অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કચ્છના જળ અને જમીન સાચવવા જરૂરી છે

ઔદ્યોગીકરણના વાયરામાં કચ્છના જળ અને જમીન સાચવવા જરૂરી છે...!!!

લોકમુખે સાંભળેલી વાત છે કે, કચ્છમાં ઉદ્યોગોની શરૂઆત ભારમલજીના વખતમાં થઇ હતી. એ સમયે રામશી માલમ નામક એક વ્યકિતવિશેષ હતા જેમણે કચ્છમાં કેવા ઉદ્યોગોનો વિકાસ થઇ શકે તેનો અભ્યાસ કરેલો હતો. આ અભ્યાસના આધારે કચ્છમાં શરૂઆતમાં માચીસની દિવાસળી, કાચ, મીનાકરી જેવા ઉદ્યોગોનો વિકાસ થયો હતો. રામશી માલમે અભ્યાસ કરતી વખતે એક વાતનો ખાસ ખ્યાલ રાખ્યો હતો કે, કયા ઉદ્યોગોમાં પાણીની જરૂરિયાત એકદમ ઓછી છે. આમ, કચ્છમાં રાજાશાહીના વખતથી જ પાણીના મુદ્રે ચીવટતા રાખવામાં આવેલી છે પણ હાલના સંજોગોમાં જે ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવેલી છે તેમાં કચ્છના ભૂગર્ભજળને અધિકત્તમ શોષણ કરવાની નિતી છે. કચ્છનો મુખ્ય વ્યવસાય પહેલા પશુપાલનનો હતો. આ વ્યવસાયમાં પણ પાણીનો દ્રષ્ટિકોણ મહ_વનો હતો. કચ્છમાં જે સમય સુધી કુદરતી રીતે પાણીની ઉપલબ્ધી હોય ત્યાં સુધી માલધારીઓ કચ્છમાં રહેતાં અને એ પછી પાણીની ઉપલબ્ધી ન હોય તો પાણી ધરાવતાં વિસ્તારોમાં હિજરત કરતાં હતાં. કચ્છમાં આ એક વ્યવસાયની પેટર્ન હતી. આજે કોઇપણ પ્રકારનો ઉદ્યોગ કચ્છમાં આવે છે અને કચ્છના ભૂગર્ભજળનું શોષણ કરે છે.

ચાર પ્રકારના પાણી ધરાવતાં ખડકો

  1. સેન્ડસ્ટોન(સાગ પથ્થર),
  2. લેટેરાઇટ(રાતી દાવડી અને ધોળી બીટ્ટુ),
  3. વેધર્ડ બેસાલ્ટ(ખવાણ થયેલો કાળમીંઢ) અને
  4. એલુવિયમ(કાંપના મેદાનો).

આ ખડકોમાં સાગ પથ્થરમાં વધુ ઊંડાઇએથી અને ઓછી ઊંડાઇએથી પણ ભૂગર્ભજળ મળે છે જયારે અન્ય ત્રણ ખડકોમાં ઓછી ઊંડાઇએથી ભૂગર્ભજળ પ્રાપ્ત થાય છે. કચ્છમાં સપાટીય સ્રોતો દ્વારા મળતું પાણી લગભગ માર્ચ મહિના સુધી જ પ્રાપ્ય હોય છે, જયારે ભૂગર્ભજળની સપાટી ઉનાળાની શરૂઆત થતાં વધુ નીચે જવા લાગે છે. ઉદ્યોગો પાણી વગર શકય નથી અને ઉદ્યોગોને જરૂરી પાણી ભૂગર્ભજળ દ્વારા જ પ્રાપ્ત થઇ શકે. કચ્છમાં આવેલા ઉદ્યોગો કચ્છના ભૂગર્ભજળનો ખોં કાઢી રહ્યા છે.

ભૂતકાળના વર્ષોમાં ભૂગર્ભજળ વાપરવામાં આવતું તેમ તેનું રિચાર્જ પણ કરવામાં આવતું હતું. ભુજ શહેરની વાત કરીએ તો ભુજ અને તેની આસપાસના વિસ્તારો(માધાપર, મિરઝાપર)માં કુલ ૪૨ તળાવો આવેલા છે. આ તળાવો વરસાદી પાણીને સંગ્રહ કરવા પૂરતાં સિમીત નથી. દૂંરદેશી વિચારધારા ધરાવતા અને અનન્ય કોઠાસુઝ ધરાવતાં લોકોએ આ તળાવો બનાવાની સ્થળ પસંદગી એકદમ ચોક્કસ રીતે કરી છે. આ બધા તળાવો વરસાદનું પાણી તો સંગ્રહ કરે છે પણ સાથે-સાથે જે સ્થળે તે આવેલા છે ત્યાં ભૂગર્ભજળનું રિચાર્જ પણ કરે છે. ભુજ શહેર એક સાગ પથ્થર ઉપર આવેલું છે અને આ ૪૨ તળાવો પણ આ સાગ પથ્થરને ચારે બાજુથી રિચાર્જ કરે છે. આવા રિચાર્જને કારણે જ ઉદ્યોગો પેટાળમાંથી પાણી મેળવી શકે છે પણ આપણી કમનસીબી જૂઓ આવા તળાવોના મહ_વને સમજી ન શકનારા લોકો આવા તળાવોની જમીન ઉપર ગેરકાયદેસર પગપેસારો કરે છે. હાલમાં ન્યુ એરપોર્ટની સામે આવેલા છછી તળાવમાં આવું ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલું છે. વી વારી તળાવ તરીકે જાણીતા આ તળાવ ઉપર આસપાસના વિસ્તારોના લોકોની સાથે પશુઓ પણ નભે છે. પરંપરાગ આવા તળાવોનો નાશ થશે તો કુદરતી રીતે થતાં ભૂગર્ભજળ રિચાર્જની સાંકળ તુટી જશે અને લોકો ફરી પાણી માટે વલખા મારતાં થઇ જશે.
ખરેખર તો કચ્છમાં મળી આવતાં ભૂગર્ભજળના આધારે ઉદ્યોગોની સ્થાપના થવી જોઇએ નહી કે, જમીનના આધારે.......પણ ભૂકંપ બાદ સ્થાનિક રાજકિય નેતાઓના પ્રયાસોને કારણે કેન્દ્ર સરકારે જે ટેકસ હોલિડે જાહેર થયો હતો તેનો મહત્તમ લાભ કચ્છને થયો છે. ભૂકંપ પહેલા સૂકા પ્રદેશ તરીકે ઓળખાતા કચ્છપ્રદેશમાં આજે ગુજરાત રાજય સિવાયના અન્ય રાજયના સાહસિક ઉદ્યોગપતિઓને પણ ઉદ્યોગો માટે તક દેખાઇ રહ્યી છે. કચ્છમાં પહેલા માછીમારી, ટીમ્બર અને મીઠા(નમક) ઉદ્યોગ મુખ્ય હતા. આજે કચ્છમાં ટીમ્બર, સોલ્ટની સાથે ખાદ્યતેલ, સો પાઇપ, પ્લાસ્ટિક, સિરામિક અને સિમેન્ટ ઉદ્યોગોનો વ્યાપક વિકાસ થયો છે. આ ઉદ્યોગોની સાથે કચ્છપ્રદેશમાં અન્ય રાજયોના લોકો પણ રોજગારીની તક જોઇને વિસ્થાપિત થયા છે. ગાંધીધામ, ભચાઉ અને અંજાર વિસ્તારમાં ધમધમતા ઉદ્યોગો વાર્ષિક આશરે ૭૦ હજાર કરોડનું ટર્નઓવર ધરાવે છે. આ ઉપરાંત કંડલા અને મુન્દ્રા બંદર દેશના કુલ ટર્નઓવરમાં ૩૦% જેટલો ફાળો ધરાવે છે. આ વિકાસની સાપેક્ષે કચ્છના ભૂગર્ભજળની સમતુલા તુટી છે અને ભૂગર્ભનો પાણીનો જથ્થો ઓછો થઇ રહ્યો છે. ઉદ્યોગોના વિકાસની સાથે હવે કચ્છમાં ભૂગર્ભજળ વ્યવસ્થાપનની કામગીરી કરવાની પણ જરૂરિયાત ઊભી થઇ છે.

કચ્છમાં પહેલા પરંપરાગત ઉદ્યોગો હતા અને અત્યારે જે છે તે કદાચ ઝાઝો સમય ટકી શકશે નહી. કચ્છી બાંધણી, બાટીક અને હાથવણાટથી બનાવવામાં આવતાં કાપડો સામે આજે બજારમાં રેડીમેઇડ કપડા મળતાં થયા હોવાથી અંતરિયાળ ગામામાં ચાલાતા આવા નાના પાયાના ઉદ્યોગોને ધક્કો પહોચ્યો છે. સરકાર અન્ય ઉદ્યોગોના વિકાસ માટે કચ્છની જમીન અને પાણી છુટા હાથે આપે છે પણ કચ્છના આવા પરંપરાગત ઉદ્યોગો માટે સગવડતાને નામે મીંડું છે. પરંપરાગત જ્ઞાન અને સુઝબુઝથી પોતાની રીતે ડીઝાઇન બનાવી કપડા બનાવતાં ગામડાઓના કારીગરો ખાસ કરીને મહિલાઓને સરકાર દ્વારા ખાસ પ્રોત્સાહન મળતું નથી.

કચ્છનો બીજો એક પરંપરાગત મોટો ઉદ્યોગ છે મીઠું પકાવવાનો

ઉનાળામાં આગના લબકારા મારતી ગરમીમાં જયારે આપણે બહાર નીકળવા માટે સત્તર વખત વિચાર કરીએ છીએ ત્યારે એવા ધોમધખતા તાપમાં હજારો અગરિયાઓ રણકાંઠાના વિસ્તારોમાં સફેદ મીંઠું બનાવા માટે કમરતોડ મજૂરી કરી રહ્યા હોય છે. અગરિયાની સાથે તેનું કુંટુંબ પણ ઉપર આભ અને નીચે ભીની ખારી ધરતીમાં કોઇપણ જાતની સગવડતા વગર જીવતાં હોય છે. અહીં અગરિયાઓ માટે પીવાના પાણી જેવી પ્રાથમિક સગવડ પણ હોતી નથી. રાત-દિવસ મીઠું પકવતાં અગરિયાઓ સતત ૩ મહિના સુધી કામ કરે છે ત્યારે પીવાના પાણી માટે તેનો એક માત્ર સ્રોત એટલે ખુલ્લી ટાંકીમાં સુર્યના તાપથી ગરમ થયેલું પાણી...આવું પાણી પીને અગરિયાઓ સતત માંદગીનો ભોગ બનતા રહે છે. કચ્છમાં ઉદ્યોગોનો વિકાસ થયો છે પણ તેની સામે કચ્છના સ્થાનિક લોકોને રોજગારીની તકો મળી નથી. એક વાત સ્વીકારવી રહ્યી કે કચ્છમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે. જે પ્રમાણે ઉદ્યોગો આવી રહ્યા છે તે પ્રમાણેના નિષ્ણાંત વ્યકિતઓ કચ્છમાંથી મળી શકતા નથી એટલે ફરજિયાત આવા નિષ્ણાંતોને કચ્છ બહારથી આયાત કરવા પડે છે, કચ્છીઓને નોકરી મળતી નથી. અહીં મૂળભૂત મુદ્રો શિક્ષણનો છે. કચ્છમાં આવતા ઉદ્યાોગોને અનુલક્ષીને શિક્ષણ મેળવવું જરૂરી છે. ઉદ્યોગોને જયારે કચ્છમાંથી પોતાને જોઇતા નિષ્ણાંતો કચ્છમાંથી જ મળી રહેશે તો એવા નિષ્ણાંતોને કચ્છ બહારથી આયાત કરવાની જરૂર રહેશે નહી.

સ્ત્રોત: વિનીત કુંભારાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate