অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સહભાગી સિંચાઈ વ્યવસ્થા: ખેડૂતો દ્વારા ખેડૂતો માટે ચાલતી આદર્શ સિંચાઈ વ્યવસ્થા

આપણા દેશની મોટા ભાગની વસ્તી ગામડામાં રહે છે, જેમના આજીવિકાનો મુખ્ય આધાર ખેતી છે. સારી ખેતી ઘણા પરિબળો ઉપર આધાર રાખે છે, જે પૈકી સૌથી મહત્ત્વનું પરિબળ છે પાણી, વાવેતરથી માંડીને કાપણી સુધીના પાકના વિકાસ અને ઉત્પાદનના પ્રત્યેક તબક્કે પાકને યોગ્ય પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહે છે. પિયતની ચોક્કસ અને પૂરતી સગવડ હોય તો જુવારનું ઉત્પાદન બમણું, બાજરી, કપાસ, મગફળીનું ત્રણ ગણું જયારે ઘઉંનું ઉત્પાદન ચાર ગણું થાય. તેથી ખેડૂતો વરસાદની અનિયમિતતાની ઉત્પાદન પર માઠી અસર ન થાય તે માટે પોતાની રીતે પિયતની સગવડ ઊભી કરવા પ્રયત્ન કરે છે. આ માટે મોટું મૂડીરોકાણ કરે છે. ગુજરાતમાં કુલ પિયતના ૭૦ ટકાથી વધુ પિયતની સગવડ ખેડૂતોએ પોતાના કૂવા-ટયૂબવેલથી કરે છે. હાલમાં ગુજરાતની નાની અને મોટી સિંચાઈ યોજનાથી કુલ મળી ૧૭ લાખ હેક્ટરમાં સિંચાઈ થઈ શકે તેમ છે. આ ઉપરાંત નર્મદા યોજના દ્વારા વધારાના ૧૮ લાખ હેકટરમાં સિંચાઈ શક્ય બની છે.

સહભાગી સિંચાઈ વ્યવસ્થા અભિગમ :

હાલની સિંચાઈ વ્યવસ્થાની મુશ્કેલીઓના પરિણામો સૌથી વધારે ખેડૂતોને જ ભોગવવાના થાય છે. નહેરનો વહીવટ, પાણીનું વિતરણ, નહેરની મરામત અને જાળવણી વગેરેમાં ખેડૂતો જોડાય, રસ લે અને ભાગીદાર બને તો સિંચાઈની પરિસ્થિતિ સુધરે તેવો સર્વત્ર અનુભવ રહ્યો છે. નેશનલ પોલિસી : ૨૦૧૨માં સહભાગી પિયત મંડળીઓનો સમાવેશ કરવામાં આવ્યો જે સિંચાઈના આયોજન, અમલ, નહેરોનું મરામત અને પિયાવાના દર ભેગા કરવામાં સહભાગી બને છે. પિયત મંડળીમાં ગામના ખેડૂતો અને સિંચાઈનું પાણી વપરાશદાર સભ્ય બની જવાબદારી ઉઠાવે છે. એક આદર્શ પિયત મંડળી ખેડૂતોના સિંચાઈને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરીને ખેડૂતોના વિકાસમાં ભાગીદાર બને છે. હાલમાં ગુજરાતમાં કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ પિયત મંડળી બનાવવા અને તેમને તાલીમ આપવામાં કાર્ય કરે છે.

સહભાગી સિંચાઈ વ્યવસ્થાથી થતા ફાયદા:

  • મંડળીના તમામ સભ્યોને વારા પ્રમાણે સમયસર પાણી મળે છે.
  • છેવાડાના ખેડૂતોને સંતોષકારક પાણી મળે છે.
  • પાણી મળવાની ખાતરી હોવાથી ખેડૂતો જરૂર પૂરતુ પાણી વાપરે છે તેથી પાણીનો બગાડ અટકે છે. પાણીના ઝમણથી બગડી ગયેલી જમીન ખેતીલાયક બને છે.
  • વધારે વિસ્તારમાં સિંચાઈ દ્વારા પાણી પુરું પડે છે જેથી પાક ઉત્પાદન પણ વધે છે.
  • નહેરની પાણી મળવાથી ખેડૂતનો સમય અને ખર્ચમાં બચાવ થાય છે.
  • નહેરની સામાન્ય મરામત પેટે મળતું વળતર મંડળી હસ્તક હોય છે જેનાથી સિંચાઈ પહેલાં નહેરની સમયસર સફાઈ અને મરામત થઈ શકે છે.
  • પિયાવાના ફોર્મ મંડળી દ્વારા જ ઉઘરાવાય તેથી ખેડૂતોને સરળતા થાય અને પિયાવાની વસૂલાત વધે
  • ખેડૂતો વચ્ચે પાણી બાબતે થતાં આંતરિક ઘર્ષણ ઘટે તેમજ સિંચાઈ ખાતા સાથે સંકલન વધે છે.

સહભાગી સિંચાઈ વ્યવસ્થાના ક્રમિક તબક્કા :

મંડળીની રચનાનો તબક્કો:

  • સૌ પ્રથમ સિંચાઈ યોજનાની સ્થાનિક કચેરીના સંલગ્ન કાર્યપાલક ઈજનેરશ્રી અથવા આ કાર્યક્રમમાં પ્રવૃત એવી સ્વૈચ્છિક સંસ્થાનો સંપર્ક કરવો.
  • ગ્રામસભામાં કાર્યપાલ ઈજનેરશ્રી અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિને સહભાગી સિંચાઈ વ્યવસ્થાનો વિગતે ખ્યાલ મેળવવા આમંત્રિત કરવા.
  • માઈનોર નહેર હેઠળના ખેડૂતો એકત્રિત થઈ સંગઠન રચવા તૈયાર થાય. કમાન્ડ હેઠળના ખેડૂતો સંગઠનના સભ્ય બને.
  • ખેડૂતો પોતાના બારા પ્રતિનિધિ નક્કી કરે અને પ્રતિનિધિ સભાની રચના કરે.
  • અગ્ર, મધ્ય અને છેવાડાનું પ્રતિનિધિત્વ જળવાયતેમ કારોબારીની રચના કરે, ત્યારબાદ પ્રમુખની સર્વાનુમતે વરણી થાય.
  • પિયત મંડળીની માન્યતા માટેની દરખાસ્ત તૈયાર કરીને સંલગ્ન અધિક્ષક ઈજનેરશ્રીને રજૂ કરીને પિયત મંડળી તરીકેની માન્યતા મેળવવી.

નહેરનો પુનરોદ્વારનો તબક્કો:

  • નહેર મરામતની જરૂરિયાત ચકાસવામાં આવે, સિંચાઈ ખાતાના અધિકારી અને ખેડૂતો સાથે રહી નહેરનો સર્વે કરે. નકશા અંદાજ તૈયાર થાય.
  • નહેર મરામતની કામગીરી મંડળી મારફત જ થાય તેમાં ખેડૂતોનો ૧૦% ફાળો હોય .
  • મંડળી અને સિંચાઈ વિભાગ વચ્ચે બાંધકામ કરાર થાય.
  • નહેર પુનરોદ્ધાર માટે મંડળીને સિંચાઈ ખાતા તરફથી ત્રણ હપ્તામાં એડવાન્સમાં નાણાંની ચૂકવણી થાય.
  • વિવિધ સમિતિઓ જેવી કે-દેખરેખ સમિતિ, હિસાબ સમિતિ, ન્યાય સમિતિની રચના કરવી તેમજ આ સમિતિઓને તાલીમ આપવી.
  • પિયત મંડળી મારફત સતત દેખરેખ તથા માલસામાનની વ્યવસ્થા, હિસાબોની જાળવણી કરવી.
  • થયેલ કામના ફાઈનલ માપ લેવા તેમજ નહેર પુનરોદ્ધાર કામ સંતોષકારક રીતે પૂર્ણ કરવું.

પાણી વિતરણ અને સંચાલનનો તબક્કો:

() સિંચાઈ પૂર્વે:

  • મંડળીનું અંદાજપત્ર (બજેટ) બનાવવું અને તેના આધારે મંડળી આર્થિક રીતે સદ્ધર બને તેવા સિંચાઈના દર નક્કી કરવા.
  • કારોબારી સમિતિએ અંદાજપત્રને સાધારણ સભામાં રજૂ કરીને મંજૂર કરાવવું. સારી સિંચાઈ વ્યવસ્થા ઊભી કરવા જરૂરી નીતિ નિયમો ઘડવા.
  • કારોબારી સમિતિએ નીતિ નિયમો સાધારણ સભામાં રજૂ કરી મંજૂર કરાવવા. પાણી વિતરણ દરમ્યાન દેખરેખ માટે સ્થાનિક ઓપરેટરની પસંદગી કરવી અને તેની જવાબદારીઓ નક્કી કરવી. બંધમાં ઉપલબ્ધ પાણીના જથ્થાને ધ્યાને લઈ મંડળીને મળનાર પાણીની સંખ્યાને આધારે પાક આયોજન અને તેનો વિસ્તાર સાથેની માંગણા અરજી સિંચાઈ વિભાગમાં રજૂ કરવી.
  • મંડળી હસ્તકની નહેરો તેમજ ખેતરના ઢાળિયાની સમયસર સફાઈ કરવી. પાણી વિતરણ તેમજ ન્યાય સમિતિની રચના કરવી અને તેની જવાબદારીઓ નક્કી કરવી.
  • ખેડૂતો પાસેથી સિંચાઈની માંગણી અરજી સ્વીકારવી તેમજ પિયાવાની એડવાન્સમાં વસુલાત કરવી. સિંચાઈ માટે અગાઉથી વારાબંધી નક્કી કરવી તેમજ દરેક ખેડૂતને તેના વારા અંગેનો ગેટ પાસ આપવો.

() સિંચાઈ દરમ્યાન:

  • મંડળીઓ ઓપરેટર પાસેથી થયેલ સિંચાઈના રિપોર્ટ મેળવવો.
  • મંડળીએ સિંચાઈ વિભાગને થયેલ સિંચાઈનો દૈનિક રિપોર્ટ આપવો.
  • સિંચાઈ દરમ્યાન ઓપરેટરો તેમજ ગોઠવેલ વારાબંધી પર પાણી વિતરણ સમિતિએ સતત દેખરેખ રાખવી. સિંચાઈ દરમ્યાન ઊભા થયેલ પ્રશ્નો, ઝઘડા અથવા મુશ્કેલીઓનું સમયસર નિરાકરણ કરવું.
  • સિંચાઈ દરમ્યાન કારોબારી સમિતિએ અવારનવાર મળવું અને સિંચાઈની સમિક્ષા કરવી.
  • સારી સિંચાઈ વ્યવસ્થા ઊભી કરવા મંડળીએ નક્કી કરેલ નિયમોનું ચૂસ્તપણે પાલન કરવું.
  • સિંચાઈ વિભાગ અને સિંચાઈ સંઘ તરફથી મળતા
  • સૂચનોનો અમલ કરવો. સિંચાઈદરમ્યાન જરૂરી દફતરો નિયમિત નિભાવવા. સિંચાઈ દરમ્યાન નહેરમાં તૂટફૂટ થાય તો તાત્કાલિક મરામત કરવી.

() સિંચાઈ બાદ:

  • સિંચાઈ વિભાગ સાથે રહીને થયેલ સિંચાઈનું નમૂનારૂપ સર્વે કરવું.
  • સિંચાઈ વિભાગ પાસેથી થયેલ સિંચાઈનું બિલ મેળવવું. સિંચાઈ દરમ્યાન થયેલ અનુભવો, શીખવા મળેલ બાબતો અને મળેલ બોધપાઠની મંડળી કક્ષાએ સમિક્ષા કરવી.
  • યોજના કક્ષાની સિંચાઈ સમિક્ષા બેઠકમાં ભાગ લેવો.

સ્ત્રોત : ફેબ્રુઆરી-ર૦૧૮,વર્ષ : ૭૦, અંક : ૧૦, સળંગ અંક : ૮૩૮, કૃષિગોવિધા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate