অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પંચાયતો અને માહિતી અધિકાર (આરટીઆઈ)

પંચાયતો અને માહિતી અધિકાર (આરટીઆઈ)

સ્વેચ્છાએ માહિતી આપવી એટલે શું?

માગણી કરવામાં ન આવી હોય, તેમ છતાં કોઈ વ્યક્તિ કે સંસ્થા વિશેની માહિતી પૂરી પાડવી, તેને સ્વેચ્છાએ માહિતી આપવી કહે છે.

માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ (રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટ)

ગ્રામ પંચાયત સહિતનાં તમામ સરકારી એકમોને રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટ, 2005ની કલમ 4-1(ખ) હેઠળ સ્વેચ્છાએ માહિતી આપવાની જોગવાઈમાં આવરી લેવામાં આવેલાં છે.

રાઇટ ટુ ઇન્ફર્મેશન (આરટીઆઇ) ઍક્ટ, નાગરિકોને ગ્રામ પંચાયતના પીઆઇઓ (પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસર) પાસેથી માહિતી મેળવવાનો અધિકાર બક્ષે છે, જે મુજબ અરજી કર્યાના 30 દિવસની અંદર અરજીકર્તાને માહિતી પૂરી પાડવામાં આવે છે. આ માહિતી, દસ્તાવેજોની નકલો, દસ્તાવેજો, કામગીરી તથા રૅકોર્ડ્ઝનું અવલોકન કે પછી કામગીરીમાં વપરાયેલી સામગ્રીના પ્રમાણિત નમૂનાના સ્વરૂપમાં હોઈ શકે છે. ગ્રામ પંચાયત સચિવ, ગ્રામ પંચાયતના પીઆઇઓ (પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસર) હોય છે.  માહિતી આપવાનો ઇરાદાપૂર્વક ઇનકાર કરવામાં આવે તો આરટીઆઇ હેઠળ દંડ થઈ શકે છે. નીચે જણાવેલાં કારણોસર પીઆઇઓને રોજના 250 રૂ. લેખે મહત્તમ 25,000 રૂ.નો દંડ થઈ શકે છે.

ક.     તર્કસંગત કારણ વિના અરજી સ્વીકારવાનો ઇનકાર કરવાથી

ખ.    તર્કસંગત કારણ આપ્યા વિના નિર્દિષ્ટ સમયમાં માહિતી ન આપવાથી

ગ.    તર્કસંગત કારણ આપ્યા વિના માહિતી આપવાનો ઇનકાર કરવો અથવા તો માહિતી આપવાનો ખોટી રીતે ઇનકાર કરવાથી

ઘ.    જાણીજોઈને ખોટી, અધૂરી કે ભ્રામક માહિતી આપવાથી

ચ.    જે માહિતી માંગવામાં આવી હોય, તેના સંબંધિત રૅકોર્ડ્ઝનો નાશ કરવાથી

છ.    માહિતી આપવાની કામગીરી આડે કોઈ પણ પ્રકારનો અવરોધ ઊભો કરવો.

સ્વેચ્છાએ માહિતી આપવાના ફાયદા

ગ્રામ પંચાયત એ જાહેર એકમ છે તથા પારદર્શી રીતે અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી એ તેની ફરજ છે. ગ્રામ પંચાયતોની કામગીરી અંગેની મહત્ત્વપૂર્ણ માહિતી ગ્રામજનોને પહોંચાડવી એ તેનો ઉદ્દેશ્ય છે. ગ્રામ પંચાયતના પ્રમુખ, સચિવ તથા અન્ય અધિકારીઓએ ગામનાં લોકોની માગણીઓ સંતોષવી જોઈએ તથા તેમના પ્રશ્નોનો જવાબ આપવો જોઈએ. તેમણે ગ્રામ પંચાયત હેઠળ કરવામાં આવેલાં કાર્યો અને કામગીરી ન કરવા બદલનાં કારણો વ્યક્તિગત રૂપે તથા ગ્રામ સભા મારફતે જણાવવાં જોઈએ. જેમ કે, જ્યારે ગ્રામ પંચાયત હેઠળના ક્ષેત્રમાં કોઈ માર્ગ બની રહ્યો હોય તો તેનું બજેટ, માર્ગની લંબાઈ, માર્ગનું સ્થળ, કામ પૂરું થવાની સમય મર્યાદા તથા ભંડોળના સ્રોત જેવી માહિતી માંગી શકાય છે. જો આ જાણકારી સાર્વજનિક રીતે પ્રાપ્ય ન હોય તો, નાગરિકો આપમેળે અનુમાન લગાવી શકે છે, જેના કારણે ગ્રામ પંચાયત વિશે ખોટું ચિત્ર ઊપસી શકે છે. તેથી, તમામ પ્રકારની માહિતી લોકો માટે ઉપલબ્ધ કરવી તે ગ્રામજનો અને ગ્રામ પંચાયત, એમ બંને માટે લાભપ્રદ રહે છે. ઉપરાંત, ગ્રામ પંચાયત મુક્તપણે વિગતો જાહેર કરે, તો ગ્રામજનો પણ ગ્રામ પંચાયતને સહકાર આપે છે તથા મદદ પૂરી પાડે છે. જો તમામ પ્રકારની માહિતી પૂરી પાડવામાં આવે, તો માહિતી મેળવવા માટે આરટીઆઇ ઍેક્ટનો ઉપયોગ કરવાની શક્યતા ઘણી ઘટી જાય છે.

કઈ માહિતી સ્વેચ્છાએ આપવાની રહે છે?

આરટીઆઇ ઍક્ટમાં સ્વેચ્છાએ જાહેર કરવાની માહિતી અંગે 17 બાબતો નક્કી કરવામાં આવી છે, જે નીચે બૉક્સમાં આપવામાં આવી છે. આ તમામ માહિતી ગ્રામ પંચાયતના નોટિસ બૉર્ડ, વેબસાઇટ અને દીવાલ પર દર્શાવવી જોઈએ. ઉપરાંત, આ માહિતી ગ્રામજનો માટે ઉપલબ્ધ હોય તેવી અલગ ફાઇલમાં પણ જાળવી શકાય છે.

માહિતીના અધિકાર અધિનિયમ (કલમ 4-1 ખ) હેઠળ  જાહેર સંસ્થાએ જે અંગે સ્વેચ્છાએ સૂચના આપવાની રહે છે,
તે મુદ્દાઓઃ

1. સંગઠન, કામગીરી અને જવાબદારીની વિગતો.

2. અધિકારીઓ તથા કર્મચારીઓની સત્તાઓ તથા જવાબદારીઓ

3. નિર્ણય લેતી વખતે ઉપયોગમાં લેવાતી પ્રક્રિયા

4. કામગીરી કરવા માટે નક્કી કરવામાં આવેલા માપદંડો

5. કામગીરી કરવા માટે ગ્રામ પંચાયતે અથવા તો તેના કર્મચારીઓએ અમલી બનાવેલા નિયમો, સૂચનાઓ, મેન્યુઅલ અને રૅકોર્ડ

6. ગ્રામ પંચાયતના કબજા હેઠળ રાખવામાં આવેલા દસ્તાવેજોની શ્રેણીઓની વિગતો.

7. નીતિ ઘડવા માટે કે તેનો અમલ કરવા અંગે ગ્રામજનોના પ્રતિનિધિત્વથી રચવામાં આવેલી કોઈ વ્યવસ્થાનું વર્ણન.

8. ગ્રામ પંચાયતના ભાગ સ્વરૂપે કે તેને સલાહ-સૂચન આપવાના આશયથી બે કે તેથી વધુ સભ્યોના બનેલા બૉર્ડ, પરિષદ, સમિતિ તથા અન્ય સંગઠનોની વિગતો આપવી તથા તે બૉર્ડ, પરિષદ તથા સમિતિની બેઠકોમાં સામાન્ય લોકો જઈ શકે છે કે કેમ, તેમ જ તે બેઠકોની કામગીરી અંગેની માહિતી લોકોને પૂરી પાડવામાં આવે છે કે કેમ તેની વિગતો.

9. ગ્રામ પંચાયતના અધિકારીઓ તથા કર્મચારીઓની યાદી.

10. તેના દરેક કર્મચારી અને અધિકારીને મળતા વેતન વગેરેની વિગતો.

11. દરેક એજન્સીને ફાળવવામાં આવેલું બજેટ, જેમાં તમામ યોજનાઓ, સૂચિત ખર્ચ અને કામગીરી સંબંધિત અહેવાલોની વિગતો આપવામાં આવી હોય.

12. સબસિડી હેઠળના કાર્યક્રમોનો અમલ કરવાની પદ્ધતિ, જેમાં આવા કાર્યક્રમો માટે ફાળવાયેલું ભંડોળ તથા લાભાર્થીઓની વિગતો સામેલ હોય.

13. તેના દ્વારા આપવામાં આવેલી પરવાનગી અને અધિકારો વગેરે મેળવનારા લોકોની વિગતો.

14. ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવામાં આવેલી માહિતી વિશેની વિગતો.

15. માહિતી મેળવવા માટે નાગરિકો પાસે ઉપલબ્ધ સુવિધાઓનું વર્ણન, જેમાં સાર્વજનિક પુસ્તકાલયના કામગીરીના કલાકોની પણ વિગતો સામેલ હોય.

16. પીઆઇઓ (જન સૂચના અધિકારી - પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસર)નાં નામ, હોદ્દો તથા અન્ય વિગતો.

17. અન્ય જરૂરી માહિતી.

અહી આપેલ 17 મુદ્દાઓ ઉપરાંત ગ્રામ પંચાયત નીચે જણાવેલી વિગતો દર્શાવવા પર ધ્યાન આપી શકે છેઃ

• પીઆઈઓ (મોટાભાગે તે ગ્રામ પંચાયત સચિવ હોય છે) અને જેમને અરજી કરી શકાય તેવા અધિકારીનું નામ અને હોદ્દો. (મુદ્દો-16)

• સ્થાઈ સમિતિના સભ્યો અને એસએમસી, વીએચએસએનસી વગેરે જેવા જાહેર કાર્યક્રમો હેઠળ રચાયેલી સામુદાયિક સંસ્થાઓના સભ્યોનાં નામો દર્શાવવાં. (મુદ્દો-8)

• યોજના અનુસાર લાભાર્થીઓની યાદી, જેમાં લાભાર્થીનું નામ, પિતાનું નામ અને છેલ્લાં પાંચ વર્ષમાં ચૂકવાયેલી રકમ દર્શાવાઈ હોય. (મુદ્દો-12)

• કરવામાં આવી રહેલાં મુખ્ય કાર્યોની યાદી, જેમાં કામગીરીનું નામ, કાર્યનું સ્થળ, બાંધકામની સમય-મર્યાદા, ખર્ચાયેલી રકમ અને કૉન્ટ્રાકટર (જો હોય, તો)નું નામ વગેરે સામેલ હોય.

• સ્વેચ્છાએ માહિતી દર્શાવવા માટે ગ્રામ પંચાયત, શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર વગેરેને પણ પ્રોત્સાહિત કરી શકે છે. જેમ કે, આરોગ્ય કેન્દ્ર વિના મૂલ્યે ઉપલબ્ધ દવાઓના સ્ટોક, વીએચએસએનસીને ફાળવાયેલા ભંડોળ વગેરે વિગતો દર્શાવી શકે છે. શાળા, વિદ્યાર્થીઓની સંખ્યા, એસએમસીની બેઠકની કામગીરી અને ફાળવાયેલા ભંડોળની વિગતો દર્શાવી શકે છે. અન્ય સંસ્થાઓ પણ આ પ્રકારે માહિતી પૂરી પાડી શકે છે.

ગ્રામ સભામાં સ્વેચ્છાએ માહિતી પૂરી પાડવી

ગ્રામ સભા એ માહિતી પૂરી પાડવા માટેનું મહત્ત્વનું સ્થળ છે. ગ્રામ સભામાં લોકો સરળતાથી સમજી શકે તેવી ભાષામાં માહિતી પૂરી પાડવી જોઈએ.

ગ્રામ પંચાયતની વેબસાઇટ દ્વારા સ્વેચ્છાએ માહિતી પૂરી પાડવી

ગ્રામ પંચાયતની વેબસાઇટનો ઉપયોગ આરટીઆઇ ઍેક્ટ હેઠળ સ્વેચ્છાએ માહિતી પૂરી પાડવા માટે તથા ગ્રામજનોને અન્ય મહત્ત્વની માહિતી પૂરી પાડવા માટે કરી શકાય. આ માટે એરિયા પ્રૉફાઇલર અને નેશનલ પંચાયત પૉર્ટલનો ઉપયોગ કરી શકાય. એરિયા પ્રૉફાઇલરમાં ગ્રામ પંચાયત, તેનું સંક્ષિપ્ત વર્ણન, પ્રવાસ સ્થળો, પરિવાર રજિસ્ટર, ચૂંટાયેલા પ્રતિનિધિઓની વિગતો, કર્મચારીઓની વિગતો, સ્થાયી સમિતિઓની વિગતો વગેરે જેવી માહિતી દર્શાવી શકાય છે. નેશનલ પંચાયત પૉર્ટલમાં ગ્રામ પંચાયતના પેજ પર વિવિધ અહેવાલો રજૂ કરી શકાય છે. સામાજિક સુરક્ષા યોજનાઓ માટેનાં જરૂરી ફોર્મ, ટેન્ડર વિશે માહિતી, ગ્રામ સભા અંગેની નોટિસ, કર ઉપરાંત જેમણે કર ચૂકવવાનો હોય તે લોકોની યાદી વગેરે વિગતો પણ ગ્રામ પંચાયતના રહેવાસીઓ માટે મૂકવી જોઈએ. ગ્રામ પંચાયતે તેની પોતાની વેબસાઇટ સિવાય, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી કાનૂન (મનરેગા) માટે નરેગાસોફ્ટ જેવી ખાસ વેબસાઇટો દ્વારા પણ વિવિધ એમઆઇએસમાં માહિતી અપલોડ કરવી જોઈએ.

રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવો

  • આરટીઆઇ ઍક્ટનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવા માટે ગ્રામ પંચાયતના પ્રમુખ અને સચિવે નીચે મુજબની કામગીરી કરવી જોઈએઃ
  • સ્વેચ્છાએ વધુને વધુ માહિતી પૂરી પાડવી.
  • આરટીઆઈ હેઠળ આવેલી અરજીને પ્રોત્સાહન પૂરું પાડવું અને તેની સામે વિરોધ ન કરવો.
  • આરટીઆઈ હેઠળ અરજીઓનું એક નોંધણી પત્રક (રજિસ્ટર) બનાવવું જેમાં અરજીની તારીખ, અરજી કરનારનું નામ, અરજીનો વિષય, અરજીની સ્થિતિ (નિવારણ કરવામાં આવ્યું, સંબંધિત વિભાગને અરજી પહોંચાડવામાં આવી), વિલંબમાં મૂકાયેલી અરજી અને તે અંગે થતી કાર્યવાહીની વિગતો સામેલ છે.
  • ગ્રામ પંચાયતમાં વિલંબમાં મૂકાયેલી આરટીઆઇની અરજીઓની સ્થિતિની પખવાડિક ધોરણે સમીક્ષા કરવી.

તપાસ સૂચિ

શું આપણે માહિતી મેળવવાના અધિકાર અધિનિયમની મુખ્ય જોગવાઈઓ વિશે જાણીએ છીએ?

•  શું ગ્રામ પંચાયતે ગ્રામ સભાના નોટિસ બૉર્ડ અને તેની વેબસાઇટ પર આરટીઆઇ ઍક્ટ મુજબ સ્વેચ્છાએ માહિતી પૂરી પાડી છે?

•  શું માહિતી મેળવવાના અધિકાર હેઠળ આવેલી અરજીઓ પર સમયસર કાર્યવાહી કરવામાં આવે છે?

સંદર્ભઃ

પંચાયતી રાજ મંત્રાલય, ભારત સરકાર અને યુએનડીપી દ્વારા ઑક્ટોબર, 2014માં પ્રકાશિત, સક્રિય પંચાયત શ્રૃંખલા, પુસ્તક-3, 'ગ્રામ પંચાયતો મેં અભિશાસન'

સ્ત્રોત: ઉન્નતી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/10/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate