অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નિદર્શન યોજના-નલિયા

નિદર્શન યોજના-નલિયા

સ્વૈચ્છિક સંસ્થા તથા ગામ/તાલુકાનો પરિચય- તાલુકો અબડાસા, જિલ્લો કચ્છ અમલીકરણઃ પાણી સમિતિ, નલિયા

સ્થાનિક સ્થિતિ અને સ્વૈચ્છિક સંસ્થા પરિચય

કચ્છ સમયનાં અગાધ સમદરમાં કોણ જાણે કયારથી, કેટલાય યુગોથી, તરતો, ડુબતો, ફરી પ્રગટતો એક અનન્ય પ્રદેશો ૪પ,૬પર ચો.કિ.મી. વિસ્તાર ધરાવતો આ જિલ્લો ભારતનો વિસ્તારની દૃષ્ટિએ બીજા નંબરનો જિલ્લો છે. ભૂપૃષ્ઠની દૃષ્ટિએ કચ્છ મુખ્ય બે વિભાગોમાં વહેચાયેલો છે. કચ્છની દક્ષિણે દરિયો, ઉત્તરે રણ, મધ્યમાં ડુંગરની હાળમાળા અને ફરતે ફળદ્રુપ મેદાનો પથરાયેલાં છે. સરેરાશ અહીં પાંચ વર્ષમાં ત્રણ વર્ષ દુકાળનાં અને એક મધ્યમથી ઓછો વરસાદવાળું વર્ષ હોય છે. એની સામે અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય વરસાદ આધારિત સૂકી ખેતી અને પશુપાલન છે. આમ, તરત એ જોઇ શકાય કે વરસાદની અનિયમિતતાની સીધી અસર અહીંના મુખ્ય વ્યવસાયો પર પડે છે.

નિદર્શનનો હેતુ અને સમજ

કોઈ પણ નવા પ્રકારના કામમાં શરૂઆતમાં, તેમાં સંકલાયેલા લોકોને ઘણા પ્રશ્નો હોય છે, પરંતુ એક વાર તેમને નવી પદ્ધતિમાં વિશ્વાસ બેસી જાય તો પછી કામ સરળ બની જાય છે. આ પ્રકારનો વિશ્વાસ ઊભો કરવા નમૂનારૂપ દાખલાઓ જરૂરી છે કે જેણે એવું કામ કર્યું હોય કે તે જોઈને અન્યને પણ પ્રેરણા મળે. આ પ્રકારના કામોને આપણે નિદર્શન કહી શકીએ. પ્રવાહની નિદર્શન યોજનામાં, એક એવા ગામનો દાખલો ઊભો કરવો હતો કે જ્યાં શરૂઆતથી અંત સુધી દરેક કાર્યમાં સક્રિય ભાગીદારી પંચાયતની હોય. સાથે આ ગામ નાનું ગામ નહીં પણ જકશન જેવું સ્વરૂપ ધરાવતું હોય. સાથે ગામમાં સ્વચ્છતાના મુદ્દાને ધ્યાનમાં રાખીને ગંદા પાણીનું શુદ્ધીકરણ કરી ફરી ઉપયોગમાં લેવાની વ્યવસ્થા પણ ઊભી થાય. આ પ્રકારના નિદર્શન માટે પ્રસ્તાવ આવ્યા બાદ સહજીવન દ્વારા યોગ્ય ગામની શોધ શરૂ કરવામાં આવી. પ્રવાહ તરફથી આવેલા પ્રસ્તાવ અને સહજીવને કરેલા અબડાસાના અભ્યાસ બાદ અમલીકરણમાં એક જ દિશા મળતાં આ નિદર્શન અબડાસામાં કરી શકાય એ હેતુથી પંચાયતોની મુલાકાતની સરખામણીમાં અબડાસાના મુખ્ય મથક એવા નલિયાની પંચાયતનો સહકાર અપેક્ષિત મળતા નિદર્શન માટે નલિયા ગામની પસંદગી કરવામાં આવી.

નલિયા એક નજરે

  • વસ્તી: ૯૧૬૩
  • સ્ત્રી: ૪૨૪૦
  • પુરુષ: 3232
  • બાળકો: ૧૬૯૧
  • જ્ઞાતિ: ભાનુશાલી, દરબાર, જૈન, બ્રહ્મક્ષત્રિય, મુસ્લિમ, બ્રાહ્મણ, દલિત, લોહાણા
  • શિક્ષણ: અહીં બાલમંદિરથી કરીને હાઇસ્કુલ સુધીના શિક્ષણની સગવડો ઉપલબ્ધ છે.
  • આરોગ્ય સરકારી દવાખાનાની સાથે ખાનગી દવાખાના પણ ઉપલબ્ધ છે. સાથે પશુસારવાર કેન્દ્ર છે.
  • વ્યવસાય :પ૦૦ જેટલા કુટુંબો સૂકી ખેતીમાં, ૪૦૦થી પ૦૦ કુટુંબો સરકારી સેવાઓ સાથે, 3૦૦ જેટલા વેપાર સાથે, અન્ય કુટુંબો મજૂરી તથા અન્ય પર ચૂરણ કામ પર નભે છે.

નલિયા ગામ નહીં ગામડું કે નહીં શહેર એવી કક્ષામાં આવતું હોવાથી અહીં ગ્રામીણ અને શહેરી બંને પ્રકારની સંસ્કૃતિ અને માન્યતાઓ જોવા મળે છે. બહેનોની પરિસ્થિતિ જોઈએ તો તેઓ ભણેલી અને પોતાના બાળકોને પણ ભણાવવા માટે લાગે છે પણ તેમને પોતાના માટે કંઇક કરવું હોય કે પોતાનું સ્થાન બનાવવું હોય તો તે માટે તેમને ન તો ઘરમાંથી છૂટ મળે છે કે ન બહેન પોતે એ વિશે વિચારી શકે છે. ગામના વિકાસનાં કામોમાં પણ બહેનોની નિર્ણાયતમક ભૂમિકા ખૂબ જ ઓછી જોવા મળે છે.

ગામમાં પાણી માટે હયાત સ્ત્રોત

સ્ત્રોત

ઉપયોગ

પાણીનો જથ્થો

મુશ્કેલી

પાંજરાપોળ કૂવો

પીવા માટે

૧૨ મહિના સુધી

વરસાદ ખેંચાય અથવા દુકાળ પડે ત્યારે પાણી નથી મળતું.

ધમાણી કૂવો

પીવા માટે

૧૮ મહિના સુધી

દુકાળના વર્ષમાં પીવાનાં પાણીની ખેંચ ઊભી થાય છે

પરજાઉ બોરવેલ

ઘરવપરાશ માટે

પુરતો

દુકાળના વર્ષમાં પાણીનો માટે જથ્થો ઓછો થાય છે અને ગુણવત્તા ખરાબ થઈ જાય છે

નલિયા બોરવેલ

ઘરવપરાશ માટે

પૂરતો

દુકાળના સમયમાં ગુણવત્તા માટે ખરાબ થઈ જાય છે.

ગામનું પોતાનું આયોજન

આપણો ઉકેલ આપણા હાથમાં , પાણીનું સ્વાવલંબન ગામના હાથમાં

વખતોવખત પીવાના પાણીના સંદર્ભમાં ગામમાં કાયમી ઉકેલ આવે એટલે ગ્રામપંચાયત અને સક્રિય ગ્રામજનોએ ચોક્કસ આયોજન વિચારી જ રાખ્યું હતું અને એના જ સંદર્ભમાં તેમણે પરજાઉ પાસે આવેલા બોરમાં પાણીનો જથ્થો અને ગુણવત્તા બંને વધે તે માટે રિચાર્જિગ ડેમ અને ભૂકંપમાં નુકસાન પામેલા પાંજરાપોળવાળા કૂવાનું સમારકામ કરી તેની સંગ્રહક્ષમતા વધારવાનું આયોજન વિચારી રાખ્યું હતું. સાથે, ગામની વસ્તી વધુ હોવાથી આરોગ્યસંભાળ માટે ગામમાં ગટરલાઈનની વ્યવસ્થા પણ ગામે લાંબા સમયથી વિચારી રાખી હતી. પરંતુ પંચાયત પાસે જરૂરી નાણાકીય ટેકો ન હોવાથી આ આયોજનને પરિણામનું રૂપ આપી શકી ન હતી.

આ દરમિયાન સહજીવન અને નલિયા પંચાયતની બેઠક થતાં સહજીવને રજૂઆત મૂકતાંની સાથે પંચાયતે પોતાનું આગોતરૂ આયોજન મૂકયું અને આ આયોજન તાંત્રિક દૃષ્ટિએ સહજીવનને યોગ્ય લાગતાં તેનો અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું. આમ, ગામ પોતાની જરૂરિયાત મુજબ આયોજન કરી શકયું અને અમલીકરણમાં નલિયા પાણી સમિતિ, સહજીવન અને પ્રવાહ ત્રણેયના સમજૂતીપત્રકથી કામની શરૂઆત  કરવામાં આવી અને આજે તેનાં પરિણામ પણ ગામ જોઈ રહ્યું છે.

નિદર્શનની પ્રક્રિયા

પાણી સમિતિની રચના પ્રમાણમાં મોટા, રાજકીય પક્ષોની અસર ધરાવતા ગામમાં, ઓછી સમયમર્યાદામાં સારી ગુણવત્તાનું કામ કરવાનું અને એમાં સક્રિય લોકભાગીદારી અનિવાર્ય - આ સ્થિતિમાં અસરકારક કામ કરી શકે તેવી પાણી સમિતિ અને તેના અધ્યક્ષની નિમણૂક એક મોટો પડકાર હતો. આ પ્રશ્નને ઉકેલવામાં પંચાયતે સારો એવો સમય લીધો પણ પછી ગામના સક્રિય આગેવાનો અને અન્યોએ સાથે રહીને ગામના યુવક મંડળના પ્રમુખ છત્રસિંહ જાડેજાને પાણી સમિતિના અધ્યક્ષ તરીકે પ્રસંદ કર્યા. આ વ્યક્તિમાં પ્રમુખ તરીકેની દરેક ખાસિયતો ગામે અને પંચાયતે જોઈ હતી. ત્યાર બાદ પાણી સમિતિની રચના કરવામાં આવી જે માટે ચોક્કસ માપદંડો પહેલેથી નક્કી કરવામાં આવ્યા:

  • દરેક જ્ઞાતિ અને ફળિયાનું પ્રતિનિધિત્વ આવવું જોઈએ.
  • બહેનોની નિર્ણાયાત્મક ભૂમિકા હોવી જોઈએ.
  • પંચાયતના સભ્યો તથા સક્રિય આગેવાનોનો સમાવેશ હોવો જોઈએ.

આમ, ૨૨ સભ્યોની પાણી સમિતિ પંચાયત દ્વારા જ બનાવવામાં આવી, જેમાં પંચાયતના સભ્યોનો સમાવેશ સૌથી વધારે કરવામાં આવ્યો. પારદર્શક વહીવટ અને જવાબદારીના વિકેન્દ્રિકરણને ધ્યાનમાં રાખીને સલાહકાર સમિતિ, લોકફાળા સમિતિ અને બાંધકામ સમિતિ એમ ત્રણ પેટાસમિતિની રચના કરવામાં આવી.

સક્રિય લોકભાગીદારીના પ્રયાસો

સંદેશાવ્યવહારના અલગ અલગ મધ્યમનો ઉપયોગ

  • ગામમાં ઢંઢેરો પીટવો અને સાદ પાડી ગામમાં જાણ કરવી.
  • કચ્છના દૈનિક પત્ર 'કચ્છમિત્ર’માં વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં લઈને જાહેરાત કે પ્રેસનોટ, જેમ કે તા. ૨૮/૦૧/૨૦૦૬ના રોજ ટેન્ડર નોટીસ
  • તા.૩૦/૦૧/૨૦૦૬ના રોજ 'નલિયાની પાણી સમસ્યા કાયમી ધોરણે ઉકેલવા ૩૦ લાખના ખર્ચ કામો થશે" એવા સમાચાર.
  • તા.૦૭/૦૨/૨૦૦૬ના રોજ 'નલિયાની પાણી સમસ્યા હલ કરવા રિચાજિંગ ડેમનું કરાયેલું ભૂમિપૂજન" એવા સમાચાર.
  • તા.૧૦/૦૭/૨૦૦૬ના રોજ "કચ્છમાં ત્રણ દિ' પૂર્વના વરસાદથી ઓગનેલા જળાશયોનાં મેધોત્સવ સાથે વધામણાં કરાયાં" એવા સમાચાર

લોકફાળા માટેની રણનીતિ

આજ સુધી નલિયામાં ઘણા વિકાસના કામો થયાં છે પરંતુ એમાં લોકોની સક્રિય ભાગીદારી મળે અને લોકફાળો પણ હોય એવા બહુ ઓછા પ્રયત્નો થયા છે. આ વખતે ૧૦,૦૦૦ની આસપાસની વસ્તી ધરાવતા ગામમાં એક એક ઘરેથી લોકફાળો લેવો તે પણ થોડુંક મુશ્કેલ હતું. તેથી જ સમિતિએ ગામની માનસિકતા પ્રમાણે ચોક્કસ રણનીતિ બનાવી. જેમ કે સૌ પ્રથમ તો દરેક જ્ઞાતિના પ્રતિનિધિને લોકફાળા સમિતિના સભ્ય બનાવીને તેમને પોતાની જ્ઞાતિનાં કુટુંબો પાસેથી લોકફાળો લેવાની જવાબદારી સોંપવામાં આવી. લોકોને લોકફાળો શા માટે છે તેની સમજ આપવા માટે એક પેમફલેટ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું. ઉપરાંત લોકફાળા માટે દૈનિકપત્રમાં એક અપીલ આપવામાં આવી.

બહેનોની ગાથા : લોકફાળો ઉઘરાવવાનું કામ સમિતિને મુશ્કેલ લાગતું હતું, પણ એ જ કામ સમિતિનાં બહેનોએ સરળ કરી આપ્યું. બહેનો પોતે ઘેર ઘેર મળવા ગયાં અને તેમણે શરૂઆતમાં જ રૂ. ૨૦,૦૦૦ એકઠા કરી આપ્યા. તેમને જોઈને અન્ય સભ્યોને પણ પ્રોત્સાહન મળ્યું. પરિણામે ગામના રહેવાસીઓ ઉપરાંત ધંધાર્થે અન્યત્ર વસેલા ગામના વતનીઓએ પણ પોતાની ફરજ બજાવી.

અમલીકરણ: કોઈ પણ કાર્યની શરૂઆત કરવામાં આવે તો એમાં એક ખાસ બાબત જોવાની હોય છે કે શરૂઆતથી અંત સુધી એક જ દિશામાં અને આયોજન પ્રમાણે કામ આગળ વધે. સાથે જે અપેક્ષાએ દરેકને સાથે રાખીને કાર્ય કરવાનું હોય તે હેતુ પણ અંત સુધી જળવાય. આમ, સમિતિની પાસે શરૂઆતથી એક જોખમ તો સામે

હતું કે બે મહિનામાં કુલ ૩૦ લાખ રૂપિયાનાં કામનું અમલીકરણ કરવાનું હતું. સમય ઓછો અને કામની માત્રા વધારે હોવાથી આ કાર્યને કઈ રીતે આગળ વધારવું તે માટે સમિતિએ રણનીતિ ઘડી. સૌપ્રથમ સમિતિએ કાર્યના અમલીકરણ માટે ટેન્ડર નોટિસ બહાર પાડી અને નીચે પ્રમાણેના ભાવો આવતાં સમિતિ થોડા પ્રમાણમાં નાણાની બચત પણ કરી શકી.

 

વિગત

અંદાજપત્ર મુજબ ભાવ

કંપનીનું નામ

નક્કી કરેલા ભાવ મુજબ ભાવ

નલિયા પાંજરાપોળ પાસેના કૂવાનું રિનોવેશન કામ કન્સટ્રકશન

૨૧૧૩૦૦

હીના કન્સટ્રકશન

૨૨૦૧૫૪

કન્સટ્રકશન ઓફ રિચાજિંગ ડેમ

૭,૦૮,૩૦૦

આશાપુરા એસોસિએટેડ

૬૮૫૬૫૦

કન્સટ્રકશન ઓફ રિચાર્જિગ ડેમ નીયર નલિયા અર્થવર્ક એન્ડ પીચીગ

૧૯૮૩૯૦૦

મારુતિ અભિયાંત્રિક ભુજ

૧૭૦૪૨૫૨

 

આ રીતે આયોજન મુજબનાં કામમાં બચત થતાં પાણી સમિતિએ એવા પંપહાઉસ અને ગટરલાઇનનાં સર્વેની કામગીરી પણ હાથ ધરી. આ રીતે સમિતિએ જાણે પોતાના જ ઘરનું કોઈ કામ હોય એ રીતે આયોજન કરી કરકસર કરી. આમ, સમિતિ દ્વારા પોતાના નિદર્શન આગળ દિશામાં લઈ જવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યાં. હવે જોઈએ સમિતિએ નિદર્શનમાં વધુમાં વધુ લોકભાગીદારી મેળવવા માટે કરેલા સઘન પ્રયત્નો.

નિદર્શનનો ભૌતિક દૃષ્ટિકોણ

વીસ વર્ષ પહેલાં નલિયાથી ૧૧ કી.મી. દૂર પરજાઉ ગામના લાજરા તળાવમાં બનાવેલા બોરમાંથી સતત પાણી ઉલેચાઇ રહ્યું છે. હાલ તે બોરમાં પાણી ખૂટવા લાગ્યું છે સાથે પાણીની ગુણવત્તા કથળતી જાય છે. તેથી ફક્ત ઘરવપરાશ માટે જ આ પાણીનો ઉપયોગ ગામના લોકો કરે છે. તેથી ભાનાડા ગામના સીમમાં નવો બોર બનાવવામાં આવ્યો છે. આ બોરનું પાણી પણ પીવાલાયક ન હોતાં માત્ર ઘરવપરાશ માટે જ ઉપયોગી છે. આમ, પીવાના પાણી માટે ધામાણી ફવો અને પાંજરાપોળવાળો કૂવો ઉપયોગી છે.

પાંજરાપોળવાળા કૂવાની ઊડાઇ 3૮ ફૂટ અને વ્યાસ ૧૦ ફૂટ છે. અહીં સાગ પથ્થર જોવા મળે છે. પરંતુ આ સાગ પથ્થરની જાડાઈ ઓછી હોવાને કારણે કૂવાની ઊડાઈ વધારીએ તો પાણીની ગુણવત્તામાં ફેર પડવાની ચોક્કસ શકયતાઓ હતી. ઉપરાંત ફવાની આસપાસ કોઈ રિચાર્જિગ સ્ટ્રકચર પણ ન હોવાથી ફવાને રિચાર્જ મળતું નથી. અહીં સારા વરસાદમાં બાર મહિના સુધી પીવાનું પાણી મળી રહે છે. પરંતુ જો વરસાદ ખેંચાય અથવા દુકાળ પડે ત્યારે કૂવામાં પાણી અપૂરતું મળે છે.

ઉપરોક્ત પરિસ્થિતિના અનુસંધાનમાં ગામ સાથે જરૂરી આયોજન કરવામાં આવ્યું. જે મુજબ, પરજાઉ બોરવેલની બાજુમાં રિચાર્જિગ સ્ટ્રકચર તરીકે એક મોટું તળાવ બનાવવામાં આવ્યું છે અને બોરની નજીકમાં ત્રણ રિચાજિંગ વેલ બનાવતાં સીધું રિચાર્જ બોરને મળશે. ભૂસ્તરીય રચનાની દૃષ્ટિએ જોતાં જમીનથી ૨૫થી 30 ફૂટ ઊંડાઈ સુધી કાંપ અને રેતી મળી આવે છે અને તેનાથી નીચે સાગ પથ્થર મળી આવે છે. આ બંને પ્રકારનાં ખડકોમાં છિદ્રતા વધારે હોવાથી સારા એવાં પ્રમાણમાં આ ખડકો પાણી સંગ્રહી શકે છે. સાથે પાંજરાપોળવાળા કૂવાની ઊડાઈ વધારવાની જગ્યાએ માત્ર પાણીનો વધારે સંગ્રહ થઈ શકે તે માટે બમણો વ્યાસ કરી ફરી ફવા સુધારણાનું કામ કરવામાં આવ્યું.

અસર : આ વર્ષ સારો એવો વરસાદ પડી જતાં રિચાજિંગ ડેમ બે વખત ઓવરફ્લો થઈ ગયો છે. એક દિવસમાં દોઢ મીટર જેટલું પાણી જમીનમાં ઉતરીને પાણીની ગુણવત્તા અને જથ્થામાં ચોક્કસ ફેર પાડવામાં મદદરૂપ થશે. પાણીમાં જે પહેલાં ફ્લોરાઈડ, કેલ્શિયમ જેવાં તત્વો વધારે પ્રમાણમાં હતા તેનો પણ ઘટાડો થશે. અને લાંબે ગાળે આ જ પાણીનો પીવા માટે પણ ઉપયોગ ગામના લોકો કરી શકશે. સાથે કૂવા સુધારણાનું જે કામ કરવામાં આવ્યું તેની સીધી અસર બહેનોને થઈ છે. ગામનાં એક રહેવાસી જેનાબેનના કહેવા અનુસાર, "રાત્રે જે બાર-એક વાગ્ય પાણી ભરવા જતાં તેમાં હાશકારો થયો છે. હવે જ્યારે જઈએ ત્યારે પાણી મળી જાય છે. કોઈ ચિંતા નથી." પર્યાવરણની રીતે જોઈએ તો ડેમની બાજુમાં જ પાણીની રસાલ વધી જતાં અહીંની આજુબાજુ વનસ્પતિને લાભ થશે.

જોખમ: નલિયા ડેમનું આવક્ષેત્ર ૧૦ ચોરસ કિ.મી છે. જે સપાટ મેદાનમાંથી અને ખેડાણવાળી જમીનમાંથી આવે છે. ડેમની જગ્યા પણ સપાટ જમીનમાં આવેલી છે. વળી ડેમની બાજુમાં આવેલી માલિકીની જમીનનું લેવલ પણ સમાવ આવે છે. ડેમની ડિઝાઈન પ્રમાણે અહીં વધુમાં વધુ વરસાદની માત્રા અહીં જોઈએ તો તે છે ૧.૮૫ મી. છે. જો એટલો વરસાદ એક કલાકમાં પડે અને ઓગનથી એક ફૂટ વધારે પાણી વરસાદમાં ભરાઈ જાય તો વધારાનું પાણી બાજુના ખેતરોમાં જાય અને ડેમની પાછળની વાડની માટીનું ધોવાણ થવાની શકયતા છે. આ પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે ડેમની પાછળની પાળ પર પિચીંગ કરી શકાય.

નિદર્શનનો આર્થિક અને નાણાકીય દૃષ્ટિકોણ રિચાર્જિગ ડેમના સંદર્ભમાં ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે અહીં સપાટ મેદાન દેખાય છે. જેનાં કારણે પાણી રિચાર્જ કરવા માટે ખાડો કરવો પડે. તેમાં ૪૦,૦૦૦ ઘનમીટર જેટલું ખોદકામ કરતાં ખર્ચ વધારે થયો છે પણ આ માળખું ઊભું કરવાનો મુખ્ય હેતુ જ જમીનમાં પાણી ઉતારવાનો અને લાંબાગાળે પીવા માટે ઉપયોગમાં આવે તેનો છે. રિચાર્જિગ ડેમ, પંપહાઉસ, ફવા સુધારણા તથા ગટરલાઈન સર્વે કરવાની કુલ કામગીરીનો ગામની વસ્તી મુજબ માથાદીઠ ખર્ચ રૂ. 300 આવ્યો છે.

પાણી અમૂલ્ય છે તેનો અર્થ એ નથી કે તેનો મૂલ્ય જ ન ચૂકવીએ: નલિયા પંચાયત છેલ્લાં વીસ વર્ષથી પોતાની સ્વતંત્ર પાણીની યોજના ચલાવતી નલિયા પંચાયતનો આ સૂત્ર છે. અને આ સૂત્રને અમલી બનાવવા માટે નલિયા પંચાયતે નીતિ-નિયમો પણ બનાવ્યા છે. સાથે આ નિયમો અમલી બને તે માટે પણ સતત પ્રતત્વનશીલ રહે છે. આ માટે પાણીવેરી પણ નક્કી કરવામાં આવ્યો છે. જે નિયમિતપણે લેવામાં આવે છે. પાણીના નળ કનેકશનનાં ધારકોને વાર્ષિક રૂ. 390/- તથા અન્ય મકાનધારકો પાસેથી રૂ. ૨0/- લેવામાં આવે છે. પંચાયત ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સતીષભાઈ કહે છે “પ્રજાને સગવડો આપવામાં આવે તો વેરો આપવાની ફરજ પણ પ્રજાની બને છે અને જો ફરજમાંથી કોઈ પણ બાંધછોડ કરે તો પંચાયત કાયદાની રૂએ તેમના કનેકશન કાપી નાખવામાં વિલંબ નથી કરતી." નિદર્શન હેઠળ જે કોઈ માળખાગત સુવિધા ઊભી કરવામાં આવી છે તે અમલીકરણ બાદ પંચાયતની માલિકીની થાય છે અને પંચાયત તેના લાંબાગાળાના નિભાવણી અને જાળવણી માટે જવાબદાર બને છે. સમિતિ બદલાશે, સરપંચ કે સભ્યો બદલે પણ પંચાયતની જવાબદારી કાયમ રહેશે.

નિદર્શનનો સામાજિક દૃષ્ટિકોણ

સૌની સહભાગીતા: કોઈ પણ જૂથને વિકાસની દિશામાં આગળ દોરી જવું હોય તો તેની સવોંગી સક્ષમતા કેળવવી અનિવાર્ય છે. આ માટે જૂથમાં પણ એવા વ્યક્તિનો સમાવેશ જરૂરી છે, જે વિકાસના દૃષ્ટિકોણને સમજે અને અન્યમાં પણ આ દૃષ્ટિકોણ ઉતારવાની મથામણ કરે. નલિયા પાણી સમિતિમાં આવા જ પ્રકારનાં સભ્યોનો સમાવેશ થતાં શરૂઆતથી અંત સુધીની પ્રક્રિયામાં સભ્યોની અને તેમના થકી લોકોની ઘણી સારી ભાગીદારી સંસ્થા જોઈ શકી છે. જેમ કે, પાણી સમિતિએ નિદર્શન કાર્યક્રમને આવી રીતે આગળ લઈ જવાનો પ્રયત્ન કર્યો છે. ગામમાંથી પણ સંતોષજનક કામ થયું છે તેવો પ્રતિસાદ આવે છે. આ સાથે આજુબાજુના વિસ્તાર માટે પણ એક દાખલો ઊભો થયો છે. નીચેના મુદ્દાઓ પરથી પાણી સમિતિની કામમાં કેટલી સક્રિય હતી તે સમજાય છે.

  • નિયમિત મીટિંગ અને એજન્ડા નક્કી કરવાની અને મીટિંગમાં થયેલી ચર્ચાની નોંધ બનાવવાની જવાબદારી સમિતિએ લીધી.
  • કામ ઝડપથી અને ગુણવત્તાવાળું થાય તે માટે ટેન્ડર વગેરેની પ્રક્રિયા સમિતિએ જ કરી.
  • લોકફાળો સમયસર એકઠો થાય તે માટે અલગ અલગ વ્યહરચના સમિતિએ કરી.
  • શરૂઆતથી અંત સુધી પારદર્શક કામ થાય તથા અન્યને તેમાંથી ઉપયોગી શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે વીડિયો ડોકયુમેન્ટેશન પણ સમિતિએ કર્યું.
  • વિવિધ સંચારમાધ્યમોનો ઉપયોગ કરી ગામમાં નિદર્શનને લઈને સમજ આપવા માટે પ્રયત્નો સમિતિએ કર્યા.

પ્રશાસન અને સંસ્થાકીય માળખું

સંસ્થા દ્વારા પ્રયાસો: નિદર્શન કાર્યના પરિણામે એક સક્ષમ પાણી સમિતિ ઊભી થાય અને લાંબા ગાળે ગામ આ નિદર્શનને પોતાની જવાબદારી સાથે સાચવે તેવો વિચાર સંસ્થાને હતો. તેથી શરૂઆતથી દરેક કાર્યની જવાબદારી સમિતિ પર મૂકવામાં આવી, સાથે સંસ્થા કયા પ્રકારના સિદ્ધાંત અને મૂલ્યોની અપેક્ષા રાખે છે તે પણ સમજાવવાનો સતત પ્રયત્ન કરવામાં આવ્યો. આ માટે મુખ્ય માધ્યમ હતું વખતોવખતની બેઠક અને ચર્ચા વિમર્શ.

બહેનો નિર્ણયાત્મક ભૂમિકા માટે કરવામાં આવેલ પ્રયત્નો

પાણી સમિતિની રચનામાં અને પછી તેની દરેક મીટિંગમાં બહેનોની હાજરી આવશ્યક બનાવીને બહેનોને જવાબદાર બનાવવાની શરૂઆત કરવામાં આવી. આ માટે નીચે મુજબના પ્રયાસો કરવામાં આવ્યા:

  • સમિતિ મીટિંગ પછી અલગથી બહેનો સાથે મીટિંગ
  • ફળિયા મુજબ બહેનો સાથે મીટિંગ
  • નેતૃત્વને ધ્યાનમાં રાખીને બહેનો સાથે તાલીમ

પાણી સમિતિએ રચેલા નીતિ નિયમો


કામની શરૂઆતમાં જ સમિતિએ પોતાના ચોક્કસ પોતાના નીતિનિયમો બનાવ્યા, જેથી દરેક એક જ તાંતણે ચાલે અને એક જ દિશામાં આગળ વધી શકાય.

  • પાણી સમિતિની મીટિંગ માસના દર મંગળવારે ગ્રામ પંચાયત કચેરીમાં સાજે ૪થી ૬ કલાકે રહેશે. મીટિંગની જાણ પરિપત્રથી કરવામાં આવશે.
  • પાણી સમિતિની નિયત થયેલ મીટિંગમાં નીતિ વિષયક નિર્ણય લેવા માટે ઓછામાં ઓછા ૧૪ સભ્યોની હાજરી અનિવાર્ય છે (જેમાં ત્રણ બહેનોની હાજરી આવશ્યક રહેશે).
  • પાણી સમિતિના સક્રિય સભ્યો જો પ્રતિકૂળ સંજોગોને કારણે ગેરહાજર રહે અને માગણી કરે તો મીટિંગમાં ચર્ચા થયેલી નોંધની કોપી આપવાની રહેશે.
  • દર મીટિંગમાં ચાલુ કામની પ્રગતિ અહેવાલ તથા થયેલ ખર્ચની વિગતો આપવાની રહેશે.
  • પાણીના નળ કનેકશનનાં ધારકોને વાર્ષિક રૂ. 39૦/- તથા અન્ય મકાનધારકો પાસેથી રૂ. ૨૦/- લેવાના રહેશે.
  • પાણી પ્રોજેક્ટ દ્વારા થયેલી કામગીરી પૂર્ણ થયેથી નિભાવણી અને જાળવણી ગ્રામ પંચાયતની રહેશે.

નીતિવિષયક હિમાયત

નિદર્શનની સમગ્ર પ્રક્રિયામાંથી ગામલોકો, પાણી સમિતિ અને સંસ્થા માટે અનુભવોનું ઘણું મોટું ભાથું બંધાયું છે, જે અન્ય ગામ અને સંસ્થાઓને તથા આ પ્રકારને વિકેન્દ્રિત વ્યવસ્થાઓ ઊભી કરવા માટે સરકારને ઉપયોગી થાય તેમ છે.

નિદર્શનને અંતે ગામના અનુભવો

ઉપસરપંચ જુણસભાઈના મતે, "પાણીમાં ફેર પડી જશે અને મોટો ફાયદો આમ તો બહેનોને થયો." જનાબેનના મતે, 'પાણી નિયમિત ન મળવાને કારણે બહેનને શારીરિક અને માનસિક એમ બંને રીતે થાકનો અનુભવ કરે છે, પણ હવે હાશકારો થયો." ખેતશીભાઈના મતે, 'ગામની પાણીની યોજના પોતાની જ હોવી જોઈએ કારણ ગામના લોકોને સ્થાનિક રીતે પોતાના કોઈ પણ પ્રશ્નનો ઉકેલ ઝડપથી મળી શકે છે. સાથે આ ઉકેલ કઈ રીતે દૂર થશે તેની સમજ સ્થાનિક લોકોને વધારે હોય છે."

આ છે અમારી સફળતાની ચાવીઓ:

નલિયા પાણી સમિત પાણી સમિતિએ એવી કઇ પ્રકારની દૃષ્ટિથી કામ કર્યું કે જેથી સફળતાપૂર્વક કામ થઈ શકયું? એવા પ્રશ્નના જવાબમાં સમિતિના મંત્રીશ્રી ખેતશીભાઈ નીચેના મુદ્દાઓ આપે છે:

  • ગામ સંગઠિત થઈને કોઈ પણ કામ કરે તો જરૂરથી પરિણામ મળે છે.
  • ગામની જે જરૂરિયાત હતી તે પ્રમાણે જ કામનું આયોજન થયું હતું.
  • સમિતિમાં અનુભવી લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
  • સર્વસમાજના પ્રતિનિધી, ટૂંટાયેલા પ્રતિનિધી, ગામના પીઢ અને વડીલોના સલાહ સૂચનો લેવામાં આવ્યાં.
  • નિયમિત રીતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું.
  • ખાસ કરીને લોકફાળો જ્યારે આટલી મોટી રકમમાં લેવામાં હતો, ત્યારે શરૂઆત સમિતિની બહેનોએ કરી. તેમણે ઘરે ઘરે જઈ રૂ. ૨૦,૦૦૦ની રકમ ભેગી કરી અને સમિતિમાં દરેકની સમક્ષ મૂકી ત્યારે દરેકને ઉત્સાહ જાગ્યો અને કામ પૂરજોશમાં આગળ વધ્યયું.

નિદર્શનનાં સંદર્ભમાં સંસ્થાકીય અનુભવ

  • નિદર્શન સમયમર્યાદામાં ન હોવું જોઈએ.
  • પંચાયતને જો કેન્દ્રમાં રાખીને અસરકારક કામ કરવું હોય તો નાણાકીય વ્યવહાર માટે સીધો સંપર્ક પંચાયત પાસે હોવો જોઈએ. એમાં ચોક્કસ સાથી સંસ્થા ટેક્તિનકલ અને સામાજિક દૃષ્ટિકોણના સંદર્ભમાં ટેકો આપે.

નિદર્શનનાં સંદર્ભમાં સહજીવનનું ભાવિ આયોજન

અગાઉ જાણયું તેમ સહજીવન વિકેન્દ્રિત પીવાના પાણીની યોજનાના સંદર્ભમાં અબડાસા તાલુકાને કેન્દ્રિત કરી રહ્યું છે. આની શરૂઆત માટે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં અબડાસાની દરેક પંચાયત અને પાણી સમિતિના પ્રતિનિધિની હાજરીની સાથે ચૂંટાયેલા અન્ય પદાધિકારી પણ હાજરી આપશે. વધુમાં ગાંધીનગર વાસ્મોના અધિકારીઓ અને પાણીપુરવઠા સચિવશ્રી વી. એસ. ગઢવી પણ હાજર રહેશે. આ સંમેલમનમાં આ રીતે સમગ્ર અબડાસા તાલુકામાં પીવાના પાણી અને સ્વચ્છતા માટે કેવા વિકેન્દ્રિત પ્રયાસો થઈ શકે તે વિશે અગત્યના નિર્ણયો લેવામાં આવશે. આ સંમેલન સહજીવન, વાસ્મો અને નલિયા પાણી સમિતિના સંયુક્ત પ્રયાસથી યોજાઈ રહ્યું છે. આમ, નલિયામાં યોજાયેલું નિદર્શન નીતિવિષયક હિમાયત માટે અન્યને પણ પ્રેરણારૂપ બની શકશે.

વધુ માહિતી માટે સંપર્ક :

પ્રવાહ મધ્યસ્થ કાર્યાલય, જી-૨, રક્ષા એપાર્ટમેન્ટ, ૨૦૦, આઝાદ સોસાયટી, પોલિટેકનિક રોડ, આંબાવાડી, અમદાવાદ - ૧૫  E-mail: pravah@gmail.com, Website: WWW.pravah-gujarat.org

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate