অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગ્રીન હાઉસ ઈફેક્ટ

ગ્રીનહાઉસ શું છે?

પૃથ્વી પરના સજીવો અને વનસ્પતિના વિકાસ માટે હૂંફાળું વાતાવરણ જોઈએ. ઠંડા પ્રદેશોમાં હૂંફ જાળવી રાખવા કાચની દીવાલોવાળા મોટા ઓરડા બનાવી તેમાં પાક વાવવાની પધ્ધતિ અપનાવાય છે. કાચ દ્વારા સૂર્યપ્રકાશ અંદર પ્રવેશે પરંતુ તેની ગરમી બહાર વહી જાય નહીં તેવો હેતુ હોય છે. આ કાચઘરને ગ્રીનહાઉસ કહે છે.

ગ્રીન હાઉસ ઈફેક્ટ

પૃથ્વીની આસપાસ કેટલાક વાયુઓનું પડ પણ કાચ જેવું કામ કરે છે. કાર્બન ડાયોક્સાઈડ, ઓઝોન, મિથેન અને ક્લોરો ફ્લોરો કાર્બન જેવા વાયુઓ હવાથી હળવા હોવાના કારણે આકાશમાં ચોક્કસ ઊંચાઈએ રહી એક આવરણ બનાવે છે. આ આવરણ સૂર્યપ્રકાશને પૃથ્વી સુધી આવવા દે છે પરંતુ સૂર્ય પ્રકાશની ગરમીને બહાર જવા દેતું નથી. આ વાયુઓ ન હોય તો પૃથ્વી થીજી જાય. પૃથ્વી પર ગરમી રહે જ નહીં. આ અસરને ગ્રીન હાઉસ ઈફેક્ટ કહે છે.
એક બીજી વાત પણ છે. આ વાયુઓ વધી જાય તો શું થાય? પૃથ્વી ઉપર વધુ પડતી ગરમી એક્ઠી થઈ જાય અને નુકશાન થાય. આ બધા ગ્રીનહાઉસ ગેસ છે તેનું યોગ્ય પ્રમાણ જળવાય તો જ તેને લાભ મળે. પૃથ્વી પર ઉદ્યોગો અને વાહન વ્યવહારના ધૂમાડાથી આ વાયુઓને પ્રમાણ વધી રહ્યું છે એ પર્યાવરણ માટે ચિંતાનો વિષય છે. આજથી આશરે ૧૦૩ વર્ષ પહેલાં ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી જિયાબાપ્તિસ્ત ફોર્નિયેએ ગ્રીનહાઉસ ઇફેકટ કોને કહી શકાય અને તે કેવી રીતે થઇ શકે તેનું વૈજ્ઞાનિક વર્ણન પ્રથમ વખત કર્યુ હતું. ગ્રીનહાઉસ ઇફેકટની થિયરીને તેણે પોતાના બગીચામાં સાદા કાચઘર સુધી સિમિત રાખી હતી. જિયાબાપ્તિસ્ત ફોર્નિયેએ એક નાના પ્રયોગ દ્વારા માનવ જગતને પહાડ જેવડી મોટી ચિંતા કરવાની ભેંટ આપી હતી. એ બાદ સ્વીડીશ રસાયણશાસ્ત્રી સ્વાન્ટ એર્હેનિયલે માનવ જગતને જણાવ્યું હતું કે, કાર્બનડાયોકસાઇડને કારણે પૃથ્વી ગ્રીનહાઉસ બની શકે તેવી શકયતા છે. આજે આ શકયતા હકીકતનું રૂપ ધારણ કરી માનવ જગત સામે ઊભી છે.
સામાન્ય શબ્દોમાં ગ્રીનહાઉસ એટલે ખાસ કરીને ઠંડા પ્રદેશોના ફળ-ફૂલ અને શાકભાજીના છોડ માટે વાપરવામાં આવતું કાચઘર કે, જેની અંદર છોડને હૂંફાળું વાતાવરણ મળી રહે. ઈફેકટના સંદર્ભમાં વાત કરીએ તો સૂર્યના કિરણો પારદર્શક કાચ દ્વારા આ કાચઘરમાં અંદર પ્રવેશે પરંતુ તેમની ગરમીના ઓછા વેધક અધોરકત મોજાઓ પારદર્શક કાચની બહાર નીકળી શકવા માટે શકિતમાન હોતા નથી. આમ થવાથી કાચઘરની અંદર ગરમાટો રહે છે. કાચઘરની અંદર રહેલો આ ગરમાટો હૂંફાળું વાતાવરણ રાખે છે અને છોડને વિકસવા માટે તે જરૂરી છે.
જટિલ પ્રકૃતિનો આ સીધો સાદો નિયમ પૃથ્વીને પણ સચોટતાથી લાગુ પડે છે. પૃથ્વીના વાતાવરણમાં રહેલો કાર્બનડાયોકસાઇડ સૂર્યના કિરણો દ્વારા આવેલી ગરમીના અધોરકત કિરણોને તાત્કાલિક ફરી અંતરિક્ષમાં જવા દેતો નથી પણ તેને ફરી પૃથ્વીની તરફ પલોટે છે. પૃથ્વી તરફ પલોટાયેલા આ કિરણો ફરી પરાવર્તન પામે છે અને પ્રક્રિયા સતત થતી રહે છે. આ રીતે ઘણા પરાવર્તન પામ્યા બાદ ગરમીના આ મોજા કાર્બનડાયોકસાઇડના દરેક રેણુઓને 'બાયપાસ" કરી છેવટે અંતરિક્ષમાં પહોચે ખરા પણ, જે અલ્પ સમય માટે તે પૃથ્વીના વાતાવરણમાં જળવાઇ રહે છે એ સમયે પૃથ્વીનું વાતાવરણ હૂંફાળું રહે છે. ખેર, પૃથ્વી ઉપર મહાલતી જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે કુદરત અથવા કોઇ 'સુપર બ્રેઇન" દ્વારા સ્થાપિત થયેલી આ અનિવાર્ય પ્રક્રિયા છે. કરોડો વર્ષોથી સ્વયં સંચાલિત પૃથ્વી ઉપર હૂંફાળું વાતાવરણ જળવાઇ રહે એ માટે કાર્બનડાયોકસાઇડનું જરૂરી એવું ૦.૦૦૩% પ્રમાણ હોવું ફરજિયાત છે એવી જાણકારી માનવ જગતને સંશોધનો દ્વારા પ્રાપ્ત થઇ. જો કાર્બનડાયોકસાઇડનું આ પ્રમાણ હદ ઉપરાંત ઘટી જાય તો પૃથ્વીને ગરમાટો ન મળી શકતા તે ઠંડી પડી જાય અને હિમયુગનું આગમન થઇ શકે. જો કાર્બનડાયોકસાઇડનું આ પ્રમાણ હદ ઉપરાંત વધી જાય તો પૃથ્વી ક્રમશ: ગરમ થવા લાગે અને અંતે અગનગોળા જેવી ભઠ્ઠી બની શકે. હાલના સમયમાં આ પ્રક્રિયા થઇ રહી છે એવું કહી શકાય. કરોડો વર્ષો પહેલાં કોઇ ચોક્કસ ક્ષણે વાતાવરણમાં કાર્બનડાયોકસાઇડનું આ સચોટ સંતુલન સ્થાપાયું હતું અને તે કોઇપણ પ્રકારના અન્ય હસ્તક્ષેપ વગર સચોટ રીતે જળવાઇ રહ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી માનવ જગત આ સંતુલનને અસંતુલિત કરી રહ્યો છે. ઔદ્યોગિક ક્રાંતિના ૨૫૦ વર્ષ બાદ માનવ જાતે અબજો ટનના હિસાબે કાર્બનડાયોકસાઇડ વાતાવરણમાં ઠાલવી દીધો છે. વધારાના આ કાર્બનડાયોકસાઇડને કારણે પૃથ્વીનું વાતાવરણ ગરમ રહે છે જેને માનવ જગતે 'ગ્લોબલ વોર્મિંગ" નામ આપ્યું છે. અહીં એક વાત નોંધનિય છે કે, ગ્લોબલ વોર્મિગ માટે ફકત કાર્બનડાયોકસાઇડ નહી પણ અન્ય વાયુ પણ પોતાની જવાબદારીઓ સ્વીકારે છે. આ રહ્યા તેમના નામ અને તેમને નોંધાવેલો ફાળો : હેલોકાર્બન(૫%), કલોરોફલુરોકાર્બન(૬%), નાઇટ્રસ ઓકસાઇડ(૬%), મિથેન(૧૯%) અને ઓફકોર્ષ કાર્બનડાયોકસાઇડ(૬૪%). અહીં દર્શાવેલી યાદીમાં કાર્બનડાયોકસાઇડનો ફાળો ગ્લોબલ વોર્મિગ માટે વધારે હોવાથી વૈજ્ઞાનિકોએ તેને ખલનાયક બનવી દીધો છે.
કરોડો વર્ષો પહેલા વાતાવરણમાં કાર્બનડાયોકસાઇડનું પ્રમાણ ૭૦% હતું. લાંબા સમયની કુદરતી પ્રક્રિયા દ્વારા કાર્બનડાયોકસાઇડનું આ પ્રમાણ ૦.૦૦૩% કેવી રીતે થયું તે જોઇએ. કરોડો વર્ષો પહેલા પૃથ્વીના આગની ભઠ્ઠી જેવા વાતાવરણમાં પણ પ્રાથમિક વનસ્પતિઓ અને સજીવો પેદા થયા જે પ્રકાશસંશ્લેષણ દ્વારા કાર્બનડાયોકસાઇડનું શોષણ કરી વાતાવરણમાં ઓકિસજન મુકત કરી રહ્યા હતા. કુદરતી રીતે આ પ્રક્રિયાને કારણે વાતાવરણમાં ઓકિસજન(પ્રાણવાયુ)નું પ્રમાણ વધવા લાગ્યું. જીવસૃષ્ટિ માટે વાતાવરણ અનુકૂળ થતાં બીજી વનસ્પતિઓનો ઉદ્‌ભવ થયો અને કાર્બનડાયોકસાઇડનું પ્રમાણ ઘટવા લાગ્યું. પૃથ્વી ઉપર વૈજ્ઞાનિક સંજોગોને આધિન કયાંક કાર્બોનેટના ખડકો બન્યા જેમાં કાર્બનડાયોકસાઇડે હંમેશાના માટે દફન થયો અને અમુક જથ્થાએ મહાસાગરોમાં સમાધિ લીધી. આમ, લાંબા ગાળાની આવી પ્રક્રિયાને કારણે વાતાવરણમાં કાર્બનડાયોકસાઇડનું ૦.૦૦૩% પ્રમાણ રહી જવા પામ્યું જે માનવ જગત માટે આર્શિવાદ સમાન હતું. પૃથ્વી ઉપર માનવ જગતે જન્મ લીધા બાદ વિકાસની પગદંડી ઉપર પ્રગતિ કરી અને એ પછી ઓદ્યોગીક ક્રાંતિના નામે કુદરતી સંચાલનમાં હસ્તક્ષેપ કરવાનો શરૂ કર્યો. ભૂસ્તરમાં જમા થયેલો કોલસો અને પ્રેટ્રોલિયમનો જથ્થો મેળવવાની પ્રવૃતિઓનો આરંભ થયો અને એ સાથે જ માનવ જગતને મળ્યો અબજો ટન કાર્બનનો જથ્થો કે, જે ભૂસ્તરમાં કેદ થઇને પડયો હતો. આ કાર્બનનો વપરાશ થવાથી તેમાં રહેલાં કાર્બનના અણુઓએ વાતાવરણમાં રહેલા ઓકિસજનના અણુ સાથે મિત્રતા કરી લેતાં કાર્બનડાયોકસાઇડનું સ્વરૂપ ધારણ કર્યુ. આ રીતે પ્રાણવાયુ તરીકે ઓળખાતો ઓકિસજન કે જે માનવ જગતના અસ્તિત્વ માટે અનિવાર્ય છે એ જ પ્રાણવાયુના અણુએ કાર્બનના અણુઓ સાથે જોડાઇ જતાં પ્રાણવાયુનું સ્વરૂપ પ્રાણઘાતક બની ગયું. ઓદ્યોગીક ક્રાંતિના નામે પૃથ્વીના વાતાવરણમાં આજ દિવસ સુધી આશરે ૮૨૫ ટન કરતા પણ વધારે કાર્બનડાયોકસાઇડ ઠલવાઇ ચૂકયો છે અને વાતાવરણનું સરેરાશ તાપમાન ૧૦ સેલ્સિયસ કરતાં પણ સહેજ ઓછું વધ્યું છે. અહીં આપણે યાદ કરવું રહ્યુ કે, પૃથ્વી ઉપર આવેલા છેલ્લા હિમયુગ માટે સરેરાશ તાપમાનમાં ૨૦ સેલ્સિયસનો ઘટાડો પૂરતો હતો.
પૃથ્વીના વાતાવરણમાં કાર્બનડાયોકસાઇડના જથ્થાનો અતિરેક થઇ જાય તો શું થઇ શકે તે જોઇએ : ખાસ કરીને અશ્મિજન્ય બળતણોના દહનથી છુટો પડતો કાર્બનનો અણુ આમ તો 'ડાહ્યો" છે પરંતુ વાતાવરણમાં રહેલા ઓકિસજનના અણુ સાથે તેનું સંયોજન થતાં તે કાર્બનડાયોકસાઇડનું સ્વરૂપ ધારણ કરે છે. આ કાર્બનડાયોકસાઇડનો રેણુ સૂર્યના કિરણોમાં રહેલા ગરમીના અધોરકત કિરણોને રોકી રાખવાનો ગુણધર્મ ધરાવે છે આમછતાં પણ આ કાર્બનડાયોકસાઇડ પૃથ્વીના વાતાવરણમાં કેવા ખેલ કરે છે તેનો ચિતાર આપણે જોઇએ. વિજ્ઞાનના સિદ્ઘાંત પ્રમાણે પદાર્થ જેટલો ગરમ હોય તેટલા જ ટૂંકી તરંગલંબાઇના કિરણો પ્રસારિત કરે છે. સૂર્યની સપાટીનું તાપમાન ૬૦૦૦૦ સેલ્સિયસ છે એટલે ત્યાંથી પ્રસારિત થતાં મોટાભાગના કિરણો ટૂંકી તરંગલંબાઇના હોય તે સ્વાભાવિક છે. વિજ્ઞાનનો બીજો એક સિદ્ઘાંત એમ કહે છે કે, જે કિરણોની તરંગલંબાઇ ટૂંકી તેમ તેની વેધકતા-અસર વધારે હોય. આ બન્ને સિદ્ઘાંતો અનુસાર સૂર્યની સપાટી ઉપરથી પ્રસારિત થયેલા કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઇને પૃથ્વી સપાટી સુધી પહોચે છે. સૂર્યકિરણોને ઝીલતી પૃથ્વીની સપાટી સૂર્ય જેટલી ગરમ તો ન જ થઇ શકે તે સમજી શકાય તેવી વાત છે. હવે પૃથ્વી પોતાની સપાટી પરથી આ ટૂંકી તરંગલંબાઇના કિરણોને વધુ તરંગલંબાઇ ધરાવતા અધોરકત મોજામાં ફેરવીને ગરમી સ્વરૂપે અંતરિક્ષ તરફ ધકેલી દે છે. લાંબી તરંગલંબાઇ ધરાવતા ગરમીના આ મોજાઓ વેધક હોતા નથી પણ અંતરિક્ષ તરફ જતાં આ મોજાઓને રસ્તામાં કાર્બનડાયોકસાઇડ અવરોધરૂપ સાબિત થાય છે. કાર્બનડાયોકસાઇડ વાયુનો રેણુ ઓકિસજનના બે અણુ અને કાર્બનના એક અણુનો બનેલો છે અને તેમાં આ કાર્બનનો અણુ બરોબર વચ્ચે બિરાજમાન છે. હવે આ ત્રિશકિત લાંબી તરંગલંબાઇના આ અધોરકત કિરણોને રોકે છે અને મોજાઓમાં રહેલી ગરમી એટલે કે, ઉષ્માશકિતને શોષીને તેનું ગતિશકિતમાં રૂપાતંર કરે છે. આમ થવાથી કાર્બનડાયોકસાઇડના રેણુમાં રહેલો કાર્બનનો અણુ કંપે છે, ઘુમરીઓ મારે છે કયારેક વાંદરાની જેમ ગુલાટીઓ પણ મારે છે. કાર્બનના અણુની આવી હરકતોને કારણે કાર્બનડાયોકસાઇડનો રેણુ તપે છે અને તેમાંથી ગરમી ઉત્પન્ન થાય છે. આ ગરમીના કેટલાક મોજાઓ ફરી પૃથ્વી તરફ પાછા ધકેલાય છે જેને કારણે વાતાવરણનું તાપમાન વધે છે-આ છે ગ્રીનહાઉસ ઇફેકટ જેણે પૃથ્વીના સંદર્ભમાં 'ગ્લોબલ વાર્મિંગ"ની જટિલ સમસ્યા ઊભી કરી છે.
આજની તારીખે યોગ્ય તજવીજ હાથ ધરીને આવનારા સમય માટેની કપરી પરિસ્થિતિની અસરને કેવી રીતે રોકી શકાય અથવા ઓછી કરી શકાય તે પ્રશ્ન માનવ મગજની જટિલ રચના જેટલો જ જટિલ છે કારણ કે, કાર્બનડાયોકસાઇડનો સરેરાશ રેણુ પૃથ્વીના વાતાવરણમાં ભળે એ પછી આશરે ૧૨૦ વર્ષ સુધી તેનું રિસાઇકલિંગ થઇ શકતું નથી. કહેવાનો સીધો-સાદો અર્થ એ થયો કે, પૃથ્વીના વાતાવરણમાં ભળતો કાર્બનડાયોકસાઇડ તાત્કાલિક સમુંદર કે પૃથ્વી ઉપર કાર્બોનેટ સ્વરૂપે ખડકોમાં રૂપાતંર પામતો નથી અને વાતાવરણમાં અધ્ધરતાલ લટકી રહી સતત ગરમી વધારતો રહે છે.
કાર્બનડાયોકસાઇડની જેમ કલોરોફલુરોકાર્બન અને નાઇટ્રસ ઓકસાઇડ પણ માનવજાત માટે ખતરનાક વાયુઓ છે અને તે કેવી રીતે ગરમી વધારવામાં મદદરૂપ થાય છે તે પણ અહી જાણી લેવું જરૂરી છે. પૃથ્વીના વાતાવરણમાં સૌથી ઉપલા વાતાવરણમાં આશરે ૧૫ થી ૪૮ કિલોમીટર સુધી લગભગ ૩૨ કરોડ ટન જેટલો ઓઝોન વાયુનો જથ્થો સમગ્ર પૃથ્વીને આવરી લે છે. અંતરિક્ષના સંદર્ભમાં આ આવરણ પાતળું કહી શકાય પણ આ પાતળું આવરણ સૂર્યના પારજાંબલી કિરણોને રોકે જે જીવસૃષ્ટિ માટે ઘાતક છે. દક્ષિણ ધ્રુવ ખંડના આકાશમાં આ આવરણમાં ૨,૭૩,૦૦,૦૦ ચોરસ કિલોમીટરનું ગાબડું પડી ગયું છે. આથી આ વિસ્તારમાં ઓઝોન વાયુ ન હોવાથી સૂર્યના પારજાબંલી કિરણો વાતાવરણમાંથી પસાર થઇ છેક પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. વૈજ્ઞાનિકોના સંશોધનો પ્રમાણે આ આવરણ તુટવાની પ્રક્રિયા સતત ચાલુ છે. ઓઝોનના આ આવરણને તોડી પાડનાર કલોરોફલુરોકાર્બન અને નાઇટ્રસ ઓકસાઇડ છે. કલોરોફલુરોકાર્બન રસાયણ ગેસ સ્વરૂપે રેફ્રીજરેટર અને એર કન્ડિશર જેવા ઉપકરણોની વિજાણુ ચીપ બનાવતી વખતે વાપરવામાં આવે છે. જયારે આ વિજાણુ ચીપ બની જાય એ બાદ કલોરોફલુરોકાર્બન વાયુ સ્વરૂપે વાતાવરણમાં મુકત થાય છે. આ ઉપરાંત કલોરોફલુરોકાર્બનનો ઉપયોગ પરફયુમ્સ્ના એરસોલ સ્પ્રેમાં વાપરવામાં આવે છે અને જયારે આ પરફયુમ્સનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે છુટો પડી વાતાવરણમાં ભળી જાય છે. હવે વાતાવરણમાં ભળેલો આ કલોરોફલુરોકાર્બન વાયું કેવા કારસ્તાન કરે છે તેની આપણે નોંધ લઇએ : અગાઉ જણાવ્યું એ પ્રમાણે સમગ્ર પૃથ્વીને આવરી લેતું ઓઝોનનું આવરણ કુદરતી રીતે નિર્માણ પામેલું છે. ઓઝોન વાયુ કેવી રીત બને છે તે પ્રક્રિયા સમજીએ. ઓકિસજનની સંજ્ઞા O2 છે અને ઓઝોનની સજ્ઞા O3 છે. ઓકિસજનના દરેક રેણુમાં ઓકિસજનના બે અણુઓ છે જયારે ઓઝોનના રેણુમાં ઓકિસજનના ત્રણ અણુઓ છે. પૃથ્વીના ઉપરના વાતાવરણમાં જયારે સૂર્યના કિરણો પહોંચે એટલે કેટલાક ઓકિસજનના સંયોજન પામેલાં ઓકિસજનના અણુઓ O તરીકે છુટા પડી સ્વતંત્ર થઇ જાય છે. આ સ્વતંત્ર થયેલો ઓકિસજનનો અણુ O ઓકિસજન O2 ના બીજા અકબંધ રેણુ સાથે જોડાઇ જઇ O3 ના રૂપે ઓઝોનમાં ફેરવાઇ જાય છે. હવે ઓઝોનના બંધારણમાં ઓકિસજનના ત્રણ અણુઓનું સંયોજન થતાં એકસે ભલે દો અને દો સે ભલે તીન જેવો તાલ થઇ જતાં ઓઝોન વાયુની શકિત વધે છે અને તે સૂર્યના પારજાંબલી કિરણોને પૃથ્વી સપાટી સુધી પહોચવામાં અવરોધ ઉભો કરે છે. સ્વાભાવિક રીતે ઓઝોન ઓકિસજન કરતાં ભારે હોવાથી તે ક્રમશ: વાતાવરણમાં નીચે ઉતરતો જાય છે. પૃથ્વીના નીચલા વાતાવરણમાં માનવ હસ્તક્ષેપને કારણે હવામાં ભળેલો નાઇટ્રસ ઓકસાઇડ હવે પોતાની હરકત શરૂ કરે છે. નાઇટ્રસ ઓકસાઇડ ઓઝાનના આ ઝુમખાને તોડી પાડે છે અને ફરી તેને ઓકિસજનના સ્વરૂપમાં ફેરવી નાખે છે. આ દરમ્યાન ઉપલા વાતાવરણમાં ઓઝોન વાયુ બનવાની પ્રક્રિયા ચાલુ રહેતી હોય છે આથી પૃથ્વીના વાતાવરણની આસપાસ આઝોન વાયુનું સરેરાશ પ્રમાણ ઘટવું જોઇએ નહી.

તો પછી ઓઝોનના આવરણમાં ઘટાડો કેવી રીતે થયો?!

કલોરોફલુરોકાર્બન, હા વાતાવરણમાં માનવની વૈભવી જીવનશૈલીને કારણે વાતાવરણમાં ભળેલો કલોરોફલુરોકાર્બન અહી પોતાની કમાલ રજુ કરે છે.
કલોરોફલુરોકાર્બનમાં રહેલો કલોરિનનો અણુ ઓઝોન વાયુમાં રહેલા ઓકિસજનના ત્રણ અણુઓમાંથી એક અણુને આંચકી લે છે એ સાથે ઓઝોન ઓકિસજન(પ્રાણવાયુ) અને કલોરિન પોતે કલોરિનમોનોકસાઇડમાં રૂપાંતર પામે છે. આ થઇ ઓઝોનના આવરણની તુટવાની વાત...ખેર, આગળ જતાં કલોરિનમોનોકસાઇડમાં રહેલો ઓકિસજનનો અણુ ફરી કોઇ એકલા-અટુલા ઓકિસજનના અણુ સાથે સંયોજન પામી ઓકિસજન(પ્રાણવાયુ)નું રૂપ ધારણ કરી લે છે અને એકલો થઇ ગયેલો કલોરિનનો અણુ ફરી ઓઝોનમાં રહેલા ઓકિસજનના ત્રણમાંથી એક અણુને આંચકી લેવાના આખેટ પર નીકળી પડે છે. આ પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે. વર્ષો પહેલાના સમયમાં વાતાવરણમાં કલોરોફલુરોકાર્બન અને નાઈટ્રસ ઓકસાઇડનું પ્રમાણ ન હતું ત્યાં સુધી કુદરતી રીતે રચાયેલું ઓઝોનનું આવરણ અકબંધ રહી શકયું પણ હવે તે નિરંતર તુટી રહ્યું છે. સામાન્ય રીતે કલોરિનનો અણુ સરેરાશ ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવે છે એટલે કલોરિનનો એક અણુ પોતાના જીવનકાળ દરમ્યાન સરેરાશ ૧,૦૦,૦૦૦ ઓઝોનના અણુઓનો નાશ કરી શકવા શકિતમાન છે એવું વૈજ્ઞાનિકોનું તારણ છે.
ઓઝોન વાયુ બનવાની અને પૃથ્વી ફરતે રહેલું તેનું આવરણ તુટવાની પ્રક્રિયાથી એક વાત ફલિત થાય છે કે, માનવજાત માટે ભવિષ્યમાં શ્વાસ લેવા માટે ઓકિસજનના જથ્થાની અછત થઇ શકે તેમ નથી પરંતુ 'ગ્લોબલ વોર્મિંગ" ને કારણે અસહ્ય ગરમી અને પારજાંબલી કિરણોને કારણે ઉદ્‌ભવતા રોગો સામે રક્ષણ મેળવવાની કોશીષ કરી રહેલા માનવને શ્વાસ લેવાની ફૂરસદ મળશે ખરી??!! માનવજાતે અગાઉના વર્ષોમાં કરી નાખેલી ભૂલોથી તેનો કેડો છુટી શકે તેમ છે?...ના...કમસે કમ કુદરતી પ્રક્રિયા દ્વારા તો બેશક નહી.
છેલ્લી લાઇન...
વૈશ્વિક સમસ્યા 'ગ્લોબલ વાર્મિંગ"ને વિશ્વના કેટલાક મહાનુભાવો બ્રહ્માંડમાં પૃથ્વીના સંદર્ભ બનતી કુદરતી પ્રક્રિયા ગણાવે છે અને તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી એમ કહે છે.
વિનીત કુંભારાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate