অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સૃષ્ટિનો સમાજવાદ: વનસ્પતિની દુનિયા

સૃષ્ટિનો સમાજવાદ: વનસ્પતિની દુનિયા

સૃષ્ટિનો સમાજવાદ: વનસ્પતિની દુનિયાકુદરતના નિયમો માત્ર મનુષ્ય માટે જ છે એવું નથી. જીવસૃષ્ટિના અન્ય જીવો પણ ઉદારતા અને વહેંચીને ખાવાની વૃત્તિ ધરાવે છે. ભારેખમ વૃક્ષોની આસપાસ ઊગી નીકળતા વેલાઓને વૃક્ષ આરામથી વિકસવા દે છે

આપણા ઋષિ-મુનિઓ અરણ્યમાં રહીને કુદરતની વચ્ચે જીવતા અને વર્તમાન કાળમાં જે પ્રકૃતિનું શોષણ થઇ રહ્યું છે, તેમ નહીં પરંતુ કુદરતનું દોહન કરીને જીવતા અને આજે પુન: તે સમય પરત આવવા લાગ્યો છે કે આપણે કુદરતનું શોષણ અટકાવીને દોહન કરીએ ત્યારે આ પ્રકૃતિની વનસ્પતિ અંગેની કેટલીક રહસ્યમય વાતો જાણીએ.

માણસ વાતચીત દરમિયાન બોલતો હોય છે કે આ તો સાવ તણખલાં જેવું કાર્ય છે પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે સાવ નગણ્ય ગણાતી વનસ્પતિ ઘાસ અંગે વનસ્પતિશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલા સંશોધન મુજબ ધરતીના પાંચમા ભાગમાં ઘાસ છવાયેલું છે અને અત્યાર સુધીમાં તેની છ હજાર પ્રકાર શોધવામાં આવ્યાં છે. વરસાદના પાણીને પૃથ્વી ઉપર વહેતું અટકાવવા તેમજ માટીનું ધોવાણ થતું અટકાવવામાં ઘાસ ખૂબ જ ઉપયોગી બને છે. પાણીને જમીનમાં શોષી લેવાની ક્ષમતા પણ ઘાસનાં મૂળિયાંને કારણે જ આવે છે. જો ઘાસ ન હોય તો આટલી જલદી પાણી જમીનમાં ઉતરી શકે નહીં.

ગમે તેવી મોસમ અને પરિસ્થિતિમાં ઘાસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. લોકોના પગ તળે કચડાવા છતાં તેમજ ભારે ગરમીમાં સુકાઇ જવા છતાં જેવો પ્રથમ વરસાદ આવે કે તરત જ તે ફરીથી નવપલ્લવિત બનીને પૃથ્વીને લીલીછમ ઓઢણી વડે ઢાંકી દે છે. પહાડ, મેદાન, બરફવાળા પર્વતો હોય કે ભારે ગરમીવાળા પ્રદેશો કે સમુદ્રના તળિયે પણ ઘાસ ઊગી જાય છે.

ઘાસનું સૂક્ષ્મરૂપ એટલે પરાગ. હવાની સાથે આ પરાગ ચાર હજાર ફૂટ જેટલે ઊંચે ઉડી શકે છે અને આંધી-તોફાનમાં હજારો માઇલની યાત્રા કરીને ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. મનુષ્યના અથવા પશુઓના શરીર કે અન્ય સાથે ચોંટી જઇને તે લાંબી મુસાફરી કરે છે અને જ્યાં અનુકૂળતા પડે ત્યાં વંશવૃદ્ધિ કરવા લાગે છે. ઘણાં લાંબા સમય પૂર્વે જ્યારે આફ્રિકામાંથી આદિવાસીઓને મજૂરીકામ માટે અમેરિકા લાવવામાં આવ્યા ત્યારે આ પ્રકારે ઘાસના પરાગ અમેરિકા પહોંચી ગયા અને આફ્રિકામાં જ જોવા મળતું ઘાસ અમેરિકામાં પણ ઉગવા લાગ્યું. સર્વત્ર મળી રહેતું હોવાથી ઘાસની ઉપેક્ષા કરવામાં આવે છે પરંતુ તે ખૂબ ઉપયોગી પદાર્થ છે. એક પાઉન્ડ ઘાસમાં એટલી કેલરી-શક્તિ હોય છે કે તેટલી ઊર્જા વડે માણસ દોઢ કલાક સુધી મહેનત કરી શકે છે. 

કુદરતના નિયમો માત્ર મનુષ્ય માટે જ છે એવું નથી. જીવસૃષ્ટિના અન્ય જીવો પણ ઉદારતા અને વહેંચીને ખાવાની વૃત્તિ ધરાવે છે. ભારેખમ વૃક્ષોની આસપાસ ઊગી નીકળતા વેલાઓને વૃક્ષ આરામથી વિકસવા દે છે. નારિયેળના વૃક્ષની છાયામાં ઇલાયચીનો છોડ વૃદ્ધિ પામે છે અને ફળ આપે છે. સબળો નબળાને દબાવી દે એવું બધે બનતું નથી. નાના છોડને સંરક્ષણ, સ્નેહ, હૂંફ આપતાં વૃક્ષો પણ જોવા મળે છે. 

સામાન્ય રીતે કોઇ વ્યક્તિની પ્રકૃતિ ‘એકલપેટા’ તરીકેની હોય તો સમાજમાં તેના પ્રત્યે લોકોમાં કુભાવ ઉત્પન્ન થાય છે. અબોલ એવાં વૃક્ષોમાં પણ સામૂહિકતાની ભાવના જોવા મળતી હોય છે. ચીકુનું ઝાડ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. મોટાભાગના મનુષ્ય એકાકી જીવન પસંદ કરતા નથી. એ જ રીતે ચીકુનું ઝાડ પણ જો એકલું હોય તો પૂરતા પ્રમાણમાં ફળ આવતાં નથી, પરંતુ ચીકુનો બગીચો હોય તો તેઓ પ્રસન્નતા અનુભવે છે અને તે ચીકુના વૃક્ષ વધારે ફળ આપવા લાગે છે. ખાતર, પાણી વગેરે ચીકુને મળે ત્યારે તે એવું વિચારતું નથી કે વધારે વૃક્ષો હોવાથી બધાને ખાતર વહેંચીને આપવું પડશે તો પોતાને ઓછો ભાગ મળશે. આ ચીકુનાં વૃક્ષો તો પરસ્પર સમજૂતીથી રહે છે અને બીજાને ખવડાવીને ખાવાની ભાવનાથી ખુશ થતાં હોય તેમ વધુ પ્રમાણમાં ફળ આપતાં હોવાનું વનસ્પતિશાસ્ત્રીઓએ નોંધ્યું છે. 

દક્ષિણ આફ્રિકામાં વેલિવિસ્ત્રીયા નામના એક સ્થળે એક વિચિત્ર પ્રકારનો છોડ થાય છે. માત્ર એક ફૂટ ઊંચાઇ ધરાવતા આ છોડના થડનો ઘેરાવો ૧૫ ફૂટ જેટલો હોય છે. આ છોડની ખાસિયત એવી છે કે છોડ ઊગે ત્યારે જે ત્રણ પાંદડા ઊગે છે તે છેક ૧૦૦ વર્ષ જેટલો છોડ જીવે ત્યાં સુધી યથાવત્ રહે છે અને છોડ નાશ પામે ત્યારે જ આ પાંદડા પણ છૂટાં પડે છે. અત્યાર સુધી વિજ્ઞાનીઓ પણ આ રહસ્ય પામી શક્યા નથી. જોકે, આ ક્ષેત્રમાં સંશોધન યથાવત્ છે. 

એ જ રીતે ગ્રીકમાં થતાં રેડવુડ(લાલવૃક્ષ)ની ઊંચાઇ ૩૭૦ ફૂટ જેટલી હોય છે. ગમે તેવા પડકારો આવે છતાં હંમેશા આગળ વધવાની જાણે મનુષ્યને પ્રેરણા આપતું આ વૃક્ષનું એક જ લક્ષ્ય હોય છે કે સતત આગળ વધવું. 

આમ, પ્રકૃતિમાં આ પ્રકારના અચરજ પમાડતાં વૃક્ષો, વનસ્પતિ અને ઘાસ થાય છે. જેનો તાગ હજુ માનવીએ મેળવવાનો છે. એટલે કે કુદરતનાં આ રહસ્યોને જાણી લેવામાં આવે તો તેના દૈનિક વ્યવહારમાં ઉપયોગી થાય એવી માહિતી મળી શકે છે અને તે પોતાનું જીવન વધુ સારી રીતે જીવી શકે છે. 

સ્ત્રોત: રોહિત આર. દવે, નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate