অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પાણીમાં તરતાં ટાપુઓ

પાણીમાં તરતાં ટાપુઓ

ભારતવર્ષમાં હવામાં તરતાં નહી પણ પાણીમાં તરતાં ટાપુઓ આવેલા છે. પાણીમાં તરતાં આ ટાપુઓનું સરનામું છે ઉત્તર-પૂર્વ ભારતનું મણિપુર રાજય. મણિપુર રાજયમાં 'લોકટક" નામનું સરોવર આવેલું છે. આ સરોવરનું આશરે કુલ ક્ષેત્રફળ ૩૧૨ ચોરસ કિલોમીટર છે. આ સરોવરની જળસપાટી ઉપર તરાપાની જેમ તરતાં સેંકડો નાના-મોટા ટાપુઓની હારમાળા આવેલી છે. સામાન્ય રીતે સમુદ્ર, નદી કે સરોવરમાં આવેલા ટાપુઓ ખડકો અને માટીના બનેલા હોય છે અને જળ સપાટીની નીચે જમીન સાથે સજ્જડ જોડાયેલા હોય છે. આથી તેમનું હલન-ચલન થવું અશકય છે. મણિપુરમાં લોકટક સરોવરમાં આવેલા ટાપુઓનો મિજાજ થોડો અલગ છે. આ ટાપુઓ કયારેક આખા દિવસમાં સેંકડો ફૂટનું અંતર કાપી નાખે છે. મણિપુરી ભાષામાં 'ફૂમડી" તરીકે ઓળખાતા આ ટાપુઓ ઉપર કાનફૂટી, જંગલી ઘાસ અને વેલાઓ વડે ગુંથાયેલી કુદરતી ચાદરો છે. આ લીલીછમ્મ ચાદરોની જાડાઇ આશરે પાંચ ફૂટ જેટલી છે પણ જળસપાટી ઉપર ફકત બે ફૂટ જેટલી જોઇ શકાય છે જયારે બાકીનો ભાગ પાણીની અંદર ડૂબેલો રહે છે; આમછતાં આ ચાદરો પાણીમાં ડૂબી જતી નથી. આમ થવાનું કારણ કાનફૂટી નામક વનસ્પતિ છે. કાનફૂટીની અદ્‌ભૂત તારણશકિત આવા ટાપુઓને ડૂબતા બચાવે છે. કાનફૂટીને કુદરતે અનેક 'બોયા" વડે સજ્જ કરેલી છે અને આ દરેક બોયું વળી એકદમ એરટાઇટ છે. આથી કાનફૂટી પાણી ઉપર હંમેશા રબ્બરના દડાની માફક તરતી રહે છે. કાનફૂટીને વળગેલા અન્ય છોડ અને વેલાઓ પણ કાનફૂટી સાથે તરતાં રહે છે. આ પ્રકારના તરતાં ટાપુઓ ભારતમાં મણિપુર સિવાય બીજે કયાંય જોવા મળતાં નથી અને આ ટાપુઓ ઉપર રચાયેલી વન્યજીવોની "વાઇલ્ડ લાઇફ સેન્ચૂરી" એક માત્ર મણિપુર સિવાય જગત આખામાં બીજે કયાંય નથી.
મણિપુર રાજયમાં વનસ્પતિઓના બનેલા આવા તરતાં ટાપુઓ આવેલા છે એ જાણીને રાજી થવા જેવું નથી કારણ કે, પોતાની આગવી દોડવાની છટાને કારણે 'ડાન્સીંગ ડીયર્સ" તરીકે વિશ્વમાં પ્રખ્યાત એવા મૂળ સાંગાઇ નામના હરણોનું આ નિવાસ્થાન છે અને દુ:ખની વાત એ છે કે, સાંગાઇ હવે લુપ્ત થવાના આરે છે. સાંગાઇ લુપ્ત થવાનું એક માત્ર કારણ લોકટક તળાવમાં ભરાતું પાણી છે. વાત તરત જ સમજાય જાય એવી નથી એટલે વિગતે સમજીએ: ડાન્સીંગ ડીયર્સ તરીકે જાણીતા આ સાંગાઇ હરણોનું કાયમી નિવાસ્થાન મણિપુરમાં આવેલા આ તરતાં ટાપુઓ છે. સાંગાઇ આ તરતાં ટાપુઓ ઉપર છેલ્લા ૮૦૦ વર્ષથી રહે છે. એક સમયે તેની વસતી આ ટાપુઓ ઉપર હજારોની સંખ્યામાં હતી, આજે આ ટાપુઓ ઉપર તેમની સંખ્યા ૧૦૦ કરતાં પણ ઓછી છે. લોકટક સરોવરમાં દર વર્ષે ભરાતું પાણી ખુદ સરોવરનું ક્ષેત્રફળ વધારી દે છે જયારે બીજી બાજું સરોવરમાં કાનફૂટી, વેલા તથા અન્ય વનસ્પતિઓ ધીરે-ધીરે ઘટી રહી છે. જોકે અહીં વિરોધાભાસ જોવા મળે છે કે, પાણી વધે છે અને વનસ્પતિઓ ઘટી રહી છે. સામાન્ય રીતે નદી, સરોવરમાં પાણી વધે એટલે વનસ્પતિઓ વધવી જોઇએ પણ લોકટક સરોવરની વનસ્પતિઓ થોડી અલગ છે. લોકટક સરોવરમાં આવેલી બધી જ વનસ્પતિઓ ઓછા પાણીએ વધુ વિકાસ પામે છે. આપણે સૌ જાણીએ છીએ કે, વનસ્પતિઓ પોતાના મૂળ દ્વારા જમીનમાંથી પોષણ મેળવી પોતાનો વિકાસ સાધે છે. આ માટે વનસ્પતિઓના મૂળ લાંબા હોવા જરૂરી છે જેથી તે જમીનમાં ઘૂસી શકે. લોકટક સરોવરમાં થતી કાનફૂટી વનસ્પતિને કુદરતે ટુંકા મૂળ આપીને અન્યાય કર્યો છે. પોતાના ટૂંકા મૂળને કારણે કાનફૂટીને પોષણ મેળવવા માટે ફાંફા મારવા પડે છે. ઘણા ખરા પોપક દ્વવ્યો સરોવરના તળીયે સ્થાયી થયેલા હોય છે જયાં સુધી કાનફૂટીના મૂળ પહોચી શકતા નથી. આથી સરોવરની જળ સપાટી જેટલી ઓછી એટલી કાનફૂટીને સગવડતા વધારે, પણ કાનફૂટી માટે ફૂટેલી કિસ્મત એ છે કે, સને ૧૯૮૦માં લોકટક સરોવરનું ક્ષેત્રફળ આશરે ૧૦૪ ચોરસ કિલોમીટર હતુ જે આજે વધીને ૩૧૨ ચોરસ કિલોમીટર થઇ ગયું છે. આ સરોવરની જળ સપાટી વધારવામાં વરસાદ ઉપરાંત સરોવરની નજીક આવેલી મણિપુર નદી ઉપર વીજ ઉત્પાદન કરવા માટે બાંધવામાં આવેલો ડેમ છે. સને ૧૯૮૩માં મણિપુર નદી ઉપર 'ઇથાઇ બેરેજ" નામનો બંધ બાંધવામાં આવ્યો એ પછી વખતોવખત લોકટક સરોવર છલકાતું રહ્યું છે. આમ થવાથી કાનફૂટી અને તેની સાથે વળગેલી અન્ય વનસ્પતિઓ પાણીની સપાટી સાથે તળિયાથી વધુ ને વધુ ઊંચે ચડતી જાય છે. આ બધી વનસ્પતિઓના ટૂંકા મૂળ તળિયામાં સ્થાયી થયેલા પોષક દ્વવ્યો મેળવી શકતી નથી એટલે ધીરે-ધીરે નબળી પડતી જાય છે. નબળી પડેલી કાનફૂટી એ બાદ પોતાની તારણશકિત પણ ગુમાવી દે છે જેને કારણે તે સરોવરના તળિયે બેસી જાય છે. લોકટક સરોવરના આવા ટાપુઓ પર વસતાં સાંગાઇ માટે એટલે જ સ્તો કટોકટીના દિવસો આવેલા છે. આજે આ હરણો માટે ૩૧૨ ચોરસ કિલોમીટરના આ સરોવરમાં ફકત બાવન ચોરસ કિલોમીટર જેટલો જ વિસ્તાર બચી જવા પામ્યો છે. લોકટક સરોવરના આવા તરતાં ટાપુઓ ઉપર વર્ષોથી વસતાં સાંગાઇ હરણો ફકત આ ટાપુ ઉપર થતા જંગલી ઘાસ ખાઇને જ પોતાનો ગુજારો કરે છે. આથી જો ટાપુ છોડીને મુખ્ય જમીન ઉપર આવવાથી તેમના માટે સૌથી મોટો પ્રશ્ન ખોરાકનો ઊભો થાય કારણ કે તરતાં ટાપુઓ ઉપર થતા ઘાસ સિવાય અન્ય એકેય ખોરાક તેમને માફક આવતો નથી! દિલ્હી, મૈસુર, કાનપુર જેવા શહેરોમાં આવેલા ૧૪ જેટલા પ્રાણી સંગ્રાહલયોમાં રહેલા સાંગાઇ હરણો માટે એટલે જ લોકટક સરોવરના તરતાં ટાપુઓ ઉપર થતા જંગલી ઘાસ ખાસ મંગાવવામાં આવે છે!
લોકટક સરોવરના આ તરતાં ટાપુઓ ઉપર સાંગાઇ હરણોને રહેવા માટે થયેલી સંકડામણમાં ત્યાંના સ્થાનિક રહેવાશીઓ વધારો કરેલો છે. લોકટક સરોવરનું 'કદ" વિસ્તરણ પામતાં ત્યાંના રહેવાશીઓએ પોતાના કાયમી ઘર આવા તરતાં ટાપુઓ ઉપર બનાવી લીધા છે અને ત્યાંના મૂળ રહેવાશી એવા સાંગાઇ હરણોને હાંકી કાઢયા છે. જોકે હવે મણિપુર સરકારે આવા તરતાં ટાપુઓને વન્યજીવ સુરક્ષાના કાયદા હેઠળ અભયારણ્ય જાહેર કર્યા છે. આમછતાં પણ તરતાં ટાપુઓ ઉપર આ ડાન્સીંગ ડીયર્સ કયાં સુધી રક્ષિત રહી શકશે?! પૂર્વના રાજયોને વરસાદની ઋતુમાં મેઘરાજા પાણીથી તરબોળ કરશે એટલે ફરી લોકટકની જળ સપાટી વધશે અને આ સિલસિલો ચાલુ રહેશે એટલે થોડા વર્ષોમાં જ તરતાં ટાપુઓ નામશેષ થઇ શકે! આ ટાપુઓ પોતાની હરિયાળી ગુમાવશે એટલે સાંગાઇ હરણોને ભૂખમરો વેઠવાનો વારો આવશે. કુદરત પણ કયારેક જોર-જુલમ કરવામાં કંઇ બાકી રાખતું નથી તેનું આ ઉત્તમ ઉદાહરણ છે!
વિનીત કુંભારાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate