অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વિશ્વ અને પાણી

વિશ્વ અને પાણી

વિશ્વમાં પાણીની સમસ્યા અંગે આપણે વારંવાર સાંભળતા હોઇએ છીએ. ભવિષ્યમાં વિશ્વ પાણીની અછતથી પીડાતું હશે એવું આપણે સમાચારપત્રોમાં વાંચીએ છીએ પણ આવા સમાચારોની ગંભીરતાને આપણે સમજતાં નથી. આ વાત જયારે યુનાઇટેડ નેશન્સ(યુ. એન.) કહી ત્યારે વાતને ગંભીરતાથી લેવાનું વિશ્વના દેશોએ શરૂ કર્યુ છે. યુનાઇટેડ નેશન્સ-સંયુકત રાષ્ટ્ર સંઘે વિશ્વને ચેતવણી આપતાં જણાવ્યું છે કે, પ્રવર્તમાન સંજોગોમાં વિશ્વના અમુક પ્રદેશો પાણીની તિવ્ર અછતથી પીડાઇ રહ્યા છે. આગામી સમયમાં આ સ્થિતિને વકરતી અટકાવવા માટે પાણીનો બચાવ કરવામાં નહી આવે તો વિશ્વ માટે એક મોટી મુશ્કેલી ઊભી થઇ શકે તેમ છે. વિશ્વની પાણીની પરિસ્થિતિ અંગેનો અભ્યાસ કરીને સંયુકત રાષ્ટ્ર સંઘે અહેવાલમાં નોંધ કરી છે કે, વિશ્વમાં દિવસેને દિવસે ખોરાકની માંગ અને જળની અછત આવી રીતે જ વધતી જશે તો આવનારા વર્ષોમાં વિશ્વના અમુક દેશો ખોરાક અને પાણી માટે રીતસરના વલખા મારતાં હશે.

સમગ્ર વિશ્વમાં ૨૨, માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા પ્રેરણા આપવાનો, પાણીનું મહત્ત્વ સમજવાનો તેમજ પાણીને વેડફાતું અટકાવીને તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવાનો છે. ઇ.સ. ૧૯૯૩ના વર્ષની સંયુકત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ ૨૨, માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે ઘોષિત કરેલો છે. દર વર્ષે પાણીને અનુલક્ષીને એક થીમ નક્કી કરવામાં આવે છે.

વર્ષ ૧૯૯૬માં પાણીની અછત ધરાવતાં શહેરોને ધ્યાને રાખીને થીમ બનાવવામાં આવી હતી. ૧૪ વર્ષ બાદ ફરી એ જ થીમ વર્ષ ૨૦૧૧ના વર્ષે રાખવી પડી છે જે દર્શાવે છે કે દોઢ દાયકા બાદ પણ શહેરોમાં પાણીની ચિંતા ઓછી થઇ શકી નથી. શહેરો માટે સંતોષકારક પાણી મેળવવું તે એક મોટો પડકાર છે. વર્ષ ૨૦૦૩માં પણ 'ભવિષ્ય માટેનું પાણી" એવી થીમ આયોજિત કરવામાં આવી હતી, પણ એ બાબતે પણ એવું કહી શકાય કે, હાલ તો આપણે આપણા વર્તમાનમાં પણ પૂરતું પાણી મેળવી કે બચાવી શકતા નથી તો ભવિષ્યનું ભાથું શુ ???

વિશ્વ જળ દિવસ નિમિત્તે યુ. એન. વોટર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી 'એડવોકેસી ગાઇડ એન્ડ એકશન હેન્ડ બુક"માં નોંધવામાં આવેલી હકીકતો ઉપર એક નજર ફેરવી લેવી પણ જરૂરી છે: વિશ્વના શહેરોમાં વસતિ વધારો ૨ વ્યકિત/સેકન્ડ છે. વિકાસ પામી રહેલા દેશોમાં છેલ્લા દશ વર્ષમાં શહેરોમાં ૯૫% વસતિ વધારો થયો છે. છેલ્લા દશકામાં વિશ્વના દેશોમાં ૮૨૭.૬ મિલિયન લોકો શહેરોમાં વિસ્થાપિત થયેલા છે અને તેઓ પીવાના પાણીની અછત અને સ્વચ્છતાના મુદ્રે પ્રભાવિત થયેલા છે. વિશ્વમાં આજની તારીખે ૨૭% લોકો ઘરે પાઇપલાઇનથી પાણી મેળવી શકતા નથી. વિશ્વના મેગા સીટીમાં દર વર્ષે ૨૫૦-૫૦૦ ઘનમીટર પાણી પાઇપલાઇનમાંથી લીકેજ થતું રહે છે. વિશ્વના ચારમાંથી દરેક એક સીટીમાં ૭૯૪ મિલિયન લોકોને સેનીટેશન અંગેની યોગ્ય સગવડતા મળતી નથી જેને કારણે કોલેરા, મલેરિયા અને ડાયેરિયા જેવા રોગો વારંવાર માથું ઊંચકે છે.

વિશ્વમાં પાણીને કારણે ઉદ્‌ભવી રહેલી બધી સમસ્યાની સામે શહેરોમાં પાણીનું યોગ્ય વ્યવસ્થાપનનો પ્રાણ પ્રશ્નનો જવાબ તો હજુ મેળવવાનો બાકી છે. જે ઝડપે શહેરોમાં વસતિ વધારો થઇ રહ્યો છે અને સામે પાણીને જે અછત ઊભી થઇ રહ્યી છે તે પડકારની સામે વિશ્વમાં હજુ સુધી કોઇ રણનીતિનું આયોજન કરવામાં આવેલું નથી. જોકે ભારતવર્ષમાં હવે ભૂગર્ભજળના વ્યવસ્થાપન અંગેની કામગીરી આગમી બારમી પંચવર્ષિય યોજના મારફતે કરવાની શરૂઆત કરવામાં આવી રહી છે.

વર્ષ ૨૦૧૨ના વિશ્વ જળ દિવસની થીમ વોટર એન્ડ ફૂડ સિકયુરિટી છે. થીમની કેચલાઇનમાં દર્શાવેલું છે કે, વિશ્વ તરસ્યું છે કારણે કે આપણે ભૂખ્યા છીએ. સરસ વાત લખી નાખી છે એક જ લાઇનમાં ! આપણી પાણી મેળવવાની ભૂખ હજુ પણ પ્રજવલ્લિત છે. પાણીની ભૂખનો જવાળામુખી હજુ શાંત થયો નથી. આજે સ્થિતિ એવી છે કે, લોકોને પાણી એકદમ હાથવગું જોઇએ છીએ. આવી રીતે પાણી મેળવી લેવાની લાહ્યમાં પૃથ્વીની હાલત ચારણી જેવી થઇ ગઇ છે. બોરવેલની ટેકનોલોજિ સારી છે એની ના નહી પણ કહેવત છે કે અતિની ગતિ નહી. આપણે આજે ભૂગર્ભજળ મેળવવા માટે એટલા ઊંડા ઉતરી ગયા છીએ કે, ભવિષ્યમાં ભૂતળમાં દરિયાના ખારા પાણી ઘુસી આવવાની પૂરેપૂરી સંભાવના છે. આ બાબતનો પૂરાવો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા ગામો છે. આજની તારીખે એ ગામોના ભૂગર્ભજળના સ્રોતોમાં દરિયાના ખારા પાણી આવી ગયા છે અને દિવસેને દિવસે આ સમસ્યા વકરતી જાય છે. આ સમસ્યાને કાબુમાં લેવાના પગલાઓ લેવામાં નહી આવે તો એક અંદાજ પ્રમાણે પરિસ્થિતિ એવી નિર્માણ થશે કે દરિયાકાંઠાથી દૂર વિસ્તારમાં પણ બોરવેલ કરવામાં આવે તો પણ તેમાંથી ખારૂં પાણી પ્રાપ્ત થશે.

આ વર્ષે વિશ્વ જળ દિવસની થીમમાં પાણીની સાથે ખોરાકને જોડવામાં આવેલું છે. આ એક અગત્યનો મુદો છે. વિશ્વમાં પાણીને બે પ્રકારે ઓળખવામાં આવે છે ગ્રીન વોટર અને બ્લુ વોટર. આપણે જાણીએ છીએ કે, ખોરાક ખેતીના પાક ઉત્પાદન દ્વારા મળે છે અને તેના માટે જમીનની સાથે પાણીની જરૂરિયાત રહે છે. આ પાણી વરસાદ(ગ્રીન વોટર) અને નદી, તળાવો વેટલેન્ડસ અને એકિવફર(બ્લુ વોટર) દ્વારા પ્રાપ્ત થાય છે. સમગ્ર વિશ્વમાં ખેતીમાં ૭૦% બ્લુ વોટરનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વમાં ખેડી શકાય તેવી જમીનમાંથી ૨૦% જમીન પિયતખેતીની છે જે વિશ્વના ૪૦% ખોરાક માટેના ઉત્પાદનો રળી આપે છે. આની સામે તળાવો અને વેટલેન્ડસના પાણીમાંથી પણ ફૂડ સિકયુરિટી મળે છે. જો આવા તળાવો કે વેટલેન્ડસનું પાણી ખેત ઉત્પાદન માટે વાપરી નાખવામાં આવે તો તેમાંથી મળતી ફૂડ સિકયુરિટી નષ્ટ પામે!

ખોરાક સાથે પાણી અન્ય રીતે પણ જોડાયેલું છે. ઉદાહરણ જોઇએ તો યુ. એન.ના અહેવાલ પ્રમાણે એક કપ ચા બનાવવા માટે ૩૫ લિટર પાણીની જરૂરિયાત રહે છે. વાત અસ્વભાવીક લાગે પણ સાચી છે કારણ કે, અહીં ફકત ચા બનાવવા માટે વપરાતાં પાણીની વાત નથી પણ એક કપ ચા બનાવવા માટે વપરાતી ચાની ભૂકીનું ઉત્પાદન કરવા તેમજ તેના પ્રોસીંગમાં વપરાતાં પાણીની સાથે ચા બનાવવાથી લઇને ચા પીધા બાદ કપ-રકાબી ધોવાની પ્રક્રિયા સુધી વપરાતા પાણીની વાત કરવામાં આવી રહી છે. કોણ, કયાં, કેવી રીતે પાણી વાપરી રહ્યું છે એ ઊંડાણપૂર્વક જોવાનું શરૂ કરવું પડશે તો જ આપણને ખ્યાલ આવશે કે, કયાં બીન જરૂરી પાણીનો વપરાશ થઇ રહ્યો છે.

દુનિયાના અન્ય દેશોની સરખામણીએ ભારતવર્ષમાં વાર્ષિક ભૂગર્ભજળના ખેંચાણનો દર ખૂબ જ વધારે છે અને આ પ્રકારનું ભૂગર્ભજળનું શોષણ પાણીના સ્તરને સતત નીચું લઇ જાય છે. વર્ષ ૨૦૦૫ના વર્લ્ડ બેન્કના હેવાલ પ્રમાણે જો પાણીના વ્યવસ્થાપન અંગેની પોલિસીમાં ફેરફાર કરવામાં નહી આવે તો આવનારા બે દાયકા બાદ પાણીની ખૂબ જ તંગી હશે. અહી પાણીના સંદર્ભમાં અર્થતંત્રને સમજવાની જરૂર છે. જેટલું પાણી મળી શકે છે એ પ્રમાણે તેનો કાર્યક્ષમ ઉપયોગ કરવાથી પાણીનો બચાવ થઇ શકે, એ માટે શહેરોમાં દરેક વ્યકિતએ પાણીનો ઉપયોગ કરવાની પોતાની ટેવને બદલવાની જરૂર છે. જયાં એક લોટા પાણીથી કાર્ય સંપન્ન થઇ શકતું હોય ત્યાં એક બાલટી પાણી બગાડવાની જરૂર નથી. આ જાતનો અભિગમ અપનાવવામાં આવે તો શહેરોમાં પાણીની તંગીને મહદઅંશે ઓછી કરી શકાય. આ માટે કોઇ બાહ્યશકિત નહી પણ ફકત આંતરિક મક્કમ મનોબળની જરૂર છે જે કદાચ દરેક સમજદાર વ્યકિત કેળવી શકે!

લેખક: વિનીત કુંભારાણા

સ્ત્રોત: ઇન્ડિયા વોટર પોર્ટલ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/1/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate