অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હમીરસર તળાવની રકતવાહિની ઉમાસર તળાવ

હમીરસર તળાવની રકતવાહિની ઉમાસર તળાવ

હમીરસર તળાવ ભુજ શહેરનું હૃદય છે. હૃદયની કાર્ય પ્રણાલી આખા શરીરને શુદ્ઘ રકત પહોચાડવાનું છે. આ માટે અનેક રકતવાહિનીઓ દ્વારા રકત હૃદય સુધી પહોચે તેમ અલગ-અલગ આવકક્ષેત્ર દ્વારા હમીરસર તળાવમાં પાણી પહોચે છે. હમીરસર તળાવની પાણીની આવકનું આવું જ એક આવકક્ષેત્ર ચોવીસ કૂવાની આવના નામથી ઓળખાય છે. આ ચોવીસ કૂવામાં મિરઝાપર ગામની ઉત્તરે અને ભુજ શહેરની દક્ષિણે આવેલી એન્જીનીયરીંગ કોલેજની બાજુમાં આવેલા ચોવીસ કૂવાની આવવાળા ઉમાસર તળાવમાંથી પાણી વહીને હમીરસર તળાવ સુધી પહોંચે છે. રાજાશાહી વખતની બનેલી આ પ્રણાલી ખરેખર જોવાલાયક છે.
આ રીતે ઉમાસર તળાવ સમિતી તેમના પીવાના પાણીના એકમાત્ર સ્રોત એવા આ ઉમાસર તળાવને બચાવવા, તેનું રક્ષણ કરવા, સંવર્ધન કરવા અને જેમણે પણ આ ખરાબ કૃત્ય કર્યુ છે તેમને કાયદેસર રીતે સજા કરવા કોઇ પણ જાતની કસર વગર, હાર્યા વગર કાર્ય કરી રહી છે. ન્યાય જરૂર મળશે. સમગ્ર ભુજ શહેર અને અન્ય શહેરો માટે ઉમાસર તળાવ સમિતીનુ આ કાર્ય પ્રેરણારૂપ છે.
વર્ષ 2012 માં વરસાદ ઓછો થયો હતો. ૨૫, સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજથી વરસાદે વરસવાનું ચાલુ કર્યુ ને ૨૭, સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ હમીરસર તળાવ ઓગની ગયું. શહેરીજનોમાં ઉત્સાહનો માહોલ છવાઇ ગયો. નાના-મોટા બીજા તળાવો પણ છલકાયા. પરંતુ આ શું ? હમીરસર તળાવની રકતવાહિની સમાન ઉમાસર તળાવના રાજાશાહી વખતના મજબૂત ઓગનની પાળ કોઇકે ગેરકાયદેસર રીતે તોડી પાડી. છ થી આઠ મહિના ચાલે એટલું પાણી તળાવમાંથી વહી ગયું. એક તરફ આપણે વરસાદની રાહ જોતા હતા અને બીજી તરફ જયારે અમી વર્ષા થઇ તો પાણીનો આવો દુરઉપયોગ ? શા કારણે ? પાણીથી કોઇને આવી તે શું દુશ્મનાવટ હશે ? કે પછી, કોઇકે પોતાનો સ્વાર્થ સાધવા આવું કાર્ય કર્યુ હશે ? ઘણાં પ્રશ્નો થાય છે.
પણ, કહે છે ને કે, પાંચ આંગણીઓ સરખી નથી. આ ઉમાસર તળાવ પાસે ઉમાનગર નામે સોસાયટી બનેલી છે. જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતીના લોકજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત નાના મોટા તળાવો માટે ત્યાંના રહેવાસીઓની તળાવ સમિતી બનાવવી, જે તળાવોના સંરક્ષણ અને સંવર્ધનનું કાર્ય કરે છે. થોડાજ સમય પહેલાં ઉમાનગરના રહેવાસીઓ દ્વારા ઉમાસર તળાવ સમિતીની રચના કરવામાં આવી હતી.
આ સમિતીના સંયોજકશ્રી કાંતિલાલભાઇ પટેલ તેમના નિત્યક્રમ મુજબ રોજ સવારે તળાવ પર જાય. તેમને શંકા થઇ કે માનો ન માનો તળાવનું પાણી ઓછું થતું જાય છે અને તારીખ ૧૨, આકટોબર, ૨૦૧૩ના રોજ તેઓએ કારણ જાણવા આખા તળાવની પરિક્રમા કરી, તેમના આશ્ચર્ય વચ્ચે તેમણે ઓગની પાળ તુટેલી જોઇ. આશ્ચર્ય એ વાતનું હતું કે, તળાવ આખું ભરાયેલું હતું, કોઇ પણ જગ્યાએથી વાહન પ્રવેશી શકે તેવી જગ્યા નહોતી, તો વાહન આવ્યું કયાંથી ? નજર નાંખતા જોવા મળ્યું કે, બાજુમાં આવેલી એન્જીનીયરીંગ કોલેજની દિવાલ તૂટેલી છે અને વાહન ત્યાંથી પ્રવેશ્યું છે, સરકારી કોલેજની દિવાલને પણ નુકશાન થયું છે, તેમને ઘણાં પ્રશ્નો ઊભા થયાં, દુ:ખની લાગણી સાથે તેમણે રહેવાસીઓને અને જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતીને જાણ કરી.
જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતીના સભ્યો, ઉમાસર તળાવ સમિતીના સભ્યો અને વર્તમાનપત્રના પ્રતિનિધિઓએ સાથે તળાવની મુલાકાત લીધી. બીજા દિવસે વર્તમાનપત્રમાં સમાચાર છપાયા, લોકોને જાણ થઇ. જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતીની અને ઉમાસર તળાવ સમિતીની તાત્કાલીક મીટીંગ આયોજિત થઇ. કલેકટરશ્રી સહિત સબંધીત દરેક તંત્રોને આવેદનપત્રો પાઠવ્યા. ઉમારસર તળાવ સમિતી સાથે અન્ય તળાવ સમિતીઓ અને પાણી સમિતીઓ જેમકે, પાંજરાપોળ તળાવ સમિતી, દેશલસર તળાવ સમિતી, માધવરાય પાણી સમિતી, ભુતેશ્વર પાણી સમિતી વગેરેના સભ્યો પણ જોડાયા. આ ઝુંબેશને જોઇને નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીએ તાત્કાલીક ધોરણે તેમના એન્જીનીયરશ્રીને સાઇટ વિઝીટ માટે મોકલ્યા.
આટલેથી કામ અટકતું નથી. ઉમાસર તળાવ સમિતિએ આવેદનપત્રના સંદર્ભે ફરીથી જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતીને સાથે લઇ કલેકટરશ્રીને પત્ર પાઠવ્યો, આ બાબત આગળ-ઉપર કાર્યવાહી કરવા, તેમજ આ તળાવ હાલમાં સરકારી દફતરે તળાવ તરીકે નોંધાયેલું નથી તો તેની માપણી થાય અને સરકારી દફતરે નોંધણી થાય તે માટે પણ કલેકટરશ્રીને અરજી આપી, જેના જવાબમાં કલેકટરશ્રીએ ડી.આઇ.એલ.આર.ને માપણી માટે હુકમ કર્યો છે. તદ્‌ઉપરાંત તળાવ સમિતી દ્વારા એન્જીનીયરીંગ કોલેજના આચાર્યશ્રીને પણ પત્ર પાઠવવામાં આવ્યો કે, આપની કોલેજની દિવાલ તોડીને આ કૃત્ય થયું છે તો આ બાબત આપ શું જાણકારી ધરાવો છો ? જેની નકલ કલેકટરશ્રી, ડી.એસ.પી.શ્રી અને નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને પણ રવાના કરી. જેનો કોઇ જવાબ ન મળતા ઉમાનગરના રહેવાસી મારફત એન્જીનીયરીંગ કોલેજના આચાર્યશ્રી પાસે રાઇટ ટુ ઇન્ફોર્મેશના માધ્યમથી સમગ્ર માહિતી માંગવામાં આવી છે. આપણા તળાવો, આપણા જળસ્રોતો ઝંખે છે ઉમાસર તળાવ સમિતી જેવા લોકોને, તો આવો રક્ષણ કરીએ આપણા તળાવોનું, આપણા જળસ્રોતોનું જેમાં આપણું પણ રક્ષણ સમાયેલું છે. સમગ્ર સૃષ્ટિ એક બીજાની પૂરક છે.
વિનીત કુંભારાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate