શન યોજના હેઠળ પીપરડી ગામનો પીવાના પાણીનો પ્રશ્ન કાયમી રીતે હલ કરવાનું આયોજન કર્યું.

નિદર્શનનો ભૌતિક દૃષ્ટિકોણ

ગામલોકો સાથેની ચર્ચા પછી ગામતળાવને ઊંડું ઊતારવાનું તથા ગામ નજીકના ડેમના સમારકામનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ નિદર્શન યોજનાની સમય મર્યાદાને કારણે, ટેકનિકલ એડવાઇઝરની ભલામણ મુજબ તળાવ ઊંડું ઊતારવાની અને સાવ કૂવાનું નિર્માણ કરવાની મંજૂરી મળી. આ કામ ૩૧ માર્ચ, ૨૦૦૬ના પૂર્ણ કરવાની સમય મયાદી હતી. કામનો પ્રારંભ તા.૨૬-૧-૦૬થી કરવામાં આવ્યો.

સૌના સહયોગથી આ કામ પૂરું થયા બાદ, વરસાદ પણ સારો પડતાં વિશાળ તળાવ પાણીથી છલોછલ ભરાઈ ગયું. પરિણામે નીચાણવાળા વિસ્તારમાં ભૂગર્ભનાં તળ ઊચાં આવ્યાં અને ગામની બંધ પડેલી ડંકીઓ ફરી સજીવન થઈ છે.

નિદર્શનનો આર્થિક અને નાણાકીય દૃષ્ટિકોણ

પ્રવૃત્તિ

લક્ષયાંક

કિંમત(બજેટ)

મેળવેલ પરિણામ

કુલ ખર્ચ

તળાવ ઊંડું ઉતારવું

૧૦,૦૦૦, ઘ.મી

3,૬૭,પ૦૦

૧૩,૦૦૦

૩૦૪૮૧૫

સ્ત્રાવ કુવો

સ્ત્રાવ કુવો-૧

૨૯૦૦૦

સ્ત્રાવ કુવો-૧

૨૯૪૯૫

સામાજિક પ્રવૃત્તિ

 

૨૬૪૦૦

 

૨૩૬૨૭

વહીવટી ખર્ચા

 

૪૩૧૩૫૮

 

૩૩૯૬૬૪

જાળવણી અને નિભાવણી

ગામમાં પાણીની વહેંચણી અને વ્યવસ્થાની જાળવણીનું કામ ગામની પાણીસમિતિ દ્વારા કરવામાં આવે છે. કોઇ તકલીફ ઊભી થાય તો જાહેર સ્થળે ગ્રામસભા બોલાવી પ્રશ્નોની રજૂઆત, ચર્ચા-વિચારણા અને ઉકેલ કરાય છે. નાણાકીય જરૂરિયાત ઊભા થાય તો, જે તે સમયની જરૂરિયાત અનુસાર સ્વચ્છિક કે સામુહિક રીતે વેરો ઠરાવી, પ્રશ્નનો ઉકેલ કરાય છે. આ બાબત બહેનોને વધુ સ્પર્શતી હોઈ બહેનો વધારે સક્રિય રહે છે. ગામમાં અલગ અલગ વિસ્તારોનાં જૂથ રચીને જવાબદારીઓ વહેંચી લેવામાં આવી છે.

નિદર્શનનો સામાજિક દૃષ્ટિકોણ

ગામની પાણીની મુશ્કેલી હળવી બની તેનાં અનેક પ્રકારે સામાજિક પરિણામો મળ્યાં છે. ૨-૩ કિલોમીટર દૂરથી, માથે બેડામાંમાં કે બળદગાડામાં પાણી લાવવું પડતું હતું તે હવે બંધ થયું છે. લોકોની હાલાકી બંધ થઈ છે અને બહેનોના ૩-૪ કલાક પાણી પાછળ બગડતા હતા તે સમય હવે બચયો છે. સમય મળતાં બહેનો સ્વચ્છતા માટે સક્રિય થઈ, પરિણામે આંગણું, શેરીઓ સુઘડ બન્યાં અને આરોગ્યની સ્થિતિમાં પણ સુધાર થયો. પાણી મુશ્કેલી ટળી જતાં બાળકોનો સમય પણ બચ્યો અને તેઓ શિક્ષણમાં વધુ ધ્યાન આપતાં થતાં. ખાસ કરીને દીકરીઓને ભણવાની સાનુકૂળતા વધી છે.

પ્રશાસન અને સંસ્થાકીય માળખું

નિદર્શનનું આ કામ સારું અને ટકાઉ થાય તે માટે ગામની પાણી સમિતિએ તથા સંસ્થાએ જાગ્રત રહી થતાં કામ ઉપર સતત દેખરેખ રાખી છે. તેમ જ આયોજનમાં રસ લઇ આર્થિક રીતે કામ કેમ વ્યાજબી ભાવથી થાય તેની કાળજી લીધી છે. પાણી સમિતિને સક્રિય કરવા પ્રવાહના અનુભવી કાર્યકરો દ્વારા તેની તાલીમ, ઘોઘા તાલુકાના જે ગામમાં લોકોની જાગતિ અને પાણી સમિતિ દ્વારા ઉત્તમ કામ થયાં છે તેનો પ્રેરણા પ્રવાસ તેમ જ ઉત્થાન સંસ્થા દ્વારા પાણી સમિતિની સક્રિયતા માટે બનાવેલી સીડીનો વીડિયો શો વગેરે કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. પ્રવાહની સહાયથી થયેલા આટલા કામને આગળ લઈ જવા માટે ગામને સ્વજલધારા યોજનામાં સાંકળવામાં આવ્યું છે. આ રીતે, બીજા તબક્કામાં ગામમાં પાણી અને સ્વચ્છતા માટે નીચે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.

  • સીતાપરી નદી ઉપરનો ડેમ જરૂરી ટેકનિકલ ફેરફાર કરી પુનઃનિર્મિત કરવો.
  • દરેક ઘરે ગંદા પાણીના નિકાલ માટે શોષ ખાડા બનાવવા તથા ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને આ માટે સહાય આપવી.
  • દરેક ઘરે પાણી બંધ શૌચાલય માટે ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને સહાય કરવી. • દરેક ઘરે નિર્ધમ ચૂલા બનાવવા.
  • દરેક ઘરે જયાં પશુઓ હોય ત્યાં બાયોગેસ પ્લાન્ટ બનાવવા.
  • બહેનો માટે એક સાર્વજનિક વોશિંગઘાટ બનાવવો.
  • ભાઇઓ માટે એક સાર્વજનિક સ્નાનઘાટ બનાવવો.
  • જાહેર સ્ટેન્ડનાં ગંદા પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર યોજના તૈયાર કરવી.
  • જળમ કૂવા પાસે પંપ રૂમ બનાવી ઇલેકટ્રિક મોટર કે મશીન મુકી પાઇપ લાઇન દ્વારા પાણીના ટાંકામાં પાણી લાવી બાકી રહેતા પરિવારોને નળ કનેકશન આપવાં.

આ પછી ત્રીજા તબકકામાં નીચે મુજબનું કામ કરવાનું આયોજન છે:

  • ગામની દરેક શેરીએ સૂર્યશક્તિથી ચાલતી સ્ટ્રીટ લાઇટ મુકવી.
  • પાણીની ટાંકી માટે પવનચક્કી દ્વારા પાણી ખેંચવાની વ્યવસ્થા ગોઠવવી.
  • ગામને પાદર પંચવટી બાગ બનાવી વિસામા માટેનું જાહેર સ્થળ ઊભું કરવું.

ઉપર મુજબ પાણી સમિતિ દ્વારા અને લોકભાગીદારીથી પીપરડી ગામને એક આદર્શ નમૂના સમું, ગોકળીયું ગામ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુ માહિતી માટે સંપર્ક : પ્રવાહ મધ્યસ્થ કાર્યાલય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/11/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate