অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઉત્તરદાયિત્વ

ઉત્તરદાયિત્વ

ટ્રાન્સ્પરન્સી ઇન્ટરનેશનલ'ના અહેવાલનો આ સંક્ષેપ ઉન્નતિનાં સુશ્રી સ્વપ્ની શાહ દ્વારા તૈયાર કરાયો છે. 'ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ' એ ભ્રષ્ટાચાર સામેની લડતની આગેવાની કરતા નાગરિક-સમાજ સંગઠનોનું વૈશ્વિક જોડાણ છે. તે વિશ્વભરમાં 100 કરતાં વધારે સભ્ય સંગઠનો ધરાવે છે અને તેનું આંતરરાષ્ટ્રીય વડું મથક બર્લિન ખાતે આવેલું છે. તે ભ્રષ્ટાચારની વિપરીત અસરો અંગે જાગૃતિ ફેલાવે છે અને ભ્રષ્ટાચાર દૂર કરવા માટે અસરકારક પગલાંઓ વિકસાવવા અને તેનો અમલ કરવા માટે સરકાર, વ્યવસાયિક ક્ષેત્ર અને નાગરિક-સમાજ સંગઠનોની ભાગીદારી સાથે કામ કરે છે.

છેલ્લાં વીસ વર્ષમાં દક્ષિણ એશિયાએ સાતત્યપૂર્ણ આર્થિક વિકાસ સાધ્યો છે તથા ગરીબીનો દર ઘટ્યો છે, પણ તેની સામે ભ્રષ્ટાચારનું પ્રમાણ વધ્યું છે. 'ટ્રાન્સ્પરન્સી ઇન્ટરનેશનલ'ના ગ્લોબલ કરપ્શન બેરોમીટર 2013 અનુસાર, નાગરિકોના મતે જાહેર ક્ષેત્રમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર એ ગંભીર સમસ્યા છે અને બે-તૃત્યાંશ લોકો માને છે કે છેલ્લાં બે વર્ષમાં દેશમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધ્યું છે.  ફક્ત 20 ટકા લોકોને ભ્રષ્ટાચાર વિરુદ્ધ સરકારે ભરેલાં પગલાં અસરકારક જણાય છે (જ્યારે 2011માં આ પ્રમાણ 39 ટકા હતું). પોલીસ અને રાષ્ટ્રીય સંસદ કરતાં પણ રાજકીય પક્ષોને સૌથી વધુ ભ્રષ્ટ ગણવામાં આવે છે. વિશ્વ બૅન્કના ર્વલ્ડવાઇડ ગવર્નન્સ ઇન્ડિકેટર્સ  અનુસાર - અવાજ અને જવાબદારીનું સ્તર (દેશના નાગરિકો કેટલે અંશે લોકશાહી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે અને કેટલે અંશે પોતાનો મત વ્યક્ત કરી શકે છે) 1996થી તમામ છ દેશોમાં નીચું ગયું છે. નાગરિકોના રોજિંદા જીવન પર અસર ઉપજાવતા નિર્ણયો લેવામાં નાગરિકો, સહાયક ભૂમિકા ભજવી શકે તે માટે તેમને સશક્ત બનાવવા પ્રત્યે સરકારનું વલણ ઉદાસીન રહ્યું છે.

કાયદાનું પાલન કરવામાં રાજકીય ઈચ્છાશક્તિના અભાવને પગલે ભ્રષ્ટાચારને ડામવાનાં સરકારનાં પગલાં બિનઅસરકારક પુરવાર થયાં છે. બાંગ્લાદેશ, ભારત, માલદિવ્ઝ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા - એ છ દેશોમાં ભ્રષ્ટાચાર-વિરોધી કામગીરી કરતી 70 સંસ્થાઓની આકારણી કરવામાં આવતાં, તેમાંની એક પણ સંસ્થા ભ્રષ્ટાચારના જોખમથી મુક્ત નહોતી. આ અહેવાલ ન્યાય તંત્ર અને ભ્રષ્ટાચાર-વિરોધી સંસ્થાઓ પર ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતના મહત્ત્વના કર્તાઓ તરીકે ભાર મૂકે છે. તે દરેક દેશના સમાન પડકારોને ઉજાગર કરે છે અને દક્ષિણ એશિયાના દેશોની સરકારો સામે સ્પષ્ટ પ્રાથમિકતાઓ રજૂ કરે છે. આ અહેવાલનાં ચાવીરૂપ તારણો આ પ્રમાણે છે:

  1. સરકારને ઉત્તરદાયી બનાવવા માટે, સરકાર કેવી રીતે કામ કરી રહી છે તેની માહિતી મેળવવા માટે નાગરિકો અસમર્થ છે.
  2. વ્હિસલ બ્લોઅર્સના અર્થપૂર્ણ રક્ષણનો અભાવનો અર્થ એ થાય કે, ખોટાં કૃત્યો કરતાં સત્તાધિશો પકડાઈ જાય એવી શક્યતા ઘણી જ ઓછી છે.
  3. ભ્રષ્ટાચાર-વિરોધી સંસ્થાઓની મહત્ત્વની કામગીરીઓમાં રાજકીય હસ્તક્ષેપ કરવામાં આવે છે તથા સરકાર પર નજર રાખવાની કામગીરીમાં ન્યાયતંત્ર તેમને બિનઅસરકારક બનાવે છે.
  4. કેટલાક કાયદાઓ આંતરરાષ્ટ્રીય માપદંડો સાથે સુસંગત નથી, જ્યારે અન્ય કાયદાઓ યોગ્ય રીતે લાગુ કરવામાં આવતા નથી. પરિણામે, ભ્રષ્ટાચાર તથા અન્ય ગુનાઓની અસરકારક તપાસ થતી નથી તથા તેની કડક સજા પણ થતી નથી. તેના કારણે ભ્રષ્ટ લોકો પોતાના અંગત લાભ માટે જનતાના ખર્ચે પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે.

ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતમાં છેલ્લાં દસ વર્ષમાં હકારાત્મક પરિવર્તન જોવા મળ્યું છે. તમામ છ દેશોએ ભ્રષ્ટાચાર વિરુદ્ધના યુએન કન્વેન્શનનું સમર્થન કર્યું છે. પ્રતિબદ્ધતાઓને અર્થપૂર્ણ કામગીરીમાં પરિવર્તિત કરવા માટેના પ્રયત્નો હાથ ધરવા જરૂરી છે. આ અંગેની સ્થિતિ અને ચાવીરૂપ ભલામણો નીચે પ્રમાણે છે:

માહિતી મેળવવાનો અધિકાર - રાઇટ ટુ ઇન્ફર્મેશન (આરટીઆઇ - માહિતીનો અધિકાર)નો કાયદો બાંગ્લાદેશ, ભારત તથા નેપાળમાં પ્રવર્તમાન છે તથા તાજેતરમાં જ તે માલદિવ્ઝમાં પણ લાગુ કરવામાં આવ્યો છે. ઘણી વખત સરકાર તથા અન્યો દ્વારા કાયદાનો પ્રચાર-પ્રસાર કરવાની પ્રતિબદ્ધતાના અભાવને કારણે ઘણી વખત નાગરિકોને તેમના માહિતીના અધિકાર અંગે જાણ હોતી નથી. માહિતી પૂરી પાડવા માટેની નાગરિકોની વિનંતીઓને સરકારી કચેરીઓમાં અસરકારક તથા પદ્ધતિસર પ્રતિભાવ મળતો નથી. જેમ કે, બાંગ્લાદેશમાં ચુસ્ત આરટીઆઇ કાયદો અસ્તિત્વમાં હોવા છતાં, એક સર્વેના આધારે માલૂમ પડ્યું હતું કે જાહેર સત્તાતંત્ર પાસેથી માહિતી મેળવવામાં 29 ટકા નાગરિકોએ પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો તથા આઠ ટકા નાગરિકોએ વધારાનાં નાણાં ચૂકવવા પડ્યાં હતાં.

શ્રીલંકા અને પાકિસ્તાને તાકીદના ધોરણે ચુસ્ત આરટીઆઇ કાયદો પસાર કરવો જોઈએ, જ્યારે અન્ય દેશોએ વર્તમાન કાયદાઓને નબળા બનાવવાના પ્રયાસોને ઉગ્રતાથી પડકારવા જોઈએ. તમામ સરકારોએ માહિતી પૂરી પાડવાની તેમની ક્ષમતામાં વધારો કરીને તેમ જ આ મૂળભૂત અધિકારનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે જનતાને શિક્ષણ પૂરું પાડીને માહિતીના અધિકારનો સક્રિયપણે પ્રસાર કરવો જોઈએ.

વ્હિસલ બ્લોઅર્સ - બાંગ્લાદેશ તથા ભારત 2014ના પ્રારંભથી વ્હિસલ બ્લોઅરના રક્ષણનો કાયદો ધરાવે છે. તેમ છતાં, આ કાયદાના અમલમાં નહિવત્ પ્રગતિ થઈ છે અને સંભવિત વપરાશકર્તાઓમાં આ ક્ષેત્રે સદંતર અજ્ઞાન પ્રવર્તે છે. આ ઉપરાંત, ભારતીય કાયદામાં આંતરરાષ્ટ્રીય માપદંડોનો પણ અભાવ વર્તાય છે. અધિનિયમનો અમલ કરવાની જવાબદારી ધરાવતા વિભાગ પાસે પૂરતી સત્તાઓ નથી તથા ફરિયાદોની તપાસ કરવાનો અને સજા ફટકારવાનો રૅકોર્ડ ઘણો નબળો રહ્યો છે. બાંગ્લાદેશ તથા ભારતે - તેમના વ્હિસલ બ્લોઅર કાયદાનો સક્રિયપણે પ્રચાર-પ્રસાર કરવામાં આવે તથા અસરકારક રીતે અમલ કરવામાં આવે - તે સુનિશ્ચિત કરવું જોઈએ. માલદિવ્ઝ, નેપાળ, પાકિસ્તાન તથા શ્રીલંકાએ વ્હિસલ બ્લોઅરના રક્ષણ માટેનો સમાવેશક કાયદો વિકસાવવો જોઈએ.

ભ્રષ્ટાચાર વિરોધી એકમો - ભારત અને નેપાળનાં ભ્રષ્ટાચાર-વિરોધી એકમો તેમ જ શ્રીલંકાના ભ્રષ્ટાચાર-વિરોધી વિભાગો તથા બાંગ્લાદેશનું ન્યાય તંત્ર, રાજકીય હેતુઓ પાર પાડવા માટે કેસની પસંદગી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવે છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની આ સ્વતંત્ર એકમોની સત્તાઓ પર રાજકીય દરમિયાનગીરી દ્વારા વારંવાર નિયંત્રણો લાદવામાં આવે છે. તેને કારણે અથવા તો સિનિયર સ્ટાફની ઑફિસમાં થતી સતત નિમણૂક અને બદલીઓને કારણે આ એકમોની અસરકારકતાને હાનિ પહોંચી છે. જાકાર્તા પ્રિન્સિપલ્સ, 'મર્રાકેશ ડિક્લેરેશન' અને ન્યાય તંત્રની સ્વતંત્રતા વિશેના યુએનના મૂળભૂત સિદ્ધાન્તોનું અસ્તિત્વ હોવા છતાં પણ આ પ્રવાહ પ્રવર્તે છે. માલદિવ્ઝ તથા શ્રીલંકાએ તેમનાં એન્ટિ-કરપ્શન એકમોને આગોતરી સરકારી મંજૂરી લીધા વિના પોતાની મેળે ભ્રષ્ટાચારની તપાસ કરવાની તથા ફરિયાદ કરવાની સત્તાઓ પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. આ દેશોની સરકારોએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે એન્ટિ-કરપ્શન એકમો તથા ન્યાય તંત્રમાં નિમણૂક, બદલી તથા છટણી કરવાના નિર્ણયો સ્વતંત્ર એકમ દ્વારા લેવાય. સાથે જ આ મહત્ત્વનાં એકમો જે સંસ્થાઓની દેખરેખ રાખતા હોય, તે સંસ્થાઓથી પ્રભાવિત ન થાય તે પણ સુનિશ્ચિત કરવું જોઈએ.

દક્ષિણ એશિયામાં ઉત્તરદાયિત્વનું વાતાવરણ સર્જવું

2007માં પાકિસ્તાનના એન્ટિ-કરપ્શન એકમ દ્વારા વ્યાપક નાણાકીય છેતરપિંડીનો પર્દાફાશ કરવામાં આવ્યો તથા ભારતની સુપ્રીમ કૉર્ટે દેશના ચૂંટણી પંચને ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારોના ગુનાના રૅકોર્ડ્ઝ જાહેર જનતા માટે પ્રાપ્ય બનાવવાનો આદેશ આપ્યો, તે આ દેશોમાં મજબૂત ભ્રષ્ટાચાર-વિરોધી એકમો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનાં ઉદાહરણો છે. આ પ્રકારની રાજકીય ઈચ્છાશક્તિ માટે નીચલા સ્તરેથી પ્રબળ દબાણ ઊભું થાય તે જરૂરી છે. તેથી જ નાગરિક સમાજ, માધ્યમો અને રાજકીય પક્ષો, સમગ્ર સમાજમાં ઉત્તરદાયિત્વનું વાતાવરણ સર્જવામાં સક્રિય ભૂમિકા ભજવે છે. નાગરિક સમાજ તથા માધ્યમો પોતાની વાત રજૂ કરી શકે તે માટે તેમને પૂરતો અવકાશ અને સલામતી મળી રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. વળી, રાજકીય પક્ષોએ એ કરવું જોઈએ કે તેઓ જે નાગરિકોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, તેમના પ્રત્યે તેઓ જવાબદાર છે અને લોકશાહી પ્રક્રિયા દ્વારા લોકોની ઈચ્છાશક્તિને અસરકારક રીતે સાંકળવા માટે સક્ષમ છે.

સ્ત્રોત: વિચાર ,ઉન્નતી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/3/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate