অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આપણો વિસરાયેલો જળવારસો

આપણા જીવનમાં પાણીનું મહત્ત્વ કેટલું? હવે તો આ વિષય પર એટલાં બધાં સૂત્રો અને જાહેરાતોનો મારો થયો છે કે નાનું છોકરું પણ ફટ દઈને જવાબ આપી શકે કે ”જળ જ જીવન છે!” વાત સાચી, પણ આ સૂત્રને આપણે ખરેખર જીવનમાં ઉતાર્યું છે ખરું? હકીકત તો છે કે આપણે કદાચ પાણીનું મહત્ત્વ સમજ્યા જ નથી. એવું ન હોત તો આપણા સમૃદ્ધ જળવારસાને સાવ આમ ભૂલ્યા થોડા હોત? સદનસીબે, ગુજરાતમાં હજી ખૂણેખાંચરે ક્યાંક ક્યાંક આપણા જળવારસાને સાચવવાના પ્રયાસો જોવા મળે છે. જૂના જમાનામાં પીવાના પાણીના સંગ્રહ અને ઉપયોગ માટેના જે કોઠાસૂભર્યા પ્રયાસો અને રીતરિવાજો પ્રચલિત હતાં તેમાં થોડા ઊંડા ઉતરીએ તો બહુ રોમાંચક વાતો જાણવા મળે છે.

વીરડા

મોટા ભાગે ઉનાળાની શરુઆત સાથે જ, પ્રજાને પાણી પહોંચાડવાની સરકારી તંત્રની નિષ્ફળતા દર્શાવવા માટે અખબારોમાં ખાડામાંથી પાવલે પાવલે પાણી ભરતી મહિલાઓની તસવીરો ચમકવા લાગે છે. આ કારણે, લોકો મજબૂરીથી આવા ખાડા એટલે કે વીરડા ખોદે છે એવી છાપ આપણા માનસમાં ઘર કરી ગઈ છે.

હકીકત જુદી જ છે. વીરડા તો કચ્છના માલધારી લોકોના વરસાદી પાણીના સંગ્રહના પેઢીઓ જૂના જ્ઞાનનું પ્રતીક છે. કચ્છના મોટા રણના એક ભાગ સમા બન્નીનાં મેદાનોમાં વિચરતા માલધારીઓ અફાટ રણ જેવા પ્રદેશમાં પીવાનું પાણી ક્યાંથી લાવે? કુદરત સાથે એકરંગ થઈને જીવતા આ લોકોએ ઉકેલ કુદરતમાંથી જ શોધ્યો.

બન્નીનાં મેદાનો લગભગ સપાટ છે, પરંતુ ચોમાસામાં વરસાદી પાણીના થોડા ઘણા વહેણથી જે ભાગમાં નીચાણ થાય ત્યાં માલધારીઓ છીછરા ખાડા ખોદે છે. થોડા થોડા અંતરે ખોદેલા આવા વીરડા વરસાદનું પાણી જમીનમાં સંઘરે છે. અહીં જમીનના તળમાં ખારું પાણી છે, પણ ખારા પાણી અને તાજા વરસાદી પાણીમાં ઘનતાનો તફાવત હોવાથી તાજું વરસાદી પાણી ઉપરના ભાગમાં સચવાઈ રહે છે.

ચોમાસા પછીના ગાળામાં માલધારીઓ વધુ વીરડા ખોદીને જ્યારે જરૂર પડે ત્યારે મીઠું પાણી મેળવે છે. માલધારીઓની પેઢી દર પેઢી આ કોઠાસૂઝનો ઉપયોગ થતો આવ્યો છે, પરંતુ હવે પાઈપમાંથી પાણી મળવા લાગતાં વીરડા ભૂલાતા જાય છે. બન્નીમાં એક સમયે ચાલીસેક પ્રકારનાં ઘાસ થતાં, હવે માંડ સાત-આઠ જાત બચી છે. કુદરતનું સંતુલન ખોરવાતાં વીરડામાં વરસાદી પાણીનો સંગ્રહ પણ ઘટ્યો છે.

આજના સમયમાં લોકોએ વીરડાનો આશરો ન લેવો પડે તે આદર્શ સ્થિતિ છે, પણ એ સાથે, પાણી પુરવઠાની આધુનિક પદ્ધતિઓમાં પૂરક નીવડી શકે તેવી આ અદભુત પદ્ધતિનું મહત્ત્વ પણ સમજવા જેવું છે.

વરસાદી પાણીના સંગ્રહ માટેના ટાંકા

જૂનાગઢ શહેરમાં માંગનાથ રોડનો ઢાળ ચઢીએ એટલે ડાબી બાજુ `નવરંગ’ નામનું એક મકાન આવે. વૈષ્ણવ પરિવારનું પેઢીઓ જૂનું, સરસ મજાનું ડેલીબંધ મકાન. પરિવાર વિસ્તરતો ગયો એટલે ત્યાં જ નવા જમાના મુજબ, મોકળાશવાળું મકાન બનાવવામાં આવ્યું. અંદરથી આખા મકાનનો નકશો જ બદલાઈ ગયો.

ફક્ત પાણીનું ટાંકું હતું તેમનું તેમ રહ્યું. જૂની બાંધણી મુજબ, મકાન નીચે ભૂગર્ભમાં ઘરનો લગભગ અડધોઅડધ જગ્યા રોકી લેતું એક પાણીનું ટાંકું હતું. મકાનની મોટી અગાશીમાં ધોધમાર વરસાદ ઝીલાય અને છત પરનાં નળિયાં પરથી દડતું પાણી એમાં ઉમેરો કરે. અગાશીમાંથી વરસાદનું બધું જ પાણી સીધું પાણિયારામાં ખૂલતા ટાંકામાં ઉતરે. વૈષ્ણવ પરિવારે મકાનની બાંધણી બદલી પણ દૂરંદેશી વાપરીને ટાંકું એમનું એમ રાખ્યું. આજે જૂનાગઢ મહાનગરપાલિકા તરફથી મળતા પાણીના પુરવઠામાં વધઘટ થાય તોય વૈષ્ણવ પરિવારને ક્યારેય પાણીની ખોટ પડતી નથી. ડૉ. બિપીનભાઈ વૈષ્ણવ કહે છે, ”વેકેશનમાં કે વારતહેવાર-પ્રસંગે 60-65 સભ્યોનો અમારો આખો પરિવાર એકઠો થાય તો પાણીની ખોટ પડતી નથી. ઉપરાંત, ટાંકાની સ્વચ્છતાનું મહત્ત્વ એટલું કે પરિવારના નાના-મોટા સૌ કોઈ નાહ્યા પછી જ પાણિયારામાં પ્રવેશી શકે.”

આ છે આપણો જળવારસો. વરસાદના પાણીનું મહત્ત્વ તો ખરું જ, સાથે એની સ્વચ્છતાનો મહિમા પણ ખરો. વરસાદી પાણીના સંગ્રહની આવી સુંદર, સમજભરી વ્યવસ્થા જૂનાગઢ ઉપરાંત ગુજરાતનાં દ્વારકા, પાટણ, વડનગર, અમદાવાદ વગેરે ઘણાં ખરાં પ્રાચીન શહેરોમાં જોવા મળે છે. અહીંનાં મંદિરોમાં પણ પાણીના ટાંકા જોવા મળે. અમદાવાદના ખાડિયામાં જૂનાં ઘરોમાં જે પાણીના ટાંકા સચવાયા છે, તેનું પાણી આરોગ્ય માટે સૌથી લાભદાયી હોવાનું અભ્યાસોમાં જણાયું છે.

અમદાવાદના શ્રી ઉશીરભાઈ શાહ કે આણંદના ડૉ. કે. સી. દલાલ જેવા લોકો નળમાં સહેલાઈથી પાણી મળતું હોવા છતાં શુદ્ધ પાણીના આગ્રહથી વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. ભૂજમાં તો પાણીના ટાંકાનો મહિમા એક અનોખી રીતે પ્રકાશમાં આવ્યો. જૂના ભૂજ શહેરના કોટવિસ્તારમાં રહેતા પાંચ નાગર પરિવારોએ ભૂકંપમાં તેમનાં ઘર તૂટતાં શહેરની બહાર નવાં ઘર બનાવવાનું વિચાર્યું ત્યારે તેમણે નવા ઘરમાં વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા કરવાનું પણ નક્કી કર્યું. પાઈપ વાટે, સીધું નળમાં જ પાણી મળવા લાગ્યું ત્યારથી ધીમે ધીમે વરસાદી પાણીના ટાંકાનું મહત્ત્વ આપણે ભૂલવા લાગ્યા છીએ, છતાં હજી કોઈ કોઈ ઠેકાણે એની પહેલાં જેટલી જ માવજત જોવા મળે છે એ આનંદની વાત છે.

તળાવ

કોઈ પણ ગામનું ચિત્ર દોરવાની વાત આવે તો એમાં ગામના પાદરે એક સરસ મજાના તળાવનું દ્રશ્ય તો આવે જ આવે. ગામ તો ઠીક, ગુજરાતનાં ઘણાં ખરાં શહેરો તપાસી જૂઓ – અમદાવાદ, વડોદરા, ભાવનગર, જામનગર, ભૂજ… બધે વિશાળ તળાવ કે તેનાં રહ્યાંસહ્યાં નિશાન જોવા મળે છે. આ બધાં તળાવ માત્ર ગામ કે શહેરની સુંદરતા વધારવા માટે નહોતાં. ગામની જળવ્યવસ્થાનાં અભિન્ન અને ચાવીરુપ અંગ હતાં.

ભૂજના હમીરસર તળાવનો જ દાખલો લઈ. હમીરસરને કેન્દ્રમાં રાખીને ગોઠવાયેલું આ શહેરનું પ્રાચીન જળવ્યવસ્થાપન આજના કોઈ પણ આધુનિક નગરઆયોજન કે જળવ્યવસ્થાપનને શરમાવે તેવું હતું. ઈ.સ. 1923માં ભૂજ શહેરને ફરતો કિલ્લો બાંધવામાં આવ્યો તે સમયે કિલ્લાની બહાર હમીરસરને પણ પાકા ચણતરથી વિશાળ સ્વરુપ આપવામાં આવ્યું. ભૂજની ચોતરફના ડુંગરામાંથી વરસાદનું પાણી હમીરસરમાં વહી આવે તે માટે બે નદી અને એક ઉપનદીને એકમેક સાથે સાંકળી નહેર અને બોગદાંનું એક સુવ્યવસ્થિત નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું હતું. આ રચના એટલી કાર્યક્ષમ હતી કે નબળા વર્ષમાં વરસાદ ઓછો થાય તો પણ હમીરસર છલકાઈ જાય – કચ્છી ભાષામાં કહીએ તો ”ઓગની” જાય.

આમ એક તરફ, હમીરસરમાં ઘરવપરાશ માટે પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી અને બીજી તરફ ભૂજવાસીઓને પીવાનું પાણી મળી રહે તે માટે હમીરસરની ફરતે સુંદર કલાત્મક વાવ અને કૂવાઓની રચના કરવામાં આવી. તળાવના પ્રતાપે જમીનમાં ઉતરેલું પાણી ગળાઈને વાવ-કૂવામાં આવતાં પીવાલાયક બની જાય. આજે પણ હમીરસરને અડીને આવેલા ગઢની રાંગે ચાલતા નીકળો તો થોડા થોડા અંતરે કૂવા જોવા મળે. એમાંના કેટલાક હજી વપરાશલાયક રહ્યા છે અને ઘણા માનવીની નિષ્કાળજી અને ભૂકંપની થપાટથી ભૂતકાળ બની ગયા છે. ભૂજના આયના મહેલ મ્યુયિમના ક્યુરેટર શ્રી પ્રમોદભાઈ જેઠી કહે છે, ”મને યાદ છે કે અમારા ફળિયામાંનો કૂવો એવો છલોછલ રહેતો કે હું હાથેથી વાસણ ભરી લેતો.”

જળવ્યવસ્થાપનનો આવો આગવો ઈતિહાસ જાણ્યા પછી એ પણ જાણી લો કે હમીરસરમાં પાણીની આવકની જે વ્યવસ્થા હતી તેની કાર્યક્ષમતા આજે ઘટીને માંડ 15 – 20 ટકા થઈ ગઈ છે. જોકે તેની સામે, જામનગરના લાખોટા તળાવને લોકોએ આપબળે ઊંડું કરીને સરસ દાખલો પણ બેસાડ્યો છે

ં નળમાં જ પાણી મળવા લાગ્યું ત્યારથી ધીમે ધીમે વરસાદી પાણીના ટાંકાનું મહત્ત્વ આપણે ભૂલવા લાગ્યા છીએ, છતાં હજી કોઈ કોઈ ઠેકાણે એની પહેલાં જેટલી જ માવજત જોવા મળે છે એ આનંદની વાત છે.

 

વાવ

”અડીકડીની વાવ ને નવઘણ કૂવો, ન જોયાં તે જીવતો મૂવો”, જૂનાગઢનાં આ પ્રસિદ્ધ સ્થળો વિશે આપણી ભાષામાં આ એક સરસ કહેતી છે. એનો મર્મ સમજવા જેવો છે. એમાં ફક્ત પ્રવાસનાં જોવાલાયક સ્થળ તરીકે વાવ અને કૂવાનો મહિમા નથી. જીવનજરુરી પાણી મેળવવા માટેની સુંદર વ્યવસ્થા સમાં આ બંને સ્થાપત્યોની એક વાર મુલાકાત લઈ, પોતાના ગામ-શહેરમાં પણ તેનું અનુકરણ કરવાનો ભાવાર્થ તેમાં સમાયેલો છે.

ગુજરાતના જળવારસામાં વાવનું અનેરું મહત્ત્વ છે. આમ તો આખા ગુજરાતમાં જૂની વાવ જોવા મળે છે, પણ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તેનું પ્રમાણ વધુ છે. લોકોના દૈનિક જીવનમાં વાવનું સ્થાન એટલું અગત્યનું હતું કે વાવના બાંધકામ અને અસ્તિત્ત્વ સાથે અનેક ધામિર્ક રીતરિવાજો વણી લેવામાં આવ્યા હતા. રાજા-મહારાજાઓ પ્રજાકલ્યાણના પ્રયાસોના એક ભાગ રુપે વાવ બંધાવીને સારું કામ કર્યાનો સંતોષ લેતા. ધામિર્ક ક્રિયાકાંડો વાવના મુખ પાસે કરવામાં આવતા.

ઘણી ખરી વાવના દરેક પગથિયે અને પડાવે સુંદર નક્શી અને દેવ-દેવીઓની મૂર્તિઓ મૂકવામાં આવતી. પાટણની રાણકી વાવ કે અડાલજની વાવ આનું સુંદર ઉદાહરણ છે. બહેનો વાવમાં પૂજન કરીને ઉત્તમ પતિ કે સૌભાગ્યની કામના કરતી. નવપરિણિત દંપત્તિઓ વાવમાં પૂજન કરીને સંતાનપ્રાપ્તિના આશિષ ઈચ્છતા. મુસાફરો કે કાફલા વાવના કાંઠે પડાવ નાખી આરામ કરતા. ગુજરાતમાં ઘણા સ્થળે જોવા મળતા, વાવ કરતાં પહોળા અને ઓછા ઊંડા કૂંડ સાથે પણ ધામિર્ક માન્યતાઓ જોડાયેલી છે.

આ બધા પાછળનું ખરું કારણ સૌના જીવનમાં પાણીનું મહત્ત્વ ઉતારવાનું હતો. પરંતુ હવે ગુજરાતની ઘણી ખરી વાવ અવાવરુ બની છે અને લોકો તેમાં કચરાના ઢગ ખડકે છે. ક્યાંક કોઈક વાવને સાચવવાના પ્રયાસ થાય છે તે પણ તેની કોતરણી કે સ્થાપત્યકળાને સાચવી લેવાના આશયથી, પાણીના એક મહત્ત્વના સ્ત્રોત તરીકે નહીં.

આપણા આવા સમૃદ્ધ જળવારસાની અવગણના કેમ થઈ? કદાચ એટલે કે પાણીની બધી જ જવાબદારી સરકારે લઈ લીધી અને લોકો પણ હોંશભેંર સોંપી દીધી. ઘરઆંગણના પાણીના સ્ત્રોતની સંભાળ અને સંચાલન આપણે બીજાને સોંપ્યાં અને પોતે એ પ્રત્યે બિલકુલ બેજવાબદાર બન્યા. નહીં તો સાવ આવું કેમ બને?

જળવ્યવસ્થાપનનો આવો આગવો ઈતિહાસ જાણ્યા પછી એ પણ જાણી લો કે હમીરસરમાં પાણીની આવકની જે વ્યવસ્થા હતી તેની કાર્યક્ષમતા આજે ઘટીને માંડ 15 – 20 ટકા થઈ ગઈ છે. જોકે તેની સામે, જામનગરના લાખોટા તળાવને લોકોએ આપબળે ઊંડું કરીને સરસ દાખલો પણ બેસાડ્યો છે

નળમાં જ પાણી મળવા લાગ્યું ત્યારથી ધીમે ધીમે વરસાદી પાણીના ટાંકાનું મહત્ત્વ આપણે ભૂલવા લાગ્યા છીએ, છતાં હજી કોઈ કોઈ ઠેકાણે એની પહેલાં જેટલી જ માવજત જોવા મળે છે એ આનંદની વાત છે.

સાદર ઋણસ્વીકારઃ લોકસંવાદ, વાસ્મો

સ્ત્રોત :માયગુજરાત વિશે

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate