વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મૂળા

મૂળા વિશેની માહિતી આપવામાં આવી છે

ભારતમાં લગભગ દરેક વિસ્તારમાં મૂળાનો પાક લેવામાં આવે છે. મૂળાના પાન, ફૂલ તથા કુણી શીંગો (મોગરી)નો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. કાચા મૂળા એકલા અથવા કચુંબર બનાવીને તેમજ પાનને કાચા કે રાંધીને ભાજી તરીકે ખાઈ શકાય છે. કાચી મોગરી તથા ફૂલ જમવાની ડીશની શોભા અનેક ગણી વધારી દે છે. કુમળા મૂળાનો આહારમાં ઉપયોગ કરવાથી જઠરાગ્નિ સતેજ થાય છે. મૂળાના પાન પાચનમાં હલકાં અને ગરમ છે. જેનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાથી પેશાબમાં છૂટ રહે છે અને દસ્ત સાફ આવે છે. પાન ખનીજ તત્વો તથા વિટામીન એ અને સી થી સમૃધ્ધ હોય છે. ભારતમાં મૂળાની ખેતી ઉત્તરપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ ઉપરાંત દરેક રાજયમાં વત્તે ઓછે અંશે તેનું વાવેતર જોવા મળે છે. ગુજરાતમાં મૂળાનું વાવેતર મુખ્યત્વે ખેડા, મહેસાણા, અમદાવાદ તેમજ અન્ય જિલ્લાઓમાં ઓછા વધતાં પ્રમાણમાં થાય છે.

જમીન

સામાન્ય રીતે મૂળા બધા જ પ્રકારની જમીનમાં થઈ શકે છે પરંતુ સારાં નિતારવાળી, ઉડી, ભરભરી અને ગોરાડું જમીન આ પાકને વધુ માફક આવે છે. ભારે ચીકણી જમીનમાં કંદનો વિકાસ બરાબર થઈ શકતો નથી.

આબોહવા

ઠંડી ઋતુમાં મૂળાનો પાક સારો થાય છે. તેથી તે શિયાળું પાક તરીકે લેવાય છે. મૂળાના પાકને ઠંડુ અને સૂકું હવામાન વધુ માફક આવે છે. મૂળાનો પાક ૧૦ થી ૧૫°સે. ઉષ્ણાતામાનમાં સારો થાય છે.

અગત્યની જાતો

  • પુસા દેશી: કંદ રંગે સફેદ, 30 થી 3૫ સે.મી. લાંબા, મધ્યમ જાડા, અણીદાર અને સ્વાદે તીખા હોય છે. કંદ પ0 થી પ૫ દિવસે કાપણી માટે તૈયાર થાય છે.
  • પુસા રશ્મિ: કંદ સફેદ, 30 થી 3૫ સે.મી. લાંબા, મધ્યમ જાડા, એક સરખા સુંવાળા અને સ્વાદે ઓછા તીખા હોય છે. કંદ પ૦ થી ૬0 દિવસે કાપણી માટે તૈયાર થાય છે.
  • પુસા હિમાની: કંદ સફેદ, ૧૫ થી રર સે.મી. લાંબા, મધ્યમ તીખા હોય છે. કંદ 40 થી ૪૫ દિવસે કાપણી માટે તૈયાર થાય છે. બારેમાસ વાવણી માટે આ જાત અનુકૂળ છે.
  • પુસા ચેતકી: કંદ રંગે સફેદ, ૧૫ થી ૨૦ સે.મી. લાંબા, જાડા, સુંવાળા, ખૂબ જ નરમ અને સ્વાદે ઓછા તીખા હોય છે. પાન રંગે ઘેરા લીલા રંગના મધ્યમ કદના, અખંડ કિનારીવાળા અને સીધા હોય છે. કંદ કાપણી માટે ૪૦ થી ૪૫ દિવસે તૈયાર થાય છે.
  • વ્હાઈટ આઈસીકલ: કંદ રંગે સફેદ, ૧૨ થી ૧૫ સે.મી. લાંબા, ૨ થી 3 સે.મી. વ્યાસના સુંવાળા, અણીવાળા અને સ્વાદે ઓછી તીખાશવાળા હોય છે. પાન ટૂંકા હોય છે. કંદની કાપણી 30 દિવસે તૈયાર થઈ જાય છે.

જમીનની તૈયારી

જમીનને ૨૦ થી ૨૫ સે.મી. જેટલી ઉંડી ખેડ કરી જમીનના ઢેફાં બરાબર ભાંગી, ભરભરી કરી જમીન સમતળ કરવી. ત્યારબાદ અનુકૂળ માપના સપાટ કયારા બનાવી તેમાં મૂળાના બીજ પુંખીને વાવણી કરવી. બીજ દર: ૮ થી ૧૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર, ખાતર:જમીનને તૈયાર કરતી વખતે ૧૫ થી ૨૦ ટન છાણીયું ખાતર જમીનમાં ભેળવવું. પિયત : જમીનમાં ભેજની અછત વર્તાય નહીં તેમ વાવેતરથી માંડીને કાપણી સુધી નિયમિત પિયત આપતા રહેવું જોઈએ. મૂળાના પાકને પૂષ્કળ પાણીની જરૂરિયાત પડે છે. જમીનનો પ્રકાર, મૂળાની જાત તેમજ વાતાવરણની અનુકૂળતા પ્રમાણે નિયમિત પિયત આપવું. અન્ય માવજત: છોડ ઘાટા ઉગ્યા હોય તો દરેક મૂળના વિકાસ માટે પૂરતી જગ્યા મળી રહે તે રીતે પારવણી કરવી. જરૂરિયાત મુજબ નિંદામણ કરતાં રહેવું તેમજ કંદના પૂરતાં વિકાસ માટે થડ ઉપર માટી ચઢાવવી.

જીવાત

  • મોલોમશી: આ જીવાત પાનમાંથી રસ ચૂસે છે. જેથી પાકના ઉત્પાદન અને ગુણવત્તા ઉપર માઠી અસર થાય છે.
  • ડાયમંડ બ્લેક મોથ અને રાઈની માખી: આ બંને જીવાતની ઈયળો મૂળાના પાન ખાઈને નુકસાન કરે છે. પીળા ચીકણા પીંજર ૫-૭ પ્રતિ હેક્ટર પ્રમાણે મૂકવાથી ચૂસિયા જીવાતોની મોજણી કરી શકાય છે. રાયની માખીની શરૂઆત થાય ત્યારે લીંબોળીના મીંજમાંથી તૈયાર કરેલ ૫% અર્ક (૫૦૦ ગ્રામ/૧૦ લીટર પાણી) દ્રાવણનો છંટકાવ કરવો. રાયની માખીના નિયંત્રણ માટે શરૂઆતમાં ઈયળો વીણી તેનો નાશ કરવો.

રોગ: મૂળાના પાકમાં મોઝેક તથા ગેરૂંના રોગ દેખાય છે. પરંતુ તેનાથી ખાસ નોંધપાત્ર નુકસાન જણાતું નથી. સેન્દ્રિય ખેતી માટે માન્ય વનસ્પતિજન્ય દવાઓનો ઉપયોગ કરવો. કાપણી મૂળાના કંદ પાકટ થઈ જાય તે પહેલાં જમીનમાંથી પાન સાથે હાથ વડે ઉપાડી પાણીથી ધોઈ સાફ કરી 3 થી ૫ નંગની જૂડી બનાવી બજારમાં વેચાણ માટે મોકલવા. મૂળા ઉપાડતાં પહેલા બે થી ત્રણ દિવસ પહેલાં પિયત આપવું જેથી જમીન પોચી બનશે અને મૂળા ઉપાડવામાં સરળતા રહેશે.

સ્ત્રોત : સંશોધન વૈજ્ઞાનિક, શાકભાજી સંશોધન કેન્દ્ર, જૂ. કૃ. યુ, જૂનાગઢ

 

3.0
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top