વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સુરણ

સુરણ વિશેની માહિતી આપવામાં આવી છે

સુરણ ઉષ્ણ અને સમશિતોષ્ણ કટિબંધ વિસ્તારમાં ઉગાડવામાં આવતો કંદમૂળ વર્ગનાં શાકભાજીનો પાક છે, તેનું મૂળ વતન દક્ષિણ ભારત માનવામાં આવે છે. ભારતમાં ગુજરાત, આંધ્ર પ્રદેશ, કેરાલા, ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક, તામિલનાડુ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને પ. બંગાળમાં સુરણનું વાવેતર થાય છે. જયારે ગુજરાત રાજયમાં તે સુરત, નવસારી, તાપી, ડાંગ, આણંદ, વલસાડ, ખેડા અને પંચમહાલ જિલ્લામાં ઉગાડવામાં આવે છે. સુરણની ગાંઠનો ઉપયોગ શાકભાજી તરીકે કરવામાં આવે છે. ઉપરાંત દાળને સ્વાદિષ્ટ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. 100 ગ્રામ સુરણમાં પાણી ૭૮.૭ ગ્રામ, પ્રોટીન ૧.૨ ગ્રામ, ચરબી 0.૧ ગ્રામ, કાર્બોહાઇડ્રેટસ ૧૮.૪ ગ્રામ, ક્ષારો 0.૮ ગ્રામ, કેલ્શિયમ પ0 મી.ગ્રા., ફોસ્ફરસ ૩૪ મી.ગા.. લોહ 0.5 મી.ગ્રા., વિટામીન એ-૪૩૪ આઈ.યુ. રીબોફલેવીન 0.0૭ મી.ગ્રા., થાયામીન 0.0૬ મી.ગ્રા. રહેલાં છે. આમ સુરણનું પોષણ મૂલ્ય જોતાં એ અગત્યનો કંદમૂળ વર્ગનો શાકભાજીનો પાક છે. જંગલી જાતના સુરણમાં કેલ્શિયમ ઓકલેટ નામનો રાસાયણિક પદાર્થ વધુ પ્રમાણમાં રહેલો છે જેને લીધે આવું સુરણ ખાવામાં આવે તો મોં તથા ગળામાં ચળવળાટ થાય છે.

આબોહવા

સુરણના પાકને ગરમ અને ભેજવાળું હવામાન માફક આવે છે. ચોમાસા દરમ્યાન સારો વહેંચાયેલો ૮00 થી ૧૨00 મી.મી. વરસાદ અને ગરમ ભેજવાળું હવામાન પાકની વાનસ્પતિક વૃધ્ધિ માટે જરૂરી છે, જયારે કંદના વિકાસ સમયે એટલે કે પાકની પાછલી અવસ્થાએ ઠંડુ અને સૂકું હવામાન જરૂરી છે. વાવણી સમયે કંદના ફુરણ માટે ઊંચુ ઉષ્ણતામાન જરૂરી છે.

જમીન

સુરણએ કંદમૂળ વર્ગનો પાક છે, જેની ગાંઠો જમીનમાં બેસતી હોવાથી જમીન સારાં નિતારવાળી, પોચી, ભરભરી અને સેન્દ્રિય તત્વોથી ભરપૂર હોવી જરૂરી છે. સામાન્ય રીતે મધ્યમ કાળી, ગોરાડું અથવા ભાઠાની કે નદી કિનારાની કાંપવાળી જમીનમાં પાક સારો થાય છે.

રોપણીનો સમય

શિયાળામાં સુરણનાં કંદ સૂષુપ્ત અવસ્થામાં રહે છે. ઉનાળામાં ગરમી શરૂ થતાં તેમાં દેહધાર્મિક ક્રિયાઓ શરૂ થાય છે, જેથી સુરણની રોપણી ઉનાળામાં ૧૫ એપ્રિલથી ૧૫ મે સુધીમાં કરવી. આમ વરસાદ પહેલાં સુરણ ઉગી જાય છે જેથી વરસાદનાં પાણીથી ગાંઠોને સડી જવાનો ભય રહેતો નથી.

જાતો:

ગજેન્દ્ર, લાલ માવા, સફેદ માવા, શ્રી પદમા, એન.ડી.એ.- ૯

બિયારણ

સુરણનું વાવેતર કંદ રોપી કરવામાં આવે છે. ચોથા વર્ષનાં સુરણના પાકમાંથી તૈયાર થયેલ સુરણના કંદ ઉપર આંગળી જેવી ગાંઠો હોય છે જેને અંગુલી ગાંઠો કહે છે, કંદ ઉપરથી આ ગાંઠો જુદી પાડી પ્રથમ વર્ષનાં સુરણના પાકનાં વાવેતર માટે બિયારણ તરીકે વાપરવામાં આવે છે. પ્રથમ વર્ષે ઉત્પન્ન થયેલ ગાંઠોને ચકરતું તરીકે ઓળખવામાં આવે છે. જેને બીજા વર્ષનાં પાક માટે બિયારણ તરીકે વાપરવામાં આવે છે. બીજા વર્ષનાં પાકમાંથી ઉત્પન્ન થયેલ ગાંઠોને ચકરી તરીકે ઓળખવામાં આવે છે અને તે ત્રીજા વર્ષનાં પાકનાં બિયારણ તરીકે ઉપયોગમાં લેવાય છે. ત્રીજા વર્ષના અંતે તૈયાર થયેલ ગાંઠોનો ચોથા વર્ષનાં બિયારણમાં ઉપયોગ થાય છે. આ પ્રમાણે બજારમાં વેચાણ માટે લાયક મોટા કદની ગાંઠો ચોથા વર્ષનાં અંતે તૈયાર થાય છે.

બિયારણની માવજત

લોકલ સુરણની ગાંઠો રોપતાં પહેલાં ગાંઠોને બે થી ત્રણ માસનો આરામ આપવો આવશ્યક છે. રોપણી અગાઉ ગાંઠોને ઝાડનાં છાંયા નીચે ભેજવાળા વાતાવરણમાં રાખી મૂકવાથી આંખો વહેલી ફૂટશે આમ ગાંઠોનું સ્કુરણ ઝડપી અને સારું થાય છે.

બિયારણના દર

સુરણનાં જુદાં જુદાં વર્ષના પાકના વાવેતર માટે નીચે દર્શાવ્યા પ્રમાણેનાં વજનની અને હેકટર દીઠ કુલ વજનની ગાંઠોની જરૂરી રહે છે.

પાકનું વર્ષ

રોપણી વખતે ગાંઠનું વજન (ગ્રામ)

હેકટર દીઠ ગાંઠની જરૂરિયાત (કિ.ગ્રા.).

પહેલું

૨૫ થી ૪૦

ર૭૮0 થી ૪૪૪૪

બીજું

૧રપ થી ૧૭૫

૬૧૭ર થી ૮૬૪૦

ત્રીજું

પ00 થી ૭૫0

૮૮૮૮ થી ૧333

ચોથું

૧000 થી ૧૨પ0

૯૨૬0 થી ૧૧પ૭પ

નવસારી કૃષિ યુનિવર્સિટીમાં થયેલ સંશોધનના પરીણામો મુજબ દક્ષિણ ગુજરાત ભારે વરસાદવાળા વિસ્તાર (એ.ઇ.એસ. ૩) માટે સુરણની ગજેન્દ્ર જાત વાવતાં ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે સુરણની ૨૫૦ ગ્રામ વજનની ગાંઠનુ ૬૦ સે.મી. x ૬૦ સે.મી.ના અંતરે વાવેતર કરવાથી મહત્તમ આર્થિક ફાયદો મેળવી શકાય છે. આ રીતે સુરણની ખેતીમાં બિયારણના ખર્ચમાં ઘટાડો થઇ શકે છે.

વાવેતરની પધ્ધતિ

જે વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ હોય, જમીનનો નિતાર સામાન્ય હોય અને વાવેતર કરેલ ખેતરમાં પાણીનો ભરાવો થવાની શકયતા હોય તેવા વખતે વાવણી પહેલાં ૨૦ થી ૨૫ સે.મી. ઊંચા ગાદી કયારા બનાવી ઉપર ગાંઠો વાવવી તથા વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવી જોઇએ. જયાં વરસાદનું પ્રમાણ ઓછું હોય અને જમીનનો નિતાર સારો હોય ત્યાં સપાટ કયારા બનાવી વાવેતર કરી શકાય.

વાવણીનું અંતર

છોડની વાનસ્પતિક વૃધ્ધિને ધ્યાનમાં લઈ જુદાં જુદાં વર્ષનાં લોકલ સુરણનાં વાવેતરનું અંતર નીચે દર્શાવ્યા પ્રમાણે રાખવું જોઈએ.

પાકનું વર્ષ

વાવણીનું અંતર (સે.મી.)

એક હેકટર માટે જરૂરી ગાંઠની સંખ્યા

ખાડાની ઉંડાઈ (સે.મી.)

પહેલું

૩૦ x ૩૦

૧૧૧૧૧૧

૧૦

બીજું

૪૫ x ૪૫

૪૯૩૮૨

૧૫

ત્રીજું

૭૫ x ૭૫

૧૭૭૭૭

૨૦

ચોથું

૧૨૦ x ૯૦

૯૨૬૦

૩૦

રોપણી વખતે ગાંઠની આંખનો ભાગ ઉપરની બાજુ રહે તે પ્રમાણે સુરણની ગાંઠો અગાઉથી તૈયાર કરેલ ખાડામાં મૂકી તેનાં ઉપર ૫ થી ૭ સે.મી. જેટલી માટી ઢાંકવી, ત્યારબાદ પિયત આપવું. સુરણનાં કુમળા અંકુરોને સૂર્યના તડકાથી રક્ષણ મળી રહે તે માટે સુરણની ગાંઠો રોપ્યા પછી શણ અથવા ગુવારનું વાવેતર કરવું, શણ અથવા ગુવાર ૪ થી ૬ અઠવાડિયાનાં થાય ત્યારે તેને ઉપાડી જમીનમાં દાબી પડવાશ કરવો.

ખાતર

પ્રાથમિક ખેડ વખતે ર૫ ટન જેટલું સારૂ કોહવાયેલું છાણીયું ખાતર હેકટર દીઠ જમીનમાં નાંખી બરાબર ભેળવવું. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં સુરણની સેન્દ્રિય ખેતી માટે થયેલ સંશોધનના પરીણામો મુજબ દક્ષિણ ગુજરાતનાં સેન્દ્રિય ખેતીથી સુરણ (જાત ગજેન્દ્ર) ઉગાડવા માંગતા ખેડૂતોને સુરણની સારી ગુણવત્તા અને જમીનની તંદુરસ્તી સુધારવા હેકટરે ૫ ટન વર્મીકમ્પોસ્ટ (૧.૨૧% નાઇટ્રોજન) + પ કિ.ગ્રા. એઝોસ્પિરીલમ + ૫ કિ.ગ્રા. ફોસ્ફોબેક્ટરીયા + ૫ ટન રાખ આપવાની ભલામણ છે. વર્મીકમ્પોસ્ટ રોપણી વખતે અને રોપણી બાદ એક મહિને એમ બે સરખા હપ્તામાં આપવું.

વિગતે માવજત:

  • ૯૦ સે.મી. X૯૦ સે.મી.ના અંતરે ખાડા કરી તેમા ૫૦૦ ગ્રામ સુરણની રોપણી કરવી. રોપણી પહેલાં સુરણને ૧૦ ટન છાણ
  • ૨% ગૌમૂત્ર, ૦.૫% ટ્રાયકોડર્મા અને ૦.૫% સ્યુડોમોનાસના મિશ્રણમાં બોળી રોપણી કરવી. ત્યાર બાદ હેક્ટરે ૨.૫ ટન અળસિયાનું ખાતર, ૫ ટન રાખ, ૫ કિ.ગ્રા. એઝોસ્પિરીલમ અને ૫ કિ.ગ્રા. ફોસ્ફોબેક્ટરીયા આપવા.
  • એક મહિના બાદ ૨.૫ ટન/હે. અળસિયાનું ખાતર આપવું.
  • એક મહિના બાદ ૧.૫% ગૌમૂત્ર, ૧.૫% છાશ, ૦.૫% ટ્રાયકોડર્મા, ૦.૫% સ્યુડોમોનાસ અને ૦.૫% ગોળના મિશ્રણનો છંટકાવ કરવો.

પિયત

સુરણનાં પાકમાં પહેલું પાણી વાવણી પછી તરત જ આપવું અને બીજું પિયત વાવણી પછી પ થી ૬ દિવસે આપવું. ચોમાસામાં સારો વહેંચાયેલો વરસાદ થાય તો પિયત આપવાની જરૂર રહેતી નથી, પરંતુ વરસાદ ખેંચાય તો જરૂર મુજબ પિયત આપવું. પાક તૈયાર થાય તે સમયે હળવું અને લાંબા ગાળે પિયત આપવું. ૭ થી ૮ માસ બાદ પાન પીળા પડી જમીન ઉપર ઢળી પડે ત્યારે પિયત આપવાનું બંધ કરવું. સામાન્ય રીતે ઋતુ અને જમીનનાં પ્રકારને ધ્યાનમાં લઈ ૬ થી ૧0 દિવસનાં ગાળે પિયત આપવાં. પાકમાં જરૂર મુજબ નીંદણ દૂર કરતાં રહેવું અને ગાંઠની સારી વૃધ્ધિ માટે સુરણનાં થડની આજુબાજુ માટી ચઢાવવી. લણણી સુરણની રોપણી પછી સાત થી આઠ માસ પછી પાક તૈયાર થાય છે. જયારે સુરણની ગજેન્દ્ર જાત થોડી વહેલી તૈયાર થાય છે. પાન જ્યારે પાકટ થઈ પીળું પડે ત્યારે જમીનમાં ગાંઠોનો પૂરેપૂરો વિકાસ થઈ ગયેલ હોય છે અને ગાંઠો બરાબર તૈયાર થઈ ગઈ છે તેમ જાણવું. ગાંઠો પરિપકવ થઈ ગયા પછી પણ જમીનમાં રાખી શકાય છે અને બજારની માંગ પ્રમાણે ખોદીને કાઢી શકાય, પરંતુ તેવા કિસ્સામાં લાંબા સમય બાદ એકાદ હળવું પાણી આપવું, જેથી ગાંઠો સૂકાઈ ન જાય. જો બજારભાવ સારા હોય તો ગાંઠો પૂરેપૂરી પાકટ થાય તેના કરતાં વહેલી એટલે સપ્ટેમ્બર-ઓકટોબર માસમાં પણ કાઢી શકાય. જો કે આમ કરવાથી ઉતાર ઓછો મળે છે, પરંતુ સારા બજારભાવ મળવાથી સરભર થઈ જાય છે. ઉપરાંત ખેતર વહેલું ખાલી થઇ જતાં ત્યાર પછીના પાક માટેનું આયોજન કરી શકાય છે અને જમીન તૈયાર કરવા માટે વધુ સમય મળી રહે છે. ગાંઠો સહેલાઈથી ખોદી શકાય તે માટે ગાંઠો ખોદતાં પહેલાં હળવું પાણી આપવું. ખોદતી વખતે કોદાળીથી ગાંઠોને ઈજા ન થાય તેની ખાસ કાળજી રાખવી. ગાંઠોને ખોદી કાઢયા બાદ તેની ઉપરનાં મૂળ તથા માટી કાઢી ગાંઠો ચોખ્ખી કરવી. લોકલ સુરણમાં ચોથા વર્ષના સુરણની ગાંઠો પરથી અંગુલી ગાંઠો છુટી પાડી સુરણના પહેલાં વર્ષના પાકના વાવેતર માટેના બિયારણ તરીકે સંગ્રહી રાખવી. સુરણની ગાંઠોને જમીનમાંથી ખોદી કાઢયા પછી તેના વજનમાં પહેલાં ચાર દિવસમાં ત્રણ થી ચાર ટકા જેટલો અને પહેલાં એક માસમાં રપ થી 30% જેટલો ઘટાડો થાય છે. આથી બજારમાં માંગ હોય ત્યારે ગાંઠો ખોદી તરત બજારમાં મોકલવી જોઈએ. ચોથા વર્ષનાં સુરણનાં પાકમાંથી સરેરાશ હેકટરે ૪પ થી પ0 ટન કંદનું ઉત્પાદન મળે છે.

સ્ત્રોત : પ્રાધ્યાપક અને વડા, બાગાયત વિભાગ, ન. કૃ. યુ, નવસારી

3.57142857143
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top