অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જાહેર સેવાઓમાં પહોંચ

જાહેર સેવાઓમાં પહોંચ

ગુજરાત અને રાજસ્થાનના અનુભવ

'યુરોપિયન યુનિયન'ની સહાયથી 'ઉન્નતિ' દ્વારા પશ્ચિમી રાજસ્થાનના બાડમેર જિલ્લાના બાલોતરા અને સિંધરી તાલુકામાં અને ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા/પોશિના અને વિજયનગર તાલુકામાં 'જાહેર યોજનાઓ અને કાર્યક્રમો અંગેની જાણકારી સુધીની પહોંચ' નામનો કાર્યક્રમ ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમ સાથે જોડાયેલા 'ઉન્નતિ'ના કાર્યકર્તાઓએ ગુજરાત અને રાજસ્થાનમાં જાહેર સેવાઓ સુધીની પહોંચના સંદર્ભમાં પોતાના અનુભવોને અહીં દર્શાવ્યા છે.

વયોવૃદ્ધ, વિધવા અને વિકલાંગ વ્યક્તિઓ માટેનું પેન્શન મેળવવાના અનુભવો

'ઉન્નતિ'ના શ્રી દિલીપ બિદાવતે એપ્રિલથી ઑગસ્ટ, 2014 દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના બાડમેર જિલ્લાનાં નવ ગામોના પેન્શન માટેના હકદાર લોકો અને પેન્શન-ધારકો સાથેની મુલાકાતના આધારે આ લેખ તૈયાર કર્યો છે. લેખમાં પેન્શન મેળવવામાં વિવિધ તબક્કે લોકોને સહન કરવી પડતી સમસ્યાઓ અને તે સમસ્યાઓનું નિરાકરણ લાવવાના ઉપાયો વિશે ચર્ચા કરવામાં આવી છે.

રાજસ્થાનના બાડમેર જિલ્લાના માંડલી ગામના વડીલ શંકરલાલ ભીલ કહે છે કે, પોતાના ખિસ્સામાં થોડા પૈસા પડ્યા છે તે લાગણી ઘણી જ સુખદ છે. શંકરલાલનાં બાળકો તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે, છતાં શંકરલાલને જરૂર પડ્યે કોઈની સામે હાથ લાંબો નથી કરવો પડતો, તે બાબત આશ્વાસનરૂપ છે. શંકરલાલ કેટલીક વખત તેમનાં પૌત્ર-પૌત્રીઓ માટે મીઠાઈ ખરીદે છે, તેથી બાળકો હંમેશાં શંકરલાલની આસપાસ જ રહે છે અને તેથી, શંકરલાલને કદી એકલતા નથી સાલતી. તાજેતરમાં જ ગામમાં રેશનની દુકાનમાં રેશન વેચાતું હતું, પરંતુ શંકરલાલના પુત્ર પાસે રેશન ખરીદવાના પૈસા નહોતા, ત્યારે તેણે પિતાની મદદ માંગી. પુત્રને ખરીદી કરવા માટે પૈસા આપીને શંકરલાલને ઘણો આનંદ થયો, અને તેમનું માનવું છે કે તેમના પુત્રને પણ પિતાએ કરેલી મદદ બદલ ચોક્કસ આનંદ થયો હશે.

 

ચિડિયાડા ગામના વયોવૃદ્ધ દુદારામ એકાકી જીવન વીતાવે છે. તેઓ ગામના મંદિરના પૂજારી છે અને આ કામમાંથી તેમની જરૂરિયાતો સંતોષાઈ રહે છે. પેન્શનની રકમમાંથી તેઓ કપડાં ખરીદે છે, બીમાર હોય ત્યારે દવાઓ ખરીદે છે અને ઘણી વખત જાત્રા કરે છે અથવા તો સંબંધીઓને મળવા જાય છે. પેન્શનની આવકને કારણે તેઓ જરૂર પડ્યે પારિવારિક પ્રસંગોમાં ખર્ચ કરી શકે છે. આ રીતે પેન્શન તેમને સલામતી પૂરી પાડે છે.

મોટા સંયુક્ત પરિવારમાં રહેતી મહિલાએ જણાવ્યું હતું કે, તેના તમામ પુત્રો કમાય છે અને તેની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. પેન્શન દ્વારા મળેલી રકમ અંગે તે મહિલા જણાવે છે કે, જો કોઈ ખર્ચ કરવો હોય, તો તેણે તેના પુત્રો અને પુત્રવધૂઓની પરવાનગી લેવી પડે, પણ પેન્શનની રકમ ખર્ચવાનો નિર્ણય તેનો પોતાનો હોય છે. દીકરી-જમાઈઓ વર્ષે એકાદ-બે વાર આવે, ત્યારે સામાજિક પ્રથા અનુસાર તેમના માટે તે ભેટ-સોગાદની ખરીદી કરી શકે છે. દયાવંતી લોકોમોટર વિકલાંગતા ધરાવે છે. તેમના બન્ને પગ કામ કરતા નથી. દયાવંતી વિધવા છે. તેમને ટ્રાઇ-સિકલ આપવામાં આવી છે. તેઓે છોકરાઓની ખાનગી હૉસ્ટેલમાં રસોઈ બનાવવાનું અને પાપડ વેચવાનું કામ કરે છે. તેમને મળતા પેન્શનમાંથી તેઓ પોતાની પુત્રીના શિક્ષણનો અને પરિવારમાં કોઈ માંદું હોય તો તેનો ખર્ચ કાઢી શકે છે. તેઓ કહે છે કે પેન્શન સમયસર ન મળતું હોવા છતાં તેમની પાસે પેન્શનરૂપી આવકનો સ્રોત હોવાના કારણે લોકો તેમને નાણાં આપે છે અને વેપારીઓ ઉધાર પર સામાન આપે છે.

જોકે, આ મહત્ત્વની સામાજિક-સલામતી જોગવાઈ મેળવવામાં લોકોનેે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પ્રશ્નો મુખ્યત્વે જે પરિબળો સાથે સંબંધિત હોય છે, તે આ પ્રમાણે છેઃ (1) જોગવાઈઓની પૂર્તિ, (2) સરકારી સેવા પૂરી પાડનારાઓ દ્વારા માહિતી પૂરી પાડવામાં ઉદાસીનતા, (3)ગ્રામ પંચાયત તથા તાલુકા સ્તરના અધિકારીઓની લાભાર્થીઓ પ્રત્યેની જવાબદારીનો અભાવ.

વર્ષ 2013માં પેન્શન મહા અભિયાન (પેન્શનની અરજીઓ પૂરી પાડવા માટે સરકાર દ્વારા પંચાયત કક્ષાની શિબિરોની ઊભી કરવામાં આવેલી રાજ્યવાર વ્યવસ્થા) દરમિયાન પેન્શન માટે અરજી કરનારા ઘણાં લોકોને હજી સુધી એ જાણવા નથી મળ્યું કે તેમની અરજીઓ રદ કરવામાં આવી હતી કે કેમ, અને જો રદ કરવામાં આવી હતી, તો તે પાછળ કયાં કારણો જવાબદાર હતાં. જૂન 2014માં, રાજસ્થાનના બાડમેર જિલ્લાની સજિયાલી ગ્રામ પંચાયતના સોખરોંકી બેરી ગામમાં આ પ્રકારના અરજદારોએ ગ્રામ સેવક (ગ્રામ પંચાયત સેક્રેટરી)નો સંપર્ક સાધતાં ગ્રામ સેવકે જવાબ આપ્યો કે તેમની પાસે આ અંગે કોઈ માહિતી નથી. અરજદારોએ પંચાયત સમિતિ (તાલુકા પંચાયત)નો સંપર્ક સાધતાં તેમને જણાવવામાં આવ્યું કે અરજીઓ રદ થઈ હતી અને આ અંગેની વિગતો ગ્રામ પંચાયતને મોકલી દેવાઈ છે. અરજીઓ રદ થવા પાછળનું કારણ જણાવવામાં આવ્યું નહીં. આ અરજીઓ પેન્શન માટેની યોગ્યતા ધરાવતી હોવાથી અરજીકર્તાઓએ ફરીથી અરજી કરી અને દસ્તાવેજીકરણની ઔપચારિકતાઓ જુલાઈ-ઑગસ્ટ 2014 દરમિયાન પૂરી થઈ. હજી પણ તલાટી (મહેસૂલ કર્મચારી) દ્વારા તેમની જમીન અને આવકની ખરાઈ થઈ નથી. તલાટી કહે છે કે તેના પર છ ગ્રામ પંચાયતોની જવાબદારી હોવાથી તેની પાસે કામનો ભરાવો થઈ ગયો છે. ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ કહે છે કે તલાટી ગ્રામ પંચાયતની ઑફિસ પર ક્યારે મળે તેનો નિયત સમય નથી. ત્યારપછી આ તલાટીની બદલી થઈ ગઈ અને નવો તલાટી હજી સુધી ગ્રામ પંચાયત ઑફિસે આવ્યો નથી.

પાંચ ગ્રામ પંચાયતોનાં નવ ગામોમાં વિકલાંગતાનાં પ્રકાર અને સ્થિતિ

વિકલાંગતાનો પ્રકાર પુખ્તોની સંખ્યા પ્રમાણપત્ર ધરાવે છે પેન્શન મળે છે

વિકલાંગતાનો પ્રકાર

પુખ્તોની સંખ્યા

પ્રમાણપત્ર ધરાવે છે

પેન્શન મળે છે

એક કરતાં વધુ વિકલાંગતા

5

1

0

માનસિક વિકલાંગતા

11

4

4

લોકોમોટર

18

4

2

દ્રષ્ટિની ખામી

2

1

0

જોવા અને સાંભળવાની ખામી

2

2

0

અન્ય

9

4

4

કુલ

47

16

10

આ જ સોખરોંકી બેરી ગામના અન્ય 10 લોકોએ જણાવ્યું હતું કે, છેલ્લાં દસ વર્ષથી તેમને પેન્શન નથી મળ્યું. 2013માં તેમણે પેન્શન મહા અભિયાનમાં પુનઃઅરજી કરી, પરંતુ તેનો કોઈ જવાબ ન મળ્યો. પાંચપાદરા (તાલુકા મથક)ની નાણાં કચેરી (પેન્શનની ચૂકવણી આપવા માટે જવાબદાર)નો સંપર્ક સાધતાં તેમને તેમના જૂના પેન્શન પેમેન્ટ ઑર્ડર (પીપીઓ), રેશન કાર્ડની નકલ અને લિવિંગ સર્ટિફિકેટ ગ્રામ પંચાયતથી મેળવીને સુપરત કરવા જણાવાયું અને ત્યાર બાદ તેમનું જૂનું પેન્શન ફરીથી શરૂ થશે તેમ જણાવ્યું. આ પ્રક્રિયા હાથ ધર્યા બાદ પેન્શન-ધારકોને છેલ્લા પાંચ મહિનાનું પેન્શન એકસામટું મળી ગયું. એક કરતાં વધુ વિકલાંગતા ધરાવનારા ભટ્ટારામ મેઘવાલા અને દ્રષ્ટિની ખામી ધરાવતા તેમના માતાનાં પેન્શન જાન્યુઆરી 2013થી બંધ થઈ ગયાં છે અને પેન્શન મળતું શા માટે બંધ થઈ ગયું તેનું કારણ કોઈ જાણતું નથી. નાણાં કચેરીનો સંપર્ક સાધતાં અમને જાણવા મળ્યું કે વાર્ષિક, લાભાર્થી ખરાઈ ન થઈ હોવાથી પેન્શન બંધ કરી દેવાયું હતું. બાડમેર જિલ્લાના ખારડી ગામનાં ચિરકી દેવીને ઑગસ્ટ 2012થી વિધવા પેન્શન મળવાનું શરૂ થયું હતું અને કોઈ પણ જાતની સૂચના કે જાણકારી વિના ડિસેમ્બર 2012માં પેન્શન બંધ કરી દેવાયું હતું. ચિરકી દેવીનાં બાળકો હજી નાનાં છે અને ચિરકી દેવી બિનકૌશલ્યયુક્ત મજૂરી કરે છે, તેથી પેન્શનની રકમ એ તેમની આવકનું એક માત્ર સાધન છે. જુદી-જુદી ઑફિસોમાં જઈને આ અંગે તપાસ કરવાનો તથા માહિતી મેળવવાનો ચિરકી દેવી પાસે સમય પણ નથી, કે આવું કરવાની તેમને ઈચ્છા પણ નથી. આ ઉપરાંત, આવું સાહસ ખેડતાં પણ તેઓ ખચકાટ અનુભવે છે. 27 જૂન, 2014ના રોજ, અમે પાંચપાદરા તાલુકા મથકની નાણાં કચેરી ખાતે ચિરકી દેવીના પેન્શનની સ્થિતિ અંગે પૂછપરછ કરી, તો જાણવા મળ્યું કે પડતર પેન્શનના રૂ. 3,000 અને ચાલુ મહિનાના પેન્શનના રૂ.500 મોકલી દેવાયા છે. પરંતુ, ટપાલીએ જણાવ્યું કે તેને ફક્ત રૂ.500નો જ મનીઑર્ડર મળ્યો છે. આ લખાય છે ત્યાં સુધી (સપ્ટેમ્બર 2014) ચિરકી દેવીને હજી સુધી રૂ. 3,000 મળ્યા નથી અને આ વિશે કોઈ સ્પષ્ટ જાણકારી પણ નથી.

ખારડી ગામનાં ગોમતી દેવીએ છેલ્લાં આઠ વર્ષમાં ઓછામાં ઓછા નવ વખત વિધવા પેન્શન માટે અરજી કરી છે, પરંતુ આજદિન સુધી તેમને કોઈ પ્રતિભાવ મળ્યો નથી. અરજીઓ સાથે પાસપોર્ટ સાઇઝના 45 ફોટા અને વિવિધ સહાયક દસ્તાવેજોની 80 નકલો બીડી હોવાની હકીકત જણાવતાં તેમની આંખો ભીની થઈ ગઈ હતી. તેઓ અનેક વખત પંચાયત અને તલાટીની મુલાકાત પણ લઈ ચૂક્યાં છે અને તેમના અંદાજ અનુસાર અરજીની પ્રક્રિયા માટે અત્યાર સુધીમાં તેમણે આશરે રૂ. 5000 ખર્ચી નાંખ્યા છે. 'પ્રશાસક ગાંવ કે સંગ' અભિયાન (વહીવટી પ્રક્રિયાને ગ્રામ પંચાયત કક્ષાના કૅમ્પ થકી લોકોના ઘર આંગણે લઈ આવવાનું રાજ્યવ્યાપી અભિયાન) અને પેન્શન મહા અભિયાનમાં પણ તેમણે અરજી કરી હતી. પોતાનો કેસ તેમણે જુલાઈ 2014માં તેમના ગામની પંચાયત ખાતે યોજાયેલી રાત્રિ-ચોપાલ (ફરિયાદ નોંધણી અને નિવારણ માટે ગ્રામ પંચાયત કક્ષાએ સાંજના સમયે યોજાતી મિટિંગ)માં તહેસિલદાર સમક્ષ પણ રજૂ કર્યો હતો. તહેસિલદારે આ અંગે ગ્રામ સેવક (ગ્રામ પંચાયત સચિવ) પાસે જવાબ માંગ્યો હતો. ગ્રામ સેવકે જણાવ્યું હતું કે ચાર મહિના પહેલાં જ તેની આ ગ્રામ પંચાયતમાં બદલી થઈ હતી અને તેથી આ વિશે તેને કોઈ જાણકારી નહોતી. તહેસિલદારે ગ્રામ સેવકને તાત્કાલિક ધોરણે ઔપચારિકતાઓ પૂરી કરીને શક્ય તેટલી ઝડપે અરજી સુપરત કરવાનો આદેશ આપ્યો. આ પ્રસંગને બે મહિના વીતી ગયા હોવા છતાં અરજી હજી પણ ગ્રામ પંચાયત ઑફિસે પડી છે. આ કામગીરી સાથે સંકળાયેલો કોઈ પણ કર્મચારી જવાબદારી લેવા તૈયાર નથી. આવા અરજદારો અને પેન્શન-ધારકો અનિશ્ચિતતાની સ્થિતિમાં ગૂંચવાતાં રહે છે અને થોડા સમયમાં પેન્શન આવી જશે તે વિચારે તેઓ નક્કર પગલાં લઈ શકતાં નથી.

પેન્શન મંજૂર કરવા સંબંધિત અવરોધો

પેન્શન મંજૂર કરવા અને તેના અમલીકરણ સાથે સંબંધિત મુખ્ય અવરોધો આ પ્રમાણે છે -

  1. અરજદારોને તેમની અરજી રદ થઈ હોવાની અને રદ થવા પાછળનાં કારણો વિશે જાણ કરવામાં આવતી નથી
  2. પેન્શન-ધારકોનું પેન્શન બંધ થઈ જાય, તે પહેલાં તેમને આ અંગેની જાણ કરવામાં આવતી નથી
  3. વાર્ષિક લાભાર્થી ખરાઈ ન થઈ હોય એ પેન્શન અટકાવી દેવા પાછળનું મુખ્ય કારણ હોય છે,
  4. તલાટી કયા સમયે અને કઈ તારીખે ગ્રામ પંચાયતની મુલાકાત લેશે તે નક્કી નથી હોતું તથા લોકોને આ અંગે કોઈ જાણકારી નથી હોતી,
  5. પેન્શન અરજીકર્તાઓને તારીખ સાથેની રસીદ આપવામાં આવતી નથી, અને
  6. સરકાર દ્વારા યોજાતા ફરિયાદ નોંધણી અને નિરાકરણ કૅમ્પમાં મૌખિક આદેશ જારી કરવામાં આવે છે, પરંતુ પછીથી તે આદેશનું પાલન નથી થતું.

જો સરકારી વ્યવસ્થા આ સમસ્યાઓ પર થોડું ધ્યાન આપે, તો સરળતાથી તેનું નિરાકરણ લાવી શકાય છે. ઑફિસ વ્યવસ્થાપનની સામાન્ય કામગીરી અનુસાર, ગ્રામ પંચાયતમાં દરેક અરજી આવે તેની નોંધણી થવી જોઈએ અને તે અરજી સંમતિ આપનાર સત્તા-તંત્રને પહોંચાડવામાં આવે, ત્યારે તેના ડિસ્પેચ નંબર સાથે ઇન અને આઉટ રજિસ્ટરમાં તેની નોંધણી કરવી જોઈએ. અરજી ફોર્મ સાથે જ નાનાં-નાનાં કાણાં સાથેની રસીદ હોવી જોઈએ, જે અરજી સ્વીકાર્યા બાદ અરજકર્તાને આપી દેવાની રહે છે. રાજસ્થાન પેન્શન રૂલ્સ 2011 મુજબ, અરજી સુપરત થયે અરજીકર્તાને તારીખ સાથેની રસીદ આપવાની રહે છે. પેન્શન રૂલ્સ 2011 (ઋ઼09/05/12/01 જનરલ/2014-14/ 9578, ખંડ 4, નિયમ 5, પેટા-નિયમ 7)માં કરવામાં આવેલા સુધારા પ્રમાણે રદ કરવામાં આવેલી તમામ રસીદો રદ થવા પાછળના કારણ સાથે બીડીઓની ઑફિસમાં દર્શાવવી જોઈએ. તમામ અરજીકર્તાઓને તેમની અરજી રદ થવા પાછળના કારણની લેખિતમાં જાણ કરવાની રહેશે. રદ થયેલી અરજીઓની યાદી ગ્રામ પંચાયત ખાતે પણ ઉપલબ્ધ નથી હોતી. જો અરજીકર્તાને અરજી સુપરત કર્યાના બે મહિના બાદ પેન્શનની સ્થિતિ વિશે કે અરજી રદ થવા પાછળના કારણ વિશે માહિતી ન આપવામાં આવે, તો તે જિલ્લા કલેક્ટરનો સંપર્ક સાધી શકે છે. ‘NÉà­÷{`òÒ ટુ પબ્લિક સર્વિસિઝ ઍક્ટ 2012’©ÉÉÅ આ સમય મર્યાદા 90 દિવસની રાખવામાં આવી છે. રાજસ્થાનમાં 'રાઇટ ટુ હિયરિંગ ઍક્ટ 2012'માં આ જોગવાઈનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે. વ્યક્તિ આવકનો નિયમિત સ્રોત ન ધરાવતી હોય ત્યારે તે જીવે ત્યાં સુધી પેન્શન મેળવવા હકદાર છે. આમ, પેન્શન મેળવનાર હયાત હોય તેની, તથા તેના સરનામાની દર વર્ષે ખરાઈ કરવી જરૂરી છે. સોશ્યલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ (એસજેઇ) વિભાગ આ માટેના આદેશ જારી કરે છે. જિલ્લા નાણાં કચેરી દ્વારા દર વર્ષે ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં પેન્શન-ધારકોની ગ્રામ પંચાયત પ્રમાણેની યાદી તૈયાર કરવામાં આવે છે અને આ યાદીને સંબંધિત ગ્રામ પંચાયતોને મોકલવા માટે તેને જિલ્લા પંચાયત પહોંચાડવામાં આવે છે. ગ્રામ સચિવાલય દરમિયાન ખરાઈની જવાબદારી ગ્રામ સેવક અને સરપંચની હોય છે. ખરાઈ થઈ ગયા બાદ આ યાદી જિલ્લા પંચાયત દ્વારા નાણાં કચેરીને પરત કરવામાં આવે છે. નાણાં કચેરી ખરાઈ થયેલી યાદી સમયસર ન મેળવે, તો તે પેન્શન અટકાવી દે છે.

અરજીનું ફોર્મ, જે ગ્રામ પંચાયત ખાતે વિના મૂલ્યે મળવું જોઈએ, તે રૂ.35થી રૂ.50ની કિંમતે મળે છે, ફોટોકોપી કરી આપતી દુકાનો, નોટરી દ્વારા પ્રમાણિત થયેલાં ફોર્મ વેચવાનો ધીકતો ધંધો ચલાવે છે. અરજીના ફોર્મ સાથે પાસપોર્ટ સાઇઝના પાંચ ફોટોગ્રાફ્સ જોડવામાં આવે છે. અન્ય સહાયક દસ્તાવેજોમાં વય, ઓળખ અને સરનામાના પુરાવાનો સમાવેશ થાય છે, જે માટે મતદાર ઓળખ કાર્ડ (વોટર આઇડી કાર્ડ) અને રેશન કાર્ડ મહત્ત્વનાં બની રહે છે. વિધવાઓ, છૂટાછેડા લેનાર અને એકાકી મહિલાઓ માટે સંબંધિત દસ્તાવેજ જરૂરી બની રહે છે, જેમ કે પતિના મૃત્યુનું પ્રમાણપત્ર, કૉર્ટનો આદેશ અથવા તો પડતર કૉર્ટ કેસ વગેરે. વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ પાસે 40 ટકા કરતાં વધુ વિકલાંગતા ધરાવતા હોવા અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. ભરવામાં આવેલા અરજી-ફોર્મની સરપંચ અને ગ્રામ સેવક દ્વારા ખરાઈ કરવામાં આવે છે. જમીન અને આવકની ખરાઈ તલાટી દ્વારા કરવામાં આવે છે. લોકોના જણાવ્યા પ્રમાણે આ કામગીરીમાં ઘણો સમય અને શક્તિ વપરાય છે, કારણ કે જ્યારે અરજી હેડક્વાર્ટર પર મોકલવામાં આવે, ત્યારે તલાટી ઉપલબ્ધ ન હોય તેવું બની શકે છે, અથવા તો તે ઇચ્છિત માહિતીની ખરાઈ કરવાનું પસંદ ન કરે તેવું બની શકે છે. ખરાઈના ત્યારપછીના તબક્કામાં રેવન્યૂ ઇન્સ્પેક્ટર સામેલ થાય છે, જેમાં પણ ઘણો સમય લાગી જાય છે. આ તબક્કા સુધી પહોંચવામાં અરજીકર્તાના આશરે 500 રૂપિયા ખર્ચાઈ જતા હોય છે. અરજીકર્તા સામાન્યપણે તેની અરજી ગ્રામ પંચાયતની ઑફિસમાં સુપરત કરે છે, ત્યાંથી તે અરજી આગળની કાર્યવાહી માટે બીડીઓ ઑફિસ મોકલવામાં આવે છે. અરજી સીધી બ્લૉક ડેવલપમેન્ટ ઑફિસર (બીડીઓ તાલુકા વિકાસ અધિકારી)ને પણ સુપરત કરી શકાય છે.

રાજસ્થાનમાં વિકલાંગતા ધરાવનારાં બાળકો (સીડબલ્યુડી) માટેના પેન્શનની જોગવાઈ અંગે લોકોને જાણકારી નહોતી. તાજેતરના મહિનાઓ દરમિયાન, પાંચ ગ્રામ પંચાયતોનાં નવ ગામોમાંથી વિકલાંગતા ધરાવતા 47 પુખ્ત વયના વ્યક્તિઓ શોધવામાં આવ્યા હતા. તે પૈકીની 31 વ્યક્તિઓ પાસે વિકલાંગતાનું પ્રમાણપત્ર નહોતું. (જૂઓ કોઠા નં-1) આ ગામડાંઓમાં 6થી 14 વર્ષની વયજૂથનાં 37 બાળકો વિકલાંગતા ધરાવતાં હતાં. તેમાંથી 30 બાળકો પાસે વિકલાંગતાનું પ્રમાણપત્ર નહોતું. સર્વ શિક્ષા અભિયાન (એસએસએ) હેઠળ બાલોતરા ખાતે ઑગસ્ટ 2014 દરમિયાન મેડિકલ કમ એસેસમેન્ટ કૅમ્પ (ચિકિત્સા કમ આકારણી શિબિર)નું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ બોલવા-સાંભળવાની ખામી ધરાવતાં બાળકો અને માનસિક વિકલાંગતા ધરાવતાં બાળકો માટેના સ્પેશ્યાલિસ્ટ કૅમ્પમાં આવ્યા ન હોવાથી તે બાળકો પ્રમાણનથી વંચિત રહ્યાં હતાં.

પર્સન્સ વિથ ડિસેબિલિટી (સમાન તક, હક્કોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) નિયમોમાં 2009માં કરવામાં આવેલા સુધારાને કારણે પીએચસી અને સીએચસી કક્ષાએ મેડિકલ અધિકારીઓ માટે સ્પષ્ટ દેખાતી વિકલાંગતાઓ માટેનું પ્રમાણપત્ર જારી કરવું શક્ય બન્યું છે તથા નજરે ન ચઢતી વિકલાંગતાઓનું પ્રમાણન કરવાની સત્તા એક સ્પેશ્યાલિસ્ટ પાસે છે. એક કરતાં વધુ વિકલાંગતાઓ હોય, ફક્ત તેવા કિસ્સામાં જ મલ્ટી-મેમ્બર બૉર્ડનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી બને છે. જોકે, બાડમેરના સોશ્યલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ (સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ)ના ડેપ્યુટી ડિરેક્ટરે જણાવ્યા પ્રમાણે, એક જ સ્પેશ્યાલિસ્ટ દ્વારા જારી કરવામાં આવેલું પ્રમાણપત્ર અથવા તો 'પ્રશાસન ગાંવ કે સંગ' અભિયાનમાં બનાવવામાં આવેલું પ્રમાણપત્ર માન્ય ગણાતું નથી. બાડમેરના સામૂહિક આરોગ્ય કેન્દ્રના ચીફ મેડિકલ ઑફિસરે જણાવ્યું હતું કે, તેઓ અરજીકર્તાઓને જોધપુર મોકલે છે.

માહિતી સુધીની પહોંચ

ગ્રામ પંચાયત ખાતેની દીવાલો પરનાં લખાણ અને જાગૃતિ માટેની સામગ્રીમાં એ ઉલ્લેખ હોવો જોઈએ કે અરજીના ફોર્મ ગ્રામ પંચાયત ઑફિસ ખાતે વિના મૂલ્યે ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ફોર્મની સાથે કયા સહાયક દસ્તાવેજો બીડવા તેની તથા દસ્તાવેજની ખરાઈ અંગેની વિગતો વિશે પણ તેમાં સ્પષ્ટતા કરેલી હોવી જોઈએ. ઇન્ફર્મેશન, ઍજ્યુકેશન, કમ્યુનિકેશન (આઇઇસી - માહિતી, શિક્ષણ, પ્રત્યાયન)ની સામગ્રીમાં અરજી સુપરત કર્યે તારીખ સાથેની રસીદ માંગવાની જરૂરિયાતનો ઉલ્લેખ થયો હોવો જોઈએ. જે રીતે રાજસ્થાનમાં ગ્રામ સચિવાલયની તારીખ નિશ્ચિત હોય છે, તે રીતે જો અરજીના ફોર્મ અને સરપંચ, ગ્રામ સેવક, પટવારી અને રેવન્યૂ ઇન્સ્પેક્ટર જેવા ખરાઈ કરનારા અધિકારીઓ નિયત તારીખોએ ગ્રામ પંચાયત ઑફિસે ઉપલબ્ધ હોય, તો અરજી તૈયાર કરવામાં તથા સુપરત કરવામાં ઓછો સમય લાગશે તથા અરજીકર્તાએ કરવા પડતા ખર્ચમાં પણ ઘટાડો થશે. ગ્રામ સેવક તથા પટવારી ઉપલબ્ધ હોય તે તારીખ અને સમય તેમના ફોન નંબર સાથે ગ્રામ પંચાયતની દીવાલોની બહાર દર્શાવવા જોઈએ. આઇઇસીમાં ઉલ્લેખ કરવો જોઈએ કે પેન્શન દર મહિને પેન્શન-ધારક પાસે પહોંચી જવું જોઈએ. વિવિધ પ્રક્રિયાઓ માટેની પરવાનગીપાત્ર સમય મર્યાદા પણ દર્શાવવી જોઈએ. તે ઉપરાંત, ફરિયાદની નોંધણી કેવી રીતે કરવી તે પણ દર્શાવેલું હોવું જોઈએ. આ સિવાય, આઇઇસીએ વિકલાંગતા માટેના પ્રમાણનની પ્રક્રિયા પણ આવરી લેવી જોઈએ તથા ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્રો, પીએચસી અને સીએચસી ખાતે બહોળા પાયે તે પ્રદર્શિત કરવી જોઈએ.

પેન્શન રૂલ્સ (પેન્શનના નિયમો)માં તથા રાજસ્થાન સુગમ ટોલ ફ્રી હૅલ્પલાઇનમાં ફરિયાદ નોંધણી અને નિવારણની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. જરૂર પડ્યે રાઇટ ટુ હિયરિંગ ઍક્ટનો પણ ઉપયોગ કરી શકાય. ગ્રામ પંચાયત અને તાલુકા કક્ષાના કર્મચારી તથા અધિકારીઓની, અરજીકર્તાઓ, પેન્શન-ધારકો અને ગ્રામ પંચાયત પ્રત્યેની જવાબદારી એ સૌથી મોટો અંતરાય છે. પેન્શન મંજૂર થયું કે કેમ, શા માટે રદ થયું અથવા તો શા માટે તે અટકાવી દેવાયું છે વગેરે પ્રશ્નો માટે જે અધિકારીઓ કે કર્મચારીઓનો સંપર્ક સાધવામાં આવતો હોય, તેઓ યોગ્ય માહિતી આપે, યોગ્ય પ્રતિભાવ આપે, તો ઘણો જ હકારાત્મક ફેરફાર થઈ શકે છે.

શંકરનાથ પેન્શન મેળવે છે, જ્યારે તેમની પત્ની શાંતિનું પેન્શન આશરે એક વર્ષથી અટકાવી દેવાયું છે. નાણાં કચેરીનો સંપર્ક સાધતાં અમને જણાવવામાં આવ્યું કે, પતિ-પત્ની સંયુક્ત પેન્શન-ધારકો હતાં. જો શાંતિ પોતાનો જૂનો પેન્શન પેમેન્ટ ઑેર્ડર (પીપીઓ) સુપરત કરે, તો તેમનું પેમેન્ટ શરૂ થઈ જશે, પરંતુ શાંતિને આ માહિતી આપવામાં આવી નહોતી. ભોમારામ માનસિક વિકલાંગતા ધરાવે છે. જ્યારે તેમને પ્રમાણન માટે બાડમેર લઈ જવાયા, ત્યારે-તેમની માનસિક વિકલાંગતાનું પ્રમાણ 40 ટકા કરતાં ઓછું છે એમ કહીને તેમને પેન્શન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો. 22 વર્ષની ધાપુ એક કરતાં વધુ વિકલાંગતા ધરાવે છે અને તેની કાળજી લેવી જરૂરી છે. બે વર્ષ પહેલાં તેનું પેન્શન શરૂ થયું, પરંતુ ઑગસ્ટ 2013 બાદ તેનું પેન્શન અટકાવી દેવાયું. તેના માતા-પિતાએ ગ્રામ સેવકનો સંપર્ક સાધતાં ગ્રામ સેવકે એમ કહીને તેમને રવાના કરી દીધાં કે, આ માટે તેમણે જિલ્લા મુખ્ય મથકે (હેડ-ક્વાર્ટર પર) જવું પડશે, કારણ કે પેન્શન ત્યાંથી આપવામાં આવશે. ત્યાર બાદ ધાપુનાં માતા-પિતાએ કોઈ કાર્યવાહી કરી નહીં, કારણ કે ધાપુને તાલુકા મથકે લઈ જવાનું તેમને મુશ્કેલ લાગ્યું. આમ, કોઈ પણ કર્મચારી કે અધિકારીએ, અરજીકર્તા પ્રત્યેનું ઉત્તરદાયિત્વ લીધું નહીં.

પેન્શનની રસીદ અનિયમિત હોય છે અને તે પાછળ ચારથી છ મહિના નીકળી જાય તે સામાન્ય બાબત બની ગઈ છે. તેથી, પેન્શન ધારક બે મહિનાનું પેન્શન પાંચ કે છ મહિના પછી મેળવશે. ઘણી વખત પેન્શન ધારક પાંચ-છ મહિનાનું પેન્શન એક વર્ષ બાદ મેળવે છે. લોકો મનીઑેર્ડરની રસીદોના આધારે તેમના પેન્શનની નોંધ રાખવાનો પ્રયાસ કરે છે. આવા વિલંબને કારણે લોકો આ વિલંબને સામાન્ય ગણતા થઈ ગયા છે અને તેથી તેઓ છથી આઠ મહિના સુધી પૂછપરછ કરતાં નથી. એટલો સમય વીત્યા બાદ તેઓ ટપાલીને પૂછવાનું શરૂ કરે છે. તેથી, થોડા મહિનાઓમાં પેન્શન મળશે કે પછી પેન્શન કોઈ કારણસર અટકાવી દેવાયું છે તે વિશે લોકોને કોઈ જાણકારી હોતી નથી. ત્યાર બાદ કેટલાક પેન્શન-ધારકો તેમના પીપીઓ ઑર્ડર સાથે નાણાં કચેરીએ જાય છે, ત્યારે તેમને જવાબ મળે છે કે વાર્ષિક, લાભાર્થી-ખરાઈ ન થઈ હોવાથી તેમનું પેન્શન અટકાવી દેવાયું છે. તેમનું પેન્શન ફરી શરૂ થાય છે પણ તેમને વચ્ચેના મહિનાઓ માટેનાં કોઈ નાણાં મળતાં નથી. ઘણી વખત પેન્શન-ધારકને કહેવામાં આવે છે કે નાણાં કચેરી (ટ્રેઝરી ઑફિસ)માંથી પેન્શન આપી દેવાયું છે. વાસ્તવમાં ચૂકવણી જે-તે વ્યક્તિને કરવામાં આવી છે કે કેમ તેની તપાસ કરવાની તસ્દી કોઈ નથી લેતું. પેન્શન-ધારક દ્વારા પેન્શનની રસીદની નોંધ રાખવાની વ્યવસ્થા ન હોય, ત્યારે તેમાં શંકા ઉદ્ભવવાનો તથા નાણાંની ઉચાપતની શક્યતા રહે છે. પેન્શન-ધારકો અવાર-નવાર એવી ફરિયાદ કરે છે કે, ટપાલી તેમનાં નાણાંની ઉચાપત કરે છે. ટપાલી નાણાં આપતો હોવાથી ગામનાં લોકો તેને શક્તિશાળી અને વગદાર માને છે. ટપાલી પોતે લોકોના ઘરે જતો નથી, પણ લોકોને ફોન કરીને તેમને પોસ્ટ ઑફિસે આવીને તેમનાં નાણાં લઈ જવા માટે કહે છે. પેન્શન આપતી વખતે નિશ્ચિત પ્રક્રિયાઓનું પાલન થાય છે કે કેમ તેની દેખરેખ રાખવામાં ગ્રામ પંચાયત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

પેન્શન એ સોશ્યલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ (એસજેઇ - સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ) ડિપાર્ટમેન્ટની જવાબદારી છે. તેઓ અરજીના ફોર્મ પ્રકાશિત કરે છે. મંજૂરી, અમલીકરણ અને દેખરેખની જવાબદારી જિલ્લાથી ગ્રામ પંચાયતના કર્મચારીઓ તથા અધિકારીઓની છે. ચૂકવણી કરવાની જવાબદારી નાણાં વિભાગ (ટ્રેઝરી)ની હોય છે અને રાજસ્થાનમાં સામાન્યપણે ટપાલ ખાતાનો ઉપયોગ કરીને મનીઑર્ડર દ્વારા ચૂકવણી કરવામાં આવે છે. આ કામગીરી સાથે સંકળાયેલા દરેક કર્મચારી તથા અધિકારીની ભૂમિકા સ્પષ્ટ હોવા છતાં આંતર-વિભાગીય ઉત્તરદાયિત્વ માટે કોઈ નક્કર વ્યવસ્થા નથી.

પબ્લિક સર્વિસિઝ ગેરન્ટી ઍક્ટ હેઠળ ફરિયાદની નોંધણી કરવા માટે અરજીકર્તાઓને એકત્રિત કરીને ગતિશીલ બનાવવાથી ચોક્કસ ફરક પડશે. કદાચ, વડા પ્રધાન જન ધન યોજનાને કારણે લાખો ગરીબોની પેન્શનની રકમ તેમનાં ઝીરો બૅલેન્સ એકાઉન્ટમાં અસરકારક રીતે પહોંચે. જ્યાં સુધી ચૂકવણી ન થાય, ત્યાં સુધી અરજીઓની ગતિવિધિ પર ઓનલાઇન નજર રાખવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. આ કામગીરીને લાભાર્થી દ્વારા ચૂકવણીની રસીદ મળે, તે તબક્કા સુધી વિસ્તારવાની જરૂર છે. કરવામાં આવેલી ચૂકવણીની રસીદો, નાણાં કચેરી (ટ્રેઝરી ઑફિસ) પર પરત કરવામાં આવે છે, પરંતુ કદી પણ તેની ખરાઈ કરવામાં આવતી નથી. પાંચપાદરાની ટ્રેઝરી ઑફિસના જણાવ્યા અનુસાર, એક મહિનામાં આશરે 25થી 30 હજાર રસીદો આવે છે, અને તેને તપાસવા જેટલો સ્ટાફ તેમની પાસે નથી. તેથી, કોઈ કારણસર પેન્શનની ચૂકવણી ન થઈ હોય, તેવા કિસ્સાઓ પર જ તેઓ ધ્યાન આપે છે.

જાહેર સેવાઓ સુધી ગરીબોની પહોંચ અંગેના અનુભવ

માહિતીનો પ્રસાર કરવાની પદ્ધતિમાં સુધારો કરવાની જરૂરિયાત - રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આરએસબીવાય) અને પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (પીડીએસ)

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર અને ખેડબ્રહ્મા/પોશીના તાલુકાઓની પસંદ કરેલી ગ્રામ પંચાયતોમાં અસરકારક રીતે સાર્વજનિક સેવા પૂરી પાડવાની પ્રક્રિયાને આગળ ધપાવવાના અનુભવના આધારે ઉન્નતિનાં સુશ્રી દીપા સોનપાલ દ્વારા આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે.

ગામોની મુલાકાતો દરમિયાન, જ્યારે સમુદાયને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, એવા કયા બે જાહેર કાર્યક્રમો છે, જે તેમના માટે ઘણા જ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ તે કાર્યક્રમો અસરકારક રીતે તેમના સુધી પહોંચી શક્યા નથી? આ પ્રશ્નના જવાબમાં તરત જ તેમણે જણાવ્યું હતું કે, 'રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના' (આરએસબીવાય) અને 'મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ઍક્ટ' (એમજીનરેગા). ક્ષેત્ર (ફિલ્ડ) કક્ષાની ચર્ચાઓના આધારે માલૂમ પડ્યું હતું કે, સરકાર દ્વારા શ્રેષ્ઠતમ પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં કેટલીક મહત્ત્વની માહિતી ગરીબ વર્ગ સુધી પહોંચી શકી નથી, જે ગરીબો સુધી આ કાર્યક્રમો પહોંચવા આડે અવરોધ સર્જે છે.

આરએસબીવાય કાર્ડની પ્રમાણભૂતતા વિશેની માહિતીઃ

જુદા-જુદા પરિવારો સાથેની વાતચીતના આધારે જાણવા મળ્યું હતું કે, ગરીબીની રેખા હેઠળના લગભગ કોઈ પણ (બીપીએલ) પરિવારે એપ્રિલ 2014થી આરએસબીવાય સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કર્યો ન હતો. આ સ્માર્ટ કાર્ડ સરકાર દ્વારા જારી કરવામાં આવે છે, જે ગરીબીની રેખા હેઠળ જીવતા (બીપીએલ) પરિવારને સરકાર માન્ય, કોઈ પણ હૉસ્પિટલમાં ઓછામાં ઓછા 24 કલાક સુધી દાખલ થવા પર રૂ. 30,000 સુધીના આરોગ્ય વીમાનો લાભ આપે છે. જૂનું કાર્ડ દર વર્ષે એપ્રિલમાં રિન્યૂ કરવાનું રહેતું હોવાથી મે 2014માં આરએસબીવાય ટોલ ફ્રી હૅલ્પલાઇનનો સંપર્ક સાધવામાં આવ્યો. આ હૅલ્પલાઇન દ્વારા જાણવા મળ્યું કે કાર્ડની માન્યતા 31 માર્ચ, 2014ના રોજ સમાપ્ત થઈ જતી હતી અને રિન્યૂ કર્યા બાદ જ તે માન્ય ગણવામાં આવશે. પરંતુ, રિન્યૂઅલ પ્રક્રિયા ક્યારે શરૂ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહોતી. રિન્યૂઅલની પ્રક્રિયા ક્યારે હાથ ધરાશે તે અંગે જિલ્લા કક્ષાએ પણ કોઈ માહિતી ઉપલબ્ધ ન હતી.

ઑગસ્ટ મહિનામાં ડિપાર્ટમેન્ટ ઑફ હૅલ્થ એન્ડ ફેમિલી વૅલ્ફેર (આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ)ના ડિરેક્ટરનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે આરએસબીવાયના પ્રોગ્રામ ઑફિસર(પીઓ) સાથે વાત કરવા માટે જણાવ્યું. પીઓએ પૂરી ખાતરી સાથે જણાવ્યું કે, હૅલ્પલાઇન તથા તમામ દરજ્જાના અધિકારીઓ એ બાબતે પૂરેપૂરી સ્પષ્ટતા ધરાવતા હતા કે આરએસબીવાય કાર્ડની માન્યતા લંબાવવામાં આવી છે અને આ અંગેનો સત્તાવાર પરિપત્ર પણ જારી કરવામાં આવ્યો છે. જ્યારે અધિકારીએ પોતાની ઓળખ છૂપાવીને કાર્ડના ઉપયોગ અંગે માર્ગદર્શન મેળવવા માંગતા ગ્રાહક તરીકે હૅલ્પલાઇન પર ફોન કર્યો અને કાર્ડની માન્યતા (વેલિડિટી) અંગે પૂછપરછ કરી, ત્યારે તેમના આશ્ચર્ય વચ્ચે, તેમને માલૂમ પડ્યું કે, કાર્ડની માન્યતા (વેલિડિટી) લંબાવવામાં આવી હોવા અંગે કોઈ જાણકારી ન હતી.

હૅલ્પલાઇન પર તેમણે વાત કરી, ત્યારે ઑપરેટરે તેમને તેવો જ પ્રતિભાવ આપ્યો, જેવો છેલ્લા પાંચ મહિનાઓથી ફોન કરનારા અન્ય લોકોને મળતો હતો. ફોન કરનારાઓને હૅલ્પલાઈન ઉપરથી એવું કહેવામાં આવતું કે, ગયા વર્ષે જારી કરવામાં આવેલું કાર્ડ એક્સપાયર્ડ થઈ ચૂક્યું છે એટલે કે માન્ય રહ્યું નથી. જો વ્યક્તિ તે કાર્ડનો ઉપયોગ કરવા માંગતી હોય, તો તેણે તે રિન્યૂ કરાવવાનું રહેશે. આ કાર્ડ ક્યારે અને કેવી રીતે રિન્યૂ કરી શકાય તે અંગે ઑપરેટરને કોઈ જાણકારી નહોતી. માહિતી આપવા બાબતે પ્રકાશમાં આવેલી આ ખામીની જાણ થતાં અધિકારી મૂંઝવણમાં મૂકાઈ ગયા અને તેમને હૅલ્પલાઇન સુપરવાઇઝર અને ઑપરેટર્સની મિટિંગ બોલાવવાની તથા નવી માહિતી જારી કરવાની ફરજ પડી. જ્યાં સુધી નવી નૉટિસ બહાર ન પડે, ત્યાં સુધી યોજના હેઠળનો લાભ ગત નાણાકીય વર્ષે જારી કરવામાં આવેલાં વર્તમાન કાર્ડ હેઠળ માન્ય ગણવામાં આવશે.

 

પીડીએસ હેઠળ રેશનનો લાભ મેળવવા માટે બારકોડ કૂપન અને બાયોમેટ્રિક પ્રમાણભૂતતાઃ

એપ્રિલ, 2014ના પ્રારંભમાં વિજયનગરમાં, પીડીએસ દુકાનોમાંથી ખાદ્ય પદાર્થો તથા અન્ય ચીજો મેળવવા અંગેની ચર્ચા દરમિયાન અમને જાણવા મળ્યું કે બીપીએલ (ગરીબીની રેખા હેઠળ જીવતા) પરિવારોએ બારકોડની કૂપન મેળવવા માટે એક પાનાની પ્રિન્ટઆઉટના પાંચ રૂપિયા અને બે પાનાની પ્રિન્ટઆઉટના 10 રૂપિયા ચૂકવવા પડતા હતા. બારકોડેડ કૂપન બાયોમેટ્રિક પ્રમાણભૂતતાના આધારે વેબ આધારિત સિસ્ટમ દ્વારા બનતી હોય છે, જે પીડીએસ દુકાનમાંથી પરિવારને કેટલું રેશન મળી શકશે તે દર્શાવતી હોય છે. આ પ્રિન્ટ-આઉટ્સ સામાન્યપણે સરકાર દ્વારા માન્ય, ખાનગી માલિકીના દરેક પંચાયતમાં આવેલા વિલેજ કમ્પ્યુટર આંત્રપ્રિન્યોર (વીસીઇ) પાસે રહેલી ઉપલબ્ધ ઇન્ટરનેટ સુવિધા દ્વારા લેવામાં આવે છે. ગામમાં ઉપલબ્ધ આ એક માત્ર ઇન્ટરનેટ સુવિધા હોય છે.

નિયમ પ્રમાણે, આ રકમ દરેક કાર્ડ ધારક પાસેથી પીડીએસ દુકાન માલિક દ્વારા બિલની કુલ રકમમાંથી કાપવામાં આવે છે. પીડીએસ દુકાન માલિકે તમામ કુપનો ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટને સુપરત કરીને ત્યાંથી આ કુલ રકમ માંગવાની રહે છે. તાલુકા અને જિલ્લા કક્ષાના સરકારી અધિકારીઓ સાથે આ મામલે વાતચીત કરતાં માલૂમ પડ્યું કે આ પ્રક્રિયાનો અમલ થતો નથી અને આ વ્યવસ્થાનું સંચાલન કેવી રીતે થાય છે તે અંગે સ્પષ્ટતા પ્રવર્તતી નથી. ગાંધીનગર ખાતે સચિવાલયમાં સિવિલ સપ્લાયના ડિરેક્ટરનો સંપર્ક સાધતાં જાણવા મળ્યું કે આ વ્યવસ્થા અંગે સ્પષ્ટપણે જાણકારી આપવામાં આવી છે. બાર કોડ કુપનની પ્રિન્ટ-આઉટ ચાર ભાગમાં વિભાજિત હોય છે, જેમાંના બે ભાગ કાર્ડ ધારક માટે અને બાકીના બે ભાગ પીડીએસ દુકાન માલિક માટેના હોય છે. કુપનની વચ્ચે એવું છપાવવામાં આવ્યું છે કે બીપીએલ પરિવારોને આ કુપન રાહત ધોરણે  આપવામાં આવે છે, પરંતુ આ લખાણની તમામ હિસ્સાધારકો દ્વારા ઉપેક્ષા કરવામાં આવે છે.

બારકોડ કૂપન ચાર ચીજોની ખરીદી માટે હોય છે - ઘઉં, ચોખા, ખાંડ અને કેરોસીન. ઘણા કાર્ડ ધારકોને બે પાનામાં પ્રિન્ટઆઉટ મળે છે, તેથી તેમણે બીજા પાના માટે વધારાના પાંચ રૂપિયા ચૂકવવા પડે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ સિવિલ સપ્લાયના ડિરેક્ટરે કૂપનની પ્રિન્ટ એક જ કાગળમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી. આમ કરવાથી રાજ્યના દરેકે દરેક બીપીએલ પરિવારના પાંચ રૂપિયાની દર મહિને બચત થશે. સાબરકાંઠા જિલ્લાના કલેક્ટરે નવી પહેલ કરીને પીડીએસ દુકાનો તથા વીસીઇ આઉટલેટ ખાતે એવી સૂચના આપતો સંદેશ દર્શાવ્યો છે કે કૂપન બીપીએલ પરિવારો માટે રાહત ધોરણે છે.

જનની સુરક્ષા યોજના અંગેના અનુભવ

રાજસ્થાનમાં સંસ્થાકીય પ્રસૂતિ સેવા સુધીની પહોંચ તથા રૂ. 1,400ની મળવાપાત્ર રકમ મેળવવા માટે ઓળખના પુરાવાની સમસ્યા

'જનની સુરક્ષા યોજના' હેઠળ સંસ્થાકીય પ્રસૂતિ સાથે સંકળાયેલી પ્રક્રિયા વિશેનો આ લેખ 'ઉન્નતિ'નાં સુશ્રી પરિધિ યાદવ દ્વારા લખવામાં આવ્યો છે. આ લેખ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં સંસ્થાકીય પ્રસૂતિની સેવાઓ મેળવી ચૂકેલી ગ્રામીણ મહિલાઓ સાથે કરવામાં આવેલી ચર્ચા પર આધારિત છે.

રાજસ્થાનના એક ગામની મહિલાઓ તેમની પંચાયતની હદમાં આવેલી સ્ટેટ બૅન્કની શાખાની બહાર બેઠી છે. આગ દઝાડતી ગરમીમાં આ મહિલાઓ સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈને છાતી સુધીનો ઘૂમટો તાણીને બેઠી છે. આ જાહેર જગ્યા છે અને મોટાભાગની સ્ત્રીઓને આવા સ્થળે જવાની પરવાનગી ન હોવાથી ક્યાંક ઘૂમટો ઊતરી ન જાય તેનું ધ્યાન રાખવામાં જ તેઓ વ્યસ્ત છે. ઘરની ચાર દીવાલોમાંથી બહાર ન નીકળી શકતી સ્ત્રીઓને સ્થાનિક બૅન્ક સુધી ખેંચી લાવવાનું થોડું શ્રેય 'જનની સુરક્ષા યોજના'ને જાય છે. માતા મૃત્યુ દર અને શિશુ મૃત્યુ દરને ઘટાડવાના ઉદ્દેશ્યથી આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ લક્ષ્યાંક પાર પાડવા માટે સંસ્થાકીય પ્રસૂતિ કરાવનારી મહિલાઓને રૂ. 1,400ની રકમ (રાજસ્થાનમાં) આપીને તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું. આ ચૂકવણી ચેક દ્વારા કરવામાં આવે છે.

 

આ યોજનાના અમલીકરણને પગલે ભારતીય સમાજની ઘણી કડવી વાસ્તવિકતાઓ અને નિષ્ફળતાઓ સપાટી પર આવી. બાડમેર જિલ્લાના એક જ તાલુકામાં, મહિલાઓને સંસ્થાકીય પ્રસૂતિ બાદ પણ જેએસવાયનો લાભ ન મળ્યો હોવાના સેંકડો દાખલા મોજૂદ હતા. અમલીકરણના મામલે સાંપડેલી આ નિષ્ફળતાનું વિશ્લેષણ કરતાં જણાયું કે, મહિલાઓ બૅન્કમાં ખાતું નથી ધરાવતી તે સૌથી મોટું કારણ છે, અને તેના કારણે તેઓ પોતાને મળવાપાત્ર લાભ મેળવી શકતી નથી. આ પ્રદેશમાં ઘણી નાની વયે છોકરીઓનાં લગ્ન કરાવી દેવાય છે અને યુવતીઓ 18 વર્ષની થાય, તે પહેલાં તો તે એક સંતાનની માતા પણ બની ચૂકી હોય છે. અન્ય ઘણી સ્ત્રીઓ જન્મનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, લગ્નનું પ્રમાણપત્ર વગેરે જેવા ઓળખ માટેના મૂળભૂત દસ્તાવેજો પણ નથી ધરાવતી હોતી.

રાજસ્થાનના અંતરિયાળ જિલ્લામાં મહિલાઓ ઓળખથી વંચિત છે, તે સમસ્યા પાછળ બહુવિધ પરિબળો જવાબદાર છે. બૅન્કનું ખાતું ખોલાવવા માટે મહિલાનું વોટર આઇડી કે આધાર કાર્ડ અને રેશન કાર્ડમાં તેનું નામ (જે ફોટો આઇડી અને સરનામાનો પુરાવો બની રહે છે) - આ બે મહત્ત્વના દસ્તાવેજોની જરૂર પડે છે. સ્ત્રીનાં લગ્ન થઈ ગયા પછી પણ ઘણા સમય સુધી કોઈ તેના દસ્તાવેજોને વ્યવસ્થિત કરવાની તસ્દી નથી લેતું. યુવતીનાં લગ્ન થઈ ગયાં હોવાથી તેના માતા-પિતા તેનું કોઈ પણ પ્રકારનું ઓળખ કાર્ડ નથી મેળવતાં. અને જો કોઈ સ્ત્રી પાસે લગ્ન પહેલાં વોટર આઇડી હોય, તો પણ તેનો કોઈ અર્થ નથી રહેતો, (કારણ કે સરનામું બદલાઈ ચૂક્યું હોય છે). પરંતુ, તે પણ ભાગ્યે જ બને છે, કારણ કે મોટાભાગની સ્ત્રીઓનાં 14થી 18 વર્ષની વચ્ચે લગ્ન થઈ ચૂક્યાં હોય છે, તેથી તે ઉંમરે તેમને વોટર આઇડી મળ્યું હોતું નથી.

વળી, મોટાભાગના કિસ્સાઓમાં સ્ત્રીઓ તેમના લગ્નના એક વર્ષની અંદર જ ગર્ભવતી થઈ જતી હોય છે, જેની આરોગ્યને લગતી અસરો તો છે જ, પણ હાલના મુદ્દાના સંદર્ભમાં જોતાં, રેશન કાર્ડમાં તે સ્ત્રીનું નામ નોંધાવવા માટે કે અન્ય કોઈ દસ્તાવેજ મેળવવા માટે ઘણો ઓછો સમય મળી રહે છે. આથી, ચેક મેળવ્યા બાદ જ્યારે તે ચેક વટાવવા માટે પ્રયત્ન કરવામાં આવે, ત્યારે તેમને તમામ જરૂરી દસ્તાવેજો મેળવવા અંગે જાણ થાય છે. આ તમામ દસ્તાવેજો મેળવવાની તથા તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂરી કરવાની કવાયત પૂર્ણ થાય, ત્યાં સુધીમાં ચેકની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોય છે અથવા તો પરિવારને ચેકનો લાભ મેળવવામાં રસ રહેતો નથી, કારણ કે આ તમામ પ્રક્રિયાઓ પાછળ થતો ખર્ચ મળવાપાત્ર લાભની રકમ કરતાં વધી ગયો હોય છે.

ઉપરોક્ત તમામ સૂચિત દસ્તાવેજો મેળવવાની પ્રક્રિયા એટલી લાંબી કે મુશ્કેલ ન પણ હોય, પરંતુ તેમાં પણ કેટલાક અવરોધો રહેલા છે. અન્ય દસ્તાવેજો મેળવવા માટે લગ્નનું પ્રમાણ મૂળભૂત દસ્તાવેજ તરીકે વાપરી શકાય. પરંતુ, લગ્નના પ્રમાણપત્ર માટે વયનો પુરાવો હોવો જરૂરી છે. હવે, શાળાનું શિક્ષણ મેળવનારી છોકરીઓનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ઉંમરના પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે, પરંતુ જે છોકરીઓએ શાળાનું શિક્ષણ ન મેળવ્યું હોય તેવી છોકરીઓ પાસે વયનો પુરાવો હોતો નથી. શાળાકીય શિક્ષણ ન મેળવનારી છોકરીઓની સંખ્યા નોંધપાત્ર છે, તે જોતાં લગ્નના પ્રમાણપત્ર વિના અન્ય કોઈ દસ્તાવેજ મેળવવો ઘણો મુશ્કેલ બને છે. અને અગાઉ જણાવ્યું તેમ, 18 વર્ષ કરતાં નાની વયે છોકરીઓને પરણાવી દેવાય છે.

બીજી એક નોંધપાત્ર સમસ્યા એ છે કે, બૅન્કો જાણતી હોય છે કે ફક્ત જેએસવાય યોજનાનો લાભ મેળવવા માટે જ સ્ત્રીનું ખાતું ખોલાવવામાં આવે છે અને ત્યાર પછી તે ખાતાનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી. તેથી, જેએસવાય હેઠળ સ્ત્રીઓનું ખાતું ખોલાવવા અંગે બૅન્કોનું વલણ પણ ઉદાસીન હોય છે.

ફક્ત યોજનાને બદલે તેની પ્રક્રિયા વિશે પણ જાગૃતિ ફેલાવીને આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે. પરિવારની સ્ત્રીઓ માટે યોગ્ય દસ્તાવેજો મેળવવાનું મહત્ત્વ લોકોને સમજાવવા માટે જેએસવાય પ્રક્રિયા મહત્ત્વનું સાધન સાબિત થઈ શકે છે. ખાનોડા ગામનાં એએનએમ કલ્પનાએ નવતર પહેલ કરી છે, જે અનુસાર તેઓ તમામ ગર્ભવતી સ્ત્રીઓને જેએસવાયનો લાભ મેળવવા માટેના જરૂરી દસ્તાવેજો વિશેની જાણકારી આપે છે. એટલું જ નહીં, મહિલાઓને પ્રસૂતિ પહેલાં તમામ જરૂરી દસ્તાવેજો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે કલ્પના પ્રયત્ન કરે છે. પરંતુ, આશરે ફક્ત 50 ટકા જેટલી સ્ત્રીઓ જ હૉસ્પિટલમાં પ્રસૂતિ કરાવે છે, તેથી બાકીની 50 ટકા મહિલાઓ જેએસવાયના મળવાપાત્ર લાભથી વંચિત રહી જાય છે, તેમ છતાં પ્રોત્સાહક શરૂઆત કરી શકાય. મતદાર ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બૅન્કમાં ખાતું - આ તમામ દસ્તાવેજો તથા વ્યવસ્થાઓથી મહિલાઓ વંચિત છે તે કેટલીક સરકારી યોજનાઓનો લાભ મેળવવા આડેનો અંતરાય તો છે જ, પણ તેની સાથે-સાથે તે મહિલાઓને જાહેર જીવનથી દૂર રાખતું મૂળભૂત પરિબળ છે.

આ સમગ્ર અનુભવ, નીતિ ઘડનારાઓ અને કાર્યક્રમના અમલકર્તાઓનું નરી વાસ્તવિકતા અંગેનું અજ્ઞાન છતું કરે છે. આપણો દેશ ચોક્કસપણે આર્થિક સમાવેશકતા તરફ ઝડપથી આગેકૂચ કરી રહ્યો છે. રાજસ્થાન સરકારે 'ભામાશા ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન સ્કીમ' (બીએફઆઇએસ) શરૂ કરી છે, જેમાં મહિલાઓને પરિવારની બૅન્ક ઍકાઉન્ટ હોલ્ડર (બૅન્કમાં ખાતું ધરાવનાર) તરીકે ગણવામાં આવે છે. આ યોજના 2014ના વર્ષમાં પુનઃ શરૂ કરવામાં આવી છે. આ યોજના મહિલાઓને આગળ વધવામાં તેમ જ નાણાકીય તથા આર્થિક સ્વતંત્રતાના તેમના અધિકારનો ઉપયોગ કરવાની નાણાકીય સત્તાઓ પૂરી પાડવા પર ધ્યાન આપે છે, અને તેથી બીએફઆઇએસ અન્ય યોજનાઓ કરતાં અલગ તરી આવે છે. મોટાભાગની કલ્યાણકારી તથા આ પ્રકારની અન્ય સરકારી યોજનાઓમાં પરિવારનો વડો સામાન્યપણે પુરુષ હોય છે. જ્યારે બીએફઆઇએસમાં પરિવારનું વડપણ મહિલાઓ કરતી હોવાનું માનવામાં આવે છે. આ યોજના હેઠળ રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારોના તમામ બીપીએલ, નાના અને સીમાંત ખેડૂતો તથા એસસી કે એસટી પરિવારોને તેમના રહેઠાણથી 3-5 કિમીના અંતરે બૅન્કિંગ સુવિધા પૂરી પાડીને તેમને બૅન્કિંગ વ્યવસ્થા હેઠળ આવરી લેવામાં આવે છે. આ પરિવારોની મહિલાઓના નામે બૅન્કમાં ખાતું ખોલાવવામાં આવે છે અને તે ખાતું બાયોમેટ્રિક ઓળખ દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ બૅન્ક ખાતું કાયમી ધોરણે સરકારી રેકોર્ડ્ઝમાં રજિસ્ટર્ડ થઈ જશે (નોંધાઈ જશે) અને કોઈ પણ સરકારી યોજનાના ધિરાણના લાભ માટે તે સત્તાવાર(અધિકૃત) ખાતું ગણાશે. આ પ્રકારની મહત્ત્વાકાંક્ષી યોજનાઓ આવકાર્ય છે, પરંતુ, 18 વર્ષ કરતાં ઓછી વયે માતા બનતી હજ્જારો છોકરીઓ કેવી રીતે તેમને મળવાપાત્ર લાભ મેળવી શકશે તે અંગે સઘન વિચારણા હાથ ધરવી ઘણી જરૂરી છે. શું નાની વયે માતા બનનારી આ યુવતીઓને તેમના લાભથી વંચિત રાખીને આપણે તેમને સજા કરીશું? જો આમ કરવામાં આવે, તો આ પગલું સંસ્થાકીય પ્રસૂતિ અને ત્યાર બાદ માતા અને શિશુની કાળજી તથા સલામતી માટે ઘણું જ નિરૂત્સાહક બની રહેશે. બહુવિધ ફેરફારો અને પડકારો સાથે આપણો સમાજ ઝડપથી બદલાઈ રહ્યો છે.

સ્ત્રોત: વિચાર, ઉન્નતી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate