অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રેવન્યૂ રેકર્ડમાં રહેલી ભૂલો ક્ષતિઓ સુધારવા અંગે મહત્ત્વનો પરિપત્ર

રેવન્યૂ રેકર્ડમાં રહેલી ભૂલો ક્ષતિઓ સુધારવા અંગે મહત્ત્વનો પરિપત્ર

હક્કપત્રક ગામના નમૂના નં.૬ એક પ્રકારનું રજિસ્ટર છે. જેમાં જમીન અંગેના રજિસ્ટર્ડ અથવા અનરજિસ્ટર્ડ લખાણો દ્વારા મેળવાયેલા તથા અન્ય કાયદેસરના હક્કોની નોંધ રાખવામાં આવે છે, હક્કપત્રક દ્વારા જમીન કેવી રીતે કબજેદાર પાસે આવી યાને જમીન પરત્વેનો હક્ક કેવી રીતે મળ્યા તેની વિગતો મેળવી શકાય છે. હક્કપત્ર એ મહેસૂલની પદ્ધતિમાં ગ્રામ્ય વિસ્તાર માટે મહત્ત્વના દસ્તાવેજો પૈકીનો એક દસ્તાવેજ છે. હક્કપત્રકમાં કબજા સાથેના હક્કો ઉપરાંત કબજાવાળા તેમજ કબજા સિવાયના ગીરોની, ખેડની તથા જમીનમાં અન્ય રીતે પ્રાપ્ત થયેલા હક્કોની નોંધ દાખલ કરવામાં આવે છે.

કોઈ પ્રકારના હક્ક સંબંધી ફેરફારો અંગે અરજદાર તરફથી મામલતદાર કચેરીને અરજી કર્યા બાદ જે તે જમીનની ૭/૧૨માં જમીન ઉપર કોનો કયા પ્રકારનો હક્ક છે તે તપાસી ખાતરી કર્યા બાદ તલાટી રૂબરૂ જવાબ પણ લેવામાં છે. ત્યારબાદ ગામના નમૂના નં. ૬માં નાયબ મામલતદાર યા સર્કલ ઓફિસર યા તલાટી દ્વારા જે તે હક્ક સંબંધી એેન્ટ્રી પાડવામાં આવે છે. અને જેના હક્ક કમી થતા હોય તે તમામને તેઓના સરનામે તે બાબતની કલમ ૧૩૫ (ડી) મુજબની નોટિસ બજવવામાં આવે છે. આ નોટિસની બજવણી થયા બાદ જો કોઈ વ્યક્તિને તેવા ફેરફારો સામે યાને થનાર એન્ટ્રી સામે કોઈ વાંધો હોય તો તે અંગે વાંધા અરજી આપી શકાય છે અને જો આવી નોટિસ બજવ્યા પછી પણ જો કોઈ વ્યક્તિ તરફથી થયેલ નામફેર યા તબદિલી માટે વાંધો ઉઠાવવામાં ન આવે તો કલમ ૧૩૫ (ડી) મુજબની નોટિસ બજવ્યાના પાંત્રીસ પછી દિવસ આવી એન્ટ્રીની સર્કલ ઈન્સ્પેક્ટર યા નાયબ મામલતદાર તરફથી ચોકસાઈ કે ખાતરી કરવામાં આવે છે અને એન્ટ્રી પ્રમાણિત કરવા પાત્ર થાય પછી તેવી એન્ટ્રી સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે.

રાજ્યમાં આવેલી ખેતીની જમીનો અંગે ભૂતકાળમાં અલગ અલગ સમયગાળામાં માપણી થયેલ હતી જેને ઘણો સમય પસાર થયેલ હોવાથી સમગ્ર રાજ્યની ખેતીની જમીનોનો નવેસરથી સર્વે કરી મહેસૂલી રેકર્ડ તૈયાર કરવા માટેનો જમીન મહેસૂલ અધિનિયમની પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર રેકર્ડ પ્રમોલગેશન થયા બાદ તેમાં રેવન્યૂ રેકર્ડમાં ઘણી ભૂલો માલૂમ પડેલ. અને તેની રેવન્યૂ રેકર્ડની ભૂલો પરત્વે પક્ષકારો દ્વારા જમીન મહેસૂલ સંહિતાની કલમ -૨૦૩ હેઠળ અપીલ રાહે પ્રાંત અધિકારી અથવા કલેક્ટરને અપીલ કરી દાદ મેળવવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. રાજ્યમાં લાંબા સમયગાળા બાદ રિસર્વે કામગીરી તમામ જિલ્લાઓમાં હાથ ધરવામાં આવેલ અને કામગીરી ચાલુ છે ત્યારે ઉપરોક્ત દર્શાવેલ કારણો મુજબ રિસર્વે રેકર્ડમાં નાની ક્ષતિઓ/ કારકુની ભૂલો પણ રહે તેવી શક્યતા છે, આથી રેકર્ડ પ્રમોલગેશન પછી જો ખાતેદારને અપીલ રાહે દાદ મેળવવાની થાય તો તેમાં વિલંબ તથા હેરાનગતિ થવાની શક્યતા છે. ઉપરાંત ખાતેદારોને વકીલ ફી, ખર્ચ અને અન્ય હાડમારી ભોગવવાનો પ્રશ્ન ઉપસ્થિત થવા સંભવ છે. સદર બાબતે ખાતેદારોના હિતમાં નવા રેકર્ડમાં થયેલ ભૂલો સુધારવી જરૂરી જ નહીં પરંતુ અનિવાર્ય છે.

રાજ્યના મહેસૂલી વહીવટને કમ્પ્યુટર નિયંત્રિત, સલામત, સુરક્ષિત, ચેડામુક્ત, સુદૃઢ અને ઝડપી બનાવવના પગલારૂપે હસ્તલિખિત મહેસૂલી દફતરને જાન્યુઆરી-૨૦૧૪થી કમ્પ્યુટરાઈઝડ કરી ઓનલાઈન કરવામાં આવેલ છે. જમીનોના ૪૩ જેટલા વિવિધ પ્રકારના વ્યવહારોની સંબંધિત ઈ-ધરા કેન્દ્રમાં ફેરફાર નોંધ દાખલ કરી જમીનોના હક્ક સંબંધિત તબદિલી કરી શકાય છે. સને ૨૦૦૪માં હસ્તલિખિત રેકર્ડની ડેટા એન્ટ્રી કરી કમ્પ્યુટરાઈઝડ લેન્ડ રેકર્ડ એટલે કે ગા.ન.નં.૭/૧૨ તથા ૮-અ બનાવવામાં આવેલી છે.

હક્કપત્રકમાં રેકર્ડની ઓનલાઈન નિભાવણી થતી હોવાથી દરરોજ નવી ફેરફાર નોંધો મળ્યા કરે છે. તે સંજોગોમાં નવા રેકર્ડમાં ઝડપથી ક્ષતિઓ સુધારવી અનિવાર્ય છે. રિસર્વે પછી તૈયાર થનાર આખરી રેકર્ડમાં નાની મોટી ક્ષતિઓને સુધારવા માટે ગુજરાત જમીન મહેસૂલ સંહિતાની કલમ-૨૦૩ હેઠળ કરવાની થતી અપીલને બદલે આ ક્ષતિઓમાં તુરત સુધારો થાય તેવા શુભ હેતુસર ખાસ કિસ્સામાં રિસર્વે રેકર્ડ પ્રમોલગેશન થયાના એક વર્ષ સુધી સંબંધિત મહેસૂલી કચેરીને સાદી અરજી કરવાથી આવી ક્ષતિઓ સુધારવાના સંદર્ભવાળા હુકમથી સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતરે નિયામક્, ગુજરાત રાજ્યની કચેરી દ્વારા જરૂરી પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે. સદર પરિપત્ર જાહેર થયા બાદ તેમાં થયેલ જોગવાઈઓે મુજબ એક વર્ષના સમયગાળા દરમિયાન રિસર્વે રેકર્ડ પ્રમોલગેશન થયેલ ક્ષતિઓ સુધારવા અંગે જેમ જેમ જાણકારી પ્રાપ્ત થતી જાય છે તેમ તેમ ખેડૂત ખાતેદારો અરજી કરી ક્ષતિમાં સુધારા કરાવવા મહેસૂલી કચેરીમાં અરજી કરી કાર્યવાહી કરતા હોય છે. પરંતુ હજુ પણ ઘણા બધા ખાતેદારો રિસર્વે રેકર્ડ પ્રમોલગેશનમાં થયેલ ક્ષતિઓ સુધારવા અરજીઓે કરતા આવેલા છે. આમ ઉપરોક્ત પરિપત્રમાં નિયત થયેલ સમયગાળા પછી જો અરજીઓ મળે તો ખાતેદારોને જમીન મહેસૂલ સંહિતાની કલમ-૨૦૩ હેઠળ અપીલ કરવાના પ્રશ્નોે ઉપસ્થિત થશે.

આથી ખાતેદારોના રિસર્વે રેકર્ડ પ્રમોલગેશન પછી મળતા વાંધા સુધારવા માટે અને ક્ષતિ રહીત રેકર્ડ તૈયાર થાય તેવા શુભ હેતુસર જમીન મહેસૂલ સંહિતાની કલમ-૨૦૩ હેઠળ અપીલને બદલે સાદી અરજી કરી ખાતેદાર દાદ માંગી શકે અને તે માટે ખાતેદારો/ અરજદારો તરફથી મળી રહેલ વાંધા અરજીઓ માટે નીચે જણાવેલ પદ્ધતિ મુજબ કાર્યવાહી કરવા બાબત ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર ક્રમાંક : સીટીએસ/૧૧૨૦૧૬/ ૬૦૪/ હ થી તા. ૧૪-૩-૨૦૧૬ના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે. જેમાં રેકર્ડ સુધારવા માટે ખાતેદાર સાદી અરજી કરી પોતાનો રેકર્ડ સુધારી શકશે અને તે માટે મહેસૂલ અધિકારીઓ માટે નીચે મુજબની કાર્યપદ્ધતિ સૂચવવામાં આવેલ છે.

  1. તા.૩૧-૦૩-૨૦૧૬ સુધી રિસર્વે રેકર્ડ પ્રમોલગેશન સામે તા. ૩૧-૩-૨૦૧૭ સુધી વાંધા અરજી આપી શકાશે.
  2. તા. ૦૧-૦૪-૨૦૧૬ પછી થનાર રિસર્વે રેકર્ડ પ્રમોલગેશન તારીખથી બે વર્ષ સુધી વાંધા અરજી આપી શકાશે.

ઉપરોક્ત બાબતે ખાતેદાર/ અરજદાર નીચે જણાવેલ વિગતે વાંધા અરજી કરી શકાશે :

  1. અરજદાર સુપરિન્ટેન્ડેન્ટ જમીન રેકર્ડ કમ એકત્રીકરણ અધિકારીની કચેરીમાં સાદા અરજી કરી શકશે.
  2. અરજદાર ઈ ગ્રામ સેન્ટર દ્વારા જરૂરી ફી ભરી જે તે ગામોની જ અરજી કરી શકશે અને આવી અરજીના નિકાલ થયા પછી અરજી અંગે થયેલ નિર્ણયની નકલ પણ ઈ ગ્રામ સેન્ટર પરથી મેળવી શકશે.
  3. અરજદાર ઈ મેઈલ દ્વારા પણ પોતાના આધારકાર્ડની વિગતો સાથે અરજી કરી શકાશે.

ઉપરોક્ત બાબતની વાંધા અરજીનોે નિકાલ જમીન મહેસૂલ સંહિતાની કલમ-૨૦૩ હેઠળ અપીલ કરવાને બદલે સુપરિન્ટેન્ડેન્ટ જમીન રેકર્ડ કમ એકત્રીકરણ અધિકારીએ નીચે જણાવ્યા મુજબ કાર્યવાહી કરવાની રહેશ

  1. ખાતેદારની અરજીને કેસ તરીકે ન ગણતા સાદી અરજી તરીકે ગણવાની રહેશે.
  2. અરજી અન્વયે સુનાવણી કે મુદતો પાડવાની રહેશે નહીં
  3. અરજી અન્વયે ધારાધોરણ મુજબ લાગુ પડતી કોઈ પણ જાતની ફી વસૂલ કરવાની રહેશે નહીં.
  4. અરજીઓ અન્વયે અલગ રજિસ્ટરની નિભાવણી કરવાની રહેશે.
  5. અરજીઓ અન્વયે થયેલ સુધારા હુકમની નકલ સંબંધિત અરજદાર, સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક ગુજરાત રાજ્ય, ગાંધીનગર તથા કલેક્ટરને મોકલવાની રહેશે.

સ્ત્રોત : ચૈતન્ય લીમ્બાચીયા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/15/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate