অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નિદર્શન યોજના- આંબોશી ગામ

નિદર્શન યોજના- આંબોશી ગામ

સ્વૈચ્છિક સંસ્થા તથા સ્થાનિક સ્થિતિ

જશોદા નરોત્તમ પબ્લિક ચેરીટી ટ્રસ્ટ જશોદા નરોત્તમ પબ્લિક ચેરીટી ટ્રસ્ટ લોકો પીવાના પાણી જરૂરિયાત બાબતે સ્વનિર્ભર બને તે માટે કાર્ય કરતી સંસ્થા છે. સંસ્થાનો મુખ્ય અભિગમ વંચિત સમુદાયોને પ્રાથકિતા અપાવવી, બહેનોની ભાગીદારી વધારવી તથા વિકાસની પ્રક્રિયામાં લોકો પોતાની સમસ્યા સમજે અને તેના ઉકેલ માટે કટીબદ્ધ થાય, કામગીરીના દરેક તબક્કે ભાગ લેતા થાય તેવા પ્રયત્નો કરવાનો છે. આ સંદર્ભમાં, સંસ્થાએ પ્રવાહના સાથમાં, દક્ષિણ ગુજરાત રિજીયનમાંથી ધરમપૂર તાલુકાના અંતરિયાળ આંબોશી ગામમાં વરસાદી પાણી સંગ્રહનાં ટાંકાનું નિદર્શન તૈયાર કર્યું છે.
ધરમપૂર કે કપરાડા તાલુકામાં આ પ્રકારનાં સ્ટ્રકચર અગાઉ બનાવવામાં આવ્યાં નથી. આ બે તાલુકાઓનો મોટા ભાગનો ભૌગોલિક વિસ્તાર ડુંગરાળ અને પથરાળ છે. જેના કારણે વરસાદનું પાણી જમીનમાં જોઈએ એટલું ઉતરતું નથી. તેમ છતાં, આ વિસ્તારના લોકોમાં માન્યતા ઘર કરી ગઈ છે કે કૂવા, બોર કે વેરી જ માત્ર ને માત્ર પીવાના પાણીના સોત છે. હવે આાંબોશી ગામમાં વરસાદી પાણી સંગ્રહના ટાંકાનું નિદર્શન તૈયાર કરવામાં આવતાં લોકોમાં વિશ્વાસ આવ્યો છે કે આપણા વિસ્તાર માટે કૂવા, બોર કે વેરી સિવાય બીજા પણ સોત છે.

આંબોશી ગામમાં પાણીની સ્થિતિ

ગામમાં પાણીના સોત તરીકે આઠ કૂવા, પાંચ હેન્ડપંપ અને બે તળાવ છે. પરંતુ આ તમામ માર્ચ મહિના સુધીમાં સુકાઈ જાય છે. ત્યારબાદ લોકોએ એકથી-દોઢ કિ.મી. દૂર વહેતી નદીમાંથી પાણી ભરી લાવવું પડતું હતું. છેલ્લા ત્રણ મહિના જ્યારે પાણીની મુશ્કેલી પડતી હતી ત્યારે બપોર પછીના સમયે ઘરના બે-ત્રણ સભ્ય તો પાણીનાં કામ માટે જ રોકાઈ રહે તેવી સ્થિતિ હતી. આ ગામનો વસવાટ ડુંગર પર જ હોવાથી વધુ પાણી પણ ન લાવી શકાય. નજીકના કૂવામાં કદાચ રાત્રે થોડું પાણી સંગ્રહ થાય તો બહેનો રાત્રે જ બેડાંની લાઇન લગાવે જ્યારે નંબર આવે ત્યારે માંડ એક બેડું ભરાય. ગામની આવી પીરસ્થિતિને હિસાબે ગામમાં કોઈ કન્યા આપવા તૈયાર ન થાય.

નિદર્શનનો હેતુ અને સમજ

પ્રવાહના નિદર્શન કાર્યક્રમનો મુખ્ય હેતુ પીવાના પાણી અને સ્વચ્છતાના ક્ષેત્રે નીતિ વિષયક બદલાવ અને હિમાયતનો છે. દસ્તાવેજીકરણ એનું મહત્વનું પાસું છે. પ્રવાહની સભ્ય સંસ્થાઓ દ્વારા કુલ ૩૭ નિદર્શનો તૈયાર કરવામાં આવ્યાં છે. લોકો કામગીરીનું અમલીકરણ કરવા સક્ષમ બને તે માટે જરૂરી માહિતી, માર્ગદર્શન, મદદ, ક્ષમતાવર્ધન અને ટેકો આપવાની ભૂમિકા સંસ્થાએ ભજવવાની હતી. પ્રોજેક્ટ દરમિયાન એવી પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો હતો, જે સરળ, સાદી, સસ્તી હોય, જે લાંબે ગાળા સુધી ટકે અને વિકાસની પ્રક્રિયાને મદદરૂપ થાય. લોકો સ્વનિર્ભરતા તરફ ડગ માંડે અને તેમના અંદર પોતાપણાની ભાવના વિકસે. આ નમૂનારૂપ કાર્ય દ્વારા બીજા ગામોમાં પ્રેરણા આપી સૌ પોતપોતાનું પાણી મેળવવા સ્વાવલંબનના માર્ગ તરફ આગળ વધે એ હેતુ અને સમજ સાથે આ નિદર્શન કાર્ય કરવામાં આવ્યું છે.

નિદર્શનની પ્રક્રિયા

ગામનાં કુલ સાત ફળિયાંઓમાંથી ત્રણ ફળિયાંઓનો સમાવેશ કરી કુલ ૭૧ વરસાદી પાણી સંગ્રહના ટાંકા બાંધવામાં આવ્યા છે. આ વરસાદી પાણી સંગ્રહના ટાંકા હોળી પછીના ત્રણ મહિના, જ્યારે કૂવા કે બોરમાં પાણી ખૂટી જાય ત્યારે ખાસ ઉપયોગ થશે. આ પાણીનો ઉપયોગ ખાસ પીવા માટે, રસોઇ બનાવવા માટે જ થશે.
નિદર્શનની પ્રક્રિયા સરળ નહોતી. આપણા સમાજમાં અસમાનતાનો મુખ્ય પ્રશ્ન છે. જેનું પ્રતિબિંબ આંબોશી ગામમાં પ્રથમ મીટિંગમાં જોવા મળ્યું. મીટિંગમાં ગામના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી કે પીવાના પાણીનો અને સ્વચ્છતાનો સીધો સંબંધ બહેનોને હોય છે. જો બહેનો મીટિંગમાં હાજર ન હોય તો એમને ખરેખર કેવી કેવી મુશ્કેલીઓ પડે છે એનો ચિતાર ઊભો ન થાય. ઘરનાં બધા જ કામોની જવાબદારી બહેનો પર જ હોય છે. જેમ કે દૂરથી પાણી લાવવું, રસોઇ બનાવવી, સાફ-સફાઈ કરવી વગેરે. જો નિદર્શનનું અસરકારક પરિણામ લાવવું હોય તો આ કાર્યક્રમમાં બહેનોની સહભાગીદારી હોવી અનિવાર્ય છે.
જ્યારે બીજી વખત ગામમાં મીટિંગ કરવામાં આવી ત્યારે બહેનોની સંખ્યામાં વધારો થયો અને સૌએ પીવાના પાણી માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ શોધી ગામમાં અમલીકરણની તૈયારી બતાવી.

લોકફાળાની આનાકાની

ગ્રામજનો સાથેની મુલાકાત દરમિયાન કામગીરીનું અમલીકરણ કેવી રીતે કરવામાં આવશે તેની વિગતો સાથે સંસ્થાની કામગીરી વિશે માહિતી આપવામાં આવી. સાથે સ્પષ્ટ કરવામાં આવ્યું કે ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા માટે જે કંઈ પ્રયાસો કરવામાં આવશે તેમાં લોકફાળો હોવો અનિવાર્ય છે. રોકડ ફાળો આપી શકાય તેમ ન હોય તો શ્રમદાનનો વિકલ્પ પણ હતો, પરંતુ ગ્રામજનો શ્રમદાન માટે તૈયાર ન હતા. ગ્રામજનોની દલીલ હતી કે તેઓ બધું જ મફત કરવા તૈયાર નથી, ઓછામાં ઓછી અડધી રોજી તો ચૂકવવી જ જોઈએ. જ્યારે સંસ્થા અને પ્રવાહનો અભિગમ હતો કે જો લોકફાળો હોય તો જ કામગીરી કરવામાં આવશે.
સંસ્થા તરફથી લોકફાળાના મહત્વની ઊડી સમજ આપવામાં આવી હોવા છતાં લોકોમાં આનાકાની જોઈને છેવટે સંસ્થાએ લોકોને વિચારવા માટેનો સમય આપીને સ્પષ્ટ કહ્યું કે જો ગામલોકો તેમના પોતાના કામ માટે લોકફાળો આપવા તૈયાર ન હોય તો સંસ્થા ગામમાં કામ કરશે નહીં. આ નકારની ધારી અસર થઈ અને સંસ્થાને સામેથી જાણ કરવામાં આવી કે ગામલોકો લોકફાળો આપવા તૈયાર છે અને રૂ. ૧૦૦/- રોકડા ભરવા માગતા લોકોની યાદી પણ તૈયાર જ છે. પછી તો ગામનો એક પરિવાર લોકફાળો આપી શકે તેમ નહોતો તો બીજા ગામલોકોએ તેની જવાબદારી ઉપાડી લેવાની તૈયારી પણ બતાવી. આ રીતે ગામલોકો તૈયાર થયા કે પીવાના પાણી માટે જે પણ કામગીરી કરીશું એની જવાબદારી તેમની પોતાની છે.

ગામની સ્થિતિનો પાકો અંદાજ

નિદર્શનની પ્રક્રિયાને આગળ ધપાવતાં ગામની પાયાની માહિતી એકત્ર કરવામાં આવી. આ માટે પ્રથમ ઘેર ઘેર સર્વેની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું. એમાં દરેક ઘરમાં કેટલા સભ્યો છે, શું કામ કરે છે, ઘરોમાં શિક્ષણનું પ્રમાણ શું છે, કયો સમુદાય વધુ વંચિત રહી ગયો છે, કયો સમુદાય આગળ આવી શકયો છે. ગામના સામુહિક પ્રશ્નો શું છે, પીવાના પાણીનો પ્રશ્ન છે તો કયા કારણોસર છે. સોત જ નથી કે છે, એમાં શું ખામી છે, કયા કારણોસર પાણી નથી મળતું વગેરે તમામ માહિતી એકત્ર કરવામાં આવી.

પી.આર.એ.ની પ્રવૃત્તિ

સમગ્ર ગામની પાયાની માહિતી લીધા પછી જે બાબતો ખૂટતી હતી તેને માટે પી.આર.એ.ની બીજી તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો જેમ કે સામાજિક નકશો, સંસાધનોનો નકશો વગેરે. પી.આર.એ.નો બીજો ઉદ્દેશ એ પણ છે કે સંસ્થા અને ગ્રામજનોની સમજ એક થાય અને બંને એક ધ્યેય માટે કામ કરવા તૈયાર થાય

સંસાધનોના નકશા:

સંસાધનોના નકશા દ્વારા કૂવાઓ, બોર, ચેકડમ, કાચો ડેમ કે અન્ય સોત સહિત હાલમાં જે સોત છે તે કેટલા સમયથી કાર્યરત છે, બંધ હાલતમાં છે તો કયા કારણોસર બંધ છે એ માહિતી મેળવી નક્કી કરવામાં આવ્યું કે ભવિષ્યમાં આપણે કેવા પ્રકારનાં કામ આયોજનમાં લેવા જોઈએ.

પરિવારનો નકશો

પરિવારનો નકશો તૈયાર કરીને ગામમાં કયાં ઘરો કયાં કયાં છે, કેવા પ્રકારની જમીન પર છે, કયા સમુદાયની ગામમાં પ્રભુતા છે, કોને નિદર્શનમાં પ્રાથમિકતા આપવી જોઈએ, વગેરે માહિતી એકત્ર કરાઈ.

ગ્રામ્ય સંગઠનોની ભૂમિકા

નિદર્શનનો સાચો હેતુ સિદ્ધ થાય તે માટે ગામમાં ૧૦થી ૧૨ વ્યક્તિઓના જૂથની રચના કરવાનું નક્કી કરવાનું આવ્યું. એવું જૂથ જે એક સમાન ઉદ્દેશની દિશામાં વિચારી શકે, જેના દ્વારા ગામમાં કોઈ પણ માહિતીનો પ્રચાર-પ્રસાર થાય, સંગઠન જ ગામને સ્વાવલંબનના માર્ગ તરફ દોરે, ગામમાં સમસ્યા શું છે, કઈ સમસ્યાને પ્રાધાન્ય આપવાનું છે તે આ સંગઠન જ નક્કી કરે. નિદર્શન પ્રોજેક્ટ માટે ગામમાં બે પ્રકારના સંગઠનોની રચના કરવાનું નક્કી કરવામા આવ્યું - પાણી સમિતિ અને બહેનોનાં જૂથ.

પાણી સમિતિ

આ નિદર્શન પ્રોજેક્ટ માટે પાણી સમિતિની રચના કરવામાં આવી, જેમાં ખાસ કરીને બહેનોની ભાગીદારી વધુ છે. બહેનો વધુ અસરકારક રીતે કામ કરી શકે તે માટે ભાઈઓને પણ સમિતિમાં સામેલ કરવામાં આવેલા છે. જે કોઈ કામગીરી થશે એ પાણી સમિતિ દ્વારા જ થશે અને ભવિષ્યામાં આવનારા સરકારી અને કે અન્ય પ્રોજેક્ટ પણ આ પાણી સમિતિ દ્વારા જ થશે તેવું નક્કી કરવામાં આવ્યું. એમના દ્વારા કામ થશે તો એમને કામગીરી પ્રત્યે લાગણી, પોતાપણાની ભાવના ઉદભવશે અને સાથે જે કામગીરી થશે એની જાળવણી સારી રીતે થઈ શકશે. જ્યાં સુધી પાણી અને સ્વચ્છતાની વ્યવસ્થામાં લોકો કેન્દ્ર સ્થાને નહીં હોય, જનમત નહીં કેળવાય ત્યાં સુધી આ સેવાઓ અસરકારક નહીં બની શકે.

બહેનોના જૂથ

પીવાના પાણીના મુદ્દા સાથે સ્વચ્છતા અને બચત જેવા અન્ય મહત્વના મુદ્દાઓ પર પણ બહેનો વિશેષ ધ્યાન આપી શકે તે માટે બહેનોનાં સ્વસહાય જૂથો રચવા પર પણ ધ્યાન આપવામાં આવ્યું.

નિદર્શનનો ભૌતિક દૃષ્ટિકોણ

વરસાદી પાણીના ટાંકાનું બાંધકામ : પીવાના પાણીની મુખ્ય જરૂરિયાતનો ઉપાય બતાવતાં ગ્રામજનોએ વિચાર દર્શાવ્યો કે અહીંથી ત્રણ કી.મી. દૂર ઉપલપાડા ગામમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા કૂવો બનાવવામાં આવ્યો છે તેમાં આખા વર્ષ દરમિયાન પીવાનું પાણી મળી રહે છે. આ કૂવામાંથી પાઇપલાઇન કરી આ ફળિયાની મુશ્કેલી દૂર કરી શકાય તેમ છે. જોકે એ ઉપલપાડા ગામ એના કૂવામાંથી પાણી આપવા માટે તૈયાર હશે કે કેમ એની ખાતરી નહોતી. એ પછી સંસ્થાએ વરસાદી પાણીના સંગ્રહના ટાંકા વિશેની સમજ આપી. આ ગામ ડુંગર પર વસ્ય હોવાથી કૂવા કે વેરી જેવા નવા સોત બનાવાય તો પણ પીવાના પાણીની સમસ્યા હલ થઈ શકે તેમ નહોતી. સંસ્થાના કાર્યકરોને ગ્રામજનો સાથેની પ્રથમ મુલાકાતમાં જ વરસાદી પાણી સંગ્રહના ટાંકાનો વિચાર આવી ગયો હતો. આ રીતે, વિવિધ સામાજિક પ્રક્રિયાઓનો સાથ લઈને અંતે ગામના કુલ સાત ફળિયાંમાંથી ત્રણ ફળિયાંનો સમાવેશ કરી કુલ ૭૧ વરસાદી પાણી સંગ્રહના ટાંકા બાંધવામાં આવ્યા.

સ્થાનિક સંસાધનોનો વપરાશ

ગામની નજીકથી નદી પસાર થતી હોવાથી નદીમાંથી રેતી ચાળી સાઇટ સુધી ટેમપોમાં પહોંચાડી ટાંકાનાં બાંધકામ માટે ઉપયોગ કરવામાં આવેલ છે. જેમાં લાભાર્થીઓએ નદીમાં જ રેતી ચાળી રેતી વધુ જથ્થો સાઇટ સુધી પહોંચે એ પ્રમાણે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

સ્ટ્રકચર નિભાવણી માટે સ્થાનિક ક્ષમતા

આ સ્ટ્રકચરનાં બાંધકામો ઘરે-ઘરે કરવામાં આવ્યાં છે. હેન્ડપંપની જાળવણીની તાલીમ આપવાનું આયોજન કરેલ છે. લોકો પોતાની માલિકી હેઠળ એની નિભાવણી કરવાની રહેશે. ઉપરાંત, ટાંકા 30 વર્ષ સુધી ટકાઉ રહે અને પરિવારની પોતાની માલિકી હેઠળ સચવાતા રહે તેમ છે. આ નિદર્શન કામગીરીથી લોકો હવે ભવિષ્યમાં પોતપોતાની રીતે ટાંકાનું અમલીકરણ કરશે અને આજુબાજુના ગ્રામજનો સરકારની યોજનાને હાથ ધરી નવા સ્ટ્રકચર ઊભાં કરશે. કોંક્રીટના ટાંકા લાંબો સમય ટકી રહે તેવી ડિઝાઈનના છે.

નિદર્શનનું નાવીન્ય

વરસાદી પાણીના ટાંકા આ વિસ્તાર માટે નવા પ્રકારનું સાધન છે. જે લોકોની તાલુકા મથક કે આજુબાજુનાં ગામડાઓમાં સતત આવનજવન થતી હોય એ લોકો માટે નહીં પરંતુ ગામમાં જ રહેતાં બહેનો માટે આ કામગીરી નવીન છે.

અડચણો

નિદર્શન માટે ટાંકાનું કોંક્રીટ કામ હોવાથી એના માટે પ્લેટ જોઈએ. આ કાર્ય આ વિસ્તારમાં નવું હોવાથી કોઈ કોન્ટ્રાક્ટર પાસે પૂરતો માલસામાન ન હતો. એનો ખર્ચ પણ વધુ થતો હોવાથી કડિયા ખર્ચ કરી શકે તેવી પરિસ્થિતિ ન હતી. કામ શરૂ કરવા માટે પ્લાયવુડના ફરમા બનાવી પ્રયત્ન કરવામાં આવ્યો પણ તે સફળ ન થયો. ત્યાર બાદ લોખંડના પ્લેટવાળા ફરમાઓનો ભાવ લઈ ઓર્ડર આપવામાં આવ્યો પરંતુ આપેલો ઓર્ડર ત્રણ જગ્યાએ રદ કર્યા પછી ફરમા બની શકયા. એમાં પણ નબળાઈ જણાતા ફરીથી રીપેરીંગ કરી ફરમાને ઉપયોગમાં લેવામાં આવ્યો. ઉપરાંત, સીમેન્ટના મર્યાદિત જથ્થાથી સીમેન્ટ સમયસર ન મળતાં કામગીરી સમયસર પૂર્ણ થઈ શકી નહીં.

પાણીની ઉપલબ્ધિ, ગુણવત્તા અને આરોગ્ય પર અસર

એક ટાંકામાં પાણીનો કુલ જથ્થો ૧૦,૦૦૦ લિટર રહેશે. ચોમાસા દરમિયાન વરસાદનું પાણી પાણીનાં ટાંકામાં સંગ્રહ થઈ વધારાનું પાણી ઓવરફ્લો દ્વારા નજીકના બોરમાં રિચાર્જિગ તરીકે જાય અથવા નજીકમાં ખેતર હોય તો પાકમાં પાણીનો ઉપયોગ થઈ શકે તેમ છે. વરસાદી પાણીના ટાંકામાં સંગ્રહ થયેલ પાણીની ગુણવત્તા વધુ સારી રહેશે. પ્રવાહ નિદર્શનની કામગીરી પૂર્ણ થતાં ટાંકામાં ક્લોરીનેશન કરવા માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાંથી ક્લોરિનની ગોળીઓ અથવા ટીસીએલ પાવડર મેળવવાની પાણી સમિતિને સમજણ આપવામાં આવી છે. આ ઉપરાંત, યોગ્ય કીટનો ઉપયોગ કરી પાણીની ગુણવત્તા નક્કી કરવામાં આવશે.

નિદર્શનનો આર્થિક દૃષ્ટિકોણ

વરસાદી પાણી સંગ્રહના ટાંકામાં માથાદીઠ ખર્ચ રૂ. ૩૨૪૨/- થયો છે. આ વિસ્તારમાં પાણીની મુશ્કેલી અને આ ટાંકાથી થનારા ફાયદાને જોતાં લોકો માટે આ ઘણું ફાયદાકારક કામ છે. જશોદા નરોત્તમ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ, પ્રવાહ અને લોકફાળા એમ ત્રણ પક્ષો દ્વારા નાણાકીય ફાળો આપવામાં આવ્યો છે.
ઉપરાંત, આ વ્યવસ્થામાં સ્વચ્છતાની જાળવણી સિવાય સંચાલન માટે વીજળી જેવો કોઈ ખર્ચ ન હોવાથી આર્થિક રીતે તે ટકાઉ છે. તેની નિભાવણીની જવાબદારી જે તે પરિવારોની છે.
છાપરા પરથી વરસાદ નીચે પડતાં પડતાં જમીનનું ધોવાણ થતું હતું તે હવે અટકયું છે. ઉનાળાના ત્રણ માસ દરમિયાન પડતી મુશ્કેલીમાં બહેનો એકથી દોઢ કી.મી. દૂરથી પાણી માથા પર લાવવું પડતું એ ઝંઝટ આ વર્ષથી મટી જશે. હવે બહેનો જોઈએ ત્યારે પાણી હેન્ડપંપ દ્વારા લઈ શકે અને ખેતરમાં પણ પૂર્ણ સમય આપી શકે.

નિદર્શનનો સામાજિક દૃષ્ટિકોણ

નિદર્શનની પ્રક્રિયા દરમિયાન શરૂઆતમાં મફત શ્રમદાનની ના પાડનારા ગામલોકો સમય જતાં આ સમગ્ર પ્રક્રિયાનું મહત્વ સમજ્યા છે. નિદર્શનને કારણે બહેનો તેમનો મત રજૂ કરતાં થયાં છે અને તેમનામાં આગેવાનીની આવડત પણ વિકસી છે. પાણી સમિતિના મહિલા સભ્યને જે કામગીરી સોંપવામાં આવી હતી એ પણ તેમણે અસરકારક રીતે બજાવી હતી. લોકોમાં સંપ વધ્યો એ બીજી નોંધપાત્ર સામાજિક અસર છે. વ્યક્તિગત ટાંકા હોવાથી લોકો સામાન્ય રીતે પોતપોતાની રીતે સમય મળે ત્યારે ખોદાણકામ કરતા હતા. પરંતુ, ખાડામાં મોટા મોટા પથ્થર આવતાં તેને કાઢવા માટે સૌએ એક થઈને પ્રયત્નો કર્યા. પછી તો બાર-બાર લાભાર્થીઓની ટુકડીઓ પાડવામાં આવી. એ ટુકડીમાં એક ઘરમાંથી એક સભ્ય એમ બાર ખાડાઓનું બાંધકામ પૂર્ણ થાય ત્યાં સુધી બાર સભ્યો કામ કરે એ પ્રમાણે ૭૧ વરસાદી પાણી સંગ્રહના ટાંકામાં સહિયારું શ્રમદાન કરવામાં આવ્યું હતું. સાથે બાંધકામ દરમિયાન પાણી છાંટવાની કામગીરીમાં પણ લાભાર્થીઓનો મુખ્ય ફાળો હતો. ટાંકામાં ભરવા માટેની રેતી ચાળવા માટેનો મોટી ચાળણો પણ લાભાર્થીઓ લોકફાળો કરીને લાવ્યા. ખોદાણ બાદ ટાંકાના બાંધકામ અને સામગ્રી ઉતારવાની કામગીરીમાં પણ લોકનો મુખ્ય ફાળો રહ્યો.

પ્રશાસન અને સંસ્થાકીય માળખું

અહીં વ્યક્તિગત પાણીના ટાંકા બનાવવામાં આવ્યા હોવા છતાં, ગામ લોકોના હિતમાં લાંબા ગાળાની જાળવણી અને સ્વચ્છતાના આગ્રહમાં પાણી સમિતિની નિર્ણાયક ભૂમિકા રહે તે માટે તેને પૂરતી સક્ષમ બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. પાણી સમિતિને પાયાની તાલીમો આપવામાં આવી છે. જેમાં ખાસ કરીને પાણી સમિતિ શા માટે, તેની જવાબદારીઓ અને તેની સામાજિક અને ભૌતિક પ્રક્રિયામાં ભૂમિકા વગેરે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વરસાદી પાણી સંગ્રહના ટાંકા એ આ વિસ્તાર માટે નવીનરૂપ છે. ગામમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું તેમ, નવા સોત વિશેની જાણકારી નહોતી, તેમ છતાં, લોકો નવા સોત જોયા વિના જ તેને સ્વીકારવા તૈયાર થયા તે આ નિદર્શનની મોટી ઉપલબ્ધિ હતી. ખાસ કરીને બહેનોની નેતાગીરીએ આમાં મહત્વનો ફાળો ભજવ્યો છે. આ પ્રક્રિયા દરમિયાન ગામલોકોની છૂપી શક્તિઓ પણ બહાર આવી. જેમ કે ખોદાણકામ સમયે માપ કરતી વખતે ગ્રામજનો પાસે મેઝરટેપ તો ન હોય તો એના ઉપાય તરીકે તેમણે ચોક્કસ માપની વાંસની લાકડી બનાવી લીધી !

નીતિ વિષયક હિમાયત માટે આશય

આ ગામમાં પાણીના ટાંકા બનાવવા પાછળ નીતિ વિષયક હિમાયતનો જે મુખ્ય આશય હતો તે અત્યારથી જ પાર પડી રહ્યો છે. અહીં નિદર્શનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી તાલુકાનાં અન્ય ગામોમાં, જ્યાં વાસ્મો અને સરકારના અન્ય કાર્યક્રમો હેઠળ વરસાદી પાણીના સંગ્રહના ટાંકા બનાવવામાં આવનારા છે ત્યાંના લાભાર્થીઓ આંબોશી ગામના પ્રેરણા પ્રવાસે આવી રહ્યા છે. હવે આ ગામ ઉપરાંત અન્ય ગામના લોકોને પણ દૃઢ વિશ્વાસ બેસવા લાગ્યો છે કે આ ડુંગરાળ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના ઉપાય માટે વરસાદી પાણીનો ટાંકા દ્વારા સંગ્રહ એક મહત્વનો ઉપાય છે. વધુ માહિતી માટે સંપર્ક : પ્રવાહ મધ્યસ્થ કાર્યાલય E-mail: pravah(Ogmail.com, Website: WWW.pravah-gujarat.org

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate