অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પર્યાવરણ એટલે માત્ર પ્રદુષણ, જળ અછત અને વૈશ્વિક ગરમી જ નહીં, જીવિત તત્વોનું સમતોલન

પર્યાવરણ એટલે માત્ર પ્રદુષણ, જળ અછત અને વૈશ્વિક ગરમી જ નહીં, જીવિત તત્વોનું સમતોલન

પાંચમી તારીખે વિશ્વ પર્યાવરણ દિવસ. આપણે વૃક્ષ વાવીશું કે ચકલીને પાણી માટે કુંડુ મૂકીશું અને કંઈક કર્યાનો સંતોષ માનીશું. સામાન્ય રીતે બહુ ગરમી વધી જાય કે પાણીની અછત થાય એટલે આપણે કહીએ છીએ કે આ તો પર્યાવરણના પ્રશ્નો છે. ક્યાં તો ઉદ્યોગોનું પ્રદુષણ પાણીમાં ભળે ત્યારે આપણે તેને પર્યાવરણનો પ્રશ્ન કહીએ છીએ. જેમ સમગ્ર શરીરને સમજ્યા વિના માત્ર એક લક્ષણથી રોગને સમજી ન શકાય તેમજ સમગ્ર પર્યાવરણના ખ્યાલને સમજ્યા વિના પર્યાવરણના પ્રશ્નોને સમજી ન શકાય. આ એકાંગી સમજનું એક સાદું ઉદાહરણ ચકલીને બચાવવાનું છે. ચકલીઓ નાશ પામવાનું કારણ ઔદ્યોગિકરણ અને શહેરીકરણથી વધતી જતી ગરમી, શહેરમાં તેમને માળા બાંધવાની અગવડ તથા ખોરાકમાં આવતા પેસ્ટિડાઇડ્સ (દવા). હવે જ્યાં સુધી દાણામાં રાસાયણિક દવાનું પ્રમાણ રહેશે અને ચકલીઓ આ દવાવાળા દાણા ખાશે ત્યાં સુધી ચકલીઓ બચવાની નથી. આવી રીતે ઘણી નાની પ્રજાતિઓ નાશ પામતી જાય છે. આથી ખેતીમાં રાસાયણિક દવાઓ ઘટાડવી એ ઉપાય છે, કુંડુ મૂકીને પાણી પાવું તે ઉપાય નથી.

જેને આપણે પર્યાવરણ કહીએ છીએ તે કુલ ત્રણ જીવિત (biotic) અને પાંચ આજીવિત (abiotic)તત્વોના પરસ્પરના સંબંધોનું બનેલું છે. આ આઠ તત્વો સિવાય પર્યાવરણમાં કોઈ બાબત આવતી નથી. આપણાં પુરાણો કહે છે કે વિશ્વ પણ આ આઠ તત્વોનું બનેલું છે. પાંચ અજીવિત તત્વોને આપણા પ્રાચીન સાહિત્યમાં પંચમહાભૂત કહેવાય છે, તો ત્રણ જીવિત તત્વોને બ્રહ્મા (જનરેટર), વિષ્ણુ(ઓપરેટર-સંચાલક) અને શિવ -કલ્યાણક (ડીકમ્પોઝર) કહેવાય છે. આમ પણ જો ત્રણ જીવિત તત્વોના પહેલા અક્ષર લો, તો GOD (ઈશ્વર) બને છે. આમ પંચમહાભૂત એ જ પાયામાં છે. આ પંચમહાભૂતમાં ચેતન તત્વ ઉમેરાય છે ત્યારે જનરેટર અથવા તો હરિયાળી, ઓપરેટર અથવા તો પશુ, પક્ષી અને માનવીઓ બને છે અને સૂક્ષ્મ જીવો (બેક્ટેરિયા વગેરે) બને છે.

આ ચેતન તત્વ કેવી રીતે આવે છે તેનો ભેદ હજી સુધી વિજ્ઞાન ઉકેલી નથી શક્યું. શક્ય છે કે હિગ્સ બોઝોનના પ્રયોગો પછી આ ચેતન તત્વનો ભેદ ઉકેલાઈ શકે. પરંતુ હાલના તબક્કે એટલી વાત તો સ્પષ્ટ છે કે આ પાંચ તત્વો પરસ્પર સંબંધિત છે અને જો તેમના સંબંધોનું સમતોલન હશે તો જીવ પેદા થશે અને જો આ પાંચ તત્વોનું પરસ્પરનું સમતોલન નાશ પામશે તો જીવન અસ્તિત્વને ખતરો પેદા થશે. આ પાંચ તત્વોમાંથી કોઇ તત્વ ઓછું થાય (જેમ કે પાણી) કે કોઈ તત્વ વધી જાય (જેમ કે ગરમી) કે કોઈ તત્વનું મૂળ ઘટક બદલાય (જેમ કે હવામાં ઓક્સિજનનું પ્રમાણ બદલાય કે જમીનમાં સોડિયમ જેવાં ઘટકો બદલાઈ જાય) ત્યારે આપણે પ્રદુષણ થયું તેમ કહીએ છીએ. જો બહુ પાણી પડે તો ખેતી બગાડે છે, આથી બહુ વરસાદ થાય તો ખેડૂત કહેશે કે હવે વરાપ (ગરમી) નીકળે તો સારું આ પંચમહાભૂતના સમતોલનનું સર્વોત્તમ ઉદાહરણ છે.

આવી જ રીતે જીવિત તત્વોનું સમતોલન પણ જરૂરી છે. વનસ્પતિ, પશુપક્ષી, માનવ તથા સૂક્ષ્મ જંતુઓ વચ્ચે પણ સમતોલન હોવું જોઈએ. વનસ્પતિ જે પણ ફળ, મૂળ, વગેરે પેદા કરે છે, તે ખાઈને પશુપક્ષી તથા માનવી જીવે છે. ઓપરેટર જે વિષ્ટા, મૃતદેહ વગેરે પેદા કરે છે, તે ખાઈને સૂક્ષ્મ જીવો જીવે છે, તો સૂક્ષ્મ જીવો પોતાના મળ દ્વારા જે ખાતર પેદા કરે છે તે ખાઈને વનસ્પતિ જીવે છે. આમ ત્રણેય જીવિત તત્વો પરસ્પર આધારિત છે. આનો અર્થ એ થયો કે એક તત્વ ઓછું થાય -વૃક્ષો ઓછા થાય- તો માનવીને ખોરાક અને પ્રાણવાયુની અછત પડે. આમ પર્યાવરણનાં આઠેય તત્વો પરસ્પર સાથે એક કુદરતી સમતુલનથી સંકળાયેલ છે. માનવી આ સમગ્ર શૃંખલાનો એક નાનો હિસ્સો છે. અન્ય પ્રાણીઓનો સવાલ એટલા માટે નથી, કારણ કે તેઓ આ સમતુલાને બગાડતા નથી. પરંતુ માનવી પોતાના વિકાસ માટે આ કુદરતી સમતુલાને બગાડી શકે છે. જેમ કે ફર્નિચર અને બળતણ માટે માનવી વૃક્ષો કાપે તો તે ઓછાં થતાં સમસ્યા સર્જાય.

આવી જ રીતે માનવી જરૂર કરતાં વધુ પાણી વાપરે તો પેય જળની અછત સર્જાય કુદરતના આ તત્વોમાં કોઈ ઘટતું નથી કે વધતું નથી, માત્ર બાદલાય છે. જેમ કે પાણી તો સનાતન રીતે જેટલું હતું એટલું જ છે. પરંતુ પેય જળની અછત સર્જાઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અંદાજ મુજબ કોઈ વ્યક્તિને 140 લીટર અને ગ્રામ્ય વ્યક્તિને રોજના 70 લિટર પાણીની જરૂર પડે. આટલું પાણી કુદરત પાસે છે. પરંતુ આજનો શહેરી માનવ રોજના 450 લિટર પાણી વાપરે છે. આવી જ રીતે શેરડીને 35 ઇંચ અને તમાકુને 25 ઇંચ પાણીની જરૂર પડે, પરંતુ આપણે શેરડીમાં 60 ઇંચ અને તમાકુમાં 45 ઇંચ પાણી વાપરીએ છીએ. આટલો બગાડ કરીએ પછી કુદરત રૂઠે નહીં તો શું થાય? આનાથી માત્ર પાણીની અછત જ નથી સર્જાતી, જમીનની પ્રત બગાડે છે અને પાક નબળો થાય છે.

ઔદ્યોગિક ઉત્પાદન કરવામાં જે ઊર્જા વપરાય છે તે કાર્બન ઉત્પન્ન કરે છે જે ગરમી વધારે છે, આ ઉપરાંત ઉત્પાદનમાં જે પાણી વપરાય છે તે પ્રદુષિત બનીને બહાર આવે છે અને પેય જળના પુરવઠાને બગાડે છે. આથી જળ પ્રદુષણ થાય છે. એવું નથી કે આ બધા પ્રદૂષણના ઉપાયો વિજ્ઞાન પાસે નથી, પરંતુ તે ઉપાય આ કાળા માથાનો માનવી અપનાવતો નથી અને પોતાના સહિત સમગ્ર જગતના નાશને વહોરી લે છે. કારણ કે જો આ ઉપાયો કરવા જાય તો નફો ઘટે છે. પછી થી આ જ માનવી ચકલી માટે કુંડાનું દાન કરે, પર્યાવરણ માટે કથા બેસાડે અને એક સાહિત્યકારે કહ્યું છે તેમ “કાતરની ચોરી કરી સોયનું કરે દાન,ગજ ચડી જોયા કરે કેમ નવું વિમાન”. જો પર્યાવરણ સાચવવું હોય તો તેને ધર્મ બનાવવો પડશે. આપણા વેદમાં કહ્યું છે, “દ્યોહો શાંતિ, વનસ્પતયહ શાંતિ, પૃથ્વીહી શાંતિ, સર્વે દેવા શાંતીહી”. આપણે પર્યાવરણનો ભાગ છીએ. અન્ય તત્વો સાથે સમતુલામાં અને સામંજ્સ્યમાં જીવવાનું છે, સંઘર્ષ કરીને જીવવાથી કુદરત હારી જશે તો આપણે પણ જીવન હારી જઇશું.

વિદ્યુત જોષી, નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate