অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પાણીનો સંગ્રહ અને ઝમણ કરવા માટેની વિવિધ પધ્ધતિઓ

પાણીનો સંગ્રહ અને ઝમણ કરવા માટેની વિવિધ પધ્ધતિઓ

ભારતની ૭૫ ટકા વસ્તી કૃષિ ક્ષેત્ર પર આધારિત હોવાથી ભારતના અર્થતંત્ર પર ખેતીવાડીનું પ્રાધાન્ય છે જેને ધ્યાનમાં લઈને ભારત સરકારે આઠમી પંચવર્ષિય યોજનાથી કૃષિ ક્ષેત્રે પ્રાધાન્ય આપેલ છે. આપણા દેશની કુલ ખેતીલાયક જમીનનો ત્રીજો ભાગ સૂકી ખેતી હેઠળ આવેલ છે. જયારે ગુજરાતના કુલ ખેડાણ લાયક જમીનના ફક્ત ૨૭% વિસ્તારને જ સિંચાઈનો લાભ મળે છે અને બાકીના વિસ્તારમાં માત્ર વરસાદ આધારિત ખેતી કરવામાં આવે છે. પરંતુ છેલ્લા વર્ષોના વરસાદના આંકડાઓનો અભ્યાસ કરતાં માલુમ પડેલ છે કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદનું પ્રમાણ સામાન્ય રીતે વાર્ષિક ૨૫૦ થી ૩૮૫ મિ.મી. જેટલું છે જે માત્ર થોડા જ દિવસોમાં વહેંચાયેલો છે. આ વિસ્તારમાં વરસાદ અનિયમિત અને અપૂરતાથી ભરેલો હોવાથી તેની ખેતી ઉપર માઠી અસર પડે છે જેમ કે વરસાદની શરૂઆત ઘણી વહેલી થવી અથવા ઘણી વખત વરસાદ મોડો શરૂ થવો તેમજ વરસાદનું પ્રમાણ ઘણું ઓછું હોવાના કારણે ખરીફ અને રવી પાક માટે વિષમ પરિસ્થિતિ ઊભી થાય છે. ઉપરોક્ત વિષમ પરિસ્થિતિઓનો સામનો કરવા વરસાદ દ્વારા ઉપલબ્ધ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જરૂરી બને છે. તેથી આ સમયગાળા દરમ્યાન સફળ પાક ઉત્પાદન માટે કૃત્રિમ રીતે સિંચાઈ દ્વારા પાણી આપવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.

ગ્રામીણ વિસ્તારો માટે વરસાદના પાણીનો સંગ્રહ માટેની ડીઝાઈન

વરસાદના પાણીનાં સીધા કરવામાં આવતા સંગ્રહને વરસાદી પાણીનો સંચય કહે છે. વરસાદી પાણીનાં સંચયની સાથે સાથે બીજી પ્રવૃત્તિઓ જમીનની સપાટી પરનાં તેમજ ભૂગર્ભજળનો સંચય કરવો તેમજ હાઈડ્રોલોજીકલ અભ્યાસ કરવો અને ઈજનેરી સંસાધનોનો માનવજાત માટે કાર્યક્ષમ ઉપયોગ કરવો વગેરેનો સમાવેશ થાય છે.

કૃત્રિમ રિચાર્જ પધ્ધતિ :

કોઈપણ માણસે બનાવેલી યોજના કે સુવિધા કે જલભરમાં પાણી રેડે તેને કૃત્રિમ રીચાર્જ પધ્ધતિ કહે છે.

ખોદવામાં આવેલ કૂવાઓ :

સામાન્ય રીતે મોટા વ્યાસના કૂવાઓ જયાં સુધી પાણીનું સ્તર ઊંચું ન આવે ત્યાં સુધી જમીનમાં ખોદવામાં આવતા ખાડાઓ કે જેમને આર.સી.સી. ઈંટોના ચણતર અથવા પથ્થરની દિવાલો વડે આધાર રાખવામાં આવે છે. સામાન્ય રીતે આ કૂવાઓનો વ્યાસ ૦.૬ એકમની આસપાસ રાખવામાં આવે છે.

વરસાદના પાણીનો સંચય કરવાની પધ્ધતિ:

  1. જમીનની સપાટી પરથી વહી જતાં વરસાદના પાણીનો સંગ્રહ
  2. મકાન કે અન્ય બાંધકામ ઉપરથી સીધો જ કરવામાં આવતો પાણીનો સંગ્રહ ગ્રામીણ વિસ્તારોમાં જમીનની સપાટી પરથી વરસાદનું મોટા ભાગનું પાણી ખેતરોમાંથી, સીમમાંથી નદીઓમાં વહી જાય છે. આ વહી જતા પાણીને રોકીને યોગ્ય પધ્ધતિ વડે જલભર ભરવામાં આવે છે

ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના પાણીના સંચય માટેની મુખ્ય પધ્ધતિઓ

ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના પાણીના સંચય માટેની મુખ્ય બે પધ્ધતિઓ છે.

  1. ભવિષ્યમાં ઉપયોગ કરવા માટે જમીનની સપાટી પર વરસાદના પાણીનો સંગ્રહ કરવું.
  2. ભૂગર્ભજળ રીચાર્જ કરવું.
  3. ખેત તલાવડી વડે પાણીનો સંગ્રહ કરવો અને ઝમણ કરવું.

જમીનની સપાટી પર વરસાદના પાણીને સંગ્રહ કરવો એ પરંપરાગત પધ્ધતિ છે અને તળાવ, ચેકડેમ, જમીનની અંદર ટાંકીઓ બનાવવી અને વરસાદી સંગ્રહ કરવો એ નવો વિસ્તાર છે. નવી વિચારસણી અનુસાર સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી પાણીનાં સંગ્રહ માટે નીચે મુજબના બાંધકામ અથવા ડીઝાઈન બનાવી સંચય કરી શકાય છે.

(૧) ખાડા : છીછરાં જલસ્થાન પલભરને રીચાર્જ કરવા માટે રીચાર્જ ખાડાનું બાંધકામ કરવામાં આવે છે. આ ખાડાઓ ૧ થી ૨ મીટર પહોળા અને ૩ મીટર ઊંડા બનાવવામાં આવે છે જેમાં રેતી, ગ્રેવલ ભરવામાં આવે.

(૨) ખાડીઓ: છીછરા જલભરોને રીચાર્જ કરવા ઉપયોગી છે જેમની પહોળાઈ ૦.૫ મિટર, ૧ થી ૧૫ મીટર ઊંડાઈ અને લંબાઈ ૧૦ થી ૨૦ મીટર રાખવામાં આવે છે. ફિલ્ટર મટીરિયલ વડે તેમને ભરવામાં આવે છે.

(૩) હેન્ડપંપ વડે રીચાર્જ: છીછરા તેમજ ઊંડા જળસ્થાનો  જલભર રીચાર્જ કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં આ પધ્ધતિનો ઉપયોગ થાય છે. પાણીનું પ્રમાણ ઓછું હોય તો આ પાણી ફિલ્ટરમાં પસાર કરી હેન્ડપંપમાં જવા દેવામાં આવે છે.

(૪) રીચાર્જ કૂવાઓ : વધુ ઊંડાઈ ધરાવતા જલસ્થાનો રીચાર્જ કરવા માટે ૧૦૦ થી ૩૦૦ 1 મિ.મી. વ્યાસવાળાં કૂવાઓ સામાન્ય રીતે બનાવવામાં આવે છે. આ કૂવાઓ ચોકઅપ ન થઈ જાય તે માટે ફિલ્ટર મટીરિયલમાંથી પાણીને પસાર કરવામાં આવે છે.

(૫) રીચાર્જ શાફ્ટ : છીછરા જળસ્થાનો જેમાં માટીના પડ કરતાં નીચે સ્થાન ધરાવતા હોય તેમને રીચાર્જ કરવા માટે ૦.૫ થી ૩ મીટર વ્યાસવાળા અને ૧૦ થી ૧૫ મીટર ઊંડાઈ ધરાવતી શાફ્ટ બનાવવામાં આવે છે. તેમાં ગ્રેવલ, રેતી વગેરે ફિલ્ટર મટીરિયલ ભરવામાં આવે છે.

(૬) ખોદવામાં આવેલ ફૂવાઓ કે જે હાલમાં કાર્યરત ન હોચ : રીચાર્જ એકમ તરીકે ખોદવામાં આવેલ કૂવાઓના ઉપયોગ થાય છે. રીચાર્જ કરતાં પહેલા પાણીને ફિલ્ટર મટીરિયલમાંથી પસાર કરવામાં આવે છે.

() બોરવેલ સાથે આડા શાફ્ટ : છીછરા તેમજ ઊંડા જલસ્થાન રીચાર્જ કરવા માટે ઉપયોગી છે. ૧.૫ થી ૨ મીટર પહોળા અને ૧૦ થી ૩૦ મીટર ઊંડા શાફ્ટ બનાવવામાં આવે છે તેમજ આવશ્યકતા પ્રમાણે કેટ બોરવેલ બનાવવામાં આવે છે.

(૮) એચડિંગ પધ્ધતિ : જયારે જમીનનું અસંતૃપ્ત પડ સૌથી ઉપર હોય ત્યારે આ પધ્ધતિનો ઉપયોગ થાય છે. ચેકડેમ, નાલાબંધ, નાના તળાવ વગેરે બનાવીને પાણીને નાળામાં ખૂલ્લુ છોડી દેવામાં આવે છે.

ખેત તલાવડી દ્વારા પાણીનો સંગ્રહ :

ખેત તલવાડી ત્રણ પ્રકારની બનાવી શકાય છે.

ખોદકામ કરીને બનાવેલ ખેત તલાવડી :

ખોદકામ કરીને બનાવેલ ખેત તલાવડીમાં નીચાણવાળા અથવા સમતલ ભાગની જમીનને ખોદકામ કરી તેમાંથી નીકળેલ માટીથી પાળો બાંધવામાં આવે છે. પાણીની ઉપલબ્ધતા અને ઉપયોગ મુજબના કદની તલાવડી બનાવી શકાય છે. તેથી આવી ખેત તલાવડીઓ વધારેમાં વધારે બાંધવામાં આવે છે.

ઝરણાં ઉપરની તલાવડીઓ :

પહાડો કે ઊંચાણવાળા વિસ્તારમાંથી વરસાદનું પાણી નીચાણવાળા વિસ્તારમાં નાના ઝરણાં રૂપે લાંબા સમય સુધી રહે છે. તેના ઉપર યોગ્ય જગ્યાએ સંગ્રહ સ્થાન ઊભું કરી તલાવડીઓ બાંધવામાં આવે છે. પહાડી અને વધારે વરસાદવાળા વિસ્તારમાં આવા તળાવો બાંધવાની શક્યતાઓ વધુ રહે છે.

વહેણની બાજુમાં બાંધેલ તલાવડીઓ :

ઝરણાંના વહેણના કોઠાની બાજુમાં યોગ્ય રીતે ખોદકામ અને બાંધકામ કરીને, ઝરણાંના પાણીનું વહેણ વાળીને પાણીનો સંગ્રહ કરવામાં આવે છે.

ખેતતલાવડીના ફાયદાઓ :

  1. ચોમાસામાં પાકની કટોકટી અવસ્થાએ જયારે વરસાદ વધુ ખેંચાય ત્યારે એકાદ-બે જીવન બચાવ પિયત આપીને પાકને બચાવી શકાય. રવી ઋતુના પાકો જેવા કે રાયડો, ચણા વગેરેને વાવણી સમયે પિયત આપીને સારો ઉગાવો હાંસલ કરી શકાય છે અથવા બે મર્યાદિત પિયત આપવામાં આવે તો પાકના ઉત્પાદનમાં વધારો મળે છે.
  2. સૂકા વિસ્તારમાં સંગ્રહિત પાણી પશુઓને પીવા તેમજ અન્ય ઘરગથ્થુ વપરાશમાં પણ લઈ શકાય
  3. ખેત તલાવડીમાં મત્સ્ય ઉછેર અને જૈવિક ખાતર (બાયોફર્ટિલાયઝર) ઉત્પન્ન કરી શકાય છે
  4. ખેત તલાવડીમાં પાણી સાથે જે કાંપ ઘસડાઈ આવે છે તે પાણી ખલાસ થઈ જતાં ખેત તલાવડીના તળિયે જામી જાય છે જેને ખાતર તરીકે ખેતરોમાં નાખીને પાકનું ઉત્પાદન વધારી શકાય છે.
  5. ખેત તલાવડીથી ભૂગર્ભમાં પાણીનો સંગ્રહ થાય છે આથી નીચાણવાળા વિસ્તારમાં કૂવાના પાણીના તળ ઊંચા આવે છે.

ખેત તલાવડી માટે સ્થળની પસંદગી :

ખેત તલાવડી લાંબા ગાળાની યોજના હોવાથી તેના સ્થળની પસંદગી મહત્ત્વની છે. આથી ખેત તલાવડીને ખેતર કે ફાર્મના ક્યા ખૂણામાં પસંદગી કરવી જેથી પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી ઓછા ખર્ચે દૂર સુધી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય.

ખેત તલાવડીના સ્થળની પસંદગી માટે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ

  • ખેત તલાવડી એક ખેડૂત દ્વારા થવા એક કરતાં વધારે ખેડૂતો જેમની એકબીજાની જમીન નજીક છે તેઓ સહકારી ધોરણે લાંબા ગાળાની યોજના બનાવી શકે છે
  • ખેત તલાવડી ખેતરના કે ફાર્મના કયા ખૂણામાં બનાવવી કે જેથી ખેતરનું બધું જ પાણી મેળવી શકાય અને ઓછા ખર્ચે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય.
  • ફાર્મ કે ખેતરના નીચાણવાળા અથવા કુદરતી ખાડાવાળા ભાગની પસંદગી કરવી જોઈએ આથી ખોદકામ કરવાનો તથા પાળી ઊંચી બનાવવાની જરૂર ઓછી પડતાં ઓછા ખર્ચે થઈ શકે.
  • ખેત તલાવડીની જગ્યાના ભૂસ્તરના ગુણધર્મો એવા હોવા જોઈએ કે ઝમણથી થતાં પાણીનો વ્યય અટકાવી શકાય.
  • ભૌગોલિક રીતે કુદરતી આદર્શ રૂપ હોય તેવા વિસ્તારમાં પાણીનો સંગ્રહ કરવાથી પાણીની ઉપરની સપાટીનો વિસ્તાર ઓછો રહે આથી બાષ્પીભવનથી થતો પાણીનો વ્યય અટકાવી શકાય.
  • ખેત તલાવડીનું સ્થળ તેના પાણીની ઉપયોગિતાની દૃષ્ટિએ નજીક હોવું જોઈએ.
  • ગટર કે ફેકટરીમાંથી રસાયણયુક્ત, અશુધ્ધ પાણીથી ખેત તલાવડીના સ્થળની પસંદગી દૂર કરવી જોઈએ.
  • ખેત તલાવડી ભરાઈ ગયા પછી વધારાના પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ.
  • ખેત તલાવડીના ઉપરના ભાગમાં જમીનનું ધોવાણ અટકાવી શકાય તેવી સપાટી હોવી જરૂરી છે જેથી ખેત તલાવડીની ક્ષમતા લાંબાગાળા સુધી જળવાય

વરસાદના પાણીનો સંગ્રહ માટેની અન્ય પધ્ધતિઓ

  1. વધુ ભેજ સંગ્રહ માટે સમોચ્ચ રેખા પર ખેતી તથા ઘાસની જીવંત વાડ બનાવવી.
  2. ઢાળની વિરૂધ્ધ દિશામાં ખેડ તથા વાવેતર કરવું.
  3. પાકની કાપણી બાદ ઊંડી ખેડ કરવી.
  4. નીક પાળા પધ્ધતિનો ઉપયોગ કરવો.
  5. ભારે જમીનની ભેજ સંગ્રહશક્તિ વધારવા સેન્દ્રિય ખાતરો તથા મોરમનો ઉપયોગ કરવો.
  6. આંતરપાક, મિશ્રપાક, પટ્ટીપાક વગેરે આધુનિક પધ્ધતિ અપનાવવી.
  7. ખેતર ફરતે પાળા બાંધવા અને જીવંત વાડ બનાવવી.

સ્ત્રોત:સપ્ટેમ્બર-૨૦૧૭,વર્ષ :૭૦,સળંગ અંક :૮૩૩, કૃષિગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate