অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પાણી ભરાવવાનો કારણે ખેતીમાં થતું નુકસાન અને તેનું નિવારણ

પાકના મૂળ વિસ્તારની જમીન પાણીથી સંપૂર્ણપણે સંતૃપ્ત થાય, છીછરા ભૂગર્ભ જળસ્તરને કારણે પાકના મૂળપ્રદેશમાં પાણી ભરાઈ રહે, જમીન પાણીમાં પુરેપુરી ડુબી જાય કે રેલ અથવા પુરગ્રસ્ત સ્થિતિ સર્જાય ત્યારે જમીનમાં હવાનું પ્રમાણ ઘટી જવાથી જમીનની ઉત્પાદકતા ઘટી જાય છે. આપણા દેશમાં ૧૭ રાજયોની કુલ ૧૪૩ લાખ હેકટર જમીનમાં પાણી ભરાવાનો પ્રશ્ન છે. ગુજરાતમાં લગભગ ૫ લાખ હેક્ટર વિસ્તારમાં પાણી ભરાવાનો પ્રશ્ન છે.

છેલ્લાં વર્ષોમાં માળખાકીય સુવિધાનો આડેધડ વિકાસ, શહેરીકરણ, ઔદ્યોગિકરણ વગેરેને કારણે પાણી નિકાલની કુદરતી વ્યવસ્થામાં વિક્ષેપ ઊભો થયેલ છે. ભૌગોલિક ભૂરચના ઉપરાંત ભારે વરસાદ, પિયત પાણીનો બેફામ વપરાશ, જમીન વ્યવસ્થાપનમાં નિષ્કાળજી વગેરેને લીધે જમીનમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. આપણા રાજયમાં વરસાદની અછતની પરસ્થિતિને અનુલક્ષીને જળ સંગ્રહના ખૂબ જ સારા કાર્યો થયાં છે. પરંતુ વૈશ્વિક ઉષ્મિકરણને કારણે વરસાદનું પ્રમાણ વધ્યું છે, તેમાંય ભારે વરસાદના બનાવો વધ્યાં છે. જેથી અમૂક વિસ્તારમાં ટુંકા સમયગાળા માટે અને અમુક નિચાણવાળા વિસ્તારમાં લાંબા સમયગાળા સુધી પાણી ભરાય છે. આવા વધારાના પાણીના નિકાલ માટે અસરકારક વ્યવસ્થા કરવી પડશે.

ભૂગર્ભ જળસ્તર પાકના મૂળ પ્રદેશ સુધી ઊંચુ આવવાથી પાકના વૃદ્ધિ અને વિકાસમાં વિવિધ સમસ્યાઓ

મુળભૂત રીતે ભૂગર્ભ જળસ્તર પાકના મૂળ પ્રદેશ સુધી ઊંચુ આવવાથી પાકના વૃદ્ધિ અને વિકાસમાં વિવિધ સમસ્યાઓ ઊભી થાય છે.

  1. ઘનિષ્ઠ અને વધુ પડતુ પિયત:ઘનિષ્ઠ પિયત પદ્ધતિમાં સતત અને વધુ પડતાં પિયતને કારણે જમનીમાં પાણી ઊંડે ઉતરવાથી ભૂગર્ભ જળસ્તર ઊંચે આવે છે.ખાસ કરીને નહેર વિસ્તારમાં આ સમસ્યા વધારે રહે છે.
  2. નજીકના વિસ્તારમાંથી પાણીનું ઝમણ: નજીકના ઊંચાઈવાળા વિસ્તારમાંથી પાણી રીજવાથી નીચાણવાળા વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ઊંચુ આવે છે.
  3. નહેર અને જળ સંગ્રહાલયોમાંથી પાણીનું ઝમણ:નહેર વિસ્તારમાં પાણી ભરાવાનું આ મુખ્ય કારણ છે. નહેર અને જળ સંગ્રહાલયોના તળિયા અને પાળામાંથી પાણીનું ઝમણ થવાથી અસરગ્રસ્ત વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ઊંચુ આવે છે. નહેર અને જળ સંગ્રહાલયોની જમીન વધુ વાહક હોય ત્યારે આ ઝમણ વધુ પડતું થાય છે.
  4. જમીનમાંથી પાણીનો ધીમો નિકાલ:પાણી ભરાઈ રહેવા કે ઊંડા ડૂબાણનો સમયગાળો અને તીવ્રતા ફકત પાણીની આવક પર આધારિત નથી, પરંતુ પાકના મૂળપ્રદેશમાંથી વધારાના પાણીનો નિતાર દર અને જમીની ભેજ સંગ્રહશક્તિ પર પણ આધાર રાખે છે. દેખીતી રીતે ઢાળવાળી જમીનો કરતા સપાટ જમીનોમાં નિતાર દર ધીમો હોય છે. જમીનમાં ઉર્ધ્વ નિતારની અસર નિર્ણાયક હોય છે, જે જમીનના બાંધા અને પોત પર આધારિત હોય છે. જમીનમાં કેટલું પાણી રહે અને કેટલું નિતરે તેનો આધાર જમીનની કુલ છિદ્રાળુતા, સૂક્ષ્મ તથા મોટા છિદ્રોનું પ્રમાણ, તેનું આંતર જોડાણ તથા સ્થિરતા અને માટીના વિવિધ માપના કણોના સાપેક્ષ પ્રમાણ પર રહે છે. મોટા છિદ્રો કરતા સૂક્ષ્મ છિદ્રો પાણીને વધુ સખત રીતે જકડી રાખે છે. ૫૦ માઈક્રોમીટર કરતાં મોટા છિદ્રોમાંથી પાણીનો નિતાર ગુરૂત્વાકર્ષણ બળની અસરથી થાય છે, જેથી ખાલી છિદ્રોમાં હવા પ્રવેશી શકે છે અને મૂળના ફેલાવા માટે જગ્યા મળી રહે છે. રેતાળ જમીન કરતાં માટીયાળ જમીનમાં સૂક્ષ્મ છિદ્રાળુતા વધારે મ્સ છિદ્રાળુતા અસ્થિર હોવાથી ખાલી છિદ્રોમાં હવા પ્રવેશી. શકતી નથી. ઉપરાંત ઓછી આંતર-જોડયુક્ત છિદ્રાળુતાને લીધે માટીયાળ જમીનમાં જળ વાહકતા ઓછી હોવાથી, નિતાર ધીમો હોય છે. જો કે માટીયાળ જમીનમાં તિરાડો. પડવાની લાક્ષણિકતા હોવાથી ઊંડો નિતાર થઈ શકે છે. અળસિયાના દર અને પાકના મૂળનું કોહવાણ થવાથી નિતાર દર સુધરે છે. જમીનના કણોના સમૂહ બનવાના લાક્ષણિકતાને લીધે તેઓની વચ્ચે પ્રમાણમાં પહોળી નળી. બનવાથી નિતાર દર વધે છે. જમીનનો નિતાર પરોક્ષ રીતે અંતઃજમીનની જળ વાહકતાથી અસર પામે છે.
  5. જમીનમાં અવાહક સખત પડનો અવરોધ: ખેતીમાં ભારે મશીનરીના ઉપયોગથી અને સતત છીછરી ખેડને કારણે મધ્યમથી ભારે કાળી જમીનમાં અમુક ઊંડાઈએ અવાહક પડ (ધડો) બને છે. જેનાથી સારી નિતારશક્તિ ધરાવતી ઉપલી જમીનમાં સંતુપ્તતા અને પાણી ભરાઈ રહે છે. જમીનમાં પાણીના ઝમણની. ગતિ દિશા આડી કે બાજુએ હોય છે. અવાહક સખત પડને લીધે આ દિશા અવરોધાય જેથી તેની આગળની બાજુએ. ભૂગર્ભ જળસ્તર ઊંચુ આવે અને પાણી ભરાઈ રહે છે. તેવી જ રીતે અમૂક કિસ્સામાં ખૂબ સારી વાહક જમીનની નીચેના અવાહક સ્તરને લીધે પાણીનું અનુશ્રવણ ઊંડુ ના થવાથી જળસ્તર ઊંચ આવે છે.
  6. કુદરતી નિતાર વ્યવસ્થાનો અભાવ : ઢાળરૂપી કુદરતી નિતાર પુરતો ન હોય તો નીચે ઓછી વાહકતાવાળા માટીયાળ સ્તર ધરાવતી સારી વાહકતાવાળી ઉપલી જમીનમાંથી પાણીનો નિતાર ઊંડ સુધી થઈ શકતો નથી, જેનાથી ભૂગર્ભ જળસ્તર ઊંચુ આવે છે, જે પાકના મૂળ વિસ્તાર અને ખેતી કાર્યોને અસર કરે છે.
  7. સપાટી પરનો અપુરતો નિતાર:વધારાના પાણીના નિકાલ માટે સપાટી પરનો નિતાર ખુબ જ મહત્ત્વનો છે. ભારે વરસાદ કે વધુ પડતાં પિયતને વધારાનું પાણી દૂર કરવું જરૂરી છે. તેનું જમીનમાં અનુશ્રવણ થવા દેવું જોઈએ નહી. સપાટી પરના યોગ્ય નિતારની ગેરહાજરીથી આ વધારાના પાણીનું જમીનમાં ઊંડે સુધી સતત અનુશ્રવણ થવાથી ભૂગર્ભ જળસ્તર ઊંચુ આવે છે.
  8. પાણીની વધતી જતી આવક: પાણીની આવકના પ્રમાણમાં નિતાર ઓછો હોય ત્યારે જમીનમાં પાણી ભરાય છે. વિશ્વના અનેક ભાગોમાંથી અહેવાલ મળે છે કે પાણીની આવકમાં વધારો થતો જાય છે જેનું એક કારણ આબોહવા પરિવર્તનને હોઈ શકે, છેલ્લા વર્ષોથી વેશ્વિક ઉખ્રિકરણ થયું છે. તેના લીધે સમુદ્ર સપાટી પરથી બાષ્પિભવન વધારે થવાથી વરસાદનું પ્રમાણ વધ્યું છે તેમજ ભારે વરસાદના બનાવો વધ્યાં છે. બરફ ઓગાળવાથી નદીઓમાં પાણીની આવક વધી છે, જેથી નીચાણવાળા વિસ્તારોની ફળદ્રુપ જમીનોમાં રેલ કે પુર ફરી વળવાની શક્યતા વધી છે. જેનાથી માનવ જીવન અને માલ-મિલકતને નુકસાન થવા સાથે નબળી રીતે સ્થાયી થયેલ વનસ્પતિઓ ખાસ કરીને ખેતી પાકોનો વિનાશ સર્જાય છે. સ્થાનિક રીતે ઉત્પાદિત ખોરાક પર આધાર રાખતાં અલ્પવિકસીત અને વિકસતા દેશોના લોકોના જીવન નિર્વાહ પર ખેતરો ઊભો થાય છે.સામાન્ય રીતે શહેરોમાં વધુ વરસાદથી પાણી ભરાતાં હોય છે. ખેતરોમાં પણ વરસાદના ભારે ઝાપટાથી પાણી ભરાય છે. જો કે ભારે વરસાદને લીધે ટુંકા સમયગાળા માટે પાણી ભરાય છે, પરંતુ જો સારી નિતાર વ્યવસ્થાનો અભાવ હોય તો સમગ્ર વિસ્તારમાં સતત રીતે પાણી ભરાઈ રહે છે. નીચાણવાળી જમીનોનું ખેતીની જમીન રૂપાંતર થવાથી પણ પાણી ભરાઈ રહેવાનો પ્રશ્ન સર્જાય છે.
  9. નીંદણ અને જલીય વનસ્પતિઓની વધુ પડતી વૃદ્ધિ:ચોમાસા દરમ્યાન કુદરતી પાણી નિકાલના માર્ગમાં નીંદણો અને ઘાસ ઉગી નીકળતાં પાણીનો પ્રવાહ અવરોધાય છે. જો પુરના લીધે જમીન સતત ડૂબી રહે તો જલીય વનસ્પતિઓ જેવી કે જળકુંભી, ઘાસ અને નીંદણો ઉગી શકે છે, જેથી કુદરતી સપાટી પરના નિતારમાં અવરોધ ઊભો થાય અને પાણી ભરાવવાની શક્યતા વધે.
  10. અનિયમિત અથવા સપાટ ભૂરચના: જમીનની ઉપરની સપાટીની ભૂરચના પાણીના કુદરતી નિતારને અસર કરે છે. વધુ ઢાળ ધરાવતા પ્રદેશોમાં કે ઉબડખાબડ સપાટી ધરાવતાં નીચાણવાળા પ્રદેશોમાં નિતાર ખૂબ જ ઓછો હોય છે. જેથી જમીન પર પાણી વધુ પ્રમાણમાં અને લાંબા સમય સુધી રોકાઈ રહે છે તેમજ પાણીનું ઊંડે સુધી અનુશ્રવણ થતાં ભૂગર્ભ જળસ્તર ઊંચુ આવે છે. પિયત આપવા માટે જમીન એકદમ સમતળ કરવામાં આવે તો વધારાના પાણીનો નિકાલ ન થઈ શકવાથી પાણી ભરાઈ રહે છે.

પાણી ભરાવાને કારણે ખેતીમાં થતી નુકસાની

પાણી ભરાવાથી જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક પરિસ્થિતિ બગડે છે, જેના લીધે જમીનની ઉત્પાદકતા ઘટે છે. જમીન પર પાણી ભરાઈ રહેવાથી છોડની દેહધાર્મિક ક્રિયાઓ અટકવાથી વૃદ્ધિ અને વિકાસ પર માઠી અસર થાય જેથી પાક ઉત્પાદન ઘટે. વધારે સમય પાણી ભરાઈ રહેવાથી કયારે ક પાક બળી પણ જાય છે.

  1. પોષક તત્વોના રૂપાંતરણની પ્રક્રિયામાં અવરોધ: જમીનમાં બેકટેરીયા અને અન્યસ્ત સૂક્ષ્મજીવો પોષક તત્વોનું છોડને ઉપલબ્ધ થલ શકે તેવા સ્વરૂપમાં રૂપાંતર કરે છે. આવા સૂક્ષ્મજીવોના અસ્તિત્વ માટે -ઓકસીજન જરૂરી છે. પાણી ભરાવાથી જમીનમાં હવાનું પ્રમાણ ઘટવાથી ઓકસિજન ઘટે છે પરિણામે સુક્ષ્મજીવોની વસ્તી અને કાર્યશીલતા ઘટે છે. જેથી ઉન્સેચકો અને પોષક તત્વોના રૂપાંતરણની પ્રક્રિયા પર માઠી અસર થાય, નાઈટ્રોજન સ્થિરીકરણ અટકે, પર્ણ વિસ્તાર અને પ્રકાશસંશ્લેષ્ણ ઘટે, છોડમાં જૈવ-રાસાયણિક પ્રક્રિયાઓ -અવરોધાય અને તેથી છોડની વૃદ્ધિ ઓછી થાય છે. પાણી ભરાવાથી જમીનમાં ઝેરી તત્વો એકત્રિત થાય છે. આપણા વિસ્તારમાં વવાતા પાકો માટે ભાગે પાણી ભરાઈ રહેવાની પરિસ્થિતિ સામે પ્રતિકારકશક્તિ ધરાવતાં ન હોઈ, ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થાય. બીજનો ઉગાવો, પાકની શરૂઆતની વૃદ્ધિ ફૂલ અને દાણાં ભરાવાની અવસ્થાઓ પાણી ભરાવાની પરિસ્થિતિ સામે ખૂબ જ સંદેનશીલ છે. પાણી ભરાવાથી મૂળનો કહોવારો રોગનું પ્રમાણ વધે છે.
  2. મોડા ખેતકાર્યો: ભીની જમીનમાં સામાન્ય ખેતકાર્યો જેવા કે ખેડ, વાવણી, આંતરખેડ, પાળા ચડાવવા, પાકસંરક્ષણ, કાપણી, લણણી વગેરે સહેલાઈથી થઈ શકતાં નથી. જમીન પર પાણી ભરાવાની પરાકાઢિ પરિસ્થિતિમાં ખેતકાર્યો કરવાનું અશક્ય બને છે. આમ, વાવણી તથા અન્ય ખેતકાર્યો સમયસર ન થવાને લીધે પાછળથી આ કાર્યો પાછળ વધુ ખર્ચ થાય તેમજ પાકનું ઉત્પાદન ઘટે અથવા ખૂબ જ ઓછું મળે છે, જેથી ચોખ્ખું વળતર ઘટે.
  3. નીંદણોની અનિયંત્રિત વૃદ્ધિ: પાણી ભરાઈ રહેતી જમીનોમાં અમૂક જલીય વનસ્પતિઓ, ઘાસ, નીંદણો વગેરેની ખૂબ જ વૃદ્ધિ થાય છે, જેથી ખેતીપાકોની વૃદ્ધિ અવરોધાય છે.
  4. જમીન ક્ષારીય થવા માટે મુખ્ય કારણભૂત: ભૂગર્ભ જળસ્તર ઊંચું આવવાથી જમીનમાંથી સુક્ષ્મ કેશવાહિનીઓ મારફત પાણીનું સતત બાષ્પિભવન થતું રહે છે, જેથી ભૂગર્ભ જળસ્તરમાંથી ઉપરની તરફ પાણીના પ્રવાહીની દિશા પ્રસ્થાપિત થાય છે. આ પાણી પ્રવાહ સાથે જમીનમાં રહેલ ક્ષારો પણ ભળે છે. પાણીનું વાતાવરણમાં બાષ્પિભવન થતાં ક્ષારો પાકના મૂળપ્રદેશમાં અને સપાટી પર જમા થાય છે. મૂળપ્રદેશમાં ક્ષારો વધતા પાકના મૂળ જમીનના દ્રાવણમાંથી પાણી અને પોષકતત્વોનું શોષણ કરી શકતાં નથી, જેથી પાકની વૃદ્ધિ રૂંધાય છે. આવી જમીનને ક્ષારીય જમીન કહેવાય છે. આમ, પાણીનો ભરાવો ક્ષારીય જમીનમાં પરિણમે છે અને તેથી પાક ઉત્પાદન ઘટે છે. પાણીનો ભરાવો અને ક્ષારીયતા એકી સાથે થતાં હોઈ, યુગ્મ સમસ્યા તરીકે ગણવામાં આવે છે. પાણી ભરાયા બાદ ક્ષારીયતા થાય છે.

પાણી ભરાવાનું નિવારણ

દેખીતી રીતે ભૂગર્ભમાં ઉતરતો પાણીનો જથ્થો અને તેનો માર્ગ નિયંત્રિત કરી ઘટાડવામાં આવે તો પાણીના ભરાવાને નિયંત્રિત કરી શકાય. આ માટે પ્રથમ તો ભૂગર્ભ જળસ્તરમાં થતી પાણીની આવક ઓછી કરવી પડે. સાથોસાથ તેમાંથી પાણીની જાવક વધારવી પડે. પાક ઉત્પાદન માટે જમીનની સપાટીથી નીચે ઓછામાં ઓછી ૩ મીટર ઊંડાઈ સુધી ભૂગર્ભ જળસ્તર જાળવવું ખૂબ જ જરૂરી છે.

પાણી ભરાવાને નિયંત્રિત કરવાના વિવિધ ઉપાયો

  1. નહેર અને પાણીના સ્ત્રોતોમાં લીંપણ કરવું: નહેર અને પાણીના સ્ત્રોતોમાંથી થતું ઝમણ ભૂગર્ભ જળસ્તર ઊંચુ લાવવામાં મુખ્યત્વે જવાબદાર હોઈ, તે અટકાવવું જરૂરી છે, જે તળીયામાં તથા બાજુની દિવાલોમાં લીંપણ કરવાથી થઈ શકે છે. પાણી ભરાવાને નિયંત્રિત કરવાની આ અસરકારક રીત છે.
  2. પિયતની તીવ્રતામાં ઘટાડો કરવો:  જે વિસ્તારમાંથી ભરાવાની શક્યતા હોય ત્યાં પિયતની તીવ્રતામાં ઘટાડો કરવો જોઈએ. એક ઋતુમાં જમીન વિસ્તારના ચોકક્સ ભાગમાં નહેરથી પિયત કરવું જોઈએ, ત્યાર પછીની ઋતુમાં બાકીના વિસ્તારમાં એમ વારાફરતી રીતે પિયત કરવું જોઈએ. પાક ફેરબદલી અપનાવવાથી આ રીતે પિયતની તીવ્રતામાં ઘટાડો કરી શકાય.
  3. પાકની ફેરબદલી કરવી: ભૂગર્ભમાં પાણીની આવક નિયંત્રિત કરવા માટે પાકની ફેરબદલી અસરકારક ઉપાય છે. અમૂક પાકોને પાણીની જરૂરીયાત વધુ તો અમૂક પાકોને ઓછી હોય છે. જો જમીનમાં હંમેશા પાણીની વધુ જરૂરિયાતવાળા પાકો -વાવવામાં આવે તો પાણી ભરાવાની શકયતા વધે છે.આમ ન થાય તે માટે પાણીની વધુ જરૂરિયાતવાળા પાક પછી ઓછી જરૂરિયાતવાળા પાક વાવવા જોઈએ. અમૂક વિસ્તારમાં પિયતની જરૂરિયાત બિલકુલ રહેતી ન હોય ચણા અને ભાલ વિસ્તારમાં ઘઉં.
  4. પાણીનો યોગ્યતમ ઉપયોગ કરવો: કોઈપણ વસ્તુનો અતિરેક નુકસાનકારક છે. પાકની સારી ઉત્પાદકતા માટે અમૂક ચોક્કસ પ્રમાણમાં પાણીની જરૂરિયાત હોય છે. આમાં ફેરફાર કરવાથી ઉત્પાદન ઘટવાની સાથે ખેડૂતનું ખિસું પણ ખાલી થાય છે. અમૂક વિસ્તારોમાં એવી માન્યતા હોય છે કે વધુ પિયત આપવાથી ઉત્પાદન વધુ મળે છે. ખાસ કરીને પાણીનો ચાર્જ ઓછો હોય, નહેરના પાણીનો અચોકકસ પૂરવઠો કે કૂવાના પિયતની બાબતમાં વિજળીની અનિયમિતતા હોય તેવા વિસ્તારોમાં આવું વધારે બનતું હોય છે. ખેડૂતોને યોગ્ય વિસ્તરણ પદ્ધતિ દ્વારા શિક્ષિત કરવામાં આવે તો આમાં સુધારો આવી શકે. નીતિ વિષયક બાબતે પાણીનો ચાર્જ એકમ વિસ્તાર મુજબ નહી પરંતુ પાણીના જથ્થાના વપરાશ મુજબ હોવો જોઈએ.
  5. ઝમણ આંતરક નિતાર કરવા: નહેરમાંથી થતાં પાણીના ઝમણને અટકાવવા આવા નિતાર કરવા. જરૂર જણાય ત્યાં નહેરને સમાંતર ઝમણ આંતરક નિતાર બાંધી શકાય, જે નહેરમાંથી થતાં પાણીના ઝમણને આંતરી આગળના વિસ્તાર સુધી પહોંચતા અટકાવે છે અને તેથી પાણી ભરાતું અટકાવી શકાય છે.
  6. કુદરતી નિતાર સુધારવો: પાક હેઠળના વિસ્તારમાં જર્જરીત થયેલ કુદરતી પાણી વધુ સમય ભરાઈ ન રહેવાથી ઊંડે સુધી અનુશ્રવણ થતું નથી. સામૂહિક ધારેણે કુદરતી વહેણના માર્ગમાંથી અંતરાયો દૂર કરવાથી આ બાબતે અમૂક અંશે રાહત મળી શકે છે. ઝાડી-ઝાંખરાં અને અન્ય અંતરાયો દૂર કરવા તેમજ કુદરતી નિતાર માર્ગના ઢાળ સુધારવો જોઈએ.
  7. અસરકારક નિતાર વ્યવસ્થા કરવી: ભારે વરસાદનું પાણી અને પિયતના વધારાના પાણીનો નિકાલ માટે અસરકારક નિતાર વ્યવસ્થા પુરી પાડવી જોઈએ. સારી નિતાર વ્યવસ્થામાં સપાટી પરનો નિતાર અને ભૂગર્ભ નિતારનો સમાવેશ થાય છે. જરૂર જણાય તો કૂવા કે બોર દ્વારા સિંચાઈ કરી ભૂગર્ભ જળસ્તર નીચુ લાવી શકાય.
  8. સપાટી ઉપરના અને ભૂગર્ભજળનો સંયોગાત્મક ઉપયોગ: મહત્તમ લાભ મેળવવા માટે નહેરનું પાણી અને ભૂગર્ભજળના વિવેકપૂર્વક સંયુક્ત ઉપયોગને સંયોગાત્મક ઉપયોગ કહેવાય. નહેર વિસ્તારમાં જયાં પાણીના તળ ઊંચા આવતા હોય ત્યાં સિંચિત પિયત કરવાથી ભૂગર્ભ જળસ્તર નીચુ લાવી શકાય. આ પદ્ધતિમાં પિયત માટે સપાટી ઉપરના પાણીનો ભૂગર્ભજળ સાથે ઉપયોગ કરવામાં આવે છે. નહેરમાંથી થતાં ઝમણને લીધે ઊંચા આવતા ભૂગર્ભ જળસ્તરને અટકાવવા માટે સંયોગાત્મક ઉપયોગ અપનાવવો જોઈએ.
  9. પાણીના કાર્યક્ષમ ઉપયોગ કરતી પિયત પદ્ધતિઓ અપનાવવી: સૂક્ષ્મ પિયત પદ્ધતિઓ જેવી કે ટપક અને ફુવારા પદ્ધતિઓ અપનાવી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય અને પાણી ભરાવાની સમસ્યા નિવારી શકાય. રેલાવી પિયત આપવાની પદ્ધતિમાં પણ લાંબા ગાળે વધુ જથ્થામાં પિયત આપવાને બદલે ટુંકા ગાળે ઓછી માત્રામાં પિયત આપવાં. કયારાની લંબાઈ વધુ ન રાખવી. શકય હોય તો નીકપાળા કે એકાંતરા ચાસમાં પિયત આપવા. પાણીના વહન માટે કાચા ધોરીયાને બદલે પાઈપલાઈનનો ઉપયોગ કરવો.
  10. જમીનની અંદરનું સખત પડ તોડવું: કારણે પાણીનો નિતાર થતો નથી. આવા સખત પડને ઊંડી ખેડ કે સબસોઈલિંગ કરી તોડવું જોઈએ જેથી વધારાનું પાણી જમીનમાં ઊંડે સુધી ઉતરી શકે.
  11. પાણી ભરાવાની પરિસ્થતિમાં ટકી શકે તેવા પાક અને તેની જાતોનું વાવેતર કરવું અમુક પાકોમાં પાણી ભરાવાની પરિસ્થિતિમાં ટકી રહેવા જનીનિક ક્ષમતા હોય છે. કઠોળપાકો કરતાં ધાન્યપાકો વધુ પ્રતિકારક હોય છે. ધાન્યપાકોમાં મકાઈ ઓછી, બાજરો મધ્યમ અને જુવાર વધુ પ્રતિકારક છે. કઠોળપાકોમાં વાલ વધુ પ્રતિકારક છે. તેવી જ રીતે પાકની અમૂક જાત વધુ પ્રતિકારક હોય છે. દા.ત. મકાઈની ગંગા-ર જાત અન્ય જાતો કરતાં વધુ પ્રતિકારક છે.
  12. પાળા અને ગાદી કયારામાં વાવેતર કરવું: ભૂગર્ભ જળસ્તર ખૂબ જ છીછરું હોય ત્યારે પાકનું વાવેતર નીકપાળા કે ગાદી ક્યારા પર કરવું જોઈએ મ્સ વાટે વધારાના પાણીનો નિકાલ થાય.
  13. ખાતરોનો ઉપયોગ કરવો: પાણી ભરાઈ રહે ત્યારે પાકને પુરતા પ્રમાણમાં પોષક તત્વો મળતાં ન હોવાથી યોગ્ય સમયે ખાતરો આપવાથી પાકની વૃદ્ધિ થાય છે. પાન પર છંટકાવ કરવાથી સારું પરિણામ મળે છે.
  14. વાવણી સમયમાં ફેરફાર કરવો: અગાઉના વર્ષોના અનુભવ તેમજ જે તે પાકની પાણી ભરાવાની પરિસ્થિતિ સામે સંવેદનશીલ અવસ્થા ધ્યાનમાં રાખી વાવણી સમયમાં યોગ્ય ફેરફાર કરી શકાય.
  15. જમીન સમતળ કરવી અને વિભાજન કરવું? ખાડા-ટેકરાવાળી જમીન સમતળ કરી યોગ્ય ઢાળ આપવાથી પાણી જમીનમાં ફેલાઈ જાય, સહેલાઈથી જમીનમાં ઉતરી શકે અને વધારાના પાણીનો ખેતર બહાર નિકાલ થઈ શકે છે. જમીન વિસ્તાર ખૂબ જ વિશાળ હોય તો નાના ટુકડાઓમાં વિભાજન કરી દરેક ટુકડામાં પાણીના નિકાલ માટે નિતાર પુરો પાડવો.
  16. જમીન સુધારણા કરવી: સમસ્યાયુક્ત જમીનની નિતારશક્તિ ઓછી હોય છે તેથી ક્ષારીય તેમજ ભાસ્મિક જમીનને યોગ્ય પદ્ધતિથી નવસાધ્ય કરવી, ભારે કાળી જમીનમાં ટાંચ અને સેન્દ્રિય ખાતર ઉમેરવા. શક્ય હોય તો લીલો પડવાશ કરવો.
  17. ખેત વનીકરણ કરવું ? ઊંડા મૂળવાળા વૃક્ષો વાવવાથી ભૂગર્ભ જળસ્તરમાંથી પાણીનું જૈવિક સિંચન કરી ભૂગર્ભ જળસ્તર ઊંભુ આવતું અટકાવી શકાય.

સ્ત્રોત: સપ્ટેમ્બર-ર૦૧૮,વર્ષ : ૭૧ અંક : ૦૫ સળંગ અંક : ૮૪૫ કૃષિગોવિધા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate