অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આધુનિક યુગમાં પર્યાવરણનું પ્રદૂષણ

આધુનિક યુગમાં પર્યાવરણનું પ્રદૂષણ

કુદરતી વાતાવરણમાં પશુપંખી, પવન, સમુદ્ર, જ્વાળામુખી વગેરે દ્વારા ઉત્પન્ન થતો અવાજ કર્ણપ્રિય હોય છે અને આપણે તેનો સ્વીકાર કરીએ છીએ. પરંતુ અર્થતંત્રનો આર્થિક વિકાસ કારખાના પ્રથામાં છે એવી વિચારસરણી અમલી બનતા અવાજ પ્રદૂષણ અને હવા પ્રદૂષણનું જોખમ વધ્યું છે. બસો, ટ્રેનો, કારખાનાની મશીનરીઓ, દ્વિચક્રી અને મોટા વાહનો, વિમાનો, બોંબ વિસ્ફોટ, લાઉડ સ્પીકરો, મ્યુઝિક સિસ્ટમ, ફટાકડા, બેન્ડબાજા વેગેરનાં કર્કશ અને અણગમતા અવાજોએ ઘોંઘાટનું પ્રદૂષણ વધાર્યું છે. અવાજનાં પ્રદૂષણથી શ્રવણ શક્તિ, હૃયરોગ, ચિંતા, માનસિક તાણ, ઉંઘમાં ખલેલ, યાદશક્તિ, એકાગ્રતા, બાળકોનાં શિક્ષણ, માથાનો દુઃખાવો વગેરે પર વિપરિત અસર ઉપજાવી છે. આ સાથે સાથે વાહન-વ્યવહારનો ધુમાડો, રજકણો, ઝેરી દ્રવ્યો વગેરેને કારણે હવા પ્રદૂષણ ફેલાયું છે.
વાતાવરમમાં હવા પ્રદૂષણ માટે મુખ્યત્વે કાર્બન ડાયોકસાઈડનું વધતું જતું પ્રમાણ જવાબદાર છે. વિશ્વભરના પેસેન્જર વિમાનો દ્વારા દર વર્ષે ૪૧ કરોડ ટન અને વિશ્વભરની મોટરકારો દ્વારા વાર્ષિક ૧૭ કરોડ ટન કાર્બનડાયોક્સાઈડ વાતાવરણમાં ઠલવાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ ઠાલવતા દેશોમાં ચીન સમગ્ર વિશ્વમાં મોખરે છે. જ્યારે ભારત ચોથા ક્રમે આવે છે.
કુદરતી પર્યાવરણનું બીજું અને મહત્ત્વનું અંગ જલાવરણ છે. તેને પણ આપણે પ્રદૂષણ વિમુખ રાખ્યું નથી. માનવીની આર્થિક પ્રવૃત્તિઓને કારણે નદીઓ, તળાવો અને કુવાઓ દિન પ્રતિદિન પ્રદૂષિત થઈ રહ્યા છે. ઔદ્યોગિક કચરાનો નિકાલ, પશુ તથા માનવીનાં મળમુત્ર, તથા મૂર્તિ વિસર્જન જેવા કાર્યોથી જળપ્રદૂષણ વધ્યું છે. બીજી બાજુ ભૂગર્ભ જળના ભંડારો પણ ખલાસ થઈ રહ્યા છે. એક અંદાજ મુજબ ૨૦૩૫માં ભારતમાં ૬૦ ટકા જેટલા જળભંડારો ખલાસ થઈ જશે. ૨૦૩૦માં દુનિયાનાં ૪૭ ટકા લોકો જળ સંકટનો સામનો કરતા હશે.
વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ ઠાલવતા દેશો (વર્ષ-૨૦૦૬) ચીન ૬.૨ અબજ ટન, અમેરિકા ૫.૮ અબજ ટન, રશિયા ૪.૭ અબજ ટન, ભારત ૧.૩ અબજ ટન, જાપાન ૧.૩ અબજ ટન, જર્મની ૦.૮૬૨ અબજ ટન, કેનેડા ૦.૬૩૯ અબજ ટન, બ્રિટન ૦.૫૮૦ અબજ ટન, દ. કોરિયા ૦.૪૯૭ અબજ ટન, ઇટાલી ૦.૪૮૫ અબજ ટન, દ. આફ્રિકા ૦.૪૩૦ અબજ ટન, ફ્રાન્સ ૦.૪૦૬ અબજ ટન, ઈરાન ૦.૪૦૨ અબજ ટન, મેકિસ્કો ૦.૩૮૫ અબજ ટન, ઓસ્ટ્રેલિયા ૦.૩૮૬ અબજ ટન, સા. અરેબિયા ૦.૩૬૫ અબજ ટન, યુક્રેન ૦.૩૬૪ અબજ ટન, સ્પેન ૦.૩૬૨ અબજ ટન, બ્રાઝીલ ૦.૩૩૪ અબજ ટન, તાઈવાન ૦.૩૦૮ અબજ ટન, અન્ય દેશો ૨.૮૪૧ અબજ ટન.
વાતાવરણનાં પ્રદૂષણને કારણે ઉત્તરધ્રુવ પરની હિમશીલાઓ પીગળીને સમુદ્રની સપાટીમાં વધારો કરે છે તેથી સમુદ્રનો ફેલાવો થતાં આસપાસનાં ૨૫ કિ.મી. સુધીનાં ભુગર્ભજળને ખારૂ બનાવી દે છે. કુદરતી પર્યાવરણનું ત્રીજું અને મહત્વનું અંગ છે મૃદાવરણ. જેમાં જમીન, જંગલો, ખડકો અને પર્વતોનો સમાવેશ થાય છે. માનવીએ જંગલોનો જે ઝડપથી વિનાશ કરવા માંડ્યો છે તેને અટકાવવા શ્રી સુંદરલાલ બહુગુણાએ ચિપકો આંદોલન શરૂ કર્યું છે. અને ૧૯૫૦ થી કનૈયાલાલ મુનશીએ વનમહોત્સવ શરૂ કર્યો છે. માનવીએ ખનીજતેલ મેળવવા માટે પૃથ્વીનાં પેટાળનું વિદોહન કરવાનું ચાલું રાખ્યું છે. જેનાથી ધરતીકંપ જેવી વિનાશક અસરો ઉદ્ભવી છે. બીજી બાજું ઠંડા પ્રદેશોનો બરફ પીગળવાને કારણે મહાસાગરોનું સ્તર વધ્યું છે. જેથી સમુદ્ર કિનારે આવેલા ટાપુઓ ગુમાવવાનો વારો આવ્યો છે. સમુદ્રનું ખારું પાણી ફળદ્રુપ જમીન પર ફરી વળતા જમીન બિન ઉપજાઉ બને છે તથા સમુદ્રની આસપાસ રહેણાંકની સમસ્યા સર્જાતા વસ્તીએ અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરવું પડે છે અને વસ્તી ગીચતાનાં પ્રશ્નો સર્જાય છે. વર્તમાન સમયમાં વૈશ્વિક તાપમાનમાં જે ગતિથી વધારો થઈ રહ્યો છે તેને કારણે ભારતનો લગભગ ૫૦૦ ચો.કિ.મી. જેલો વિસ્તાર જળસમાધિ લઈ લે તેવી શક્યતા છે.
બલભદ્રસિંહ એસ. મંડોરા- લેખક ગુજરાત કોલેજ, અમદાવાદમાં અર્થશાસ્ત્રના વ્યાખ્યાતા સહાયક છે.
સંકલનઃ કંચન કુંભારાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/1/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate