অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સાવધાન ....કપાસમાં સફેદમાખીનો ઉપદ્રવ વધી શકે છે

સાવધાન ....કપાસમાં સફેદમાખીનો ઉપદ્રવ વધી શકે છે

ગુજરાત રાજયમાં કપાસ એક અગ્ત્યનો રોકડીયો પાક ગણાય છે. આ પાકમાં સમયાંતરે જુદી જુદી જીવાતના વસ્તી વિસ્ફોટક ના બનાવ બનેલા છે. વર્ષ 1977-78 માં દક્ષિણ ગુજરાતના સુરત જીલ્લામાં કપાસના પાકમાં પાનકથીરીનો વધુ પડતો ઉપદ્રવ જોવા મળ્યો હતો.સને 1980 – 81 માં મધ્ય ગુજરાતમાં વડૉદરા જિલ્લામાં કપાસના પાન કાપી ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા કે જેને ખેડૂતો લશ્કરી ઇયળ તરીકે ઓળખે છે) નો ઉપદ્રવ અને સને 1985-86માં સફેદમાખીનો પ્રકોપ જોવા મળેલ.સફેદમાખીના વધુ પડતા નુકસાનથી કેટ્લાક ખેડૂતોએ નવેમ્બર માસમાં  કપાસ છોડી દીધો હતો.સૌરાષ્ટ્ર વિસ્તારમાં સને 1997-98 માં દેશી કપાસમાં ગાંઠીયા માખીથી થતું નુકસાન ધ્યાન ખેચે તેવું હતું. વર્ષ 2007-08 દરમ્યાન કપાસમાં મીલીબગનો ભયંકર ઉપદ્રવ ફાટી નીકળેલ . હજુ પણ કેટલાક કપાસ ઉગાડતા વિસ્તારમાં તેની હાજરી જોવા મળે છે. ત્યાર બાદ થોડા ઘણા પ્રમાણમાં થ્રિપ્સ જીવાતનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં જોવા મળેલ . છેલ્લા એકાદ – બે વરસથી કપાસની ગુલાબી ઇયળથી ખેડૂતો પરેશાન છે. આમ થવા પાછળ કદાચ કીટ્નાશક રશાયણોનો સમજણ વગર આડેધડ વપરાશ અથવા તો વાતાવરણના બદલાવની અસર હોઇ શકે . કારણ ગમે તે હોય પરંતુ કૃષિ ક્ષેત્રે થઇ રહેલા આવા ફેરફારો સામે કૃષિ વૈજ્ઞાનિકો  અને  ખેડૂતોએ જાગૃત રહેવું પડશે અને આવા બનાવ બને તો શરુઆતથી તેના કારણૉ શોધી તેને અનુરુપ યોગ્ય પગલાં લેવાથી તેનાથી થતું આર્થિક નુકશાન કેટલેક અંશે નિવારી શકાય છે.

છેલ્લા એક અહેવાલ અનુશાર ખરીફ-2015 દરમ્યાન ઉત્તર ભારતના પંજાબ , અને હરિયાણા રાજયમાં કપાસના પાકમાં સફેદમાખીનો વધુ પડતો ઉપદ્રવ જોવા મળ્યો હતો.તેને લીધે મોટા ભાગના વિસ્તારમાં કપાસનો પાક નિષ્ફ્ળ ગયો હતો. સંભવ છે કે આગામી વરસોમાં દેશના અન્ય રાજયોમાં પણ તેનો પ્રકોપ વિસ્તરે તેથી આ જીવાત અંગે પ્રાથમીક માહિતી હોવી જરુરી છે.

સફેદમાખી એ ચૂસિયા પ્રકારની બહુભોજી જીવાત છે, તેની ઘણી જાતો છે પરંતુ આપણે ત્યાં કપાસ , ભીંડા , દિવેલા , મરચી , તમાકુ , બટાટા , રીંગણ અને વેલાવાળા શાકભાજીના પાકોમાં નુકશાન કરતી જાતી બેમીસિયા ટેબેકી થોડા- ઘણા પ્રમાણમાં લગભગ આખુ વરસ સક્રિય જોવા મળે છે કારણ કે તે ઘણા ખેતીપાકો અને નીંદણ પર પોતાનો જીવનક્રમ પસાર કરે છે . વાતવરણમાં થતો બદલાવ ઘણી વખત સફેદમાખીની વૃધિ અને વિકાસ માટે અનુકુળ આવે ત્યારે તેની સંખ્યા ટુંકાગાળામાં વધી જતી હોય છે . ખાસ કરીને જયાં કપાસનું મોડું વાવેતર થતું હોય અને વધારે પડતા નાઇટ્રોજનયુકત રાસાયણિક ખાતરો વપરાતા હોય ત્યાં સફેદમાખીનો ઉપદ્રવ સવિશેષ જોવા મળે છે. કપાસની દેશી જાતો કરતા હાઇબ્રિડ જાતોમાં તેનાથી થતું નુકશાન વધારે જોવા મળે છે . ચોમાસામાં વરસાદ બંધ થયા બાદ સૂકુ વાતાવરણ જોવા મળે , વરસાદ ખેંચાય અને છોડ લંઘાય તેવી પરિસ્થિતીમાં પણ સફેદમાખીની વસ્તી વધી જતી હોય છે. સામાન્ય રીતે કપાસના પાકમાં સફેદમાખીનો ઉપદ્રવ ઓકટોબર થી જાન્યુઆરી માસ દરમ્યાન જોવા મળે છે , પરંતુ  નવેમ્બર – ડિસેમ્બર માસ દરમ્યાન તેની વસ્તી પ્રમાણમાં વધુ હોય છે કારણ કે આ સમયગાળા દરમ્યાન દિવસ અને રાત્રિના તાપમાનમાં વધુ તફાવત જોવા મળે છે. આવુ વાતાવરણ સફેદમાખીની વૃધિ માટે વધુ અનુકૂળ રહે છે.

આજકાલ વિક્ષ્વના મોટા ભાગના દેશોમાં વાતાવરણમાં બદલાવ અથવા તો કલાઇમેટ ચેઇન્જની વાતો ચકડોળે ચડી છે.તેની અસર ખાસ કરીને સજીવ સૃષ્ટિ પર થાય છે.વાતાવરણમાં થતા આ બદલાવને લીધે મુખ્યત્વે તાપમાન અને સાપેક્ષ ભેજના પ્રમાણમાં વધ-ઘટ થવી, વરસાદની તીવ્રતા અને સમયમાં ફેરફાર થતો જોવા મળે છે. કૃષિમાં વનસ્પતિ અને પ્રાણીઓ પર વાતાવરણની અસર ખાસ ધ્યાને ખેંચેં તેવી હોય છે. વાતાવરણમાં થતા આવા ફેરફારને લીધે ખેતીપાકને તો અસર થાય છે પરંતુ જે તે પાક સાથે સંકળાયેલ જીવાતના જીવનક્રમ પર પણ તેની સારી એવી અસર જોવા મળે છે . તેની લીધે અમુક જીવાત કે જેની ગણના અગાઉ ગૌણ જીવાત તરીકે થતી હતી અને આર્થિક રીતે તેનું ખાસ કોઇ મહત્ત્વ ન હતું તેનો પ્રકોપ કયારેક વધતો જોવા મળે છે.

વાતાવરણ  ઉપરાંત કીટનાશક રસાયણો પણ સફેદમાખીના પ્રકોપ માટે જવાબદાર ઠરે છે . ક્રાયસોપા અને કોકસીનેલીડ સફેદમાખીના ઇંડા અને બચ્ચાંનું ભક્ષણ કરી કુદરતી રીતે તેની વસ્તી પર કાબૂ રાખે છે. વધારે પડતા બિનજરુરી કીટનાશક રસાયણોના છંટકાવથી કુદરતના આવા મૂક સેવકનો સફાયો થતા સફેદમાખીની વસ્તી વધી શકે છે. ભૂકારુપ કીટનાશકો જીવાતના કુદરતી દુશ્મનો (પરજીવી અને પરભક્ષી કીટકો) માટે વધુ ઝેરી સાબિત થયેલ છે તેથી શકય હોય ત્યાં પાક –સંરકક્ષણમાં ભૂકારુપ કીટનાશકનો ઉપયોગ નિવારવો હિતાવહ છે. કપાસના પાકમાં જૈવિક વિવિધતા (બાયોડાયવર્સિટિ) દ્વારા પરભક્ષી કીટકોની સંખ્યા વધે તેવા પ્રયત્નો કરવા જોઇએ. કપાસ સાથે મકાઇના છોડ (10% પ્રમાણે) ઉગાડવાથી ક્રાયસોપાની વસ્તી વધે છે .કપાસના પાકમાં જીંવડા કોરી ખાનાર ઇયળોના નિયંત્રણ માટે સતત સિંન્થેટિક પાયરેથ્રોઇડ જૂથના કીટનાશક ( ફેનવલરેટ, સાયસાયપરમેથ્રીન, ડેલ્ટામેથ્રીન, લેમડા સાયહેલોથ્રીન વગેરે ) નો ઉપયોગ કરવામાં આવે તો સફેદમાખી અને મોલોનું પુન:સર્જન(રીસર્જન) થતું હોવાના અહેવાલ છે. વધુમાં સિન્થેટિક પાયરેથ્રોઇડ જૂથની કીટનાશકોના વધારે પડતા છંટકાવથી કપાસમાં ઓલ્ટરનેરિયા નામનો રોગ વધતો હોવાનું પુરવાર થયેલ છે. તેથી આવા કીટનાશકનો વારંવાર ઉપયોગ ન કરતા ફૂલ ભમરી બેસવાના સમયે બે જ છંટકાવ કરવાં.

કપાસના બિયારણને વાવતા પહેલાં ભલામણ કરેલ કીટનાશક ( ઇમીડાકલોપ્રીડ 70 ws  અથવા થાયમેથોકઝામ 70 ws) ની બીજ માવજત આપવાથી પાકની શરુઆતની અવસ્થામાં નુકશાન કરતી ચૂસિયાં પ્રકારની જીવાતો સામે રક્ષણ પૂરુ પાડે છે. આ પ્રમાણેની બીજ માવજત પરજીવી અને પરભક્ષી કીટકો માટે  સલામત હોય છે. ખેતરમાં પીળા રંગના સ્ટિક ટ્રેપ ગોઠવી સફેદમાખીની ગતિવિધિ જાણી શકાય છે. સફેદમાખીનો ઉપદ્રવ ઓછો હોય તો શરુઆતમાં લીમડાની લીંબોળીના મીંજનો અર્ક (5%) અથવા લીંબોળીના તેલ (0.5%) નો છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય તો કૃષિ વૈજ્ઞાનિકોએ ભલામણ કરેલ શોષક પ્રકારના કીટનાશકો ( ઇમીડાક્લોપ્રીડ , થાયોમેથોકઝામ , કલોથીયાનીડીન , એસીફેટ ,થાયાકલોપ્રીડ એસીટામીપ્રીડ , ફોસ્ફામીડોન , ડાયમીથોએટ , ફલોનીકામીડ , મોનોક્રોટોફોસ વગેરે ) નો છંટકાવ વારફરતી જરુરીયાત મુજબ કરવાથી સફેદમાખીનું નિયંત્રણ થાય છે. ટ્રાઇઝોફોસ બિનશોષક પ્રકારની કીટ્નાશક સફેદમાખી સામે અસરકારક જણાયેલ છે. આધુનિક કીટનાશકોમાં સ્પાઇરોમેજીફેન ( ઓબેરોન) અને સ્પાઇરોટેટ્રામેટ (મોવેન્ટો) નામના કીટ્નાશક સફેદમાખીનું અસરકારક રીતે નિયંત્રન કરે છે.આ બધા કીટનાશકોના છંટકાવ વખતે ખાસ કાળજી એ રાખવાની કે તેનો છંટકાવ પાનની નીચેની સપાટી પર થાય તે જરુરી છે કારણકે સફેદમાખીની હાજરી મોટે ભાગે પાનની નીચેની સપાટી પર હોય છે.

આમ ભવિષ્યમાં કપાસના પાકમાં સફેદમાખીનો ઉપદ્રવ વધતો જણાય તો વૈજ્ઞાનિક ભલામણ પ્રમાણે નિયંત્રણના પગલાં લેવામાં આવે તો તેનાથી થતાં નુકસાનથી પાકને બચાવી શકાય છે. જીવાતની વસ્તી વિસ્ફોટ થાય અને તેને નાથવાના પગલા લેવા તેના કરતા તેની વસ્તી વધે નહિ તેવા અટકાયતી પગલા લેવા વધુ હિતાવહ છે.

સ્ત્રોત:-ડો.ડી.એમ.કોરાટ , સંશોધન નિયામકશ્રીની કચેરી આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-388110

કૃષિગૌવિદ્યા માર્ચ-2016 વર્ષ : 68 અંક : 11 સળંગ અંક : 815

કોલેજ ઓફ ઍગ્રીકલ્ચરલ ઇંન્ફોર્મેશન ટેકનોલોજી , આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate