অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કેસર અને કસુંબીને ઓળખો

જમીન અને વાતાવરણ :

કેસર ઊંચાઈવાળા સરોવરો જેવા વિસ્તારોમાં દરિયાઈ સપાટીથી ૧૫૮૫ થી ૧૬૭૭ મીટર ઊંચાઈ પર સમશીતોષણ વિસ્તારોમાં સારી રીતે ઉગાડી શકાય છે. કેસરની ખેતીમાં મુખ્ય અવરોધક  પરિબળ જમીનનું બંધારણ અને તાપમાન છે. કેસરની ખેતીને ઉપરના ભાગમાં ભારે પોતવાળી કાંપની ચીકણી લોમ જમીન અને નીચેના ભાગમાં કાંપની  માટી હોય તેવી જમીન માફક આવે છે. આ જમીન એલ્યુમિનિયમ, કેલ્શિયમ અને આયર્ન (આલ્ફીસોલ) થી ભરપુર અને સારા નિતારવાળી હોય છે.  સારા નિતાર ધરાવતી પોચી જમીનના કારણે મૂળનો વિકાસ સહેલાઈથી અને સારો થાય છે. જે મૂળને સડતા અને કોહવાતા અટકાવે છે. આ જમીનની  પ્રકુતિ ચૂનાવાળી અને સરેરાશ સેન્દ્રિય કાર્બન ૦.૩૫% અને કેલ્શિયમ કાર્બોનેટ ૪.૬૧% ધરાવે છે, તે થોડી ક્ષારીય હોય છે અને પી.એચ. આંક ૬૯.૩થી ૮.૩ વચ્ચે હોય છે.

વાનસ્પતિક લક્ષણો :

કેસર એ બહુવર્ષાયુ, જાંબલી રંગના ફૂલ ધરાવતો, ૧૦ થી રપ સે.મી. ઊંચાઈવાળો જમીનમાંની ગાંઠોમાંથી ઉગી નીકળતો છોડ છે. ખૂબ જ સારા વાતાવરણમાં છોડ ૨૦-૩૦સે.મી. સુધી પણ ઊંચાઈધરાવે છે અને પ્રકાશસંશ્લેષણની ક્રિયા ન થતી હોય  તેવા પ થી ૧૧ની સંખ્યામાં સફેદ રંગના પાનનું અંકુરણ થાય છે જેને “કેટાફાયલસ' તરીકે ઓળખવામાં આવે છે. કેસરના છોડની શારીરિક રચના બીજા પાકના છોડ  કરતા એકદમ અલગ હોય છે. ફૂલનો ઉદ્દભવ છોડના બીજા ભાગના વિકાસ કરતા પહેલા થાય છે. પાયાનો પીળો રંગ પરાગવાહિની જ્યારે ઉપરનો લાલ

રંગ સ્રીકેસર તરીકે ઓળખાય છે. સ્રીકેસરની લંબાઈ ૧૨ મિ.મી. હોય છે કે જેમાં અસલી કેસર હોય છે. સ્રીકેસરની લંબાઈ પરાગવાહિની સાથે ૬ર  મિ.મી. જેટલી હોય છે. પરાગવાહિનીની લંબાઈ ૫૦ મિ.મી. હોય છે કે જેમાં કેસરની સોડમ (લહેજત) હોતી નથી જેને લીધે રસોઈમાં તેની કોઈ કિંમત નથી. જો પરાગવાહિની સ્ત્રીકેસર સાથે જોડાયેલ રહે તો તે કેસરમાં ૩૦-૫૫% જેટલું સૂકું વજન વધારે છે અને ગ્રાહકોએ તેના પૈસા ચૂકવવા પડે છે.

વિકાસ અવસ્થા :

કેસરના છોડનું જીવનચક્ર ત્રણ તબક્કામાં પસાર થાય છે જેમ કે, ઉત્પાદક તબક્કો, વાનસ્પતિક તબક્કો અને સુષુપ્ત તબક્કો. પ્રથમ  તબક્કાની શરૂઆત ઠંડીની સાથે થાય છે કે જે ઉત્પાદકો માટે ખૂબ જ મહત્વનો હોય છે. ઉનાળાના અંતિમ ભાગમાં અને પાનખરની શરૂઆતમાં પિયત આપવું ખૂબ જ ફાયદાકારક છે જેથી ફૂલના ઉદ્દભવ પહેલા છોડની શારીરિક  પ્રક્રિયાની સારી રીતે શરૂઆત થાય છે. કાશ્મીરમાં આ તબક્કો મધ્ય ઓકટોબર થી નવેમ્બરના પ્રથમ અઠવાડીયા સુધી હોય છે જે ૨૦-૨૫ દિવસ સુધી  હોય છે. દરેક છોડના ફૂલોના ઉદ્દભવનો સમયગાળો છેલ્લા ૧૫-૨૦ દિવસ સુધી લંબાઈ શકે છે.

બીજો તબક્કો કેસરની ખેતી માટેનો સૌથી લાંબો તબક્કો હોય છે, જેની શરૂઆત ફૂલ આવવાની અવસ્થા પછી તરત જ થાય છે. આ તબક્કે પાનનો  વિકાસ થાય છે અને છોડના વિકાસ માટે જરૂરી તત્ત્વો પૂરા પાડે છે. આ તબક્કાની શરૂઆત વહેલા વરસાદ અથવા પિયતથી થઈ શકે છે. પાનનો  વિકાસ ફૂલોની સાથે વારાફરતી થાય છે. કાશ્મીરમાં આ તબક્કો ૬ મહિના સુધી (નવેમ્બર થી એપ્રિલ) હોય છે.

અંતમાં ત્રીજા તબક્કાની શરૂઆત પાનના વિખરાય જવાની અને વસંતમાં જીર્ણતાની સાથે થાય છે. ઉત્પાદકો આ તબક્કાને આરામના તબક્કા તરીકે ઓળખાવે છે. કાશ્મીરમાં આ સમયગાળો એપ્રિલ થી સપ્ટેમ્બર સુધીનો હોય છે. ઓક્ટોબરના મધ્ય ભાગથી નવેમ્બરની વચ્ચે ફૂલનો ઉદ્દભવ થાય છે.

ફલ આવવાના સમયે છોડમાં પાન લગભગ હોતા નથી. નવેમ્બરની શરૂઆતમાં ફૂલ બેસવાના અંતિમ સમયે છોડના પતનની શરૂઆત થાય છે અને  માતૃગાંઠમાં જીણંતા જોવા મળે છે જેના કારણે તે કરચલીવાળી અને ચપટી બની જાય છે. પાકને ચાર વર્ષ સુધી જાળવવામાં આવે છે અને સમય જતા  ગાંઠોને હળથી ઉખેડી લેવામાં આવે છે જે નવી ઉત્પાદિત ગાંઠો તરીકે ઓળખાય છે.

ફલો મોટા ભાગે મધ્ય ઓકટોબરથી મધ્ય નવેમ્બરની વચ્ચે બેસતા હોય છે. નવનિમિંત અંકુરણનું રૂપાંતર નવી ઉત્પાદિત ગાંઠમાં થાય છે અને ગાંઠનો વિકાસ પ્રકાશસંશ્લેક્ષણ અને માતૃગાંઠમાં આવેલા રક્ષિત ખોરાકના કારણે થાય છે. પૂર્ણ રૂપાંતરણ બાદ ગાંઠમાં કરચલી પડી જાય છે અને નવી ગાંઠ માટે જગ્યા કરી આપે છે. ફૂલો આવે કે ના આવે પાનનો  ઉદ્દભવ થાય છે અને ૪૦-૬૦ સે.મી. કદ ધારણ કરે છે. માર્ચ મહિનાની આસપાસ મૂળ સંકોચાઈ જાય છે અને સુકાઈ જાય છે. પાનનો રંગ એપ્રિલની  શરૂઆતમાં બદલવા લાગે છે.

બિયારણ :

કેસરના છોડમાં નરવંધ્યતાને કારણે છોડ પર બીજ બેસતા નથી જેથી લસણ જેવી ગાંઠોનો ઉપયોગ બિયારણ માટે કરવામાં આવે છે. કેસરમાં ફૂલ  આવવા માટે આ ગાંઠોને ત્રણ મહિના જેટલા સમય સુધી અત્યંત ઠંડા વાતાવરણમાં રાખવી પડે છે. આમ માવજત આપેલ કેસરની ગાંઠોને આ પ્રકારના  એટલે કે કાશ્મીર જેવા અત્યંત ઠંડા નિયંત્રિત વાતાવરણમાં ઉગાડવામાં આવે તો પહેલા વર્ષે ફૂલ આવે છે પણ ગાંઠો બનતી નથી જેથી નવું બિયારણ  ખરીદવાની જરૂર પડે છે. વનસ્પતિશાસ્ર મુજબ આ ગાંઠો ટૂંકી અને જાડી હોય છે. ગાંઠોને તેના વજન અને આકાર પ્રમાણે વર્ગીકરણ કરવું ખૂબ જ  અગત્યનું છે. નાની ગાંઠો પ્રથમ વર્ષ દરમ્યાન ફૂલોનો ઉદ્દભવ કરી શકતી નથી. જે ગાંઠોનું કદ ૨.૫. સે.મી. કરતા વધારે હોય તેમાં ફૂલનો ઉદ્દભવ થાય છે.  ગાંઠોનું વજન ૧ થી ર૦ ગ્રામ વચ્ચે હોય છે. બે ગ્રામ આસપાસ વજન ધરાવતી ગાંઠોમાં ફૂલનો ઉદ્દભવ થતો નથી જ્યારે ૮ ગ્રામ વજન ધરાવતી ગાંઠોમાં  મર્યાદિત ફૂલનો ઉદ્ભવ થાય છે, જયારે ૧૦ ગ્રામ કરતા વધુ વજન ધરાવતી ગાંઠોમાં ફૂલનો સારો ઉદ્દભવ થાય છે જે વધુ ઉપજ માટે જરૂરી છે. કેસરની ખેતી માટે બિયારણનો દર (ગાંઠો) ૧.૫-૨.૦ ટન/હેકટરની જરૂરી પડે છે. જ્યારે અમુક પ્રગતિશીલ ખેડૂતો ૪.૦ ટન/હેકટરનો ઉપયોગ કરે છે. ગાંઠોના  વાવેતર માટે ઓગષ્ટના છેલ્લા અઠવાડીયાથી મધ્ય સપ્ટેમ્બર સુધી ખૂબ જ અનુકૂળ સમય હોય છે. સારી વિકસિત અને રોગમુક્ત ગાંઠો સારા ઉત્પાદન માટે ખૂબ જ જરૂરી છે.

ઊંડાઈ અને અંતર :

વાવેતરની ઊંડાઈ ૭.૫-૧૦ થી ૧૧-રર સે. મી. સુધીની હોય છે. ઈટાલીમાં ૧૫ સે.મી. ઊંડાઈનું વાવેતર ખૂબ જ સારૂ પરિણામ આપે છે. વાવેતરની ઊંડાઈ ગાંઠોના ઉત્પાદન પર અસર કરે છે. છીછરા વાવેતરથી ગાંઠોનું વધુ ઉત્પાદન મળે છે. ઊંડા વાવેતરમાં જ્યારે હારમાં વાવેતર કરતા હોઈએ ત્યારે  બે હાર વચ્ચેનું અંતર ૧૫-૨૦ સે.મી. જેટલું રાખવું જોઈએ. બે ગાંઠો વચ્ચેનું અંતર તેના કદ પર આધાર રાખે છે.

લણણી :

ફલોની લણણી કરવી એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. ફૂલ નીચે તરફથી લેવામાં આવે છે. જ્યારે બંધ રહેલા ફૂલ દિવસ પસાર થતા કરમાઈ જાય છે.  સ્પેનના અમુક ભાગોમાં ફૂલ ખુલ્યા પછી તેને લેવામાં આવે છે. કુશળ કારીગરો જમણા હાથના અંગુઠા વડે પેરાગોન ટ્યુબના ઉપરના ભાગને કાપી નાખે  છે, જેના કારણે પરાગવાહિની પણ દૂર થઈ જાય છે અને સ્રીકેસરનો ભાગ અલગ થઈ જાય છે જે તેમાં આવેલ ત્રણ તંતુને જોડી રાખે છે. કાશ્મીરમાં હાથ  વડે ફૂલોને લેવામાં આવે છે. આ કામગીરી મોટા ભાગે વહેલી સવારમાં મહિલાઓ દ્વારા થાય છે. ફૂલોને ટોપલીમાં મૂકવામાં આવે છે જેને દેશી ભાષામાં  “ટોકરી' કહેવાય છે. ત્યારબાદ છાંયાવાળી જગ્યાએ સ્રીકેસરને દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય છે અને આખો દિવસ/રાત આ કાર્ય માટે ફાળવવો પડે છે. ત્યારબાદ અલગ પાડેલા ભાગને ર-૩ દિવસ સુધી છાંયાવાળી જગ્યાએ ૧૦-૧૧% ભેજ રહે ત્યાં સુધી સૂકવવામાં આવે છે. સુકાયેલા  ભાગને પોલી બેગમાં પેક કરીને રૂમ તાપમાને સંગ્રહ કરવામાં આવે છે. (સ્રીકેરસરને દેશી ભાષામાં “મોગરા' અને સ્રીકેસર પરાગવાહિની સાથે જોડાયેલું  હોય તેને “લાછા' તરીકે ઓળખવામાં આવે છે.)

ઉત્પાદન :

કેસરનો આર્થિક ભાગ સ્રીકેસર છે. આશરે ૧૫૦ ફૂલો ભેગા કરતા ૧ ગ્રામ સૂકુ કેસર બને છે. આવું ૧૨ ગ્રામ સૂકુ કેસર (૭ર ગ્રામ ભીનું કેસર) મેળવવા માટે ૧ કેલો ફૂલોની જરૂરપડે છે. તાજુફૂલ ૩૦ મિ.ગ્રા. તાજુ કેસર અથવા ૭ મિ.ગ્રા. સૂકુ કેસર આપે છે  જેથી કેસરનો હાર્વેસ્ટ ઈન્ડેક્ષ ૦.૫%કરતા પણ ઓછો હોય છે જ્યારે અન્ય પાકોના ૩૦-૬૦% હોય છે. જેથી, નીચો હાર્વેસ્ટ ઈન્ડેક્ષ અને ઊંચી કિંમતને  કારણે આ પાક ભેળસેળનો વારંવાર ભોગ બને છે. કેસરની અંદર ભેળસેળમાં ઉપયોગમાં લેવાતા પદાર્થોમાં પ્રાણીઓના આંતરડા, ગલગોટા, કૃત્રિમ રંગો  (મિથાઈલ ઓરેન્જ), મકાઈના ફૂલનો સ્રીકેસર ભાગ (ટેસલ) અને વધુ પ્રમાણમાં વપરાતા પદાર્થમાં કસુંબીના ફૂલનો ઉપયોગ થાય છે તેથી વધુ પ્રમાણમાં  કેમિકલ અને બાયોટેકનોલોજીક્લ સંશોધન થાય છે. ભેળસેળ એ એતિહાસિક સમસ્યા છે જે આજ સુધી વણઉકેલાયેલો કોયડો છે. ગ્રાહકો માટે કેસરની  ખેતીમાં થતી ભેળસેળ એ વિશ્વની અંદર એક કાયમી સમસ્યા છે.

કેસરના ભેળસેળની ઘરગથ્થુ ચકાસણી :

મુખ્યત્વે કેસરના તંતુઓ પોતાનો રંગ ઝડપથી છોડતા નથી, જ્યારે કેસરના તંતુને પાણી ભરેલા ગ્લાસમાં રાખતા જો તે તેનો રંગ બદલે તો તે નકલી કેસર  હોય છે. કેસરનો પાઉડર સહેલાઈથી ભેળસેળયુક્ત થઈ શકે છે, આ માટે હળદરના પાઉડરનો ઉપયોગ થાય છે. આ સિવાય અન્ય કેટલીક વસ્તુઓ પણ  કેસરનું વજન વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે જેમકે, મિનરલ અથવા વાનસ્પતિક તેલ અથવા ગ્લીસરીન ભેજનું પ્રમાણ વધારવું (પુરતુ સુકવવું  નહિ). કેસરની ખરીદી કરતી વખતે તેના આઈએસએઓ સ્ટાર્ન્ડ્ડ (13૦ ડાદ્વાવદ્ત-3632)ની અવશ્ય ચકાસણી કરવી જોઈએ

આણંદ કૃષિ યુનિવસિટીની ભલામણ :

સાચા કેસરની ખેતી ભારતમાં કાશ્મીરમાં થાય છે. ગુજરાતની આબોહવા આ પાકની ખેતી માટે અનુકુળ નથી જેથી આ ખેતી ગુજરાત રાજ્ય ખુલ્લા/ નિયંત્રિત વાતાવરણમાં આર્થિક દ્રષ્ટિએ અર્થક્ષમ નથી. આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે બાયોટેકનોલોજીને લગતી એક સંશોધન યોજના હેઠળ કેસરમાં રંગ અને સુગંધને લગતા જનીનોની ઓળખ કરીને બીજા અગત્યના  પાકોમાં ગુણવત્તા સુધારણા માટે નિયંત્રિત વાતાવરણમાં સંશોધનના હેતુ અર્થે કેસરના છોડ ઉછેરવામાં આવે છે જે આર્થિક દ્રષ્ટિએ ખેડૂતો માટે ખેતી  કરવા માટે અથક્ષમ નથી તથા કેસરની ખેતી અંગે હાલ આણંદ કૃષિ યુનિવસિટી કોઈપણ જાતની ભલામણ કરતી નથી.

ગુજરાત તથા રાજસ્થાનના કેટલાક ખેડૂતો કસુંબીને કેસર માની તેનું વાવેતર કરે છે જે ખરેખર તેલીબિયા પાક છે જેનું વાનસ્પતિક નામ Corthamus tinctorius છે અને અંગ્રેજીમાં Safflower તરીકે ઓળખાય છે. તેનું વાવેતર બીજથી થાય છે. તેનો છોડ ૩૦ થી ૧૫૦ સે.મી. જેટલો ઊંચો હોય છે.  મીડિયામાં ગુજરાતમાં કેસરની ખેતીના જે સમાચાર પ્રસિદ્ધ થયેલ છે જેમાં બતાવેલ છોડ જોતાં તે કસુંબીનો છોડ લાગે છે પરંતુ, કેટલાક ખેડૂતો આ  છોડને અસલી કેસરના પાકના નામે ભ્રમ ફેલાવે છે.

કસુંબી :

કસુંબીનું મૂળ વતન એ મધ્ય પૂર્વ એશિયા છે. યુરોપ અને અમેરિકામાં મોટા પાયે તેનું વાવેતર કરવામાં આવે છે. ભારતમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર અને  આંધ્રપ્રદેશમાં તેનું વાવેતર કરવામાં આવે છે. કસુંબી એ અત્યંત ડાળીવાળો પીળાથી કેસરી રંગના ફૂલ ધરાવતો છોડ છે જેનું વ્યાપારી ધોરણે વાનસ્પતિક  તેલ માટે વાવેતર કરવામાં આવે છે. સામાન્ય રીતે તે ગોળાકાર, પીળા, કેસરી કે લાલ રંગના ફૂલ ધરાવતો ૩૦ થી ૧૫૦ સે.મી. ઊંચાઈ ધરાવતો છોડ છે.  પરંપરાગત રીતે આ છોડને તેના બિયારણ માટે વાવેતર કરવામાં આવે છે જે રંગકામ અને સ્વાદ તથા ખોરાકમાં સુગંધ માટે ઉપયોગ કરવામાં આવે છે  તથા દવાઓમાં, લાલ રંગની કાર્થેમીનની બનાવટમાં તથા પીળા રંગની ડાય બનાવવામાં ઉપયોગ થાય છે. છેલ્લા પચાસ વર્ષોથી ખાસ કરીને ડસુંબીનું  વાવેતર મુખ્યત્વે વાનસ્પતિક તેલ માટે થાય છે.

પ્રસંગોપાત કસુંબીના ફૂલો કેસરની જગ્યાએ રસોઈમાં વપરાય છે. તેને “નકલી કેસર' તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં આ નકલી કેસરને ૨૦,૦૦૦ થી ૨૫,૦૦૦ પ્રતિ કિલોગ્રામથી ભોળા ખેડૂતોને છેતરીને વેચાણ કરવામાં આવે છે.

કસુંબીની ડાળીઓમાં ૧ થી પ ફૂલ આવેલા હોય છે જે ૧ ઈંચનો ઘેરાવો ધરાવે છે. ફૂલનો વિકાસ જૂનના અંતમાં થાય છે અને શરૂઆત મધ્ય જુલાઈમાં  થાય છે. દરેક ફૂલોમાં ૧૫ થી ૩૦ બીજ આવેલા હોય છે જેમાં ૩૦ થી ૪૫% જેટલું તેલનું પ્રમાણ હોય છે. બિયારણ મોટા ભાગે સપ્ટેમ્બરમાં પરિપક્વ થાય  છે. કસુંબીના તેલમાં રહેલું લિનોલેનીક એસિડ એ ધમનીઓને કડક થતી અટકાવે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે, હૃદયરોગના હમલા અને લોહીનું દબાણ ઘટાડે  છે.

વિશ્વમાં સૌથી વધુ કેસરનો ઉત્પાદક દેશ ઈરાન છે. વિશ્વના કુલ ઉત્પાદનમાં ઈરાન ૭૬% (ર૩૦ ટન) હિસ્સો ધરાવે છે. ઈરાનના કુલ ઉત્પાદનમાંથી ૭૫.૧% ઉત્પાદન ખોરાસાન વિસ્તારમાં થાય છે. થોડા ઘણાં પ્રમાણમાં ગ્રીસ, ભારત, ઈટલી, મોરક્કો અને સ્પેન જેવા દેશોમાં પણ કેસરનું ઉત્પાદન થાય છે. છેલ્લા કેટલાક દાયકાથી ઈરાન કેસરનું વાવેતર ૧૧.૫%ના વિકાસ દરથી વધારતું જાય છે જ્યારે કાશ્મીરનો વિકાસ દર ૭.૫% છે. ભારતમાં જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં તેનું ઉત્પાદન થાય છે. કાશ્મીર ખીણમાં આવેલા વિસ્તારો જેવા કે જમ્મુ, લદાખ, બાલ્ટિસ્તાન, ગિલ્ગીટ, હુન્ઝા અને નગર જેવા વિસ્તારોને કેસરનું સ્વર્ગ ગણવામાં આવે છે કે જ્યાં માફકસર વાતાવરણ અને જમીન ઉપલબ્ધ છે. ભારતીય દેશી ભાષા મુજબ આ સોનેરી મસાલાને સંસ્કૃતમાં “કુમકુમ' અને કાશ્મીરી ભાષામાં “કોંગ' કહેવામાં આવે છે.

સ્ત્રોત: ડૉ. કે. બી. કથીરીયા, શ્રી ડી. એચ. દૂધાત, સંશોધન નિયામકશ્રીની કચેરી, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ - ૩૮૮ ૧૧૦, ફોનઃ (૦૨૯૯૨) ૨૯૩૬૦૦

કૃષિગોવિદ્યા ,અગોસ્ટ-૨૦૧૫ વર્ષ: ૬૮ અંક: ૪ સળંગ અંક : ૮૦૮

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઈનફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate