অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શિક્ષણના અધિકારનો અધિનિયમ

શિક્ષણના અધિકારનો અધિનિયમ

  1. પ્રાથમિક શિક્ષણની પ્રાપ્યતા ઉપયોગમાં લેવાયેલા સૂચકાંકો:
    1. મહત્ત્વનાં તારણો
  2. માળખાકીય સુવિધાની ગુણવત્તા ઉપયોગમાં લેવાયેલા સૂચકાંકો:
    1. મહત્ત્વનાં તારણો
  3. આરટીઇ અધિનિયમની લાક્ષણિકતાઓ
  4. શિક્ષકો અને આરટીઇઉપયોગમાં લેવાયેલા સૂચકાંકો:
    1. મહત્ત્વનાં તારણો:
  5. આરટીઇ સુનિશ્ચિત કરવામાં સમુદાયની ભાગીદારી ઉપયોગમાં લેવાયેલા સૂચકાંકો:
    1. મહત્ત્વનાં તારણો:
  6. શિક્ષણમાં સામાજિક બહિષ્કારઉપયોગમાં લેવાયેલા સૂચકાંકો:
    1. મહત્ત્વનાં તારણો
  7. અહેવાલમાંથી નીકળેલા પ્રશ્નો
    1. પદ્ધતિસરની સજ્જતા
    2. આરટીઇ ધોરણ અનુસાર શાળાઓની પ્રાપ્યતા
    3. સામુદાયિક સહભાગિતા અને એસએમસી
    4. ગુણવત્તા
    5. સમાવેશકતા
    6. શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણ
    7. શિક્ષકો
  8. એસએમસીની રચના અને તેની ભૂમિકા રચના
  9. ભૂમિકા તથા જવાબદારી
  10. ચાવીરૂપ ભલામણો
    1. આરટીઈ માટે પદ્ધતિસરની સજ્જતા
    2. શિક્ષકો
    3. અભ્યાસક્રમના વિકાસ માટે એનસીએફ માર્ગદર્શક સિદ્ધાન્તો
    4. ફરિયાદ નિવારણ
    5. ખાનગી શાળાઓ માટે નિયમ અનુસાર માળખું
    6. સામુદાયિક સહભાગિતા
    7. ગુણવત્તામાં સુધારો
    8. સામાજિક સમાવેશકતા
    9. આરટીઇ અમલીકરણને વેગ આપવા માટેનાં ચાવીરૂપ પરિબળો

રાઇટ ટુ ઍજ્યુકેશન (આરટીઇ) ફોરમ એ રાષ્ટ્રીય શૈક્ષણિક નેટવર્ક, શિક્ષક સંગઠનો અને કેળવણીકારોનો સમૂહ છે તેમાં આશરે 10,000 સંગઠનો જોડાયેલાં છે. આરટીઇ ફોરમનો ઉદ્દેશ્ય શિક્ષણ વ્યવસ્થામાં પદ્ધતિસરની સુધારણા લાવવાનો છે. તેમના વર્તમાન અહેવાલમાં આરટીઇ ઍક્ટ, 2009ના અમલીકરણ સાથે સંકળાયેલા જુદા-જુદા પ્રશ્નો પર ભાર મૂકવામાં આવ્યો છે.

આરટીઇ ફોરમના જણાવ્યા પ્રમાણે હજી પણ આશરે 80 લાખ બાળકો શાળાનાં શિક્ષણથી વંચિત છે. શાળામાં કદી પણ દાખલ ન થનારાં આ બાળકો બાળ મજૂરો, વિચરતા સમુદાયનાં બાળકો, સ્થળાંતરિત બાળકો, સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં રહેનારાં બાળકો અને વિકલાંગતા ધરાવનારાં બાળકો જેવા સીમાંત અને વંચિત બાળકો છે. અહેવાલ અનુસાર બાળકોના આ વર્ગ માટે વધુ સઘન પ્રયત્નો કરવા જરૂરી છે. આ અસમાનતાઓને દૂર કરવામાં અને તમામ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ભૂમિકા અંગે પણ આ અહેવાલમાં ચર્ચા કરવામાં આવી છે. અહેવાલમાં નીતિ અંગેની ભલામણોમાં ખાનગી શાળાઓમાં નિયમોના પાલન, સામાજિક સમાવેશકતા, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (એસએમસી)ની ભૂમિકા, શિક્ષકોની ગુણવત્તા અને શાળાની માળખાકીય સુવિધા પર ભાર મૂકાયો છે.

ઉપરોક્ત અભ્યાસ, ગુજરાત અને રાજસ્થાન સહિતનાં 17 રાજ્યોની કુલ 2191 શાળાઓ (સરકારી શાળાઓ, ખાનગી સહાય ધરાવતી શાળાઓ, ફક્ત ખાનગી શાળાઓ)માં હાથ ધરવામાં આવ્યો હતો. તાલીમ પામેલા સ્વયંસેવકો દ્વારા એકત્રિત કરવામાં આવેલી પ્રાથમિક અને ગૌણ માહિતીના આધારે તથા ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા પરિશિષ્ટ અનુસાર આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.

આ લેખ રાજસ્થાન અને ગુજરાતમાં આરટીઇના અમલીકરણની સ્થિતિ દર્શાવે છેઃ

પ્રાથમિક શિક્ષણની પ્રાપ્યતા ઉપયોગમાં લેવાયેલા સૂચકાંકો:

  • સ્થળાંતરિત, વિચરતાં અને વિકલાંગતા ધરાવનારાં બાળકોનું આકલન. સ્થળાંતરિત તથા વિચરતા સમુદાયનાં બાળકોને શિક્ષણ આપવા માટે આવાસીય (રેસિડેન્શિયલ) શાળા જેવી ખાસ સુવિધાઓનું ચલણ.
  • પ્રાથમિક શાળાઓ માટે 200 દિવસ અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓ માટે 220 દિવસ શાળા કાર્યરત.
  • એક કિમીના અંતરમાં એક પ્રાથમિક શાળા અને 3 કિમીની અંદરના અંતરમાં એક ઉચ્ચ પ્રાથમિક શાળા.

મહત્ત્વનાં તારણો

  • 41 ટકા શાળાઓમાં સ્થળાંતરિત બાળકોને સામેલ કરાયાં ન હતાં.
  • ફક્ત 3.7 ટકા શાળાઓએ વિચરતાં બાળકોને સામેલ કર્યાં હતાં.
  • 24.7 ટકા શાળાઓએ વિકલાંગતા ધરાવતાં બાળકોનું આકલન કર્યું હતું.
  • ફક્ત 0.8 ટકા શાળાઓ આવાસીય (રેસિડેન્શિયલ) સુવિધા ધરાવતી હતી.
  • 25 ટકા શાળાઓ બાળકો પર નજર રાખતી નહોતી.
  • સર્વે હેઠળની 15 ટકા શાળાઓ નિર્દિષ્ટ દિવસો કરતાં ઓછું કામ કરતી હતી.
  • ઘણી શાળાઓને કાર્યરત શાળા ગણાવવા માટે જ ખોલવામાં-બંધ કરવામાં આવતી હતી.

ગુજરાતમાં 90 ટકા પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓ અનુક્રમે એક કિમી અને ત્રણ કિમીની અંદરના અંતરમાં આવેલી હતી. વળી, ગુજરાતમાં 90 ટકા કરતાં વધારે શાળાઓ શાળાની ઇમારત અંગેના નિયમોનું સૂચકાંકોમાં આપેલાં ધોરણો અનુસાર પાલન કરતી હતી.

માળખાકીય સુવિધાની ગુણવત્તા ઉપયોગમાં લેવાયેલા સૂચકાંકો:

શાળાની ઇમારત પાકી, આંશિક પાકી છે અને શાળાની દીવાલ ધરાવે છે.

  • પૂરતા વર્ગખંડો
  • શિક્ષકો માટેનો કોમન રૂમ
  • શીખવવા માટેની જરૂરી સામગ્રીની પ્રાપ્યતા (બ્લૅક બૉર્ડ)
  • રમતનું મેદાન અને સામગ્રીઓ
  • પુસ્તકાલય
  • રસોડું - જે રસોઈ બને, તેની યાદી દર્શાવવી, રસોઈ બનાવવાનો ઓરડો
  • પીવાનું સ્વચ્છ પાણી
  • છોકરીઓ - છોકરાઓ માટે જુદાં-જુદાં શૌચાલય
  • વિકલાંગતા ધરાવતાં બાળકો માટે અલાયદું શૌચાલય
  • સીડી ચઢવા-ઊતરવા માટે હાથ વતી પકડવાનો કઠેડો સાથેનો ઢોળાવવાળો માર્ગ

મહત્ત્વનાં તારણો

  • 77 ટકા શાળાઓ તેમની શાળાઓના સ્થળ અંગેનાં ધોરણોને અનુરૂપ હતી.
  • 79 ટકા શાળાઓ દરેક ઋતુના હવામાનને અનુકૂળ ઇમારતો ધરાવતી હતી.
  • ફક્ત 50 ટકા શાળાઓ જ શાળાની દીવાલ ધરાવતી હતી.
  • પાંચ ટકા શાળાઓ ફક્ત એક વર્ગખંડ ધરાવતી હતી.
  • ફક્ત એક તૃત્યાંશ શાળાઓ શિક્ષકો માટે કોમન રૂમ ધરાવતી હતી.
  • સાત ટકા શાળાઓ પાસે યોગ્ય બ્લૅક બૉર્ડ નહોતું.
  • 40 ટકા શાળાઓમાં રમતનું મેદાન નહોતું અને 55 ટકા શાળાઓમાં પુસ્તકાલય હતું.
  • 77.8 ટકા શાળાઓ પીવાનાં સ્વચ્છ પાણીની સુવિધા ધરાવતી હતી.
  • આરટીઈ ઍક્ટમાં જણાવ્યા પ્રમાણેનું રસોડું ફક્ત 68.8 ટકા શાળાઓ પાસે જ હતું.
  • ફક્ત 9.2 ટકા શાળાઓમાં વિકલાંગતા ધરાવતાં બાળકો માટે અલાયદાં શૌચાલયો હતાં અને 40 ટકા શાળાઓ સીડી ચઢવા-ઊતરવા માટે પકડવાનો કઠેડો સાથેનો ઢોળાવ ધરાવતી હતી.

આરટીઇ અધિનિયમની લાક્ષણિકતાઓ

  • ભારતમાં 6થી 14 વર્ષની વયજૂથનાં તમામ બાળકોને વિના મૂલ્યે તથા ફરજિયાત શિક્ષણ.
  • બાળક, પ્રાથમિક શિક્ષણ (ધોરણ-8 સુધીનું શિક્ષણ) પૂરું ન કરે, ત્યાં સુધી તેણે બૉર્ડની પરીક્ષા પાસ કરવી જરૂરી નથી, ઉપરાંત ત્યાં સુધી કોઈ પણ બાળકને ભણતું અટકાવવામાં ન આવી શકે તથા શાળાએથી કાઢી મૂકી શકે નહિ.
  • જો છ વર્ષ કરતાં વધુ વયના બાળકને કોઈ પણ શાળામાં દાખલ કરવામાં ન આવ્યું હોય, અથવા તો તેને દાખલ કરવામાં આવ્યું હોય, પરંતુ તે તેનું પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરી શક્યું હોય, તો તે બાળકને તેની વયને અનુરૂપ વર્ગમાં દાખલ કરવામાં આવશે, તે માટે, તે બાળકને નિર્દિષ્ટ રીતે નિશ્ચિત સમય મર્યાદાની અંદર ખાસ તાલીમ મેળવવાનો અધિકાર છે. આ રીતે પ્રાથમિક શિક્ષણ માટે દાખલ કરવામાં આવેલું બાળક ચૌદ વર્ષની વય પૂરી કર્યા બાદ પણ પ્રાથમિક શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી વિના મૂલ્યે શિક્ષણ મેળવવા હકદાર રહેશે.
  • પ્રાથમિક શિક્ષણ માટે બાળકને દાખલ કરવા માટે તેની વય, બર્થ, ડેથ એન્ડ મેરેજિસ રજિસ્ટ્રેશન અધિનિયમ, 1856ને અનુરૂપ જારી કરવામાં આવેલા જન્મના પ્રમાણપત્રના આધારે અથવા તો નિર્દિષ્ટ કર્યા પ્રમાણેના આ પ્રકારના અન્ય દસ્તાવેજના આધારે નક્કી કરવામાં આવશે. વયના પુરાવાના અભાવના કારણે કોઈ પણ બાળકને શાળામાં પ્રવેશથી વંચિત રાખી શકાશે નહીં.
  • પ્રાથમિક શિક્ષણ પૂરું કરનારા બાળકને પ્રમાણપત્ર આપવામાં આવશે.
  • વિદ્યાર્થી- શિક્ષકના નિશ્ચિત પ્રમાણ (રેશિયો)ની માગણી.
  • આર્થિક રીતે પછાત હોય તેવા સમુદાયોનાં બાળકોને તમામ ખાનગી શાળાઓમાં વર્ગ એકમાં પ્રવેશ માટે 25 ટકા અનામતની જોગવાઈ.
  • શિક્ષણની ગુણવત્તામાં સુધારાનો આદેશ.
  • શાળાના શિક્ષકો પાસે પાંચ વર્ષની અંદર પૂરતી વ્યવસાયિક ડિગ્રી હોવી જરૂરી, અન્યથા તેઓ નોકરી ગુમાવશે.
  • શાળાની માળખાકીય સુવિધા (જો સમસ્યારૂપ હોય, તો) ત્રણ વર્ષની અંદર સુધારવી, અન્યથા શાળાની માન્યતા રદ થશે.
  • નાણાકીય ખર્ચ રાજ્ય અને કેન્દ્ર સરકાર - બંનેએ ભોગવવાનો રહેશે.

શિક્ષકો અને આરટીઇઉપયોગમાં લેવાયેલા સૂચકાંકો:

  • ભરતી કરાયેલા શિક્ષકો સામે સહાયક શિક્ષકો અને શિક્ષકો, પેટા કરાર / પ્રૉક્સી શિક્ષક
  • વિદ્યાર્થીઓ અને શિક્ષકના રેશિયો (પીટીઆર)નાં ધોરણોનો અમલ
  • વિષય અને ભાષાના અલાયદા શિક્ષકોની સ્થિતિ / વિકલાંગતા ધરાવતા બાળકો માટે વિશિષ્ટ તાલીમકર્તા
  • શિક્ષકોને ફાળવવામાં આવેલી બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓ
  • શાળાએ પહોંચવા માટે શિક્ષકોએ કાપવું પડતું અંતર
  • ઇન-સર્વિસ તાલીમ

મહત્ત્વનાં તારણો:

  • પ્રત્યેક દસ શિક્ષકો પૈકીના એક શિક્ષક પેરા-ટીચર હોવાનું માલૂમ પડ્યું હતું.
  • 56.6 ટકા શાળાઓ પીટીઆરનાં ધોરણોનું પાલન કરતી હતી.
  • ફક્ત 35 ટકા શાળાઓ અલાયદા વિષય-શિક્ષક ધરાવવાના ધોરણનું પાલન કરતી જોવા મળી હતી.
  • 66 ટકા શાળાઓ વિકલાંગતા ધરાવતાં બાળકો માટે વિશિષ્ટ શિક્ષક ધરાવતી નહોતી.
  • 47 ટકા શિક્ષકો આરટીઇ ઍક્ટમાં નિર્દિષ્ટ પ્રવૃત્તિઓ સિવાયની અન્ય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા.
  • 57 ટકા શાળાઓમાં એકથી પાંચ શિક્ષકોએ તાલીમ મેળવી હતી.
  • ગુજરાતમાં 75 ટકા કરતાં વધારે શાળાઓમાં છોકરીઓ માટે અલાયદાં શૌચાલયની સુવિધા હતી, જ્યારે રાજસ્થાનની ફક્ત 32 ટકા શાળાઓમાં જ આ સુવિધા હતી.
  • ગુજરાતની 80 ટકા શાળાઓ મધ્યાહન ભોજનનું મેનૂ (ભોજનની યાદી) દર્શાવતી હતી.
  • રાજસ્થાનની એક તૃત્યાંશ શાળાઓ કોઈ પણ ઋતુ સામે ટકી શકે તેવી ઈમારતો ધરાવતી નહોતી તથા એક ચતુર્થાંશ અને તેથી વધુ શાળાઓમાં રસોડાની સુવિધા નહોતી.

આરટીઇ સુનિશ્ચિત કરવામાં સમુદાયની ભાગીદારી ઉપયોગમાં લેવાયેલા સૂચકાંકો:

  • એસએમસી ધરાવતી શાળાઓ, લોકશાહી અને સામાજિક ઘડતરનાં ધોરણોને વળગી રહેતી શાળાઓ
  • એસએમસી દ્વારા કરવામાં આવતાં કાર્યો અને પંચાયતી રાજ સંસ્થાઓ કે શહેરી સ્થાનિક નિગમોની સામેલગીરી
  • રાજ્યોમાં સમુદાયની ભાગીદારીની સ્થિતિ

મહત્ત્વનાં તારણો:

  • 79 ટકા શાળાઓ એસએમસી ધરાવે છે, પરંતુ ચૂંટણીની પ્રક્રિયા તેમ જ સભ્યોનું પ્રતિનિધિત્વ અધિનિયમનાં ધોરણો અનુસાર નહોતું.
  • 59 ટકા શાળાઓના વ્યવસ્થાપનમાં પંચાયતી રાજ સંસ્થાઓ અને શહેરી સ્થાનિક નિગમોની સામેલગીરી જોવા મળી હતી.
  • ગુજરાતની 75 ટકા શાળાઓમાં પીટીઆરનું પાલન કરવામાં આવે છે.
  • ગુજરાતની 14 ટકા શાળાઓ વિશિષ્ટ શિક્ષકો ધરાવે છે.

શિક્ષણમાં સામાજિક બહિષ્કારઉપયોગમાં લેવાયેલા સૂચકાંકો:

  • સ્પષ્ટ ભેદભાવ અને બહિષ્કાર
  • ફરિયાદ નિવારણ વ્યવસ્થા
  • વિકલાંગતા ધરાવતા બાળકોને સહાયક સાધનો અને પરિવહન માટેની જોગવાઈઓ

મહત્ત્વનાં તારણો

  • 29.2 ટકા શાળાઓમાં શિક્ષકો ફરિયાદનું નિવારણ કરતા હતા, આ ક્ષેત્રે એસએમસીની ટકાવારી બે ટકા, સ્થાનિક વહીવટી નિગમોની ટકાવારી 0.6 ટકા હતી.
  • ફક્ત 11.6 ટકા શાળાઓ સહાયક ઉપકરણો ધરાવતી હતી અને ફક્ત 3.3 ટકા શાળાઓ વિકલાંગતા ધરાવતા બાળકો માટે પરિવહન પૂરું પાડતી હતી.

અહેવાલમાંથી નીકળેલા પ્રશ્નો

પદ્ધતિસરની સજ્જતા

અધિનિયમનો અમલ કરવામાં સરકારની સજ્જતાના અભાવ પર આ અહેવાલ પ્રકાશ પાડે છે. સરકાર એસએમસીની રચના માટે આદેશ જારી નથી કરતી તે આ વાતનું જ એક ઉદાહરણ છે. નિવાસી શાળાઓને અધિનિયમમાંથી બાકાત રાખવાથી તે શાળાનાં બાળકોને અન્યાય થવાની પૂરતી શક્યતા રહે છે. ઉપરાંત, વિકલાંગતા ધરાવનારાં બાળકોને ઘરે શાળાકીય શિક્ષણ પૂરું પાડવાનો અધિકાર આવાં બાળકોને મુખ્ય પ્રવાહ સાથે ભેળવવાના પ્રયાસને વધુ મુશ્કેલ બનાવે છે. આ અહેવાલમાં એ તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે બજેટની ફાળવણી વાસ્તવિક જરૂરિયાત અનુસાર નથી કરવામાં આવતી. પારદર્શિતા માટે નાગરિકો અને નાગરિક-સમાજ સંગઠનોની ભાગીદારીમાં સુધારો લાવવાની જરૂર છે. અંતમાં અહેવાલ સૂચવે છે કે ખાનગી ભાગીદારીના પ્રવેશને બદલે સરકારે સરકારી શાળાઓની સ્થિતિ તથા ગુણવત્તામાં સુધારો કરવા પર ધ્યાન આપવું જોઈએ.

ગુજરાતની 86 ટકા અને રાજસ્થાનની 96 ટકા શાળાઓએ એસએમસીની રચના કરી છે.

  • ગુજરાતની ફક્ત 27 ટકા શાળાઓમાં ચૂંટણીના આધારે એસએમસીની રચના કરવામાં આવી હતી.
  • ગુજરાતની 82 ટકા શાળાઓમાં તથા રાજસ્થાનની 85 ટકા શાળાઓમાં માન્ય ધોરણો અનુસાર સુયોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતી એસએમસી કાર્યરત હતી.
  • રાજસ્થાનની 80 ટકા શાળાઓમાં એસએમસી દ્વારા સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો અને 79 ટકા શાળાઓ તેના પર દેખરેખ રાખી રહી હતી.

આરટીઇ ધોરણ અનુસાર શાળાઓની પ્રાપ્યતા

બારેમાસ યોગ્ય હોય તેવા શાળા સુધીના માર્ગોનો અભાવ, ગામડાંઓમાં નિર્દિષ્ટ અંતરની અંદર શાળાઓ ન હોવી (એક કિમીની અંદર પ્રાથમિક શાળા અને ત્રણ કિમીની અંદર ઉચ્ચ પ્રાથમિક શાળા) તથા શાળાએથી ઊઠી જતાં બાળકોના રૅકોર્ડની જાળવણીનો અભાવ વગેરે જેવા પ્રશ્નો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

સામુદાયિક સહભાગિતા અને એસએમસી

કોઈ પણ રાજ્યની એસએમસી તેની રચનાના સંદર્ભમાં માર્ગદર્શિકાઓના અભાવની સમસ્યાનો સામનો કરે છે. વળી, તેમાં સમિતિના સભ્યોની યોગ્ય ચૂંટણી પણ નથી થતી કે યોગ્ય પ્રતિનિધિત્વ પણ નથી હોતું. શાળાના વિકાસના આયોજન (સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન)માં એસએમસીના સભ્યોની સામેલગીરીનો તથા તેમની ભૂમિકાઓ સંદર્ભેની તેમની જાગૃતિનો અભાવ જોવા મળતો હતો.

ગુણવત્તા

નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (એનસીએફ)ના સંદર્ભમાં પુસ્તકોની ગુણવત્તા અને એક કરતાં વધુ ધોરણના વર્ગો લેવા માટે શિક્ષકોને અપાતી તાલીમ તથા સ્થાનિક ભાષામાં શીખવવાની શિક્ષકોની ક્ષમતાને પણ મહત્ત્વપૂર્ણ પ્રશ્નો ગણવામાં આવ્યા હતા.

સમાવેશકતા

સમાવેશકતાના પ્રશ્નોમાં મુખ્યત્વે સમાજનાં વંચિત જૂથો પર ભાર મૂકવામાં આવે છે. અનુસૂચિત જનજાતિ (એસટી)નાં બાળકોમાં શાળાએથી ઊઠી જવાનું અત્યંત ઊંચું પ્રમાણ આવો જ એક પ્રશ્ન છે. આ ઉપરાંત, મુસ્લિમ સમુદાયનાં બાળકોના શાળા-પ્રવેશ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. આ ઉપરાંત, વિકલાંગતા ધરાવતાં બાળકો માટે યોગ્ય પરિવહનની જોગવાઈનો પણ અભાવ જોવા મળ્યો હતો.

શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણ

25 ટકા અનામત પૂરી પાડવા સામેના અંતરાયને ટાળવા માટે સહાય વિના ચાલતી વિવિધ રાજ્યોની ખાનગી શાળાઓ દ્વારા સામૂહિક ધોરણે લઘુમતી દરજ્જા માટે અરજી (કારણ કે લઘુમતી શાળાઓને 25 ટકા અનામતના ધોરણમાંથી બાકાત કરવામાં આવી છે) કરવામાં આવતી હોવાના અહેવાલો પણ મુખ્ય પ્રશ્ન છે.

શિક્ષકો

શિક્ષકોની સંખ્યા તથા શિક્ષકોની ગુણવત્તા, લાયકાત એ સરકારી શાળાઓનો કાયમી પ્રશ્ન બની ગયો છે. 99 ટકા શિક્ષકો 'સેન્ટ્રલ ટિચર એલિજિબિલિટી ટેસ્ટ' (સીટીઇટી)માં નપાસ થયા અને ઘણી શાળાઓમાં હજી પણ એક જ શિક્ષક છે - આ હકીકતો પરથી વાસ્તવિકતા જાણી શકાય છે.

એસએમસીની રચના અને તેની ભૂમિકા રચના

  • 75 ટકા એસએમસી સભ્યો માતા-પિતા હોવાં જોઈએ.
  • બાકીના 25 ટકા સભ્યો પૈકીના એક તૃત્યાંશ સભ્યો સ્થાનિક સત્તા તંત્રના ચૂંટાયેલા સભ્યો, એક તૃત્યાંશ શિક્ષકો અને એક તૃત્યાંશ સ્થાનિક કેળવણીકારો હોવા જોઈએ.
  • જો તે વિસ્તારમાં કોઈ કેળવણીકાર હોય, તો એક વિદ્યાર્થીને તે સ્થાન આપવું જોઈએ.
  • એસએમસી સભ્યોની કુલ સંખ્યાનો આધાર શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા પર રહે છે.

ભૂમિકા તથા જવાબદારી

  • શાળાની કામગીરી પર દેખરેખ રાખવી.
  • આસપાસનાં તમામ બાળકો શાળામાં પ્રવેશ મેળવે અને નિયમિતપણે હાજર રહે તે સુનિશ્ચિત કરવું.
  • બાળકના અધિકારનો ભંગ થતો હોય, તેવા કિસ્સામાં સ્થાનિક સત્તા-તંત્રને તે અંગે જાણ કરવી, ખાસ કરીને બાળકની માનસિક અને શારીરિક પજવણીના કિસ્સામાં, પ્રવેશ આપવાના ઇનકારના કિસ્સામાં અને પ્રકારના અન્ય કિસ્સાઓમાં.
  • વિકલાંગ બાળકોની ઓળખ નક્કી કરવી તથા તેમના પ્રવેશ પર અને ભણવા માટે તેમને આપવામાં આવતી સુવિધાઓ પર નજર રાખવી. બાળકોની સહભાગિતા તથા તેમનું પ્રાથમિક શિક્ષણ પૂરું થાય તે સુનિશ્ચિત કરવું.
  • શાળામાં મધ્યાહ્ન ભોજનના અમલીકરણની દેખરેખ રાખવી.
  • શાળાનાં ખર્ચ અને આવકનો વાર્ષિક હિસાબ તૈયાર કરવો.
  • શાળા વિકાસ યોજના (સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન) તૈયાર કરવી તથા તેની ભલામણ કરવી.
  • યોગ્ય સરકારી કે સ્થાનિક સત્તા-તંત્ર કે અન્ય કોઈ પણ સ્રોત દ્વારા મળેલી ગ્રાન્ટના વપરાશ પર દેખરેખ રાખવી.
  • શિક્ષકો અધિનિયમમાં દર્શાવેલી ફરજો સિવાયની બિન-શૈક્ષણિક ફરજોના બોજા તળે દબાઈ નથી ગયા તેનું ધ્યાન રાખવું. બિન-શૈક્ષણિક ફરજોમાં દસ વર્ષીય વસતિ ગણતરી, સ્થાનિક સત્તા-તંત્રની ચૂંટણીઓ, વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ અને રાહત કાર્યોનો સમાવેશ થાય છે.

ચાવીરૂપ ભલામણો

આરટીઈ માટે પદ્ધતિસરની સજ્જતા

  • દેશની તમામ શાળાઓમાં માળખાકીય સુવિધાઓનું ધોરણ પૂર્ણપણે અનુસરવામાં આવે તે સુનિશ્ચિત કરવું.
  • શાળાએથી ઊઠી જવાની (ડ્રોપ આઉટ) સાર્વત્રિક વ્યાખ્યા રજૂ કરવી.
  • સત્તાવાર આંકડા અનુસાર શાળાકીય શિક્ષણથી વંચિત રહેનારાં 27 લાખ બાળકો માટે ખાસ તાલીમ શરૂ કરવી. શાળાથી વંચિત રહેનારાં બાળકોનો વાસ્તવિક આંકડો હજી પણ ઊંચો હોઈ શકે છે.
  • વહીવટી માળખાને આરટીઇ માળખા પ્રમાણે તૈયાર કરવાની કામગીરી હાથ ધરવી અને વિભાગોમાંના તમામ વહીવટી હોદ્દાઓ પર જરૂરી નિમણૂક કરવી.

શિક્ષકો

  • એસએસએ અને સ્ટેટ ઍજ્યુકેશન ડિપાર્ટમેન્ટ (રાજ્ય શિક્ષણ વિભાગ) હેઠળ 12 લાખ શિક્ષકોની વર્તમાન ખાલી જગ્યાઓ ભરવી.
  • શિક્ષિકાઓ (મહિલા શિક્ષકો)ની ભરતી તથા વંચિત સમુદાયોમાંથી ભરતીને પ્રાથમિકતા આપવી.
  • વર્તમાન શિક્ષકોને પુનઃ કામ પર રાખીને આગામી ત્રણ મહિનામાં કોઈ પણ શાળામાં ફક્ત એક જ શિક્ષક ન હોય તે સુનિશ્ચિત કરવું.
  • આચાર્ય (હેડ ટિચર)થી વંચિત 41 ટકા શાળાઓમાં આચાર્યની ભરતી અને તાલીમને પ્રાથમિકતા આપવી.
  • ગત વર્ષ દરમિયાન સ્કૂલ-ઇન્સ્પેક્ટર જે 48 ટકા શાળાઓની મુલાકાત નહોતા લઈ શક્યા, તે સહિતની શાળાઓ માટે તથા શિક્ષકો માટે ઉત્તરદાયિત્વનું માળખું સુનિશ્ચિત કરવા માટે સહાય અને તપાસ વ્યવસ્થાની પ્રક્રિયાને વધુ અર્થસભર બનાવવી.
  • એક્રેડિટેડ સ્ટેટિસ્ટિકલ વૉલન્ટિયર્સ (એએસવી)ને રોકવાના બિહારના મૉડૅલને દેશભરમાં લાગુ કરી શકાય. (એક્રેડિટેડ સ્ટેટિસ્ટિકલ વોલન્ટિયર્સ - એએસવી રાજ્યને સ્વયંસેવક સેવા પૂરી પાડે છે. તેથી, મોટાપાયે કરવામાં આવતા તમામ સર્વે (વસતિ ગણતરી અને સૅમ્પલ), શિક્ષણ પર તથા યોજનાના અમલીકરણના સમય પર વિપરિત અસર ન પહોંચે તે રીતે નિશ્ચિત સમય મર્યાદાની અંદર હાથ ધરવાના રહેશે.)

અભ્યાસક્રમના વિકાસ માટે એનસીએફ માર્ગદર્શક સિદ્ધાન્તો

  • શાળા બહારના જીવનને જ્ઞાન સાથે જોડવું.
  • ગોખણપટ્ટીની પદ્ધતિ દૂર થાય તે સુનિશ્ચિત કરવું.
  • બાળકોના સમગ્રતયા વિકાસ માટે અભ્યાસક્રમને પાઠ્યપુસ્તક કેન્દ્રીત ન રાખતાં સમૃદ્ધ બનાવવો.
  • વર્ગખંડોમાં પરીક્ષાઓને વધુ લવચિક અને સુગ્રથિત બનાવવી.

25 ટકા અનામતના સંદર્ભમાં આઉટલૂક સામયિકમાં છપાયેલા - અસમાન બાળપણ - લેખમાંથી નોંધવામાં આવેલા મુદ્દા

  • સરકાર દ્વારા ટ્યૂશન ફીની કરવામાં આવતી ભરપાઈ (દર મહિને રૂ. 400 પ્રતિ બાળક) ખાનગી શાળાઓ દ્વારા વસૂલવામાં આવતી ફી (રૂ. 2,000-3,000) કરતાં ઘણી જ ઓછી છે.
  • ગુજરાતમાં 25 ટકા અનામત અનુસાર ખાલી બેઠકો 90 ટકા છે, અને રાજસ્થાનમાં આ પ્રમાણ ફક્ત 16 ટકા છે. ગુજરાતમાં 29 પૈકીના ફક્ત આઠ જિલ્લાઓમાં આરટીઇનો પ્રાયોગિક ધોરણે અમલ કરવામાં આવ્યો છે.
  • આ ઉપરાંત ઓળખ નક્કી કરવા માટેનો માપદંડ (5300 બેઠકો સાથે 200 શાળાઓ) પણ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યો નહોતો.
  • ઉત્તર પ્રદેશમાં સરકારી શાળાઓની તમામ બેઠકો ભરાઈ ગયા બાદ જ ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવો, મહારાષ્ટ્રમાં ઓનલાઇન એડમિશન, કર્ણાટકમાં ફક્ત 25 ટકા લઘુમતી વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓને લઘુમતીનો દરજ્જો આપવાનો નવો આદેશ - વગેરે જેવા રાજ્યોના નિયમોના કારણે ઇકોનોમિકલી વીકર સેક્શન (આર્થિક રીતે પછાત વર્ગ - ઇડબલ્યુએસ) માટે શિક્ષણ મેળવવું વધુ મુશ્કેલ બન્યું છે.

એસસીપીસીઆર અથવા તો આરઇપીએ, સ્થાનિક સત્તા-તંત્ર બાદ ફરિયાદ નિવારણ માટે આરટીઇ ઍક્ટ હેઠળનું પ્રથમ એપેલેટ એકમ ગણાય છે.

  • ગુજરાતમાં ફરિયાદો ઓનલાઇન નોંધવામાં આવે છે તથા ટોલ ફ્રી હેલ્પ લાઇન પૂરી પાડવામાં આવે છે.
  • આ વ્યવસ્થા ધરાવતાં ઘણાં રાજ્યોમાં આ વ્યવસ્થા યોગ્ય રીતે કાર્યરત નથી. તેના કારણે ફરિયાદોની સંખ્યા ઘણી જ ઘટી રહી છે. જેમ કે, રાજસ્થાનમાં 2010-11માં ફરિયાદોની સંખ્યા 771 હતી, જે ઘટીને 2012-13માં ફક્ત બે થઈ ગઈ હતી.

ફરિયાદ નિવારણ

  • ફરિયાદ નિવારણ પર અસરકારક રીતે દેખરેખ રાખવા માટે 'સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ' (એસસીપીસીઆર) અથવા તો 'રૂલ્સ ફોર ઍજ્યુકેટર પ્રિપેરેશન એન્ડ એકાઉન્ટિબિલિટી' (આરઇપીએ)નો અભાવ ધરાવતાં સાત રાજ્યોમાં તાકીદના ધોરણે તેની શરૂઆત કરવામાં આવે અને આરઇપીએને પૂર્ણપણે એસસીપીસીઆરમાં રૂપાંતરિત કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું.
  • એસસીપીસીઆર અને 'નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ' (એનસીપીસીઆર)ને પૂરતું ભંડોળ મળે, તે સશક્ત થાય તથા અપેક્ષિત જવાબદારી લેવા માટે વ્યવસાયિકોની નિયુક્તિ કરવામાં આવે તે જરૂરી છે.
  • એસએમસી અને પંચાયતથી માંડીને એનસીપીસીઆરમાં રહેલી ખામીઓની પૂર્તિ કરે તેવી રાષ્ટ્રીય તથા સમાવેશક ફરિયાદ-નિવારણ વ્યવસ્થા પ્રસ્થાપિત કરવી.

ખાનગી શાળાઓ માટે નિયમ અનુસાર માળખું

  • ખાનગી શાળાઓમાં 25 ટકાના ક્વોટાના અમલીકરણનો કંગાળ રૅકોર્ડ જોતાં, આ ક્વોટાના અમલીકરણની ફરજ પાડવી.
  • ખાનગી શાળાઓ આરટીઇનાં ધોરણો, માપદંડો તથા અન્ય જોગવાઈઓને અનુસરે તે સુનિશ્ચિત કરવા માટે તથા કેન્દ્રીય નિયમ દ્વારા ફી પર નિયંત્રણ જેવા અન્ય પ્રશ્નો માટે સુયોગ્ય નિયમન-માળખું અમલી બનાવવું.
  • પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી)ના નામે સરકારી શાળાઓ ખાનગી ક્ષેત્રને સોંપી દેવાનું ચલણ બંધ કરવું, અને તેના સ્થાને ખામીઓ દૂર થાય તે કરવા માટે જોગવાઈઓમાં સુધારો કરવો અને તે માટે જરૂરી પગલાં ભરવાં.

સામુદાયિક સહભાગિતા

  • શૈક્ષણિક સુવિધાઓની યોગ્ય કામગીરી માટે લોકો દ્વારા જ માગ ઊભી થવી જોઈએ અને શૈક્ષણિક હક્કો સુનિશ્ચિત કરવા લોકોનું દબાણ ઊભું કરવા માટે બાળકોને એકત્રિત તથા સંગઠિત કરવાં જોઈએ.
  • લોકોમાં તથા બાળકોમાં શૈક્ષણિક હક્કો અંગે જાગૃતિ લાવવા માટે રાજ્યએ મોટાપાયે સમુદાય જાગૃતિ કાર્યક્રમો અને મિડિયા કૅમ્પેઇન (સમૂહ-માધ્યમોમાં અભિયાનો) હાથ ધરવાં જોઈએ.
  • એસએમસીની રચના ચૂંટણી દ્વારા થવી જોઈએ અને મહિલાઓ તેમ જ સામાજિક રીતે બહિષ્કૃત જૂથોને કાયદેસર નિર્દિષ્ટ પ્રતિનિધિત્વ આપવું જોઈએ. જાતિગત સમાનતા અને પ્રમાણસર પ્રતિનિધિત્વ સાથે એસએમસીના લોકશાહી બંધારણની જવાબદારી આચાર્ય (હેડ ટીચર)ને સોંપવી જોઈએ, જેની દેખરેખ રાખવી જોઈએ.
  • એસએમસીની તાલીમ સમયે શિક્ષણની વિકેન્દ્રીકૃત વ્યવસ્થાના કર્મચારી તરીકે તેમનું સશક્તિકરણ કરવા પર ભાર મૂકવો જોઈએ. એસએમસી તાલીમ માટે, કેટલાંક રાજ્યોમાં પંચાયતી રાજ સંસ્થાના કર્મચારીઓને તાલીમ આપવાના થયેલા સફળ પ્રયત્નોને અનુસરવા જોઈએ.
  • આરટીઈ ઍક્ટ અને 73મા અને 74મા સુધારાના સંદર્ભમાં શિક્ષણ ક્ષેત્રે ભૂમિકા ભજવતાં સ્થાનિક સત્તા-તંત્ર (ખાસ કરીને પંચાયતો અને શહેરી સ્થાનિક નિગમો કે એકમો)ના ક્ષમતા-વર્ધનની પ્રક્રિયા શરૂ કરવી.

ગુણવત્તામાં સુધારો

  • કન્ટિન્યુએસ એન્ડ કૉમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન (સીસીઇ)ના બિન-અમલીકરણનાં પરિણામો તથા બિન-અટકાયત નીતિના અમલીકરણના બિન-કાર્યક્ષમ ઉપાયોનો ઉકેલ લાવવો.
  • પ્રારંભિક ધોરણોમાં ઊર્દુ બોલનારાં, સ્થળાંતરિત અને આદિવાસી સમુદાયમાંથી આવતાં બાળકો માટે માતૃભાષામાં સૂચનાઓ રાખવા માટેની દરમિયાનગીરીઓ વિકસાવવી.
  • શાળાના અભ્યાસક્રમમાં દલિત, મુસ્લિમ તથા આદિવાસી સમુદાયોનાં ધર્મ, સંસ્કૃતિ, આગેવાની તથા પ્રદાનના સમૃદ્ધ વૈવિધ્યને સમાવિષ્ટ કરવું તથા સંવેદનશીલતાનું વાતાવરણ ઊભું કરવું તથા તમામ શિક્ષકો અને બાળકોને તે સમુદાયો માટે આદર થાય તેવા પ્રયત્નો કરવા.
  • શિક્ષણમાં ટ્રાઇબલ સબ-પ્લાન (ટીએસપી) અને શિડ્યૂલ્ડ કાસ્ટ પ્લાન (સીએસપી) હેઠળ બજેટની ફાળવણીનો સીધો લાભ આદિવાસી અને દલિત બાળકોની શિક્ષણની પ્રાપ્યતા અને સિદ્ધિઓમાં થવો જોઈએ.
  • શિક્ષણ વ્યવસ્થામાં તમામ પ્રકારનાં બાળકોની સમાવેશકતા સુનિશ્ચિત કરવા માટે તથા તે માટેની જોગવાઈઓ અમલી બનાવવા માટે જાતિગત તફાવત અને વિકલાંગતા જેવા પ્રશ્નો પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે.
  • સરકાર દ્વારા ચાલતી તમામ શાળાઓને પ્રત્યેક બાળક દીઠ એકસમાન અને ન્યાયપૂર્ણ બજેટ આપવું.
  • અભ્યાસક્રમ અને પાઠ્ય-પુસ્તકો, વિદ્યાર્થીઓના શીખવાના સ્તર અનુસાર સમપ્રમાણ છે તે સુનિશ્ચિત કરવા માટે આ અભ્યાસક્રમ અને પાઠ્ય-પુસ્તકોની સમીક્ષા હાથ ધરવી અને જરૂરી ફેરફારો કરવા.

સામાજિક સમાવેશકતા

  • પ્રારંભિક શિક્ષણ ક્ષેત્રના ઘણા કર્મીઓ, દલિતો, મુસ્લિમો, આદિવાસીઓ તથા વિકલાંગતા ધરાવતા બાળકો સામાજિક બહિષ્કારની વાસ્તવિકતા સ્વીકારતા નથી. આ સંદર્ભમાં શિક્ષકોને તેમના 'શિક્ષક શૈક્ષણિક અભ્યાસક્રમ' અને કામગીરી દરમિયાન (ઇન-સર્વિસ) તાલીમ કાર્યક્રમોના ભાગરૂપે સામાજિક અને ઐતિહાસિક તાલીમ આપવામાં આવશે તથા વિદ્યાર્થીઓ માટે આ સંદર્ભે સંવેદનશીલતા કેળવવાનાં સત્રો યોજવામાં આવશે.
  • છોકરા અને છોકરા સાથે જાતિગત સમાનતાને ધ્યાનમાં રાખીને વ્યવહાર કરવો તે બાબતને પરિવારોમાં, સમાજમાં તથા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સુદ્રઢ કરવામાં આવે તે જરૂરી છે.
  • સીડબલ્યુએસએન પરના આરટીઇ ઍક્ટની તમામ જોગવાઈઓ પર દેખરેખ રાખવા માટે, સીડબલ્યુએસએનમાં કામ કરી રહેલા તમામ નાગરિક-સમાજ સભ્યોની સહભાગિતા સાથે તમામ રાજ્યોમાં સીડબલ્યુએસએન સેલની રચના કરવી જોઈએ.

આરટીઇ અમલીકરણને વેગ આપવા માટેનાં ચાવીરૂપ પરિબળો

  • ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર ઍજ્યુકેશન (ડીઆઇએસઇ)નો ઉપયોગ કરવો, જે મૂળભૂત આરટીઇ ધોરણોનું અનુસરણ સુનિશ્ચિત કરવા માટે તાકીદના કામચલાઉ ધોરણે શાળા સંબંધિત વિગતો ધરાવે છે.
  • અમલીકરણની ઓનલાઇન પ્રાપ્ય સ્થિતિના આધારે પારદર્શી વ્યવસ્થા અમલી કરવી અને તે માટે મધ્ય પ્રદેશ ઍજ્યુકેશન વેબ પોર્ટલ જેવા પ્રવર્તમાન મૉડૅલનો ઉપયોગ કરવો, જેમાં તમામ માહિતી જાહેર કક્ષાએ ઉપલબ્ધ હોય છે અને સ્થાનિક રહેવાસીઓ પણ તેમની વિગતો આપી શકે છે. અમલીકરણના પડકારોની જાણકારી વ્યાપક હશે, તો નાગરિક-સમાજ સંગઠનો, સહાય વિસ્તારવા માટે વધુ અસરકારક રીતે સક્ષમ બની શકશે.
પ્રાથમિક શિક્ષણ  સાર્વત્રિક  માટે  પ્રતિબદ્ધતાની જરૂર
સ્ત્રોત : વિચાર, ઉન્નતી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate