অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ફાલસાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

ફાલસા F (2n=18) એ ટિલીએસી કુળનું ગૌણ ફળ છે. આ કુળમાં કુલ ૪૧ જાતિ તથા ૪૦૦ પ્રજાતિ નોંધાયેલ છે. જે પૈકી ''ગ્રેવિઆ સુબિનાઈકવાલિસ'' એ વ્યાપારિક અગત્યતા ધરાવતી પ્રજાતિ છે. ફુલ પીળા રંગના ઉભયલીંગી પ્રકારના તથા ફળ વટાણા જેટલા કદના હોય છે. તેના ફળને વાનસ્પતિક ભાષામાં દ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. તેના પાન ખાંચાવાળા હોય છે.
ફાલસાનું ઉત્પતિ સ્થાન ભારત માનવામાં આવે છે. ફળ કદમાં નાના, વારંવાર ઉતારવાનો ખર્ચ, ઉતાર્યા પછી ફળની ટકાઉશકિત ઓછી હોવાથી ઝડપથી બગડી જતા હોવાથી આપણા દેશમાં ખાસ કરીને હરિયાણા, પંજાબ, ગુજરાત, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ, અને મહારાષ્ટ્ર રાજયમાં ફાલસાની ખેતી મોટા શહેરોની આજુબાજુના વિસ્તારમાં થાય છે. ફળમાં વિપુલ પ્રમાણમાં વિટામીન એ તથા સી તેમજ ફોસ્ફરસ અને લોહતત્વ મળે છે. તેમાંથી ઉત્તમ પ્રકારનું શરબત બનાવી શકાય છે. ફાલસાના ફળનો રસ સ્કવોશ અને ઠંડાપીણા બનાવવા માટે વપરાય છે. ફળ પાકે ત્યારે જાંબુડીયા રંગના થાય છે. આ એક ખુબ જ સખત પાક હોય વરસાદની અછતવાળા પ્રદેશમાં પણ ટકી શકે તેવો છે. ઓછી માવજતે સહેલાઈથી થઈ શકે છે. છોડ બુશ પ્રકારનો છે. મલ્ટી સ્ટોરી ક્રોપીંગ સિસ્ટમ માટે આદર્શ પાક ગણાવી શકાય. આમળાં, બિલી તથા બોર જેવા ફળપાકો સાથે આંતરપાક તરીકે લઈ શકાય છે. તે ઉત્તમ પ્રકારના ઔષધિય ગુણો પણ ધરાવે છે. લોહીના શુધ્ધીકરણ માટે વિશેષ ઉપયોગી છે. ફાલસાના છોડને છાંટણી કર્યા વગર ઉછેરવામાં આવે તો તે એક ઝાડનું સ્વરૂપ ધારણ કરી શકે છે.

અન્ય નામ :

હિન્દીમાં ફાલસા, પર્સા, કેરા, ધામિની ;ઉર્દુમાં ફાલ્સાહ, પંજાબીમાં પાલસા, મરાઠીમાં ફાલ્સી, તેલુગુમાં જાન વિગેરે.

ફાલસાનું પોષણ મુલ્ય :

ફાલસાના ૧૦૦ ગ્રામ ખાદ્ય પદાર્થમાંથી વિટામીન સી : રર મિ.ગ્રા., કેરોટીન : ૪૧૯ માઈક્રોગ્રામ, નાયેસીન : ૩૦૦ માઈક્રોગ્રામ, પ્રોટીન : ૧.પ %, કાર્બોહાઈડ્રેટ : ૧૪.૭ %, ભેજ : ૮૦.૮ %, ચરબી : ૦.૯ %, રેસાઃ ૧.ર %, કેલ્શિયમ : ૧ર૯ મિ.ગ્રા., ફોસ્ફરસઃ ૩૯ મિ.ગ્રા., અને લોહઃ ૩.૧ મિ.ગ્રા. મળે છે.

હવામાન :

ફાલસાના પાકને સમશીતોષ્ણ આબોહવા કે જયાં શિયાળો અને ઉનાળો એકદમ જુદા પડતા હોય તેવું હવામાન વધુ અનુકુળ પડે છે. વધુ ઠંડીમાં છોડના પાન ખરી પડતા હોવાથી હિમ સામે પણ ટકી શકે છે. ઉષ્ણકટિબંધના ભેજવાળા હવામાનમાં સતત અને અનિયમિત પાક આવતો હોવાથી ફળોની ગુણવત્તા સારી હોતી નથી. વધુમા વધુ ૪૪ ડિગ્રી સે. ગ્રેડ તાપમાન સહન કરી શકવાની ક્ષમતા ધરાવે છે.

જમીન :

લગભગ બધાં જ પ્રકારની જમીનમાં આ પાક થઈ શકે છે. પરંતુ રેતાળ બંધારણવાળી, લોમી તેમજ ગોરાડુ જમીન કે જેનો નિતાર સારો હોય તેમાં છોડનો વિકાસ સારો થાય છે. ફાલસાનો પાક જમીનમાં ક્ષારનું પ્રમાણ હોય તો સહન કરી શકે છે. ચૂનાના તત્વોવાળી તથા જમીનમાં પાણી ભરાઈ રહેતું હોય તે અનુકૂળ નથી.

જાતો :

મીઠા ફળવાળી અને ખાટા ફળવાળી જાતો તથા ઠીંગણી (૩.૩૯ મી. ઉંચાઈ) અને ઉંચી જાતો જોવા મળે છે. સામાન્ય રીતે ઠીંગણી જાતો (લોકલ, શરબતી) નો વ્યાપારીક ધોરણે વાવેતરમાં ઉપયોગ થાય છે. કારણ કે તે વધુ ઉત્પાદન આપેે છે (પ.૧૯ કિલો પ્રતિ છોડ) તથા રસના ટકા (૩.૪૬ %) પણ વધુ ધરાવે છે અને ટીએસએસ નું પ્રમાણ પણ ઉંચું (૧૦ થી ૧ર %) ધરાવે છે.

પ્રસર્જન :

ફાલસા એ સંપૂર્ણ સ્વપરાગિત પાક હોય તેનું પ્રસર્જન બીમાંથી રોપ ઉછેરી કરવામાં આવે છે. બીજ વાવતા ૧પ થી ર૦ દિવસમાં ઉગી નીકળે છે. તાજા બીજને સામાન્ય રીતે પોલીથીન બેગમા ૩ માસ તથા કોલ્ડ સ્ટોરેજમાં ૬ માસ સુધી સંગ્રહી શકાય છે. સમય જતા બીજની સ્ફૂરણશકિત ઓછી થતી જાય છે. એટલે તાજા ફળોના બીજ વાવવા હિતાવહ છે. કયારામાં બીજને ૩૦ × ૬ સે.મી ના અંતરે વાવણી કરવા ર અઠવાડીયામાં બીજનું સ્ફૂરણ થાય છે. જુલાઈ ઓગસ્ટ બીજ વાવણી માટે ઉત્તમ ગણાય છે. ચાર માસ બાદ એટલે કે જાન્યુઆરીફેબ્રુઆરી માસમાં ફેરરોપણી માટેના છોડ તૈયાર થાય છે. બીજને કયારામાં વાવવાને બદલે ૩૦૦ ગેઈજ જાડાઈની રપ સે.મી માપની પોલીથીલીન બેગમાં ૧:૧ માટી અને છાણિયું ખાતરનાં મિશ્રણથી ભરેલ માધ્યમમાં વાવવામાં આવે તો ઉગાવો સારો થાય છે.

રોપણી :

ફાલસાની ફેરરોપણી ૩ ×૩  મીટરનાં અંતરે જાન્યુઆરીફેબુ્રઆરી માસમાં ચોરસ પધ્ધતિથી ૩૦×૩૦×૩૦ સે.મી.ના માપના ખાડા ખોદી તપવા દઈ, ત્યારબાદ છાણિયું ખાતર (પ કિલો) અને માટીના મિશ્રણથી ખાડા ભરી અને વરસાદ ન હોય તો પિયત આપી છોડની ફેરરોપણી ખાડાની મધ્યમાં રોપની માટીનું પિંડ છુટું ન પડી જાય તે રીતે કરી ફરતે માટી દબાવવી અને તુરત જ પાણી આપવું. ર × ર મીટરના અંતરે ચોરસ પધ્ધતિથી વાવણી કરવાથી હેકટરે રપ૦ રોપ મેળવી શકાય છે. રોપણી ચોમાસામાં અને ફેબુ્રઆરી માસમાં કરી શકાય છે.

ખાતર વ્યવસ્થા :

બીજા વર્ષથી છાંટણીબાદ પ થી ૧૦ કિલો સારું કોહવાયેલું છાણિયું ખાતર અને ર૦૦ ગ્રામ નાઈટ્રોજન, ૧૦૦ ગ્રામ ફોસ્ફરસ અને પ૦ ગ્રામ પોટાશ છોડદીઠ આપવાથી સરદાર કૃષિનગર ખાતેના અભ્યાસમાં સારૂં પરિણામ મળેલ. અડધો નાઈટ્રોજન અને બધો જ ફોસ્ફરસ અને પોટાશ છાંટણી બાદ આપવા અને પિયત આપવું. બાકીનો અડધો નાઈટ્રોજન એક મહિના બાદ આપવો. ખાતર આપી પિયત આપવું.

ગૌણ તત્વોનો ઉપયોગ :

ફાલસાના પાકમાં ઝીંક અને ફેરસ (લોહ) ની ઉણપ જોવા મળે છે. તે માટે ઝીંક સલ્ફેટ ૦.૪ ટકા તથા ફેરસ સલ્ફેટ ૦.૪ ટકાનું દ્વાવણ ફૂલો આવવાની શરૂઆતમાં અને ફૂલો આવવાનું પુરુ થયા બાદ એમ બે છંટકાવ કરવાથી ફાયદો થાય છે.

લીફ સેમ્પલીંગ ટેકનીક ( ન્યુટ્રીયન્ટ સ્ટેટસ માટે) : ડાળીની ટોચથી ચોથું પાન

વૃધ્ધિ નિયંત્રકનો ઉપયોગ :

સરદાર કૃષિનગર ખાતેના એક અભ્યાસમાં સારા કદના ફળ અને વધુ ઉત્પાદન માટે ૦.પ ટકા યુરિયાના દ્વાવણ સાથે જી. એ. (જીબ્રેલીક એસિડ) રપ મિલીગ્રામ / લિટર પાણીમાં ઓગાળી પ૦ % ફૂલો આવી ગયા બાદ અને ત્યારબાદ ૧૦ દિવસ બાદ ફરી એમ ર  છંટકાવ કરવાથી સારૂં પરિણામ મળેલ હતું. જીએ ૬૦ પીપીએમ અને રટી પ પીપીએમ નો છંટકાવ ફૂલ આવવાના સમયે કરવાથી ફળનું કદ તથા ઉત્પાદન વધુ મેળવી શકાય છે.

પિયત વ્યવસ્થા :

પ્રથમ પિયત ફેબુ્આરી માસમાં આપવું ત્યારબાદ ઉનાળામાં ફૂલ, ફળ બેસવાની શરૂઆત થાય ત્યારથી નિયમિત ૧પ થી ર૦ દિવસે પાણી આપવું. ટપક સિંચાઈ પધ્ધતિનો ઉપયોગ કરી પિયત પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે.

છાંટણી અને કેળવણી :

ફાલસાના છોડમાં નવી વૃધ્ધિ ઉપર નિયમિત આવતાં હોવાથી દર વર્ષે નિયમિત  છાંટણી કરવામાં આવે છે. જુદા જુદા સમયે છાંટણીના અભ્યાસમાં ડિસેમ્બરનાં અંતમા (સુષુપ્ત અવસ્થામાં)અથવા જાન્યુઆરીની શરૂઆતમાં છોડને જમીનથી એક મીટર ઉંચાઈ રાખી ઉપરની ડાળીની છાંટણી કરવાથી સારૂં પરિણામ મળેલ છે. છોડ દીઠ પ થી ૬ તંદુરસ્ત ડાળીઓ (૧પ સે.મી. લંબાઈની) રહેવા દઈ બીજી ડાળીઓ કાપી નાંખવામાં આવે છે. નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીની ખેડુત ઉપયોગી ભલામણ મુજબ ફાલસામાં બે પાક લેવા માટે ફાલસાને જમીનથી  સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં અને ફરીથી જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં એમ કુલ બે વાર છોડને જમીનથી ૭પ થી ૧૦૦ સે.મી ની ઉંચાઈ રાખી ઉપરની ડાળીની છાંટણી કરવાથી સારૂં પરિણામ મળેલ છે. છાંટણી બાદ ખેતર બરાબર ખેડી, ૧૦ દિવસ બાદ છોડના થડની ફરતે રીંગ તૈયાર કરી છોડ દીઠ ખાતર વ્યવસ્થામાં દર્શાવ્યા પ્રમાણે ખાતર આપવાં. છાંટણી કરતા નીકળેલ ડાળીઓ ટોપલા બનાવવામાં અને બળતણમાં વપરાય છે.તથા તેમાથી રેસા પણ મેળવી શકાય છે. તેના લાકડામાંથી ગોલ્ફની શાફટ પણ બનાવી શકાય છે.

અન્ય માવજત :

ચોમાસાની ૠતુમાં મગ કે ચોળાનો લીલો પડવાશ લઈ શકાય છે. શિયાળામાં ખેડ કાર્ય કરવા હિતાવહ નથી. છાંટણી કર્યા બાદ એકાદ ખેડ કરવાથી નિંદામણ ઉપર કાબુ મેળવી શકાય છે. ઉનાળામાં પાકને નિંદામણથી મુકત રાખવો ફાયદાકારક છે.

રોગ અને જીવાત :

ફાલસાના પાકમાં રોગ અને જીવાતનો ખાસ ઉપદ્વવ નથી. પરંતુ કયારેક પાનનાં ટપકાંનો રોગ અને જીવાતમાં મીલીબગ અને  છાલ તથા પાન ખાનાર ઈયળનો ઉપદ્વવ જોવા મળે છે. ફૂગનાશક (કાર્બેન્ડાઝિમ ૧ ગ્રામ / લિ. અથવા મેન્કોઝેબ ર ગ્રામ / લિ.) અને કીટકનાશક દવાનો (૧૦ લિ. પાણી માં ડાયફેન્થીયુરોન ૧૦ ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૧૦ મીલી. સાથે ૧૦ ગ્રામ ધોવાના સોડા) સમયસર છંટકાવ કરવાથી નિયંત્રણ થાય છે.

ઉત્પાદન :

રોપણી બાદ પ્રથમ વર્ષથી ફળ બેસવાનું શરૂ થાય છે. પરંતુ ત્રીજા વર્ષથી છોડ વ્યાપારિક ધોરણે સારૂં ઉત્પાદન આપતો થાય છે. મે મહિનામાં ફળો તૈયાર થાય છે. ફળના કલરને ધ્યાનમાં રાખી ફળો જેમ જેમ પાકતા જાય તેમ તેમ (ર થી ૩ દિવસના અંતરે) ઉતારી બજારમાં મોકલવા પડે છે. ફળો સ્વાદમાં લહેજતદાર હોવાથી તાજા ખાવા ખૂબ ગમે છે. બાળકોને અતિપ્રિય છે. ફુલ આવ્યેથી એક મહિનામાં ફળો તૈયાર થાય છે. પુખ્ત વયના ઘટાદાર સારી માવજત દ્રારા છોડ દીઠ પ થી ૬ કિલો ફળ મળે છે. સારી માવજતથી આથી વધુ ઉત્પાદન લઈ શકાય છે. ફળ પ૦ થી ૬૦ % રસ; ૧૦ થી ૧ર % ખાંડ અને ૧ર % ટીએસએસ અને ર થી ર.પ % ખટાશ ધરાવે છે.

સંગ્રહ :

ફળનો રંગ બદલવાના તબકકે ફળ ઉતારવાથી ર થી ૩ દિવસ સુધી ઓરડાના તાપમાને રાખી શકાય છે. જયારે કોલ્ડ સ્ટોરેજમાં ૭૦ સે. ગ્રેડ ઉષ્ણતામાનેે ૭ દિવસ સુધી સંગ્રહી શકાય છે. લાલા કલરના પાકા ફળો ઉતારવાથી તેનો સંગ્રહ ફકત એકજ દિવસ કરી શકાય છે.

મૂલ્ય વર્ધિત પેદાશ :

શરબત, આર ટી એસ, નેકટર, સ્કવોશ, સીરપ, જામ, અથાણું વિગેરે. ફાલસાના ઝાડની છાલનો ઉપયોગ, ગોળની બનાવટ દરમિયાન કરી શકાય છે.

નોંધ: અહી આપવામાં આવેલ માહિતી જગ્યા, વાતાવરણ અને સમય પ્રમાણે બદલાઈ શકે છે

સ્ત્રોત: શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ, કૃષિ યુનિવર્સિટીના જૂનાગઢ, આણંદ,નવસારી અને સરદાર કૃષિનગર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate