વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગાજર

ગાજર વિશેની માહિતી આપવામાં આવી છે

ભારતભરમાં લગભગ દરેક વિસ્તારમાં ગાજરનો પાક થાય છે. ગાજરના કંદ શાકભાજી ઉપરાંત અથાણાં તથા મીઠાઈ બનાવવામાં ખૂબ જાણીતા છે. ગાજરમાં પ્રોટીન, ચરબી, શર્કરા ઉપરાંત ખનિજ તત્વનું પ્રમાણ વિપુલ છે. ગાજરના કંદમાં કેરોટીન નામના રંગદ્રવ્યનું પ્રમાણ ખૂબજ રહેલું છે. જેનું યકૃતમાં પાચન થતાં વિટામિન એ પૂષ્કળ પ્રમાણમાં બને છે. ગાજરનું સૂપ શરીરમાં શકિત-ફૂર્તિ લાવવા માટે શ્રેષ્ઠ પૂરવાર થયેલ છે. આ ઉપરાંત તેના પાનમાં પણ પ્રોટીન, વિટામિન તથા ખનીજ તત્વો વિપુલ પ્રમાણમાં હોઈ પશુ આહાર માટે ઉત્તમ ખોરાક ગણાય છે કેમકે તેનાથી પશુ તંદુરસ્ત બને છે અને વધુ દૂધ આપી શકે છે.

ભારતમાં ગાજરની ખેતી ઉત્તર ભારતના રાજયોમાં વધુ પ્રમાણમાં અને બાકીના રાજયમાં ઓછા વધતા પ્રમાણમાં થાય છે. ગુજરાતમાં ગાજરનું વાવેતર મુખ્યત્વે પાટણ, અમદાવાદ, ખેડા, મહેસાણા અને ભાવનગરના વિસ્તારમાં વધુ થાય

જમીન અને આબોહવા

સારા નિતારવાળી, ઊંડી ભરભરી અને ગોરાડું જમીન આ પાકને વધુ અનુકૂળ આવે છે. ચીકણી ભારે તેમજ વધુ અમ્લતાવાળી જમીન આ પાકને માફક આવતી નથી, પરંતુ જે જમીનમાં પોટાશનું તત્વ વધુ હોય તેવી જમીન આ પાકને વધુ માફક આવે છે. સામાન્ય રીતે ગાજર ઠંડી ઋતુનો પાક હોઇ શિયાળુ ઋતુમાં લેવામાં આવે છે. આ પાકને ઠંડુ અને સૂકું હવામાન વધુ માફક આવે છે. ગાજરના પાક માટે ૧૫ થી ર૦° સે. ઉષ્ણતામાન વધુ માફક આવે છે. આ ઉષ્ણતામાને ગાજરના કંદનો રંગ એકદમ સારો આવે છે તેનાથી ઊંચા કે નીચા ઉષ્ણતામાને કંદનો રંગ ફિકકો રહે છે.

જાતો

ગાજરની જાતો તેના રંગને આધારે એશિયન અને યુરોપીયન એમ બે સમૂહમાં વર્ગીકૃત કરાયેલ છે. (૧) યુરોપીયન જાતો: નાન્ટીસ, એન્ટની, પુસા યમદગ્નિ અને અર્લી નાન્ટીસ (૨) એશિયન જાતો: પુસા કેસર (લાલ રંગ), પુસા અમિતા (કાળો રંગ), પુસા રૂધીરા (લોહી રંગ), ગુજરાત દાંતીવાડા ગાજર૧ (લાલ રંગ) પુસા કેસર: ગાજરની આ જાત એશિયન (લોકલ રેડ) અને યુરોપીયન (નાન્ડીસ હાફ) જાતોના સંકરણથી તૈયાર કરાયેલ છે. કંદ રંગે ઘેરા લાલ, અણીદાર, પાતળો, રંગીન અને ઓછી શાખાવાળો હોય છે. કંદમાં કેરોટીનનું પ્રમાણ વધુ હોય છે. કંદ ૮0 થી ૯૦ દિવસે કાપણી માટે લાયક થાય છે. નાન્ટીસ: કંદ રંગે કેસરી, નળાકાર, પાતળા, અણી વગરના, પૂંછડીવાળા, સ્વાદે મીઠા હોય છે. એન્ટીની: કંદ ઘાટા લાલાશ પડતાં નારંગી રંગના, શંકુ આકારના લીસા અને છેડે બુટ્ટા હોય છે. કંદ ૧૨૦ દિવસે તૈયાર થાય છે.

આ ઉપરાંત અન્ય જાતોમાં ગોલ્ડન હાર્ટ અને કાશ્મીરી બ્યુટી જેવી જાતો ઉપલબ્ધ છે. જમીનની તૈયારી અને વાવણી

જમીનને ર0 થી રપ સે.મી. જેટલી ઊંડી ખેડ કરી, જમીનના ઢેફાં બરાબર ભાંગી, ભરભરી કરી જમીનને સમતળ કરવી. ત્યારબાદ અનુકૂળ સાઈઝના સપાટ કયારા બનાવી તેમાં ગાજરનાં બીજ પંખીને વવાય છે.

બીજ દર: ૮ થી ૧૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર

ખાતર

જમીનને તૈયાર કરતી વખતે ૧૫ થી ર0 ટન છાણીયું ખાતર જમીનમાં ભેળવવું.

પિયત

ગાજરમાં વાવણી બાદ તરત જ પ્રથમ પિયત આપવું. બીજું પિયત ૪ થી ૬ દિવસ બાદ અને ત્યારબાદ જમીનની પ્રત અને ઋતુ પ્રમાણે જરૂરિયાત મુજબ પિયત આપવાં.

અન્ય માવજતો

જો બીજ નજીક ઉગ્યાં હોય તો દરેક છોડના મૂળના વિકાસ માટે પૂરતી જગ્યા મળી રહે તે રીતે છોડ પારવવા અને જરૂરિયાત મુજબ નિંદામણ કરતાં રહેવું.

કાપણી

ગાજરનો પાક વાવણી બાદ ૯૦ થી ૧૧૦ દિવસે તૈયાર થાય છે. ગાજરના પાકને કાપણી પહેલાં બે થી ત્રણ દિવસે પિયત આપવાથી જમીન ભેજવાળી અને નરમ બને છે, જેથી ઉપાડવામાં સરળતા રહે છે. ગાજરના પાન કાપીને કંદ કોથળામાં કે ટોપલામાં ભરી બજારમાં વેચાણ માટે મોકલવા.

સંશોધન વૈજ્ઞાનિક, શાકભાજી સંશોધન કેન્દ્ર, જૂ. કૃ. યુ, જૂનાગઢ

3.0
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top