অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આબોહવા બદલાવની કૃષિક્ષેત્રે વિવિધ અસરો અને તેના ઉપાયો

આબોહવા બદલાવની કૃષિક્ષેત્રે વિવિધ અસરો અને તેના ઉપાયો

પૃથ્વી પરના વિવિધ વીજમથકો, ઉદ્યોગો અને કૃષિક્ષેત્રમાંથી પૃથ્વીના વાતાવરણમાં ભળતા વિવિધિ ગેસ, જંગલોનો બેફામ નાશ તથા સાથે સાથે જમીન વપરાશ અને તેના વ્યવસ્થાપનમાં ઝડપી ફેરફારોને લીધે ભૂતકાળના છેલ્લા કેટલાક દશકાઓથી પૃથ્વીના વાતાવરણનાં વિવિધ વાયુઓના પ્રમાણમાં અર્થસૂચક ફેરફાર જોવા મળેલ છે. આ વિવિધ માનવસર્જિત પ્રવૃત્તિઓના લીધે વાતાવરણમાં અંગારવાયુ, મિથેન અને નાઈટ્રસ ઓકસાઈડ કે જે હરિત વાયુઓના નામે ઓળખાય છે તેનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જ જાય છે. આ હરિત વાયુઓ પૃથ્વી પરથી વાતાવરણમાં ફેંકાતા લાંબી તરંગ લંબાઈવાળા સૂર્ય વિકરણોને પોતાનામાં જકડી રાખે છે. જેના કારણે પૃથ્વીના વાતાવરણના તાપમાનમાં ક્રમશઃ વધારો થતો જાય છે. વીસમી સદીના અંત સુધીમાં પરિબળો જેવા કે વરસાદ, જમીનનો ભેજ અને દરિયાઈ જળસ્તરમાં સ્થાનિક અને વૈશ્વિક સ્તરે વિવિધ ફેરફાર જોવા મળેલ છે. પર્વતો પરના બરફનું પ્રમાણ ઘટતું જોવા મળેલ છે. જેથી આ કુદરતી અને માનવ સર્જિત વધતા જતા હરિત વાયુઓને કારણે વૈશ્વિક તાપમાનમાં ૦.૪-૦.૭° સે. નો વધારો નોંધાયો છે. છેલ્લા ૫૦ વર્ષોમાં પ્રતિ દસકે તાપમાનનો વધારાનો દર ૦.૧૩°સે. જોવા મળેલ છે. આ ઉપરાંત છેલ્લા ૧૫ વર્ષોનો વધારો આ દર કરતાં પણ વધુ જોવા મળેલ છે. ઈન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન કલાઈમેટ ચેઈન્જ(IPCC) એકવીસમી સદીના અંત સુધીમાં ૧.૧-૬.૪૦ સે. જેટલો પૃથ્વીના તામાનનો વધારો થશે તેવો એક અંદાજ મુકેલ છે. વૈશ્વિક તાપમાનના વધારાને કારણે આબોહવા સંબંધિત વિવિધ આફતથી આપણી કૃષિને બચાવવા માટે વિવિધ અનુકુલન તથા હરિત વાયુઓના પ્રમાણમાં ઘટાડો થાય તેવા સંકલિત પ્રયાસો એ એક જ વિકલ્પ છે.

હરિત વાયુઓનું ઉત્સર્જન :

વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડ, મિથેન, નાઈટ્રસ ઓકસાઈડ અને કલોરોફલુરોકાર્બન મુખ્ય હરિત વાયુઓ છે, જેની વિગત અત્રે દર્શાવેલ છે.

કાર્બન ડાયોકસાઈડ:

પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડ વાયુનું ઉત્સર્જન મુખ્યત્વે સેન્દ્રિય પદાર્થોનું કોહવાણ, જંગલોના દવ, જવાળામુખીઓની સક્રિયતા, અશ્મિભૂત ઇંધણના દહનથી, જંગલોનો વિનાશ અને જમીન વપરાશના ફેરફારને કારણે થાય છે. કુ ષિક્ષેત્રમાંથી પણ કાર્બન ડાયોકસાઈડ વાયુ ઉત્સર્જન થાય છે પરંતુ કુલ હરિત વાયુઓમાં તેનો ફાળો મોટો નથી. પૃથ્વી પરથી ઉત્સર્જિત કાર્બન ડાયોકસાઈડમાં જમીનનું ખાસ મહત્ત્વ તેના બંધારણ, તાપમાન, ભેજ, અમ્લતા આંક અને પ્રાપ્ય કાર્બન તથા નાઈટ્રોજનના કારણે છે. ખેડેલી જમીનમાંથી ખેડયા વગરની જમીન કરતાં વધુ પ્રમાણમાં કાર્બન ડાયોકસાઈડ વાયુનું ઉત્સર્જન થાય છે. વનસ્પતિ, મહાસાગરો અને વાતાવરણની વિવિધ પ્રતિક્રિયાઓમાં કાર્બન ડાયોકસાઈડ વાયુનું મોટા ભાગનું શોષણ થાય છે.

મિથેન:

મિથેન વાયુ ગરમી ગ્રહણ કરવામાં કાર્બન ડાયોકસાઈડ કરતાં ૨૫ ઘણો વધારે અસરકારક છે.આ વાયુ મુખ્યત્વે સતત ભીની જમીનો, સેન્દ્રિય પદાર્થોનું કોહવાણ, ઊધઈ, કુદરતી વાયુઓ અને ઓઈલ શારકામ, જૈવિક ઈંધણનું દહન, ડાંગરની ખેતી અને પશુઓ દ્વારા વાતાવરણમાં ભળે છે. કૃષિક્ષેત્રમાંથી મિથેન વાયુનો પ્રાથમિક સ્રોત ડાંગરની ખેતી, પશુઓનું પાચનતંત્ર તથા ખાતરોના સંગ્રહ અને હેરફેર છે.

નાઈટ્રસ ઓકસાઈડ:

નાઈટ્રસ ઓકસાઈડ હરિત વાયુ કાર્બન ડાયોકસાઈડ કરતાં ૨૯૮ ઘણો વધારે અસરકારક છે. જંગલો, ઘાસના મેદાનો, મહાસાગરો, જમીન, નાઈટ્રોજનયુક્ત ખાતરો, જૈવિક ઈંધણ અને અશ્મિભૂત ઇંધણનું દહન વગેરે નાઈટ્રસ ઓકસાઈડના મુખ્ય સ્ત્રોત છે. જમીનમાંથી વધારે પ્રમાણમાં આ વાયુનું ઉત્સર્જન થાય છે જેથી જમીનમાંના નાઈટ્રોજનનું પ્રમાણ ઘટે છે અને જેથી નાઈટ્રોજન વપરાશ કાર્યક્ષમતા ઘટે છે.

આબોહવા બદલાવની કૃષિ પરની અસરો :

વૈશ્વિક આબોહવા બદલાવ વિવિધ કૃષિ પાકો, જમીન, પાલતુ પશુઓ અને જીવાતને સીધી અને આડકતરી રીતે અસર કરે છે. પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડ વાયુનું પ્રમાણ વધવાને કારણે સીસ પ્રકારનું પ્રકાશસંશ્લેષણ કરતા પાકોમાં વૃદ્ધિ અને વિકાસ વધુ જોવા મળશે. વાતાવરણમાં તાપમાનનું પ્રમાણ વધતાં વિવિધ પાકોની પાક અવધિ ઘટશે. પાકોની શ્વાસોશ્વાસની ગતિ તેજ થશે. પાકોના આર્થિક ઉત્પાદનમાં પ્રકાશસંશ્લેષણમાં બદલાવ આવતા ફેરફાર જોવા મળશે, જીવાતોના અસ્તિત્વ અને તેનો વસ્તી દર, જમીનના પોષકતત્વોનો ઘટાડાનો દર, ખાતર કાર્યક્ષમતાના દરમાં ઘટાડો અને બાષ્પોત્સર્જન વધતું જતું જોવા મળશે. આની સાથે સાથે ખાદ્યપદાર્થોની પ્રાપ્તિ માટે સામાજિક-આર્થિક વાતાવરણ, સરકારની નીતિઓ, નાણા પ્રાપ્તિ ભાવ અને વળતર, ઈન્ફાસ્ટ્રકચર, જમીન સુધારણા અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપાર પણ ઘણો મદાર રહેલો છે.

આબોહવા બદલાવની કૃષિ પરની સંભવિત અસરો:

કૃષિ પાકો:

  • પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડ વાયુનું પ્રમાણ વધવાને કારણે સી૩ પ્રકારનું પ્રકાશસંશ્લેષણ કરતા ઘઉં અને ડાંગર જેવા પાકોમાં વૃદ્ધિ અને વિકાસ વધુ અને પાણીનું ઉત્સર્જન ઓછું જોવા મળશે. તેમ છતાં ઘઉંમાં દાણા ભરાવવાની અવસ્થાની અવધિમાં ઘટાડો જોવા મળશે. શ્વાસોશ્વાસ વધશે અને વરસાદ ઘટતાં પિયતમાં ખેંચ વર્તાશે.
  • હવામાનની અસામાન્ય ઘટનાઓ જેવા કે પુર, દુષ્કાળ, ચક્રવાતી વાવાઝોડા અને અતિશય ગરમ પવનોના કારણે કૃષિ ઉત્પાદકતા ઘટતી જોવા મળશે.
  • સૂકી ખેતી વિસ્તારમાં વરસાદની તરેહ બદલાતા પાકની પાણીની ખેંચ વધતાં ઉત્પાદન ઘટશે.
  • ઉત્તર ભારતમાં રાયડો અને શાકભાજીના પાકોમાં પવનના ઠંડા મોજા અને હિમની અસરોથી થતું નુકસાન વૈશ્વિક તાપમાન વધારાને કારણે ઘટતું જોવા મળશે.
  • ફળપાકો શાકભાજી, ચા, કોફી, સુગંધિત અને ઔષધીય પાકોની ગુણવત્તામાં ઘટાડો જોવા મળશે.
  • ઉન્નત રોગકારકો અને વાહકો પાકોના રોગ અને જીવાતના ફેરફારને કારણે જોવા મળશે અને રોગકારકોનો ઝડપી ફેલાવો થશે.
  • વરસાદનો ઘટાડો, તાપમાનમાં વધારો દરિયાઈ જળ સપાટીમાં વધારો, દુષ્કાળ, વાવાઝોડા અને પૂરની આવૃત્તિ અને ગંભીરતાને કારણે જૈવ વિવિધતાને મોટું નુકશાન થશે.

જળ:

  • સિંચાઈ માટેની માંગ તાપમાન અને બાસ્પોત્સર્જનનો દર વધતાં વધુ જોવા મળશે કે જે ભૂગર્ભ જળની ઊંડાઈ વધારશે.
  • હિમાલય પરના બરફના ઓગળવાથી ગંગા, બ્રહ્મપુત્રા અને તેની ઉપનદીઓમાં ટુંકા ગાળા માટે પાણીની આવકો વધશે પરંતુ લાંબા ગાળા માટે જળ પ્રાપ્તિ ઘટશે.
  • ચોમાસાની ભીની ઋતુમાં અર્થસૂચક જમીનનું ધોવાણ થશે. જો આ ધોવાણને અટકાવવામાં નહિ આવે તો પૂરનો ખતરો વધશે.

જમીન:

  • સેન્દ્રિય તત્વો કે જેનું પ્રમાણ ભારતની જમીનોમાં ઘણું ઓછું છે તે ઘટતું જશે અને તેની ગુણવત્તા પણ ઘટશે.
  • જમીનનું તાપમાન વધતા નાઈટ્રોજન મિનરલાઈઝેશન વધશે પરંતુ વોલેટાઈઝેશન તથા ડીનાઈટ્રિફિકેશન થતા તેની પ્રાપ્તિ ઘટશે.
  • વરસાદ અને પવનની તરાહ બદલાશે.
  • દરિયાઈ જળસપાટીમાં વધારો થવાથી કાંઠા વિસ્તારમાં ખારાશવાળા પાણીને કારણે આ જમીનો ખેતી માટે બિનઉપયોગી થશે.

પશુધન:

  • આબોહવા બદલાવને કારણે ઘાસચારાનું ઉત્પાદન અને તેની પોષણ સુરક્ષાને અસર થશે. વધતા તાપમાનને કારણે ચારાની પેશીઓનું લિગ્નીફિકેશન થવાથી તેની પાચક ક્ષમતા ઘટશે. પાણીની અછતને કારણે પશુઓ માટેના ખોરાક અને ઘાસચારાની અછત વર્તાશે.
  • કંઠા અને ભીના વર્ષોમાં રોગવાહકોની વસ્તી અને તેનું વિસ્તરણ થવાથી પશુઓમાં રોગચાળો ફાટી નીકળશે.
  • વૈશ્વિક તાપમાન વધારાને કારણે પાણી, પશુઓના રહેઠાણ તથા ઊર્જાની ખપત વધતાં અપેક્ષિત દૂધ પ્રાપ્તિ માટે મોટા પડકાર જોવા મળશે.
  • વૈશ્વિક તાપમાન વધારાને કારણે દુધાળ પશુઓમાં ગરમીના તણાવથી પ્રજનનક્ષમતાને અસર થશે.

મત્સ્ય ઉદ્યોગ:

  • નદીઓ તથા મહાસાગરોનું તાપમાન વધવાથી માછલીઓનું પ્રજનન, સ્થળાંતર અને ઉત્પાદન પર વિપરિત અસર જોવા મળશે.
  • તાપમાન અને વાવાઝોડા વધવાથી દરિયાઈ માછલીઓની સુલભતા, ઉત્પાદન અને વેચાણ વ્યવસ્થાને વિપરિત અસર થશે.
  • મહાસાગરોના પાણીના ઊંચા તાપમાનને કારણે પરવાળાઓનું વિરંજન થતું જોવા મળશે.

પાક ઉત્પાદનમાં ઘટાડો:

સરેરાશ તાપમાનથી અમુક ડીગ્રી તાપમાન વધતાં પાક ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે. દિવસના તાપમાન કરતા રાત્રિના તાપમાનમાં ફેરફાર વધુ અર્થસૂચક છે. ડાંગરના પાકમાં રાત્રીનું તાપમાન ૩ર૦ સે. થી પ્રતિ ૧૦ સે. વધે તો ૧૦ટકા ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે. પંજાબ વિસ્તારમાં આબોહવા બદલાવને કારણે જો તાપમાન સિવાયના બીજા બધા હવામાનના પરિબળોમાં કોઈ ફેરફાર ન થાય તો તાપમાન વધારો જોવ૨, ૨ અને ૩૦ સે. થાય તો ડાંગરનું ઉત્પાદન અનુક્રમે ૫.૪, ૭.૪ અને ૨૫.૧ ટકાનો ઘટાડો સૂચવે છે.

પાણીની અછત:

તાપમાન વધવાને કારણે પિયત માટેના પાણીની જરૂરિયાત અને બાષ્પોત્સર્જન વધશે. ભારતમાં પાણીની અછતને કારણે ડાંગરના ઉત્પાદનમાં ચોખ્ખો ૨૦ ટકાનો ઘટાડો જોવા મળશે.

ચોમાસામાં વરસાદની સમયસરની શરૂઆત,દુષ્કાળ પૂર અને વાવાઝોડાની અનિયમિતતા :

ભારતના પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ વિસ્તાર કે જે સૂકી ખેતી વિસ્તાર તરીકે પ્રભાવિત છે આવા વિસ્તારોમાં કૃષિ ચોમાસાની સમયસરની શરૂઆત, વરસાદનો જથ્થો અને તેની વહેંચણી પર નિર્મિત છે. આબોહવાશાસ્ત્રીઓ તથા આઈપીસીસીના દસ્તાવેજો પરથી માલૂમ પડે છે કે એશિયાઈ ચોમાસું આવનાર સમયમાં ઘણું બધુ પરિવર્તનશીલ જોવા મળશે. સિંચાઈ વિસ્તાર વિસ્તરણ ચાલુ હોવા છતાં અપૂરતા અને અસમાન વરસાદ અને દુષ્કાળ જેવી પરિસ્થિતિને કારણે ભારતની કૃષિ સામે મોટું જોખમ છે. આવનાર સમયમાં ગરમી વધવાને કારણે દુષ્કાળની ગતિ વધુ તેજ થતી જોવા મળશે. ભારતીય ઉપખંડમાં પૂરની પરિસ્થિતિ તીવ્ર અને વારંવાર જોવા મળશે.

દરિયાના પાણીની સપાટીમાં વધારો :

જયાં દશ ટકા જેટલું ચોખાનું ઉત્પાદન કે જેનાથી આશરે ૨૦ કરોડ લોકોને અનાજ પ્રાપ્ત થાય છે તેવા દક્ષિણ, દક્ષિણ-પૂર્વ અને પૂર્વિય એશિયાઈ પ્રદેશો જો દરિયાની પાણીની સપાટીમાં એક મીટર જેટલો વધારો થાય તો તેમનું અસ્તિત્વ જોખમમાં છે. દરિયાના ખારા પાણીનો ખેતીલાયક જમીનો તરફ ઘસારો અને જમીનોની ખારાશ વધતી જાય તે પણ અગત્યનું ચિંતાનું કારણ છે.

જમીનોની ફળદ્રુપતામાં ઘટાડો થવો :

જમીનના ઊંચા તાપમાનને કારણે જમીનમાંના સેન્દ્રિય પદાર્થોનું વિઘટન થઈ અગત્યના પોષકતત્વોનો નાશ થાય છે.

જૈવ વિવિધતાનો વિનાશ :

વિવિધ માનવીય પ્રવૃત્તિઓને કારણે પશુઓ અને છોડની વિવિધ પ્રજાતિઓ ભૂતકાળના વિનાશની સરખામણીએ સો ઘણી વધુ ઝડપે અલિપ્ત થતી જોવા મળશે. દક્ષિણ અમેરિકાથી માંડી ઈન્ડોનેશિયામાં વાનરોની ૩૯૪ પ્રજાતિઓ શિકાર, રહેઠાણની અછત અને આબોહવા બદલાવની કારણે લુટાતાને આરે આવીને ઊભેલી જોવા મળ્યાના વિસ્તૃત અહેવાલ પ્રાપ્ત થયા છે.

પાકમાં રોગ, જીવાત અને નીંદામણ :

તાપમાન વધવાને કારણે વિવિધ આંતરક્રિયાઓને કારણે રોગ, જીવાત અને નીંદામણનું શ્રેણી વિસ્તરણ થવાથી, યજમાનના વૃદ્ધિ વિકાસના તબક્કામાં ફેરફાર, વસ્તી વધારો, સ્થળાંતર અને ઋતુઓના ફેરફારને કારણે રોગ, જીવાત અને નીંદામણમાં વિપુલ માત્રામાં વધારો જોવા મળશે. તાપમાન વધારો જીવાતના વિકાસને વેગ આપી શિયાળામાં પણ તેનું જીવનચક્ર ચાલુ રાખશે વિવિધ રોગકારકોનું રોગશાસ્ત્ર બદલાશે. ઝડપથી બદલાતા વાતાવરણ અને અસ્થિર હવામાનને કારણે રોગકારકોની આગાહી કરવી મુશ્કેલ સાબિત થશે.

આબોહવા બદલાવ અને વિવિધ હરિત વાયુઓના શમન માટેની રણનીતિ

  • ડાંગરની ક્યારીમાંથી ઉત્સર્જિત થતા મિથેન વાયુના વ્યવસ્થાપન માટે પાક ઋતુના મધ્ય ભાગમાં ટુંકા ગાળા માટે પાણીનો નિતાર કરવો.
  • ડાંગરની ક્યારીમાં બાયોગેસ સ્લરીનો ઉપયોગ કરવો. ડાંગરની ઉચ્ચ લણણી આંકવાળી જાતોને ખેતીમાં પ્રાધાન્ય આપવું.
  • પશુઓ દ્વારા થતા મિથેન વાયુના શમન માટે દાણના ઘટકોની યોગ્ય પસંદગી કરવી.
  • જમીનમાંથી ઉત્સર્જિત થતા નાઈટ્રસ ઓકસાઈડનાં શમન માટે નાઈટ્રાપાયરીન, લીમડાની લીંબોળીનું તેલ, લીમડાનો ખોળ તથા કરંજના બીજનો અર્ક વાપર.
  • જમીનમાંથી થતા કાર્બનના ઉત્સર્જનને રોકી જમીનમાં સંગ્રહાય તે માટે જમીનનો ભેજ તથા તાપમાનનું આદર્શ નિયમન કરવું.
  • જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ માટેના સમુચિત ઉપાયો યોજવા.
  • જમીનમાં ખેડની સંખ્યા ઘટાડવી.
  • અગાઉના પાકના અવશેષોને જમીનમાં દબાવવા.
  • વિવિધ મલ્ચિગનો ઉપયોગ કરવો.

આબોહવા બદલાવ સામે વિવિધ અનુકૂલના વ્યુહરચનાઓ :

કૃષિમાં આબોહવા બદલાવના પડકારોને નાથવા માટે વિવિધ સંભવિત યૂહરચનાઓનું અમલીકરણ ખાસ જરૂરી છે.

  • કૃષિમાં ખાસ કરીને ઊંચા તાપમાન, ક્ષારીય જમીનો, વારંવાર પૂર તથા દુષ્કાળની આફતો સામે ટકી શકે તેવી પાકોની જાતોની વાવણી કરવી.
  • પાક ઉત્પાદન વ્યુહરચનાઓમાં ઉચિત ફેરફાર કરવા.
  • આદર્શ જળ વ્યવસ્થાપનનું અમલીકરણ કરવું.
  • નૈસર્ગિક સમ્પદાનું રક્ષણ થાય તેવી તાંત્રિકતાનો અમલ કરવો.
  • હવામાન આગાહી તથા પાક વિમાને અચૂક ધ્યાને લેવા.
  • પરંપરાગત તાંત્રિકતાને સમજીને અમલમાં મુકવી. આબોહવા બદલાવની સામાન્ય જનસમુદાય તથા કૃષિ સાથે સંકળાયેલ વર્ગમાં આ બાબતની સમયાંતરે જાણકારી માટે ચર્ચાસભાઓ યોજવી.
  • સામાન્ય જનસમુદાય વ્યક્તિગત રીતે આબોહવા બદલાવને નાથવા માટે શું યોગદાન આપી શકે તેની વિગતે જાણકારી આપવી.

સ્ત્રોત : એપ્રિલ-૨૦૧૬, વર્ષ :૬૮, સળંગ અંક :૮૧૬, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate