অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડિમોનેટાઇઝેશનમાંથી શીખવા મળતી પાંચ બાબત

નાણાકીય ભીંસ સર્જાય ત્યાં સુધી રાહ ન જુઓ

ડિમોનેટાઇઝેશનમાં જે સિદ્ધાંત શીખવા મળે છે તે દરેક નાણાકીય આયોજનનો આધાર હોવો જોઈએ. તમારે એક બજેટ નક્કી કરીને તે મુજબ બચત તથા ખર્ચ કરવો જોઈએ. હાલની કટોકટી દરમિયાન લોકોએ સૌથી પહેલાં કટોકટીના ખર્ચ, રોકાણ અને બિલ પર ધ્યાન આપવું પડે છે. ત્યાર બાદ મુનસફી આધારિત ખર્ચનો વિચાર કરી શકાય. આવી સ્થિતિમાં મનોરંજન અને મોજશોખના ખર્ચને છેલ્લે સ્થાન મળે છે. રોકડનો પ્રવાહ મર્યાદિત હોવાના કારણે બચતને પ્રાથમિકતા આપવી પડે છે. તમારે ચુસ્ત બજેટનું પાલન કરવું પડે છે. સામાન્ય રીતે લોકો ખર્ચની બાબતમાં અતિશય કંજૂસ નથી બનતા પરંતુ કરન્સીની કટોકટી પેદા થાય ત્યારે તેમનામાં એક પ્રકારની શિસ્ત આવે છે અને નાણાકીય લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ મળે છે.

વધારે પડતી રોકડ હાથમાં ન રાખો, રોકાણ કરો

ઇમરજન્સીમાં રોકડ કામ લાગશે તેમ માનીને તમે ઘરમાં રોકડા એકઠા કરી રહ્યા હોવ તો તેના વિશે પુન:વિચાર કરો. રોકડથી લવચિકતા મળે છે અને તમે ત્રણથી છ મહિનાના ખર્ચ જેટલી રકમ હાથમાં રાખી શકો છો. પરંતુ આ રકમ પણ શોર્ટ ટર્મ ડેટ ફંડ, લિક્વિડ ફંડ અથવા ફિક્સ્ડ ડિપોઝિટ સાથે લિંક કરાયેલા સ્વાઇપ ઇન એકાઉન્ટમાં રાખવી જોઈએ. તમે નાણાંને રોક્યા વગર રાખો તો તેની ખરીદશક્તિમાં ઘટાડો થશે તેટલું સમજો. નાણાંનું મૂલ્ય નહીં વધે અને ફુગાવો વધતો જશે તેથી થોડાં વર્ષો પછી તમે સમાન રૂપિયામાં ઓછી વસ્તુ ખરીદી શકશો. આ ઉપરાંત લાંબા ગાળા માટે લક્ષ્ય સિદ્ધ કરવા હોય તો ઇક્વિટીમાં રોકાણ કરો. તમારા ટ્રાન્ઝેક્શનને કેશલેસ બનાવવા પ્રયાસ કરો.

ગભરાટમાં આવીને એસેટ એલોકેશનમાં ફેરફાર ન કરો

નાણાકીય કટોકટી આવે ત્યારે મોટા ભાગના લોકો ગભરાટનો ભોગ બને છે અને તેમનું રિએક્શન તે મુજબ હોય છે. ડિમોનેટાઇઝેશન જેવા પગલાથી તેઓ સ્તબ્ધ થઈ જાય છે અને આગળનું વિચારી શકતા નથી. ૨૦૦૮ની નાણાકીય કટોકટી પછી ભારતીય રોકાણકારો વધારે સમજદાર બન્યા છે છતાં ૮ નવેમ્બરની વડાપ્રધાનની જાહેરાત પછી ઘણા લોકો સોનું અને ડેટ ખરીદવા માટે દોડ્યા હતા. અહીં યાદ રાખો કે તમારી વય, લાંબા ગાળાની જરૂરિયાત, જોખમ લેવાની ક્ષમતા અને જીવનના લક્ષ્યની નિકટતા અનુસાર એસેટ એલોકેશનમાં ફેરફાર કરવા જોઈએ. વ્યક્તિએ નાણાકીય લક્ષ્યને સમયાંતરે પુન:સંતુલિત કરવા જોઈએ અને આવશ્યક એસેટ એલોકેશન પ્રાપ્ત કરવું જોઈએ. પરંતુ ઉતાવળમાં સમજ્યા વગર નિર્ણય ન લો. ટૂંકા ગાળાના આંચકાથી તમારી રોકાણ યોજનાઓ વેરવિખેર થવી ન જોઈએ.

ફાઇનાન્સના સંચાલનમાં ટેક્‌નોલોજીનો ઉપયોગ શીખો

ટેક્‌નોલોજીની જાણકારી રાખવાથી મદદ મળે છે. ડિમોનેટાઇઝેશનમાં આ બાબત સાબિત થઈ છે. બેન્કો અને બીજી સંસ્થાઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી ઓનલાઇન અને મોબાઇલ ટ્રાન્ઝેક્શન માટે આગ્રહ કરી રહી છે. પરંતુ ડિમોનેટાઇઝેશન તેના માટે સૌથી મહત્ત્વની ઘડી સાબિત થશે. લોકો ફટાફટમાં મોબાઇલ એપ ડાઉનલોડ કરી રહ્યા છે અને નેટ બેન્કિંગ તથા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે રજિસ્ટ્રેશન કરી રહ્યા છે. તે દર્શાવે છે કે ટેક્‌નોલોજીના અપગ્રેડ અને કેશલેસ અર્થતંત્ર રચવાની દિશામાં આ પગલું ઉપયોગી બનશે. જે લોકો પહેલેથી નેટ બેન્કિંગ કે મોબાઇલ વોલેટ, ક્રેડિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કરીને બિલ ચૂકવતા હતા તેમને ડિમોનેટાઇઝેશનથી ઓછી અસર થઈ છે. જ્યારે ટેક્‌નોલોજી અંગે નિરક્ષર લોકો વધુ હેરાન થયા છે. હવે મોબાઇલ બેન્કિંગ તરફ વળવાનો અને ઓનલાઇન ફંડ ટ્રાન્સફર શીખવાનો યુગ છે.

તમારા બાળકને પોકેટ મની આપો, બચત કરવા ગલ્લો ખરીદી આપો

ડિમોનેટાઇઝેશનના અનુભવ પરથી એવું શીખવા મળ્યું છે કે બાળકોને બચતની ટેવ પાડવા ગલ્લો ખરીદી આપવો જોઈએ અને તેમને નિયમિત પોકેટ મની આપવી જોઈએ. જે બાળકો આવા ગલ્લા ધરાવતા હતા તેમના વાલીઓને આ રકમ નાણાકીય કટોકટી વખતે મદદરૂપ બની છે. ૫૦-૧૦૦ની નોટ અને ચિલ્લરથી ઘરનો વ્યવહાર ચલાવવામાં મદદ મળી છે. જોકે, તાકીદના ભંડોળ તરીકે આ રકમ પર ભરોસો મૂકી ન શકાય કારણ કે તેમાં બહુ મોટી રકમ ભેગી થઈ શકશે નહીં. પરંતુ બાળકોને નાણાકીય બચતની આદત પડે તે બહુ સારી બાબત છે.

સ્ત્રોત : નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate