વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બટાટા

બટાટા વિશેની માહિતી આપવામાં આવી છે

બટાટાએ શાકભાજીનો રોકડિયો પાક છે. શાકભાજી ઉપરાંત પ્રોસેસીંસમાં કાતરી, ફ્રેન્ચ, ફ્રાઇઝ, ડીહાઇડ્રેટેડ બનાવટો, કાપડ ઉદ્યોગમાં કાંજી અને આલ્કોહોલ બનાવવા માટે ઉપયોગ થાય છે. બટાટામાં સ્ટાર્ચ અને શકિતનું પ્રમાણ વધારે હોવાથી તેના કંદનો ઉપયોગ મેળવણ તરીકે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવા માટે કરવામાં આવે છે. ગુજરાતમાં બટાટાનું વાવેતર ખાસ કરીને શિયાળામાં કરવામાં આવે છે. ગુજરાતમાં ઉગાડેલ બટાટાનો પાક સાધારણ રીતે બીજ તરીકે ઉપયોગમાં લેવામાં આવતો નથી, કારણકે અહીંની આબોહવાથી બટાટામાં વિષાણું તેમજ અન્ય બીજજન્ય રોગો લાગુ પડે છે. તેથી દર વર્ષે ઉત્તરના રાજયોમાં ઉત્પાદીત પાકમાંથી બીજ લાવવામાં આવે છે. ગુજરાતમાં બટાટા બીજ ઉત્પાદન પધ્ધતિ દ્વારા ખેડૂતો પોતાનું ઉચ્ચ ગુણવતાવાળુ બીજ ઉત્પન્ન કરી શકે છે.

આબોહવા

બટાટાની ખેતી માટે ઠંડી અને સૂકી આબોહવા વધુ અનુકૂળ પડે છે. સૂર્યપ્રકાશવાળા દિવસો અને નીચા ઉષ્ણતામાનવાળો સમયગાળો (૧૮ થી ૨૮°સે.) એટલેકે શિયાળાની ઋતુ આપણે ત્યાં બટાટાની ખેતી માટે શ્રેષ્ઠ સમય છે.

જમીનની તૈયારી

બટાટાના પાકને સારાં નિતારવાળી રેતાળ, ગોરાડું, મધ્યમ કાળી તેમજ સેન્દ્રિય ફળદ્રુપતાવાળી જમીન વધારે અનુકૂળ આવે છે. બટાટાના કંદનો સારો અને એક સરખો વિકાસ થવા માટે ભીની પધ્ધતિથી વરાપ થયે જમીન તૈયાર કરી હળ અથવા ટેકટર દ્વારા ચાલતા પ્લાન્ટરથી વાવણી કરવી.

સુધારેલી જાતો

શાકભાજી માટે કુફરી બાદશાહ, કુફરી પુખરાજ, કુફરી લોકર, કુફરી ખ્યાતી અને કુફરી પુષ્કર. ચીપ્સ માટે કુફરી ચીપસોના-૧, ૩ અને ૪, કુફરી જયોતી, એટલાન્ટીક જયારે ફ્રેન્ચ ફ્રાઇઝ માટે કુફરી સૂર્યા, કુફરી ચીપસોના-૧, કુફરી ચંદ્રમુખી અને કુફરી ફ્રાયસોના. ગુજરાતમાં કુફરી બાદશાહ, કુફરી પુખરાજ, કુફરી લોકરનો વાવેતરમાં લગભગ ૯૦% જેટલો ફાળો રહે છે.

વાવણી સમય

બટાટાના વાવેતર માટે ઉષ્ણતામાનને ધ્યાનમાં લઈને ૧૫ નવેમ્બરની આજુબાજુ વાવેતર કરવું.

વાવણી અંતર

એક હાર પાળા પધ્ધતિમાં બે ચાસ વચ્ચે ૪0 થી પ0 અને બે છોડ વચ્ચે ૧૫ સે.મી.નું અંતર રાખવું. બે હાર પાળા પધ્ધતિમાં બે ચાસ વચ્ચે ૭૫ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૫-૨૦ સે.મી જયારે ચાર હાર બેડ પધ્ધતિમાં બે ચાસ વચ્ચે ૧૫૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૫-૨૦ સે.મી અંતર રાખવુ. બટાટાની વાવણી ટ્રેકટરથી ચાલતાં ઓટોમેટીક વાવણીયાથી કરવી. નદી વિસ્તારમાં બે હાર વચ્ચે ૨૦ સે.મી. અને બે છોડ વચ્ચે ર0 સે.મી.નું અંતર રાખવું. વાવણી માટે કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્તર ગુજરાતના નદી વિસ્તાર માટે વિકસાવવામાં આવેલ બટાટાના વાવણિયાનો ઉપયોગ કરવો.

બિયારણની પસંદગી

કોઈપણ પાકના ઉત્પાદનમાં વિષાણુજન્ય તથા બીજજન્ય રોગોથી મુકત સારૂં બિયારણ વાપરવું ખૂબજ જરૂરી છે. ખાસ કરીને બટાટામાં રોગમુકત, મધ્યમ કદનું અને સારી રીતે સંગ્રહાયેલું બિયારણ હોવું જરૂરી છે. બટાટાની કાપણી પછી તેમાં થોડો સમય સુષુપ્ત અવસ્થા હોવાથી કાપણી પછી તરતજ બીજ માટે ઉપયોગમાં લેવું હિતાવહ નથી.

બિયારણની માવજત

બટાટાના બીજને કોલ્ડ સ્ટોરેજમાંથી કાઢયા બાદ ૭-૮ દિવસ રૂમ તાપમાને રાખ્યા બાદ સ્કુરણ થયેલ બટાટાનો વાવણીમાં ઉપયોગ કરવો. બટાટાના ટૂકડા કર્યા બાદ સુક્ષ્મ જીવાણુંયુકત કલ્ચરની માવજત આપી વાવણીમાં ઉપયોગ કરવો.

બિયારણનો દર

બટાટાના રપ ગ્રામ વજનના આખા બટાટા અથવા રપ થી ૪૦ ગ્રામ વજનના ટૂકડાં વાવેતર માટે ઉપયોગમાં લેવાં. હેકટર દીઠ એક હાર પાળા પધ્ધતિમાં આશરે રપ00 થી 3000 કિ.ગ્રા. જયારે બે અને ચાર હાર પાળા પધ્ધતિમાં ૩૫૦૦ થી ૪૦૦૦ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે.

નદી વિસ્તાર માટે બટાટાના ૫ થી ૧૦ ગ્રામ વજનના એકથી બે આંખવાળાં ટૂકડાઓ વાપરવાં. આ રીતે હેકટર દીઠ ૧૫00 થી ર000 કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે.

ખાતર

પ્રાથમિક ખેડ કરતી વખતે હેકટર દીઠ રપ થી ૫૦ ટન છાણીયું ખાતર તથા ૧ ટન દિવેલીનો ખોળ ખેતરમાં પંખીને હળ મારીને જમીનમાં ભેળવી દેવું.

પિયત

રેતાળ જમીનમાં વાવણી બાદ પાળાનો ઉપરનો 1/3 ભાગ કોરો રહે તેમ પ્રથમ પિયત આપવું. ત્યારબાદ ૬ થી ૮ દિવસના અંતરે કુલ ૧૪ પિયત આપવાં. મધ્યમ કાળી અને ગોરાડું જમીનમાં ૮ થી ૧૦ દિવસના અંતરે પિયતની જરૂરિયાત રહે છે. બટાટા ઉગ્યા બાદ ત્રણેક અઠવાડીયામાં બટાટા બેસવા માંડે ત્યારે પૂરતું પાણી આપવું જેથી છોડ દીઠ કંદની સંખ્યા અને કદ વધે છે. તેમજ બટાટામાં આવતા કોમન પ્લેબ રોગને નિયંત્રણમાં પણ રાખી શકાય છે. ટપક પધ્ધતિ: ૬૦ સે.મી.ના અંતરે પ્રતિ કલાકે ૪ લીટર પાણીની ક્ષમતાની ડ્રીપરનળીનો ઉપયોગ કરવો. ડીસેમ્બરજાન્યુઆરી મહિનામાં ૪૫ મીનીટ અને ફેબ્રુઆરી મહિનામાં ૬૮ મીનીટ એકાંતરે દિવસે પાણી આપવું.

પાછલી માવજત

બટાટાનો પાક 30 થી 3પ દિવસનો થાય ત્યારે નીંદણ દૂર કરવું અને ત્યારબાદ મજુર કે હળથી પાળા ચઢાવવા. આમ કરવાથી કંદ પાળાની બહાર નીકળતા નથી જેથી બટાટા લીલા થતા નથી અને વિકાસ પણ સારો થાય છે.

પાક સંરક્ષણ

જીવાત નિયંત્રણ

છોડ કાપી ખાનાર ઈયળ: આ જીવાત પાકની શરૂઆતની અવસ્થામાં છોડને જમીન સરખા કાપી નાંખે છે. જેથી એકમ વિસ્તાર દીઠ છોડની સંખ્યામાં ઘટાડો થાય છે. પાકની પાછલી અવસ્થામાં બટાટાના કંદનો ગર્ભ ખાઈને ખોખા કરી નાંખે છે. આ જીવાત રાત્રે સક્રિય હોય છે અને દિવસ દરમિયાન જમીનમાં ભરાઈ રહે છે. પાકની ફેરબદલી બાજરા, દિવેલા, કપાસ વગેરે સાથે કરવાથી આ જીવાતનો ઉપદ્રવ ધટાડી શકાય છે.

પાન ખાનાર ઈયળઃ આ જીવાત પાનને કોરીને નાનાં મોટાં કાણાં પાડે છે. ઉપદ્રવ જણાય ત્યારે વનસ્પતિજન્ય કે જૈવિક દવાનો છંટકાવ કરવો. નર ફૂદાંને આકર્ષવા માટે ફેરોમોન ટ્રેપ (૫-૬ પ્રતિ હેક્ટર)નો ઉપયોગ કરવો તથા ખેતરમાં પક્ષીઓને બેસવા માટે પક્ષી બેઠકો ૫૦ પ્રતિ હેક્ટર રાખવા.

ચૂસિયાં પ્રકારની જીવાતો (મોલો, તડતડિયાં, સફેદ માખી): આ પ્રકારની જીવાતો વિષાણુથી થતાં રોગોના વાહક તરીકે કામ કરે છે. છોડમાં પાનની નીચેની બાજુએ રહી રસ ચૂસે છે, જેથી છોડ પીળા અને ફિકકા પડી જાય છે. ચૂસિયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે લીંબોળીના મીંજનું ૫% દ્રાવણ (૫૦૦ ગ્રામ ૧૦ લીટર પાણી) નો છંટકાવ કરવો. પીળા ચીકણા પિંજર ૫-૬ પ્રતિ હેક્ટર પ્રમાણે ગોઠવવાથી ચૂસિયાં પ્રકારની જીવાતોની મોજણી કરી શકાય.

રોગ નિયંત્રણ

આગોતરો સૂકારોઃ ફૂગથી થતાં આ રોગની શરૂઆતમાં નીચેના પાન ઉપર ભૂખરાં બદામી રંગના છૂટાંછવાયાં લંબગોળ અથવા કાટખૂણા આકારના ટપકાં જોવા મળે છે. અનુકૂળ વાતાવરણમાં આ ટપકાં જયારે વિકાસ પામે ત્યારે ઘણીવાર તેમાં ચક્રની અંદર ચક્ર જોવા મળે છે.

પાછોતરો સૂકારોઃ રોગની શરૂઆતમાં ટોચના પાન, દાંડી કે પ્રકાંડ ઉપર જાંબુડિયા કાળા રંગના પોચા ડાઘ જોવા મળે છે. ખૂબ ભેજવાળા હવામાનમાં રોગિષ્ટ પાનના ટપકાંની નીચેની બાજુએ સફેદ ફૂગનો વિકાસ જોવા મળે છે. અનુકૂળ વાતાવરણમાં વ્યાપક પ્રમાણમાં રોગની ઉગ્રતા વધતાં ખેતરો દઝાઈ ગયાં હોય તેમ દેખાય છે. પાછોતરા સુકારા સામે પ્રતિકારક શકિત ધરાવતી કુફરી બાદશાહ જેવી જાતોનું વાવેતર કરવું.

બટાટાનો કાળા ચાંઠાનો રોગઃ ફૂગથી થતાં આ રોગમાં બટાટાના કટકાની આંખો જમીનમાં જ અથવા આંખો ફૂટી જમીનમાંથી બહાર આવ્યા બાદ ચીમળાઈ જઈ કોહવાઈ જાય છે. આવો છોડ મોટો થઈ થડ જમીન સરખું કાળું પડી છેવટે છોડ ચીમળાઈ જાય છે. બટાટાની કાપણી વખતે બટાટાના કંદ ઉપર ભૂખરાં, કાળાં, ગોળાકાર અથવા તારાના આકારના ચાંઠાઓ બટાટાની છાલ ઉપર ચોંટેલાં જોવા મળે છે, જેથી બજારમાં બટાટાની ગુણવત્તા ઉપર ખૂબજ માઠી અસર પડે છે. બટાટાના કટકામાં થતો કોહવારો: આ રોગ કરનાર ફૂગ અથવા જીવાણું બટાટાના કટકાની ઉપરની સપાટી અથવા અંદરના ભાગમાં રહે છે. ઘણીવાર જમીનમાં રહેલાં રોગપ્રેરકો અનુકૂળ વાતાવવરણમાં બિયારણના કટકામાં દાખલ થઈ કટકાની આંખો અંકુર ફૂટી જમીન બહાર આવ્યા પહેલાં જ કટકા કોહવાઈ જાય છે. જેથી એકમ વિસ્તારમાં છોડની સંખ્યામાં ઘટાડો થઈ ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે.

બટાટામાં જીવાણુથી થતો સૂકારો અથવા કથ્થાઈ કોહવારોઃ રોગની શરૂઆતમાં ખેતરમાં છોડ ધીમે ધીમે ચીમળાઈ જઈ સૂકાવા માંડે છે. કેટલીક વખત છોડની એક બાજુ ચીમળાઈને સૂકાય છે, જે ધીમે ધીમે અનુકૂળ વાતાવરણમાં આગળ વધીને આખો છોડ સૂકાઈ જાય છે. રોગ ક્રમબધ્ધ લાઈનમાં કે ટાલામાં જોવા મળે છે, જેમાંથી જીવાણુંઓનો જથ્થો બહાર આવતો માલૂમ પડે છે. રોગીષ્ટ છોડના બટાટા કાપતાં અંદર કથ્થઇ કાળા રંગનુ વર્તુળ જણાય છે તેથી ઘણાં ખેડૂતો તેને બંગડીનો રોગ પણ કહેતાં હોય છે. આના નિયંત્રણ માટે ખાત્રીવાળા સ્થળેથી રોગમુકત પ્રમાણિત બિયારણ મેળવી વાવેતર તરીકે ઉપયોગમાં લેવું. શંકાસ્પદ બિયારણના ટૂકડાને યોગ્ય દવાની માવજત આપીને રોપવા. પાકની ફેરબદલી તરીકે ધાન્ય વર્ગના પાક લેવાં.

બટાટાનો કોમન સ્કેબઃ આ રોગમાં છોડ ઉપર કોઈ પ્રકારના લક્ષણો જોવા મળતાં નથી, પરંતુ બટાટાના કંદ ઉપર રતાશ પડતાં અથવા ભૂરાશ રંગના ટપકાં જોવા મળે છે. ટપકાં ગોળાકાર અથવા કાટખૂણાકારના ઉપસી આવેલાં અથવા દબાયેલાં જોવા મળે છે, જેથી બટાટાની ગુણવત્તા ખૂબજ ઘટી જાય છે. તેના નિયંત્રણ માટે રોગમુક્ત કંદ વાપરવા તથા ઉનાળામાં જમીનને પડતર રાખી ખેડ કરી તપવા દેવી અને ચોમાસામાં લીલો પડવાશ કરવો.

પાકની ફેરબદલી

એકજ જમીનમાં દર વર્ષે એકજ પાક લેવાથી રોગ-જીવાતનો ઉપદ્રવ વધે છે. બટાટા પછી ધાન્ય વર્ગના પાક જેવા કે બાજરી, મકાઈ, જુવાર લેવા હિતાવહ છે. પરંતુ મરચી, રીંગણી કે તમાકુ જેવા પાકો લેવા નહીં. બટાટા પછી ઉનાળુ બાજરીનો પાક લેવામાં આવે તો અન્ય પાકોની સરખામણીમાં વધારે ઉત્પાદન સાથે વધુ નફો મેળવી શકાય છે.

કાપણી

પાકવાની અવસ્થાએ બટાટાનું પલુર પીળુ થયેથી પલુર દૂર કરી ૪-૫ દિવસ બાદ ટ્રેકટરથી ચાલતાં બટાટા ડીગર કે હળ વડે બટાટા કાઢી કંદ વીણી લેવામાં આવે છે. કૃષિ યુનિવર્સિટી દ્વારા બટાટા ખોદવા હળ વિકસાવેલ છે, જે બળદથી ચાલે છે, જેનાથી બટાટા ખોદવાના ખેતી ખર્ચમાં ખૂબજ ઘટાડો કરી શકાય છે. નદીની રેતીમાં બટાટાનું વાવેતર થતું હોઈ બટાટા હાથ વડે સહેલાઈથી કાઢી શકાય છે.

ઉત્પાદન: બટાટાના પાકમાં હેકટરે 30 થી 3૫ ટન જેટલું ઉત્પાદન મળી રહે છે.

સ્ત્રોત: સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય બટાટા સંશોધન કેન્દ્ર, સ. દા. કૃ. યુ., ડીસા)

3.28571428571
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top