অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મરચા

મરચા

  1. મરચાંની જાતો જણાવો
  2. મરચીનો ધરૂઉછેર કેવી રીતે કરવો. ?
  3. મરચીના પાકમાં ફ્રુટડ્રોપ અને સુકારા વિષે જણાવો.
  4. મરચીમાં કોકડવાનું નિયંત્રણ કેવી રીતે કરવું
  5. મરચીના પાકમાં પાન સફેદ થઈ ગોટા બની જાય છે તેને અટકાવવા માટે કયા પગલાં લેવા જોઈએ ?
  6. ભોલર મરચામાં ભૂકી છારાનું નિયંત્રણ કેવી રીતે કરવું. ?
  7. મરચીના નવા નિકળાતા પાન કોકડાઈ જાય છે તેનું કારણ અને નિયંત્રણ જણાવો
  8. મરચીમાં નવી કુમળી ડાળીઓ ઉપરથી સુકાતી સુકાતી ધીમે-ધીમે થડની બાજુ આગળ વધે છે એ કયો રોગ છે અને કેવી રીતે કાબૂમાં લઈ શકાય?
  9. મરચીના છોડ આખે આખા મરી જાય છે શું કારણ હોઈ શકે? તેનો ઉપાયો જણાવો.
  10. મરચા પાકતી વખતે પાણી પોચા સફેદ કલરનાં થઈ સુકાઈ જાય છે તો તેના કારણ જણાવી તેનો અટકાવવા ઉપાયો જણાવો.
  11. હાઇબ્રીડ મરચા વાવેતર ખેત પદ્ધતિ
    1. જાતોના નામ
    2. જમીન અને જમીનની તૈયારી
    3. વાવેતર સમય
    4. વાવેતરનું અંતર અને બીજનો દર
    5. રાસાયણિક ખાતર અને દેશી ખાતરનો જથ્થોો કિલો/ હેકટર
    6. પીયતની સંખ્યા
  12. કા૫ણીનો સમય
  13. અન્ય વિગત

મરચાંની જાતો જણાવો

આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા મરચીની જ્વાલા,એસ-૪૯,જી-૪,ગુજરાત વેજી. મરચી ૧૦૧, ૧૧૧, અને ૧૨૧ જાતો ભલામણ કરેલી છે.તેના બિયારણ તથા માહિતી માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી(શાકભાજી), મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર, આકૃયુ., આણંદ-૩૮૮૧૧૦ (ફોન : ૦૨૬૯૦-૨૯૦૨૫૧) ખાતે સંપર્ક સાધવો.

મરચીનો ધરૂઉછેર કેવી રીતે કરવો. ?

એક હેક્ટર વિસ્તારની ફેરરોપણી માટે એક ગુંઠા વિસ્તારમાં મરચીનું ધરૂઉછેર કરવું પડે. આ માટે ઉનાળામાં જમીનને ઉંડી ખેડ તપવા દેવી, રાબિંગ કરવું, અથવા સોઈલ સોલેરાઈઝેશન કરવું એક ગુંઠા વિસ્તારમાં ૫૦ થી ૭૦ કિ.ગ્રા. છાણિયું ખાતર તથા ૧૦ કિ.ગ્રા. દિવેલીનો ખોળ જમીન તૈયાર કરતી વખતે આપવો. જુન-જુલાઈ દરમ્યાન બીજની વાવણી પહેલાં ૧.૫ કિ.ગ્રા. એમોનિયમ સલ્ફેટ અને ૧ કિ.ગ્રા. ડીએપી ખાતર આપવું. ગાદી ક્યારા તૈયાર કર્યા બાદ પસંદ કરેલ જાતના બીજની વાવણી જીણી રેતી ભેળવી પૂંખીને કરવી. બીજના ઉગાવા બાદ ૧૫ થી ૨૦ દિવસ પછી ૫૦૦ ગ્રામ નાઈટ્રોજન એમોનિયમ સલ્ફેટના રૂપે આપવું. ધરૂવાડીયામાં ઉધઈ, કીડી, અળસિયાં,કૃમિ, ચૂસીયા વગેરેના ઉપદ્રવ સામે રક્ષણ મેળવવા માટે એક ગુંઠામાં ૩૦૦ ગ્રામ પ્રમાણે કાર્બોફ્યુરાન દવા ક્યારામાં પાયાના ખાતર સાથે આપવી. વાદળછાયુ વાતાવરણ અને સતત વરસાદ પડે તો ધરૂ કોહવાય નહિ તે માટે ૬ : ૬ : ૧૦૦ ના પ્રમાણમાં બોર્ડોમિશ્રણ વાપરવું. ૩૫ થી ૪૫ દિવસે ૨૫ સે.મી. ઉંચાઈ ધરાવતા છોડ રોપવા લાયક તૈયાર થશે. શાકભાજી પાકોની વધુ માહિતી માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી(શાકભાજી), મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર આકૃયુ, આણંદ-૩૮૮ ૧૧૦(ફોન: ૦૨૬૯૦-૨૯૦૨૫૧) ખાતે સંપર્ક કરવો.

મરચીના પાકમાં ફ્રુટડ્રોપ અને સુકારા વિષે જણાવો.

(૧) મરચીમાં પરિપક્વ ફળનો સડો (કાલવણ) તથા સુકારાના રોગનો ફેલાવો બીજ દ્વારા થતો હોઈ એક કિલો બીજને ૩ ગ્રામ કેપ્ટાન કે થાયરમ દવાનો પટ આપીને બીજ વાવવા, (૨) પાક વાવ્યા બાદ ૨ મહિના પછી મેન્કોઝેબ ૭૫ ટકા વે.પા. ૨૭ ગ્રામ અથવા કોપર ઓક્ઝીક્લોરાઈડ ૫૦ ટકા વે.પા. ૫૦ ગ્રામ પૈકી કોઈપણ એક દવાનો ૧૦ થી ૧૨ દિવસના અંતરે ૩ થી ૪ છંટકાવ કરવા.

મરચીમાં કોકડવાનું નિયંત્રણ કેવી રીતે કરવું

(૧) ધરૂવાડીયામાં કાર્બોફ્યુરાનની માવજત આપવી. (૨) ફેરરોપણી બાદ છોડની આજુબાજુ જમીનમાં કાર્બોફ્યુરાન ૩જી આપવી. (૩) મરચીમાં કોકડવા થયેલ રોગિષ્ઠ છોડનો ઉપાડીને નાશ કરવો. (૪) કોકડવા સફેદમાખી વડે ફેલાતો રોગ હોઈ તેના નિયંત્રણ માટે ટ્રાયઝોફોસ અથવા ડાયમીથોએટ ૧૦ મિ.લિ. દવાનો ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો

મરચીના પાકમાં પાન સફેદ થઈ ગોટા બની જાય છે તેને અટકાવવા માટે કયા પગલાં લેવા જોઈએ ?

મરચીમાં ભૂકી છારો રોગ આવે ત્યારે પાન સફેદ થઈ જાય છે. આ રોગ જોવા મળે કે તરત જ વેટેબલ સલ્ફર ૮૦ ટકા વે.પા. ૩૦ ગ્રામ અથવા કાર્બેંન્ડાઝિમ ૫૦ ટકા વે.પા. ૧૦ ગ્રામ પૈકી કોઈપણ એક દવાનો છંટકાવ કરવો ત્યારબાદ ૧૦ થી ૧૨ દિવસના અંતરે ફરીથી બે થી ત્રણ છંટકાવ કરવા.

ભોલર મરચામાં ભૂકી છારાનું નિયંત્રણ કેવી રીતે કરવું. ?

આ રોગ જોવા મળે કે તરત જ વેટેબલ સલ્ફર ૮૦ ટકા પાઉડર ૩૫ ગ્રામ અથવા કાર્બેંન્ડાઝિમ ૫૦ ટકા વે.પા.૧૦ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઈ.સી. ૧૫ મિ.લિ. પૈકી કોઈપણ એક દવાનો છંટકાવ કરવો. ત્યારબાદ ૧૦ થી ૧૨ દિવસના અંતરે ૨ થી ૩ છંટકાવ કરવા.

મરચીના નવા નિકળાતા પાન કોકડાઈ જાય છે તેનું કારણ અને નિયંત્રણ જણાવો

મરચીમાં ચૂસીયા પ્રકારની જીવાત અને વિષાણુજન્ય રોગ એમ બંનેથી પાન કોકડાઈ જાય છે. શોષાક પ્રકારની જંતુનાશક દવા છાંટવાથી છોડ સારા થઈ જાય તો તે જીવાતથી થતો કોકડવા કહેવાય અન્યથા તે વિષાણુણુજન્ય રોગ હોય છે. વિષાણુથી થતા કોકડવામાં રોગિષ્ટ છોડ શરૂઆતથી ઉખાડી બાળીને નાશ કરવો અને કીટનાશક દવા છાંટવી.

મરચીમાં નવી કુમળી ડાળીઓ ઉપરથી સુકાતી સુકાતી ધીમે-ધીમે થડની બાજુ આગળ વધે છે એ કયો રોગ છે અને કેવી રીતે કાબૂમાં લઈ શકાય?

આ મરચીનો અવરોહ મૃત્યુરોગ છે. તે કોલેટોટ્રીકમ નામની ફુગથી થતો બીજજન્ય રોગ છે. તેના નિયંત્રણ માટે થાયરમ / કેપ્ટાન (૩.૪ ગ્રા / કિલો બીજ)ની બીજ માવજત આપવી જોઈએ. છોડ ઉપર રોગની શરૂઆત થતી દેખાય ત્યારે મેન્કોઝેબ અથવા કલોરોથેલોનીલ ( રપ ગ્રા. / ૧૦ લિ.) અથવા પ્રોપીકોનાઝોલ (૧૦ મિ.લિ. / ૧૦ લિ.)નો છંટકાવ કરવો.

મરચીના છોડ આખે આખા મરી જાય છે શું કારણ હોઈ શકે? તેનો ઉપાયો જણાવો.

મરચીનો આ સુકારાનો રોગ છે. ત્રણ જાતના સુકારા આવે છે. (૧) સ્કેલોશીયમ વીલ્ટ જેમાં જમીન નજીક થડ કહોવાઈ જાય છે. (ર) ફયુઝેરીયમ વીલ્ટ કે જેમાં છોડ ફાડીને જોતા વચ્ચેનો ભાગ કથ્થઈ ગયેલ હોય છે. જયારે (૩) બેકટેરીયમ વીલ્ટમાં છાલ નખથી ઉખેડતા થડનો ભાગ સફેદ હોવાને બદલે સડી ગયેલો દેખાય છે. આ રોગોના નિયંત્રણ માટે તંદુરસ્ત ધરૂનો ઉપયોગ કરવો, પાક ફેરબદલી કરવી. ખાતર છોડથી દૂર પ્રમાણસર આપવું. પ્રથમ અને દિ્રતીય પ્રકારના સુકારા માટે જમીનમાં કર્બેન્ડાઝીમ (પ ગ્રા. / ૧૦ લિ.)નું દ્રાવણ રેડવું અથવા ફેરરોપણી પહેલા જમીનમાં ટ્રાયકોડર્માં (ર કિ.ગ્રા./હે.) આપવું. જયારે ત્રીજા પ્રકારના વિલ્ટમાં જમીનમાં સ્ટ્રપ્ટોસાયકલીન ૧૦૦ પીપીએમનુ દ્રાવણ રેડવું અથવા રોગ આવતા પહેલા જમીનમાં શ્યુડોમોનાસ આપી જૈવિક નિયંત્રણ પણ કરી શકાય છે.

મરચા પાકતી વખતે પાણી પોચા સફેદ કલરનાં થઈ સુકાઈ જાય છે તો તેના કારણ જણાવી તેનો અટકાવવા ઉપાયો જણાવો.

રોગની શરૂઆતમાં પાણી પોચા બદામી રંગના અને સમય જતા રાખોડી સફેદ કે પીળા રંગના ડાધા જોવા મળે છે. જે વાસ્તવમાં ફુગની ફલકાઈ છે. ફળ ઉપર મરચા લાલ થવા માંડે ત્યારે નાના કાળા ટપકાં જોવા મળે છે. જેની ફરતે કાળી ધાર હોય છે. આવા મરચા લાલ ને બદલે ધૂળીયા રંગના થઈ ખરી પડે છે. રોગ મુખ્યત્વે બીજજન્ય હોવાથી એક કિ્ર.ગ્રા. બીજ દીઠ ર થી ૩ ગ્રામ થાયરમ કે કેપ્ટાનનો પટ આપી ધરૂ ઉછેરવું. ઉભા પાકમાં મરચા અર્ધ પાકે ત્યારે મેન્કોઝેબ ૭પ% વે.પા. ર૬ ગ્રામ અથવા કોપર ઓકઝીકલોરાઈડ પ૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળી ૧૦ દિવસના અંતરે ૩ થી ૪ છંટકાવ કરવા.

હાઇબ્રીડ મરચા વાવેતર ખેત પદ્ધતિ

જાતોના નામ

  • જીએવીસીએચ-૧, અર્કા, શીસીએચ-ર અને ૩

જમીન અને જમીનની તૈયારી

ગોરોડું, બેસર, ફળદ્રુ૫ અને સારી નિતાર શકિત ધરાવતી જમીન માફક આવે છે. બે થી ત્રણ ખેડ મારી કરબ મારી જમીન સમતળ કરી અંતર પ્રમાણે વાવેતર કરવું.

વાવેતર સમય

ચોમાસા માટે જુન - જુલાઈ, શિયાળા માટે ઓકટોબર અને ઉનાળા માટે જાન્‍યુઆરી-ફેબુઆરી

વાવેતરનું અંતર અને બીજનો દર

  1. બે હાર વચ્ચેતનું અંતર સે.મી. : ૬૦
  2. બે છોડ વચ્ચેતનું અંતર સે.મી. : ૬૦
  3. બીજનો દર કિલો/ હેકટર  : 3૫૦ ગ્રામ પ્રતિ હેકટર - ર૮૦૦૦ છોડ/હે.
  4. વાવેતર ૫ઘ્ધ્તિ  : ૩૦ થી ૩૫ દિવસે ધરુ રોપણી લાયક થયેથી ફેર રો૫ણી કરવી.

રાસાયણિક ખાતર અને દેશી ખાતરનો જથ્થોો કિલો/ હેકટર

રાસાયણિક ખાતર

  • ૫૦:૫૦:૫૦ નાફોપો કિ/હે જમીન તૈયાર કરતી વખતે પાયામાં આ૫વું. નાઈટ્રોજન ૫થમ હપ્‍તો ર૫ કિ/હે, ફેરરો૫ણીના એક મહિના ૫છી  તથા ૫છીના હપ્તામા નાઈટ્રોજન રપ કિ. હે. ફૂલકાળ સમયે તથા બાકીનો ૧૦૦ કિલો નાઈટ્રોજન વિણી મુજબ પૂર્તિ ખાતર તરીકેઆ૫વો.

દેશી ખાતર

  • ર૦ ટન પ્રતિ  હેકટર, સારુ કોહવાયેલુ  છાણીયું ખાતર જમીન તૈયાર કરતી વખતે આ૫વું.

પીયતની સંખ્યા

  • ચોમાસુ પૂર્ણ થયા ૫છી ૧૫ થી ર૦ દિવસના અંતરે ૮-૯ પીયત આ૫વા.

કા૫ણીનો સમય

  • પ્રથમ વીણી  : ૭૦ થી ૭૫ દિવસ
  • પાકવાના દિવસો : ૧૭૦-૧૮૦ દિવસ
  • ઉત્પાદન  : લીલા મરચા ૧૫ થી ર૫ ટન પ્રતિ હેકટર

અન્ય વિગત

  • તાર બાંધીને છોડને આધાર આપવાથી વધુ  ઉત્પાદન મળે છે.
સ્ત્રોત : આણંદ કૃષિ યુનીવર્સીટી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/10/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate