অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નિદર્શન યોજના-કડાદરા અને નાટાપુર ગામ

સ્વૈચ્છિક સંસ્થા તથા સ્થાનિક સ્થિતિ : આશરા સંસ્થા

આશરા સંસ્થાન, મોરવા (હ) એક સ્વચ્છિક સંસ્થા છે, જે ૧૯૮૬-૮૭થી માનવઅધિકાર, લોકસંગઠન અને જાગૃતિના મુદ્દે કાર્યરત છે. સંસ્થાએ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાંથી પોતાની પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી. સંસ્થાએ ૧૯૯૧માં પાનમ-હડફ અને કડાણા ડેમના અસરગ્રસ્તોને પુનર્વસન પેકેજ અપાવવા હિમાયત કરી સંગઠનકાર્ય કર્યું હતું, જેમાં 3ર વસાહતોના લોકો સંગઠિત થયા હતા. સૌએ સંગઠિત થઈને અદાલતી કાર્યવાહી કરીને ડૂબમાં ગયેલી જમીનોનું વળતર મેળવ્યું હતું. ત્રીસ વર્ષની ખેતીના પગલે જમીન ખેડૂતોને નામે કરવામાં આવી હતી, તેમ જ તેમની વસાહતોને પંચાયતનો દરજજો પણ મળ્યો હતો.
આ વસાહતોમાં રસ્તાઓ, પીવાના પાણીની સુવિધાઓ, સ્વાસ્થય સેવા કમીઓના સમય સુનિશ્ચિત કરવા, પ્રાથમિક શાળામાં બાળકોને દાખલ કરાવવાં, વગેરે કાર્યો માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા.
સંસ્થા તેના કોઈ પણ કાર્યક્રમમાં અસરગ્રસ્તોની વસાહતોને લક્ષજૂિથ બનાવીને જ અમલીકરણ કરે છે, જેથી આજુબાજુનાં ગામોને પણ સંગઠનમાં જોડાવાની પ્રેરણા મળે. સંસ્થા આ રીતે સ્વસહાય જૂથો રચીને તેની પ્રવૃત્તિઓ વિસ્તારી રહી છે.
કડાદરા અને નાટાપુર મોરવા (હ) તાલુકાનાં બે ગામ - કડાદરા અને નાટાપુર ૩૫૦૦ અને પપ૦૦ની વસ્તી ધરાવતાં ગામ છે. બંને ગામમાં ગરીબ જાતિઓની બહુમતી છે. બંને ગામ જમીનતળથી ૧૦૦ ફૂટ ઊંચાઈએ વસ્યાં છે. ગામ આકાશી ખેતીને આધારે જીવે છે. ગરીબી અહીંની મુખ્ય સમસ્યા છે, પાણીની સ્થિતિ પણ વિકટ છે. જેનો સૌથી વધુ ભોગ મહિલાઓ બની રહી છે. હજી હમણાં સુધી આ ગામોમાં પીવાના પાણી માટે દર વર્ષે ઉનાળામાં લોકો લડતા, ઝગડતા હતા. પોલીસ ફરીયાદી થતી હતી, પણ કોઇને પોતાના અધિકારની સૂઝ-સમજ નહોતી. હેન્ડ પંપ અને સરકારી સહાયથી બનેલા કૂવાઓ એ સાર્વજનિક અને જનહિત માટે જ છે અને તેની સૌએ કાળજી લેવી રહી તે સમજ પણ લોકોમાં નહોતી. કડાદરા ગામે, કુલ ૨૦૦ જેટલી સભ્યસંખ્યા ધરાવતાં, વર્ષ ૨૦૦૦થી કાર્યરત ૧૮ મહિલા બચત મંડળો છે. આ મંડળો પૈસાની બચતની સાથે પોતાના અધિકાર માટે પણ કાર્યરત છે અને પોતાની સમસ્યાઓ પોતે કેવી રીતે નિવારી શકે એવી જાણકારી મેળવવા પ્રયત્નો કરે છે.
નિદર્શનનો હેતુ અને સમજ પ્રવાહ દ્વારા વર્ષ ૨૦૦૨થી સભ્ય સંસ્થાઓને પાણીની વિકેન્દ્રિત વ્યવસ્થાઓ ઊભી કરવા માટે સમજ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. તે દરમિયાન મોરવા (હ) તાલુકાનાં ૧૩ ગામોમાં પણ આ અંગે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેને પરિણામે, આ ગામોના લોકોમાં ખાસ કરીને મહિલાઓનાં જૂથોમાં આ રીતે સ્વબળથી પીવાના પાણીની વ્યવસ્થાઓ ઊભી કરવાનો ઉત્સાહ જાગ્યો હતો. એ દરમિયાન પ્રવાહ દ્વારા નિદર્શનો ઊભાં કરવાનું આયોજન થતાં, આશરા સંસ્થાને આ વિસ્તારનાં ગામોમાં પણ નિદર્શન યોજીને વિસ્તારની પાણીની સમસ્યા હલ કરવા તથા જુદાં જુદાં ગામો માટે એક આદર્શ નમૂનો ઊભો કરવાનું વિચાર્યું.

નિદર્શનની પ્રક્રિયા

 

પ્રવાહ દ્વારા સહાયિત નિદર્શન યોજવાનું નક્કી કર્યા બાદ, કડાદરા ગામે ગ્રામ સભાઓ અને અન્ય મીટિંગોમાં આપબળે પીવાના પાણીની મુશ્કેલી હળવી કરવાના ઉપાયોની ચર્ચા થવા લાગી. લોકોને રસ જાગ્યો અને એક પછી એક મહિલાઓ તેમનાં જૂથોમાં સંકળાવા લાગી. સંગઠન મજબૂત બનતું ગયું અને જૂથોની સંખ્યા ૭માંથી વધીને ૧૭ થઈ ગઈ. ગામમાં કુલ ૨૦૦ જેટલાં બહેનોનું સંગઠન બન્યું. તેની અસર બાજુના નાટાપુર ગામે પણ થઈ. બંને ગામોમાં આ કામ માટે મહિલાઓને આગળ કરવામાં આવ્યાં. બંને ગામમાં ખાસ મુદ્દે ગ્રામ સભા યોજાઈ અને તેમાં પાણી સમિતિની રચના કરવામાં આવી. આ બંને ગામોની પીવાના પાણી અંગેની સમસ્યા સરખી હતી, તેથી બંને ગામનાં મહિલાઓએ જ રજૂઆત કરી કે બંને ગામમાં સાથે નિદર્શન યોજવામાં આવે. એવો પણ હેતુ હતો કે જો બે ગામ સાથે મળીને પોતાની સમસ્યા ઉકેલી શકે તો એક ઉદાહરણ ઊભું થાય અને અન્ય ગામોમાં આ આ રીતે કામ કરવાની સમજ કેળવાય. આથી બંને ગામની સહિયારી એક દરખાસ્ત કરીને બંને ગામમાં સાથે નિદર્શન યોજવાનું નક્કી કરવામાં આવ્યું. જોકે આ પછી નિદર્શન હેઠળ કામ શું કરવું તેની સ્પષ્ટ સમજણ કેળવાઈ નહોતી. કડાદરા ગામે ગામલોકોના સાથમાં પાણી સમિતિએ નક્કી કર્યું કે પીવાના પાણીના સંગ્રહ માટે એક ઊચી ટાંકી, પાઈપલાઇન અને સ્ટેન્ડ પોસ્ટની વ્યવસ્થા ઊભી કરવી. આ માટે સર્વેક્ષણ અને નકશાઓ સહિતનું આયોજન કરવામાં આવ્યું, પછી એક દરખાસ્ત તૈયાર કરીને પ્રવાહને મોકલવામાં આવી. તેના અનુસંધાનમાં પ્રવાહના નિષ્ણાતોની એક ટુકડી ગામની મુલાકાતે આવી.
ગામલોકો સાથેની મુલાકાતમાં, ગામે કરેલા આયોજનના સંદર્ભમાં તેમણે સમજણ આપી કે આ રીતે ઊંચી ટાંકી બનાવીને વીજળી આધારિત પાણી વિતરણ વ્યવસ્થા ગોઠવવાથી પાણી મેળવવાનો મૂળ પ્રશ્ન કાયમ માટે હલ થતો નથી. તેમાં સંચાલન, નિભાવણી અને વહીવટી ખર્ચના પ્રશ્નો પણ રહે છે. આથી જો ગામના જૂના કૂવા અને હેન્ડપંપોને ફરી કાર્યરત કરવામાં આવે તો ગામને પીવાના પાણીના કાયમી સોત મળી રહે. આ રીતે બંને ગામને પાણીનો કાયમી સોત મળે તેમ હતો, જેમાં પાણીની વહેંચણીનો કોઈ પ્રશ્ન નહોતો તેમ જ સંચાલન પણ જાતે જ કરવાનું હોઈ કોઈ પર આધારિત રહેવાનો સવાલ નહોતો. આ કારણે પણ બંને ગામના લોકો સાથે મળીને કામ કરવા તૈયાર થયા. આ સમજણ પછી પાણી સમિતિના સભ્યોએ નવેસરથી ચર્ચા કરી. ફરીથી સર્વેક્ષણ કરવામાં આવ્યું, ગામના અનુભવીઓની સાથે રહીને પાણી સમિતિના સભ્યોએ કૂવા પસંદ કર્યા, જરૂરી માલસામાન અને અન્ય ખર્ચની ગણતરીઓ માંડવામાં આવી અને તે અનુસાર નવી દરખાસ્ત તૈયાર કરવામાં આવી. તેને પ્રવાહ તરફથી મંજૂરી મળતાં કામ શરૂ થયું. આ રીતે બધી પ્રક્રિયા નવેસરથી કરવી પડી હોવાથી આ ગામોમાં નિદર્શનની કામગીરી કરવામાં ઘણું મોડું થયું.

નિદર્શનનો ભૌતિક દૃષ્ટિકોણ

નિદર્શન પ્રક્રિયા માટે કડાદરા ગામે ૬ કૂવા અને નાટાપુર ગામે ૧૧ ફૂવા સમારકામ માટે પસંદ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ શરૂ કરવામાં વિલંબ થયો હોવાથી છેવટે ૧૪ ફવાઓનું કામ પૂર્ણ થયું.
પાણી સમિતિએ ગામના અનુભવી લોકોની મદદ લઈને, અગાઉ સરકારી ખર્ચે બનાવવામાં આવેલા સાર્વજનિક કૂવાઓ પસંદ કર્યા હતા. જે કૂવાઓમાં બારે માસ પાણી રહેતું હતું તેવા ખાનગી કૂવાઓની નજીકના કૂવાઓ આ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જૂના કૂવાઓમાં જરૂરી ખોદકામ કરવામાં, પથ્થર તોડવામાં, બ્લાસ્ટિંગ કરવામાં તથા માટી અને પત્થર કાઢવામાં મશીન તથા લિફ્ટનો ઉપયોગ થયો, પણ મજૂરી ગામનાં સ્થાનિક સ્ત્રીપુરુષોએ જ, ખાસ કરીને આ કૂવાઓનું પાણી પીનારા લોકોએ કરી. દરેક કૂવાઓ ઉપર ત્રણ ફૂટ જેટલી દિવાલ સીમેન્ટથી ચણી અને દરેક કૂવા ઉપર ચાર એગલ મૂકીને ચાર ગરગડી મૂકવામાં આવી છે, જેથી દોરડાથી પાણી કાઢવામાં સરળતા રહે. લોકોએ પાણી માટે હવે લાઇનમાં ઊભા રહેવું પડે તેમ ન હોવાથી તેમનો સમય ખૂબ બચશે. અત્યારે પાણીનો સ્વાદ દરેક કૂવામાં અલગ અલગ છે તેથી પાણીની ગુણવત્તાનું પ્રમાણ આપવું મુશ્કેલ છે, પરંતુ તેનું પરીક્ષણ કરાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

નિદર્શનનો આર્થિક દૃષ્ટિકોણ

નિદર્શન માટે જૂના કૂવાના સમારકામનો નિર્ણય લેવાયો હોવાથી, એક વારના ખર્ચ સિવાય આ કામમાં નિભાવણીનો કે અન્ય કોઈ વહીવટી ખર્ચ થવાનો પ્રશ્ન રહેતો નથી. આ સમજ સાથે ગામલોકોએ કામ કર્યું છે. તેમ જ, જે કૂવાઓનું નિદર્શન તરીકે સમારકામ કરવામાં આવ્યું છે, તેની માલિકી લોકોની પ્રસ્થાપિત થઇ શકી છે. નિદર્શનનો કુલ ખર્ચ રૂ. ૬,૨૫,૫૭૮ થયો, જે માથાદીઠ રૂ. ૪૧૭ થાય છે.

નિદર્શનનો સામાજિક દૃષ્ટિકોણ

આ ગામોમાં મહિલાઓનાં જૂથો પહેલેથી સક્રિય હતાં, પણ આ રીતે, સૌએ સાથે મળીને પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા પ્રયાસ કર્યો હોય તેવું પહેલી વાર બન્યું છે. આ મુદ્દે ગ્રામ સભામાં વિગતવાર ચર્ચાઓ થઈ, પાણી અને સ્વચ્છતા સમિતિઓ રચવામાં આવી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન, સંસ્થાએ માર્ગદર્શક અને પ્રોત્સાહક તરીકે ભૂમિકા ભજવીને બધા જ નિર્ણયો અને કામની જવાબદારી પાણી સમિતિને શિરે જ રાખી, જેથી પાણી સમિતિના સભ્યોનો ઉત્સાહ વધ્યો અને તેમણે સૌને સાથે લઈને કામ પણ કરી બતાવ્યું.
પાણી સમિતિમાં બહેનોનું પ્રમાણ 90 ટકા જેટલું હતું. સ્થળની પસંદગી, સાધનસામગ્રીની ખરીદી, કામની દેખરેખ વગેરે બધું કામ પાણી સમિતિએ ઉપાડી લીધું. પાણીના વપરાશકારોએ ૧૦ ટકા લોકફાળો આપ્યો છે, જે સમિતિના ખાતામાં મૂકવામાં આવ્યો છે. આ કામમાં ગ્રામ પંચાયતના રાજકારણ કે સરકારી અધિકારીઓની દખલગીરી થઈ નહીં અને પહેલી વાર લોકોને સમજાયું કે પીવાના પાણી માટેનાં કામ કઈ રીતે અને કોના દ્વારા થવાં જોઈએ.

નીતિવિષયક હિમાયત

કડાદરા અને નાટાપુર ગામમાં થયેલ નિદર્શન જોઈને અન્ય ગામોમાં પણ જૂથો રચાયાં છે અને લોકો આ બાબતે સંસ્થા તથા બંને ગામની પાણી સમિતિ સમક્ષ માર્ગદર્શન માટે રજૂઆતો કરી રહ્યા છે. આ કામ દરમિયાન થયેલા અનુભવો પરથી નીચેની બાબતો સ્પષ્ટ થાય છે:

  • પીવાનું પાણી મેળવવાનો મરણીયો પ્રયાસ છેવટે સફળતા આપે જ છે, પણ એ માટેનો લોકજુવાળ ઠંડો પડી ન જાય એ માટે માર્ગદર્શકે પોતાની ભૂમિકા જીવંત રાખવી પડે છે.
  • કડાદરા અને નાટાપુર ગામની પીવાના પાણીની સમસ્યા એ ચળવળનો મુદ્દો નહોતો, પણ ગામલોકોના અધિકાર પ્રસ્થાપિત કરવા માટેનું નિમિત્ત હતું.
  • સામાન્ય રીતે, સરકારની સહાયથી સમાજઘર હોય, હેન્ડપંપ હોય કે સરકારી કૂવા વગેરે જે પણ સ્ત્રોતો કે સ્ટ્રકચર રચાય તે જેના રહેઠાણ નજીક અથવા માલિકીની જમીન પર બને તેની જ માલિકીપણા નીચે જતું રહે છે. એ પછી હોય, એનો ઉપયોગ તેવા કહેવાતા માલિકો ફાવે તે રીતે કરે છે. જો ગરીબો અને વંચિતો તેમના અધિકાર પ્રત્યે સજાગ બને અને સામુહિક પ્રયાસ કરે તો આ સ્થિતિમાં પરિવર્તન લાવી શકાય છે.

વધુ માહિતી માટે સંપર્ક : પ્રવાહ મધ્યસ્થ કાર્યાલય

માર્ગદર્શક: આશરા સંસ્થા  તાલુકો મોરવા (હ), જિલ્લો પંચમહાલ અમલીકરણઃ પાણી સમિતિ, કડાદરા અને નાટાપુર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate