অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઉત્તર ગુજરાત વિસ્તારના ભૂગર્ભજળની વાત

ઉત્તર ગુજરાત વિસ્તારના ભૂગર્ભજળની વાત

ભૂગર્ભજળ અંગેની સમસ્યા વિકરાળ છે અને આ સમસ્યાને સમજવા માટે અનેક પેરામીટર ઉપર ધ્યાન આપવું જરૂરી છે. પહેલા બધું ક્રેન્દ્રિત હતું 'રાઇટ ટુ વોટર" પ્રમાણે લોકોને પાણી પૂરૂં પાડવાની જવાબદારી સરકારની છે પણ સામે પક્ષે એ પણ સમજવું જરૂરી છે કે, ભૂગર્ભજળ ઉપર લોકોનો સામૂહિક હક્ક છે. બધા જ લોકો તેના માલિક છે. આપણે આપણા રૂપિયા સાચવવા માટે અને વ્યાજ થકી તેમાં વધારો થાય એ માટે તેને બેંકમાં રાખીએ છીએ. આપણે તેને સાવચેતીપૂર્વક વાપરીએ છીએ. આ બાબત ભૂગર્ભજળને પણ લાગું પડે છે. આપણે ભૂગર્ભજળને રક્ષિત કરવું જોઇએ, તેનો સાવચેતીપૂર્વક વપરાશ કરવો જોઇએ અને તેમાં વધારો થાય તેવા પ્રયાસો કરવા જોઇએ. ભૂગર્ભજળનું પ્રમાણ ભૂસ્તરમાં વધે એ માટે તેના વપરાશની સામે રિચાર્જ કરવું એ આપણી નૈતિક ફરજ છે. આજના સમયમાં પરિસ્થિતિને અનુરૂપ ભૂગર્ભજળનો વપરાશ અને તેનું શોષણ એટલું બધું વધી ગયુ છે કે, આજે તેનું વ્યવસ્થાપન કરવાની જરૂરિયાત ઊભી થઇ છે. આ પરિસ્થિતિ આપણા માટે 'લાલબત્તી" સમાન છે. જો આજે ભૂગર્ભજળનું વ્યવસ્થાપન કરવામાં નહી આવે તો આવનારી પરિસ્થિતિ અત્યારે છે એ કરતાં પણ વધારે ગંભીર હશે.

જરૂરિયાત પ્રમાણે પાણીનો વપરાશ જરૂરી છે તેમ તેની ગુણવત્તા પણ એટલી જ આવશ્યક છે. જથ્થો, વપરાશ અને ગુણવત્તા એકબીજા સાથે સંકળાયેલા છે. ભૂગર્ભજળનો જથ્થો ભૂસ્તરમાં અમુક પ્રકારના ખડકોમાં સચવાયેલો હોય છે. જે-તે ખડકની લાક્ષણિકતા ભૂગર્ભજળની ગુણવત્તાને અસર કરે છે. ખડકોમાં રહેલા કણો પોતાની લાક્ષણિકતા ભૂગર્ભજળને આપે છે અને એ પ્રમાણે પાણીની ગુણવત્તા બને છે. અમુક ખડકો પાણીની ગુણવત્તાને બગાડી નાખે છે એટલે એ ખડકમાં પાણીનો જથ્થો તો હોય પણ એ પાણી વપરાશ કરવાને લાયક ન હોય. ભૂસ્તરમાં ખડકો એકબીજા ઉપર ગોઠવાયેલા હોય છે એટલે સારી ગુણવત્તા ધરાવતાં ભૂગર્ભજળનો જથ્થો ખડકમાંથી ઉલેચી લેવામાં આવે ત્યારે આપણે એ ખડકથી નીચે ખોદાણ કરીને પાણી મેળવવાની કોશીષ કરીએ ત્યારે નબળી ગુણવત્તા ધરાવતું પાણી પણ પ્રાપ્ત થવાની સંભાવના રહેલી છે. આથી પાણી ધરાવતાં ખડકોની સાથે પાણીની ગુણવત્તા કેવી હશે તે ખડકોનો અભ્યાસ કરીને પછી જ ભૂગર્ભજળનો સંયમિત વપરાશ કરવો જરૂરી બની જાય છે. જોકે ભૂગર્ભજળના વપરાશ બાબતે વિસંગતતા જોવા મળે છે. ઉત્તર ગુજરાત વિસ્તારનો દાખલો લઇએ તો અહીં દર વર્ષે ભૂગર્ભજળની સપાટી ૩૦ થી ૪૦ ફૂટ નીચે જઇ રહી છે જે પહેલા ફકત ૧૦ ફૂૃટ જઇ રહી હતી. વપરાશની સામે ભૂગર્ભજળ સંગ્રહનું પ્રમાણ ઘટયું છે. વધુ ઊંડાએથી પાણી મેળવવાથી ખડકોની પરિસ્થિતિને આધીન પાણીની ગુણવત્તા નબળી મળે છે જેને કારણે ખેતીમાં ઉપજનું પ્રમાણ પણ યોગ્ય મળતું નથી. નબળી ગુણવત્તાવાળું પાણી ઘરવપરાશ અને પીવાના પાણી હેતુસર ઉપયોગ કરવાથી તંદુરસ્તીને પણ અસર થાય છે. આથી ભૂગર્ભજળ અંગેની જે વ્યવસ્થા કેન્દ્રિત છે તે વિકેન્દ્રિતની સાથે લોક કેન્દ્રિત કરવી જોઇએ. આ પ્રમાણે કહેવું સરળ છે પણ તે કરવું થોડું વિકટ છે. ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેમ કે, સારી ગુણવત્તા ધરાવતા ખડકોને ઓળખવા કેવી રીતે? આવા ખડકોની જાડાઇ-લંબાઇ કેટલી હશે? ભૂગર્ભજળનું વહેણ કેવી રીતે છે? આવી બાબતો અંગે જાણકારી મેળવવી જરૂરી બને છે. આવી બાબતોની જાણકારી મેળવી લીધા બાદ અગત્યનું પાસું એ છે કે, એ ભૂગર્ભજળનો ઉપયોગ કરવાની પદ્ઘતિ શું હોઇ શકે? ઉદાહરણ તરીકે આપણે ભૂગર્ભજળનો ઉપયોગ ખેતીમાં કરીએ તો ખેતીમાં પિયત પદ્ઘતિનો પ્રકાર શું છે? આપણા દેશમાં મોટાભાગે ધોરિયા પદ્ઘતિથી ખેતીમાં પિયત કરવામાં આવે છે. આ પદ્ઘતિ પ્રમાણે વનસ્પતિને પિયત તો મળે છે અને પાણીનો અમુક જથ્થો ભૂગર્ભમાં પણ ઉતરે છે પણ એ સાથે પાણીનું બાષ્પિભવન પણ થાય છે. પાણીનું બાષ્પિભવન થતું અટકાવવા માટે ખેતીમાં પિયત માટે 'માઇક્રો ઇરિગેશન" પદ્ઘતિ અપનાવવી જોઇએ. અહીં ભૂગર્ભજળ વ્યવસ્થાપનની વાત કરીએ તો જે ખેડૂતો માઇક્રો ઇીરગેશન પદ્ઘતિથી ખેતીમાં પિયત કરે છે તે ભૂગર્ભજળ વ્યવસ્થાપન કરે છે એવું કહી શકાય. કેટલાક વિસ્તારોમાં કેનાલ દ્વારા ઇરિગેશન કરવામાં આવે છે. આવા વિસ્તારોમાં ડેમના જળસ્ત્રાવ વિસ્તારમાં 'વોટર લોગીંગ"ની સમસ્યા પણ જોવા મળે છે. ભૂગર્ભજળના રિચાર્જ એંગેની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં રિચાર્જ કરવું મુશ્કેલ છે. આવા વિસ્તારોમાં ખારાશને કારણે પાણીનું રિચાર્જ કરવું સંભવ નથી જયારે કચ્છના અમુક વિસ્તારોમાં લોહત_વની મુશ્કેલીને કારણે પાણીનું રિચાર્જ થઇ શકતું નથી. ભૂગર્ભજળ અંગે સૌથી અગત્યનો મુદ્રો છે શિક્ષણ અને જાગૃતિ. આ માટે લોકોમાં પોતાને સક્ષમ બનાવવાની જીજ્ઞાસા હોવી જરૂરી છે.

ઉત્તર ગુજરાતનો વિસ્તાર ભૂસ્તરના દ્રષ્ટિકોણથી કાંપનો વિસ્તાર છે. કાંપનો આ વિસ્તાર વિશાળ પાણીનો ભંડાર ધરાવે છે પણ પાણીનું વહન એકદમ ધીમું હોય છે. કાંપનો આ વિસ્તાર મોટેભાગે રેતી અને ચીકણી માટીના થરોનો બનેલો હોય છે. અહીં રેતી અને ચીકણી માટીના થરો એક પછી એ ક્રમાનુસાર ગોઠવાયેલા હોવાથી 'કન્ફાઇન્ડ એકિફર"ની રચના થાય છે. રેતી અને ચીકણી માટી બન્ને પાણીનો સમાવેશ કરે છે. રેતીના થરમાંથી પાણી મેળવી શકાય છે પણ ચીકણી માટીના થરમાંથી પાણી મેળવી શકાતું નથી. આમ, કાંપના વિસ્તારોમાં રેતીના થર એકિવફર તરીકે વર્તે છે આથી આ વિસ્તારોમાં રેતીના થરો પ્રમાણે એક કરતાં વધારે એકિવફર ઊંડે સુધી ફેલાયેલા હોય છે. કાંપવાળા વિસ્તારની સાપેક્ષે ખડકાળ વિસ્તારમાં ખડકોમાં પાણી તેની લાક્ષણિકતા પ્રમાણે સંગ્રહ પામેલું હોય છે. ખડકાળ વિસ્તારોમાં પાણીનો જથ્થો ઓછો હોય છે. હવે જયારે ઉપયોગની વાત કરતાં હોઇએ ત્યારે ખડકાળ વિસ્તારમાંથી પાણી ઝડપથી વપરાય જાય તેમ તેને રિચાર્જ કરવામાં પણ વધારે સમય લાગતો નથી કારણ કે, તેમની પાણીને સંગ્રહ કરવાની ક્ષમતા જ ઓછી છે જયારે કાંપવાળા વિસ્તારની સંગ્રહક્ષમતા વધારે છે આથી આવા વિસ્તારોમાં રિચાર્જ કરવામાં વધારે સમય લાગે છે. એક સાદા ઉદાહરણ દ્વારા સમજીએ તો એક લિટર પાણીની બોટલ અને પાંચ લિટર પાણીની બોટલ લઇએ તો એક લિટર પાણીની બોટલ જલદી ખલાસ થઇ જશે જયારે પાંચ લિટર પાણીની બોટલમાં પાણી ખલાસ થતાં સમય લાગશે. એ જ રીતે એ બન્ને બોટલને પાણીથી ભરવાની કોશિષ કરીએ તો એક લિટરની બોટલ ઝડપથી ભરાઇ જશે જયારે પાંચ લિટરની બોટલને ભરાતાં થોડો વધારે સમય લાગશે. કહેવાનું તાત્પર્ય એ છે કે, કાંપવાળા વિસ્તારમાં મહત્તમ પાણી મળી શકે છે પણ તેનો વિવેકબુદ્ઘિથી ઉપયોગ કરવો જોઇએ. કારણ કે, આવા રેતીના થરોને પાણીથી ભરવા માટે ઘણો સમય લાગે છે. કાંપવાળા વિસ્તારમાં રેતીના થરોમાં પાણી મળી આવે છે પણ ચીકણી માટીના થરો આ પાણીને 'બ્લોક" કરી દે છે. આથી જયારે રેતીના એક થરમાં પાણી ખતમ થાય ત્યારે બીજા રેતીના થરમાં જવા માટે ચીકણી માટીના થરને ભેદીને જવું પડે છે. આ ઉપરાંત વધુ ઊંડાઇએ જતાં પાણી ગુણવત્તા પણ નબળી થઇ જવાની સંભાવના રહેલી છે. આમ, ભૂગર્ભજળ વ્યવસ્થાપન માટે ભૂસ્તરને સમજવું અગત્યનું છે. ભૂસ્તરમાં રહેલા આવા પાણી ધરાવતાં ખડકોનું માપન કરવું પણ જરૂરી છે. કાંપવાળા વિસ્તારની જ વાત કરીએ તો આવા વિસ્તારોમાં રેતી અને ચીકણી માટીના કેટલા થરો આવેલા છે, તે કેવી રીતે ગોઠવાયેલા છે, તેમની લંબાઇ અને જાડાઇ કેટલી છે વગેરે બાબતોનો અભ્યાસ કરવો જરૂરી છે. આવા અભ્યાસ માટે જે-તે વિસ્તારના કુવા તેમજ બોરવેલનો અભ્યાસ કરવાથી ભૂસ્તરની માહિતી મળે છે. ખાસ કરીને જયારે કોઇ વિસ્તારમાં નવા બોરવેલ બનતાં હોય તો તેની સાથે પહેલા દિવસથી જ જોડાઇ જવું જોઇએ. બોરવેલ બનાવતાં સમયે જમીનમાં ડ્રીલીંગ કરવામાં આવે ત્યારે અમુક ઊંડાઇના અંતરના માટીના નમૂનાઓ લઇને એકિવફરની માહિતી મેળવી શકાય છે.

વિનીત કુંભારાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate