অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પંચ સરોવર

ભારતવર્ષની ભૂમિ તપોભૂમિ તરીકે પ્રખ્યાત છે. પ્રાચિનકાળમાં આ ભૂમિ ઉપર અનેક ઋષિ-મૂનિઓએ તપસ્યાઓ કરી છે જેની નોંધ આપણા પૌરાણિક સાહિત્યમાં જોવા મળે છે. જળ એ જ જીવન છે. આ ઉકિતનું માહત્યમ યુગો પૂરાણું છે અને તેની પ્રતિતિ આપણા પૌરાણિક કથાઓમાં પણ જોવા મળે છે. આજે અહી વાત કરવાની છે ભારતવર્ષના પાંચ સરોવરોની જે ભારતવર્ષની પૌરાણિક ગાથા સાથે જોડાયેલા છે. આ પાંચ સરોવર આ પ્રમાણે છે:બિંદુ સરોવર-સિદ્ઘપુર-ગુજરાત, નારાયણ સરોવર-કચ્છ-ગુજરાત, પંપા સરોવર-કર્ણાટક, પુષ્કર સરોવર-રાજસ્થાન અને માનસ સરોવર-તિબેટ. આ પાંચેય સરોવરનો ટુંકમાં પરિચય મેળવીએ.

બિંદુ સરોવર:

મહર્ષિ કપિલ તેમની માતાને છોડીને ચાલ્યા ગયા ત્યારે માતા દેવહુતિને તેમનો વિયોગ સાલ્યો. માતા દેવહુતિએ બિંદુ સરોવર પાસે એકાંતમાં આશ્રમમાં રહીને મનને પરમાત્માપરાયણ કરી દીધું. તપ-સાધનાથી પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો અને તેમને જીવનમુકિત મળી, એ પવિત્ર સ્થળ એટલે સિદ્ઘપદ-સિદ્ઘપુર. ગુજરાતમાં આવેલા આ સિદ્ઘપુર ક્ષેત્ર, સરસ્વતી નદી અને બિંદુ સરોવરના સ્મરણ માત્રથી જ ભૂતકાળની એ ભવ્ય ઘટનાને તાજી કરી દે છે. ભારતવર્ષના ધર્મગ્રંથોમાં દર્શાવ્યા પ્રમાણે કારતક, ચૈત્ર અને ભાદરવા મહિનાઓને માતૃશ્રાદ્ઘ માટેના પવિત્ર મહિનાઓ ગણવામાં આવે છે. આથી માતૃશ્રાદ્ઘ કરવા માટે ભારતવર્ષમાંથી અનેક લોકો બિંદુ સરોવર પાસે કપિલ આશ્રમમાં આવે છે. લોકો બિંદુ સરોવર પાસે વિદ્ઘાન બ્રાહ્મણો દ્વારા વેદોકત મંત્રોચાર સાથે પીંડદાન કરીને માતૃઋણમાંથી મુકિત મેળવે છે. વેદકાળમાં મહિર્ષિ કપિલ અને ભગવાન પરશુરામે માતાના ઋણમાંથી મુકત થવા માટે અહીં પીંંડદાન કર્યુ હતું. વેદકાળથી ચાલી આવતી પરંપરા આજે પણ બિંદુ સરોવર પાસે અવિરત ચાલુ છે.

નારાયણ સરોવર:

હિંદુ પવિત્ર યાત્રાધામો પૈકીનું આ એક પવિત્ર સરોવર છે. ગુજરાત રાજયના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આ સરોવર આવેલું છે. ભુજથી તેનું અંતર ૨૧૦ કિ.મી. છે. આ સરોવરની પાસે કોટેશ્વર મહાદેવનું પ્રાચિન મંદિર આવેલું છે. ભારતવર્ષના શ્રીમદ્‌ ભાગવતમાં આ સરોવરનો ઉલ્લેખ જોવા મળે છે. નારાયણ સરોવર એટલે ભગવાન વિષ્ણુનું સરોવર! પ્રાચિન ગ્રંથોમાં નોંધાયેલી માહિતી પ્રમાણે ભગવાન વિષ્ણુએ ગંગોત્રીમાંથી જળ લાવીને આ સરોવરનું નિર્માણ કરેલું છે. આ સરોવર પાસે આદિનારાયણ, ગોર્વધનનાથ અને ત્રિકમરાયજીના મંદિરો આવેલા છે. પૌરાણિક ગાથા પ્રમાણે ભગવાન નારાયણના જમણા પગના અંગુઠામાંથી અહીં જળવહન થયું હતું. આ પવિત્ર જળ દ્વારા નારાયણ સરોવરનું નિર્માણ થયું હતું. અનેક તપસ્વીઓએ અહી તપ કરેલા છે તેવું ઇતિહાસમાં નોંધ છે.

પંપા સરોવર:

આ સરોવર કર્ણાટક રાજયમાં કોપ્પલ જિલ્લાના હમ્પી નજીક આવેલું છે. આ સરોવર તુંગભદ્રા નદીની દક્ષિણ દિશાએ આવેલું છે. દેવાધીદેવ ભગવાન શિવના અર્ધાંગિની પંપા(પાર્વતિ)એ પોતાનું શિવ પ્રતિ સમર્પણ દર્શાવવા માટે આ સરોવારના કાંઠે તપસ્યા કરી હતી. આ સરોવરનો ઉલ્લેખ રામાયણમાં પણ છે. પંપા સરોવરના કાંઠે જ શબરી રામના આગમનની રાહ જોતા હતા. રામાયણમાં પંપા સરોવરનો ઉલ્લેખ એક સ્થળ તરીકે કરવામાં આવેલો છે. માતંગ ઋષિની શિષ્યા શબરીએ રામને સીતા માતાને શોધવા માટે દક્ષિણ દિશાનું સૂચન કરેલું હતું. વાલ્મીકી રામાયણમાં આ અદ્‌ભૂત પ્રસંગનું ખૂબ જ સુંદર વર્ણન કરવામાં આવેલું છે. ભગવાન શ્રી રામે આ સરોવરા કાંઠે પોતાના ભાઇ લક્ષ્મણ સાથે આરામ કર્યો હતો. કિષ્ક્રંધા, ઋષ્યમુક અને સ્ફટિક શિલા જેવા પૌરાણિક સ્થળો આ સરોવર પાસે આવેલા છે.

પૂષ્કર સરોવર:

પુષ્કર રાજસ્થાનમાં આવેલું વિખ્યાત તીર્થસ્થળ છે. રાજસ્થાનના અજમેર જિલ્લામાં તે આવેલું છું. અજમેર શહેરથી તે ૧૪ કિ.મીં. ના અંતરે આવેલું છે. અહીં બ્રહ્માજીનું એક મંદિર છે. સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી અહીં નિરંતર વસે છે. વાલ્મીકી રામાયણમાં પણ પૂષ્કર સરોવરનો ઉલ્લેખ જોવા મળે છે. પૌરાણિક ગાથા પ્રમાણે બ્રહ્માજીએ પૂષ્કરની સ્થાપના કરી હતી. અહી તેમણે એક સરોવરનું પણ નિર્માણ કર્યુ હતું જે પૂષ્કર સરોવર તરીકે ઓળખાય છે. આ પવિત્ર સરોવરમાં સ્નાન કરીને શાંતિની અનુભૂતિ કરી શકાય છે. આ સરોવર પાસે બ્રહ્માજીનું એક વિશાળ મંદિર છે. આ ઉપરાંત બદ્રીનારાયણ, વારાહ શ્રી રંગ મંદિરોની સાથે કપાલેશ્વર મહાદેવનું મંદિર અહીના મુખ્ય મંદિરો છે.

માનસ સરોવર:

તિબેટમાં આવેલું આ સરોવર દરિયાની સપાટીએથી ૪૫૫૬ મીટરની ઊંચાઇ ઉપર આવેલું છે. આકારમાં આ સરોવર ગોળાકાર છે અને તેનો પરિઘ ૮૮ કિ.મી., ઊંડાઇ ૯૦ મીટર અને ક્ષેત્રફળ ૩૨૦ ચો. કિ.મીં છે. શિયાળાની ઋતુમાં આ સરોવરનું પાણી થીજી જાય છે અને વસંત ઋતુમાં પાણી પીગળે છે. સતલજ, બ્રહ્મપુત્રા, સિંધુ અને કરનાલી નદીઓ આ સરોવરની આસપાસથી નીકળે છે. કૈલાસ પર્વતની માફક માનસ સરોવર એક પવિત્ર યાત્રાધામ છે. યાત્રાળું અહી આવીને માનસ સરોવરમાં સ્નાન કરે છે. હિંદુ માન્યતા પ્રમાણે આ સરોવરની ઉ_પતિ બ્રહ્માના મનમાં થઇ હતી આથી તેને માનસ સરોવર કહેવામાં આવે છે. હિમાલય પર્વત પાર કરીને તિબેટના અતિ ઠંડા ભાગમાં અવોલું આ સરોવર પવિત્ર અને શાંતિદાયક છે. અહીં બે સરોવર આવેલા છે: એક સરોવર રાક્ષસતાલ કહેવાય છે કે જયાં રાવણે ઊભા રહીને ભગવાન શંકરની તપસ્યા કરી હતી. બીજું સરોવર માનસ સરોવર કહેવામાં આવે છે. ખાસ કરીને માનસ સરોવરમાં હંસ પક્ષીઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે.
લેખક : વિનીત કુંભારાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/21/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate