હોમ પેજ / ખેતીવાડી / મરઘાં - મધમાખી ઉછેર / મધમાખી પાલન / ૠતુ મુજબ મધુપાલન વ્યવસ્થા
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ૠતુ મુજબ મધુપાલન વ્યવસ્થા

ૠતુ મુજબ મધુપાલન વ્યવસ્થા વિશેની માહિતી આપવામાં આવી છે

મધુપાલનમાં અસરકારક વ્યવસ્થાપન કરવાથી મધમાખી વસાહત, વિકાસ અને મધ ઉત્પાદનમાં વધારો થાય છે. મધમાખી ઉછેરમાં અશર કરતા બાહય વાતાવરણીય પરીબળોમાં તાપમાન, હવામાંનો ભેજ વાદળ છાયુ વાતાવરણ,વરસાદ,ધુમ્મસ વગેરેની સીધી કે આડકતરી અશર મધમાખીના ઉછેરમાં જોવા મળે છે. જેથી મધમાખીનું વ્યવસ્થાપન ૠતુ આધારીત વાતાવરણને ધ્યાન માં લઈ કરવું જરૂરી છે. ભારતની મુખ્ય ત્રણ ૠતુઓ ઉનાળો,ચોમાસુ અને શિયાળો છે. વસંત નો લાંબો ગાળો અને મધપૂડા માટેની પ્રતિકુળ પર્યાવરણીય સ્થિતી બાદ મધના મોટા પ્રવાહની ૠતુ શરૂ થાય છે. મુખ્યત્વે ચોમાસા પછીના સમય દરમ્યાન એટલે કે ઓગષ્ટ–સપ્ટેમ્બર અથવા ઓકટોબરની શરૂઆતમાં ત્યકતાવસ્થા જોવા મળે છે. જુદા જુદા વાતાવરણમાં ફૂલ આપતા વૃક્ષો /છોડ પણ ખૂબજ મોટા પ્રમાણમાં હોય છે. સામાન્ય રીતે ઉનાળા(એપ્રિલ–જૂન)અને શિયાળા(નવેમ્બર–ફેબ્રુઆરી) દરમ્યાન મધમાખીની પ્રવૃતીને વાતાવરણની અશર વધું થાય છે. જુદી જુદી ૠતુમાં વાતાવરણીય પરીબળોની અશર મધમાખીઓની પ્રવૃતી પર અશર કરે છે. શિયાળામાં ખૂબજ ઠંડુ તેમજ સુકૂ વાતાવરણ મધમાખીઓને ખૂબજ અશર કરે છે ઉનાળામાં ખૂબજ ગરમી અને વધારે પડતા પવનની ગતી જયારે ચોમાસામાં વધારે પડતો ભેજ અને વરસાદ તથા ઠંડા પવનો મધમાખીઓની પ્રવૃતી ને ખૂબજ અશર કરે છે.આવા વાતાવરણીય પરીબળોની મધમાખીઓની પ્રવૃતી પર અશર ઘટાડવા માટે ૠતુવાર જુદા જુદા પગલા લેવા જરૂરી છે. ૠતુવાર જુદા જુદા પગલા લેવાથી મધમાખીઓની પ્રવૃતી સારી રીતે થાય છે. અને પરાગનયનમાં પણ મદદ કરે છે. ઉપરાંત મધ ઉત્પાદન પણ સારુ મેળવી શકાય છે. માટે અંહીયા જુદી જુદી ૠતુમાં મધમાખીઓની પ્રવૃતી સારી રીતે થાય તે માટેના પગલાઓનું વર્ણન અત્રે કરવામાં આવેલ છે.

શિયાળુ ૠતુ માં વ્યવસ્થાપન

 • મધમાખી પાલનમાં સૌથી વધુ મુશ્કેલ સમય શિયાળાની ૠતુ છે.
 • શિયાળા દરમ્યાન વધુ ઠંડી હોય, મધમમાખીની કાર્યક્ષમતા ઘણી ઓછી હોય છે.જેને માટે તાપમાન વધુ જવાબદાર હોય છે.
 • મધમાખીઓ જયારે બહાર ન જઈ શકે ત્યારે મધપુડામાં કરેલ મધસંગ્રહ શિયાળામાં ઉપયોગ કરે છે.
 • મધમાખી શિયાળા દરમ્યાન સંગ્રહેલા મધનો ઉપયોગ ખોરાક માટે કરે છે. આ સમય દરમ્યાન મધમમાખી તેમજ મધપુડાને સૌથી વધુ નુકશાન થાય છે.
 • આ સમય દરમ્યાન મધમાખીનું સારી રીતે જતન ન થાય તો વધુ માં વધુ મધમાખીઓ મરી જતી હોય છે.
 • ઝાકળ પડવાના એક મહીના પહેલા શિયાળાની ખરી માવજત ચાલુ કરી દેવી જોઈએ.
 • ફેબ્રુઆરી મહીનાની શરૂઆતથી ઠંડી ઓછી થતા તેમજ દિવસ લાંબો થતા તેને ખોરાક શોધવા માટે વધુ સમય મળી રહે છે.
 • શિયાળા માં મધપૂડો નિષ્ફળ જવાના મુખ્ય કારણોમાં ભમરો, રાણીની નિષ્ફળતા, મધપુડામાં ભેજ વધવો, મધમાખીના રોગ અને મધપુડાનું સંકોચન મુખ્ય ઘટકો છે.
 • વધુ પડતા ઠંડા વાતાવરણમાં મધમાખી બહાર નીકળી શકતિ નથી આવા સંજોગોમાં મધ અને પરાગરજ પૂરા પાડતા પાકો પૂરતા પ્રમાણમાં હોતા નથી તેથી આવા સંજોગોમાં ખાંડની ૧૦ ટકાની ચાસણી મુકીને મધમાખીને કૃત્રીમ ખોરાક પૂરો પાડવો જોઈએ.
 • શિયાળામાં રાણી મરવાના સંજોગો વધી જતા હોય છે.આવા સંજોગોમાં નવી તરુણ અને ચપળ રાણી મધપૂડા માટે પસંદ કરવી જોઈએ,જેથી કરીને મધપુડાને મજબુત બનાવી શકાય.જૂની રાણીમાં રોગ આવવાની શકયતા વધુ હોય મધપૂડા પર વિપરીત અશર પડી શકે છે.
 • સૌથી વધારે ભેજ આ ૠતુ દરમ્યાન મધપૂડાની અંદર જોવા મળે છે. સૂકી હવાઓ આ ભેજને થીજવી દે છે, જેના કારણે મધમમાખી ગુંગળાઈને મરી જાય છે.આ ભેજ ઘટાડવા મધપેટી પર રાત્રે કંતાન મુકવુ અને સવારે લઈ જવું. મધપુડા ના રોગો અને સંકોચન
 • આ ૠતુ દરમ્યાન મધમાખીમાં રોગ તથા જીવાતની શકયતા વધુ હોય મધપૂડો નિષ્ફળ જવાની શકયતા વધુ રહે છે. સંકોચન માટે ભૂખમરો, બીનઆરોગ્ય સંરક્ષણાત્મક પરીસ્થીતી, વસાહતોમાં યુવાન મધમાખીઓની ગેરહાજરી ઉંચુ તાપમાન અને ભેજ તેની પાછળના મુળભુત કારણો છે.

શિયાળામાં ત્વકતાવસ્થા અટકાવવા માટે લેવાના પગલા :

 • વસાહતમાં મધનો પૂરો જથ્થો સંગ્રહાયેલો રાખવો મધ પ્રવાહ ના અંત દરમ્યાન સઘળુ મધ કાઢી ન લો કારણ કે તે બે રીતે ઉપયોગી છે, લાંબી અછત માટે પૂરતો સંગ્રહ ઉપલબ્ધ બને અને મધમાખીઓને વધુ પડતી મહેનત ન કરવી પડે.
 • પુડાની રચના અને મધ પ્રવાહના ગાળા દરમ્યાન દરેક વસાહત માં મધપૂડા બનાવવાની પટી મુકીને બે થી ત્રણ મધપૂડા તૈયાર કરવા.
 • વસાહતના મુખ્ય દરવાજાની લંબાઈ ઘટાડવી તેમજ વસાહત ને યોગ્ય રીતે હવાચુસ્ત રાખવી  જેથી ઠંડી હવાની અવર જવર અટકાવી શકાય. જો વસાહતમાં તીરાડ હોય તો તેને માટીથી બંધ કરી દેવી.
 • વસાહતમાં પૂરતા પ્રમાણમાં ફ્રેમો ના હોયતો ઘંઉ કે ડાંગર નું પરાળ પ્લાસ્ટીક ની કોથળીમાં ભરી ડમી ડિવિઝન બોર્ડ પછી અથવા તો વસાહતની ઉપર  મુકવું.
 • મધ પ્રવાહના ગાળામાં રાણી શકય તેટલી મોડે સુધી ઈંડા મુકયા કરે તેનું ધ્યાન રાખો, જેના પરીણામે અછતના સમય દરમ્યાન ઓલાદ માંથી નાની મધમાખીઓ પૂરતી સંખ્યામાં મળી રહેશે અને તે અછતના સમય પછી ખોરાક તરીકે ઉપયોગી બનશે.
 • રાણીનું ધ્વાર બરાબર સ્થિતીમાંરાખો અને મધમાખીની વસાહત ને જંતુઓ તથા સાપ,ગરોળી જેવાં પ્રાણીઓ ના હુમલાથી બચાવવી જરૂરી છે.

ઉનાળુ ૠતુ માં વ્યવસ્થાપન

 • ઉનાળાની  ૠતુ દરમ્યાન મધમાખીના વ્યવસ્થાપન માટે અત્રે જણાવેલ મૂદા ધ્યાનમાં રાખવા જરૂરી છે.
 • ઉનાળામાં સુર્યનો તાપ સીધે સીધો પેટી ઉપર ન પડે તે માટે વૃક્ષોના છાંયડામાં મધપેટીઓ ગોઠવવી અને શકય હોય તો જમીનમાં પીયત આપી ઠંડક થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. મધપેટીઓ પર ભીના કંતાન મુકવા જોઈએ. આ મધપેટીઓને બપોરે અને બપોર બાદ એમ બે વખત મધપેટીઓની ટોચને આવરી લઈને પાણી છાંટી ઠંડી પાડવી જોઈએ.
 • મધપુડામાં હવાની અવર–જવર માટે બારીઓ(વેન્ટિલેશન)રાખવા જોઈએ.પરંતુ તે પણ ધ્યાન રાખવું જોઈએ કે કયાંક તિરાડ અથવા ખાંચાઓ રહી ન જાય. મધમાખીઓના દુશ્મન જેવા કે કીડી,મકોડા,કાચિંડા અને ગરોડી મધપેટીમાં પેસી જઈને મધ ખાઈને તેમજ મધમાખીઓ ને પણ મારી નાખે છે.
 • બુ્રડ અને સુપર કોમ્બ વચ્ચે લાકડા નો છોલ અથવા તો લાકડાની પટી ઉભી કરવી જોઈએ. તેમના વચ્ચે થી રાણી મધમાખી નીકળી બહાર જતી ન રહે તે બાબતનો ખ્યાલ રાખવો જોઈએ. મધપૂડામાં પર્યાપ્ત માત્રામાં મધનો સંગ્રહ થયેલો હોવો જોઈએ.
 • મધમાખીનો ઉછેર ખેડુતોને ઉનાળુ ૠતુ દરમ્યાન મધમાખીઓના નિર્વાહ માટે પરાગરજ મળી રહે તેવી વનસ્પતિઓ નજીક માં ઉછેરવી જોઈએ.

ઉનાળુ ૠતુ દરમ્યાન મધમાખીઓ ને સુર્યમુખી, બાજરી ,જુવાર, લીમડો, નિલગિરી, લીંબુ, મહુડો, વેલાવાળા શાકભાજી, કોળુ, તરબુચ વગેરે જેવી વનસ્પતિઓની આજુબાજુ રાખવાથી મધમાખીઓ ને પર્યાપ્ત પ્રમાણમાં મધુરસ અને પરાગરજ મળી રહેતું હોય છે.

 • ઉનાળુ ૠતુ દરમ્યાન બુ્રડ ઉછેર એક જટીલ સમસ્યા છે. આ બુ્રડના પાલનપોષણ માટે પરાગરજ અને મધુરસનો પૂરતો પૂરવઠો પૂરો પાડવો.
 • મધપેટીઓમાં અછતના સમયમાં સતત ખોરાક પૂરવઠો મળી રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. તે માટે વસાહતનું વારંવાર નિરીક્ષણ કરવું જોઈએ.
 • પરાગરજની અછતના સમયમાં ખાંડ મિશ્રિત દ્રાવણ (૧૦ ટકા)રોજ આપવુ જોઈએ જેથી કરીને મધમાખીઓ ભૂખમરાથી મરી જાય છે.
 • મધમાખીઓને દરરોજ તાજુ પાણી મળી રહે તે માટે જોગવાઈ કરવી જોઈએ.
 • ઉનાળામાં ગરમ પવન(લુ)ફુંકાતો હોય તેવા સંજોગોમાં મધપૂડાને બચાવવા માટે પવન અવરોધકો મુકવા જોઈએ.

ઉનાળાની ૠતુ દરમ્યાન ધ્યાનમાં રાખવાના સામાન્ય મુદ્દાઓ

 • ફૂલોની પ્રાપ્તીનો ગાળો ટુંકો હોય ત્યારે વસાહતની સંપુર્ણપણે તપાસ કરવી અને પરાગરજ અને મધુરસ પૂરી પાડતી વનસ્પતિ સતત ઉગાડતા રહેવું.
 • ખાલી ગાળો લાંબો હોયતો સ્થાનીક સ્થળાંતરની તૈયારી કરવી. વસાહતોનું સ્થળાંતર કરવું. સુકાયેલા મધપુડામાં ખાંડની ચાસણીનો ઉમેરો કરવો. નબળી વસાહતો સંગઠીત કરવી, જૂની રાણીઓને દૂર કરવી. ઉનાળાની ૠતુમાં જો નર કર્મચારીની સીલબંધ કોષ્ટિકાઓ વધારે પ્રમાણમાં જોવા મળે તો તેને વસાહત માંથી દૂર કરવી.
 • મધ ઉત્પાદન માટે વસાહતમાં પૂરતી જગ્યા રાખવી. જરૂર જણાય તો, મધપેટી માં બંને બાજુથી મધ એકત્રીત કરવાની ફ્રેમો ખસેડી લો,જેથી મધમાખીઓ સુપરમાં ઉપર જઈ શકે ડિસેમ્બર થી જાન્યુઆરી ના તંગીના ગાળા દરમ્યાન, ખાંડની ચાસણીની વ્યવસ્થા કરવી. મધ ઉત્પાદન માટે પસંદગીની વસાહતોમાંથી ઈયળોનું પ્રત્યારોપણ કરીને રાણી ઉછેર હાથ ધરી શકાય.
 • આ સમય ગાળા દરમ્યાન સ્વામીંગ થવાની ઘટના બનતી હોવાથી તેની યોગ્ય કાળજી લેવી.

ચોમાસુ ૠતુ માં વ્યવસ્થાપન

 • ચોમાસુ ૠતુ દરમ્યાન મધમાખી વસાહતમાં અને તેની આજુ બાજુ પાણી ભરાઈ ન રહે તે માટે પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવી.
 • ચોમાસુ ૠતુ દરમ્યાન જયારે વરસાદ ચાલુ હોય તેવી પરિસ્થિતીમા મધમાખી મધપુડાની બહાર નીકળી શકતી નથી તેવા સંજોગોમાં ખાંડની ચાસણી મુકીને ખોરાક પૂરો પાડવો.
 • ચોમાસુ ૠતુ દરમ્યાન વધારે પડતા ભેજ વાળા વાતાવરણના લીધે બુ્રડના રોગો તેમજ જીંવાતોના નુકશાન કરવાની શકયતાઓ વધી જાય છે. તેથી તેની પણ યોગ્ય માવજત કરવી.
 • મધપેટીઓ પર વરસાદ ન પડે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
 • ઠંડા પવનો સીધા મધપેટીમાં ન જાય તે માટે પવનની વિરૂધ્ધ દિશામાં ગેટ રાખવો.
 • ચોમાસામાં પુષ્કળ નીંદામણો ઉગી નીકળે છે માટે મધપેટીઓની આજુ બાજુ ઉગેલા નીંદામણો વારંવાર સાફ કરવા.

ડો. આર. કે. ઠુમ્મર ,ડો. સી. સી. પટેલ, કીટક શાસ્ત્ર વિભાગ ,બં. અ કષિ મહા વિદ્યાલય, એ.એ.યુ.,આણંદ

સ્ત્રોતઃ શીર્ષક- મધમાખી પાલન

પ્રકાશક: વિસ્તરણ શિક્ષણ નિયામક આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ– ૩૮૮૧૧૦

કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

2.5
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top