অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બેનામી મિલકતો અને વ્યવહારોના કાયદા અંગે માર્ગદર્શન

બેનામી મિલકતો અને વ્યવહારોના કાયદા અંગે માર્ગદર્શન

બેનામી વ્યવહારો (પ્રતિબંધ) કાયદો, ૧૯૮૮ની કલમ-૨ મુજબ બેનામી વ્યવહારો એટલે એવા વ્યવહારો કે જેમાં કોઇ મિલકત જેના નામે ખરીદવામાં આવી હોય પરંતુ તેના અવેજની ચુકવણી અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ હોય. બેનામી એ પારસી શબ્દ છે, તેનો સામાન્ય અર્થ થાય છે નામ વગરનો. આવા બેનામી વ્યવહારોમાં કોઇ મિલકત અન્ય કોઇ વ્યક્તિના નામે ખરીદવામાં આવે છે તેવી વ્યક્તિ તે મિલકતની વાસ્તવિક માલિક હોતો નથી, પરંતુ માત્ર વાસ્તવિક માલિકનો પ્રતિનિધિ હોય છે. સરળ શબ્દોમાં કોઇ મિલકત ખરીદવા માટે જે વ્યક્તિ વાસ્તવમાં નાણાં ચૂકવતો હોય તે મિલકત તેના નામે ખરીદાતી નથી પરંતુ અન્ય કોઇ વ્યક્તિના નામે તે મિલકતની ખરીદી થતી હોય છે. આ કાયદા મુજબ આવી કોઇપણ અસ્કયામત પછી તે સ્થાવર હોય કે જંગમ વાસ્તવિક હોય કે અવાસ્તવિક તેને બેનામી મિલકત કહી શકાય. બેનામી વ્યવહારોને કાળાં નાણાંના પ્રવાહનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે.

ભ્રષ્ટાચાર સમગ્ર સમાજમાં જળમૂળથી ખૂબ ઊંડે સુધી પથરાયેલા છે. જાહેર હોદ્દેદારો, રાજકારણીઓમાં જાણે વધુ ને વધુ મોટા કૌભાંડો રચવાની રીતસરની હરીફાઇ જામી હોય તેમ રોજે રોજ વધુ મોટા ને મોટા કૌભાંડો બહાર આવતા જાય છે. કોઇપણ સત્તાધીશ દ્વારા તેની સત્તાનો લાભ (પૈસા કે ભેટ) મેળવવા દુરુપયોગ કરવો તેને ભ્રષ્ટાચાર કહેવાય છે. સરકારી કાર્ય ખોટી રીતે કે યોગ્ય સમય કરતા પહેલા કે લાયકાત વગર કરી આપી, તેનાં બદલામાં મેળવેલ પૈસા કે ભેટને લાંચ કહેવાય છે. ભારત દેશનાં દરેક રાજ્યોમાં સરકારી અધિકારીઓમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર પ્રવર્તે છે.

ભ્રષ્ટાચાર માટે મોટે ભાગે કાળાં નાણાંનો ઉપયોગ થાય છે. ભ્રષ્ટાચાર અને કાળું નાણું આ બંને શબ્દ જાણે એકબીજાના પર્યાય બની ગયા હોય તેવું લાગે છે. સમગ્ર દેશમાં કલ્પના પણ ન કરી શકાય તેટલા મોટા પ્રમાણમાં કાળુ નાણું યાને બ્લેકમની અસ્તિત્વ ધરાવે છે અને માર્કેટમાં ફરી રહેલ છે. આથી બેનામી વ્યવહારો અને બેનામી મિલકતોની સંખ્યા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. બેનામી સોદાનું સૌથી વધારે પ્રમાણ રિયલ એસ્ટેટ ક્ષેત્રે છે. ખૂબ મોટા પ્રમાણમાં કાળું નાણું હોવાને કારણે વ્યક્તિઓ પોતાના નજીકના સગા, સંબંધીઓ, પત્ની, સંતાનો, ભાઇ-બહેનના નામે ખરીદે છે.

જ્યારે વાસ્તવિક માલિક નાણાં ચૂકવનાર તે વ્યક્તિ પોતે હોય છે. આવા બેનામી વ્યવહારો ઉપર પ્રતિબંધ લાવવા માટે બેનામી વ્યવહારો (પ્રતિબંધ) કાયદો-૧૯૮૮ અમલમાં લાવવામાં આવેલ છે.

આ કાયદાની કલમ-૩ મુજબ કોઇપણ વ્યક્તિ આવા કોઇપણ બેનામી વ્યવહારોમાં દાખલ થશે નહીં. કોઈપણ વ્યક્તિ બેનામી લેવડ-દેવડ યા બેનામી વ્યવહારોમાં સંડોવણી સાબિત થતા તેવી વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને સાથે જેટલી સજા થઇ શકે છે.

બેનામી વ્યવહાર પુરવાર કરવા માટે જરૂરી મુદ્દાઓઃ-

  1. વ્યવહારનો હેતુ
  2. ટાઇટલ દસ્તાવેજોનો હવાલો
  3. અવેજની ચુકવણી
  4. વિવાદી મિલકતનો કબજો

સ્થાવર મિલકત અંગે થયેલ વ્યવહાર બેનામી હતો તેવું પુરવાર કરવાનો બોજો તે આક્ષેપ કરનાર એટલે કે વાદી ઉપર રહે છે. જો દસ્તાવેજો અન્ય વ્યક્તિના નામ ઉપર શા માટે લેવામાં આવ્યા હતા તે બાબત અંગે કોઇ માની શકાય તેવો ખુલાસો હોય તેમજ બેનામી વ્યવહારને નકારતી વ્યક્તિ જો ટાઇટલ દસ્તાવેજોનો હવાલો રાખતી હોય, વિવાદી મિલકતનો કબજો ધરાવતી હોય અને જો તેણે જ અવેજની ચુકવણી પણ કરી હોય તો નિઃશંકપણે તેવા વ્યવહારને બેનામી વ્યવહાર કરી શકાય. તેવું નામદાર બોમ્બે હાઇકોર્ટે પરાક્કાટે શંકરન કેશવાન વિરુદ્ધ ટી.એ.સુકુમારનના કેસમાં ઠરાવેલ છે.

બેનામી ધરાવેલી મિલકત વસૂલ કરવાના હક્ક ઉપર પ્રતિબંધઃ-

બેનામી સોદો (પ્રતિબંધ) અધિનિયમ ૧૯૮૮ કલમ-૩ તથા ૪માં કરેલી જોગવાઇ મુજબ કોઇપણ વ્યક્તિ, બેનામી સોદો કરી શકે નહીં અને જો કોઇ વ્યક્તિ બીજી વ્યક્તિને આપેલ અથવા જોગવાઇ કરેલ અવેજ બદલ મિલકત તબદીલ કરી હોય તેવો કોઇપણ સોદો (વહેવાર) યાને બેનામી ધરાવેલી મિલકત સંબંધમાં ખરેખર માલિક તરીકે દાવો, માંગણી, કે કાર્યવાહી કરી શકશે નહીં. યાને કોઇના નામે રાખેલ બેનામી મિલકત અંગે ખરેખર માલિકને દાવો-માંગણી કે કાર્યવાહી કરવા માટે કાયદા અન્વયે પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. જો કોઇ વ્યક્તિ બેનામી સોદો કરે તો તે વ્યક્તિ ત્રણ વર્ષની મુદ્દત સુધીની કેદની અથવા દંડની અથવા બે બંનેની શિક્ષાને પાત્ર થશે. પરંતુ બેનામી સોદો (પ્રતિબંધ) અધિનિયમ ૧૯૮૮ના કાયદાને વધુ અસરકારક બનાવવા તેમજ સમય બદલાતા હાલની પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાને લઇ સરકાર દ્વારા બેનામી મિલકતો જપ્ત કરવા બાબતે અને બેનામી સંપત્તિ ઉપર અંકુશ મૂકવા નવો કાયદો બેનામી ટ્રાન્ઝેકશન (પ્રોહિબિશન) બીલ,૨૦૧૧ અમલમાં લાવવા માટે સરકાર દ્વારા પગલાંઓ લેવામાં આવી રહેલ છે. વધુમાં જો મિલકતનો માલિક તેવી સંપત્તિ ખરીદવા માટેના પોતાના આવકના સ્ત્રોત જણાવવામાં નિષ્ફળ જાય તો તેવા સંજોગોમાં નવા કાયદા મુજબ તેવી મિલકત જપ્ત કરવાની, બેનામી મિલકતને શીલ કરી દેવાની ચોક્કસ સત્તા પણ મળે તેવી જોગવાઇ લાવવા સરકાર ઇચ્છુક છે. નવા બેનામી કાયદા મુજબ પતિ-પત્ની, ભાઇ-બહેનના નામે ખરીદાયેલી સંપત્તિઓને બેનામી સંપત્તિની જોગવાઇઓમાંથી બહાર રાખવામાં આવી છે. તેવી જ રીતે હિન્દુ અવિભાજીત કુટુંબના વડાની સંપત્તિને પણ નવા કાયદા મુજબ બેનામી વ્યવહારની વ્યાખ્યામાંથી બહાર રાખવામાં આવેલ છે.

સ્ત્રોત : લેખક : દિનેશ પટેલ,  રેવન્યુ પ્રેક્ટીસ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate