অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અમારા વિશે

પ્રસ્તાવના

૧ લી મે ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારથી યુવા પ્રવૃત્તિઓ અને સાંસ્‍કૃતિક બાબતો અંગેની કાર્યવાહી એક સ્‍વતંત્ર વહીવટી વિભાગ તરીકે અસ્‍તિત્વમાં ન હતી, પરંતુ રાજ્ય યુવા પ્રવૃત્તિઓને વેગ આપવા તા. ૧૭-૧૨-૧૯૯૦ થી યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ એક અલગ વિભાગ તરીકે અસ્‍તિત્વમાં આવ્‍યો. સામાન્‍ય વહિવટ વિભાગના તા. ૦૫-૦૮-૧૯૯૭ના જાહેરનામાં ક્રમાંક ગસ (૯૭-૨૬-સક્ત૧૧૯૭(૩)કેયુ) થી વિષયોની પુન: ફાળવણી અન્‍વયે વિભાગ હસ્‍તક કેટલાક નવા વિષયો આવતા વિભાગનું નામ યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓને બદલે રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિ વિભાગ કરવામાં આવેલ છે. જે મુજબ વિભાગ આ નામ મુજબ કાર્યરત છે. આ વિભાગ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંગ્રહાલય, પુરાત્વ, ગ્રંથાલયો, દફતરી અને હસ્‍તપ્રતો, શતાબ્દી ઉજવણી અને સ્‍મારકો તથા અકાદમીઓ અંગેની કામગીરી સંભાળે છે.

રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ નીચે મુજબનાં ખાતાના વડાઓ કામ કરે છે.

  • યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓના કમિશ્નરશ્રી.
  • સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત.
  • સંગ્રહાલય નિયામકશ્રી.
  • પુરાતત્વ નિયામકશ્રી.
  • અભિલેખાગાર નિયામકશ્રી.
  • ગ્રંથાલય નિયામકશ્રી.
  • ગુજરાત સાહિત્ય અકાદમી.
  • સંગીત નાટક અકાદમી.
  • લલિત કલા અકાદમી.
  • ભાષા નિયામકશ્રી.
  • ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી સેલ.
  • ગુજરાત રાજ્ય સંર્વસંગ્રહ (ગેઝેટિયર).
  • આ સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, સંગીત નાટક અકાદમી, ગુજરાત સાહિત્ય અકાદમી અને લલિતકલા અકાદમી સ્‍વાયત્ત સંસ્‍થાઓ તરીકે કામ કરે છે.
  • આ ઘડેલ નીતિઓ અને યોજનાનાં અમલ પરત્વે ખાતાના વડાઓ તેમને સુપ્રત કરેલી સત્તાની અંદર રહી દેખરેખ રાખે છે, અને તેમની સત્તામાં ન આવતી બાબતો અંગે સરકારનાં રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ પાસેથી હુકમો મેળવે છે. તેમની સંબધિત પ્રવૃત્તિઓ અને તે માટેની નાણાંકીય જોગવાઈ દર્શાવતું અલગ કામગીરી અંદાજપત્ર પણ રજુ કરે છે. સંબંધિત ખાતાના વડાની કચેરીની પ્રવૃત્તિઓ કામગીરી અંદાજપત્રમાં દર્શાવવામાં આવી છે.
  • આ વિભાગ ખાતાના વડાઓની કક્ષાએ નીતી ઘડે છે. અને તનો અમલ થાય તેની દેખરેખ રાખે છે. આ વિગતો સંબંધિત ખાતાના વડાઓના કામગીરી અંદાજપત્ર ભાગ-૨માં પ્રકાશિત કરવામાં આવી છે.

હેતુઓ અને ઉદ્દેશો

યુવા કલ્‍યાણ.

સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ અને રમતગમત, રાજ્યની મુલાકાત લેતા સાંસ્‍કૃતિક મંડળો વગેરે સહિત મનોરંજન અને વિશ્રાંતિ સમયની પ્રવૃત્તિઓ.

સંગ્રહાલયો

સંસદે કાયદાથી રાષ્‍ટ્રીય અગત્યના જાહેર કર્યા હોય તો તે સિવાયના પ્રાચીન અને ઐતિહાસિક સ્‍મારકો તથા પુરાવશેષ સ્‍થાનો અને અવશેષો

રાજ્ય દ્વારા નિયંત્રિત થતા કે આર્થિક સહાય મેળવતા ગ્રંથાલયો અને પ્રકાશનો બીજી સંસ્‍થાઓ, ગ્રંથાલયોની નોંધણી.

દફતરો અને હસ્‍તપત્રો.

(અ)   મહાનુભાવોની શતાબ્દી ઉજવણી અને સ્‍મારકો.

 

(બ)   અકાદમીઓ.

  • વિભાગના વહીવટી નિયત્રણ નીચેનાં બધા રાજ્યપત્રિત અધિકારીઓ અને બિન રાજ્યપત્રિત સરકારી કર્મચારીઓની નિમણૂંકો, પદ, નિયુક્તિઓ, બદલી, બઢતી, વર્તણુક, રજા મંજુરી, પેન્‍શન વગેરેની લગતી તમામ બાબતો.
  • વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ - ૧ અને વર્ગ - ૨ના અધિકારીઓને પેન્‍શન મંજુર કરવાને લગતી તમામ બાબતો.
  • વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલયના કેડરનાં વર્ગ - ૧ તથા ૨ના અધિકારીઓને રજા મંજુર  કરવાને લગતી તમામ બાબતો.

રાજ્યનાં હેતુઓ માટે રાજ્યના નિહીત થયેલા કે તેના કબજા હેઠળના અને રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ને સોંપાયેલા કામ જમીન અને મકાનો.

૧૦

આ સૂચિમાંની કોઈપણ બાબતનાં હેતુઓ માટે તપાસ અને આંકડા.

૧૧

કોઈ કોર્ટમાં લેવાતી ફી સિવાય આ સૂચિમાંની બાબતો માટેની ફી.

સિધ્ધિઓ

સોનેરી સિધ્ધિના ઝળહળતાં અજવાળાં

ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર શાનદાર અને વિશિષ્ટ છે. ગુર્જરી ધરાના રસાળ પટ પર વહેતા સાંસ્કૃતિક પ્રવાહો સદીઓની સદીઓના સગડ પાઠવી રહ્યા છે. શ્રી કૃષ્‍ણનું કવન આજના દિવસે પણ જાણે કલશોર કરી રહ્યું છે. સમયની દીર્ધ અને યશસ્વી મજલ દરમિયાન ગુર્જરખંડની કલા -વિરાસત સતત સંવર્ધિત થતી રહી છે. ગુર્જર ધરા પર રાસના ચાસ છે, અહીં ગરબાનું નર્તન ધબકી રહ્યું છે.

ગુજરાતના લોકજીવનની નવરંગી રંગોળી ભપકાદાર છે રાજયની સાંસ્કૃતિક વિરાસત અજર-અમર છે. કાળની અનેકાનેક ઠોકરો ખાઇને પણ ગુર્જરી પ્રજાએ તેની ઓળખ અસ્મિ‍તા અને વિશિષ્ટતાઓને જાળવી રાખ્યા છે. રાજયની વિધ વિધ કલાઓ અને લોકજીવનની સંનિધિમાં પાંગરેલી લોક પરંપરાઓ ભવાઇ લોકનૃત્યો-લોકનાટયો ગિરિવાસીઓની ગાયન-વાદન અને નર્તનના વિવિધ આવિષ્કારો અહીં છડેચોક સ્પંદી રહ્યાં છે. ગુર્જર સંસ્કારીતાને સહજતા સાંપડી છે. શિષ્ટતા સાંપડી છે. અને વિશિષ્ટતા પણ સાંપડી છે. રાજયના બહુઆયામી અને બહુમુખી સાંસ્કૃતિક આવિષ્કારોને રાજય સરકાર વતી સંવારવાનું દાયિત્વ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ સેવારત કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્રારા કરવામાં આવે છે.

સદીઓના સમૃધ્ધ વારસા અને અનન્ય અતીત સાથે છલકી રહેલું ગુજરાતનું લોકજીવન- તેની રૂડપ પરંપરાઓ પ્રણાલિઓ અને સભ્યતા સમયના વહન સાથે સવિશેષ રીતે સમૃધ્ધ બની રહ્યાં છે. આજના દિવસે રાજયનું સાંસ્કૃતિક ફલક અને સર્વાંગ કલાજગત ખુબ ફુલ્યું ફાલ્યું છે. રાજયમાં યુવાલક્ષી પ્રવૃત્તિઓનું વ્યાપક વિસ્તરણ થયું છે. સમરસતા અને સહિષ્ણુતાના મૂલ્યવાન મૂલ્યોંના કારણે વિધવિધ મુલકોના સાંસ્કૃતિક શિરસ્તાંઓ, પરંપરાઓ અને પ્રવાહોનું શ્રેષ્ઠપ સમાયોજન થયું છે. યુવક સેવા અને સાંસ્કૃકતિક પ્રવૃત્તિઓની કમિશ્નનર કચેરી દ્રારા વર્ષે દિવસે યોજાતા ભવ્ય. - ભાતીગળ અને ભપકદાર કાર્યક્રમોમાં રાજયની વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને કલાઓનુ શ્રેષ્ઠ મંચન થયું છે. જેના કારણે વૈવિધ્યોમ વચ્ચે ઐકયનો આવિષ્કાર થયો છે. કોઇએ સાચું જ કહ્યું છે કે કલા એટલે અમૂર્તને મૂર્ત બનાવવાની ઉપાસના ! માનવ જીવનના ઉમંગ-ઉર્મિઓ અને સર્વાંગ ચેતના કલાના ફલક પર પ્રગટીકરણ પામે છે અને જેના કારણે કલાઓના આરાધક કલાકાર તેની કલા-શ્રેષ્ઠ્તાને ઉજાગર કરે છે. રાજયના રમતગમત યુવા અને સાંસ્કૃસતિક પ્રવૃત્તિઓ વિભાગના શ્રેષ્ઠ પ્રયાસો-સફળ આયોજન અને ક્રિયાન્વઅયનના કારણે ગુજરાતનો કલાકાર સાચા અર્થમાં ઉંચા ગજાનો કલાકાર બન્યો ‍છે.આવો ત્યારે એક નજર આપણે એવા શાનદાર કાર્યક્રમો પર કરીએ જેના ફલક પર ગુર્જરખંડની સર્વાંગ સંસ્કારીતા ટહુકતી દેખાય છે.

આવો ત્યારે એક નજર આપણે એવા શાનદાર કાર્યક્રમો પર કરીએ જેના ફલક પર ગુર્જરખંડની સર્વાંગ સંસ્કારીતા ટહુકતી દેખાય છે.

કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના સંયોજન હેઠળ વર્ષે દહાડે અનેકાનેક વૈવિધ્ય પૂર્ણ અને નોંખનિરાળા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

મોઢેરાના વિશ્વ વિખ્યાત સૂર્યમંદિરની નિશ્રામાં ઉજવાતો ઉત્તરાર્ધ મહોત્સવ

કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્રારા ઇશુના નૂતન વર્ષે તા.૧૪ જાન્યુજઆરીના ઉત્તરાયણ એવં મકર સંક્રાંતિના લોકોત્સવ બાદ આવતા પ્રથમ શનિવારથી બે કે ત્રણ દિવસ સુધી ઉજવાતો ઉત્તરાર્ધ મહોત્સવ નૂતન વર્ષની ભેટ ગણાય છે મહેસાણા જિલ્લા ના મોઢેરા ખાતે બિરાજમાન વિશ્વ વિખ્યાત સૂર્યમંદિરની સંનિધિમાં ઉત્તરાર્ધ મહોત્સવનું ૧૯૯૭ થી પારંપારિક આયોજન કરવામાં આવે છે. સહસ્ત્રરશ્મિર સૂર્ય ઉત્તર દિશા તરફ ઢળે અને મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે ઉત્તરાયણનું પ્રકૃતિપર્વ ઉજવાય છે. આખા ભારત વર્ષમાં ઉત્તરાયણ પર્વ વિવિધ નામથી ઓળખાય છે. ગુજરાતમાં પતંગ પર્વ ગણાતો ઉત્તરાયણ ઉત્સવ સાચા અર્થમાં નિર્સંગનો ઉત્સવ ગણાય છે. સૂર્યવંદના એવં ભાસ્કરવંદનાનો આ મહોત્સવ હકીકતમાં શાસ્ત્રીયનૃત્ય નો મહોત્સવ છે. જેમાં દર વર્ષે ભારતના શાસ્ત્રીય નૃત્યના ખ્યા‍તનામ નર્તકોની ઉપસ્થિતિમાં વિવિધ શાસ્ત્રીય નૃત્યોંનું મંચન કરવામાં આવે છે. શાસ્ત્રીય નૃત્યો‍ની કમનીય પ્રસ્તુતિમાં શિષ્ટ નૃત્યકલાના વિવિધ નૃત્યોનું આયોજન કરાય છે. ભરતનાટયમ સહિત કથકલી, કુચીપુડી જેવા નૃત્યોના માહેર કલાકારો દ્રારા અત્રે ઉપસ્થિત રહેતા હજારો દર્શકોનું રંજન કરવામાં આવે છે.

ઉત્તરાર્ધ મહોત્સવમાં સમગ્ર સૂર્યમંદિર પરિસર સહિત સૂર્યમંદિરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવે છે. નવરંગી રોશનીની ઝાકમઝોળ વચ્ચે્ સૂર્યમંદિરના કિર્તિ તોરણના ચોતરે નૃત્યોની મનમોહક અને રોમાંચક પ્રસ્તુતિથી દર્શકો ભાવવિભોર બની જાય છે. સમગ્ર દેશમાં શાસ્ત્રીય નૃત્યોના માહેર કલાવૃંદો અને સમર્થ આચાર્યોની મોજુદગી ઉત્તરાર્ધ મહોત્સવને શાનદાર સફળતા અપાવે છે, અને લોકમાનસ પર સમગ્ર મહોત્સવ અનોખી છાપ છોડી જાય છે. આમ ઉત્તરાર્ધ મહોત્સવ રાજયની સાંસ્કૃતિક વિરાસત અને દેશની શાસ્ત્રીય નૃત્ય શૈલીનો છડીદાર બની રહે છે.

વસંતોત્સવ

મહાસુદ પંચમી એટલે વસંત ઋતુના ચૈતન્યાસભર પ્રારંભની માંગલિક તિથિ. ઋતુઓમાં જેની અગ્રગણના કરાય છે. અને જેનું આગમન સકલ સૃષ્ટિ્ને નાવિન્ય તાજપ-ઉમંગ ઉત્સાહ અને ચેતના બક્ષે છે. વસંત ઋતુના આગમનના વધામણાં કરવા માટે કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્રારા પાટનગર ગાંધીનગરના સંસ્કૃતિકુંજ પરિસર ખાતે મહદઅંશે ફેબ્રુઆરી માસના અંતમાં પ્રસિધ્ધ વસંતોત્સવ કાર્યક્રમનું દસ દિવસ માટે આયોજન કરાય છે.

વસંતોત્સવ કાર્યક્રમ ર્સ્ફુતિ,તાજગી, થનગનાટ, લાવણ્યમહ આકર્ષક વેશભૂષા અને વિવિધ પ્રદેશોની લોક પરંપરાઓથી શોભતા ભાતીગળ નૃત્યોનો શાનદાર મહોત્સવ બની રહે છે. વેસ્ટર્ન ઝોન કલ્ચર સેન્ટર જયપુર અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના ઉપક્રમે અને કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર કચેરીના આયોજન હેઠળ ઉજવાતો વસંતોત્સ‍વનો મનોહારી મહોત્સવ કમિશ્નરશ્રી કચેરી દ્રારા ઉજવાતા વિવિધ ઉત્સવમાં સૌથી શિરમોર અને સરતાજ ગણાય છે. વસ્ંતોત્સવ કાર્યક્રમમાં ગુજરાત મહારાષ્ટ્ર્, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, પશ્રિમ બંગાળ, આસામ, કર્ણાટક, ગોવા સહિત અન્ય રાજયોના વિશ્વ પ્રસિધ્ધ‍ લોકનૃત્યોનું મંચન કરાય છે. વસંતોત્સ‍વના રાત્રિ કાર્યક્રમો પાટનગર સહિત અમદાવાદ અને ગ્રામ વિસ્તારોના દર્શકો માટે નજરાણા સમાન બની રહે છે. રાજસ્થાનની ભવાઇ હોય કે મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય. મશહુર- માહેર કુશળ અને કસાયેલા કલાકારોના પારંપારિક વેશભૂષા વિવિધ સાજ અને વાંજિત્રો અને દિલધડક નૃત્યોની પ્રસ્તુતિથી સમગ્ર વાતાવરણને ઉમંગથી ભરી દે છે હજારો દર્શકો દસ દિવસ સુધી વસંતોત્સવના નૃત્ય મહોત્સવને મન ભરીને માણે છે.

વસંતોત્સવ સાચા અર્થમાં રંગીલા અને મનભાવક લોકમેળાનું રૂપ ગ્રહે છે. અંહી ભારતભરની વિખ્યા્ત હસ્તકલાઓની હાટડીઓ મંડાય છે. દેશના જુદા જુદા રાજયોની હેન્ડીક્રાફટસની કૃતિઓનું ખુબ મોટુ બજાર અંહી ભરાય છે. જયાં નગરજનો મનગમતી ચીજવસ્તુઓની ખરીદી કરે છે. અંહી ખાણી-પીણીની મોજ મજા માણતા લોકોની પણ મોટી ભીડ જામે છે. આમ વસંતોત્સવ કાર્યક્રમ પાટનગર માટે ભવ્ય નજરાણું બની રહે છે. વંસતોત્સવના દર્શકો માટે નિયત ચાર્જ સાથે પ્રવેશ પાસની કચેરી ધ્વાંરા વ્યંવસ્થા કરવામાં આવે છે.

વસંતોત્સવ કાર્યક્રમ જુદા-જુદા પ્રદેશોના લોકનૃત્યો, આદિવાસી નૃત્યો અને સાંસ્કૃતિક શિરસ્તાઓના આદાન-પ્રદાનનો ઉત્સવ ગણાય છે. જેને ગુજરાત સહિત સમગ્ર દેશનો સાંસ્કૃતિક એમ્બેઅસેડર ગણી શકાય

તુરી-બારોટ કલાકારોની સાંસ્કૃતિક શિબિર

દસ-દિવસીય વસંતોત્સવના સમાપન બાદ સંસ્કૃતિકુંજ પરીસરમાં તુરી બારોટ કલાકારોની સાંસ્કૃતિક શિબિરનું આયોજન છેલ્લા ત્રણ વર્ષથી નિયમિત રીતે કરવામાં આવે છે. રાજયમાં અનુસુચિત જાતિ તુરી-બારોટ કલાકારોની આગવી જીવન શૈલી અને વિરલ વિરાસત છે. તુરી-બારોટ કલાકારો ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતના વાહક સંરક્ષક અને સંવર્ધક છે. ભવાઇની લોક કલાને લોકભોગ્ય અને લોકાભિમુખ બનાવવામાં રાજયની નાયક કોમની સાથે અનુસુચિત જાતિના તુરી-બારોટ લોક કલાકારોએ વિશિષ્ટ યોગદાન આપ્યું છે. જન્મજાત કલાકારો ગણતા અનુસુચિત જાતિના આ અદ્દકા કલાકારો ગાયન-વાદન-નર્તન, નાટયકલાના માહેર કલાકારો ગણાય છે. તુરી-બારોટ કોમ સાચા અર્થમાં કલાજીવી કોમ છે. જે જીવન પર્યન્ત કલાની સાધના-ઉપાસના ધ્વારા આર્થિક ઉપાર્જન કરવાની સાથે જનજાગૃતિનું અદકેરું કામ કરે છે. ગામડા-ગામમાં ભવાઇની કલાને ટહુકડી રાખવામાં આ કલાકારોનું લાખેણું પ્રદાન છે. આવી વિરલ વિરાસત ધરાવતા પછાત જાતિના કલાકારોને તેમની કલાનું યોગ્ય મંચન આપવામાં સંસ્કૃતિ કુંજની તુરી-બારોટ શિબિર અનેરો અવસર બની રહે છે. બે રાત્રી દરમ્યાન સંસ્કૃતિ કુંજનું પરીસર તુરી-બારોટ કોમની ઉંચા ગળાની ગજાદાર ગાયકી-નિરાળી નૃત્ય‍-કલા, લોક સાહિત્ય-લોક સંગીત, વિવિધ સાજનું વાદન-દૂહા-છંદ-ભજન- ઢોલ વગાડવાની કલા વિવિધ વાજિંત્રોનુ વાદન-ઠુમકા નાચણિયું-કુદણિયું જેવી પારંપરિક લોક કલાઓને છતી કરે છે. રાજયના પાટણ-મહેસાણા-બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતને કાઠિયાવાડ-મધ્ય ગુજરાત-દક્ષિણ ગુજરાતથી ટહુકતા કલાકારો આ શિબિરને સફળ બનાવે છે.

માતૃ-તર્પણ તીર્થ સિધ્ધેપુરનો માતૃ વંદના કાર્યક્રમ

પાટણ જીલ્લાનું સિધ્ધપુર સમગ્ર ભારત વર્ષનું વિખ્યાત અને એક માત્ર માતૃતર્પણ તીર્થ છે. પૌરાણિક કાળથી પ્રસિધ્ધ સિધ્ધપુર કાશીની મહતા અને માંગલ્ય ધરાવે છે. સરસ્વતી અને કુંવારકાના કાંઠે વસેલા શ્રી સ્થળ સિધ્ધીપુરને સિધ્ધ ક્ષેત્રની ખ્યા્તિ સાંપડેલી છે.

સિધ્ધપુરનું બિદું સરોવર માતૃ તર્પણ ધામ ગણાય છે. બિંદુ સરોવરના દર્શન શાસ્ત્રો્ના પ્રણેતા ભગવાન કપિલ મુનિની સિધ્ધ ભૂમિ ગણાય છે. કંદર્મ ઋષિ અને માતા દેવહુતિના પુત્ર ભગવાન કપિલે માતા દેવહતિને આત્મંજ્ઞાન આપી મોક્ષ આપ્યો હતો. પુત્રના જ્ઞાન અને પાવિત્ર્યથી ભાવવિભોર બનેલા માતા દેવહુતિની આંખમાંથી હર્ષનું અશ્રુ બિંદુ સરી પડયું હતું. માતા દેવહૂતિનું અશ્રુ બિંદુ જયાં પડયું ત્યાં બિંદુ સરોવર બન્યું હતું.

કપિલ મુનિની માતૃભક્તિના પ્રતીકને ચરિતાર્થ કરવા માટે રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ધ્વારા સિધ્ધિપુર ખાતે માતૃ વંદનાના મહિમામઢયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. કારતક માસ તર્પણ માસ ગણાય છે. સિધ્ધપુર ખાતે કાર્તિક પૂનમે કાત્યોકકનો લોકમેળો ભરાય છે. હજારો લોકો સરસ્વ‍તી નદીના પટ પર માતૃ શ્રાધ્ધ માટે પધારે છે. જયારે સમગ્ર સિધ્ધપુર પંથક માતૃ ભકિતમાં ભાવવિભોર હોય છે. અને વાતાવરણમાં માતૃ વંદના મહેંકતી હોય છે. તેવા સમયમાં માતૃ તર્પણ તીર્થ સિધ્ધપુર ખાતે યોજતો માતૃ વંદના મહોત્સવ સાચા અર્થમાં સાર્થક અને સમયાનુચિત બની રહે છે.

માતૃ વંદના કાર્યક્રમનું મલ્ટી મીડિયા પ્રેઝન્ટેશન ભવ્ય દિદાર છતો કરે છે. પ્રથમ રાત્રિએ નેત્રાકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમો-માતૃ મહિમાને ઉજાગર કરતું નાટક-લોક ડાયરો, મશહુર ગાયકોની પ્રસ્તૃતિથી હજારો લોકો ભાવ- વિભોર બને છે. સિધ્ધપુર પાલિકા-પ્રવાસન નિગમ-પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની સફળ કામગીરીથી માતૃ વંદનાનો કાર્યક્રમ ચિરસ્મરણીય બની રહે છે

આદિજાતિ મહોત્સવ

ગુજરાતની કુલ જન સંખ્યાના ૧૪ ટકા લોકો આદિવાસી પ્રજાજનો છે. જે મુખ્યત્વે રાજયના ડાંગ-વલસાડ-સુરત-વડોદરા-નર્મદા-રાજપીપળા-દાહોદ-પંચમહાલ સાબરકાંઠા અને બનાસકાંઠા જીલ્લામાં વસે છે. ગિરિકંદરા અને ડુંગરાઓ નદી નાળા અને વન વગડાની વચ્ચે વસવાટ કરતા આદિવાસી લોકોની જીવન શૈલી નોંખ નિરાળી-ભાતીગળ પારંપરિક અને પાકૃતિક છે. ભલા-ભોળા આદિજાતિ લોકોની જીવનશૈલી આગવી-અનુપમ અને અદ્રિતિય છે. તેની વિશિષ્ટ જીવન શૈલી જીવનાર્થેના સંઘર્ષોથી સહેજ પણ વિરમાતી નથી. આદિવાસીઓની રહેણીકરણીમાં નૃત્યો અને લોકનૃત્યોનો આગવો મહિમા છે. ગુજરાતના આદિવાસીઓના લોકનૃત્યો અલાયદા-પારંપરિક અને ખુબ જોશીલા હોય છે. રાજયના ૧૮ થી ૨૦ જેટલા ટ્રેડીશનલ આદિવાસી લોકનૃત્યોં મશહુર છે. રાજયના આદિજાતિ કલાકારોને તેમની કલાઓના મંચન માટે અવસર પુરો પાડવાના શુભ હેતુથી રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ધ્વારા દર વર્ષે આદિજાતિ કલાકારોનો મહોત્સવ ઉજવવામાં આવે છે. આદિજાતિ મહોત્સવ રાજયના આદિજાતિ પ્રજાજનોની જીવન શૈલી, પરંપરાઓ તેમના કલા-કૌશલ્ય અને કસબનો આયનો બની રહે છે

કમિશ્નરશ્રી, કચેરી ધ્વારા યોજાતા અન્ય વિવિધ કાર્યક્રમોમાં શાસ્ત્રીય સંગીત સમારોહ પણ મૂલ્યવાન ઘરેણા સમાન છે. સમાજ મધ્યે શાસ્ત્રીય સંગીતના પ્રચાર માટે કરાતા નિરંતર પ્રયાસોના પરીપાક સમાન શાસ્ત્રીય સંગીત સમારોહમાં શાસ્ત્રીય સંગીતના મશહુર કલાકારોની ઉપસ્થિતિ શ્રોતાઓ માટે યાદગાર બની રહે છે. સંસ્કૃતિકુંજ અને શાસ્ત્રીય સંગીત સમારોહનું આગવું મહત્‍વ છે.

સ્ત્રોત: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક


 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate